દક્ષિણાયન/વિજયનગરમ્

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજયનગરમ્

દશ-અગિયાર માઈલના ડુંગરને ચડવા-ઊતરવાનો થાક શરીરમાં ભરીને અમે અગિયાર વાગ્યે રાતે વિજયનગર જવાની ગાડીમાં બેઠા. ગાડીમાં ગિરદી ખીચોખીચ. પગ મૂકવાની જગ્યા ન મળે, ત્યાં સૂવાની તો વાત જ શાની? અને મહિનાઓની બેઠાડુ જિંદગી પછી ડુંગર ચડવાની આટલી મહેનત બેત્રણ દિવસ લગી ખાટલે સૂવાનો આરામ માગે તેવી હતી. આ શ્રમનું પરિણામ બીજે દિવસે જણાયું. બપોરે બાર વાગ્યે હોસ્ફેટને સ્ટેશને ઊતર્યાં. વીશીમાં ખાધું. ઘોડાગાડી કરી નવ માઈલ પૂર્વમાં હંપી પહોંચ્યાં અને ત્યાંની પથરાળ ભૂમિમાં પગ મૂકતાં માલૂમ પડ્યું કે પગ ચાલવાની જ ના પાડે છે. પગના ગોટલા બાઝી ગયા છે. હવે અમે જે કંઈ ચાલ્યાં તે પગના આધારે નહિ પણ ઇચ્છાશક્તિના આધારે જ. એ થાક કરતાંયે ઉત્સાહ પ્રબળ નિવડ્યો અને થાકેલા પગે પણ અમે તુંગભદ્રાને કાંઠે કાંઠે માઈલ-દોઢ માઈલ ચાલી આવ્યાં. આ પ્રદેશ તદ્દન જુદો છે. હોસ્ફેટ એ મદ્રાસ ઇલાકાની વાયવ્ય સરહદ પરનું છેલ્લું શહેર. પૂર્વ કિનારાથી બસોએક માઈલ અંદર. આ પ્રદેશ સમુદ્રની સપાટીથી ૧૫૦૦ ફૂટ જેટલો ઊંચો છે. એટલે તેમાં દરિયાકિનારાની લીલાશ કે ઊંચી ગિરિભૂમિની આર્દ્રતા બેમાંથી કશું ન મળે. ડુંગર ખરા પણ તે સૂકા. વાડ વિનાનાં લાંબાં પથરાયેલાં ખેતરો, તે પણ વાવેતર હોય ત્યારે જ લીલાં. ઝાડ જૂજવાં. પછી મલબારની કે કોરોમાંડલની હરિયાળી કુંજ તો ક્યાંથી મળે? કપાસ અને જુવાર-બાજરીની ખેતી કરતો આ પ્રદેશ આપણા કાનમ જેવો જ અલ્પરસ છે. લોકો પણ એવા. ગુજરાતના ખેડૂતોમાં ભળી જાય તેવા. મદ્રાસ તરફની લુંગી અને અર્ધી બાંયનું ખમીસ નહિ, પણ બેત્રણ કે ચાર છેડે પહેરેલાં ધોતિયાં, કોટ, ખમીસ, જાકીટ, પહેરણ, ટોપી, સાફા – એ બધાંમાં એકબે કે બધાં કપડાંનો અનેરી વિવિધતાભર્યો પોશાક. રસ્તાઓ પર આપણે ત્યાંની જ ધૂળ. માણસની અને ભૂમિની રુક્ષતા એવી કે ઊડીને આંખે વળગે અને અંગે પણ વળગે. એવો આ બેલારી જિલ્લો. એની સરહદમાં એક વખતે એક મહાસામ્રાજ્ય થઈ ગયું. આજે વિજયનગર તરીકેનું કોઈ સ્થળ સરકારી દફતરે નથી નોંધાયેલું. જે સ્થળેથી વિજયનગરનાં ખંડેર શરૂ થાય છે તે કંપી તરીકે ઓળખાય છે. ત્યાં એકાદ બે દરિદ્ર હોટલો છે. ચારપાંચ પૂજારીઓ છે. વિજયનગર એ ધાર્મિક તીર્થ નથી. ઇતિહાસનું એક કબ્રસ્તાન છે. ત્યાં તો ભૂતકાળની ફોરમ સૂંઘી શકે અને કલ્પનાના બળે જોઈ શકે તેણે જ જવા જેવું છે. બેશક, કૌતુક જોનારાઓને પણ સામગ્રી તો બેહદ મળી રહે તેમ છે. કબરોના પૂજારી કે કૌતુકના જોનારા સિવાય પુણ્યલાભાર્થે પરિભ્રમણ કરનાર અહીં કોઈ આવતું નથી. એય સારું છે. ભીડ ઓછી. હંપીની ભાગોળમાં જ અમારે ઘોડાગાડીમાંથી ઊતરી જવું પડ્યું. રસ્તો પૂર્વમાં આગળ ચાલ્યો જતો હતો. અમારે ઉત્તર તરફ આવેલા વિરૂપાક્ષ પંપાપતિના મંદિરમાં ઉતારો નાખવાનો હતો. પથ્થરના બનેલા ખરબચડા ટેકરા પર અમે ચડવા લાગ્યાં. પણ જોજો, એને ટેકરો ના કહેતા. એ તો હેમકૂટ છે. થોડુંક ચડ્યાં અને નાનાંમોટાં ભાંગેલાં દેવસ્થાનો દેખાવા લાગ્યાં. એ ટેકરો ઊતરતાં તેની ઓથે છુપાઈ રહેલું પંપાપતિનું મંદિર દેખાયું અને તેની સામે જ દોઢેક ફર્જીંગ સુધી વિજયનગરનો આજે એક જ જળવાઈ રહેલો વિશાળ માર્ગ પડ્યો હતો. એની બંને બાજુ પુરાણા જમાનાની દુકાનોનાં પથ્થરનાં ભાંગેલાં ખોખાં હતાં. આ ટેકરી ઉપર સાતેક નાનાં નાનાં ખાલી જૈનમંદિરો છે. ટેકરીની ચડતીઊતરતી સપાટી પર ઊંચાંનીચાં ગોઠવાયેલાં એ મંદિરોનાં વિશિષ્ટ પ્રકારનાં શિખરો એક મનોરમ દૃશ્ય ઊભું કરે છે. એક ઉપર એક, ક્રમશઃ નાના થતા ચોરસ છેવટે ચાર પાસાના શંકુરૂપી શિખરમાં ભળી જાય છે. એ શિખરોની શોભાથી આ હેમકૂટ વિજયનગરનું એક રમણીય દૃશ્ય બની રહ્યો છે. આ બાજુ પૂર્વમાં બેત્રણ મંડપો છે. એમાં એકમાં વિરાટકાય ગણપતિ બેઠા છે. ખંડિત અને પૂજાયા વિનાના. સોળેક ફૂટ ઊંચી એ બેઠેલી પ્રતિમા તેનું ખંડિત ઉદર અને સૂનું દીપકહીન ગર્ભગૃહ ભવ્યતા સાથે હાસ્ય અને કારુણ્યનું મિશ્રણ પ્રગટાવે છે. એ હેમકૂટની નીચે પંપાપતિનું મંદિર એનાં દ્રાવિડી ઢબનાં ગોપુરો તથા ગર્ભસ્થ દેવ સાથે સલામત ઊભેલું છે. અહીંનો એકે દેવ અખંડિત રહ્યો નથી. એ પંપાપતિને પણ મુસલમાન મૂર્તિભંજકોએ ખંડ્યા વિના તો નહિ જ મૂક્યા હોય. પણ એની પુનઃપ્રતિષ્ઠા કરી મંદિરને પાછું જીવતું રાખવામાં આવ્યું હોવાનો સંભવ છે. મંદિર આખું દ્રાવિડી છે. મોટાં ગોપુર, વિશાળ ચોક, અંદર મંડપો, દીવાલને અડીને ફરતા ઊંચા ઓટલા-વાળા મોટા વરંડા અને વચ્ચે ગર્ભગૃહમાં તાળાંકૂચીમાં