ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વિરામચિહનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી વિરામચિહ્નો: બોલાતી ભાષામાં શબ્દોના ઉચ્ચાર ઉપરાંત શ્રાવ્યતાની ચડઊતર તથા ઓછા-વત્તા વિરામો પણ આવતાં હોય છે. જેમકે – ૧. ‘પાણી આપ્યું?’ ‘હાજી આપ્યું.’ (શ્રાવ્યતાની ચડ-ઊતર); ૨. અમે જમી લીધું છે, તમે જમી લો. અમે જઈએ. (ઓછો-વત્તો વિરામ). આવાં જુદાજુદા પ્રકારનાં વિરામસ્થાનો લેખનમાં બતાવવા માટે જે ચિહ્નો વપરાય છે એ વિરામચિહ્નો કહેવાય છે. સંસ્કૃત ભાષામાં વિરામસૂચક બે ચિહ્નો હતાં — મધ્ય વિરામ માટે । અને અંત્ય વિરામ માટે ।।. ગુજરાતી વગેરે અર્વાચીન ભાષાઓએ અંગ્રેજીમાંથી જુદાં અને વધુ વિરામચિહ્નો અપનાવ્યાં – અભિવ્યક્તિની ઝીણવટો માટે ને લેખનની ચોકસાઈ માટે. વિરામચિહ્નોની યાદી એના વપરાશના ક્રમે કરીએ તો — પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન, ઉદ્ગારચિહ્ન, અવતરણચિહ્ન (તુલનાએ વધુ વપરાશ); લઘુરેખા, ગુરુરેખા, ગુરુવિરામ, અર્ધવિરામ (ઓછો વપરાશ); કૌંસચિહ્ન, તિર્યંકરેખા, લોપચિહ્ન, ટપકાં (એથી પણ ઓછો વપરાશ) ૧. પૂર્ણ વિરામ [ . ] (૧.૧) ક્યાં મૂકાય – ક. વાક્યને અંતે: ગઈકાલે મકાનો હતાં ત્યાં આજે ખંડેર છે. (વાક્ય વધારે શબ્દોનું પણ હોય, એક કે બે શબ્દનું પણ હોય; જેમકે) કોયલ ટહુકી. તમે દોડો. ભલે. હા. ખ. પેટાવિભાગના આંકડા કે અક્ષર પછીઃ ૧. સજીવ ૨. નિર્જીવ. ક. ગરમી ખ. ઠંડી ગ. નામના સંક્ષેપાક્ષરો પછીઃ મોહનલાલ કરમચંદ ગાંધી મો. ક. ગાંધી પૂર્ણવિરામ ક્યાં ન મુકાય – ક. લેખ, વાર્તા કે પુસ્તકના શીર્ષક પછી: ચમત્કારો આજે પણ બને છે ( એ નામનું એક પુસ્તક.) ખ. પત્રને અંતે લખનારના નામ પછીઃ તમારો અશ્વિન ગ. શ્રી પછી પૂર્ણવિરામ ન હોય. શ્રી મનુભાઈ પંચોળી (x શ્રી.) ૨. અલ્પવિરામ [ , ] ક્યાં આવે: (ક). વિગતો જુદી દર્શાવવા માટે: દાળ, ભાત, શાક, લાડું એ પૂર્ણ ભોજન કહેવાય. (ખ). અપેક્ષા અને પૂર્તિની વચ્ચે: જેમ કે – વિભાને એક જ ધૂન હતી, વાંચ્યા કરવાની. (‘કઈ ધૂન હતી?’ એ અપેક્ષા, અને ‘વાંચ્યા કરવાની’ એ પૂર્તિ) (ગ). ખાતરીસૂચક શબ્દો પહેલાં: માહિતી આપતી વિગત પછી ક્યારેક, ખાતરી કે ચોકસાઈ માટે, કેટલાક શબ્દો ઉમેરવામાં આવે છે: ‘હોં કે!’, ‘ખરું ને?’, ‘બરાબર’. એવા શબ્દો પહેલાં અલ્પવિરામ મુકાય છે: હું આવી ગયો છું, હોં કે!; તમે ચા નથી પીતા ખરું ને? (ઘ). અવતરણવાક્ય પહેલાંના ‘કે’ પછીઃ શ્રીમતી ઇંદિરા ગાંધીએ કહેલું કે, ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.’ તમે વચન આપેલું ને કે, ‘જે રોજ એક વાર્તા લખશે એને ઇનામ મળશે?’ (ચ). શાસ્ત્રીય લેખો/પુસ્તકોમાં, અટકથી શરૂ થતી નામ-યાદીઓ/સૂચિઓમાં અટક પછી અલ્પવિરામ મુકાય છેઃ જોશી, ઉમાશંકર. પટેલ, વલ્લભભાઈ. (છ). ‘વગેરે’ શબ્દ પહેલાં અલ્પવિરામ અવશ્ય મૂકવુંઃ પ્રવાસે જાઓ ત્યારે કપડાં, દવાઓ, બ્રશ, પેસ્ટ, વગેરે યાદ કરીને સાથે રાખશો. {કારણ કે ‘વગેરે’ એ બાકી યાદીનો જ એક ભાગ છે.] ૩. પ્રશ્નચિહ્ન [ ? ] ક્યાં મુકાય. — ક. વાક્યને અંતેઃ કશું પૂછવા, જાણવા, કુતૂહલ સંતોષવાઃ રસોડામાં કોણ છે? (હું છું), આ શું પડ્યું? (રકાબી). એ કોણે પાડી? (મેં), શી રીતે પડી? (ધોતાં). (ખ) અનિશ્ચિતતા બતાવવા, કૌંસમાંઃ એમનો જન્મ ઈ. ૧૯૨૫(?)માં, અને એમનું અવસાન ઈ. ૨૦૧૮માં થયું. (ગ). મજાક કે કટાક્ષ દર્શાવવા, કૌંસમાંઃ ખાદી પહેરાતા હોવાથી નેતાઓ ગાંધીવાદી(?) જરૂર કહેવાય. પ્રશ્નચિહ્ન ક્યાં ન મુકાયઃ ક. પ્રશ્નવાચક હોય પણ એ વાક્ય-અંશ આખા વિધાન વાક્યનો ભાગ હોય ત્યારે વાક્યની અધવચ્ચે પ્રશ્નચિહ્ન ન મૂકવું. આ વાક્યો સરખાવોઃ ૧. તમે શું કહેવા માંગો છો? ૨. તમે શું કહેવા માગો છો એ હું બરાબર સમજું છું. ૪. ઉદ્ગારચિહ્ન [!] (ક.) આશ્ચર્ય, વિસ્મય, હર્ષ, દુઃખ, વગેરે દર્શાવવાઃ પાંચ વર્ષમાં જ સરકારે પચીસ હજાર કરોડનો ધૂમાડો કરી દીધો! કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ! વાહ, તમે જીતી ગયા! (ખ) વાક્ય પ્રશ્નની જેમ ઉચ્ચારાતું હોય, પણ ત્યાં ઉત્તરની અપેક્ષા ન હોય, માત્ર આશ્ચર્યનો ભાવ હોય ત્યારે વાક્યને અંતે ઉદ્ગારચિહ્ન મુકાય છેઃ દીકરા, તું કેટલે વરસે આવ્યો! ગ. કટાક્ષ દ્વારા ઊલટો અર્થ બતાવવા, કૌંસમાંઃ વાહ ભાઈ, નેતાઓ ઉત્તમ(!) એટલે એમને માટે સગવડ પણ ઉત્તમ!; તનસુખભાઈએ ગિરદી વચ્ચે જગા કરી લીધી, કેમકે એ તો રહ્યા વ્યવસ્થા(!)