ચારણી સાહિત્ય/21.વિશ્વ-સૂરો
રશિયાની કંઠસ્થ કવિતા રશિયન તવારીખનાં છેલ્લાં એક હજાર વર્ષોના એક કાળને ત્યાંના નિરક્ષર ગામડિયા લોકસમૂહે કેવો પેખ્યો, નોંધ્યો અને આલેખ્યો, તે જોવું હોય તો આજે સામગ્રી જડી ગઈ છે. એ છે ‘બાયલીંગ’ (byling) શબ્દથી ઓળખાતાં રશિયન કથાગીતો : એટલે કે યુરોપમાં ‘બૅલડ’ નામે સંગ્રહાયેલાં લોકગીતોનાં સહોદર : કોઈ અનામી લોકકવિએ રચેલાં, કંઠસ્થ પરંપરાએ પ્રવાહબદ્ધ રાખીને પેઢાનપેઢી સાચવેલાં, દેશવીરોની શૌર્યઘટનાઓ વર્ણવતાં વીરકાવ્યો. આવા કંઠસ્થ કાવ્યસાહિત્યનો ખજાનો રશિયાઈ ખેડૂતો પાસે પડ્યો હોવાની પહેલી પ્રથમ શોધ હજુ ગયા સૈકાની સાઠી-સિત્તેરીમાં જ થઈ. સામાન્ય રીતે બને છે તેમ એ દેશના કવિઓએ તેમ જ વિદ્વાનોએ પોતાના આ સાહિત્યધનમાં ત્યારે જ રસ લીધો, કે જ્યારે મૅકફર્સન નામના એક અંગ્રેજ તરફથી ‘ઓસ્સીઅન’ નામનો રશિયાઈ લોકગીત સંગ્રહ પ્રગટ થયો! અને આ ગીતોના ત્રણ જબ્બર સંગ્રહો રશિયાઈ સંગ્રાહકો તરફથી બહાર પડ્યા તેની અગાઉ છેક 1619ના વર્ષમાં પોતાની મૉસ્કો શહેરની મુલાકાત દરમિયાન આવાં છ ‘બાયલીંગ’ને લોકકંઠમાંથી પકડી લઈ પ્રગટ કરનાર પણ અંગ્રેજ રીચર્ડ જેમ્સ. કૅમ્બ્રિજ યુનિવર્સિટીનું પ્રકાશન આજે એ સાહિત્યનું મૂલ મૂલવવામાં મોટો ફાળો આપનાર કુમારી ચેડ્વીસ નામની એક સ્ત્રી છે. એનું ‘રશિયન હીરોઈક પોએટ્રી’ નામનું પુસ્તક કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ તરફથી બહાર પડ્યું છે. એ પુસ્તકમાં એક હજાર વર્ષોના રશિયાઈ ઇતિહાસયુગ માંહેલા એકેએક ગાળાનું પ્રતિનિધિત્વ કરનારાં, કોઈ એકસો પંક્તિઓનાં, તો કોઈ એક હજાર પંક્તિઓનાં એવાં ભિન્નભિન્ન કથાગીતો રજૂ થયાં છે. પ્રત્યેક ગીતનો પંક્તિવાર ગદ્યાનુવાદ એણે આપ્યો છે. પરંતુ અનુવાદમાં છંદોબદ્ધતા કે તાલ (‘રિધમ’) ન હોવા છતાં, પંક્તિઓની પુનરુક્તિઓ, મુકરર વાક્યપ્રયોગો વગેરે કંઠસ્થ કવિતાનાં જે રસમ જેવાં બની ગયેલાં અંગો છે તે અસલનાં જેવાં જ રહેવા દીધાં છે, તેથી કરીને મૂળ કવિતાનો સમાગમ મેળવવાનું સહેલ થઈ પડે છે. દૃષ્ટાંત તરીકે, ‘ધ એબ્સન્સ ઓફ ડોબ્રિન્યા’ નામની એક અતિ રોમાંચક વીરકથાનો નાયક પોતાની સાહસયાત્રાએ નીકળતી વેળાએ પત્નીને કહી ગયો છે કે છઠ્ઠે વર્ષે મારા પાછા આવવાની વાટ જોજે. એ વાટ જોઈ રહેલી વિરહિણીનું આ શબ્દચિત્ર છે : She waited for three years. Day after day, as the rain falls, Week after week, as the grass grows, Year after year, as the river flows, And the end of the three years came; But Dobrynya did not return from the open plain. અસલ રશિયાઈ ‘બાયલીંગ’નું ગાન જ્યારે કોઈ કથાકાર લોકવાદ્યના તાર-ઝંકારની સાથે ગામડાના ચોરા પર માંડતો હશે ત્યાર વેળાની શ્રોતાઓ પરની રોમાંચભરી ચોટ તો આના અનુવાદ પરથી સમજી જ શાની શકાય? પરંતુ એથી બીજે દરજ્જે જો લોકકાવ્યના વાતાવરણને પકડવું હોય તો તે માટે આવો મૂળના લોકપ્રયોગોને સાચવનારો અનુવાદ જ મદદ કરી શકે છે. બાકી આ સંપાદિકાનો મુખ્ય આશય છે બે પ્રકારનો : રશિયાઈ કંઠસ્થ કવિતાની અંદર એ દેશના ઇતિહાસની જે છાયા-છબી ઝિલાયેલી છે તે બતાવવાનો તેમ જ એ કંઠસ્થ કવિતાનું સાહિત્યતત્ત્વ જે વિકાસ અને પતન પામતું ગયું તે દેખાડવાનો. રચનારા રાજકવિઓ સંપાદિકાએ લખેલો પ્રવેશક આ રશિયાઈ લોકકવિતા સંબંધે અનેક મુદ્દાનું સમતોલ અને સચોટ નિરાકરણ કરે છે. ‘બાયલીંગ’ના અસલ રચનાર કોણ હતા? તો કહે છે કે નિરક્ષર ગામડિયો સમુદાય નહિ, પણ રાજદરબારી સંસ્કારમંડલોમાં ભેળાતા સુરક્ષિત ચારણ કવિઓ. તેઓની આ અસલ કૃતિઓ કેવળ ગામડિયા લોકકંઠમાં તો પડી ગઈ છેક ઓગણીસમી સદીમાં. લોક-પ્રાણમાં એને સીંચનારો કથાકાર skazitel નામે ઓળખાતો. અસલ કાળમાં પેલા શિક્ષિત રાજકવિઓ ગાતા ને વ્યાપારીઓ તથા ઉમરાવો અફસરોની મિજલસો જ એ ગીતોનું શ્રવણ કરતી. તેનું સ્થાન ઓગણીસમી સદીમાં ખેડૂતોની બેઠકોએ અને નિરક્ષર ગ્રામ્ય કથાકારે (સ્કાઝીતેલે) લીધું : બરાબર આપણે ત્યાં બન્યું તે જ પ્રમાણે. આંહીંની મેહ-ઊજળી, ઓઢો-હોથલ, શેણી-વિજાણંદ વગેરે લાંબી ગીતકથાઓની રચના જો તપાસીએ તો જરૂર લાગે કે એના રચનાર કોઈ શિક્ષિત, કાવ્યગામી રાજશાયરો હશે; પણ એ કથાઓની છેલ્લી ભાળ લાગી આપણને પેલા તૂરીઓ, રાવળો, મીરો, ને ભાંડો-ભવાયાઓ જેવા અણઘડ અભણ લોકકથાકારોના કંઠમાંથી. રાજકવિઓએ તેમજ રાજસભાઓએ અશિષ્ટ કહી ફેંકી દીધેલી એ રચનાઓને ત્યાં પણ ગામડિયાઓની કંઠપરંપરાએ જ ઉગારી. કંઠપરંપરાનું સામર્થ્ય કેટલું જબ્બર? ટાંચી આછી વસ્તીવાળા વિરાટ દેશની અંદર, છેક સાઈબીરિયા લગીના છૂટાછવાયા પ્રદેશોમાં, સેંકડો ગાઉઓનાં નિર્જન અંતરો ઓળંગીને પણ આ ગીતો પહોંચ્યાં છે, એવું તે તે સ્થળોમાં ગવાતા પાઠો પરથી માલૂમ પડે છે. મૂળ કથા એ-ની એ જ, માત્ર એનાં સ્થાનિક પાઠાન્તરો (‘લોકલ વેરીઅન્ટ્સ’) થયાં હોય છે, પણ તેમાં શૈલી તેમ જ વસ્તુના તફાવતો નજીવા જ. ઇતિહાસનાં અસ્થિમાં પ્રાણ પૂરનાર સાચું છે કે આ ગીતો તલેતલ ઇતિહાસ નથી નોંધતાં. પણ પ્રજાજીવનની અનેક માર્મિક ઘટનાઓ તેમ જ કાળસ્થિતિઓ ઉપર લોકહૃદયની સમાલોચના આપે છે, ભૂતકાળને સજીવન કરે છે, ને એ રીતે — “ધે ઓફન ક્લોધ ધ ડ્રાય ઓર ડાઉટફૂલ બોન્સ ઑફ હિસ્ટરી વીથ લીવીંગ ફ્લેશ ઑફ પોપ્યુલર સેન્ટીમેન્ટ્સ. : ઇતિહાસના સૂકા અસ્થિપિંજરમાં એ લોકોર્મિઓનાં સજીવ રુધિરમાંસ પૂરે છે.” એનું એક ઉદાહરણ ટાંકીએ : એ છે વૉલ્ગા નામના દસમી કે અગિયારમી શતાબ્દીના દેશવીરનું ગીત. દેશનાયકો વિચારે છે કે દુશ્મનોના રાજ્ય તુર્કીમાં ગોઠવાઈ રહેલા દાવપેચની બાતમી લાવવા કોને મોકલશું? If we send an old man, we shall have long to wait And if we send a middle-aged man They will make him drunk with wine; And if we send a youth, He will play too long with maidens And make merry with the married women And chatter with the old crones, And in that case also we shall have long to wait. Manifestly it is Volga himself who must go. ને પછી વૉલ્ગા તુર્કોને હાર દઈ, એની લૂંટ કરી પાછો આવે છે, તે વેળા લૂંટેલી સંપત્તિ કેવા સસ્તા ભાવે વેચાય છે? Good steeds went for seven roubles, And a steel weaber for six roubles, But the cheap bargain was the women folk. Old women were priced at a quarter of a kopeck And married women at half a kopeck And fair maidens at a half-penny. આ રીતે જેમ જેમ જમાનો પલટા લેતો જાય છે તેમ તેમ આ ગીતોમાં યુગરેખાઓ પણ નવી નવી દોરાતી જાય છે. દેશમાનસ અને લોકોર્મિઓનાં બલવાન પરિવર્તનો ખરેખરાં ક્યાંય નોંધાયાં હોય તો તે આ કથાગીતોમાં છે. ‘ધે રેપ્રિઝેન્ટ ધ હાઇએસ્ટ ફોર્મ ઑફ રશિયન પોપ્યુલર ઍન્ડ ઓરલ લિટરરી ટ્રેડીશન ઓવર અ પીરીઅડ ઑફ અ થાઉઝન્ડ યર્સ.’ j યુગોસ્લાવ લોકગીતો ‘તુર્ક સત્તાની તાબેદારી સામે સર્બ પ્રજાને પાંચ-પાંચ સૈકાઓ સુધી ઝઝૂમી રહેવાનું ખમીર પૂરવામાં અને આખરે 1912-13ના બાલ્કન વિગ્રહ દરમ્યાન પરદેશી દાસત્વની ધૂંસરી ફગાવી દેવરાવવામાં આ ગીતોએ પણ કંઈ જેવો તેવો ફાળો નથી આપ્યો.’ આવા શબ્દો વડે સન્માનિત બનનારાં ગીતો તે બીજાં કોઈ નહિ પણ યુગોસ્લાવ પ્રજાનાં જૂનાં ઐતિહાસિક કથાગીતો છે, એ જાણીને આપણામાંના ઘણાને વિસ્મય થશે. વસ્તુતઃ એ તારીફ ‘ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ’ જેવા ઠરેલા અવલોકનપત્રની કટારોમાં પૂર્ણ ગંભીરતા સાથે થઈ છે, અને એ પુસ્તક પણ કૅમ્બ્રિજ વિદ્યાપીઠનું પ્રકાશન છે. એનું નામ ‘યુગોસ્લાવ પોપ્યુલર બૅલડ્સ’ (લે. દ્રાન્ગતીન સુદોતીક). એ સંગ્રહમાં યુગોસ્લાવ પ્રજાનાં વીરરસભર્યાં ઐતિહાસિક લોકગીતોનો સવિસ્તર ઇતિહાસ અને મીમાંસા છે. ઈ. સ. 1389ના દારુણ યુદ્ધે સર્બ જાતિને તુર્કોની દાસી બનાવી, ત્યારથી 1913માં સર્બ પ્રજાએ મુક્તિ પ્રાપ્ત કરી, ત્યાં સુધીની તવારીખ આ લોકગીતોએ સાચવી છે, ને એ ગીતો પણ કંઠોપકંઠ લોકસમૂહે જ સંરક્ષેલાં છે. યુગોસ્લાવ લોકકવિતાને ‘નારોદ્ને પેસ્મે’ કહે છે. એના બે વિભાગ : એક ‘ઝેન્સ્કે’, સ્ત્રી-ગીતો, બીજા ‘મુસ્ક’, મરદનાં, અથવા ‘યુનાક પેસ્મે’ અર્થાત્ વીરકવિતા. ‘ઝેન્સ્કે’ અર્થાત્ સ્ત્રી-ગીતોમાં સમાવેશ પામે છે પ્યારનાં, પ્રસંગોનાં કે ધંધાને લગતાં ગીતોનો ગંજાવર સમુચ્ચય, જે બધાં જ કંઈ સ્ત્રીઓનાં ગીતો ન કહી શકાય; બીજા વિભાગનાં ‘જુનાકે પેસ્મે’, વીરગીતોમાં આવે છે મહાકાવ્યોને મળતાં વર્ણનાત્મક કથાગીતો, જે રાષ્ટ્રના બિરદાઈઓ gusla અથવા tambura નામે તંતુવાદ્યના ઝંકાર સાથે સૂર મિલાવીને રાજસભાના રંજનાર્થે કે શૌર્યપ્રેરણાર્થે ગાતા. પાંચસો સદીઓના તુર્ક શાસન સામેના યુદ્ધ પછી યુદ્ધની રાષ્ટ્ર-આહુતિઓને એ ગીતોએ અમર કરી, તેમ જ નવા જુસ્સા વડે નવપલ્લવિત રાખી. એના રચનાર પણ રાજકવિઓ (‘બાર્ડ્ઝ’) જ. ઐતિહાસિક દસ્તાવેજોની મોટી ખોટ યુગોસ્લાવ પ્રજામાં આ ગીતોએ પૂરી છે, છતાં ગમે તેમ તોપણ એ તો ચારણી રચના, એનો પ્રધાન સૂર વીર નરને રંગ દઈ નવાં પરાક્રમોની તમન્ના પૂરવાનો હોય, એટલે એમાં ઐતિહાસિક સત્ય શિથિલ બને, કાલવ્યુત્ક્રમ (‘એનૅક્રનિઝમ’) ઘણાં આવે, (દા.ત. દારૂગોળો, કૉફી, તમાકુ વગેરે ચીજો યુરોપમાં દાખલ થઈ તે પૂર્વેની ઘટનાઓમાં પણ એ ઉલ્લેખ પામે) અને આખા એક સૈકાને અંતરે થઈ ગયેલા વીર પુરુષો પણ સમકાલીનો તરીકે વર્ણવાય. એટલે એને ઇતિહાસના આધારસ્તંભો લેખવામાં જોખમ ગણાય. યુરોપના રંગભાવી કે કૌતુકપ્રિય (‘રોમૅન્ટિક’) યુગમાં સ્વાભાવિકપણે જ આ મસ્ત લોકગીતોએ મોટી અસર ઉપજાવી. ગેટે, ગ્રીમ, પુશ્કીન, મીરીમી અને મીકીવીઝ સરખા સાહિત્યકારો એ ગીતોના રંગે રોમેરોમ રંગાયા, પરંતુ વર્તમાન યુગનું યુરોપી સાહિત્ય એની અસરથી વંચિત રહી ગયું, કારણ કે એને અનુવાદકો અચ્છા ન જડ્યા. આ છેક તાજા અનુવાદમાં પણ કચાશ એ છે કે સંપાદકે એની સંગીતબાજુને સ્પર્શેલી જ નથી. તે છતાં વર્તમાન સાહિત્યજગતમાં લોકકાવ્ય ચોગમથી જે નવતર રંગો રેલાવી રહેલ છે, તેની અંદર આ બહાદુર સર્બ પ્રજાનું લોકગાન ઘણું મોટું બળ ઉમેરશે. j ગુલામોનાં લોકગીતો છેલ્લાં દસેક વર્ષોથી અમેરિકા અને યુરોપનાં સંસ્કારી શહેરોની રંગભૂમિ ઉપર અમેરિકન હબસીઓની સંગીતમંડળીઓ એક નવીન ભાતનું વશીકરણ પાથરી રહેલ છે. એ નવા વશીકરણની ચોટમાં તેઓએ દેશદેશના તમામ નામાંકિત સંગીતકારોને તેમ જ કાવ્ય-સાહિત્યના પ્રેમીઓને બાંધેલ છે. આ હબસી ગાયકો અમેરિકન વિદ્યાપીઠોની ઊંચી કેળવણી પામેલ સંસ્કારમૂર્તિઓ છે. તેઓ પૈકી રોલૅન્ડ હેઈઝ, પૉલ રોબ્સન, કુમારી મેરિયન એન્ડર્સન અને જુલિયસ બ્લેડસો એ ચાર અગ્રણીઓ છે. તેઓ જે ગીતો ગાય છે તે ‘સ્પિરિચ્યુઅલ્સ’ નામથી ઓળખાતાં અમેરિકન હબસી પ્રજાનાં જૂનાં, ધર્મભાવથી ભરેલાં લોકગીતો છે. પૉલ રોબ્સન નામનો, નાદની સાક્ષાત્ જીવતી પ્રતિમા મનાતો વિખ્યાત હબસી જુવાન એ ગીતોને જૂની, સાદી સરળ લોક-ઢબથી ગાઈ સંભળાવે છે, જ્યારે એથી ઊલટું રોલૅન્ડ હેઈઝ એ ગીતોમાં પોતાની વ્યક્તિગત પ્રતિભા અને કલા ઠાલવીને એક નવું જ સ્વરૂપ આપે છે. ગીતોને એ ધરણીના પટથી ઊંચે ભાવના-પ્રદેશમાં લઈ જઈ, જાણે કે ચંદ્રની રૂપાવરણી જ્યોત્સ્નાનો તેમ જ સૂર્યના કનકમય ઝળહળાટનો છંટકાવ કરે છે. એ ગાય છે ત્યારે શ્રોતાઓ જાણે કે મર્ત્ય લોકમાંથી કોઈક બીજી દુનિયામાં જઈ પડે છે. અને રોલૅન્ડના ગાલો ઉપરથી પણ એ ગાતી વેળા દડદડ આંસુ વહ્યે જાય છે. આમ છતાં રોલૅન્ડની કલા અને પૉલ રોબ્સનનું સ્વાસ્થ્ય : એ બંનેની અસર શ્રોતાઓની ઉપર તો એક જ ઊઠે છે — હૈયાંના મર્મતારો ખેંચીને આંખોમાં ભીનાશ મૂકવાની એ અસર છે; કેમ કે — ‘ધે બોથ ફીલ ધ સ્પિરીચ્યુઅલ્સ ડીપલી’ : તેઓ બંને આ ગીતોના ઊંડા પ્રાણ સાથે એકરસ થઈ જાય છે. ગીતોની વેદનાને હૃદયના મર્મભાગમાં અનુભવે છે. કેવી રીતે ઉદ્ભવ્યાં આ ‘નિગ્રો સ્પિરિચ્યુઅલ્સ’ શું છે? ક્યાંથી અને કેવી રીતે ઉદ્ભવ્યાં છે? વાત એમ છે કે અમેરિકામાં વસાહતો નાખવા માટે યુરોપના દેશદેશમાંથી ઊતરી આવેલા ગોરા લોકોએ ગુલામીના કસદાર વ્યાપારને સારુ આફ્રિકા ખંડમાંથી જહાજો ભરી ભરીને હબસી સ્ત્રી-પુરુષોને તેમ જ બાળકોને ઉઠાવી આણી નોખનોખે બંદરે ઉતાર્યાં અને વેચ્યાં. તેઓની દશા શિકારીનો ભોગ બનતાં પ્રાણીઓ કરતાં બદતર હતી. કોઈ માતાથી વિખૂટું બાળ, તો કોઈ બચ્ચાંથી વિછોડાયલ માબાપ, એ રીતે પકડી આણેલાં આ નરમ હૈયાંવાળાં મનુષ્યોમાંથી અનેકના તો જળમાર્ગે જ જીવ ગયા. ને એ બધા સંહારમાંથી બચીને જેઓ અમેરિકાની ભોમ પર જીવતાં પહોંચી શક્યાં, તેઓને પોતાના હાલ કેવા દેખાયા? વતનથી દૂરદૂર : ભિન્ન રીતરિવાજવાળો પરમુલક : ચોપાસ તિરસ્કારનું જ નિષ્ઠુર વાતાવરણ : વેચાઈ વેચાઈને પણ મા ક્યાંક જાય છે, સંતાનો બીજે ક્યાંક દોરાય છે : એ વિચ્છેદની વેદના : માલિકોના કોરડા : કહ્યું ન જાય — અને કહેવાય પણ કોને? — એવું દુઃખમય જીવન. ન એની ભાષા બીજા સમજે. ગુલામોથી અંદરોઅંદર પણ ભાષાનો વહેવાર થઈ શકે નહિ, કેમ કે કિસ્મતે તેઓને ભિન્ન ભિન્ન ભાષા બોલતા આફ્રિકન પ્રદેશોમાંથી એકઠાં કર્યાં હતાં. હવે આ હબસીઓ કંઈ જંગલી હિંસક માનવપશુઓ નહોતાં. મોડી મોડી પણ જગતને આજે જાણ થઈ ગઈ છે કે આફ્રિકાવાસી નગ્ન વનવાસીઓને પણ એક સંસ્કૃતિ હતી. અત્યારે યુરોપ — અમેરિકામાં દીપી ઊઠેલી ચિત્રકલા અને શિલ્પકલાનું બારીક નિરીક્ષણ એવો નિર્ણય કરાવી શક્યું છે કે એ કલા આફ્રિકાનાં ઝૂંપડાંમાં રમતી કલાનાં જ બીજમાંથી ફાલેલું વૃક્ષ છે. આવી સંગીત અને તરલ કલાની સાથોસાથ એ પ્રજાની પાસે ભાતીગળ અને સમૃદ્ધ લોકસાહિત્ય હતું — અથવા હજુય છે. (‘ધે પઝેસ અ ફોક-લિટરેચર ધૅટ ઈઝ વેરીડ ઍન્ડ રીચ.’) એટલે કે પોતાની સુખદુઃખની કે સ્નેહ-ધિક્કારની ઊર્મિઓ ઠાલવવા સારુ સમજદાર લોકોની પાસે જે વાણી અને કંઠસ્વર હોય છે તે બંને પણ આ દેશવટે ગયેલા ગુલામોની સાથે સંગી બનીને ગયાં હતાં. અંતરની ઊંડી આરજૂ રડી કાઢવા એ આખો સમુદાય તલખી ઊઠ્યો. બાઈબલની આખ્યાયિકાઓ આ એક કટોકટીની ઘડી હતી. એ વ્યથાને કેવળ વ્યથારૂપે, હતાશારૂપે કે નિર્વીર્ય રોષ, ધિક્કાર અને વૈરના ધ્વનિ વાટે વ્યક્ત થવાને વાર નહોતી. પરંતુ તે અણીને અવસરે આ ગુલામોના ખદબદતા વેદના-ચરુમાં કોઈ અણધારી સાંત્વનાનાં એવાં એવાં ટીપાં ટપકી પડ્યાં કે જેણે એ ઉકળાટને નવું જ સ્વરૂપ આપ્યું. બન્યું એવું કે પોતાના ખ્રિસ્તીધર્મી માલિકોની સાથે આ લોકો પણ ખ્રિસ્તી દેવાલયોમાં જતાં થયાં. પોતાની દેશી ભાષાઓ છોડી છોડીને માલિકોનાં ઘરોમાં બોલાતી ભાષા તેઓએ ભાંગ્યાતૂટ્યા સ્વરૂપમાં પકડેલી હોઈને દેવાલયોમાં તેઓએ બંદગીઓ સાંભળી, અને બાઈબલની આખ્યાયિકાઓ તેઓને કાને પડી. પરિણામે એવું બન્યું કે પોતાના ઘાતકી, માનવદ્રોહી માલિકોના જીવનમાં જે ધર્મને કે પ્રાર્થનાઓને શોભા અને રૂઢિ સિવાય બીજું કશું જ સ્થાન નહોતું, તે જ ધર્મે, એની બંદગીઓ અને કથાઓમાં રહેલી સરળતાને કારણે આ સરલ દિલનાં દુઃખી લોકોને અધીન કરી લીધાં. ખ્રિસ્તીધર્મ એટલે દુઃખની કરુણતા થકી રંગાયેલો ધર્મ, એ આપણે જાણીએ છીએ. પ્રભુની કરુણામાં અનંત શ્રદ્ધા, અને આ લોકમાં પડતાં દુઃખોનો સુખરૂપ બદલો પરભવમાં મળશે એવું પરમ સાંત્વન : બધા સંતાપને અંતે ઈશ્વરના ખોળામાં વિસામો મળવાનો છે એવી મહાન આશા : એવી એવી ભાવનાઓમાં હબસીઓનાં ઊકળતાં દિલો ઝબકોળાઈ ગયાં. પરિણામ એ આવ્યું કે વાચા શોધવા મથી રહેલ અંતઃતાપ છેક જુદા જ સ્વરોમાં ઠલવાવા લાગ્યો : એ સ્વરો હતા સબૂરીના, ક્ષમાના, પ્રેમના, શ્રદ્ધાના અને અમર આશાના સ્વરો : એટલે કે ખ્રિસ્તીધર્મના પ્રાણરૂપ સિદ્ધાંતોના એ સ્વરો હતા. ઈસુના ક્રૉસારોહણની આખ્યાયિકાએ આ હબસી લોકકવિના આર્ત હૈયામાંથી જે સ્વરો જગાડ્યા તે આપણને એના ‘ક્રૂસીફિકેશન’ નામના લોકગીતમાંથી જડે છે : They crucified my Lord And he nevea said a mumbling word, Not a word, not a word, not a word. They nailed him to the tree And he nevea said a mumbling word, Not a word, not a word, not a word. They pierced him in the side And he nevea said a mumbling word, Not a word, not a word, not a word. The blood came twinkling down And he nevea said a mumbling word, Not a word, not a word, not a word. He bowed his head and died And he nevea said a mumbling word, Not a word, not a word, not a word. એને ખીલા ઠોકીને ઝાડ સાથે જડ્યા. તોય એણે કશો બડબડાટ કર્યો નહિ — એક શબ્દ પણ નહિ. એને બેઉ પડખે પરોવી લીધા. તોયે. એના દેહમાંથી રુધિરની ધારા ચાલી. તોયે. મસ્તક નમાવીને એણે પ્રાણ છોડ્યા. તોયે.] [તેઓએ મારા પ્રભુનો વધ કર્યો, તોયે એણે કશો ઓહકાર કર્યો નહિ — એક શબ્દ પણ નહિ.] પોતાનું ધૈર્ય ટકાવી રાખવા હવે, આ એક નમૂના પરથી જોઈ શકાશે કે ગુલામોની હૃદય-વીણાના તાર પર કઈ આંગળીઓનો સ્પર્શ થયો અને કેવા કરુણમધુર ઝંકાર નીકળ્યા. દર્દની ભાષા મિતાક્ષરી હોય છે એ અહીં દેખાઈ આવે છે. તેઓએ બાઈબલની આખ્યાયિકાને જેવી મૂળમાં છે તેવી ને તેવી પોતાના રાગ-તાલમાં ઠોકી બેસાડી, પણ એમાં પોતાનાં દિલનું દર્દ મૂકી દીધું છે. પારકું લીધેલું કશું જ નહિ; પંક્તિએ પંક્તિ અને સ્વરેસ્વર હબસીના પોતાના જ પ્રાણમાંથી ઊઠેલાં. પોતાના અનુભવ અને પોતાની ઊર્મિનાં મંથનમાંથી જ ઊઠતી ચીસ : Sometimes I feel like a motherless child, Sometimes I feel like a motherless child, Sometimes I feel like a motherless child, A long way from home. [ઘણી વાર એવું લાગે છે કે ઘરથી દૂર દૂર ભૂલા પડેલા માવિહોણા બાળક જેવો હું દુઃખી છું.] અને પછી? — એથી ઊલટી જ મનોદશામાં : Sometimes I feel like an eagle in de air, Some-a dese mornin’s bright an’ fair I’m goin to lay down my heavy load; Goin’ to spread my wings an’ cleave de air. [કોઈ વાર વળી મને મારો પ્રાણ હવામાં ઊડતા ગરુડ સરખો લાગે છે, જાણે કે આવા કોઈ સ્વચ્છ ચકચકિત પ્રભાતને પહોર મારા માથા પરનો બોજો ઉતારી નાખીને હું મારી પાંખો પસારતો, વાયુમંડલને ભેદતો ગગનમાં ચડી જઈશ.] હતાશાની ગાંસડીના ભાર તળે નમી જતું હબસી હૃદય જીવનયાત્રામાં ક્યાંયે કોઈ વિસામાનું સ્થાન નહિ જોઈ શક્યું હોય, આત્મબળ તૂટું તૂટું થતું હશે, ત્યારે એણે પોતાના ધૈર્યને ટકાવી રાખવા ખાતર ગાયું હશે કે — Oh Lord, Oh my Lord! Oh my good Lord! Keep me from sinking down. I tell you what I mean to do Keep me from sinking down. I look up yonder and what do I see? Keep me from sinking down. I mean to go to heaven too Keep me from sinking down. I see the angels beckoning me Keep me from sinking down. [ઓ મારા પ્રભુ! મને લથડી પડતો બચાવજે. હું દૂર દૂર દૃષ્ટિ કરું છું ને શું જોઉં છું? મારે પણ મુક્તિધામમાં જવું છે. દેવદૂતો મને બોલાવી રહ્યા છે. મને તૂટી પડતો બચાવજે!] આ બંધુહીન દશામાં હબસી, પોતાનાં સ્વજનોને, જગતનાં મનુષ્યોને વીનવે છે કે, ઓ ભાઈઓ-બહેનો! મને આ વિરોધી જગતમાં ટકી રહેવા પ્રાર્થનામાં સહાય દેજો! I am a-rolling Through an unfriendly world. Oh brothers, won’t you help me Oh sisters, help me to pray. કોઈ વાર વળી શ્રદ્ધા અને નિશ્ચયની મનોદશા : Until I reach a ma home I nevah inten’ to give de jurrney ovah Until I reach ma home. Some say gim me silvah And some