પુરાયેલા પંપાપતિ! મંદિરની ઉત્તરે થોડેક અંતરે જ તુંગભદ્રા પૂર્વાભિમુખે મંદ અભિસરણ કર્યાં કરે છે. એની શય્યામાં પડેલા નાનામોટા પથ્થરો સાથે તેની આછી આછી ફરિયાદ ચાલુ જ રહે છે. સ્ત્રીઓનો અવાજ તે લડતી હોય ત્યારે પણ હોય છે તો મીઠો જ ને? વિજયનગર આને કાંઠે બે માઈલ લગી વસેલું હતું. હજીયે તેના કંઈ ને કંઈક અવશેષો પડ્યા છે. પંપાપતિની સામેના પહોળા રસ્તા પર થઈને અમે પૂર્વમાં આગળ વધ્યાં. બંને બાજુનાં પથ્થરોનાં મકાનોના પહેલા માળ અને તેની લથડતી વાંકી દીવાલો, બારસાખો ઉજ્જડ પડ્યાં હતાં. એ બજારને છેડે એક વિશાળકાય નંદી હતો. અહીંથી જરા ઉત્તરમાં વળ્યાં. નદી પણ ત્યાંથી ઉત્તરમાં વળતી હતી. મોટી શિલાઓની આપોઆપ કમાન આકારે થઈ ગયેલી ગોઠવણીમાંથી બનેલા એક રસ્તામાંથી પસાર થયાં. માથા પર ઝઝૂમતી એ હજારો મણની શિલાઓની નીચે સ્થિરતાથી ઊભા રહેવું મુશ્કેલ હતું. આમાંથી એકાદ પથ્થર પણ ડોલ્યો અને ગબડ્યો તો? નદીકાંઠે માઈલ દોઢ માઈલ લગી અનેક નાનાંમોટાં ઉજ્જડ મંદિરો પડેલાં છે. ઊંચીનીચી ટેકરાળુ પથ્થરિયા જમીનમાં કાંટાળાં જાળાંની વચ્ચે થઈને અણે મંદિરમાં પહોંચતાં, ખંડિત મૂર્તિવાળા કે તદ્દન ખાલી ગર્ભગૃહ તરફ શૂન્ય મને તાકી રહેતાં અને તેની ભીંતો કે થાંભલા પર સચવાઈ રહેલાં શિલ્પાદિક જોતાં. આ સ્થળે વિનાશ અને ખંડન એટલાં વ્યાપક છે કે હૃદય એને વિશે વિલાપ કરતાં કરતાં પણ થાકી જાય છે. જ્યાં જુઓ ત્યાં મૂર્તિભંજકોના ઘણ અને હથોડાનો પ્રતાપ નજરે પડે. સુંદરતાનો આ પ્રલય જોતાં જોતાં વિષાદ એટલો સ્થાયી બની જાય છે કે ક્ષણે ક્ષણે તેનું ભાન રહેવું મુશ્કેલ બને છે, કહો કે આપણે દુ: ખજડ થઈ જઈએ છીએ અને કોક અસાધારણ કલાકૃતિનો અવશેષ જોતાં, ચાલુ દર્દમાં કોઈ મોટો સણકો આવે તેમ પાછા છળી જવાય છે કે અ ૨૨, આ શું થઈ ગયું? રસ્તામાં એક રામમંદિર આવ્યું. ત્યાં તો કોકે પાછી મૂર્તિઓ બેસાડી ભક્તિવ્યાપાર ચાલુ કર્યો હતો. થોડે અંતરે શ્રીરંગનું મંદિર આવ્યું. એ ભાંગેલું હતું. ખડકમાં ત્રણ મૂર્તિઓ કોતરેલી હતી, મૂર્તિભંજકના થાકેલા હાથે ડાબી બાજુની મૂર્તિને અખંડિત મૂકી દીધી હતી. ત્યાંથી આગળ જમણી બાજુએ બેત્રણ મંદિરો છૂટાંછવાયાં પડ્યાં હતાં. એકની દીવાલો અત્યંત સુઘડ હતી. તેના પરનાં ગરુડ અને