ના માણસ. ક્યારેક ઉદ્ગારચિહ્નનો બિનજરૂરી ઉપયોગ થાય છે — ખાસ કરીને સર્જનાત્મક લખાણોમાંઃ ઉદા. અહાહા! પૂર્વેના ગુરુઓની શી વિદ્યા! અને તેઓની કેટલી સાદાઈ!! તેઓના ઉદ્યોગ શા!! (કવિ નર્મદ). પરંતુ ઉદ્ગારચિહ્નો અતિ ઉપયોગ ન કરવો. વળી, ગંભીર, શાસ્ત્રીય, વૈજ્ઞાનિક લખાણોમાં ઉદ્ગારચિહ્નો ભાગ્યે જ વપરાય. ૫. અવતરણચિહ્નો ( ‘–’ ] (ક). ચાલુ વાતમાં કે વર્ણનમાં કોઈના વાક્ય કે ઉદ્ગારને જુદો પાડીને મૂળ રૂપે બતાવવા માટે: ગાંધીજીએ કહ્યું છે: ‘સત્યનો સદા જય થાઓ.’ (ખ). પુસ્તકનું કે લેખનું નામ જુદું પાડીને બતાવવા માટેઃ પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા ઉત્તમ છે. (ગ). વાક્યનો સીધો અંશ ન હોય એવો શબ્દ જુદો પાડીને બતાવવા માટેઃ આત્મવિશ્વાસુ માણસ ‘અશક્ય’ શબ્દને ગણકારતો નથી. (ઘ). કોઈ વાત અમુક મરોડથી (દાઢમાં) કે કટાક્ષમાં કહેવા માટેઃ આ ભાઈએ ગીત જે રીતે ગાયું એને ‘સંગીત’ કહેવાય કે? બેવડાં અવતરણચિહ્નઃ એક સમયે એવી પ્રણાલી હતી કે એક વાક્યની અંદર ફરી એકવાર અવતરણચિહ્નો મૂકવાની સ્થિતિ આવે ત્યારે મુખ્ય વાક્ય બેવડાં અવતરણચિહ્નોમાં અને વાક્યની અંદરની જરૂરી વિગત એકવડાં અવતરણચિહ્નોમાં મૂકવાં. જેમકે – શિક્ષકે કહ્યુંઃ ‘પન્નાલાલ પટેલે પહેલાં ‘વળામણાં’ નામની નવલકથા લખી અને પછી ‘મળેલા જીવ’ નામની નવલકથા લખી.’ પરંતુ હવે એવા અટપટા નિયમોમાં જવું જરૂરી નથી. બધે જ એકવડાં અવતરણચિહ્નો વાપરી શકાય. ૬. લઘુરેખા [ - ] શબ્દોની વચ્ચે મુકાતી નાની લીટી/ રેખા એ લઘુરેખા. લઘુરેખાનો ઉપયોગ: ક. શબ્દોને જોડવા માટે (એથી એને સંયોગરેખા પણ કહે છે.) ગાંધી-આશ્રમ, દેવ-ઊઠી (અગિયારસ). ખ. કોઈવાર લાંબા સમોસાવાળા શબ્દોને સ્પષ્ટ રીતે વાંચી શકવા માટેઃ જેમકે પ્રિયવચનમંદસ્મિતવતી એ સમાસને સરળતાથી વાંચવા માટે પ્રિયવચન-મંદસ્મિત-વતી. એક ખાસ નોંધઃ સમાસોમાં શબ્દો જોડીને લખાય છેઃ સ્ત્રીસ્વાતંત્ર્ય, સાચુંખોટું, જેમજેમ, ઘોડેસવાર. પરંતુ જ્યાં