સ્વાધ્યાયલોક—૪/ઑડન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઑડન

૧૯૭૩ના સપ્ટેમ્બરની ૨૯મીની રાતે વિયેનામાં એક હોટેલમાં ઑડનનું ૬૬ વર્ષની વયે અવસાન થયું. સાંજે વિયેનામાં પાલ્ફી પૅલેસમાં ઑસ્ટ્રિયન સોસાયટી ફૉર લિટરેચરમાં કાવ્યવાચન કર્યું, પોતાનાં કાવ્યો પર ટૂંકું પ્રવચન કર્યું. પછી હૃદયરોગનો હળવો હુમલો થયો. પછી અલ્પ મદ્યપાન કર્યું અને નિદ્રાધીન થયા. બીજી સવારે મિત્ર ચૅસ્ટર કાલમન હોટેલ પર મળવાના હતા. આવ્યા. બારણે ટકોરા માર્યા. ઉત્તર ન આવ્યો. બારણું તોડાવ્યું. અંદર ગયા. ઑડન ચિરનિદ્રામાં હતા. ઑડનના અવસાનના સમાચાર તરત જ મિત્રો — સ્પેન્ડર અને ઇશરવૂડને મળ્યા. સ્પેન્ડરે ઉદ્ગાર કર્યો. ‘એમની દૃષ્ટિએ આ આદર્શ મૃત્યુ હતું. બસ, પ્રવચન કરવું, સૂવા જવું, સહેજ મદ્યપાન કરવું અને ફરીથી જાગવું જ નહિ. ઈશરવૂડ શોકથી અવાક હતા. ઑડને, અંતિમ વર્ષોમાં મિત્ર કાલમનને મૃત્યુ પછી પોતાના મૃતદેહને ઑસ્ટ્રિયામાં કિર્ચસ્ટૅટનમાં કશી પણ ધમાલ વિના દફનાવવામાં આવે એવી સૂચના આપી હતી. ઑક્ટોબરની ૪થીએ ભાઈ જૉન, અન્ય કુટુંબીજનો, મિત્રો સ્પેન્ડર અને કાલમન વગેરે ત્રણસો વ્યક્તિઓની હાજરીમાં કોઈ પણ મૃત્યુપ્રવચન વિના ફૂલોની વચ્ચે એમની ઇચ્છા પ્રમાણે કિર્ચસ્ટૅટનમાં એમના મૃતદેહને દફનાવવામાં આવ્યો. ઑડને સૌ મિત્રોને મૃત્યુ પછી પોતાના પત્રો બાળી નાખવામાં આવે એવી પણ સૂચના આપી હતી. ઑડને જેને ઉપશીર્ષકમાં ‘નોંધપોથી’ (એ કૉમનપ્લેસ બુક) — ક્યાંક અંગત જીવનની વિગતો અને વિવરણ સમેતની અન્ય લેખકોનાં પોતાને પ્રિય એવાં ગદ્યપદ્ય લખાણોની નોંધપોથી — કહી છે અને પ્રસ્તાવનામાં ‘એક પ્રકારની આત્મકથા’ કહી છે તે ‘કોઈએક દુનિયા’ (એ સર્ટન વર્લ્ડ, ૧૯૭૦)માં પ્રસ્તાવનામાં અને પછી એમાં સહેજ પૂર્તિ સાથે ૧૯૭૧ના ઑક્ટોબરની ૧૯મીએ લંડનમાં મિત્ર સ્પેન્ડરના ઘરમાં વાતચીતમાં લેખકોની આત્મકથા અને જીવનકથા વિશે કહ્યું હતું, ‘લેખકોની જીવનકથા બીજાઓએ લખી હોય કે પોતે લખી હોય, સદાય નિરર્થક અને સામાન્યપણે કુરુચિપૂર્ણ હોય છે. કળા અને જીવનનો સંબંધ એટલો તો સ્પષ્ટ છે કે એને વિશે કહેવાની જરૂર નથી અથવા એટલો તો સંકુલ છે કે એને વિશે કશું કહી શકાય નહિ. સૌ કળા અંતે તો વ્યક્તિના અંગત અનુભવનું રૂપાન્તર જ છે. તમે એ અનુભવમાંથી શું સર્જો છો એનું જ મહત્ત્વ છે. લેખક સર્જક છે, કાર્યકર નથી, અને એનું અંગત જીવન એની જાત, એના મિત્રો અને એના કુટુંબ સિવાય અન્ય કોઈના પણ રસનો વિષય ન હોવો જોઈએ.’ આથી ઑડને એમની આત્મકથા લખી નથી. જોકે હવે પછી જોઈશું તેમ, એમણે ક્યારેક કોઈ પ્રકીર્ણ લેખ, કોઈ કાવ્યખંડ, કોઈ પ્રસ્તાવના, કોઈ મૌખિક સંવાદ, એવા એવા નિમિત્તે એમનાં શૈશવ, કૌમાર્ય, યૌવન, મધ્યવય, વાર્ધક્ય — એમ વિવિધ સમયના અંગત જીવન વિશેની કેટલીક મહત્ત્વની વિગતોનો ઉલ્લેખ કર્યો છે. એમાં એમની આત્મકથાના અંશો છે. પણ એમની સમગ્ર આત્મકથા તો છે અંતિમ વર્ષોમાં એમનો ચહેરો. જાણે ધડ પર માથું નહિ, પણ પૃથ્વીનો ગોળો, અને એના પટ જેવો એમનો ચહેરો; એમના ‘ચૂનાના પથ્થરની પ્રશસ્તિ’ (ઇન પ્રેઇઝ ઑફ લાઇમસ્ટોન) કાવ્યમાંના ચૂનાના પ્રદેશ જેવો એમનો ચહેરો; એમનાં ‘ગોપકાવ્યો’ (‘બ્યૂકૉલિક’ જેમાં પવનો, વનો, પર્વતો, પલ્વવો, દ્વીપો, પ્રદેશો અને નિર્ઝરો વિશે કાવ્યો છે તે) કાવ્યગુચ્છ જેવો એમનો ચહેરો; કાપાઓ અને કરચલીઓ, અને એની વચમાં ઊંડી ઝીણી આંખો અને ઊંચું ઝાઝું નાક, અને એની ઉપર નમતી લાંબી ધોળી ભમ્મરો અને એની ઉપર ઊડતા સીધા ભૂખરા વાળ સાથેનો વેદના અને વિનમ્રતાના વાસ જેવો એમનો ચહેરો; કોઈ પણ સ્થળમાં અને કોઈ પણ કાળમાં કોઈ પણ માનવસમૂહમાં તરત અલગ તરી આવે એવો અદ્વિતીય એમનો ચહેરો; જેને વિશે પ્રસિદ્ધ સંગીતકાર સ્ટ્રાવિન્સ્કીએ કહ્યું હતું, ‘ટૂંક સમયમાં જ આપણે એ કોણ છે એ જોવા માટે એની કરચલીઓની ઇસ્ત્રી કરવી પડશે’ એવો એમનો ચહેરો. હવે એમના ચહેરાની છબીમાં એમની સમગ્ર જીવનકથા, હંમેશ માટે અંકાઈ છે. જોકે વધુ સાચા અર્થમાં તો એમણે એમની સમગ્ર આત્મકથા, આગળના અવતરણમાં એમણે જ સૂચવ્યું છે તેમ, એમની કવિતામાં લખી છે. હવે એમની સમગ્ર જીવનકથા હંમેશ માટે આપણી પાસે છે એમની કવિતામાં. ઇંગ્લંડમાં યૉર્કશાયરમાં યૉર્કમાં ૧૯૦૭ના ફેબ્રુઆરીની ૨૧મીએ આઈસલૅન્ડના સ્કૅન્ડિનેવિયન પૂર્વજોના વંશમાં ઉચ્ચ મધ્યમ કુટુંબમાં ઑડનનો જન્મ. પિતા જ્યૉર્જ ઑગસ્ટસ ઑડન અને માતા કૉન્સ્ટન્સ રોઝાલી (બિકનૅલ) ઑડન. ઑડન એમનું ત્રીજું અને છેલ્લું સંતાન. પિતામહ અને માતામહ, ઉપરાંત ચાર કાકા, ઍન્ગ્લિકન કલર્જીમન — પાદરી હતા. પિતા વ્યાપક વૈજ્ઞાનિક દૃષ્ટિના ફિઝિશિયન હતા. માતા ધાર્મિક વૃત્તિનાં નર્સ હતાં. માતાપિતા બન્ને ઍન્ગ્લો-કૅથલિક હતા. ઑડન પર માતાનો વિશેષ પ્રભાવ હતો. આમ, જન્મથી જ ઑડનની આસપાસ વિજ્ઞાન અને ધર્મનું વાતાવરણ હતું. ઑડન ૬ વર્ષની વયે ‘બોટ-બૉય’ હતા. એથી ધાર્મિક વિધિઓમાં એમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ધર્મોપદેશો નહિ પણ પ્રેરક ધાર્મિક વિધિઓ એ એમનાં સૌપ્રથમ ધાર્મિક સ્મરણો હતાં. જોકે ૧૯૨૩માં કવિતા રચવાનો આરંભ કર્યો ત્યાં લગીમાં ખ્રિસ્તી ધર્મમાંથી એમની શ્રદ્ધાનો લોપ થયો હતો. ‘આઈસલૅન્ડથી પત્રો’ (લેટર્સ ફ્રૉમ આઈસલૅન્ડ, ૧૯૩૭)માં ‘પ્રકરણ ૧૩, લોર્ડ બાયરનને પત્ર — ભાગ ૪’ (ચેપ્ટર થર્ટીન, લેટર ટુ લૉર્ડ બાયરન — પાર્ટ ફોર)માં ‘મારો પાસપોર્ટ કહે છે હું પાંચ ફૂટ અને અગિયાર ઇંચનો છું’ અને ‘હું ઓગણીસોપાંત્રીસ લગી આવી પહોંચ્યો’ની વચમાં સાત પંક્તિનો એક શ્લોક એવા કવિ ચૉસર-સર્જિત શ્લોકસ્વરૂપ (ર્હાઇમ રૉયલ, ચૉસેરિયન સ્ટાન્ઝા)ના ૩૫ શ્લોકની ૨૪૫ પંક્તિમાં ૧૯૦૭થી ૧૯૩૫ લગીના એમના જીવનના પ્રથમ ત્રણ દાયકાના અનુભવોની વિગતો ‘સાદી, કદાચને અસાધારણ ચિત્રવિચિત્ર કથા’ રૂપે આપી છે. ૧૯૦૮માં પિતા બર્મિંગહમમાં એક શાળામાં તબીબી અધિકારીપદે અને ત્યાંની યુનિવર્સિટીમાં જાહેર આરોગ્યના અધ્યાપકપદે નિયુક્ત થયા. એથી ઑડને ૧૯૧૫થી ૧૯૨૦ લગી બર્મિંગહમની પ્રૅપરેટરી શાળા — સેન્ટ ઍડમન્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પિતા બાળમનોવિજ્ઞાની હતા. એથી ઑડનના વ્યાપક અને વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક શિક્ષણમાં એમનું મહત્ત્વનું અર્પણ હતું. પિતા પુરાતત્ત્વવિદ પણ હતા. એથી એમનાં આરોગ્યવિજ્ઞાન વિશેનાં વ્યાખ્યાનોમાં વર્જિલ જેવા શિષ્ટ કવિઓની પંક્તિઓનાં અવતરણો પણ હોય. પછી અંત લગી ઑડનની કવિતામાં પણ ‘કિલનિકલ’ અને ‘કલાસિકલ’નું મિશ્રણ હોય તો એનું કોઈ આશ્ચર્ય ન હોય. અહીં ઑડનને ક્રિસ્ટૉફર ઇશરવૂડનું મિલન થયું. ઇશરવૂડ ઑડનથી ત્રણ વર્ષ મોટા. ઇશરવૂડ ૧૯૧૮માં શાળામાંથી વિદાય થયા. પણ પછીથી ઑડન અને ઇશરવૂડનું ૧૯૨૫માં ઑક્સફર્ડમાં પુનર્મિલન થયું અને બન્ને જીવનભર પરમ મિત્રો થયા. ઇશરવૂડે ‘સિંહ અને પડછાયા’ (લાયન્સ ઍન્ડ શેડોઝ, ૧૯૩૦)માં આ સમયના ઑડનનું ચિત્ર આપ્યું છે ઃ એની રમકડાંની પેટીમાં પિતાની લાઇબ્રેરીમાંથી ભૂસ્તરશાસ્ત્ર, ધાતુઓ અને યંત્રો પરનાં મોટાં, જાડાં પુસ્તકો… એના મોંમાં સદોષ ઉચ્ચારના પણ રહસ્યમય ઉચ્ચારણના અસંખ્ય વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દો… એના મગજમાં નિષિદ્ધ જ્ઞાન… અમ સરીખા અર્ધ-બર્બર અને ઉત્સુક શાળામિત્રોમાં એની ‘ભૂવા’ (વિચ-ડૉક્ટર) તરીકેની પ્રતિષ્ઠા. ઑડને મિત્ર કવિ, અને હવે રાજકવિ જ્હૉન બૅટ્ઝૅમૅનના એક કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં, ‘રંગારાનો હાથ’ (ધ ડાયર્સ હૅન્ડ, ૧૯૬૨)માં અને ‘કોઈએક દુનિયા’માં આ સમયે પોતાની બાળલાઇબ્રેરીમાં જે પુસ્તકો હતાં એની યાદી આપી છે. એમાં મુખ્યત્વે વિજ્ઞાનનાં અને પરીકથા, તરંગકથા, પ્રવાસકથા, સાહસકથા, જાસૂસકથાનાં પુસ્તકો છે. એમાં કવિતાનાં પુસ્તકો નહિવત્ છે. ઑડનનું શૈશવ એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો સમય. આ સમયમાં ઉત્તર ઇંગ્લન્ડમાં ઔદ્યોગિક ‘મિડલૅન્ડ્ઝ’માં, ‘બ્લૅક કન્ટ્રી’માં આર્થિક મંદી, બેકારી અને ગરીબાઈનું નિરીક્ષણ, આઇસલૅન્ડના સાગા-સાહિત્યની તથા સાહસકથા, જાસૂસકથાની પ્રેરણાથી યુદ્ધના વિષયનું આકર્ષણ ઑડનની આર્થિક, સામાજિક, રાજકીય વિષયની કવિતાની ભૂમિકા છે; તો ઔદ્યોગિક નગર બર્મિંગહમનો અનુભવ તથા ખાણના ઇજનેર થવાની મહત્ત્વાકાંક્ષાથી અને પરીકથા, તરંગકથા, પ્રવાસકથાની પ્રેરણાથી બર્મિંગહમની આસપાસના ગ્રામપ્રદેશો અને એના વાતવરણનો અનુભવ ઑડનની નગરો તથા નગરસંસ્કૃતિના વિષયની કવિતાની અને ‘નકશાઓ અને છોકરડાઓ’ (મૅપ્સ ઍન્ડ ચૅપ્સ) તથા ‘માનસિક ભૂગોળ’ (સાઇકિક જ્યોગ્રોફી) અને ‘નૈતિક પ્રદેશ’ (પાયસાઝ મૉરાલિઝે)ને નામે પ્રસિદ્ધ છે તે વિષયોની કવિતાની ભૂમિકા છે. એમાં ઑડન આજીવન પ્રવાસી હતા એની પણ ભૂમિકા છે. એમાં એમની કવિતામાં પૃથ્વીનો જે મહિમા થયો છે એની પણ ભૂમિકા છે. ૧૯૨૦થી ૧૯૨૫ લગી ઑડને નૉર્ફોકમાં હૉલ્ટમાં પબ્લિક બોર્ડિંગ સ્કૂલ — ગ્રેશમ્સ સ્કૂલ — માં અભ્યાસ કર્યો. ગ્રેહામ ગ્રીન-સંપાદિત ‘જૂની નિશાળ’ (ધ ઑલ્ડ સ્કૂલ, ૧૯૩૪)માં એક લેખમાં ઑડને આ શાળાનું ઉદારતાથી અને પોતાનું પ્રામાણિકતાથી ચિત્ર આપ્યું છે. અહીં બાયોલૉજી (જીવવિજ્ઞાન) એમનો ખાસ વિષય હતો. એમાં એમની આરંભની કવિતામાં જીવવિજ્ઞાનમાંથી અનેક પ્રતીકોની ભૂમિકા છે. અહીં એમણે એન્ઝાઈમ કર્મ (એન્ઝાઈમ ઍક્શન), લોકવિદ્યા (ફોકલોર) જેવા વિવિધ વિષયો પર નિબંધવાચન કર્યું; શેક્સ્પિયરના ‘ઝંઝા’ (ધ ટૅમ્પેસ્ટ) નાટકમાં કૅલિબાનનું પાત્ર ભજવ્યું; ધાર્મિક સંગીતના ગાયકવૃન્દમાં ગાવાનો અને પિયાનો પર હિમ્સ, ચૅન્ટ્સ અને સામ્સ વગાડવાનો — કંઠ્યસંગીત અને વાદ્યસંગીતનો અનુભવ કર્યો; આધુનિક અંગ્રેજી સંગીતના કાર્યક્રમમાં ભાગ ભજવ્યો. આ સમયે ઑપેરા-સિન્ગર અથવા પિયાનિસ્ટ થવાની મુગ્ધ મહત્ત્વાકાંક્ષા પણ હતી. અંગ્રેજી, લૅટિન ગદ્ય અને વિજ્ઞાનમાં પારિતોષિકો પ્રાપ્ત કર્યાં. આ સમયમાં કેવળ વિજ્ઞાન અને સંગીતમાં એમનો રસ હતો. એમાં એમની આરંભની મનોવૈજ્ઞાનિક વિષયની કવિતા અને અંતની સંગીતમય કવિતાની ભૂમિકા છે. ૧૯૨૨ લગી એમનું વાચન કેવળ વિજ્ઞાનમાં સીમિત હતું. કવિતામાં એમનું વાચન નહિવત્ હતું. ‘રંગારાના હાથ’માં એમણે ત્યાં લગીમાં જે કવિતાનું વાચન કર્યું હતું એની વિગત છે. ૧૯૨૨ લગી એમણે કવિતાનું સર્જન તો કર્યું જ ન હતું. પૂર્વોક્ત ‘લૉર્ડ બાયરનને પત્ર’માં એમણે નોંધ્યું છે તેમ ૧૯૨૨ના માર્ચના એક રવિવારે બપોરે ત્રણ ને ત્રીસે એક ખેતરમાં મિત્ર સાથે ચાલતાં ચાલતાં જતા હતા ત્યાં — એક પથ્થરને ઠોકર મારતાં મારતાં મિત્રે ઑડન ભણી જોઈને પૂછ્યું, ‘…‘Tell me, do you write poetry?’ 
I never had, and said so, but I knew 
That very moment what I wished to do.’ ‘…‘મને કહે તો, તું કવિતા લખે છે?’ મેં કદી લખી ન હતી, અને એ મેં કહ્યું, પણ એ જ ક્ષણે મેં જાણ્યું કે મને શું કરવાની ઇચ્છા છે.’ આ અનુભવ ‘સ્વર્ગમાંથી રહસ્યોદ્ઘાટન’ (એ રૅવેલેશન ફ્રૉમ હૅવન) જેવો હતો એમ એને વિશે એમણે પછીથી ઑક્સફર્ડ મંગલપ્રવચન (૧૯૫૬)માં કહ્યું હતું. આ મિત્ર તે, જુલિયન સીમન્સ ‘ત્રીજો દાયકો’ (ધ થર્ટિઝ, ૧૯૬૦)માં ઓળખાવે છે તેમ, ઑડનના ગ્રુપ થિયેટરના સહકાર્યકર, ચિત્રકાર અને રંગભૂમિના ડિઝાઈનર રૉબર્ટ મૅડલી. આ ક્ષણ પછી ઑડનની કવિતાનો આરંભ થયો. ૧૯૨૨માં ઑડને દ લા મૅર, ડબ્લ્યુ. એચ. ડૅવિસ, અને એ. ઈ.ની કવિતાનું વાચન કર્યું. પણ એમની પર દ લા મૅર-સંપાદિત ‘અહીં આવો!’ (કમ હિધર) કાવ્યસંચયની કવિતાનો પ્રભાવ વિશેષ હતો. ૧૯૨૩માં એક આખું વર્ષ એમણે માત્ર હાર્ડીની કવિતાનું વાચન કર્યું. હાર્ડી ઑડનના પ્રથમ મહાન કાવ્યગુરુ. ૧૯૨૩માં ઑડને એમનું પ્રથમ કાવ્ય રચ્યું ‘ઈટ ઈઝ એ લવલી સાઈટ ઍન્ડ ગુડ’ (આ તો છે સુન્દર દૃશ્ય અને વળી શિવંકર). ઑડનની સમગ્ર કવિતાના સંદર્ભમાં આ પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિમાં ‘સાઇટ’ નામ અને ‘લવલી’ તથા ‘ગુડ’ બન્ને વિશેષણો કેટલાં સૂચક છે! ૧૯૨૪માં એમણે ઍડવર્ડ ટૉમસ અને રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતાનું વાચન કર્યું. ૧૯૨૪માં એમનું પૂર્વોક્ત પ્રથમ કાવ્ય ‘જાહેર શાળા કવિતા’ (પબ્લિક સ્કૂલ વર્સ)માં પ્રગટ થયું. ૧૯૨૫થી ૧૯૨૮ લગી ઑડને ઑક્સફર્ડમાં ક્રાઈસ્ટ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યો. એમણે શિષ્યવૃત્તિ મેળવનાર જીવવિજ્ઞાનના વિદ્યાર્થી (ઍકિઝબિશનર ઇન નૅચરલ સાયન્સિસ) તરીકે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. પણ પી. પી. ઈ.ના એક સત્ર પછી એ અંગ્રેજીના વિદ્યાર્થી થયા. પ્રસિદ્ધ વિવેચક નેવિલ કૉગહિલ એમના અધ્યાપક હતા. અહીં એમણે ઈ. એ. રૉબિન્સન, ઍમિલી ડિકિન્સન, રૉબર્ટ બ્રિજીસ, જેરાલ્ડ મૅન્લી હૉપકિન્સ, વિલફ્રિડ ઓવેન, ડી. એચ. લૉરેન્સ, સ્કૅલ્ટન, લૅન્ગલૅન્ડ આદિની કવિતાનું વાચન કર્યું. વિશેષ તો પ્રસિદ્ધ અધ્યાપક જે. આર. આર. ટૉલ્કિયેને એમના વર્ગોમાં ઍન્ગ્લો-સૅક્સન અથવા પ્રાચીન અંગ્રેજી કવિતાનું જે રીતે વાચન કર્યું. એનો ઑડન પર એવો તો પ્રભાવ પડ્યો કે ઑડનની કવિતા પર જે અનેક અસરો છે એમાં આ કવિતાની મુખ્ય અસર છે. ૧૯૨૬માં ઑડનના જીવનની એક મહાન ઘટના તે એલિયટની કવિતાનું વાચન. રિચર્ડ માર્ચ અને તામ્બિમુત્તુ-સંપાદિત ‘ટી. એસ. એલિયટ, ૧૯૪૮’માં કૉગહિલે એમના એલિયટ પરના લેખમાં આરંભે જ એનો ઉલ્લેખ કર્યો છે. એક દિવસ ઑડન એક્સિટર કૉલેજમાં ટ્યૂટોરિયલના વર્ગ માટે કૉગહિલ પાસે ગયા અને કહ્યું, ‘મારાં બધાં જ કાવ્યો મેં ફાડી નાંખ્યાં છે.’ કૉગહિલે કારણ પૂછ્યું તો કહ્યું, ‘તમારે પણ એલિયટ વાંચવા જોઈએ. હમણાં હું એલિયટ વાંચી રહ્યો છું; મારે કેવી રીતે લખવું છે તે હવે મને સમજાય છે. આ અઠવાડિયે મેં બે નવાં કાવ્યો રચ્યાં છે, સાંભળો!’ ઑડને કાવ્યો વાંચી સંભળાવ્યાં અને એલિયટનાં કાવ્યો વાંચવાનું ફરીથી સૂચવ્યું. કૉગહિલે ઉમેર્યું છે કે ભારપૂર્વક સૂચવ્યું. આમ, એલિયટનાં કાવ્યોના વાચન પછી ઑડનની સાચી કવિતાનો આરંભ થયો હતો. જોકે પછીથી, કોઈ પણ સાચા કવિમાં અનિવાર્યપણે થાય છે તેમ, ઑડન મૌલિક માર્ગે ગયા; ઑડનની કવિતા પર એલિયટની કવિતાની મુખ્ય અસર નથી. આ પૂર્વે ઑડને જે કાવ્યો રચ્યાં હતાં તે ૧૯૨૫માં એમણે ઇશરવૂડને વંચાવ્યાં હતાં. એમાંથી ઈશરવૂડે બે કાવ્યો ‘ન્યૂ વર્સ, ૧૯૩૭’માં ઑડન પરના લેખમાં અને ચાર કાવ્યો ‘સિંહ અને પડછાયા’માં આપ્યાં છે. ઑડને ચાર્લ્સ પ્લમ્સ સાથે ‘ઑક્સફર્ડ પોએટ્રી, ૧૯૨૬’નું અને સી. ડે લુઈસ સાથે, જેમાં ઑડનનું પણ એક કાવ્ય છે તે ‘ઑક્સફર્ડ પોએટ્રી, ૧૯૨૭’નું સંપાદન કર્યું. ઑક્સફર્ડમાં ઑડનને ભિન્ન ભિન્ન સમયે સી. ડે લુઈસ અને સ્ટીફન સ્પેન્ડરનું મિલન થયું. ઑડન, સી. ડે લુઈસ અને સ્પેન્ડર (તથા લુઈ મૅકનિસ) ચોથા દાયકાની અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં ‘ચોથા દાયકાનું કવિવૃન્દ’ (થર્ટિઝ ગ્રુપ) અને ‘ઑડનવૃંદ’ (ઑડન ગ્રુપ)ને નામે પ્રસિદ્ધ છે. આ ત્રણ કવિઓનાં નામ પત્રો-સામયિકોની કટારોમાં વર્ષો લગી એકસાથે પ્રસિદ્ધ થતાં હતાં પણ એમનું એકસાથે પ્રથમ વારનું મિલન ૧૯૪૯માં વૅનિસમાં એક સાહિત્યપરિષદ નિમિત્તે થયું હતું. ઑક્સફર્ડમાં ઑડનને ઇશરવૂડનું પુનર્મિલન થયું. ઇશરવૂડે એમની આત્મકથનાત્મક નવલકથા ‘સિંહ અને પડછાયા’માં, સ્પેન્ડરે એમની આત્મકથા ‘દુનિયા ને એની અંદર દુનિયા’ (વર્લ્ડ વિધિન વર્લ્ડ, ૧૯૫૧)માં અને સી. ડે લુઈસે એમની આત્મકથા ‘દબાયેલું જીવન’ (ધ બેરિડ લાઇફ, ૧૯૬૪)માં તથા મૅકનિસે એમના વિવેચનગ્રન્થ ‘આધુનિક કવિતા’ (ધ મૉડર્ન પોએટ્રી, ૧૯૩૮)માં આ સમયના ઑડનનું ચિત્ર આપ્યું છે. ઑડનનો ઇશરવૂડ અને સી. ડે લુઈસ સાથેનો સંબંધ સમકક્ષા (ધ કલીગ્ઝ)નો સંબંધ હતો. એ ‘ટોળકી’ ‘પુરાણી ટોળકી’ (ધ ગૅન્ગ, ધ ઓલ્ડ ગૅન્ગ)ને નામે પ્રસિદ્ધ હતો. ઑડનનો સ્પેન્ડર સાથેનો સંબંધ પબ્લિક સ્કૂલના (ટીચર-ટુ-પ્યુપિલ, પ્રીફૅક્ટ-ટુ-ફૅગ) ગુરુ-શિષ્યનો, મોટા નિશાળિયા-નાના નિશાળિયાનો સંબંધ હતો. ઑક્સફર્ડમાં ઑડનને હવે ભૂસ્તરવિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં જેટલો રસ ન હતો એટલો રસ તબીબીવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને નૃવંશવિજ્ઞાનમાં હતો; અને એટલો રસ હજુ રાજકારણ, ઇતિહાસ અને ધર્મમાં થયો ન હતો. એમણે ફ્રૉઇડ અને ગ્રૉડૅકના મનોવિજ્ઞાનનું વાચન કર્યું. પોતાનું, મિત્રોનું અને અન્ય સમકાલીનોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ એમનો પ્રિય વ્યવસાય હતો. વારંવાર નખ કરડવાની અને સતત ધૂમ્રપાન કરવાની પોતાની ટેવનું એમણે કારણ આપ્યું ‘અધકચરો સ્તનપાનત્યાગ’. ઇશરવૂડ અને સ્પેન્ડર બે રોગીજનો અને પોતે વિશ્લેષક. ‘રોગચિહ્ન’, ‘રોગચિહ્નવિષયક’ (સિમ્પ્ટમ, સિમ્પ્ટૉમૅટિક) એમના પ્રિય શબ્દો. રોગચિહ્નોનું નિદાન કરવું જોઈએ એ એમની પ્રતીતિ. કવિતા એટલે નિદાન એ એમનું કાવ્યશાસ્ત્ર. કવિ ચિકિત્સક-માનસનો (ક્લિનિકલી માઇન્ડેડ)હોવો જોઈએ એ એમની આદર્શ કવિમૂર્તિ. ‘કવિતા શિષ્ટ, ચિકિત્સક અને સંયમી હોવી જોઈએ’ એ એમની કવિતાની વ્યાખ્યા. આમ, કવિએ આવી કવિતા દ્વારા સમાજના અને વ્યક્તિના રોગોનું નિદાન કરવું જોઈએ એ એમનું કવિકર્મ અને એમનો કવિધર્મ. બાહ્ય જગત એ વાસ્તવ જગત નથી; સૌ અસંવાદ, અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતાનું કારણ અંતે આધ્યાત્મિક હોય છે એ એમની કવિશ્રદ્ધા. આથી ઑક્સફર્ડમાં આધ્યાત્મિક વૈદ્ય, ભૂવો, જાદુગર, નીતિશાસ્ત્રી, શિક્ષક, ઉપદેશક, પાગલ પાદરી (સ્પિરિચ્યુઅલ ફિઝિશિયન, વિચ-ડૉક્ટર, મૅજિશિયન, મૉરાલિસ્ટ, ટીચર, પ્રીચર, લ્યુનેટિક કલર્જીમન) તરીકેની; ચિકિત્સિક (કિલનિકલ) ઑડન તરીકેની ખ્યાતિ હતી. ઑક્સફર્ડમાં ઑડન અનેક ચિત્રવિચિત્ર પાઠ ભજવનાર ‘પાત્ર’ હતા. એમની હાસ્યશક્તિ અને નાટ્યશક્તિ અસાધારણ અને અદ્વિતીય હતી. આઘાતજનક વિધાનો અને આશ્ચર્યજનક વર્તન, અનુકૃતિ અને વિદૂષકવૃત્તિ — આ સૌને કારણે એમની ‘ચક્રમ’ (એક્સેન્ટ્રિક) તરીકેની પણ ખ્યાતિ હતી. મૅકનિસે નોંધ્યું છે કે ઑક્સફર્ડમાં ઑડન ‘સ્વભાવથી થોડાક રંગલા અને મોટે ભાગે ગપ્પીદાસ’ (બાય નેચર પાર્ટ્લી એ બફૂન ઍન્ડ ગ્રેટલી એ ગૉસિપ) હતા. પડદા પાડીને પ્રકાશને પાછો વાળીને અરધો અંધકારથી ભર્યો ખંડ, એમાં ઓછા લોકો સાથે આગલા શબ્દની પહેલાં પાછલો શબ્દ મોંમાંથી ધસતો આવે એવી શૈલીમાં સતત લાંબી વાતો, વારે વારે ભમ્મર લગી વીખરાતા લાંબા વાળ; એમની દૃષ્ટિએ ઑક્સફર્ડનું જે સુન્દરતમ દૃશ્ય તે ગૅસવર્ક્સ કે મ્યુનિસિપાલિટીના ઉકરડા કે અવારનવાર આસપાસના દૂર દૂરના ગ્રામપ્રદેશો લગી હરતાંફરતાં કે રખડતાં વારંવાર માથે વિવિધ પ્રકારની વિચિત્ર હૅટ્સ, ક્યારેક હાથમાં પિસ્તોલ, ક્યારેક અંગ પર લાંબો કાળો ફ્રૉકકોટ અને સદાય લાંબી બેડોળ ચાલ — આ સૌને કારણે એમની ‘છેલછબીલા’ (ડેન્ડી) તરીકેની પણ ખ્યાતિ હતી. ૧૯૨૮માં ઑડનનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ (પોએમ્સ) પ્રગટ થયો. સ્પેન્ડરે ઑક્સફર્ડમાં એમના અંગત પ્રેસમાં એનું પોતાને હાથે મુદ્રણ કર્યું (ઇશરવૂડે નોંધ્યું છે કે એક એક મુદ્રણદોષનું આજે દસ દસ શિલિંગનું મૂલ્ય થાય.) અને નારંગી રંગના કાગળ પર નાનકડી પુસ્તિકા રૂપે ૪૫ નકલની મર્યાદિત આવૃત્તિમાં એ પ્રગટ કર્યો. ઑડને એમનો આ પ્રથમ કાવ્યસંગ્રહ ઇશરવૂડને અર્પણ કર્યો છે. એમાં અર્પણકાવ્ય છે, ‘આપણે આદર કરીએ, જો કરી શકીએ તો, ઊર્ધ્વ મનુષ્યનો. જોકે આપણે મન સપાટી પર વિસ્તરતા મનુષ્ય સિવાય કોઈની કિંમત નથી.’ એમાં ઊર્ધ્વ મનુષ્ય, અંગત મનુષ્ય, વ્યક્તિ અત્યંત સૂચક છે. આ કાવ્યો તેમજ ઑડનની સમગ્ર કવિતાના કેન્દ્રમાં ઊર્ધ્વ મનુષ્ય છે, વ્યક્તિ છે; એના પરિઘ પર સપાટી પર વિસ્તરતો મનુષ્ય છે, સમાજ છે. આ કાવ્યોમાં અસરો છે, અનુકરણો કે અનુસરણો નથી. અહીં કશું જ બાલિશ નથી, બધું જ બલિષ્ઠ છે. આ કાવ્યોમાં ઑડનનું પોતાપણું પ્રતીત થાય છે. એમાં એક જ શૈલી નથી, અનેક શૈલીઓ છે. અને એ સૌ ઑડનના વ્યક્તિત્વની મુદ્રાથી અંક્તિ એવી મૌલિક શૈલીઓ છે. એમાં સાગા-સાહિત્ય અને ઍન્ગ્લો-સૅક્સન કવિતાની અસર છે; સ્કૅલ્ટન, હાર્ડી, ઍમિલી ડિકિન્સનની અસરમાં સ્વરભારયુક્ત છંદો અને ક્યારેક શબ્દલોપસહિત તો ક્યારેક સંબંધરહિત લાઘવયુક્ત ભાષા છે; લઘુ પંક્તિઓ અને વિચિત્ર પ્રાસસંકલના છે; હાર્ડી, એડવર્ડ ટૉમસ અને રૉબર્ટ ફ્રૉસ્ટની અસરમાં સંસ્કારી સંવાદની બોલચાલની ભાષામાં મધ્યમ શૈલી છે; હૉપકિન્સની અસરમાં દીર્ઘ પંક્તિઓમાં સંકુલ પદાવલિમાં પ્રતિકૃતિ અને મૉક-હીરોઈકની અલંકૃત શૈલી છે; રિલ્કેની અસરમાં સર્વનામોના પ્રતીકાત્મક ઉપયોગની શૈલી છે. આ કાવ્યોમાં વૈજ્ઞાનિક પ્રતીકો, ચિકિત્સક વલણો, વૈવિધ્યપૂર્ણ છંદો અને શ્લોકો, વૈચિત્ર્યપૂર્ણ આયોજન, સ્વપ્ન, રહસ્ય, દુર્બોધતા આદિ લાક્ષણિકતાઓ છે. ઑડનનો પબ્લિક સ્કૂલનો અને એની રમતગમતોનો અંગત અનુભવ અહીં યુદ્ધ, જાસૂસ, સરહદ (વૉર, સ્પાય, ફ્રન્ટિયર) આદિ પ્રતીકો દ્વારા પ્રગટ થાય છે. આ કાવ્યોમાં અસાધારણ સમૃદ્ધ સંવેદનશીલતા, આયોજનની વિવિધતા અને જ્ઞાનની વિશાળતા છે. ઑડનના આ પ્રથમ કાવ્યસંગ્રહથી જ ઑડન અંગ્રેજી કવિતાની પરંપરામાં પ્રતિષ્ઠિત એવા ઊંચી અને ઉદાર રસવૃત્તિના આધુનિક કવિ છે એની પ્રતીતિ થાય છે. ઑડને ૧૯૨૮માં જર્મનીમાં બર્લિનનો પ્રવાસ કર્યો. ચિરપ્રવાસી અને ચિરનિર્વાસિત ઑડનનો આ પ્રથમ વિદેશપ્રવાસ. એમાં એમની ‘રખડુ’ (વૉન્ડરર) અને ‘ખોજ’ (કવેસ્ટ)ના વિષયની કવિતાની ભૂમિકા છે. પિતાએ એક વર્ષના પ્રવાસ માટે આર્થિક સહાય આપી હતી. પૅરિસ વિશેની પુરોગામીઓની પ્રશસ્તિઓથી પૅરિસ પ્રત્યે અણગમો થયો હતો એથી પૅરિસ ન ગયા. ઇટલીમાં મુસોલિની સત્તારૂઢ થયા હતા એથી રોમ ન ગયા. જર્મન ભાષા પ્રત્યે પ્રેમ હતો એથી બર્લિન ગયા. ઇશરવૂડે તબીબીવિજ્ઞાનના અભ્યાસનો અરધેથી ત્યાગ કર્યા પછી ૧૯૨૯ના માર્ચમાં બર્લિનમાં ઑડનની સાથે થયા. અહીં બન્ને મિત્રોએ પશ્ચિમના પતનનો, વાઈમારના પ્રજાસત્તાકનો, એના સમાજની છિન્નભિન્નતાનો અને ઇંગ્લંડના સમાજમાં જેનો અભાવ છે એવી સમાજની સ્વતંત્રતાનો; જર્મન કવિતા, કાબારે ગીતો, રંગભૂમિ, સવિશેષ બ્રૅખ્ટની રંગભૂમિની અસરનો અને સૌથી વિશેષ તો હોમર લેઇન અને જૉન લૅયર્ડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાન્તોની તીવ્ર અસરનો અનુભવ કર્યો. જર્મન ભાષામાં કાવ્યો રચ્યાં. પૈસા ખૂટયા એટલે ઇંગ્લંડ પાછા આવ્યા. ત્યારે એમને પ્રથમ વાર ઇંગ્લંડના સમાજની શિથિલતા અને ઉદાસીનતાનું દર્શન થયું. પછીથી એમણે આ અનુભવ વિશે કહ્યું હતું, ‘જ્યારે બર્લિન ગયો ત્યારે જાણ્યું કે પાયા હચમચી રહ્યા હતા… પ્રથમ વાર મને લાગ્યું કે ધરતી ફરી રહી છે.’ ઑડને ૧૯૨૯માં ઇશરવૂડ સાથે ‘પાદરીના શત્રુઓ’ (ધ ઍનિમિઝ ઑફ એ બિશપ) પદ્યનાટકનું સહલેખન કર્યું. આમ, ઑડન અને ઇશરવૂડના પદ્યનાટકના સહલેખનનો આરંભ થયો. બિશપ એ નાટકનો નાયક છે. નાટકને અંતે એના શત્રુઓ — રોગિષ્ઠ અને પાગલ ઊંટવૈદો — પર બિશપનો વિજય થાય છે. આ બિશપના પાત્રમાં હોમર લેઇનનું આદર્શ ચિત્રણ છે. નાટકમાં નાટકત્વ નહિવત્ છે, સંકલના શિથિલ છે. ખાનગી મજાક-મશ્કરીનો અતિરેક છે. એના મહત્ત્વના ભાગનો પછીથી પરિષ્કૃત રૂપમાં ‘શ્વાનના વેશમાં’ (ધ ડૉગ બીનીથ ધ સ્કિન) — એ કૃતિમાં ઉપયોગ કર્યો હતો. ૧૯૨૮માં નાતાલની આસપાસ ઑડને ‘બન્ને બાજુએ ચુકવણી’ (પેઇડ ઑન બોથ સાઇડ્ઝ) પદ્યનાટક રચ્યું. એલિયટે એ ‘ધ ક્રાઇટેરિયન’માં પ્રગટ કર્યું. ત્યારે એલિયટે એક પત્રમાં એક મિત્રને એ વાંચવાનું સૂચન કર્યું. અને એને વિશે લખ્યું, ‘…તેજસ્વી કૃતિ… કેટલાંક વર્ષોથી મને જે કવિઓ જડી આવ્યા છે તેમાં આ ભાઈ સર્વશ્રેષ્ઠ છે.’ ઑડને આ નાટક સી. ડે લુઈસને અર્પણ કર્યું છે. નાટકમાં સાગા-સાહિત્ય, ઍગ્ન્લો-સૅકસન કવિતા, મમર્સ પ્લે અને જર્મન એકસ્પ્રેશિયોનિઝમની અસર છે. ડી. એચ. લૉરેન્સ, આન્દ્રે જીદ, ફ્રૉઇડ, ગ્રૉડૅક આદિના અને સૌથી વિશેષ તો જૉન લૅયર્ડ અને હોમર લેઇનના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પ્રભાવ છે. એમાં મનુષ્યના સૌ ભૌતિક રોગોનું કારણ નૈતિક અને આધ્યાત્મિક છે એ હોમર લેઇન અને જૉન લૅયર્ડનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કેન્દ્રસ્થાને છે. એમાં ઑડનનો પબ્લિક સ્કૂલનો અંગત અનુભવ છે. નાટકનું સ્થળ છે ઉત્તર ઇંગ્લંડમાં મિડલેન્ડ્ઝ. એનો સમય છે ત્રીજા દાયકાનો અંત, એનાં મુખ્ય પાત્રો છે મિલમાલિકોનાં બે કુટુંબોનાં સભ્યો. નાટકમાં કેન્દ્રમાં વ્યક્તિ છે; પરિઘ પર સમાજ છે. એમાં આર્થિક, રાજકીય, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક પરિમાણો છે; પણ સૌથી વિશેષ તો એમાં મનોવૈજ્ઞાનિક પરિમાણ છે. મનુષ્યની અપૂર્ણતાને કારણે મનુષ્યની કરુણતા છે, યુદ્ધ એ મનુષ્યજાતિનો રોગ છે અને પ્રેમ એનું ઔષધ છે એ આ નાટકનું દર્શન છે. આ નાટકમાં ઑડનની સમગ્ર કવિતામાં પાપ, ચિંતા, વ્યક્તિ અને એની એકલતાના જે મુખ્ય વિષય છે એની ભૂમિકા છે. ૧૯૩૦માં ઑડનનો કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ (પોએમ્સ) પ્રગટ થયો. એમાં ૩૦ કાવ્યો છે — જેમાં ‘કાવ્યો’ (પોએમ્સ, ૧૯૨૮)માંથી ૯ કાવ્યોનું પુનર્મુદ્રણ છે અને ‘બન્ને બાજુએ ચુકવણી’નું પુનર્મુદ્રણ છે. ૧૯૩૩માં ‘કાવ્યો’ની બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિમાંથી ૭ કાવ્યો રદ કર્યાં છે અને નવાં ૭ કાવ્યોને સ્થાન આપ્યું છે. આ કાવ્યોની શૈલી લોકભોગ્ય છે. એમાં પ્રચલિત ગીતો અને ભાષા દ્વારા કટાક્ષ અને વક્રતા સિદ્ધ થયાં છે. એમાં જર્મન કાબારેનાં અને રંગભૂમિનાં, બ્રેખ્ટની રંગભૂમિનાં ગીતોની તથા મ્યુઝિકલ કૉમેડી, નર્સરી ર્હાઈમ્સ અને બૅલડની અસર છે. એમાં ઇંગ્લંડના ધનિક અને મધ્યમ વર્ગનું વિશ્લેષણ, એમનું અધ:પતન, વર્ગવિગ્રહ અને વિશ્વયુદ્ધનું વસ્તુ છે; બ્લેઈક, ડી. એચ. લૉરેન્સ, હોમર લેઇન આદિની અસરમાં ક્રાંતિકારી અને વિદ્રોહી આદિ પ્રતીકો છે; વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક પરિમાણો છે; પણ સવિશેષ તો સામાજિક અને રાજકીય પરિમાણો છે. ૧૯૩૦થી ૧૯૩૫ લગી ઑડન સ્કૉટલેન્ડમાં હૅલન્સબર્ગમાં લાર્ચફીલ્ડ ઍકૅડૅમીમાં અને કૉલવૉલમાં માલવર્ન પાસે ધ ડાઉન્સ સ્કૂલમાં શિક્ષક હતા. ૧૯૩૨માં એમણે ઇંગ્લંડની પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી તરીકેના અને શિક્ષક તરીકેના અંગત અનુભવો પરથી ‘વક્તાઓ’ (ધ ઑરેટર્સ) કાવ્ય રચ્યું અને એ જ વર્ષમાં એ પ્રગટ થયું. આ કાવ્ય એમણે સ્ટીફન સ્પેન્ડરને અર્પણ કર્યું છે. એમાં અર્પણકાવ્ય છે ઃ ‘ખાનગી જગાઓમાં જાહેર ચહેરાઓ કરતાં જાહેર જગાઓમાં ખાનગી ચહેરા વધુ શાણપણભર્યા, વધુ શોભીતા.’ એમાં ‘ખાનગી ચહેરાઓ’, અંગત મનુષ્યો, વ્યક્તિઓ, ખાનગી વ્યક્તિઓ અત્યંત સૂચક છે. આ કાવ્યના તેમ જ ઑડનની સમગ્ર કવિતાના કેન્દ્રમાં ખાનગી ચહેરાઓ, વ્યક્તિઓ છે અને એના પરિઘ પર ‘જાહેર જગાઓ’, સમાજ છે. આ કાવ્યમાં નાન્દી, ભરતવાક્ય અને ત્રણ સર્ગ છે. એમાં ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે, સમકાલીન યુરોપમાં પ્રચલિત એવી પ્રયોગાત્મક આવાં-ગાર્દ શૈલી છે. અત્યંત અંગત સંદર્ભો અને ખાનગી મજાકમશ્કરીઓને કારણે એમાં અસહ્ય દુર્બોધતા છે અને એ જ એનું અનિરુદ્ધ આકર્ષણ છે. અર્પણકાવ્યમાં આ દુર્બોધતા અને એની સહેતુકતા સૂચવાય છે. સમાજની અસ્તવ્યસ્તતા અને અવ્યવસ્થા એ આ કાવ્યનો વિષય છે એથી આ દુર્બોધતા એક અર્થમાં સાર્થક પણ છે. એમાં ઑડનનો વિદ્યાર્થી અને શિક્ષક તરીકેનો પબ્લિક સ્કૂલનો અંગત અનુભવ છે. કાવ્યનું ઉપશીર્ષક છે ‘એક અંગ્રેજી અભ્યાસ’ (એન ઇન્ગ્લિશ સ્ટડી). એથી એક અર્થમાં પબ્લિક સ્કૂલમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અભ્યાસ એ આ કાવ્યનો વિષય છે. પણ વધુ સાચા અર્થમાં અંગ્રેજ સમાજનો અભ્યાસ, પબ્લિક સ્કૂલ જેનું સર્જન છે અને જે પબ્લિક સ્કૂલનું સર્જન છે અને ઑડન જેના સભ્ય છે તે ત્રીજા દાયકાના ઇંગ્લંડના સમકાલીન વ્યવસાયી મધ્યમ વર્ગના સમાજનો અભ્યાસ એ આ કાવ્યનો વિષય છે. આ સમાજને અસાધ્ય રોગ થયો છે. એનું કારણ નૈતિક અને આધ્યાત્મિક છે. એનો નાશ થવો ઘટે, નાશ કરવો ઘટે. પણ કાવ્યના કેન્દ્રમાં જે પાત્રો છે, વ્યક્તિઓ છે, ‘વક્તાઓ’ છે તે શિક્ષકો અથવા શિક્ષણકારો છે; તેઓ આ સમાજનો નાશ ઇચ્છે છે; નવા સમાજનું નવવિધાન ઇચ્છે છે; માર્ક્સના અર્થમાં નહિ પણ બ્લેઈક, બૉદલેર અને હોમર લેઇનના અર્થમાં સામાજિક ક્રાંતિ ઇચ્છે છે; ફાસીવાદવિરોધી અને લૉરેન્સવાદવિરોધી નવી શૈક્ષણિક વ્યવસ્થા ઇચ્છે છે પણ મનોમન તેઓ આ જૂનો, જર્જરિત, રોગિષ્ઠ, અનિષ્ટ સમાજ અસ્તિત્વમાં રહે એમ ઇચ્છે છે એ એમની વક્રતા છે, એમની હાસ્યાસ્પદતા છે. એથી આ સૌ પાત્રો માત્ર વક્તાઓ જ છે, વાગ્વીરો જ છે, કર્મવીરો નથી. તેઓ માત્ર વક્તવ્યો જ કરે છે, એમાંથી એકે પાત્ર કાર્ય કરતું નથી, કરી શકે એમ નથી. આ કાવ્યમાં ઑડને એક સ્વપ્નકથા, કલ્પિત-કથા (ફૅન્ટસી) રચી હતી. ઑડને આ કાવ્યના સંદર્ભમાં કહ્યું હતું, ‘એક જ વસ્તુ કરવાની હતી અને તે વિદૂષકિયા બનવું.’ આ કાવ્યમાં રાજકીય પરિમાણ છે, માર્ક્સ અને માર્ક્સવાદનો ઉપયોગ છે; પણ એથીયે વિશેષ તો એમાં મનોવૈજ્ઞાનિક પરિમાણ છે, ફ્રોઇડ અને ફ્રૉઇડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ છે. છતાં કેટલાક વાચક-વિવેચકોએ આ કાવ્યને ત્યારે ‘રાજકીય ઘોષણાપત્ર’ (એ પોલિટિકલ મૅનિફૅસ્ટો) તરીકે ઓળખાવ્યું હતું. કાવ્યના આરંભે જ ઑડને પ્રશ્ન પૂછ્યો છે, ‘What do you think about England, this country of ours where nobody is well?’ ‘શું માનો છો તમે આપણા આ દેશ ઇંગ્લંડ વિશે, જ્યાં કોઈ સાજુંસમું નથી?’ આ પ્રશ્નમાં ચોથા દાયકાના આરંભે ઇંગ્લંડના મધ્યમ વર્ગના અસંખ્ય બુદ્ધિજીવીઓના હૃદયમાં જે પ્રશ્ન હતો એનો પ્રતિધ્વનિ હતો. એથી એમણે આ કાવ્યનું હોંસે હોંસે સ્વાગત કર્યું. ઑડન હવે પછીની એમની કવિતામાં આ પ્રશ્નોનો ઉત્તર આપશે અને એ દ્વારા ‘નૂતન ઇંગ્લંડ’નું સર્જન થશે એવું મહાન આશાભર્યું સ્વપ્ન એમણે હૃદયમાં ધારણ કર્યું. એમણે સમકાલીન ઇંગ્લંડની મરુભૂમિમાંથી એ નન્દનવનના ભાવિ સર્જનહાર તરીકે ઑડનનું ગૌરવ કર્યું. રાજકારણના જગતમાં કાવ્યેતર કારણો અને હેતુઓથી ઑડનનું એક ક્રાન્તિકાર તરીકે સન્માન થયું. આ કાવ્ય સરળ નથી, કિલષ્ટ છે, દુર્બોધ છે. ઑડને ‘સંચિત કવિતા’ (કલેકટેડ પોએટ્રી, ૧૯૪૫)ની પ્રસ્તાવનામાં એને વિશે ‘સારો પણ જીવલેણ રીતે જખમી વિચાર’ (એ ફેર નોશન ફેટલી ઇન્જર્ડ) એવો ઉદ્ગાર પણ કર્યો છે; છતાં એમાં ઑડનની એક મોટા ગજાના કવિ તરીકેની શૈલીનો, સ્વરૂપ અને વસ્તુ-વિષય અંગેની સમગ્ર શક્તિનો પરિચય થાય છે. આ કાવ્ય એના યુગનું સૌથી વધુ પ્રેરક અને પ્રભાવશાળી કાવ્ય છે. જૉન હેવર્ડે તરત જ ૧૯૩૨ના ઑક્ટોબરમાં ‘ધ ક્રાઇટેરિયન’માં એનું અવલોકન કર્યું ઃ “ધ વેસ્ટ લૅન્ડ’ પછીનું અંગ્રેજી કવિતામાં આ સૌથી વધુ મૂલ્યવાન અર્પણ છે એમાં મને શંકા નથી.’ આ કાવ્યનાં લય, છંદ, ભાષા, પ્રતીક, આકાર, અવાજ અને લહેકાને કારણે સમકાલીન કવિઓએ ઑડનનો નેતા તરીકે, નાયક તરીકે પુરસ્કાર કર્યો. જોકે એફ. આર. લીવિસ અને ‘સ્ક્રૂટિની’ના અન્ય વિવેચકોએ ઑડનનો શહીદ તરીકે, ખલનાયક તરીકે તિરસ્કાર પણ કર્યો. આ કાવ્ય અને ‘કાવ્યો’ને કારણે ઑડન અંગ્રેજી કવિતાના ‘પ્રશ્નો પૂછી પૂછીને પજવનાર માથાભારે છોકરડા’ (આંફાં તેરિબ્લ) તરીકે પ્રસિદ્ધ થયા. ‘ઑડનવૃન્દ’ (ઑડન ગ્રુપ) સમકાલીન કવિવૃન્દના આ નામાભિધાન દ્વારા આ ઘટના અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં હવે હંમેશ માટે અંકિત છે. ચોથા દાયકાના આરંભના આ કવિવૃન્દનું શૈશવ પ્રથમ વિશ્વયુદ્ધની કદરૂપતા અને કરુણતાની વચમાં અને એમનું યૌવન યુદ્ધોત્તર સમયના ઇંગ્લંડના મધ્યમવર્ગની અવ્યવસ્થા અને અસ્તવ્યસ્તતાની વચમાં વીત્યું હતું. કાવ્યની શક્તિ દ્વારા આ કદરૂપતા અને કરુણતા તથા આ અવ્યવસ્થા અને અસ્તવ્યસ્તતાને સ્થાને સૌંદર્યનું, સુખનું, નૂતન મનુષ્યનું, નૂતન સમાજનું, ઇતિહાસનું સર્જન કરવું અને એ દ્વારા કાવ્યને અને જીવનને સાર્થક કરવું એ એમનો કવિ તરીકેનો અને મનુષ્ય તરીકેનો ધર્મ છે એવો એમણે અનુભવ કર્યો. આમ, આ કવિઓની અને ઑડનની કવિતા ૧૯૩૩ લગી ઇંગ્લંડ અને ઇંગ્લંડના સમાજમાં સીમિત હતી. ત્યાં ૧૯૩૩માં હિટલર સત્તારૂઢ થયો. ૧૯૩૬માં સ્પેનમાં આંતરવિગ્રહ થયો અને ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ થયું. આ સમયમાં ઑડન અને અન્ય સૌ કવિઓએ આ નવા સંદર્ભમાં કવિતાનું સર્જન કર્યું. ઑડન આ સમયમાં ઉદારમતવાદી હતા, માનવતાવાદી હતા. ઑડન માર્ક્સવાદી ન હતા, સામ્યવાદી પક્ષના સભ્ય ન હતા. એમને કોઈ રાજકીય સિદ્ધાંત ન હતો, એમનો કોઈ રાજકીય પ્રચાર ન હતો. પણ માર્ક્સ અને માર્ક્સવાદ-સામ્યવાદ દ્વારા હિટલર અને ફાસીવાદ-નાઝીવાદનો પરાજય થાય અને તો મનુષ્યજાતિ બીજા વિશ્વયુદ્ધની કરુણતામાંથી બચી જાય એ માટેનો એમણે કવિ તરીકે અને મનુષ્ય તરીકે પુરુષાર્થ કર્યો. એમણે હવે મનોવૈજ્ઞાનિક પરિમાણના જેટલા જ પ્રમાણમાં રાજકીય પરિમાણ સાથેની કવિતાનું સર્જન કર્યું. ઑડને ૧૯૩૨માં નૃત્યકાર-દિગ્દર્શક રૂપર્ટ ડૂન, શાળામિત્ર ચિત્રકાર-ડિઝાઇનર રૉબર્ટ મૅડલી અને અન્ય કલાકાર મિત્રોના સહકારથી લંડનમાં ગ્રુપ થિયેટર સ્થાપ્યું હતું. એ થિયેટર દ્વારા વધુમાં વધુ લોકો સાથે કવિતાનો સંબંધ થાય અને હિટલરવિરોધી ફાસીવાદ-નાઝીવાદવિરોધી ભાવનાઓ અને આદર્શોનું વાતાવરણ રચાય એ હેતુથી ૧૯૩૩થી ૧૯૩૮ લગીમાં ચાર નાટકો રચ્યાં. ફિલ્મ અને સંગીત દ્વાર પણ વધુમાં વધુ લોકો સાથે કવિતાનો સંબંધ થાય એ હેતુથી ૧૯૩૫થી ૧૯૩૭ લગી સંગીતકાર બૅન્ઝામિન બ્રિટનના સહકારથી જી. પી. ઓ. ફિલ્મ યુનિટમાં ‘કોલસાળો ચહેરો’ (કોલ-ફેઈસ), ‘રાતની ટપાલટ્રેન’ (નાઇટ મેલ) આદિ દસ્તાવેજી ચિત્રો માટે કાવ્યો રચ્યાં અને ગીતસંગીત સમારંભો માટે અનેક શૈલીઓ અને સ્વરૂપોમાં ગીતો રચ્યાં. ઑડન રૉબર્ટ બર્ન્સ, હાઈન, રવીન્દ્રનાથ આદિ ગીતસર્જકો જેવા જગતના એક મહાન ગીતસર્જક છે. શાળાઓમાં વિદ્યાર્થી તરીકે અને શિક્ષક તરીકે કંઠ્યસંગીતમાં ભાગ ભજવ્યો હતો, વાદ્યસંગીતની, પિયાનોવાદનની પણ સિદ્ધિ હતી. ઑક્સફર્ડમાં સી. ડે લુઈસ સાથે સંગીતનો આનંદ માણ્યો હતો. કંઠ્ય અને વાદ્યસંગીત એ એમના એકાન્તની પણ પ્રિય આનંદપ્રવૃત્તિ હતી. હિટલર અને ફાસીવાદીઓ-નાઝીવાદીઓના અમાનુષી અત્યાચારોને કારણે અસંખ્ય સ્ત્રી, પુરુષ, બાળકો નિર્વાસિત થયાં હતાં એમની કરુણતા વિશે અપાર કરુણાથી કાવ્યો રચ્યાં; એટલું જ નહિ પણ ટૉમસ માન અને એમની પુત્રી ઍરિકા માનને સ્વદેશત્યાગમાં સહાય કરવા ઍરિકા માન સાથે ‘લગ્ન’ કર્યું અને એમ એમનો નિર્વાસિતો પ્રત્યેનો સક્રિય પ્રેમ એમણે પ્રગટ કર્યો. ૧૯૩૬માં લુઈ મૅકનિસ સાથે આઈસલૅન્ડનો પ્રવાસ કર્યો અને ઇંગ્લંડ અને યુરોપનું સહેજ દૂરથી દર્શન કર્યું. ૧૯૩૬માં સ્પેનમાં આંતરવિગ્રહ થયો એથી ૧૯૩૭માં સ્પેનનો પ્રવાસ કર્યો. ૧૯૩૮માં વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાના સમયે ચીન અને જપાન વચ્ચે સ્થાનિક યુદ્ધ થયું ત્યારે ઇશરવૂડની સાથે ચીનનો પ્રવાસ કર્યો. ૧૯૩૩માં ઑડને ઇશરવૂડના સહકારમાં ‘યમનૃત્ય’ (ધ ડાન્સ ઑફ ડેથ) પદ્યનાટક રચ્યું અને ભજવ્યું. ‘વક્તાઓ’ના વસ્તુ સાથે એના વસ્તુનું સામ્ય છે. એના કેન્દ્રમાં નૃત્યકાર મૃત્યુનું, મધ્યમવર્ગની મૃત્યુ-ઇચ્છાનું પાત્ર છે. એની શૈલી પર મ્યુઝિક-હૉલ, પેન્ટોમાઇમ, બૅલે, જાઝ આદિની તથા એલિયટની ‘સ્વીની ક્રીડાવીર’ (સ્વીની એગોનિસ્ટિસ)ની અસર છે. ‘વક્તાઓ’ કાવ્ય જેટલું સંકુલ, અતિસંકુલ છે એટલું આ નાટક સરલ, અતિસરલ છે, એમાં બોધ અને રાજકીય પરિમાણ છે. નાટકને અંતે માર્ક્સને પાત્ર તરીકે રંગમંચ પર રજૂ કરવામાં આવ્યા છે. ૧૯૩૫માં ઑડને ઇશરવૂડના સહકારમાં ‘શ્વાનના વેશમાં’ રચ્યું અને ભજવ્યું. એમાં ‘શ્વાન’ એ શોષિતો (અંડરડૉગ)નું પ્રતીક છે. નાટકમાં ઇંગ્લંડના સમાજ પર ઉત્સાહપૂર્વકનો ભારે કટાક્ષ છે. નાટકને અંતે ફાસીવાદીઓ અને અન્ય પાત્રોને પશુઓનાં મહોરાં સાથે રંગમંચ પર રજૂ કરવામાં આવ્યાં છે. અનેક પ્રકારનાં ગીતો–લિટર્જિકલ ચૅન્ટ, વાગ્નરના ઓપેરિટિક ડ્યુએટ અને લોકપ્રિય ગીતો — જર્નાલિસ્ટિક, કાબારે — ની અનેક પ્રતિકૃતિઓને કારણે એની શૈલી પર મ્યુઝિકલ કૉમેડીની અસર છે. ૧૯૩૬માં ઑડને ઈશરવૂડના સહકારમાં ‘ઍફ છ પર આરોહણ’ (ધ ઍસેન્ટ ઑફ ઍફ સિક્સ) પદ્યનાટક રચ્યું અને ભજવ્યું. આ નાટક એમણે એમના મોટા ભાઈ જૉન બ્રિકનેલ ઑડન (જે મોટા પર્વતારોહક છે, વારંવાર ભારત આવે છે અને જેમણે ભારતીય સન્નારી શીલા સાથે લગ્ન કર્યું છે તે)ને અર્પણ કર્યું છે. આ નાટકમાં સંગીત અલ્પ છે. એનું વસ્તુ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક છે. આ નાટક પરંપરાગત નાટકની નિકટ છે. આ જ વર્ષમાં ઑડનનો ‘જો, અજાણ્યા અતિથિ!’ (લુક, સ્ટ્રેઇન્જર!) — જેનું અમેરિકન આવૃત્તિમાં ‘આ ટાપુ પર’ (ઑન ધિસ આયલન્ડ) શીર્ષક છે — કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ઑડને આ કાવ્યસંગ્રહ એમનાં ‘પત્ની’ ઍરિકા માન ઑડનને અર્પણ કર્યો છે. (નાઝીઓ ટૉમસ માન અને ઍરિકાનું જર્મન નાગરિકત્વ રદ કરે ત્યારે એમને જર્મનીનો ત્યાગ કરવો હોય તો એમની પાસે પાસપોર્ટ હોવો જોઈએ. એમની પાસે અન્ય દેશનું નાગરિકત્વ હોય તો એ દેશનો પાસપોર્ટ પ્રાપ્ત થાય. એમને ઇંગ્લંડનું નાગરિકત્વ પ્રાપ્ત થાય એ હેતુથી ઑડને ઍરિકા સાથે ‘લગ્ન’ — નામનું, સગવડનું લગ્ન, ‘મૅરેજ ઑફ કન્વિનિઅન્સ’ — કર્યું હતું. ઍરિકા લગ્ન માટે નેધરલૅન્ડ્ઝથી ઇગ્લંડ આવ્યાં ત્યારે ટ્રેનમાંથી ઊતર્યાં તે ક્ષણે પ્લેટફોર્મ પર ઑડને પ્રથમ વાર ઍરિકાનું દર્શન કર્યું હતું. વિધિ પછી તરત જ ઍરિકા નેધરલૅન્ડ્ઝ પાછાં ગયાં હતાં. જીવનભર બન્ને દૂરથી પતિ-પત્ની પણ નિકટનાં સાચાં મિત્રો રહ્યાં હતાં. ૧૯૬૯ના સપ્ટેમ્બરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ઍરિકાનું અવસાન થયું.) એમાં ૩૨ કાવ્યો છે. એમાં ઇતિહાસ અને ભૂગોળના વ્યાપક સંદર્ભમાં વર્તમાન કટોકટીની ક્ષણે ઇંગ્લંડનું ચિત્ર છે. ઇંગ્લંડ માત્ર ભૌતિક જ નહિ પણ પ્રતીકાત્મક ટાપુ પણ છે. આ પ્રતીકને કારણે પલાયનવૃત્તિ, સ્વ-અર્થી એકાન્ત, ધર્મ, રોમેન્ટિક પ્રેમ, માર્ક્સવાદ એ આ કાવ્યોનું વસ્તુ છે. પ્રેમ કરવાની અશક્તિને કારણે અંગત અને સામાજિક અનિષ્ટો જન્મે છે એ પ્રકારનું માર્ક્સવાદથી ભિન્ન એવું એમાં વિશ્લેષણ છે. પ્રત્યેક કાવ્યમાં વૈર ભૂલો અને પ્રેમ ભણો એવું સૂચન છે. સમગ્ર સંગ્રહમાં ઘેરી નિરાશા છે, એથી આ સંગ્રહની એકતા સિદ્ધ થાય છે. ઑડનનું સ્પેનના આંતરવિગ્રહના ‘મહાન કાવ્યમય સ્મારક’રૂપ સ્તોત્રકાવ્ય ‘સ્પેન’ ૧૯૩૭માં પ્રગટ થયું. ગઈ કાલ તો ગઈ, હવે બહુ દૂર છે; આવતી કાલ, કદાચ, કોને ખબર છે? શું?; આજે, આ ક્ષણે છે માત્ર સંઘર્ષ, બસ સંઘર્ષ અને એ માટેની તત્કાલ પસંદગીનો પડકાર જેમાં છે તે આ કાવ્ય યુદ્ધના આહ્વાન જેવું છે. આ કાવ્યનો પુરસ્કાર ઑડને સ્પેનમાં તબીબી રાહત માટે અર્પણ કર્યો હતો. ૧૯૩૭માં ઑડનને એમની કવિ તરીકેની સિદ્ધિઓ અને સેવાઓના સ્વીકાર-પુરસ્કાર રૂપે કવિતા માટેનો ‘રાજાનો સુવર્ણચન્દ્રક’ (કિંગ્ઝ ગોલ્ડ મૅડલ) અર્પણ થયો. ૧૯૩૭માં ઑડનનો લુઈ મૅકનીસના સહકારમાં ‘આઇસલૅન્ડથી પત્રો’ — પ્રવાસગ્રંથ પ્રગટ થયો. ઑડને આ ગ્રંથ એમના પિતાને અર્પણ કર્યો છે. એમાં આશાવાદ ભલે ન હોય પણ ‘જો, અજાણ્યા અતિથિ!’