હનુમાનનાં આલેખનોની સુરેખતા ગઈ કાલ જેટલી તાજી હતી. સંધ્યા નજીક આવતી હતી. તુંગભદ્રાનાં પાણી સોને રંગાયાં હતાં. એના પશ્ચિમ કિનારાના ઊંચા ખડકોની છાયા ઉત્તર તરફ વળેલા પ્રવાહનાં પાણીને અર્ધું ઢાંકતી હતી. પાછી ત્યાંથી નદી પૂર્વમાં ફરી જતી હતી અને તેને તટે તટે ખડકો પથરાયા જતા હતા. આ વિનષ્ટ થયેલા માનવસૃષ્ટ સૌંદર્યમાં કુદરતનું સૌંદર્ય જાણે અખંડ ટકી રહ્યું છે. મંદિરો ભાંગ્યાં છે પણ જે આ ટેકરીઓ બેઠી છે તેની રૂપસમૃદ્ધિ ખંડિત નથી થઈ અને આવી ટેકરીઓ તો બીજે ક્યાંય જોવા મળી નથી. આ ટેકરીઓ એક સળંગ ખડક નહિ પણ અનેક પથ્થરો જાણે ચણી લીધા ન હોય તેવી લાગે છે. જમીનમાંથી ઊપસી આવેલા આ ખડકો ગરમી અને ઠંડીની વિરોધી અસરથી તૂટીતૂટીને સૂતરફેણીનો પિંડ તાંતણેતાંતણામાં છૂટો થઈ જાય છે તેમ નાનામોટા પથ્થરોમાં છૂટા થઈ ગયા છે. છતાં સંયુક્ત કુટુંબની આજની જર્જરિત સંસ્થા જેવા તે એકબીજાને હજી વળગી રહ્યા છે; પોતાના ડુંગર સ્વરૂપને અખંડ જાળવી રહ્યા છે; પણ એમના જેવાં અનેક પર્વતકુલો છિન્નવિછિન્ન પણ થઈ ગયાં છે અને અહીં આટલી બધી અનેક વિચિત્ર આકારોની મનોરમ અગણિત પ્રચંડ શિલાઓ છે તે પણ એ જ કારણે. પર્વતકુલોનું આ સૌંદર્ય અહીંનું અનેરું દૃશ્ય છે. અહીં જ લોકકથાએ એક સીતાગુફા ઊભી કરી છે. પથ્થરની જમીનમાં એક પચાસેક હાથ લાંબી આરક્ત ધોળી રેષા છે. તેનું મૂળ માણસ ભાગ્યે બેસી શકે તેવી બે પથ્થરોની બનેલી એક બખોલમાં જાય છે. સીતાને રાવણ આ ગુફામાંથી ઉપાડી ગયો હતો અને તે વેળા તેમના પાલવનો છેડો પથ્થર ૫૨ ઘસડાયો તેનો આ લીટો બન્યો છે. સીતાનું હરણ ભક્તોને કેટલે ઠેકાણેથી કરાવવું છે? પુરાણોની કિષ્કિંધા આ સ્થળે હતી. સુગ્રીવ, વાલિ, માલ્યવંત આદિ મહાવાનરો આ ભૂમિમાં રહેતા હતા એ સંભવિત છે; પણ સીતા પંચવટીમાં છે એ જાણતો હોવા છતાં રાવણ અહીં આ વાનરપ્રદેશમાં સીતાને લેવા ક્યાંથી આવે? હોય ભાઈ, ભક્તોની ભક્તિ તર્ક અને સત્યનાં બંધનોથી ૫૨ જ છે. અહીંથી થોડેક અંતરે આ અવશષામાનું સૌથી મોટુ અને સરસ વિઠાબાનું મંદિર આવે છે. પૂરું દ્રાવિડી ઢબનું છે. ફરતા હાથીઓ કોતરેલા છે. અંદર મંદિરના તૂટી જતા ભાગોને સમારકામ કરી નવા ટેકા દઈ ટેકવી રાખ્યા છે. એ ટેકરીઓએ સાંકડા કરેલા માર્ગમાં