ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવહર્ષ [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ’ ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધોર છંદનો વિનિયોગ કરતી ૧૪૬ કડીની ‘પાટણની ગઝલ’ (ર.ઈ.૧૮૧૦/સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ.) તથા મુખ્યત્વે હનુફાછંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ’ (મુ.) મુખ્યત્વે હિન્દી ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામે ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ વગેરેની ઘણી વીગતભરી મહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત શૈલીનાં નગરવર્ણનો પણ છે. કૃતિ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮ - ‘પાટણની ગઝલ’ , સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦ - ‘ડીસાની ગઝલ’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]