બીજા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય ત્યાં હંમેશાં બે શબ્દો વચ્ચે લઘુરેખા મૂકવી યોગ્ય થશેઃ ગાંધી-આશ્રમ, દેવ-ઉપાસના, હરિ-ઇચ્છા. પરંતુ લઘુરેખા શબ્દોને બંને બાજુ અડેલી રાખવાની હોય છેઃ ગાંધી-આશ્રમ (X ગાંધી - આશ્રમ) ૭. ગુરુરેખા [ — ] લઘુરેખાની સરખામણીએ મોટી રેખા એ ગુરુરેખા. અંગ્રેજીમાં ગુરુરેખા પણ બે શબ્દોને અડીને લખાતી/છપાતી હોય છે; પણ ગુજરાતીમાં ગુરુરેખા શબ્દને અડાડીને મુકાતી નથી. ગુરુરેખા બે રીતે આવે છેઃ ક. એક વાક્યમાં એક ગુરુરેખાઃ ૧. વાક્યમાં પૂરક વિગત કે સમાનાર્થી શબ્દ આવતાં હોય ત્યારેઃ માત્ર વાંચવું પૂરતું નથી — એ વિશે વિચારવું પણ જરૂરી છે. ૨. વાક્યના પહેલા ખંડમાં શબ્દોની યાદી હોય, એને ઉત્તરાર્ધમાં સંકલિત કરવા માટેઃ તોડવું, ફોડવું, ભાંગવું, બગાડવું – એ બધું એમને વધુ ફાવે છે! ૩. ‘જેમ કે’, ‘કેમ કે’, પછી ઋતુઋતુનાં જુદાંજુદાં પીણાં હોય છે. જેમ કે — શિયાળામાં ચા, ઉનાળામાં શરબત અને ચોમાસામાં ઉકાળો. ખ. એક વાક્યમાં બે ગુરુરેખાઓઃ ૧. વાક્યની અંદર કોઈ શબ્દનો પર્યાય કે સમજૂતી મૂકવાં જરૂરી હોય ત્યારે એને બે ગુરુરેખાઓની વચ્ચે મુકાયઃ એમણે કેવી સંકલ્પશક્તિથી — મનની તાકાતથી — સફળતાઓ મેળવી છે! ૨. વાક્યની વચ્ચે કોઈ જરૂરી ઉપવાક્ય ઉમેરવાનું આવે તો એ ઉપવાક્યને મુખ્ય વાક્યથી જુદું પાડવા માટે બે ગુરુરેખાઓ મુકાયઃ અનિતા, એને જે કહેવું હોય એ — ભલેને કોઈને ગમે કે ન ગમે — સ્પષ્ટ રીતે કહેવાની જ. ૮. ગુરુવિરામ [ : ] વાક્યમાંની વિગતોને કે ઉપવાક્યોને જુદાં પાડવા માટે ગુરુવિરામ વપરાય છે. ગુરુવિરામ શબ્દને અડાડીને ન મૂકવું. કેમકે એ ગુજરાતીની વિસર્ગચિહ્ન જેવું છે ને વિસર્ગચિહ્ન શબ્દને જોડીને લખાય છે જેમકે ‘પ્રાતઃકાળ’, ‘શબ્દશઃ’ એનાથી જુદું પાડવા માટે ગુરુવિરામ શબ્દ/વર્ણથી દૂર લખાય છે. ગુરુવિરામના ઉપયોગઃ ક. વિગતોની યાદી પૂર્વે. જેમ કે — પદાર્થો ત્રણ પ્રકારના હોય છેઃ ઘન, પ્રવાહી અને વાયુ. ખ. મુખ્ય વિષયનો કોઈ મુદ્દો કે પેટાશીર્ષક બતાવવા માટેઃ સ્ત્રીસ્વાતંત્ર્યઃ કેટલાંક સત્યો. ચૂંટણીઓઃ કાલની અને આજની ગ. નાટકમાં પાત્ર અને એના સંવાદ વચ્ચેઃ સૂત્રધારઃ મિત્ર, જમતા હશો તમે થોડું. વિદૂષકઃ શાકમાં જોઈએ સવા મણનું કોળું. ઘ. અવતરણ પહેલાંના ‘કે’-ને બદલેઃ સરખાવો – ક. મિતાલીએ કહ્યું કે, ‘પત્રકાર સમાજનો પ્રહરી છે.’ ખ. મિતાલીએ કહ્યુંઃ ‘પત્રકાર સમાજનો પ્રહરી છે.’ ૯. અર્ધવિરામ [ ; ] અલ્પવિરામ કરતાં વધુ વિરામ બતાવતું અને ગુરુવિરામ કરતાં ઓછો વિરામ બતાવતું ચિહ્ન તે અર્ધવિરામ. (અંગ્રેજીમાં ગુરુવિરામને કૉલન અને અર્ધવિરામને સેમી કૉલન કહે છે.) એનો વપરાશ – ક. એકબીજી સાથે મળતી વિગતો ધરાવતાં સ્વતંત્ર વાક્યોને જોડવા માટે આ ત્રણ વાક્યો સરખાવો — ૧. મને ગુલાબ ગમે. ૨. મંદાને મોગરો ગમે. ૩. મને ગુલાબ ગમે; મંદાને મોગરો ગમે. (ખ). મુખ્ય વાક્ય સાથે ઉપવાક્યને જોડવા માટેઃ અક્ષયભાઈએ ઘણું વાંચ્યું છે; એમનાં લખાણોમાં એ ઊગી નીકળ્યું છે. (ગ). વાક્યમાંની પેટાવિગતો અને ઉપવાક્યને જુદાં રાખવા માટેઃ અનુરાધાએ રૂમાલ, પર્સ, ચશ્માં લીધાં; બારીઓ, પંખા, લાઈટો બંધ કર્યાં; ઘરની ચાવી લીધી અને તાળું મારીને ઝડપથી બહાર નીકળી. (અલ્પવિરામથી અર્ધવિરામ ક્યાં જુદું પડે છે એનો પણ અહીં ખ્યાલ આવશે.) (ઘ.) શબ્દકોશમાં શબ્દનો પર્યાય બતાવવા માટેઃ ઉદાસ (સં. ઉદ્ + આસ) નિરપેક્ષ; તટસ્થ; વૈરાગી; ગમગીન. (આ ચાર શબ્દો પેન, પેન્સિલ, કાગળ, પુસ્તક એવી વિગતોની યાદી નથી પણ અલગઅલગ અર્થભાવ દર્શાવતા પર્યાયો છે એથી એ અર્ધવિરામોથી બતાવેલા છે.) ૧૦. કૌંસચિહ્નો ( ) { } [ ] ૧. ગોળ કૌંસ ( ) : આ કૌંસ ઉપરના ત્રણમાં સૌથી વધુ વપરાય છે. સળંગ લખાણમાં વાક્યરચના સચવાય એ રીતે વિગતો ઉમેરવા, જુદી પાડવા, સમજૂતી આપવા, પૂર્તિ કરવા — એમ વિવિધ રીતે ગોળ કૌંસ વપરાય છે. ઉદા. – (ક) રાજા રામમોહન રાય (જ. ૧૭૭૨, અવ. ૧૮૩૩) મહાન સમાજસુધારક હતા. (ખ) પંડિતજીનાં કેટલાંક ભાષણો (ખાસ કરીને પાછલી વયનાં) ઊર્મિસભર હતાં. ૨. છગડિયો કૌંસ { } : જૂના કોશોમાં, એકસરખી વિગતો બે શબ્દોને સમાન રીતે લાગુ પડે છે એ બતાવવા માટે થતો. એંસી } adj. eighty ૮૦ એંશી ૩. ચોરસ કૌંસ [ ] : ક. શબ્દકોશોમાં વ્યુત્પત્તિ(= શબ્દનું મૂળ) બતાવવાઃ ઉદા. ઊજળું [સં. ઉજ્જ્વલ, ઉજ્જલ] ધોળું. (ખ). શાસ્ત્રીય સંપાદનોની પરંપરામાં સંપાદકે ઉમેરેલી કે સૂચવેલી વિગતો માટેઃ ઉદા.ઃ [એમને] મુંબઈનો દરિયો યાદ આવતો. [...] એ સમુદ્રનાં ઘૂઘવતાં મોજાં એ જોઈ રહેતા. (પહેલો કૌંસ દર્શાવે છે કે, ‘એમને’ શબ્દ મૂળ લખાણમાં એ વાક્યના આરંભે ન હતો પણ એની અગાઉનાં વાક્યોના સંદર્ભમાંથી લઈને અહીં ઉમેર્યો છે. બીજો કૌંસ અને એમાં ત્રણ ટપકાં [...] એમ સૂચવે છે કે વચ્ચેનાં કેટલાંક વાક્યો, સંક્ષેપ માટે છોડી દેવામાં આવ્યાં છે.) ચુસ્ત શાસ્ત્રીય, વૈજ્ઞાનિક લખાણોને બાદ કરતાં કૌંસ ૨ અને ૩ વપરાશમાં આવતા નથી. ૧૧. તિર્યંકરેખા [ / ] તિર્યંકરેખા એટલે ત્રાંસી રેખા. મેં ‘અથવા’નો અર્થ સૂચવતું વિકલ્પદર્શક ચિહ્ન છે. આ ચિહ્ન શબ્દોની બંને બાજુ અડાડીને લખાય છે. જેમ કે, નીચેનામાંથી કોઈ એક વિષય પસંદ કરોઃ સંસ્કૃત/પ્રાકૃત/પાલિ. આ ગુના માટે ૫૦૦ રૂપિયા દંડ અને/અથવા બે માસની કેદ. ૧૨ લોપચિહ્ન [ ' ] અક્ષરનો લોપ બતાવવું આ ચિહ્ન એ અક્ષરની જગાએ મુકાય છેઃ એ કહેતો’તો પણ તું માનતો ન’તો. મારા ખેતરમાંથી ઊડી ગૈ ’લ્યા સારસી! ૧૩. ટપકાં [ ... ] શબ્દ પછી મુકાતાં ટપકાં, બોલનારે છોડી દીધેલા (અધ્યાહાર) શબ્દો જેવા વિવિધ અર્થો સૂચવે છે. નાટક, વાર્તા, કવિતા જેવાં સર્જનાત્મક લખાણોમાં જ ેનો વધુ ઉપયોગ થાય છેઃ ભાઈ, એ તો જેવા પડછાયા એવા જ... (શબ્દલોપ); હવે શું કહું, તમે જાણો તો છોજ કે... (અધૂરી ઉક્તિ); કેમ મકનલા...લ, ક્યાં ચાલ્યા? (લંબાવેલો ઉદ્ગાર/લહેકો). વિરામચિહ્નો વિશે કેટલીક વિશેષ નોંધોઃ ૧. ગુરુવિરામ અને ગુરુરેખા સિવાયનાં બધાં વિરામચિહ્નો શબ્દને અડાડીને જ મૂકવાં. ઘણીવાર ‘?’ અને ‘!’ શબ્દ પછી જગા છોડીને લખવામાં કે ટાઈપ કરવામાં આવે છે, એ ન કરવું, (આપ્યું? સરસ! – એ નહીં, પણ આપ્યું? સરસ! – એ સાચું છે. ) ૨. અન્ય ચિહ્નોઃ ક. કેટલાક લેખકો બીજાં થોડાંક ચિહ્નોને પણ વિરામચિહ્નો ગણાવે છે પણ એ મુદ્રણ-સૂચના માટેનાં ચિહ્નો છે, જેમ કે – ફૂદડી *, ઘોડી (કે કાકચિહ્ન) /, પાદટીપ(ફૂટનોટ)-અંક ૧ ૨, વગેરે. યોગ્ય વિરામચિહ્નોથી લખાણ સ્પષ્ટ અને અભિવ્યક્તિક્ષમ બને છે. ર.સો.