શરીરને આડાંઅવળાં કરતાં અમે અંદર પેઠાં. સૂના, અંધારા ગર્ભાગારમાંથી ચામાચીડિયાં ભડકીને નાસવા લાગ્યાં. ગર્ભાગારને ફરતો પ્રદક્ષિણાનો રસ્તો ભેંકાર લાગતો હતો. મંદિરના મંડપમાં થાંભલાઓ પર સામાન્ય રીતનું શિલ્પ હતું. પણ એક બાબતમાં આ થાંભલા અસામાન્ય હતા. મદુરામાં ઉત્તર ગોપુર પાસે જે વાગતા થાંભલા હતા તે કરતાંયે ઘણો સુંદર અવાજ આપતી આપણી બે મુઠ્ઠીમાં માય તેવડી જાડાઈની સળીઓ આ થાંભલાઓમાંથી સળંગ કોતરી કાઢેલી હતી. આ સળીઓ સંગીતના સાત સૂરોને લગભગ મળતો રણકાર આપતી હતી. એમાંથી થોડીક મહેનતે જ સુંદર રાગ નિપજાવી શકાય. મંદિરની સામે એક પથ્થરનો રચેલો રથ હતો; નાના આખલા જેટલા કદના તેના જોડેલા હાથીઓની સૂંઢો તોડી નાખેલી હતી; પણ તે બીજી રીતે અકબંધ હતો. તેનાં પૈડાં, છત્રી, બેઠક બધું મજાનું હતું. આ રથ કદાચ અહીંની સુંદરમાં સુંદર અવશિષ્ટ કૃતિ તરીકે ગણાય. મંદિરના ઉજ્જડ આંગણામાંથી સૂર્યના છેલ્લા કિરણે વિદાય લઈ લીધી હતી. ક્યાં અનેક ભક્તોથી ઊભરાતાં, ધૂપદીપથી મઘમઘતાં અને ઘંટના ગુંજારવથી મધુર બનતાં દક્ષિણનાં સંખ્યાબંધ દમામદાર મંદિરો અને ક્યાં આ ઘંટ કે દીપ અને દેવ કે ભક્ત વિનાનું મંદિર! અભક્ત હૃદય પણ ઘડી આર્દ્ર બની જાય એવું આ સ્થળ હતું. અમે ત્યાંથી નાઠાં. સૌંદર્ય અને પ્રકાશનું શત્રુ એવું અંધારું અમારી પાછળ પડતું હતું. કહે છે કે આમ આગળ જતાં નદી ઓળંગીને દૂર ઉત્તરમાં પંપા સરોવર આવેલું છે. વાલ્મીકિએ વર્ણવેલું, શબરીનું પ્રિય સરોવર તે જ એ હશે? પંપાપતિના મંદિરની સામેના માર્ગની છેડે એક નાની પણ ઉગ્ર અણીદાર શિખરવાળી ટેકરી હતી. એ પર ચડવાનું આકર્ષણ માત્ર શરીરના ગંજાવર થાકથી જ પરાજિત થયું. અમે પંપાપતિના મંદિરમાં જઈને ઓટલા પર સૂઈ ગયાં. સવારે અમે પરવારીને અમારા બાકીના પ્રવાસ માટે નીકળ્યાં. એ જ હેમકૂટ પાસે થઈને પાછાં મુખ્ય રસ્તા પર આવ્યાં. માઈલોમાં વેરાયેલા આ મહામૃત નગરના અવશેષો પગપાળા ફરતાં તો દિવસો જાય. એટલે અમે ઘોડાગાડી સાથે જ રાખી હતી. અહીંથી હવે દક્ષિણપૂર્વમાં રસ્તો જતો હતો. વિજયનગર પૂર જાહોજલાલીમાં હતું ત્યારે તેનો ઘેરાવો સાઠ માઈલનો હતો એમ ઇતિહાસ કહે છે. આજેય તેનાં ખંડેરો દસ માઈલ જેટલા વિસ્તારમાં વેરાયેલાં પડ્યાં છે. તુંગભદ્રાને