કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રવાસ પર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧. પ્રવાસ પર

અમને બંનેને પ્રવાસનો બહુ જ શોખ છે. અમારું ચાલે તો અમારું ઘર ટ્રેનમાં, બસમાં, સ્ટીમરમાં, વિમાનમાં બનાવીએ અને ઉત્તર - દક્ષિણ - પૂર્વ - પશ્ચિમ ચારે દિશામાં અમારો મુકામ હોય. પણ પ્રવાસ કરવા માટે પૈસા પડે છે, અને સ્વાભાવિક રીતે જ, અમારી પાસે એટલા પૈસા નથી (હોઈ શકે નહીં, કારણ કે પૈસા હોત તો અમને પ્રવાસને બદલે ઠરીઠામ થઈને બેસી રહેવામાં વધુ રસ હોત). એટલે પછી અમે કલ્પનામાં ને વિચારોમાં પ્રવાસ કરીએ છીએ અને અમારો વરંડો જ ક્યારેક અંધારામાં જળ પર ડોલતી સ્ટીમર બને છે, ક્યારેક કોઈ હિલ - સ્ટેશન પરના ડાકબંગલાનો રૂમ. રાતે વરંડામાં અમે ખુરશી નાખીને બેસીએ છીએ અને કોલ્ડ કૉફી પીએ છીએ. અચા નક અનુરાગ કહે છે : ‘મુદા, પછી આવતી કાલે આપણે ક્યાં જવાનું છે?’ હું મારો મૂડ હોય તે પ્રમાણે જવાબ આપું છું : મસૂરી અથવા રાજસ્થાન કે પછી જગન્નાથપુરી. તે કહે છે : ‘તો પછી રાતે સામાન બાંધી લેવો પડશે. અને સાંભળ, મસૂરીમાં ઠંડી બહુ હશે. આપણે નૈનિતાલ ગયાં ત્યારે તારે માટે ગરમ કોટ સિવડાવ્યો હતો, તે લેવાનું ભૂલતી નહીં.’ ઘણી વાર સાંજે, ઑફિસેથી આવીને અનુરાગ બહાર વરંડામાં આરામખુરશીમાં પગ લાંબા કરીને બેસે છે. નિત્શે કે બર્ગસોંનું એકાદ પુસ્તક લઈને હું પાસે બેસું છું. એ કહે છે : ‘ઠીક મુદા, હું પણ ખરો ભુલકણો થતો જાઉં છું. આજે આપણે ક્યાં છીએ તે હું ભૂલી જ ગયો છું. આ કયું ગામ છે?’ હું કહું છું : ‘એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. આપણે એટલો બધો પ્રવાસ કરીએ છીએ કે ક્યાં છીએ તે ભૂલી જવાય.’ એ કહે છે : ‘હા, પણ આજે આપણે ક્યાં છીએ?’ અને હવામાં ભીનાશભરી ઠંડી ને આકાશમાં શ્વેત વાદળનાં શિખર હોય તો હું કહું છું : આપણે કાશ્મીરમાં છીએ. વાતાવરણમાં ગરમી ને ઉકળાટ હોય તો કહું છું : ભૂલી ગયો? આજે આપણે મદ્રાસમાં છીએ. ઉલ્લસિત થઈને એ કહે છે : ‘હા, હા, ખરી વાત. કાલે સવારે વહેલી તૈયાર થઈ જજે, આપણે મરીના બીચ ફરવા જઈશું. મરીના બીચ દુનિયાનો એક સૌથી સુંદર દરિયાકાંઠો ગણાય છે.’ હું ધીમે ધીમે કહું છું : ‘તું કેટલો ભુલકણો થતો જાય છે? ગઈ કાલે આપણે મહાબલિપુરમ્ ગયાં હતાં ને ત્યાંનાં ભવ્ય ખંડિયેરો જોયેલાં એ વાત આટલી જલદી ભૂલી ગયો? ત્યાંના ઊછળતા દરિયાનો સફેદ ઘુઘવાટ કેવો તારા પગ પાસે ઠલવાઈ પડેલો! તું મરીના બીચની વાત કરે છે, પણ મહાબલિપુરમ્ જેવો અદ્ભુત દરિયો મેં ક્યાંય નથી જોયો.’ અમે મનમાં જ હસીએ છીએ અને કોલ્ડ કૉફી પીએ છીએ. હું તેને પુસ્તકમાંથી કંઈક વાંચી સંભળાવું છું : ‘માણસ તો એક અતિક્રમી જવા જેવી વસ્તુ છે. જે પોતાની જાતને અતિક્રમી જાય છે, તેને જ જીવવાનો અધિકાર છે. માણસનું જીવન અપૂર્ણતામાંથી સંપૂર્ણતામાં જવા માટેની યાત્રા છે…’ વાંચતાં વાંચતાં મોડી રાત થઈ જાય છે. અંધારાના આશ્લેષમાં આકાશ સૂઈ જાય છે. પૃથ્વીના કોઈક મહાન પ્રેમની યાદમાં, તારાઓ તેજની કવિતા રચે છે. એ ઊભો થઈને મારા ખભે હાથ મૂકે છે : ‘બસ મુદા, હવે ઊંઘી જઈએ. પછી વહેલું ઉઠાશે નહીં. કાલે આપણે વહેલી સવારની બસ પકડવાની છે ને!’ … ગયા સોમવારે સાંજે અચાનક જ એણે આવીને કહ્યું : ‘આજે બહુ મઝા આવી, નહીં મુદા! શિવપાર્વતીની આટલી સુંદર મૂર્તિ પહેલાં કદી જોઈ જ નહોતી. આ મીનાક્ષી મદુરાઈનું મંદિર ખરેખર અદ્ભુત છે. આપણે આ સ્થળે વહેલાં આવવું જોઈતું હતું. આપણે આટલાં સ્થળોએ આટલાં શિલ્પો જોયાં પણ જેને જોઈને ભીતરની આંખ ચમકી ઊઠે, એવી અદ્ભુત મૂર્તિ તો આજે જ જોઈ.’ હું સમજી જાઉં છું કે આજે ઑફિસમાં દક્ષિણનાં મંદિરો વિશેનું કોઈક પુસ્તક તેના હાથમાં આવી ચડ્યું હશે અને એમાંથી આ મૂર્તિ વિશે તેણે વાંચ્યું હશે. તેની સ્મરણશક્તિ બહુ જ સતેજ છે. તેને ઘણુંબધું યાદ રહી જાય છે. યાદ તો મને પણ રહે છે. હું કહું છું : ‘મને એ જોઈને આપણે દાર્જિલિંગમાં એક સવાર જોઈ હતી તે યાદ આવી ગઈ. એ સવાર જેવી, ઉજ્જ્વલતામાં નિરંતર ઊગતી રહેતી હોય એવી એ મૂર્તિ હતી, નહીં?’ આંખ બંધ કરીને જાણે યાદમાં ડૂબી જઈને તે કહે છે : ‘ઓ — તને એ સવાર યાદ છે? અનંત કાળમાં એવી એકાદ સવાર ઊગે, અને તે વખતે હૉટેલનો વેઇટર ત્યાં આવેલો. મને ને તને બંનેને મનમાં થયેલું કે હમણાં એ ‘ચા લાવું સાહેબ?’ જેવી કોઈ અતિશય શુષ્ક વાત કરશે અને આ નીરવતા ખંડિત થઈ જશે. પણ તે કદાચ સમજુ હતો, ને આપણને એવાં લીન જોઈને પાછો ચાલ્યો ગયેલો, તેની આ સમજ માટે મેં એને ઇનામ આપેલું, યાદ છે?’ શિવ પાર્વતીનું પાણિગ્રહણ કરે તેને પહાડની કોઈક સવાર સાથે શી રીતે સરખાવી શકાય તેની મને ખબર નથી. તેને પણ નથી. પણ તે મારો પ્રિય સાથી છે ને! મને સદાય પૂરક. તેણે ફરી કહ્યું : ‘હા, ઉજ્જ્વલતામાં ઊગતી સવાર જેવી એ મૂર્તિ હતી અને એની બાજુમાં કાલીની પ્રચંડ મૂર્તિ છે તે જાણે અંધારાને પી રહી હોય તેવી લાગતી હતી.’ એકબીજા સામે જોયા વિના અમે એકબીજા તરફ હાથ લંબાવીએ છીએ. અનાયાસ જ અમારા હાથ મળી જાય છે. જેમાં કશું જૂઠાણું નથી તેવાં અસત્યોના એક મધુર કાવતરામાં ભાગીદાર બનેલાં બે જણાંનું એ આનંદમિલન છે. આમ, એકબીજા સામે ઝાઝું જોયા વિના જ અમે પ્રેમમાં પડી ગયેલાં. સેન્ટ્રલ લાઇબ્રેરીના રેફરન્સ ખંડમાં હું ‘નૅશનલ જ્યૉગ્રાફી’ની ફાઈલો ઉથલાવતી હતી. મારે એક ખાસ જગ્યા વિશેની માહિતી જોઈતી હતી, તે ન મળતાં કાઉન્ટર પર બેઠેલા મદદનીશને મેં પૂછ્યું : ‘કોંગોનાં જંગલો વિશેની માહિતી શામાંથી મળશે?’ ‘કોંગોનાં જંગલો?” તેણે માથું ખંજવાળ્યું. મેં કહ્યું : ‘ત્યાં ભાગ્યે જ કોઈ જતું હોય છે. ત્યાં જવાનો માર્ગ ઘણો દુર્ગમ છે…’ ‘હું ત્યાં ગયો છું!’ — મારી બાજુમાં ઊભેલા કોઈક જણે કહ્યું. ચમકીને મેં તેની સામે જોયું. સફેદ કપડાં પહેરેલો એક સુઘડ, સજ્જ, પાતળો પુરુષ. અસ્પષ્ટ સ્મિત કરતાં તેણે ફરી કહ્યું : ‘હું ત્યાં ગયો હતો. ગયા વરસે.’ ‘પણ… પણ…’ હું અચકાઈ. ‘ત્યાં તો કોઈ જઈ શકતું નથી!…’ તે હસ્યો : ‘હા, ત્યાં જવાનું જોખમકારક છે. મને એ જંગલોમાં વસતો એક આદિવાસી ભેટી ગયેલો ને ત્યાં લઈ ગયેલો. અમે એ જંગલોમાં પ્રવેશતા હતા, ત્યાં જ દૂરથી તીરો આવવા માંડેલાં. મારો સાથી મને ચેતવણી આપે તે પહેલાં એક તીર મને વાગી પણ ચૂકેલું. અને એ ઝેર પાયેલું હોવાથી હું બેભાન બની ગયો હતો. પછી તીરધારી લોકો નજીક આવતાં મારા સાથીએ તેમને સમજાવેલું કે હું મિત્ર છું, દુશ્મન નથી; ને એ લોકોએ કંઈક દવા આપીને મને બચાવી લીધેલો. હું ત્યાંની થોડીક વસ્તુઓ પણ લઈ આવ્યો છું, તમને રસ હોય તો મારે ઘેર આવજો.’ બીજા રવિવારે હું એને ઘેર ગઈ ત્યારે એણે વિકરાળ પ્રાણીઓથી ભરેલાં કોંગોનાં ગીચ જંગલોની, ત્યાં વસતા નીચા લોકોની, કલહરીના બુશમૅનની, મોરોક્કોના વૃક્ષવિહોણા કઠોર પર્વતોની, ઇજિપ્તના કદી આંખો ન મીંચતા સ્ફિંક્સની વાતો કરી હતી. હું જવા માટે ઊભી થઈ ત્યારે એણે કાગળમાં વીંટેલી કોઈક વસ્તુ મને આપી. ‘આ હું કોંગોથી જે વસ્તુ લઈ આવ્યો હતો તે. ઘરે જઈને નિરાંતે જોજો.’ ઘેર જઈને મેં નિરાંતે જોયું. એ, કોંગોના જંગલ વિશેનું એક મોટું, પુષ્કળ માહિતી અને ચિત્રોથી ભરેલું પુસ્તક હતું, જેમાં એણે કહેલી બધી વાતો હતી. … અને પછી અમે પરણી ગયાં. તે દિવસથી ઘરમાં રહ્યે રહ્યે અને પ્રવાસે નીકળ્યાં છીએ. આથમતાં ગીતોની નગરી વેનિસની નદીઓ પર, ગોંડોલામાં અમે ફર્યાં છીએ; ઊતરતા ઉનાળે કાદવ પર તરતું મેક્સિકોનું નાનકડું શહેર મેક્સકેલ્ટીટાન અમે જોયું છે. કૅનેડાનો સુગંધી ઉનાળો અમે શ્વાસમાં ભરી લીધો છે; મે - જૂન - જુલાઈમાં બદામની સફેદ મંજરીથી મહેકી રહેતા ઑસ્ટ્રેલિયાના પહોળા રસ્તા પર અમે હાથમાં હાથ પરોવી ચાલ્યાં છીએ; સિલોનમાં કોઈ ટૂરિસ્ટે ન જોયા હોય તે નીલમ - બુદ્ધ અમે જોયા છે; અજાણ્યા દેશના પહોળા રસ્તાના હાથ સદા અમને આવકારવા ઊંચા થયા છે… અને આપણા દેશમાં સફેદ વસ્ત્રો પહેરીને ઠંડીમાં ઊંઘી જતાં પહાડી નગરો; કુલૂકાંગરાનાં, ધોળાં ઝીણાં ફૂલોનો મુગટ પહેરીને ઊભેલાં સફરજનનાં વૃક્ષો; કુમાઉંની ખીણોમાં હજારોનાં ટોળાંમાં ઊતરી પડતાં ને વૃક્ષોને ઝબકતી જ્વાળા જેવું કરી મૂકતાં નારંગી રંગનાં ‘મીનીવેટ’ પંખીઓ; ચોમાસામાં શિલોંગના પૂરમાં ડૂબેલાં ખેતરોની ગંધ; હમ્પીનાં ખંડિયેરોમાં ઘૂમતા, વિગત જાહોજલાલીના પડઘાઓ… કેટલું બધું! એનો કોઈ પાર નથી, એની કોઈ સીમા નથી. રોજેરોજ આકાશનાં ખુલ્લાં બારણાંમાંથી નિમંત્રણનો દૂત અમારે દ્વારે આવે છે અને પવન અનુકૂળ હોય તો સાત સમદરની સફર ખેડવા અમે તૈયાર થઈ જઈએ છીએ. પરમ દિવસે રાતે અમે વરંડામાં બેઠાં હતાં. ઊજળી આઠમની રાત હતી. અનુરાગે કહ્યું : ‘ઠીક મુદા, આપણે અહીં નીલગિરિ પહોંચી તો ગયાં, પણ હોટલમાં ક્યાંય જગ્યા નથી. શું કરીશું?’ હું ખુરશીમાં બેઠી બેઠી વટાણા ફોલતાં કહું છું : ‘કંઈક વ્યવસ્થા તો કરવી પડશે. બસમાંથી ઊતરીને ક્યારનાં આપણે તડકામાં જ ઊભાં છીએ. સવારનું કાંઈ ખાધુંપીધું પણ નથી. હું તો થાકી ગઈ છું.’ તેણે જરાક હસીને કહ્યું : ‘પ્રવાસમાં વાસ અઘરો હોય છે, મુદા! જરા થોભ, બસમાં આવતાં આવતાં આપણે પેલાં ચંદનવૃક્ષોના વનમાં એક નાનકડી હોટેલ જોઈ હતી તેની હું તપાસ કરી આવું.’ થોડી વાર અમે બંને ચૂપ રહ્યાં. પછી કહે : ‘ચાલ, જગ્યા તો મળી ગઈ. અહીં તો જમવાનું સરસ મળશે એમ લાગે છે. કેવી સરસ સુગંધ આવે છે!’ હું કહું છું : ‘હા, સાંભારના મસાલામાં મેથી જરા વધારે હોય ત્યારે આવી જ સુગંધ આવે છે.’ … અને આજે સાંજે… હું ક્યારની એની રાહ જોયા કરું છું. સાડા છએ તો એ ઑફિસેથી ઘેર આવી જાય. આજે સાત વાગી ગયા. હજુ ક્યાંય અણસાર નથી. કેટલીય વાર રૂમમાંથી વરંડામાં આંટા માર્યા કર્યા. વરંડામાંથી રસ્તો દૂર સુધી દેખાય છે. કેટલી વાર ફરી ફરીને જોયા કર્યું. રસ્તાની ધૂળધમાલમાં ક્યાંય એની પાતળી સીધી તેજભરી કાયા દેખાઈ નહીં. મારું મન વ્યગ્ર થઈ ગયું. મુંબઈ જેવું શહેર. માણસ ઘેર પહોંચે ત્યારે સલામત લાગે. પહેલેથી કહ્યા વગર તો એ ક્યાંય જાય જ નહીં. મોડું થવાનું હોય તો મને ફોન કરે. શું થયું હશે? કશી ખોટી કલ્પના ન કરવાનો દૃઢ નિર્ણય કરીએ તોયે ફરી ફરી કશીક અમંગલ કલ્પના મનમાં આવી જ જાય… અચાનક ફોનની ઘંટડી વાગી. મેં દોડીને રિસીવર ઊંચક્યું. ‘હેલો…’ સામેથી કોઈક ઘોઘરો અવાજ… ‘હેલો, હું ચર્ચગેટથી સ્ટેશન માસ્ટર મિ. ખરાડે બોલું છું. તમારા પતિ…’ મારું હૃદય બેસી ગયું. આહ, એ એક ક્ષણ… એના એક શબ્દ ને બીજા શબ્દ વચ્ચેની, ટનબંધ વજનથી ફસડાઈ પડેલી એ એક ક્ષણ! એણે કહ્યું : ‘તમારા પતિ આજે સવારે મળ્યા હતા. વાત વાતમાં ખબર પડી કે મારી પત્ની નલિનીનાં કૉલેજનાં બહેનપણી મુદાબહેન તે તમે જ. તે ઘણી વાર તમારી વાર્તાઓ ને લેખો વાંચીને તમારો પત્તો શોધતી હતી. આજે અચાનક તમારી ભાળ મળી. નલિની મારી બાજુમાં જ છે. એની સાથે વાત કરશો?’ મેં થોડીક વાત કરી ત્યાં ખુલ્લા બારણામાંથી એક ગુંજાર પ્રવેશ્યો અને પછી થોડા શબ્દો… ‘પતા ક્યા ખાક બતલાયેં, નિશાં યા બે - નિશાં અપના
જહાં બિસ્તર લગા બૈઠે, વહાં સમજો મકાં અપના.’ હું દોડીને એને વળગી પડી. એણે મારા વાળ પર હાથ ફેરવતાં કહ્યું : ‘આજે વરસાદને કારણે ત્રણ ટ્રેન કૅન્સલ થઈ. અને કહે જોઈએ, આ નીલગિરિની, ચંદનવૃક્ષોથી ભરેલા આંગણાવાળી હોટેલમાં આજે શું જમવાનું મળવાનું છે?’ થાળીમાં ખીચડી ને કઢી પીરસતાં મેં કહ્યું : ‘આજે રસોઇયો આવીને મને પૂછી ગયો હતો કે શું બનાવું. મેં કહ્યું, વધારે મેથીવાળો મસાલો નાખીને સાંભાર બનાવો, અને સાથે મગની દાળની ખીર.’

૧૯૭૨ (‘કાગળની હોડી’)