બારી બહાર/૭૮. દાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭૮. દાન

ભોરની ભરનિદ્રામાં શ્રાવસ્તી નગરી હતી;
બુદ્ધને કાજ ભિક્ષાની કોની બૂમ નભે ચડી ?
હજુ ન રંગો નભ ઊઘડયા’તા,
તારા બધા યે હજુ ના ગયા’તા;
હજુ ન પૂરાં ફૂલડાં ખીલેલ,
ના પંખીએ ગાન હજુ ધરેલ.

પ્હેલી પળો મંગળ એ પરોઢની,
ટાઢી વહેતી લહરી સમીરની;
પોઢેલ એ સૌ જનને નિસર્ગ
મીઠું મીઠું વ્હાલ કરી રહેલ.
એ સમે બુદ્ધના શિષ્યે સાદ એ પુરમાં કર્યો,
“જાગો છો ? આપશો ભિક્ષા બુદ્ધને, નરનારીઓ ?”
અરણ્યમાં કોઈ તપસ્વી જેમ
ઉચ્ચાર કો મંગલ મંત્રનો કરે,
તેવો સૂતેલી નગરી મહીં એ
પુકાર સાધુ કરતો બધે ફરે.
સ્વપ્નોમાં ભમતાં સૌને સાદે એ ચમકાવિયાં;
બીડેલાં નયનોને સૌ સાધુએ કરિયાં ખુલાં.
સાધુસાદે નરપતિ તણા અંતરે એમ થાતું :
“સત્તા શી આ પલવિપળની ? રાજ્યના ભોગ શા આ ?”
ને આવે છે ધનપતિ તના ચિત્તમાં યે વિચાર :
“આત્મા કેરા ધનવિભવ એ ફાંસલાના પ્રકાર.”

સાંભળી બુદ્ધનું નામ જાગી ગૈ નગરી બધી,
દેવા કૈં પ્રભુને પાયે, ધન્ય આવી ગણી ઘડી.

ભરી મુઠ્ઠી માર્ગે રતન ઠલવે રાજરમણી;
અને લક્ષ્મીવંતી, તનુ ઉપરનાં ભૂષણ તણી
કરે વૃિષ્ટ : ને સૌ ગરીબ ગૃહિણી વેણી મહીંનાં
બધાં ચૂંટી મોતી પથ ઉપર દે આજ ફગવી.

પરંતુ સાદ સાધુનો ભિક્ષા કાજ ફરી પડે :
રત્ન, આભૂષણો, મોતી બધાં યે ધૂળમાં રહે.

“તને શું જોઈએ, સાધુ ? પ્રભુ શું આજ માગતા ?”
લક્ષ્મીથી તુષ્ટ થાતા સૌ એ વિચારે ડૂબી જતા.

“પ્રભુ ના યાચતો રત્નો, તમારાં ભૂષણો કદી :
વિચારી આજ સંતોષો ઇચ્છા એ અવધૂતની.”
લક્ષ્મી ભરેલા પથને વટાવી,
ને સ્તબ્ધ મૂંગી નગરી મૂકીને,
અરણ્યને માર્ગ પળંત સાધુ,
પુકાર ત્યાં યે કરતો ફરીને.
ને આ ક્યાંથી, “ઘડીક ખમજો, દેવ !” એ કોણ બોલ્યું ?
ચોંકીને એ વિજન પથમાં સાધુએ શું નિહાળ્યું ?
વૃદ્ધા નારી,–શરીર વીંટિયું વસ્ત્ર કંગાલ એક,–
બોલે, “મારી પ્રભુ-ચરણમાં આપજો દીન ભેટ.”

બોલી એમ ગઈ એક વૃક્ષની ઓથમાં સરી;
આપતી વસ્ત્રની ભેટ, લંબાવ્યા કરમાં ધરી.

નાચિયું ઉર સાધુનું : વસ્ત્ર શિરે ચઢાવિયું :
પાત્ર જે રાખિયું ખાલી પુરે, તે કાનને ભર્યું !