સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઉમાશંકર જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉમાશંકર જોષી

[ગાડી જોરમાં ચાલી જતી હોય ત્યારે અંદર બેઠેલાને બહાર નજર કરતાં જે અનુભવ થાય તે કવિએ ‘કુતૂહળ’માં ગૂંથ્યો છે. રેલવે ઉપર આવેલાં વૃક્ષો દેખાય ન દેખાય ત્યાં તો કેવાં દૂર દૂર સરી જાય છે! પણ દૂર દૂરનાં ઝાંડો, અને તેનાથીય દૂરના પહાડો અને તેથીય દૂરના ચંદ્ર અને તારા — તે બધા પણ નજીકનાં ઝાડની જેમ સરી જાય છે? આ પ્રશ્નનો તમે શો ઉત્તર આપશો? એ ઉપરથી કયું રહસ્ય તારવશો? તમારા ઉત્તરો નક્કી કરીને જ કવિતા વાંચજો અને જોજો કે કવિ જે જોઈ શક્યા છે તે તમે જોયું છે કે કેમ. આ સાથે ‘તેથી કાંઈ ચિંતા કર્યો ચાલશે ના’ નામનું શ્રી. રવિબાબુનું એક કાવ્ય જેનું શ્રી. મહાદેવ દેસાઈએ ભાષાંતર કરેલું છે તે વાંચજો. તેમાંથી નીચેની પંક્તિઓ કાળજીપૂર્વક વાંચજો :

સુણી તારા મુખની વાણી,
વીંટળાશે વનવનનાં પ્રાણી,
તાય તારા ઘરના ઘરમાં
પથ્થરો પીગળશે ના!

આ પંક્તિના અર્થની નજીક આવે એવી કઈ પંક્તિઓ ‘કુતૂહળ’માં છે? આ કાવ્ય ઘણું નાનું છે પણ કવિએ જે રીતે શબ્દરચના કરી છે તે જોઈએ : અક્ષરમેળ છંદોમાં શબ્દોનો ક્રમ તો નક્કી જ હોય છે, એટલે કે, ક્યાં લઘુ હોવો જોઈએ, કયાં ગુરુ હોવો જોઈએ તે તો પહેલેથી જ નક્કી હોય છે. દરેક છંદમાં એ લઘુગુરુની ગોઠવણી એ રીતે કરવામાં આવી હોય છે કે તેના ઉચ્ચારમાંથી એક પ્રકારની સુંદર સુરાવટ જામે. આ સુરાવટને કવિઓ વર્ણસગાઈ તથા પ્રાસ વગેરે દ્વારા વળી વધુ બહલાવે છે. જેમકે

સમીપનાં જે સ્વજનો સદા તે

આ પંક્તિમાં ‘સ’નાં થતાં આવર્તનો અને ‘સમીપનાં જે’ માંના ‘નાં જે’ અને ‘સદા તે ‘માંના ‘દા તે ‘માંના સ્વરપ્રાસથી થતી કર્ણપ્રિયતા છંદને વધુ ખીલવે છે. એવી જ રીતે જોડાક્ષરોમાંથી થતા થડકારની વિવેકભરી ગોઠવણીથી પણ આ સુરાવટને વધુ પ્રાણવાન બનાવી શકાય છે. એવી જ રીતે એક સાદી ઘટનામાંથી કોઈ મોટું સત્ય તારવી કવિતામાં ચમત્કાર આણી શકાય છે, અને સામાન્ય માણસના ધ્યાનમાં પણ ન હોય એવો કોઈ મોટો અર્થ કવિ મૂકી દે છે. આ કાવ્યની છેલ્લી ચાર પંક્તિ એના નમૂનારૂપ છે.]