say gim me gol’ But I say gim me Jesus Most precious to ma soul. [મારે ઘેર હું નહિ પહોંચું ત્યાં સુધી હું કદાપિ મારી મજલ છોડી દેવાનો નથી. કોઈ કહે છે : ‘મને રૂપું આપો’ ને કોઈ કહેશે : ‘મને સોનું આપો’. હું તો કહું છું કે મને મારા પ્રાણનો અમુલખ ખજાનો પ્રભુ જીસસ આપો.] રુદન, આનંદ, ગૌરવ વેદના અને આશાહીનતાનું રુદન-ગાન; લથડતા આત્માના ઉગાર માટે ઈશ્વર તેમ જ માનવીઓ પ્રત્યેનું કાકલૂદી-ગાન; શહીદ થયેલા જીસસનું સ્તુતિગાન; અને પોતાના નિશ્ચયનું, સાચી દોલતની પ્રાપ્તિનું આનંદ-ગાન : એમાં ઉમેરાય છે, મનુષ્ય તરીકેના પોતાના અધિકારનું ગૌરવ-ગાન : You got a right I got a right All got a right Lo the tree of life Yees, tree of life. De very time I thought I was lost De dungeon shook and the chain fell off You may hinder me here But you cannot there Cause God in heaven goin’ to answer prayer. You may bury me in de East You may bury me in de West But I’ll hear the trumpet sounding dat morning My Lord! how I long to go. [તમનેય હક્ક છે. મનેયે હક્ક છે. જીવનમાં વૃક્ષ પર સહુ કોઈને હક્ક છે. જે ક્ષણે મને લાગેલું કે મારું સત્યાનાશ વળી ચૂક્યું છે, તે જ ઘડીએ કારાગૃહ કમ્પી ઊઠ્યું ને જંજીર તૂટી પડી. તમે આંહીં મારા આડા ફરશો, પણ ત્યાં તમારી મગદૂર નથી; કેમ કે ત્યાં, પરમધામમાં તો પ્રભુ મારી ધા સાંભળવાનો જ છે. મને પૂર્વમાં દાટો, કે પશ્ચિમમાં દાટો પણ એ ઈન્સાફના દિનની સવારે તો ઈશ્વરી ભેરી હુંયે સાંભળવાનો છું. એ માલિક! ત્યાં જવા હું કેટલો તલખી રહ્યો છું!] ઈન્સાફની આશામાં આપણે જોઈ શકીએ છીએ કે આ પીડિતોની લાગણીઓ પોતાના પીડકો પ્રત્યેના ધિક્કાર અને કડવાશની છેક નજીક પહોંચીને પાછી વળે છે — ઈશ્વરી ઈન્સાફની આશા તરફ ઊતરી જાય છે. એમાં વિલસતી શ્રદ્ધાએ અઢીસો વર્ષની કારમી ગુલામદશા દરમ્યાન હબસી જાતિના શરીરને તેમ જ આત્માને ટકાવી રાખવામાં કેટલો ફાળો આપ્યો છે તે માપવું મુશ્કેલ છે. આવી ભાવનાઓ પ્રગટ કરતાં અનેક ગીતો છે. એની પહેલી પહેલી પંક્તિઓ જોતાં જ એમાં રહેલા કાવ્યનો ધ્વનિ આપણને મળી રહે છે. દાખલા તરીકે — “All Good’s c‘hillun (children) get wings.” [પ્રભુનાં બધાં જ બાળકોને પાંખો મળે છે.] “Some body’s knocking at yo’ do’ ” [કોઈક તારાં દ્વાર ખખડાવી રહ્યું છે.] “De blin’ man stood on de road an’ cried.” [એ સૂરદાસ રસ્તા પર ઊભો ઊભો હાક મારવા લાગ્યો.] j j j “Gwiner sing all along de way.” [આખે રસ્તે હું ગાતો જ જવાનો.] Whar yo’ gwine to do when yo’ amp burn down.” [જ્યારે તારા દીવામાંથી દીવેલ ખૂટી જશે ત્યારે તું શું કરશે?] j j j “Let us cheer the weary traveller “along the heavenly way.” [પ્રભુધામને પંથે જતા એ થાકેલા મુસાફરને (મૃત માનવીને) ચાલો આપણે ધીરજ આપીએ.] ભાષાની કર્કશતા કાઢી નાખવાને સારુ હબસીઓની જીભોએ અંગ્રેજી ઉચ્ચારો ફેરવી નાખી લીસા સુંવાળા કરી નાખ્યા છે. એટલે આપણને ભાષા ગ્રામ્ય લાગે છે. પણ ગુલામોનાં સરળ નિર્વ્યાજ ગીતોમાં એ બાલવાણી શોભી ઊઠે છે. અસલ ઢાળ આફ્રિકાના અસલ ઢાળ આફ્રિકાના દેશી લોકગીતોના. તે ઢાળોમાં આ અંગ્રેજી ગીતો ઉતાર્યાં. પણ ઢાળોએ અને ભાષાએ પરસ્પરમાં કેવી મેળવણી, કેવી એકરસતા ને તદ્રૂપતા સાધી છે, તે તો શ્રોતા બન્યા વિના ખરેખરું ન સમજી શકાય. લોકગીતો — આપણાં કે હરકોઈ દેશનાં — સાચેસાચાં ભોગ્ય નથી બની શકતાં તેનું કારણ એ જ છે. તે ગાવાની ચીજો છે, તાલબદ્ધ નૃત્યની રચનાઓ છે, તેનો ભાવ તાલસંગીતથી વિખૂટો થતાં ‘જલ બિન મીન’ની ગતિને પામે છે. પણ આ હબસી લોકગીતોનું ઘડતર તાલસ્વરોને હિસાબે કેટલું પરિપક્વ બનેલું છે, તે કહેવાની જરૂર નથી. એવાં 61 ઉત્તમ ગીતોની સ્વરલિપિ (‘નોટેશન’) બાંધીને એક સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે. તેને પરિણામે એ ગીતો અનેક ઘરોની અંદર પેસી જઈને પિયાનોના પાસા ઉપર કે ઈસરાજની કામઠી ઉપર વિરાજ્યાં છે. પરંતુ એક વાત તો નક્કી જ છે, કે પૉલ રોબ્સન અથવા રોલૅન્ડ હેઈઝ જેવા એકલ ગાયકોની ચાહે તેટલી નિપુણતા પણ એ ગીતોની અસલ ખૂબીનો ખ્યાલ નહિ આપી શકે, કેમ કે એની મૂળ ઉત્પત્તિ જ વૃંદગાન (‘ગ્રુપ સીંગીંગ’)ને સારુ થઈ છે. “વન હેઝ નેવર એક્સ્પીરીઅન્સ્ડ ધ ફુલ ઇફેક્ટ ઑફ ધીઝ સોંગ્સ અન્ટીલ હી હૅઝ હર્ડ ધેર હાર્મનીઝ ઇન ધ પાર્ટ સીંગીંગ ઑફ અ લાર્જ નંબર ઑફ નીગ્રો વોઇસીસ.” રચનાર કોણ? : બે મતો હબસી લોકગીતોના રચનાર કોણ હશે તે બાબતમાં અન્ય લોકગીતોના સંબંધમાં થાય છે તેવાં જ વિધવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. એક પક્ષ કહે છે કે સમાન ઊર્મિએ વલોવાઈ રહેલ સમગ્ર વૃંદ એને સરજી ગયેલાં છે, અર્થાત્ આખા લોકવૃંદના આત્મસંવેદનમાંથી ફૂટી ઊઠેલી એ સંઘરચનાઓ છે. જ્યારે બીજો પક્ષ કહે છે કે મોટે ભાગે તો સમગ્ર લોકસમુદાયના અમુક ભાવોદ્રેકની અસર તળે આવેલા ને સંઘોર્મિએ રંગાયેલા લોકકવિઓની જ એ પ્રાસાદિક કૃતિઓ છે. એ કવિઓ — ‘ધ બાર્ડ્ઝ’ — આ લોકવૃંદોના સંગીત-નાયકો હતા. તેઓની પાસે અમુક વિભૂતિઓ હતી : રાગરાગિણીની બક્ષિસ હતી, કાવ્યરચનાની પ્રતિભા હતી, જોરાવર કંઠ હતો, અને તેજસ્વી સ્મરણશક્તિ હતી. એટલે કે આ લોકગીતો વ્યક્તિગત સિદ્ધિઓમાંથી નીપજેલી કૃતિઓ છે. પણ જે રચનારા હતા, તેઓ નિરક્ષર હોવાથી આ ગીતોને લિપિબદ્ધ નહોતા કરી શક્યા. માત્ર કંઠોપકંઠ એક પછી એક ઓલાદ એને જીવતાં રાખતી આવી. દેવાલયોમાં બંદગી સારુ મળેલી મેદનીઓમાં કે એવાં અન્ય ધર્મસંમેલનોમાં, ઉપદેશકોનાં ટાયલાં કંટાળો આપવા લાગતાં ત્યારે એકાદ ખૂણામાંથી એકાદ કોઈ ‘મા વ્હાઈટ’ નામની ધોબણ અથવા તો ‘સિંગિંગ જ્હોનસન’ નામનો કાણિયો ગાયક આ ગીતો લલકારી ઊઠતો, ને તુરત આખો સમુદાય એની પંક્તિઓ ઝીલવા લાગતો. ધોબણ અને કાણિયો નવાં ગીતોની પણ શીઘ્ર રચનાઓ કર્યે જતાં ને જેવો કથાપ્રસંગ હોય તેને અનુરૂપ જ શબ્દોમાં ઊર્મિને બાંધતા. પણ પછી તો જે પરિસ્થિતિએ આ ગીતોને જન્મ આપ્યો ને પોષણ દીધું તે પરિસ્થિતિ જ પલટી ગઈ. ઉપરાંત, ગુલામોની મુક્તિ (‘એમેન્સીપેશન’)નો જે નવયુગ બેઠો, તેના અગ્રેસર હબસીઓએ પોતાની જાતિના ગુલામી-કાળ સાથે સંકળાયેલ સારી-માઠી તમામ વસ્તુઓને દફનાવી જ દેવાનો આગ્રહ રાખ્યો હતો, ને એ દૃષ્ટિએ આ લોકગીતોનું પણ તેઓ અવસાન માગતા હતા. તેઓએ આ ગીતોનો ધ્વંસ શરૂ પણ કરી