શબ્દલોકના યાત્રીઓ – ૧/જ્યોતીન્દ્ર દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જ્યોતીન્દ્ર દવે

સુપ્રસિદ્ધ હાસ્યસર્જક શ્રી જ્યોતીન્દ્ર દવે વિષે લખતાં હમણાં ભાઈ વિનોદ ભટ્ટે લખ્યું કે હાસ્યનું બીજું નામ જ્યોતીન્દ્ર દવે છે. હાસ્યરસના સર્જનમાં જ્યોતીન્દ્ર દવેની સિદ્ધિનું આ ઉચિત વર્ણન છે. છેલ્લા થોડા સમયથી નાનીમોટી બીમારીને કારણે તેઓ ખાસ કંઈ લખતા નથી. તાજેતરમાં અમદાવાદની મણિબેન આયુર્વેદિક હૉસ્પિટલમાં તે સારવાર માટે આવેલા ત્યારે મળવાનું બન્યું હતું. એની એ જ તાજગી અને નિર્દંશ હાસ્ય પીરસવાની તેમની નૈસર્ગિક શક્તિના દર્શને આનંદ થયો. શ્રી જ્યોતીન્દ્ર દવેનો જન્મ એમના વતન સુરતમાં ૨૧મી ઑક્ટોબર ૧૯૦૧ના રોજ થયો હતો. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ સુરતમાં જ લીધેલું. ૧૯૧૯માં મૅટ્રિક થયા. સંસ્કૃત-ગુજરાતી સાથે ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ. એ. થયા. પ્રો. રાજવાડે જેવા સંસ્કૃતના વિદ્વાન પાસેથી સંસ્કૃત સાહિત્ય ભણ્યા. ૧૯૨૬માં તે સ્વ. કનૈયાલાલ મુનશી પાસે ગયા અને મુનશીની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા. નર્મદ, નવલરામ, દલપતરામ વગેરે વિષે લખાણો તૈયાર કર્યાં. (જ્યોતીન્દ્ર દવે અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદના કુટુંબના. તેમના પિતરાઈ જેવા. સુરત શહેરના જાહેર ઉદ્યાનમાં નર્મદનું બાવલું મુકાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.) ૧૯૨૬થી ૧૯૩૦ દરમ્યાન મુનશી જેલમાં ગયા ત્યારે તે એમનાં કામો કરતા. મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. ૧૯૩૩માં તે સુરતની એમ. ટી. બી. કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રોફેસર તરીકે નિમાયા. ચારેક વર્ષ કામ કર્યા બાદ ૧૯૩૭ના જૂનમાં તે મુંબઈ ઓરિએન્ટલ ટ્રાન્સ્લેટરની ઑફિસમાં દ્વિતીય ભાષાન્તરકાર તરીકે જોડાયા. એ વખતે પ્રસિદ્ધ વિદ્વાન જે. ઈ. સંજાણા મુખ્ય ભાષાંતરકાર હતા. તેમના પછી જ્યોતીન્દ્ર એ સ્થાને આવ્યા. આ સરકારી ભાષાન્તર ખાતામાં તેમણે ૧૯ વર્ષ કામ કર્યું. ૧૯૫૬માં નિવૃત્ત થયા પછી મુંબઈની સોમૈયા, અંધેરી વગેરે કૉલેજોમાં ગુજરાતીના માનાર્હ અધ્યાપક તરીકે કાર્ય કર્યું અને કચ્છની, માંડવીની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્યપદે રહ્યા. એ પછી કોઈ કામગીરી તેમણે સ્વીકારી નથી. અત્યારે નિવૃત્ત જીવન મુંબઈમાં