કિનારે કિનારે તો દોઢ-બે માઈલ અમે જઈ આવ્યાં. આ બાજુ હવે બીજા ત્રણચાર માઈલ ફર્યાં. આ વિસ્તૃત પ્રદેશમાં એ મહાનગરના અનેક અવશેષો પડ્યા છે. કેટલાંય મંદિરો, કેટલાંયે મકાનોનાં ખંડેરો, રાજમહેલો, સ્નાનાગારો, ગજશાલાઓ, ઝરૂખા તેમ જ બીજી અનેક કૌતકભરી વસ્તુઓ પુરાણા સ્થાપત્યનું સંરક્ષણ કરતા કાયદાની છત્રછાયામાં જળવાઈને પડી છે. અત્યારના યંત્રયુગની કાબેલિયતથી રચાતી અનેક સામાન્ય બની ગયેલી આશ્ચર્યકારક વસ્તુઓનો વ્યવહાર કરનાર આપણને હેરત પમાડે એવા કૌશલ અને કલાભર્યા પદાર્થો અહીં પડ્યા છે. પણ એ જોઈ જોઈને શું? એનો જવાબ સહેલો નથી. થોડેક જતાં પેલા શાસવિકળ ગણપતિ જેવાં બે વિરાટ સર્જનો આવ્યાં. એક હતું પ્રચંડ શિવલિંગ. હોબીડમાં જોયેલું તેના કરતાંયે મોટું. એક ચોરસ કુંડમાં પાણીની અંદર તે ઊભેલું હતું. પાણીનું મહત્ત્વ કંઈ ન સમજાયું. એથીય અદ્ભુત એની જોડમાં ખુલ્લા આકાશ હેઠળ કેવળ શેષની સાત ફણાઓ નીચે બેઠેલા ઉગ્ર નરસિંહ હતા. લગભગ વીસેક ફૂટ ઊંચી એ બેઠેલી મૂર્તિની હિરણ્યકશ્યપના હન્તાની, નિજ ભક્તના એ ઉદ્ધારકની મુખમુદ્રા ખરેખર ઉગ્ર હતી, એના આખા વિનિવેશમાંથી પ્રતાપ અને રુદ્રતા ઝરતાં હતાં. એના વિકરાળ ડોળા અને ફાટેલું મુખ પોતાની દંષ્ટ્રાઓમાં અનેકને કચડતા ગીતના વિરાટ રૂપનું જ જાણે આલેખન ન હોય તેવાં લાગતાં હતાં. અલબત્ત, એ બંને ખંડિત હતાં તે કહેવાની જરૂર ન હોય. રસ્તો વાંકોચૂંકો જતો હતો. બાજુએ કદી કદી લીલાં ખેતરો આવતાં હતાં. નીતર્યા પાણીની એક નાનકડી નહેર પણ પૂર્વ ભણી દોડતી આવી ગઈ અને પાસે જ મઝાનું શેરડીનું ખેતર. અમે દક્ષિણમાં આગળ વધ્યાં. થોડુંક આગળ જતાં રસ્તાની પડખે મોટા ઘર જેવડી બે શિલાઓ એકબીજીને કપાળ અડાડીને બેઠી હતી. પણ એ શિલાઓ નથી. એ તો છે બે બહેનો, છોટી અને મોટી. ખરેખર બહેનો સિવાય બીજું કોણ આટલા વિષમ કાળમાં પણ પ્રીતિ ટકાવી શકે? વળી થોડું આગળ. ડાબી બાજુએ એક નાનો રસ્તો ફંટાતો હતો અને ત્યાં પાટિયું હતું: Zennana Enclosure. એક ઊંચી પણ પાતળી દીવાલના દરવાજામાંથી અમે તેની અંદર પેઠાં. આ અહીંનો મોટામાં મોટો રાજકુલનો અવશેષ છે. રાજકુલનાં કેટલાંક આખાં અને કેટલાંક અધૂરાં ભવનો એમાં છે. જમીનદોસ્ત થયેલા રાજમહેલના એકલા ઓટલા બાકી રહ્યા