દીધો. આ ધ્વંસમાંથી કેટલાંક ગીતોને, એની સંશોધન તરીકેની કિંમત વિચારી તેમ જ એના સૌંદર્ય પર મુગ્ધ બની કેટલાક સંગ્રાહકોએ પકડી કાગળ પર ઉતાર્યાં તેમ જ એના ઢાળતાલ પણ પકડી લીધા. પહેલો જશ યુનિવર્સિટીને તે પછી અમેરિકાની પ્રજા સન્મુખ આ પુરાતન છતાં સનાતન ઊર્મિઓના પડઘા પાડતાં લોકગીતોને રજૂ કરવાનો સૌ પહેલો યશ ફિસ્ક યુનિવર્સિટીને નામે ચઢે છે. જગવિખ્યાત ‘ફિસ્ક જ્યુબિલી સિંગર્સ’ નામની એ વિદ્યાપીઠમંડળીએ આખા યુરોપમાં ઘૂમીઘૂમી આ સાહિત્યસંગીતના પ્રચારની જહેમત ઉઠાવી છે, જેની સફળતા — નિષ્ફળતાઓથી રંગાયેલો ઇતિહાસ એક અદ્ભુત નવલકથા સમો લાગે છે. પછી તો એ વિદ્યાપીઠે નવેસર સંશોધનો કરાવ્યાં અને એ રીતે આગળ થઈ ગયેલા સંશોધકોનું કામ વિસ્તાર્યું તેમ જ સંસ્કાર્યું. ફિસ્ક યુનિવર્સિટીને પગલે તો પછી તુરત જ હેમ્પટન, એટલાન્ટા વગેરે વિદ્યાપીઠો તેમ જ અનેક બીજી સંસ્થાઓએ ડગલાં માંડ્યાં; પરિણામે છેલ્લી બે પેઢીઓથી એ બધાં વિદ્યાલયો આ ગીતોનાં ઉદ્યાનો બની રહેલ છે. અસ્મિતાનો યુગ મંડાયો ગુલામોની મુક્તિ થયા બાદ તુરતમાં તો આ ગીતો સામે એવો બળવો જાગેલો કે એ ગાવાં તે ગુલામીની કાળી ટીલી કપાળે ચોડવા જેવું ગણાતું. તે પછી જ્યારે લોકોએ પ્રથમ એના પ્રત્યે કાન માંડવાની શરૂઆત કરી ત્યારે શ્રોતાઓને એની વિચિત્ર કાલી ભાષા તેમ જ ભાવોની સાદાઈ પ્રત્યે નરી રમૂજ જ ઊપજી. એ બધાં ગીતોને એક ટીખળ સમજીને સહુ દાંત કાઢતા. પણ પછી જે વેળા એના કરુણ ભાવોમાં પ્રાણ પરોવીને ગાનાર, શ્રોતાઓની લાગણીઓને એ ગીતોના ઊંડાણમાં રહેલાં દર્દ સાથે સાંકળનાર ગંભીર ગાયકો ઊભા થયા, ત્યારે શ્રોતાઓનાં દિલો દ્રવી પડ્યાં, સાચું દર્શન થયું. અને પોતાનાં ભજનોની ખૂબીઓ અને સમૃદ્ધિ પ્રત્યે હબસીની જે ક્ષણે ફરી આંખ ઊઘડી તે જ ક્ષણથી એ જાતિમાં અસ્મિતાનો યુગ શરૂ થયો. “ધીસ રીઅવેકનીંગ ઑફ ધ નીગ્રો ટુ ધ વેલ્યુ ઍન્ડ બ્યૂટી ઑફ ધ સ્પિરિચ્યુઅલ વૉઝ ધ બીગીનીંગ ઑફ એન એન્ટાયરલી ન્યૂ ફેઝ ઑફ રેસ કોન્શિયસનેસ.” શ્રી એન્ડ્રુઝ પર પ્રભાવ આટલાં જૂજ અવતરણોથી જ પતાવીને આપણે એક બીજો અવાજ સાંભળીએ. દીનબંધુ એન્ડ્રુઝ અમેરિકા ગયા હતા. ત્યાં એમણે આજથી અર્ધ સદી ઉપર સ્થપાયેલું બુકર વૉશિંગ્ટનનું ટસ્કેજી ઇન્સ્ટિટ્યૂટ નામનું બુલંદ હબસી વિદ્યાલય જોયું. એ સંસ્થાની રચનામાં, વ્યવસ્થામાં, સંચાલનમાં તમામ બાહ્ય સ્વરૂપોમાં દીનબંધુએ અમેરિકાની હબસી જાતિની વંદનયોગ્ય સિદ્ધિનાં દર્શન કર્યાં. પણ એ લખે છે : આ વસ્તુઓએ મારા હૃદયને નહોતું સ્પર્શ્યું. માનવ પ્રકૃતિમાં રમી રહેલ એ ‘મહતો મહીયાન’ તત્ત્વમાં આ હબસીઓની બાહ્ય કુશળતા કશો પડછંદો ન જગાવી શકી. પરંતુ જે ઘડીએ મેં આ સ્વાધીન સીદી બાળકોનાં મોંમાંથી તેમના પૂર્વજોનાં રચેલાં ગુલામીનાં ઊંડાં પાતાળોમાંથી ઊઠેલાં ગીતોનું ગાન સાંભળ્યું, તે જ ઘડીએ મારું હૃદય તત્કાળ હલમલી ગયું. માનવ-હૃદયની બીજી સર્જનાત્મક ઊર્મિઓની અંદર મેં જે આર્ષદર્શન કર્યું હતું, તે જ આર્ષદર્શન હું આ ગાનોમાં પામ્યો. હબસી જાતિનો પ્રાણ એમાં પ્રગટ થયો. આત્મજ્યોતને જાળવનારાં ન માની શકાય તેટલા સાદાં સરલ એ ગીતોના શબ્દોમાં ગંભીરતા જરીકે કમ ન હતી. એના વારંવાર ગવાતા આંતરાઓમાં એવી એક કરુણતા છે, કે જે આંસુ પડાવવાના કરતાંય વધુ ઊંડા મર્મોને ભેદે છે. હૃદયને તળિયેથી ચાલ્યા આવતા અદ્ભુત હલકવાળા આ હબસી કંઠસ્વરો જ્યારે પોતાનાં ભજનો ગાય છે, ત્યારે એનાથી થતી અસર વર્ણવી જાય તેવી નથી. એ પદોમાં બાઈબલની કથાનું રહસ્ય ઝિલાયું છે, બાઈબલની કથાનો સંદેશ એ ગીતો કોઈ અલૌકિક ભેદકતા વડે આપણને સંભળાવે છે. પરંતુ એ ગીતોનું માર્મિક તત્ત્વ તો જુદું જ છે. એક સૈકા પર આ કાળાં પીડિતોનાં દિલોમાંથી વેદનાની જે આહ નીકળતી હતી તેને વ્યક્ત કરનારાં આ ગીતો છે. માત્ર વેદના વ્યક્ત કરનારાં જ નહિ, પણ એ વેદનાઓની અને બંદીવાન દશાની વચ્ચે આખી જાતિના આતમ-દીવડાનું કટુતા, ધિક્કાર તેમજ વૈરનાં વાવાઝોડાં વચ્ચેથી જતન કરી રાખનારાં એ ગીતો હતાં.
પ્રશ્ન તો એ થાય છે કે આ હબસી લોકભજનો ન હોત, તો હબસી જાતિ શું ગુલામીને પાર કરી જીવતી રહી શકી હોત? ગુલામ હબસી ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં મુકાયો. બાઈબલના આદિ ગ્રંથમાંથી એણે યહૂદીઓના સંતાપોની ને તેમની સંકટ-બરદાસ્તોની વાતો જાણી. એ વાતોએ હબસી લોકકવિઓની કલ્પનાને ચેતાવી નાખી. ને એણે પોતાના શ્યામ શ્રોતાઓની સામે ગીતો ગાયાં. અડગ શ્રદ્ધાનાં ગીતો ગાયાં કે સાવજની ગુફામાં દાનીઆલને બચાવનારો જે પ્રભુ આપણને પણ બચાવનારો : મિસરનાં શાસન-બંધોમાંથી ઈઝરાયલની જાતિને મુક્ત કરાવનારો જે પ્રભુ, તે જ પ્રભુ આપણને પણ મુક્ત કરાવશે વગેરે વગેરે.
પૂરાં અઢીસો વર્ષની ભયાનક ગુલામી દરમિયાન હબસીના દેહપ્રાણને ટકાવી રાખવામાં આ ગીતોએ જન્માવેલી શ્રદ્ધાનો કેટલોક હિસ્સો છે તે તો નહિ જાણી શકાય, પણ મર્મની વાત તો આ છે : મૂળ આફ્રિકાના સાદા ગીત-ઢાળોને સુંદર લોકભજનોમાં ફેરવી નાખનાર તો કેવળ ધાર્મિક શ્રદ્ધાબળ જ હતું; ને પૃથ્વીની માટીમાંથી ઊડીને શુભ્ર નીલ આકાશની દિવ્યતામાં તરી રહેલાં આ ગીત-પંખીડાં અમેરિકન તાલ છંદોનાં સ્પન્દનો ઉપર જ પોષાયાં હતાં. હબસી લોકભજનોના સર્જનની આ એક ચમત્કારકથા છે. અહીં આ ‘ટસ્કેજી’ની અંદર, આ ગીતો ને આ રાગિણીઓ જાણે કે એક વિરાટ માનવ-મંદિરના પ્રાણધબકારા ભાસે છે. એકલા ભટકતા એકાદ કોઈ બાલકના હોઠ ઉપર ગુંજી ઊઠતી એ ગીતની ટેકપંક્તિને જોતજોતામાં તો પાઠ પૂરા કરીને છૂટતું છોકરા-છોકરીઓનું ટોળું જોશભેર ઉપાડી લે છે. રાત્રિએ એક હજારથીય વધુ કંઠોમાંથી ગરજી ઊઠતા એ સાયં-પ્રાર્થનાના સ્વરો રાત્રિના વાતાવરણમાં હિલ્લોલ જગાવે છે, ને આંહીં આવનારા તમામની હૃદયગુહાઓમાં છૂપા ભણકાર બોલાવતા, સ્વપ્નોમાં ગૂંથાઈ જતા આ સૂરો વળતા દિવસની વહેલી પરોઢે જાગ્રત થતા આત્માને જાણે કે કમ્પાયમાન કરી રહે છે. j લોકગીત-સંગ્રહની શતાબ્દી ઈ. સ. 1935ના વર્ષમાં દુનિયાના એક દેશે પ્રજાવ્યાપી શતાબ્દી ઊજવી હતી. એ શતાબ્દી કોઈ વિજેતાની નથી, સંતની નથી, મનુષ્યની જ નથી; નથી કોઈ એવા બનાવની કે જેને જગતના ચાલુ વ્યવહારમાં મહત્ત્વનો બનાવ લેખાવી શકાય. એ તો છે તે પ્રજાના એક કાવ્યસંગ્રહની શતવર્ષી. વધુ રસભરી વાત તો હવે આવે છે : એ કાવ્યગ્રંથ તો તે પ્રજાનાં લોકકાવ્યોનો સંગ્રહ છે! જર્મની અને રશિયાના સીમાડાઓ વચ્ચે અથવા કહો કે રશિયાની અને બાકીના સારાયે યુરોપની વચ્ચે નાનાં