ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ સાહેબ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાણ(સાહેબ)-૨ [જ.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, મહા સુદ ૧૧/૧૫, સોમવાર-અવ. ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ/વદ ૩, ગુરુવાર/શુક્રવાર] : રામકબીર સંપ્રદાયના કવિ. ચરોતરના કનખિલોડના વતની. જ્ઞાતિએ લોહાણા. અટંકે ઠક્કર. પિતા કલ્યાણજી. માતા અંબાબાઈ.આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસના શિષ્ય. સંપ્રદાયમાં કબીરનો અવતાર ગણાતા આ કવિએ પુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી લોકબોલીમાં ઉપદેશ કરેલો એમ નોંધાયું છે. કમીજડામાં જીવત-સમાધિ. સદ્ગુરુ મહિમાને કેન્દ્રમાં રાખતાં એમનાં ગુજરાતી-હિંદી પદોમાં (૩૦-૩૫ મુ.) જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા મુજબની પારિભાષિક સંજ્ઞાઓ ગૂંથતું રૂપકાત્મક નિરૂપણ તથા કેટલાંક પદોમાં પૌરાણિક પાત્રોનાં ને તત્કાલીન લોકજીવનમાંથી લીધેલાં પ્રચલિત દૃષ્ટાંતોનો અધ્યાત્મબોધ માટે થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આરતી અને ગરબી જેવા પ્રકારોનો પણ એમણે પદરચનામાં કરેલો ઉપયોગ તથા ક્યાંક સળંગપણે કરેલી ચરણાન્ત પ્રાસની યોજના નોંધપાત્ર છે. રવિદાસને નામે ચડેલી ૨૮ કડીની એક હિંદી કૃતિ ‘પંચકોશ-પ્રબંધ’(મુ.) પણ આ કવિની રચના છે. કૃતિ : ૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૩. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૫૦; ૪. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૩; ૫. સતવાણી; ૬. સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૫. સોસંવાણી;  ૬. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ; ૭. ગુજૂકહકીકત ૮. પ્રાકકૃતિઓ.[ર.સો.]