ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નળાખ્યાન’-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘નળાખ્યાન’-૨ [ર.ઈ.૧૬૮૬] : આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટતાએ પહોંચાડનાર કવિ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલું ૬૪ (જુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૬૦-૬૫) કડવાંનું આખ્યાન (મુ.) મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કરુણ છે. પરંતુ કરુણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને હાસ્યને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી ભિન્ન એવી કાવ્યરસથી છલકાતી કૃતિનું નિર્માણ કર્યું છે. પહેલાં ૩૦ કડવાંમાં હંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નળદમયંતીના હૃદય એક થાય છે અને ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દમયંતીને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે. “મોસાળ પધારો રે... લાડકવાયાં બે બાળ” એ હૃદયદ્રાવક ઉદ્ગારથી આરંભતો કરુણરસ ૨૨ કડવાં સુધી વધુને વધુ સઘન થતો જાય છે. ૫૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે. શૃંગારની વિડંબનાના પ્રસંગ ઊભા થાય છે ત્યાં પ્રેમાનંદની આગવી હાસ્યનિષ્પત્તિની શક્તિ ખીલી ઊઠે છે, સ્વયંવરમાં દેવોની અને બીજા ‘સ્વયંવર’ વખતે ઋતુપર્ણની દમયંતીને વરવાની વરવી લોલુપતાના પ્રસંગોએ. બંને પ્રસંગે હાસ્ય પોતાની રીતે કરુણને ધાર આપી રહે છે. પોતાને પરણવા પડાપડી કરવા દેવોને જેણે અવગણ્યા તે દમયંતીને નળ વનમાં સૂતેલી તજે એ કરુણતા અછાની રહેતી નથી. બીજા ‘સ્વયંવર’માં કોડભર્યા હકપૂર્વકના ઉમેદવાર ઋતુપર્ણ સાથે સાચા પ્રેમી ‘પતિ’ને સારથિ રૂપે જવા વારો આવે એ કરુણતા ઓછી મર્મવેધક નથી. નાયક-નાયિકા છૂટાં પડે છે ને ફરી મળવા પામે છે તે દરમ્યાન ગાઢ કરુણ વિપ્રલંભ અનુભવાય છે. એમાં નળ કરતાં દમયંતીની કરુણ દશા વધુ વ્યથાકારક છે. મૂળ મહાભારતની કથામાં ન હોય એવા બે પ્રસંગો ઉમેરી કવિએ દમયંતીની કરુણ સ્થિતિને ઘેરી બનાવી છે. દેવવરદાનથી ‘અમૃતસ્ત્રાવિયા’ બનેલા દમયંતીના કરથી નીપજેલી ગેરસમજનો પહેલો પ્રસંગ કવિને નાકરમાંથી મળ્યો છે. દમયંતીની સ્થિતિ એ દ્વારા દયામણી બને છે. બીજો હારચોરીનો પ્રસંગ સંભવ છે કે નલકથાની જૈન પરંપરામાંના રાજકુંવરીનાં રત્ન ચોરાયાના પ્રસંગ પરથી આવ્યો હોય. ‘હરિ, હું કહીંએ નથી સમાતી’ એ પદમાં દમયંતીની વેદના પરાકાષ્ઠાએ પહોંચે છે. કૃતિમાં દમયંતીનું પાત્ર અનવદ્ય કંડારાયું છે. એના હૃદયની ઋજુતા અને તેની નળ પ્રત્યેની સચ્ચાઈ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ અકબંધ જળવાઈ રહે છે. બાહુક જ નળ છે એવી પ્રતીતિ થતાં ‘નથી રૂપનું કામ હે ભૂપ મારા’ એવા સહજ રીતે નીકળી પડેલા ઉદ્ગારના લયમાં જ તેના હૃદયનો ઉલ્લાસ ધબકે છે. સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ દમયંતીના ‘અમૃત સ્ત્રાવિયા’ કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડ્યાં વિષયીનાં ચિહ્ન’ એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હીણવાય છે, તેનું ધીરોદાત્તપણું નંદવાય છે. ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, દમયંતીરૂપ વર્ણન કે ક્ષુધા સમાવવા નિર્વસ્ત્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાજ્યું વન’ જેવી ઊર્જિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંકિતઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં ક્યારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, ક્યારેક વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔંચિત્યનો ભોગ પણ લેવાયો હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબક્યાં કરે છે તેવી આ કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે.[ઉ.જો.]