નાનાં સ્વાધીન રાજ્યોની જ એક સાંકળી ગૂંથવામાં આવેલી છે તે રાજ્યો પૈકીના, છેક ટોચે આવેલા ઉત્તર ધ્રુવના બચળા સમા એ ફિનલૅન્ડ નામના રાષ્ટ્રનો લોકકાવ્ય-સંગ્રહ છે. એ સંગ્રહનું નામ ‘કાલેવાલ’ (‘Kalevala’.) ‘કાલેવાલ’ની પ્રથમ પ્રતની પ્રસ્તાવના ઉપર એના સંપાદકની સહી બરાબર સન 1835ના ફેબ્રુઆરીની 28મી તારીખે પડી હતી એ પરથી પ્રજા માને છે કે આખા સંગ્રહની પહેલી હાથપ્રત તે દિવસે જ તૈયાર થઈ હશે. ફિનલૅન્ડનો સંજીવની ગ્રંથ પણ એક ગ્રંથની, એક કવિતાના ગ્રંથની, ને તે પણ લોકકવિતાના સંગ્રહની આ રાષ્ટ્રપર્વણી ઊજવાય છે શા માટે? એનો જવાબ 1935ના મે માસના વિખ્યાત માસિક ‘રિવ્યૂ ઑફ રિવ્યૂઝ’માં ફિનલૅન્ડના એક પ્રજાજને જ આપ્યો છે. એ જવાબ આ છે : ફિનલૅન્ડની તાજેતરની તવારીખ ઉપર એ ગીતો સમી અસર પાડનાર બીજી કોઈ પણ રચના અમારા સાહિત્યમાં નથી. અમારી લોકકવિતા અમારી રાષ્ટ્રભાવનાને જોશ આપે છે. સાહિત્યક્ષેત્રે એ અમારું એવું માનવ-ધન છે, કે જેનો કોઈ જોટો નથી. માનવીના રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓ ઉપર પણ અજવાળાં પાથરતી સાચી કવિતા અમારાં એ જુનવાણી ગીતોમાં ને કથાગીતો (બૅલડ્ઝ)માં પડી છે, જેના સ્પર્શમાત્રથી હરકોઈ વસ્તુ સોનાની બની જતી એવા પેલા પૌરાણિક નૃપાલ મીડાસની દિવ્ય શક્તિની ઉપમા ફિનલૅન્ડી પ્રજાની કાવ્યપ્રતિભાને આપવામાં આવે છે. ઉત્તર ધ્રુવના એ ત્રાસ-ભરપૂર હિમપ્રદેશની અંદર ફિનીશ લોકોએ પોતાનાં આ અમર ગીતોની જ બક્ષિસમાંથી હૂંફ મેળવી છે. દુષ્કાળો, પરપીડનો અને લડાઈઓના હાહાકાર વચ્ચે જ્યારે અમે સદંતર ખતમ થઈ જવાની અણી પર હતા, તે વેળાએ અમારી પ્રજાના હૃદયોમાં શ્રદ્ધા અને શૌર્યના સૂરો ફૂંકનાર ખુદ આ જ ગીતો હતાં. એકસો વર્ષો પૂર્વે અમારા પ્રાચીન શાયરોની આ સૂરાવલી, આ રાગિણી, ‘કાલેવાલ’માં સંઘરાયેલાં ગીતોરૂપે અમારે કાને ગુંજી ઊઠી, ને એના ધ્વનિઓએ અમારાં પ્રજાજનોને પ્રકાશ અને મુક્તિના પંથ પર ધસવાની પ્રેરણા પિવાડી. એ એક એવો દિવસ આવ્યો હતો જ્યારે અમે સ્વાનુભવ કર્યો, કે રોજની વાસ્તવભરી જિંદગી કરતાં સ્વપ્નની અંદર વધુ ઊંડું સત્ય રહેલું છે. ઉપરનાં અવતરણોમાં લેખક જે વિપદ્ના દિવસોનું સૂચન કરે છે, તે દિવસો રશિયાની ઝારશાહીના હતા, ફિનલૅન્ડને દળનારા એ પરદેશી શાસનના દિવસો હતા. આજે ફિનલૅન્ડ સ્વાધીન બન્યો છે. એને ઘેર પ્રજાસત્તાક શાસન ચાલે છે. લોકકવિતાની આ ઊજવણી એ સ્વાધીન અને પ્રજાસત્તાક પ્રજા કરી રહેલ છે; કારણ કે આજની મુક્તિ હાંસલ કરાવવામાં લોકગીતોનો મોટો હાથ છે. j સ્પેઈનની સંઘકવિતા સત્ય અને સૌંદર્યને શોધવા માટે, સ્પેઈન દેશનાં લોકો પોતાને છાપાં વાંચનારા પંડિતો બનાવવા આવનારા પેલા સુધારકોની રાહ જોતા બેસી નહોતા રહ્યા. સ્પેઈનની પ્રજા પાસે તો જોઈ શકે તેવી મર્મગામી આંખો હતી અને ગાઈ શકે તેવું હૃદય હતું. એ આંખોએ જગતને નીરખી લીધું, અને પછી એ હૃદયોએ નીરખેલું ગાવા માંડ્યું. પરિણામે તેઓએ એક એવી કવિતા સરજી કે જેનાથી વધુ સારી કવિતા જડવી મુશ્કેલ છે. એક સંઘકવિ તરીકે જોતાં સ્પેનિશ પ્રજા યુરોપના ઉત્તમોત્તમ સર્જક કવિઓમાં ગણના પામે તેવી છે. સ્વતંત્ર : મૌલિક સ્પેનિશ લોકકવિતા કોઈ પણ લોકોત્તર સાહિત્યનું ડાહ્યુંડમરું બચ્ચું નથી, પણ સ્વતંત્ર અને મૌલિક સર્જન છે. એ કવિતાના ઘડતરમાં, કલેવરમાં ભાનપૂર્વક રચાતી કવિતાના સરખા ઘાટઘૂટ અને લંબાઈ-ચોડાઈના નિયમો નથી. એના ભાવોચ્ચારણમાં પ્રભાતના જેવી તાજગી છે. કલાના કાયદાઓ પ્રત્યે બેતમા છે. લાગણીને બહાર કાઢવાની સચ્ચાઈભરી આતુરતા છે; અને બુદ્ધિપ્રધાન કવિથી તો આ બધાં તત્ત્વોની માત્ર નકલ જ થઈ શકે તેમ છે, એનો ઊર્મિભર્યો આવિર્ભાવ અશક્ય છે. બુદ્ધિગત કવિતાનો હેતુ — જાણ્યે કે અજાણ્યે — ઘડીક અમુક પ્રતિષ્ઠાવંત કાવ્યના ઘાટ ઉતારવાનો, ઘડીક નવાં જ સ્વરૂપો સર્જવાનો, ઘડીક પ્રતિભા બતાવવાનો, ઘડીક કોઈ બોધપ્રદ વસ્તુ માટે ખપ આવવાનો, તો વળી ઘડીક કોઈ ચોક્કસ પક્ષ કે વિચારનો બચાવ કરવાનો હોય છે. સ્પેઈનના કવિ લોકો પણ આમાં અપવાદરૂપ નથી. અપવાદરૂપ હોય તો તે સ્પેનિશ લોકકવિતા છે, કેમ કે એને કશો મુકરર આશય નથી હોતો. એ તો અનુભવની વૃક્ષ-ડાળેથી ટપકી પડતાં કોઈ પાકાં ટબ્બાં ફળો જેવી છે. સ્વચ્છ સુઘડ શબ્દરચનામાં ઝિલાતી સ્વચ્છ જીવનદૃષ્ટિ આ ગીતોને સુંદરતા અર્પનાર છે. ઘણાંખરાં પ્રેમનાં ગીતો છે — અનુભવોથી નિર્મળ બનતો જતો જે પ્રેમ ગમગીની દ્વારા ધીરે ધીરે શાણપ તરફ દોરી જાય છે. ઓછામાં ઓછે શબ્દે, અને તેમની સદાની સંયમિત શૈલીએ આ ગીતોમાં સ્પેનિશ પ્રજાએ પોતાની શાંત ઉમદા ફિલસૂફીને સાકાર કરી છે. એના નમૂના : મારાં ગીતો તો ધરતીની ધૂળમાંથી નિપજાવું છું : એક પૂરું ન થાય ત્યાં તો બીજું નવું પ્રગટ થાય છે.
j
ચાંદનીઝરતી રાત જલસાનાં ગાનતાનને માટે સુંદર છે : પણ પ્રેમીઓને સારુ તો વધુ સુંદર અંધકારવીંટી રાત જ છે. j તારું મોં તું શા વડે લૂછે છે? નિત્ય નવું જ લાગે છે. હું તો ધોઉં છું ચોખ્ખા જલથી જ — બાકીનું કામ તો પ્રભુ જ સંભાળે છે. j મેં તને ફૂલ જોડે સરખાવી હતી, ખરું? સરખામણી સરસ હતી, કારણ તારા પ્રેમમાં સહુ કોઈ પડે છે, ને તું કોઈના પ્રેમમાં નથી પડતી. j ચાલી જા, દૂર થા, ઓ દીવાની સ્ત્રી! તું તો મંદિરના ટોકરા જેવી છે : જે આવે તે વગાડે! j ગુરુ મહારાજશ્રીએ ગીતોનો અંત ફરમાવ્યો છે, ફિકર નહિ. એથી વહેલેરો અંત તો ગુરુ મહારાજોનો જ સમજી લેજો. j કેવી અજબ વાત! હજુ તો હમણાં જ મને એની પિછાન થઈ; ને આજે તો એ મારી માના કરતાંય વધુ વહાલી છે. j તું કહે છે કે હું એને ચાહતો નથી, એને મળવા કદી જતો નથી, પણ ત્યારે એના ઘરની કેડી પર ઘાસ જ કાં નથી ઊગતું? j કિસ્મતે જુદાં પાડેલાં બે ઝાડ જેવાં આપણે : વચ્ચે પડેલો છે રસ્તો, પણ આપણી ડાળો એકબીજીને વીંટળાઈ ગઈ છે. j મારી રાણીની ફૂલવાડીએ હું માળી હતો, ફૂલો વેડવાની મોસમ બેઠી કે તુરત તેમણે બીજો માળી રાખી લીધો. j મને ઈર્ષા આવે છે પેલા પંખીની. તેઓ તારી બારીના સળિયા પાસે આવીને ગાય છે. હું ગાઉં છું એકલવાયો, ને મારાં ગીતો પવનમાં વેરું છું. j સમુદ્રને તળિયે બેઠેલું મોતીયે સલામત નથી તો પછી કિનારે ઊભેલો તું શી રીતે સલામતીની આશા કરી શકે! j દિલના દર્દીને ગાવાનું મન થાય છે ને? ગાવા દ્યો, છો એ સંગીતને ન જાણતો. વેદના પોતે જ એની વીણા બની જશે. j એની બારીએથી કુમારીએ ડોકું કાઢ્યું. એણે મારો આત્મા માગ્યો. મેં એને મારું હૃદય