છે. એક સ્નાનાગારના મોટા ખાડા જેવા ભાગમાં અહીંની ખંડિત મૂર્તિઓને ગોઠવી છે. દ્વારપાળો, નર્તકીઓ, દાસીઓ, પ્રાણીઓ અને દેવો વગેરે ખુલ્લા આકાશ હેઠળ હવે તો ઈશ્વરને આધારે પડ્યાં છે. અહીં જ પાસે એક અખંડ રહી ગયેલો કમળમહેલ છે. એનું નામ મહેલ છે, પણ એ છે તો બે માળનું ચોરસ મકાન. છીછરા ચોરસ હોજની વચ્ચે એ ઊભું છે. એ હોજ ભરેલો હોય ત્યારે તે કમળની સુંદરતા જરૂર ધારણ કરે. એમાં રચનાની સફાઈ કે એવું કશું નથી. એનું આખું વિધાન પણ વિરસ એવા ચોરસ આકારોથી થયું છે. છતાં એ ચોરસો એના આખા ઉઠાવને એક મીઠો સંવાદ આપે છે. એના થાંભલા ચોરસ છે, એના પરની કમાનો પણ ત્રણ-ચાર ચોરસ ખાંચમાં બનેલી છે. શિલ્પની અનેક બાંધણીની ભવ્યતાવાળી હોય તેવી રચના અહીંની ગજશાળા છે. એક બાજુ ખુલ્લા એવા જુદા જુદા અગિયાર ખંડનો આ હાથીઓ માટેનો એક સળંગ તબેલો છે. દરેક ખંડનો સ્વતંત્ર ઘુમ્મટ છે અને તે એવો કે જાણે કમળ ઊંધાં વાળ્યાં હોય. આ એક આખું અતિ ઉત્તમ રચનાવિધાન છે. સામ્રાજ્ઞીઓના એક વખતના એ રણવાસમાં ઊભા રહી ક્ષણેક સ્થિર દૃષ્ટિએ આ બધું જોઈને અમે બહાર નીકળ્યાં. આગળ જતાં એક નાનું મંદિર આવ્યું. એ હજાર રામચંદ્ર મંદિર તરીકે જાણીતું છે. એ નાનું અને ખંડિત મંદિર જે વિરાટ પાયા પર રામચંદ્રનો મહિમા ગાય છે તે તો દક્ષિણનાં ભવ્યતમ જીવતાં મંદિરોમાં પણ જોવા મળતું નથી. શિલ્પ-સુંદરતા, રસિકતા અને રામભક્તિની દૃષ્ટિએ આ મંદિર અહીંનાં બધાં મંદિરોમાં સૌથી વધુ મહત્ત્વનું છે. રસ્તાની પાસે ત્રીસેક ફૂટ લાંબી અને ત્રણેક ફૂટ પહોળી તથા ઊંડી એક આખા સળંગ પથ્થરની કૂંડી પડી હતી. એ પણ શિલ્પીનો એક ભારે સ્ટન્ટ જ કહેવાય. વળી પાછો એક બીજો મોટો ઓટલો આવ્યો. દસ દસ ફૂટને અંતરે તેના પર એક કાળે ઊભેલા થાંભલાઓની ખાંભીનાં ચિહ્નો હતાં. અહીં પણ એક મોટો મહાલય હશે. હવે અમે અહીંની સૌથી સ્મરણીય કહી શકાય તેવી જગ્યાએ ગયાં. એ હતું માલ્યવંત ગિરિ નામે ઓળખાતી નાની ટેકરી પરનું રઘુનાથ મંદિર. થોડા ચડાવ પછી મંદિરના વિશાળ ચોગાનમાં અમે પહોંચ્યાં. મંદિરનો ઓટલો ચડતાં જ પગથિયાંની બે બાજુ ભાંગેલી સૂંઢવાળા હાથી મળ્યા. સૂંઢ ભાંગી જવા જેટલી વિપત્તિ એમને માથે પડી છે છતાં એ હજી કેમ નથી ભાંગી ગયા? મંદિરમાં વિરાજતાં રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેની શ્યામ પથ્થરની પ્રતિમાઓ પર્વતના ખડકમાંથી સીધી કોરી કાઢેલી લાગતી હતી. એમની ખરી શોભા તો તેમના માથા જેટલાં જ પ્રલંબ કુંડળમાં હતી. મંદિરના પૂર્વ દિશાના ગોપુરમાં સમારકામ થઈ રહ્યું હતું. એનો સફેદ દાઢીવાળો જઈફ મુસલમાન કંટ્રાક્ટર ઘણો સજ્જન લાગ્યો. અહીંનાં મંદિરોને ભાંગનાર ધર્મીઓના ધર્મનો માણસ, પોતાના વિધર્મીના મંદિરનું સમારકામ કરાવવા આવે એય કેવી ખુશબલિહારી! આ મંદિર ભલે કોઈ ઝનૂની વિધર્મીને હાથે નહિ પણ અનાસક્ત અને અપૌરુષેય એવા કાળને હાથે શીર્ણજીર્ણ થયું હોય, છતાંય આજે છસો વરસ પછી એક મુસલમાનનો હાથ હિંદુ મંદિરના જીર્ણોદ્વારમાં કામે લાગ્યો છે એ ઘટના આ વિજયનગરના વિધ્વંસની ગાઢ ગ્લાનિભી અસરની જાણે નિવારક માત્રા જેવી મારા માટે બની ગઈ. કાંઈક પ્રસન્ન હૃદયે માલ્યવંત ગિરિ પરથી હું ઊતર્યો. અમે લગભગ બધું પતાવીને ડાક બંગલામાં પહોંચ્યા. ત્યાં જવાનો અમારો ઇરાદો તો વિજયનગરના ઇતિહાસની કંઈ સામગ્રી મેળવવાનો હતો. એમાં માત્ર એક અનેક હાથોથી ઉથલાવાયેલી અનેક ફોટોચિત્રોવાળી વિજયનગરનાં ખંડેરોની ગાઇડ મળી. અને અમે તે આખી ઉથલાવી ગયા. એ ખંડેરો જમીન પર પડેલાં હતાં ત્યાંના કરતાં ફોટોગ્રાફમાં વધારે આકર્ષક હતાં. ઘણી વાર જીવન કરતાં તેનું ચિત્ર વધારે મનોરમ બને છે ને? આ બધાં મૃત ચિત્રો પછી એક જીવતું ચિત્ર વિજયનગરનું અમારું છેલ્લું દર્શન બન્યું. ટપ્પાવાળાએ એક પાંચેક હાથ નહેર પાસે ઘોડો પાવા ટપ્પો છોડ્યો. એ નહેરનાં કાળાં પાણી પનઘટનું કામ પણ આપતાં હતાં. દસવીસ સ્ત્રીપુરુષો તેમાં કપડાં ધોતાં હતાં. મોટા આથર જેવી લાગતી લાલકાળી સાડીઓ, કાળા હાથમાં ઊંચીનીચી થઈ થઈને કાળાં પાણીના છાંટા દશે દિશામાં ઉડાડતી કાળા પથ્થર પર ઝીંકાતી હતી. પાણીને લીધે કપડાં કાળાં થયાં હશે કે કપડાંને લીધે પાણી એના વિમર્શમાં હું હતો ત્યાં એ પાણીના બે છાંટા મારા હાથ પર આવીને પડ્યા. મારા ગૌર હાથ પર એ રંગ ચિત્રકારોને તો બેશક ગમે. પરંતુ મેં તો કમકમાટી સાથે તે લૂછી નાખ્યા અને આંખ ઊંચી કરી. એ જ પાણીમાં સામે બેચાર જણ નાહી રહ્યા હતા! આવા પાણીથી ધોઈ શકાય એવો પણ કોઈ મેલ છે ખરો ત્યારે! અમારો ટપ્પો હોસ્પેટ તરફ પાછો ફર્યો.