સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/જોગી બહારવટિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જોગી બહારવટિયો

પણ મને તો એ ઇતિહાસમાં, એ ગરમ પાણીમાં કે એ પ્રતિમામાં રસ નહોતો. મને તો એ તુલસીશ્યામનાં કમાડ પર એક સો વર્ષ પૂર્વે એક બહારવટિયાના ભાલાના ટકોરા પડ્યા હતા તે મધરાતનો સમય સાંભરી આવ્યો. એ બહારવટિયો જોગીદાસ ખુમાણ : એ યોગી બહારવટિયાની લાંબી કથા ‘સોરઠી બહારવટિયા’ ભાગ બીજામાં વાંચશો. પોષ માસની કડકડતી ઠંડીમાં એ ચાલીસ ઘોડે મધરાતે આવ્યો : ‘ઉઘાડો!’ કહી દરવાજે ટકોરા દીધા. દરવાન કહે કે ‘નહીં ઉઘાડું! તમે બહારવટિયા છો’ : ‘અરે ભાઈ, અમે બહારવટિયા ખરા, પણ શામજી મહારાજાના નહીં; ઉઘાડ, એક જ રાતને આશરે આવ્યા છીએ.’ જવાબ મળ્યો કે ‘નહીં ઉઘાડું’. કમાડ પર ભાલાની બુડી ઠોકીને જોગીદાસે હાકલ કરી કે ‘ઉઘાડ! નીકર અટાણે ને અટાણે કમાડ તોડી, શામજીનાં અંગ પરથી વાલની વાળી પણ ઉઠાવી જશું!’ દરવાને રંગ પારખ્યો : કમાડ ઊઘડ્યાં — ચાલીસ ઘોડીઓ અંદર ચાલી ગઈ : અને બહારવટિયો શામજીનું મંદિર ઉઘાડી, પાઘડી ઉતારી, ચોટલો ઢળકતો મેલી, હાથમાં બેરખો ફેરવતો ઊભો ઊભો, પ્રતિમાજીને બાળકની કાલી મીઠી વાણીમાં ઠપકો દેવા લાગ્યો કે “એ શામજી દાદા! અમારા એંશી ને ચાર ગામ તો ભાવનગરે આંચકી લીધાં; ઇ તો ખેર! ભુજાયું ભેટાવીને લેવાશે તો લેશું. પણ તારા કોઠારમાંથી શું અધશેર અનાજની પણ ખોટ્ય આવી, કે મારા ચાલીસ ચાલીસ અસવારોને આઠ-આઠ દિવસની લાંઘણ્યું ખેંચ્યા પછી રાવલ નદીમાં ઘોડિયુંના એઠા બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈને તાંસળી તાંસળી પાણીનો સમાવો કરી ભૂખ મટાડવી પડે!” આ ઠપકાનો દેનાર જાણે એ મંદિરમાં મારી નજરે તરવરી રહ્યો હતો. પણ આ રાવલ નદીમાં ઘોડાના એઠા બાજરાની ઘૂઘરી ખાવાની વાત શી બની હતી? આપણે તુલસીશ્યામ છોડીને ત્યાં જ આવીએ છીએ. જંગલી બોર જમતા જમતા ઝાડીઓમાં થઈને અમે સહુ રોળ્યકોળ્ય દિવસ રહ્યે રાવલ નદીમાં આવ્યા. ભયંકર નદી : તમ્મર આવવા જેવું થાય તેટલી ઊંચી ભેખડો : ભેખડોના ઉપર પણ ક્યાંક ક્યાંક ડુંગરા બેઠેલા : ભેખડોના પેટાળમાં ઘટાટોપ ઝાડી : બંને બાજુ એવી જમાવટ : વચ્ચે ચાલી જાય કોઈ વાર્તાલાપ માંહેની અબોલા રાણી જેવી રાવલ નદી. અમારાં ઊંટ-ઘોડાં જ્યાં ડગલે ડગલે આવરદાની ઇતિશ્રી અનુભવતાં ઊતર્યાં, ત્યાં એક સો વર્ષ પૂર્વે જોગીદાસ બહારવટિયાની અસલ કાઠી ઘોડીઓ હરણાંની માફક રૂમઝૂમતી ચાલી આવી હશે. સંધ્યાનો સમય : જોગીદાસ હાથપગ ધોઈ સૂરજના જાપ કરવા બેઠો : ઘોડીઓ મોકળી ચરવા લાગી : નાનેરા ભાઈ ભાણ ખુમાણની આંખો ઊઠેલી તેના ઉપર દવા તરીકે ચોપડવા માટે વાલ જેટલું અફીણ પણ ચાલીસમાંથી એકેયના ખડિયામાંથી ન નીકળ્યું તેવા દોહ્યલા દિવસો : ચાલીસે કાઠીને આઠ દિવસની લગભગ લાંઘણો : એમાં એક કાઠીએ ઘોડીઓના ચાલીસ પાવરા ખંખેર્યા : કોઈક દિવસ ઘોડીઓને જોગાણ મળ્યું હશે તે વખતે પાવરામાં ચોંટી રહેલ, ઘોડીઓનો એઠો ચપટી ચપટી જે બાજરો, તેને ઉખેડી ઉખેડી, પલાળી, તાંસળીમાં બાફી ટેઢવા રાંધ્યા : ખોઈ ભરીને કાઠીએ મૂઠી મૂઠી સહુને વહેંચ્યું : “લ્યો જોગીદાસ ખુમાણ, આ ટેઠવા, મૂઠી મૂઠી સહુ ખાઈએ તો પેટમાં બબે તાંસળી પાણીનો સમાવો થાય.”