ગાળે છે. શ્રી જ્યોતીન્દ્ર દવેનો પહેલો લેખ ‘પ્રશ્નચિહ્નો’ સુરત કૉલેજ મૅગેઝિનમાં છપાયેલો. એ વખતે ‘અખંડ આનંદ’માં પણ તે લખતા. સુરતના ‘પ્રતાપ’ દૈનિકમાં ‘વિક્રમ બીજો’ એ ઉપનામથી લેખો લખતા. કૉલેજના મિત્રોએ ભેગા મળી હાસ્યનું હસ્તલિખિત મૅગેઝિન પણ કાઢેલું. જુદા જુદા વિષય પર લખવાનો પ્રયત્ન કર્યો, એમાં હાસ્યરસના લેખોમાં ફાવટ જણાઈ, એટલે જીવનભર તેમણે આ વિષયને જ પ્રધાનતા આપી. તેમણે અમુક વ્યક્તિઓને ખ્યાલમાં રાખી થોડાં રેખાચિત્રો પણ લખેલાં, તે વાંચીને કેટલાકે તેમને ધમકી પણ આપેલી! પણ જ્યોતીન્દ્ર દવેએ હાસ્યરસની નિષ્પત્તિમાં જે કામ કર્યું છે તે ગુણવત્તા અને ઈયત્તામાં માતબર છે. તેમણે સામાજિક બદીઓ, વૈયક્તિક વિલક્ષણતાઓ, મનુષ્યસ્વભાવની વિચિત્રતાઓ વગેરેને ખુલ્લી પાડી છે. ક્યાંય પણ દંશ જોવા નહિ મળે. તેમનું હાસ્ય નિર્દંશ તો છે જ, પણ નિર્દંભ અને નિર્મલ પણ છે. તેમનાં હાસ્યરસ વિષયક લખાણો અંગે ગુજરાતી ભાષાના બીજા એવા સરસ હાસ્યકાર ગગનવિહારી મહેતાએ લખેલું : ‘જ્યોતીન્દ્ર દવે ઉચ્ચ કોટિના હાસ્યકાર છે, કારણ કે એ વિવેચક છે, ફિલસૂફીના અભ્યાસી છે. એ જિંદગીનો કીમિયો શોધવા ઘૂમતા નથી, જીવનનો કોયડો ઉકેલવા મથ્યા નથી. એમનો કીમિયો એ જ છે કે જિંદગીને કીમિેયો જ નથી, એનું રહસ્ય કોઈ ઉકેલી શકતું નથી...જીવનમાં નાનાં મોટાં સંકટો છતાં, કલેશ, કષ્ટ, વિરોધો છતાં અને અંતની કરુણતા છતાં પણ આપણે થોડી ક્ષણો હસીએ છીએ, હસાવી શકીએ છીએ, હાસ્યમાંથી આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ, એ મનુષ્યનું સદ્ભાગ્ય છે અને જ્યોતીન્દ્ર જેવા હાસ્યકારને લીધે એ શક્ય બને છે.” ગગનવિહારીએ યોગ્ય જ કહ્યું છે કે જ્યોતીન્દ્રનાં વાગ્બાણો ઈન્દ્રના વજ્ર જેવાં કઠોર નહિ પણ સૂર્યના જ્યોતિકિરણ જેવાં ઋજુ છે. એમનું પ્રથમ પુસ્તક (‘રંગતરંગ’ નો પહેલો ભાગ) ૧૯૩૨માં પ્રગટ થયેલું. એ પછી ક્રમશઃ અન્ય ભાગો પ્રગટ થયા. ‘રંગતરંગ’ના કુલ છ ભાગ, ‘રેતીની રોટલી’, ‘અલ્પાત્માનું આત્મપુરાણ ‘, ‘રોગ, યોગ અને પ્રયોગ’, ‘બીરબલ અને બીજા’, ‘હાસ્ય તરંગો’, ‘માનનાં બીડાં’, ધનસુખલાલ મહેતાના સહયોગમાં ‘અમે બધાં’ એમ ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે. પોતાનાં હાસ્યરસનાં લખાણોમાંથી લેખકે પોતે એક સંચય તૈયાર કર્યો છે, તે ‘જ્યોતીન્દ્રતરંગ’ નામે ૧૯૭૬માં પ્રગટ થયો છે. લોકમિલાપ ટ્રસ્ટ તરફથી પણ તેમનો એક સંચય પ્રગટ થયો છે. તેમની ષષ્ટિપૂર્તિ પ્રસંગે ‘વાઙ્મય વિહાર’ નામે ગ્રંથ પણ પ્રગટ થયો છે. જ્યોતીન્દ્ર દવેને હાસ્યરસ ઉપરાંત નાટકમાં પણ જીવંત રસ છે. મોલિયેરના ‘માઈઝર’ ઉપરથી તેમણે ‘વડ અને ટેટા’ તૈયાર કરેલું. તે ભજવાયેલું પણ ખરું. એમાંથી ટૂંકાવીને અત્યારની રંગભૂમિને અનુકૂળ થાય એ રીતે તેમણે “કોના બાપની દિવાળી!” તૈયાર કરેલું. તે પણ રંગભૂમિ પર સફળ નીવડ્યું છે. તેમને ‘વિષપાન’ નામે નાટક સૂઝેલું. પહેલાં એનો એક પ્રવેશ જ લખેલો પણ પછી તેમના મિત્ર ગજેન્દ્ર બૂચે આગ્રહ કરતાં તેમણે ત્રણ અંકનું લાંબું નાટક કર્યું. કરૂણ રસનું આ નાટક પણ લોકપ્રિય નીવડ્યું છે. કૉલેજના ફંડફાળા માટે વિદ્યાર્થીઓએ એ ભજવેલું. એનું દિગ્દર્શન કરાવવા સ્વ. જયશંકર સુંદરી સુરત આવતા. જ્યોતીન્દ્ર દવે સર્જક ઉપરાંત એક દૃષ્ટિસંપન્ન વિવેચક અને વિદ્વાન છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાં તેમને ઊંડો રસ છે. મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે જે વ્યાખ્યાનો આપેલાં તેનો વિષય ‘રસસિદ્ધાન્ત’ હતો. આ માટે તેમણે ઘણો ઊંડો અભ્યાસ કરેલો. ભાવોની મનોવૈજ્ઞાનિક તપાસ માટે પાશ્ચાત્ય તદ્વિદોના ગ્રંથો તેમણે ઝીણવટપૂર્વક જોયેલા. ભારતીય કાવ્યશાસ્ત્ર અંગે તેમણે નિબંધો લખ્યા છે, વ્યાખ્યાનો આપેલાં છે. તેમનાં મુંબઈ યુનિ.નાં વ્યાખ્યાનો અને આ નિબંધો સત્વરે પ્રગટ થાય એમ ઈચ્છીએ. જ્યોતીન્દ્રભાઈને રણજિતરામ સુવર્ણ ચન્દ્રક, નર્મદ સુવર્ણ ચન્દ્રક અને અન્ય પારિતોષિકો મળેલાં. એની યાદી આપવી જરૂરી નથી. ૧૯૬૫માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. જ્યોતીન્દ્ર દવેએ પોતાના વિશે ‘હું જ્યોતીન્દ્ર હ. દવે’એ હાસ્યરસનો નિબંધ લખેલો. રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારતી વેળા તેમણે પોતાનો પરિચય કાવ્યમાં લખેલો. એમાં થોડી પંક્તિઓ આ પ્રમાણે આવે છેઃ

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું,
આત્મા કિન્તુ ગણું મારો વડો,
બ્રહ્માંડ જેવો
રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય,
તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે,
જ્યોતીન્દ્ર હ. દવે.

ગગનવિહારી મહેતાએ સ્વ. રા.વિ. પાઠકને ‘હસતા ફિલસૂફ’ કહેલા. હરકોઈ હાસ્યકાર તત્ત્વતઃ ફિલસૂફ જ છે. જ્યોતીન્દ્રભાઈએ પોતાના સ્ફટિક જેવા નિર્મલ હાસ્યની લહાણ કરીને ગુજરાતી પ્રજાને ન્યાલ કરી દીધી છે, તેમની આ સારસ્વતસેવા ચિરકાળ સ્મરણીય બની રહેશે.

૧૭-૬-૭૮