દીધું. એ કહે કે આત્મા આપ! મેં કહ્યું કે સલામ! j ઓ જાય આ હવામાં તરતા — મારા પ્રિયતમના નિઃશ્વાસો. [એસ. દ માદરીઆગાના પુસ્તક ‘સ્પેનિશ ફોકસોંગ્ઝ’માંથી] ટેમ્સ નદીને તીરે તીરે “મારે એ પ્રદેશની કુદરત જોવી હતી. જીવન જોવું હતું. મારે બતાવવું હતું કે એ લોકો કેવી રીતે જીવે છે. આવું બતાવવાનું, લોકગીતોના અવલોકન વગર અશક્ય જ કહેવાય.” આવું કહીને એ ટેમ્સ નદીના તીરપ્રદેશો ખૂંદનારો સંગ્રાહક લખે છે કે “એ લોકગીતો એકદમ નહિ જડે. ઉઘાડી આંખે ને સચેત મન રાખી તમે સેંકડો ગામડાં વીંધો ભલે, પણ ગીતોનો પત્તો નહિ લાગે. જાહેર રાહદારી રસ્તાઓ પર એ ગીતો નથી પડ્યાં. એ તો સંઘરાયાં છે છૂપા અંધારા ખૂણાઓમાં. આથી કરીને જ સામાન્ય મુસાફરોની નજર એ ગીતોએ ચુકાવી છે. “સાદી વાતો તે જ મહાન વાતો છે, અને પ્રાથમિક વસ્તુઓ પણ પાયાની વસ્તુઓ હોય છે. “ઈમારતના બીજા બધા ભાગોનો જ્યારે ધ્વંસ થઈ જશે ત્યારે રહેશે આ પાયાની જ સાદી વસ્તુઓ. “હંમેશાં એમ જ બનતું આવ્યું છે કે જ્યારે કલા-સાહિત્યની, કવિતાની, શિલ્પની કે ચિત્તની હરકોઈ કલા પોતાનો ચીલો મૂકીને ભ્રષ્ટ બની છે કે લુપ્ત થઈ છે, તે વખતે એના પુનરુદ્ધારના પ્રયત્ન તરીકે બીજી બધી સામગ્રીઓને તિલાંજલિ આપી, એનાં પ્રાથમિક અને મૌલિક સ્વરૂપોને જ ફરીથી ખપમાં લેવાં પડેલ છે. “આપણા ઘણાખરા સાહિત્યની, ખાસ કરીને આપણી કવિતાની બાબતમાં, ઊર્મિકાવ્યો તેમ જ મહાકાવ્યો બન્નેની બાબતમાં આજે આમ જ કરવું જરૂર છે. કવિતાના નવા, કૃત્રિમ પ્રાણને મારવાની અથવા તો દબાવી દેવાની નહિ, પણ વિશુદ્ધ કરવાની જરૂર છે. મુડદાં — સારી વસ્તુનાં કે ખરાબનાં મુડદાં — બેશક આપણને નથી ખપતાં. જે મર્યું છે તેને મરવા જ દો. પણ વિસ્મરણની કબરમાં દફનાવતાં પહેલાં ચોક્કસ તો કરજો, કે એ વસ્તુ ખરેખર મરી ગઈ છે? “હું તો દાવો કરું છું કે આપણાં લોકગીતોને જન્માવનાર કાવ્યપ્રાણ નથી મર્યો, નહિ મરી શકે, ને અમુક અંશે તો એનું પુનર્જીવન આપણને લાભ કરશે.” [‘ફોકસૉંગ્સ ઑફ ધ અપર ટેમ્સ’, સંગ્રાહક : આલ્ફેડ વિલિયમ્સ. લંડન, 1923] [‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’]
અંગ્રેજી લોકગીતોનો ઉદ્ધારક સેસીલ શાર્પ ઇંગ્લંડનાં લોકગીતો એકઠાં કરનાર મર્હુમ સેસીલ શાર્પની વાત મને પાંચ વર્ષો પર ઉત્તર વિભાગના વિદ્યાધિકારી શ્રીમાન કે. એસ. વકીલે કરેલી. ‘તમારું કામ બરાબર વિલાયતના સેસીલ શાર્પની શૈલીમાં થઈ રહ્યું છે’ એવું એમણે મને મારા લોકસાહિત્યના એક મેળાવડાને અંતે કહીને પ્રોત્સાહન આપેલું. શ્રી વકીલે વિલાયતમાં સેસીલ શાર્પના આવા એક સમારંભમાં હાજરી આપેલી તે પરથી તેમને આ સમાન પ્રવૃત્તિ તરફ અનુરાગ થયો હતો. આજે ‘કન્ટ્રી લાઇફ’ નામના એક વિલાયતી સાપ્તાહિકનો 1926ના જાન્યુઆરીનો અંક હાથમાં આવતાં તેમાં ‘સોંગ્સ ઍન્ડ ડાન્સીઝ ઑફ ધ ઇંગ્લીશ ફોક’ (‘અંગ્રેજ ગ્રામજનોનાં ગીતો અને નૃત્યો’) નામનો એક લેખ નજરે ચડે છે, ને તેમાંથી સેસીલ શાર્પે કરેલા લોકગીતોના ઉદ્ધારકાર્યની ઝાંખી થાય છે. 1899ના વર્ષની વાત છે. નાતાલનું એ સપ્તાહ હતું. સેસીલ શાર્પ વિલાયતના એક ગામડામાં આ સપ્તાહ ગાળવા ગયા હતા. ઠંડી એટલી બધી કે માર્ગો ઉપર બરફ પથરાઈ ગયેલ. પ્રભાત હતું. સેસીલ શાર્પને કાને દૂરથી કોઈ ગાણાંબજણાંના સરોદો આવ્યા. જેમ જેમ એ ગાનતાન નજીક આવતાં ગયાં તેમ તેમ શા સુંદર, હવામાં ઝૂલતા એ સ્વરો લાગ્યા! થોડી વારે એક વૃંદ આવી પહોંચ્યું. એક હતો વાદ્ય બજાવનાર, અને પાંચ હતા જુવાન ગામડિયા. ફૂમતાં ફરફરે છે અને ઘૂઘરીઓ વાગે છે. છયે જણા સેસીલ શાર્પના મકાનની સામે આવીને નાટારંભ કરવા લાગ્યા. માત્ર ગીતનો ઢાળ જ દિલડોલાવણ અને રોમાંચક હતો એટલું જ નહિ; નૃત્ય પણ એવું જ. છ માણસોના પગ એક આદમીની પેઠે ઠેકા લેતા હતા. તરવરાટ અને ખમીરની સાથોસાથ સંયમ અને ગૌરવ હતાં. એ પગલાંની ગતિ સંપૂર્ણ ચપળતા અને સંયમ માગી લેતી હતી ને છતાં એ આખા યે પ્રયત્નને અને પરિશ્રમને પરિપૂર્ણ સરલતા ધરી હતી. સંપૂર્ણ ‘ટેકનીક’ની ટોચ આવી ગઈ હોય એવી એ અનાયાસ સરલતા હતી. સેસીલ શાર્પને એકાએક ભાન થયું કે અહીં, આ એક નાના-શા વિલાયતી ગોકુળિયામાં, અંધારે અંધારે એક મહાન કલા દટાયેલી પડી છે, બહારની દુનિયાને એના અસ્તિત્વનો ખ્યાલ સરખો યે નથી, અને જેને ખ્યાલ હશે તેઓને ભાગ્યે જ એનું મૂલ માલૂમ હશે. પોતાની શોધના સુખમાં સર્વ દેશવાસીઓને સાથી બનાવવાની લાગણીથી સેસીલ શાર્પ એ રાગરાગિણી, એની સ્વરપદ્ધતિ અને એના શબ્દો ટપકાવવા બેસી ગયો. પછી તો એણે ગામડે ગામડે આથડવાનું શરૂ કર્યું. ગીતો સંઘરવા લાગ્યો, સ્વરો પકડ્યા અને તરેહ તરેહના નૃત્યમાં હાથ-પગ વગેરે અંગોના જે જે નવાનવા મરોડ-ઠેકા જોયા તે તમામની એણે ગ્રામલોકો પાસેથી ખાસ તાલીમ લીધી. આ નૃત્યના લેબાસની પણ એણે ભારી છટા દીઠી. છાતી અને પીઠ ઉપર ટાંકેલી રંગબેરંગી રીબનોવાળાં કુડતાં : રીબનો નૃત્ય સાથે ફરફરતી પોતાનું રંગ-નૃત્ય સરજ્યા કરે : ટોપીઓ ઉપર મોખરે ફૂલના તોરા અને પછવાડે રંગની રેલમછેલ કરતી લાંબી છોગલીઓ : ઘૂંટણ પર ફૂલના ગોટા બાંધેલા, અને તેની નીચે બાંધેલી ઘૂઘરીઓ : આ ઘૂઘરીઓની પસંદગી એના મંજુલ રવોની વિવિધતા ધ્યાનમાં રાખીને જ થાય છે. તેમાં એટલી બધી કાળજી રખાય છે કે કોઈ કોઈ વાર ગામડિયા ગોપજન અક્કેક ઘૂઘરી ઉપર અક્કેક ગીની ખરચે છે. નૃત્ય વેળા હાથમાં કાં લાકડી હોય છે, કાં તરવાર હોય છે, ને કાં ઝૂલતો રૂમાલ હોય છે. એવા સ્વાંગ સજેલ મંડળીમાં અક્કેક ટોમ-ફૂલ એટલે ટીખળી હોય છે; ને એક શી-મેઇલ, અર્થાત્ સ્ત્રીવેશધારી મર્દ હોય છે. તેઓ નૃત્યની અંદર રોનકનું, રમૂજનું, પરિહાસનું તત્ત્વ પૂરું પાડે છે. આ જાતના લેબાસ પહેરીને એકલા મર્દો જ જે નૃત્ય કરે છે તેને ‘મોરીસ’ અથવા ‘સ્વોર્ડ’નું નૃત્ય કહે છે. વાદ્ય, નાચ, ફૂમતાં તથા ફૂલગજરાના ફરફરાટ, ઘૂઘરીઓના, ઝાંઝર, લાકડી કે તરવારના લગાર લગાર તાલ, અને રૂમાલોની લહેરખીઓ : એ બધાંની ગતિ એટલી તો મેળ લઈ જાય છે કે, એટલું સરળ, સંયમશીલ, હળવુંફૂલ અને મસ્ત આ આખું નૃત્ય દીસે છે, કે જો આખી મંડળીને બદલે એક જ જણ નાચતો હોય તો આપણે એ બધાંને સ્વયંસ્ફુરિત જ માની લઈએ. એની પાછળ તાલીમ હોઈ શકે એવી શંકા પણ ન નીપજે. ત્રીજી જાતનું જે નૃત્ય છે તેને ‘કન્ટ્રી ડાન્સ’ કહે છે. એમાં સ્ત્રી-પુરુષનાં જોડલાં નાચે. બૉલરૂમના વર્ણસંકરી નાચોએ ઘર કર્યા પછી વિલાયતી પ્રજા આ ગ્રામબેલડી-નૃત્યને જંગલી માનતી થઈ હતી. પરંતુ સેસીલ શાર્પ તો કહે છે કે એ ગામડિયાંનાં અંગડોલન અને હળવી પગલીઓને મુકાબલે આ બૉલરૂમનાં નૃત્ય તો કઢંગાં જ લાગે. તમે નાચમાં ભળો નહિ, બહાર બેસીને જોયા કરો, તો પણ જોવાનો આનંદ આવે; કેમ કે ગ્રામ્ય નાચનારાં પોતાની સાદી પગલીઓ વડે પણ જાણે કે ભાતીગળ કોઈ ગૂંથણકામ ભોંય પર કરતાં હોય તેવું ભાસે, ને માંહોમાંહે પરિહાસ તેમ જ મર્માળી ગમ્મતના ફૂલગોટા ગૂંથાતા આવે. આજના બૉલરૂમોમાં રમાતું નૃત્ય તો ભેળસેળથી ભરેલું છે; એમાં અંગ્રેજ આત્માની મૂળ વાણી ઉચ્ચાર પામતી જ નથી. આ રીતે સેસીલ શાર્પનું સંશોધન છેક 1899થી લઈ 1924માં એના અવસાન સુધી અખંડ ચાલુ રહ્યું હતું. એ દરમિયાન એણે પાંચ હજારથી વધુ લોકગીતોનો પુનરુદ્ધાર કરી નાખ્યો : પણ તે બધાં કોઈ સંગ્રહસ્થાનમાં મૂકવાની નિર્જીવ પ્રાચીન વસ્તુઓ તરીકે નહિ, કૌતુક અને પુરાતત્ત્વના નમૂના તરીકે નહિ, ગાવા અને નાચવાની સજીવ ચીજો તરીકે, કારણ કે સેસીલ શાર્પને મનથી તો જૂનવટ નહિ પણ ‘વાઈટેલીટી’, સજીવતા જ આ કલાઓની કસોટીનું સાચું અંગ છે. એ માને છે કે આ ગીતો અને નૃત્યો આજે જીવે છે તથા કાલે જીવશે, એનું કારણ એ નથી કે તે આપણી માતૃભાષાનાં જેટલાં જ પ્રાચીન છે, પણ કારણ એ છે કે એ ગીતોનૃત્યો અર્વાચીન છે. અવિરત મહેનત લઈને એણે પોતાને ખર્ચે આ ગીતો સંઘર્યાં તથા ફરી વાર લોકપ્રિય ને લોકમાન્ય બનાવ્યાં. અમુક ઠેકાણે અમુક ગીત કે નૃત્ય મળવાનો સંભવ છે, એટલું સાંભળતાં જ આ સંગ્રાહક ઊપડતો. કોઈ પણ ઋતુમાં, ચાહે તેટલે દૂર, જરી જેટલી પ્રાપ્તિને સારુ પણ એ ત્યાં પહોંચ્યે રહેતો. એના અનુભવોની તો કેટલીક રમૂજભરી ઘટનાઓ બોલાય છે. એક વાર એક શહેરમાં પૂછપરછ કરતાં એને જણાયું કે શહેરના હલકામાં હલકા લત્તામાં એક આધેડ વયની બાઈ રહે છે તે ગીતોનો ખજાનો છે. સેસીલ શાર્પને લોકોએ ચેતાવ્યા કે બાઇનો પાડોશ બહુ ખરાબ લોકોથી ભરેલો છે, છતાં સેસીલ શાર્પ તો ત્યાં પહોંચ્યા. બાઈ ઘેર નહોતી. પત્તો લેતો લેતો પોતે આગળ ચાલ્યા. સામેથી સ્ત્રીઓનું એક ટોળું આવતું દીઠું. પૂછ્યું કે ફલાણાં બાઈને તમે ઓળખો છો? તૂર્ત જ એક આધેડ સ્ત્રી આગળ આવી. કહ્યું : ‘હું જ એ. શું કામ છે તમારે?’ ‘બાઈ, તમારી પાસે જૂનાં ગીતોનો ભંડાર છે તે હું તમારે કંઠેથી સાંભળવા આવ્યો છું.’ એક ક્ષણમાં તો અજબ નાટક ભજવાયું. એ બાઈએ સેસીલ શાર્પને બરાબર કમરથી પકડીને માડ્યાં ફૂદડી ફેરવવા. પોતે એની સાથે પાગલની પેઠે નાચતી જાય, ફેરફૂદડી ફેરવતી જાય, અને બીજી ટોળે વળેલી બાઈઓને કહેતી જાય કે ‘બાઈઓ, જો જો આ મારો વર આવ્યો છે મારાં ગાણાં સાંભળવા. જોયો આ મારો પિયુજી!’ ત્યાં તો બાઈને કાને ઓચિંતો અવાજ આવ્યો કે ‘અરે, આ તો આપણા સેસીલ શાર્પ!’ બાઈએ ફેરફૂદડી અટકાવી. જોયું તો ગામના પાદરી સાહેબની જ પુત્રીને આખા દૃશ્યથી ભય પામતી દિઙ્મૂઢ ઊભેલી દીઠી. પેલી ઓરતને ખબર પડી કે આ સજ્જન તો પાદરીને ઘેર જ પરોણા છે. અને સાચેસાચ ગીતો એકઠાં કરવા આવેલ છે. સેસીલ સાહેબનો છુટકારો થયો. અને પછી તો આ પ્રહસનમાંથી નીપજેલી ઓળખાણ અતિ ઉપકારક થઈ પડી. વારંવાર એ ઓરતને આંગણે જઈને સેસીલ શાર્પે સંખ્યાબંધ ગીતો સંઘર્યાં, એક વાર સેસીલ શાર્પ ચામઠાંઓના (જિપ્સીઓના) એક પડાવમાં જઈને એક ચામઠીના સુંદર ગીતની રેકર્ડ ઉતારવા એના કૂબાની અંદર ગયેલા. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ જિપ્સી સુંદરી આકળી બની, ગભરાઈ, અને તેણે કહ્યું કે ‘હવે તમે જલદી આંહીંથી નીકળી જાઓ. મારો ધણી ભયંકર આદમી છે, જો ઘેર આવી પહોંચશે તો તમને નક્કી ઠાર મારશે’. એટલામાં તો એ જમદૂતનાં પગલાં સંભળાયાં. પડાવની પછવાડે એ તો જીવ લઈને લપાઈ ગઈ, પણ સેસીલ શાર્પ હિંમત ધરી ઊભા રહ્યા. ‘બારણું ઉઘાડ,’ એ અવાજના જવાબમાં પોતે જઈ બારણું ખોલ્યું અને પેલાને ગુસ્સો કરવાની પળ પણ મળે તે પહેલાં તો શાર્પ બોલી ઊઠ્યા કે ‘આમ જો, દોસ્ત! આ પેટીમાં મેં તારી ઓરતનો અવાજ ભરી લીધો છે. સાંભળ’. એમ કહીને યંત્ર ચાલુ કર્યું. પેલો હેરતભર્યો સાંભળી જ રહ્યો. એ જાદુની અસરમાં પોતે આ ગૃહપ્રવેશ કરનાર શાર્પ સાહેબનું ગળું કાપવાનું જરૂરી કાર્ય વીસરી ગયો. ઇંગ્લંડ તો વહાણવટીઓનો, ખલાસીઓનો દેશ છે. સમુદ્રનાં સંતાનોએ પોતાની સો-સો પેઢીઓથી અનેક સાગર-ગીતો નીપજાવ્યાં છે. દરિયાઈ સાહસ અને શૌર્યની જિંદગીએ આ માછીમારોના કંઠમાં કૈં કૈં લોકગીતો મૂક્યાં છે. એ ગીતોને પોતાની જાળમાં પકડી લેવાનું કામ પણ સેસીલ શાર્પે જ કર્યું. ખારવાઓ ઉપર એમને ઊંડો અનુરાગ હતો. એનાં વિકટ ગામડાંઓમાં જઈને શાર્પે અનેક બુઢ્ઢા ખલાસીઓને દોસ્તો બનાવ્યા હતા. માત્ર ઇંગ્લંડમાં જ નહિ પણ છેક ઉત્તર અમેરિકાની દૂર દૂરની દરિયાઈ ખડકમાળાઓમાં એ પહોંચેલા. ત્યાં જે અસલ અંગ્રેજ વસાહતીઓ જઈ વસેલા, તેની ઓલાદ કનેથી એમણે ગીતો પ્રાપ્ત કર્યાં. કૈંક જમાનાથી તદ્દન પ્રાથમિક અવસ્થામાં રહેનારા આ બ્રિટનવાસીઓએ એ નિર્જન ખડકો વચ્ચે અણિશુદ્ધ જૂનાં અંગ્રેજી લોકગીતોનું જતન કરેલું, તેમાંથી સેંકડો ગીતો આ શોધકે હાથ કર્યાં. આ માણસની એ સેવા વિશે ‘કન્ટ્રી લાઈફ’નો તંત્રી લખે છે કે “જો શાર્પ ન હોત અને એની નોંધપોથી ન હોત, તો આપણી પ્રજાનો અમુક અંશે ઇતિહાસ તથા આપણી ઘણીખરી કલા પવનમાં ઊડી જાત, અને આપણે એકબીજાને મોંએ ઓરતો કરતા હોય કે જ્યારે બીજા દરેક દેશને પોતાનાં ગીતો અને નૃત્યો છે, ત્યારે ગરીબ બાપડી બુઢ્ઢી ઇંગ્લંડને કંઠ કે કદમ વાપરવાની કલા જ ન રહી. સદ્ભાગ્યે શાર્પે આ વિપત્તિ સદાને માટે નિવારી નાખી. બરાબર કટોકટીની ઘડીએ એ આવી પહોંચ્યો, કેમ કે ઘણાખરા ગાયકો ને નૃત્યકારો તે કાળે ઘરડાખખ બની ગયેલા, અને એ તમામ રત્નભંડાર તેમની સાથે જ કબરમાં જાત. કેટલાક લોકો લોકગીતોને અને લોકનૃત્યને ઘેલછા ગણે છે. પણ નાચવું ગાવું એ ખાવાપીવા કરતાં વધારે ઘેલછા ગણે છે. પણ નાચવું ગાવું એ ખાવાપીવા કરતાં વધારે ઘેલછાનું કામ નથી. બીજા ઘણાખરા કલાની ઊર્મિને કાં તો પોતાના જ વિશિષ્ટ આત્માનુભવ તરીકે માને લે છે અથવા તો જરા વિનય કરી કહે છે કે એ તો પગારદાર નિષ્ણાતોના જ સ્વાધીનહક્કની વસ્તુ છે. પણ સેસીલ શાર્પે કલાના આવિર્ભાવને સર્વસામાન્ય માનવસંપત્તિ માની. ઇંગ્લંડની સંગીતકલા અને નૃત્યકલા જે વેળા લગભગ વંધ્ય બની ગયેલ, તે વેળાએ એની વારસા-સંપત્તિમાં ફરી વાર પ્રાણ ફૂંકનાર અને એનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરનાર નર તરીકે આ પુરુષને પેઢી-દર-પેઢી માન દેશે.” [‘કૌમુદી’, મે 1932]