કાવ્યમંગલા/ભરતીએ ઓટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભરતીએ ઓટે
(અંજની)

વ્હાણ તટે સવળ્યાં જળસ્પર્શે,
લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે,
ભરદરિયે નાવિક ઝૂકવશે
ચઢતી ભરતીએ.

પંકજદલ ઉઘડ્યાં શશિસ્પર્શે,
ગાન ચકોરતણું નભ ભરશે,
સાગરનું દિલ મુગ્ધ ઉછળશે,
જીવનભરતીએ.

ચંદ્રકળા થઈ અસ્ત અભાગી,
સાગરનીર ગયાં તટ ત્યાગી, ૧૦
રટતાં તટતરુ ‘હા, અણરાગી !’
ઓસરતી ઓટે.

વહાણ વળ્યાં જળસફરો ખેડી,
આશ નિરાશ વિવિધ લઈ વેડી,
કોણ હવે નોતરશે કેડી
જીવનની ઓટે?

(સપ્ટેમ્બર, ૧૯૩૦)