ના વિરોધમાં ઉત્સાહ અને ચેતન છે. એમાં આઇસલૅન્ડ વિશે અને વિશેષ તો બન્ને લેખકો વિશે વિચિત્ર અને ભારે રમૂજી માહિતી છે. એમાં ‘ચોથા દાયકાનું સ્વપ્ન’ (થર્ટિઝ ડ્રીમ), વર્તમાન જીવન અને સાહિત્ય કેન્દ્રમાં છે. એથી વારંવાર આઇસલૅન્ડ અને યુરોપ વચ્ચેનું સામ્ય અને અસામ્ય પ્રગટ થાય છે. એમાં ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે. પુસ્તકની પરાકાષ્ઠા છે ‘લૉર્ડ બાયરનને પત્રો’ આ ચાર પત્રોમાં ઑડનની ‘હળવી કવિતા’ (લાઇટ વર્સ)ની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ૧૯૩૮માં ઑડનનો ઇશરવૂડના સહકારમાં ‘યુદ્ધયાત્રા’ (ધ જર્ની ટુ એ વૉર) પ્રવાસગ્રંથ પ્રગટ થયો. ઑડને આ ગ્રંથ ઈ. એમ. ફૉર્સ્ટરને અર્પણ કર્યો છે. ‘આઇસલૅન્ડથી પત્રો’ જેવો જ આ પ્રવાસગ્રંથ છે. દરમ્યાનમાં સ્પેનિશ આંતરવિગ્રહમાં ફાસીવાદવિરોધી પક્ષનો પરાજય થયો હતો, લોક-મોરચો (પૉપ્યુલર ફ્રન્ટ) નિષ્ફળ ગયો હતો અને વિશ્વયુદ્ધ હવે નિશ્ચિત હતું. એથી એમાં યુરોપની રાજકીય પરિસ્થિતિ વિશે ઘેરો નિરાશાવાદ છે. આ સૌ પરાજયો અને નિષ્ફળતાનું કારણ મનુષ્યની મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની અશક્તિ છે એવું માનવતાવાદનું દર્શન છે. ૧૯૩૮માં ઑડને ઇશરવૂડના સહકારમાં ‘સરહદ પર’ (ઑન ધ ફ્રન્ટિયર) છેલ્લું પદ્યનાટક રચ્યું અને ભજવ્યું. ઑડને આ નાટક બૅન્ઝામિન બ્રિટનને અર્પણ કર્યું છે. એમાં સંગીત નહિવત્ છે. આ નાટક પરંપરાગત નાટકની સૌથી નિકટ છે. એમાં ફાસીવાદ અને યુદ્ધની વિરુદ્ધ નર્યો પ્રચાર છે. આ નાટક એ ઑડનની રંગભૂમિને વિદાય છે. હવે પછી ઑડન અમેરિકામાં ‘સંગીતનાટક’ — ઑપેરા લિબ્રેત્તિનો આરંભ કરે છે. અને છતાં ૧૯૩૭માં સ્પેનિશ આંતરવિગ્રહમાં લૉયાલિસ્ટ — લોકશાહીપક્ષનો પરાજય થયો…અને છતાં ૧૯૩૮માં મ્યુનિચનો કરાર થયો. …અને છતાં હિટલરે ૧૯૩૯ના સપ્ટેમ્બરની ૧લીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું. ઑડન અને અન્ય અનેક કવિઓએ અનેક ગંભીર ચેતવણીરૂપ કવિતા, નાટક આદિ અનેક પ્રકારે સતત પુરુષાર્થ કર્યો હતો. છતાં હિટલરને ટાળી શકાય, ફાસીવાદ-નાઝીવાદને ખાળી શકાય એટલા પ્રમાણમાં ઇંગ્લંડમાં વિરોધનું વાતાવરણ અને વર્તન ન થયું. ઊલટાનો મ્યુનિચનો કરાર થયો. ઇંગ્લંડે, એ અર્થમાં, હિટલર અને ફાસીવાદ — નાઝીવાદ સાથે સમાધાન કર્યું અને આ કવિતા, નાટક આદિનો દ્રોહ તથા એમાં જે આદર્શો અને ભાવનાઓનો જે હેતુ હતો એનો હ્રાસ થયા જેવું; દંભ, જૂઠ, અધમતા અને અપ્રામાણિકતાનું આચરણ કર્યા જેવું થયું. એથી ઑડને આ દાયકાના મૃત્યુલેખ જેવા એમના પ્રસિદ્ધ કાવ્ય ‘સપ્ટેમ્બર ૧, ૧૯૩૯’માં આ દાયકાને ‘અધમ, અપ્રામાણિક દાયકો’ (એ લો ડિઝઑનેસ્ટ ડીકેઇડ) કહ્યો, ઑડને એમની હિટલર-વિરોધી, ફાસીવાદી-નાઝીવાદવિરોધી કવિતાની પરાકાષ્ઠા જેવા એમના પ્રસિદ્ધ કાવ્ય ‘સ્પેન’માં ‘આજે તો સંઘર્ષ જ’ (ટુ-ડે ધ સ્ટ્રગલ) એવું કર્મનું આહ્વાન આપ્યું હતું. કંઈક કરી છૂટવું જોઈએ. કંઈક કરી છૂટવા એ સ્પેનમાં પણ ગયા. ગયા હતા ઍમ્બ્યુલન્સ કોરમાં વૉલંટિયર તરીકે, સ્ટ્રેચર-બૅરર તરીકે. પણ એકેય સ્ટ્રેચર ઉપાડી હોય એવો ક્યાંય ઉલ્લેખ નથી. પોતે ત્યાં શું કર્યું એ વિશે એમણે ક્યાંય, ક્યારેય, કશુંય કહ્યું કે લખ્યું નથી. માત્ર પછીથી એમણે પ્રાયશ્ચિત રૂપે ‘સ્પેન’ કાવ્ય અપ્રમાણિક છે એમ કહીને રદ કર્યું. કોઈ કહે છે એ માદ્રિદ જવાને બદલે ખચ્ચર પર બેસીને ક્યાંક પ્રવાસે ચાલ્યા ગયા હતા. કોઈ કહે છે એ ક્યાંક પિંગ્પૉન્ગ રમવા ચાલ્યા ગયા હતા. સત્ય તો એ છે કે એ નિર્ભ્રાન્ત થયા હતા. ઇંગ્લંડ, ફ્રૉઇડ, ફ્રૉઇડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, માર્ક્સ, માર્ક્સવાદ સૌ વિશે એ ધરાર નિર્ભ્રાન્ત થયા હતા. આ વિશે એમણે અનેક વાર કહ્યું-લખ્યું છે, ‘મારા ઇતિહાસમાં કેટલીક એવી વસ્તુઓ છે જે મને મૂંઝવે છે. હું એમને પાછી ખેંચી લેતો નથી કે નકારતો નથી — ફાસિઝમ વિશે મેં જે વસ્તુઓ લખી, વગેરે. પણ મને જે મૂંઝવે છે તે આ સવાલ ઃ ‘લાભ કોને થયો?’ અને એનો જવાબ છે ઃ મને. એ કાવ્યોએ ન તો એકે યહૂદીને હિટલરના નરકમાંથી બચાવ્યો કે ન તો યુદ્ધ વિશેની એકે વસ્તુને બદલી. ત્યારથી રાજકારણ સાથે ગંઠાયેલા લખાણના મૂલ્ય વિશે મને ભારે વહેમ છે. ડૅન્ટિ અને શેક્સ્પિયર અને મોત્સાર્ટ ન થયા હોત અને યુરોપનો જેવો ઇતિહાસ હોત તેવો જ આજે યુરોપનો ઇતિહાસ છે… એમ કહું કે મને ભારે ડંખ છે. મને કવિ તરીકે કીર્તિ મળી પણ ફાસીવાદ તો વધતો જ ચાલ્યો. અને મેં જે ફેરફારો પર નિશાન તાક્યું હતું એમાંથી એકે ફેરફાર થયો નહિ… તમે હિટલરવિરોધી કાવ્ય લખી શકો પણ તમે હિટલરને રોકી ન શકો.’ આમ, ઑડનને ચોથા દાયકાના અંત લગીમાં ફ્રૉઈડના વ્યક્તિવિષયક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોની વિકૃતિનું હિટલરમાં અને માર્ક્સના સમાજ-રાજ્યવિષયક વિચારોની વિકૃતિનું જર્મનીના ‘થર્ડ રાઈશ’માં અને રશિયાના સમાજવાદ-સામ્યવાદમાં દર્શન થયું. ફ્રૉઇડ અને માર્ક્સનાં સત્યો અર્ધસત્યો છે; એથી એ અપૂરતાં છે, અધૂરાં છે. પૂર્ણ સત્ય છે ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી ધર્મનું ઈશ્વરશાસ્ત્ર — એ હવે ઑડનની પ્રતીતિ હતી. આ સમયમાં ઑડનને ત્રણ માર્મિક અનુભવો થયા. ૧૯૩૭માં બાર્સીલોનામાં એક દેવળમાં ગયા ત્યાં સમાજવાદી-સામ્યવાદીઓએ નિર્દોષ પાદરીઓનો, તેઓ પાદરીઓ હતા, ધર્મમાં એમને શ્રદ્ધા હતી એ કારણે જ નાશ કર્યો હતો એવું એમણે જાણ્યું ત્યારે ભારે આઘાત થયો. ૧૯૩૮માં એક કાવ્યસંચયની પૂર્વતૈયારી રૂપે લંડનમાં એક પ્રકાશકની કચેરીમાં ચાર્લ્સ વિલિયમ્સનું મિલન થયું. આ ભગવાનના માણસની હાજરી, એમનું હોવું માત્ર એ જ એક મહાન ધાર્મિક અનુભવ હતો. આ મિલનની ક્ષણ એ ઑડનના ધર્મ-પરિવર્તનની ક્ષણ હતી. ભગવાનનો માણસ, સાચો ખ્રિસ્તી કેવો હોય, શું હોય એનો એમને આ ક્ષણે સાક્ષાત્કાર થયો. ૧૯૩૯માં ન્યૂયૉર્કમાં યુદ્ધવિષયક ‘પોલૅંડને ઘેરો’ (સીજ ઈન પોલૅંડ) જોવા ગયા ત્યારે પ્રેક્ષકોમાંથી સામાન્ય અને નિર્દોષ કહેવાય એવા કેટલાક જર્મનો ‘પોલ લોકોને મારી નાંખો’ (કિલ ધ પોલ્સ) એવી બૂમો પાડતા હતા એથી ભારે આંચકો અનુભવ્યો. હિટલરના અનુભવ ઉપરાંત આ ત્રણ અનુભવોથી એમને સમજાયું કે ‘અંતરાત્મા’ને અથવા ‘સદ્ભાવ’ને આધારે નીતિનું જીવન જીવવું અશક્ય છે. એક માત્ર ધર્મ અને ધર્મશાસ્ત્ર, પરમેશ્વર અને ઈશ્વરશાસ્ત્રને આધારે જ નીતિનું જીવન જીવવું શક્ય છે. ઑડને એમના આ ધર્મપરિવર્તનનો ઇતિહાસ જેમ્સ એ. પાઈક-સંપાદિત ‘કૅન્ટરબરીના આધુનિક યાત્રિકો’ (મૉડર્ન કૅન્ટરબરી પિલગ્રિમ્સ, ૧૯૫૬)માં એક લેખમાં આપ્યો છે. કુટુંબીજનોમાં ધર્મ હતો, માતામાં સવિશેષ હતો. નાનપણમાં ‘બોટ-બૉય’ હતા. ઑક્સફર્ડમાં ક્યારેક પાદરી જેવો પહેરવેશ હતો, ક્યારેક પાદરી જેવો ‘પાઠ’ હતો એથી ‘પાગલ પાદરી’ (લ્યુનેટિક કલર્જીમન)ની એમની ખ્યાતિ હતી. વિદ્યાર્થી તરીકે, શિક્ષક તરીકે ક્યારેક જાહેરમાં અને સદાય એકાન્તમાં ધર્મનું સંગીત એમની પ્રિય પ્રવૃત્તિ હતી. કવિતામાં અને નાટકમાં ધર્મ પ્રસુપ્ત રૂપે હતો. આમ, ધર્મ ઑડનના લોહીમાં વણાયો હતો. અંતે એ વિજ્ઞાન-મનોવિજ્ઞાન — રાજકારણને માર્ગે ધર્મમાં ઠર્યા. ઑડન જ્યારે ઇશરવૂડની સાથે ચીન ગયા ત્યારે અમેરિકાને માર્ગે ગયા અને આવ્યા હતા. પાછા આવતાં બન્નેએ અમેરિકામાં વસવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ૧૯૩૯માં જાન્યુઆરીની ૧૮મીએ ઇંગ્લંડનો ત્યાગ કર્યો અને અમેરિકામાં વસ્યા. ઑડને સમાજવાદ અને સામ્યવાદનો સ્વીકાર ન કર્યો તે ન કર્યો. પણ હવે ઉદારમતવાદ અને માનવતાવાદનો પણ અસ્વીકાર કર્યો અને ધર્મનો સ્વીકાર કર્યો. એટલું ઓછું હોય તેમ ઇંગ્લંડનો પણ ત્યાગ કર્યો. એથી અસંખ્ય લોકોને આંચકો લાગ્યો. એમને ‘ભાગેડુ’, ‘પક્ષપલટુ’, ‘પલાયનવાદી’, ‘નષ્ટ નેતા’ કહ્યા. ઑડને પછીથી માર્મિકતાથી કહ્યું હતું, ‘મને બસ એમ લાગ્યું કે મારે નીકળી જવું જોઈએ. હું મારા કુટુંબને — એટલે કે અંગ્રેજોને — બહુ ચાહું છું પણ મારે એમની સાથે રહેવું નહોતું. આ આંધળો નિર્ણય હતો પણ સાચો નિર્ણય હતો. વિચિત્ર છે પણ હવે હું ક્યારેય ન હતો એટલો બ્રિટિશ છું એમ મને લાગે છે.’ સો ટકા અમેરિકન એવા પ્રસિદ્ધ વિવેચક એડમન્ડ વિલ્સને ઑડનના અંગ્રેજપણાને પ્રમાણપત્ર આપ્યું છે, ‘મહાન અંગ્રેજ કવિ જે — અત્યંત દુન્યવી અર્થમાં, વાચ્યાર્થમાં — જગતના મહાન અંગ્રેજોમાંના પણ એક છે.’ એમણે એટલી જ માર્મિકતાથી એમ પણ કહ્યું હતું ઃ ‘અને ન્યૂયૉર્ક બહુ ભયંકર છે, પણ લંડન જેવું ગામઠી નથી. હું સ્ટેટ્સ આવ્યો ત્યાં લગી સાચે જ કામ કરતાં શીખ્યો ન હતો. ઇંગ્લંડના બધા જ વર્ગોમાં ઘર ઘાલી ગયેલા દુર્ગુણોમાંનો એક છે આળસ. મને નવાઈ લાગે છે, શાથી? કદાચને એમણે ૧૯મી સદીમાં બહુ કામ કર્યું અને ધરમૂળથી થાકી ગયા.’ એમણે એક મુલાકાતમાં પોતાને અમેરિકાનું આકર્ષણ થવાનું કારણ કહ્યું હતું, ‘…એની મોકળાશ, અને પરંપરાનો અભાવ…ભૂતકાળ નહિ. પરંપરા નહિ. મૂળિયાં નહિ. એકલતા ઑડનની સમગ્ર કવિતાનો એક મુખ્ય વિષય છે. અમેરિકામાં પણ એ ન્યૂયૉર્કમાં સૅકન્ડ ઍવન્યૂ પાસે સેન્ટ માર્ક્સ પ્લેસમાં એક ઍપાર્ટમેન્ટમાં વસ્યા. નાઈબૂર જેવા જૂજ મિત્રોને મળવું, દિવસે ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ધાતુશાસ્ત્રનું વાચન કરવું, રાત્રે ટૉલ્કીએનનું સંપાદન અને સેન્ટ્સબરીનો ઇતિહાસ — બસ આ બેનું વાચન કરવું, ઘરમાં બિલાડીનો ને બહાર ઑપેરાનો ભારે શોખ, અવ્યવસ્થિત પુસ્તકો અને ધરવખરીની વચ્ચે વ્યવસ્થિત કાવ્યો…આ હતું ઑડનનું આરંભનું અમેરિકન જીવન. ૧૯૪૬માં ઑડને ઇંગ્લંડના નાગરિકત્વનો ત્યાગ કર્યો અને અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. અમેરિકામાં અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપકપદે નિયુક્ત થયા. અનેક સાહિત્યિક સંસ્થાઓમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું. અનેક શ્રોતાવૃન્દો સમક્ષ વર્ષો લગી અનેક વાર કાવ્યવાચન કર્યું. અન્ય લેખકો સાથે સામયિકોનું સંપાદન કર્યું. ૧૯૭૦માં એમની વાર્ષિક આવક ત્રીસ હજાર ડૉલર હતી. ઑડને અમેરિકામાં આરંભમાં જ જે દિવસે હિટલરે પોલૅન્ડ પર આક્રમણ કર્યું તે દિવસે આ સદીના ચોથા દાયકા પર, એ ‘અધમ અપ્રામાણિક દાયકા’ (એ લો ડિઝઑનેસ્ટ ડીકેઇડ) પર મૃત્યુલેખ સમું, કરુણપ્રશસ્તિ સમું કાવ્ય ‘સપ્ટેમ્બર ૧, ૧૯૩૯’ રચ્યું. એના ૮મા શ્લોકમાં એમણે બે અસત્યોનો અસ્વીકાર કર્યો ઃ ‘All I have is a voice 
To undo the folded lie, 
The romantic lie in the brain 
Of the sensual man-in-the-street 
And the lie of Authority…’ એમાંનું એક અસત્ય તે કામી મનુષ્યના મનનું રોમેન્ટિક અસત્ય, જેનો કાવ્યના ૬ઠ્ઠા શ્લોકમાં ઑડને વિગતે ઉલ્લેખ કર્યો છે ઃ ‘…the error bred in the bone 
Of each woman and each man 
Craves what it cannot have, 
Not uni-versal love 
But to be loved alone.’ આ અસત્ય તે પ્રત્યેક સ્ત્રી અને પ્રત્યેક પુરુષના અસ્થિમાં જે દોષ જન્મે છે તે દોષ, જે ઇચ્છા કદી પરિપૂર્ણ થાય નહિ તે ઇચ્છા, વિશ્વપ્રેમ નહિ પણ સ્વ-અર્થી પ્રેમ, સ્વપ્રેમ; કાવ્યના અંતિમ ૯મા શ્લોકમાં ઑડન જેને ‘ઇરોસ’ કહે છે. આમ, ઑડને ફ્રૉઈડની અપૂર્ણતાનું દર્શન કર્યું. એમાંનું બીજું અસત્ય તે સત્તા, કાવ્યના ૪થા શ્લોકમાં ઑડન જેને ‘સમૂહમાનવ’ (કલૅક્ટિવ મૅન) કહે છે. આમ, ઑડને માર્ક્સની અપૂર્ણતાનું દર્શન કર્યું. ફ્રૉઈડના સિદ્ધાન્તની વિકૃતિ એટલે હિટલર, જર્મન પ્રજા, જર્મન રાઈશ. પોતે સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વોપરી. અન્ય સૌ નિકૃષ્ટ, અધમ, નીચ. એમને તે કંઈ પ્રેમ કરવાનો હોય? માર્ક્સના સિદ્ધાન્તની વિકૃતિ એટલે સ્ટાલિન, રશિયન પ્રજા, રશિયન સોવિયેટ રાજ્ય. આવતી કાલે ન્યાય અને સમાનતાના સમાજવાદી-સામ્યવાદી સમાજનું, જેમાં એક મનુષ્ય માટે અન્ય મનુષ્યને, એના પડોશીને પ્રેમ કરવો અનિવાર્ય હોય, સહજસરલ હોય, એ સમાજનું સર્જન કરવું હોય તો આજે કેટલાક મનુષ્ય પ્રત્યે, કેટલાક પડોશીઓ પ્રત્યે વૈર અને હિંસાનું આચરણ કરવું અનિવાર્ય છે. ઑડને આ સ્વપ્રેમ અને સત્તાના અસત્યનો અસ્વીકાર કર્યો. આમ, ઑડને ઉદારમતવાદી-માનવતાવાદી પ્રેમની, ઇરોસની, માનુષી પ્રેમ (સેક્યુલર લવ)ની અપૂર્ણતાનું દર્શન કર્યું. અને કાવ્યના ૮મા શ્લોકની અંતિમ પંક્તિમાં ‘દિવ્ય પ્રેમ’ (ઍગેપી, ડિવાઈન લવ)માં, ‘ખ્રિસ્તી પ્રેમ’ (ક્રિશ્ચિયન લવ)માં હવે પછી પોતાની શ્રદ્ધાનું બુલંદ ઉચ્ચારણ કર્યું ઃ ‘We must love one another or die.’ ઑડને પછીથી આ પંક્તિમાં એનું પાઠાન્તર કર્યું ઃ ‘We must love one another and die.’ પછીથી જેમાં આ પંક્તિ છે તે શ્લોક રદ કર્યો, પછીથી આખું કાવ્ય રદ કર્યું. આ સમગ્ર પ્રક્રિયા પર એક સ્વતંત્ર લેખ થાય. કવિતા એ જાદુ નથી. વાચકને વટલાવવાની વટાળપ્રવૃત્તિ નથી. કવિતા એ ઉપદેશ નથી, પ્રચાર નથી, કાર્યક્રમ નથી એવા કવિતા વિશેના ઑડનના વિચારોના સંદર્ભમાં ઑડનનું આ વર્તન સમજી શકાય એટલું સૂચન માત્ર કરીને અહીં સંતોષ માનવો જોઈએ. આ પંક્તિ ઑડને આમ, પછીથી, ભલે રદ કરી પણ એ ઑડનના જીવન અને કવનના રહસ્ય સમી પંક્તિ છે. અમેરિકામાં આરંભમાં જ ઑડને સતત કિર્કેગાર્ડનું વાચન કર્યું અને વારંવાર નાઈબૂરનું સાન્નિધ્ય અનુભવ્યું. દેવળમાં જવાનો આરંભ કર્યો અને અંતે ઑડન ઍન્ગ્લો-કૅથલિક થયા. ૧૯૩૯ પછી ઑડનની કવિતામાં તથા એમના ગદ્યમાં અને સંવાદોમાં સૂચક શબ્દો છે ઃ ‘પસંદગી’, ‘નાગરિકતા’, ‘વ્યવસ્થા’ અને ‘ન્યાયી નગરી’ (ચોઇસ, સિવિલિટી, ઓર્ડર, જસ્ટ સિટી). પસંદગી મનુષ્ય માટે અનિવાર્ય છે. ઑડનની ખ્રિસ્તી ધર્મમાં જે શ્રદ્ધા (ઍકિઝસ્ટેન્શિયલ ક્રિશ્ચિયન બિલીફ) છે એમાં પસંદગી કરવાની જવાબદારી — ચિંતા મનુષ્યને માથે છે, પસંદગી એ મનુષ્યની અનિવાર્યતા, ‘જરૂરિયાત’ (નૅસૅસિટી) છે. શું પસંદ કરવું? સારું કે નરસું? સાચું કે ખોટું? એમાં મનુષ્યને ‘સ્વતંત્રતા’ (ફ્રીડમ) છે. એક સંવાદમાં ઑડને કહ્યું હતું, ‘પસંદગી શક્ય છે તે પ્રત્યેકે જોવું જોઈએ. હું વ્યક્તિગત નરકમાં માનું છું. પણ હું નરકમાં ન જવાનું પસંદ કરી શકું છું, જેમ દારૂડિયો દારૂડિયા ન થવાનું પસંદ કરી શકે છે તેમ. ઓડન સૂચવે છે કે સારી અને સાચી પસંદગી મનુષ્ય પરમેશ્વરની કરુણાથી, ઈશ્વરશાસ્ત્રની સહાયથી કરી શકે છે. આ પસંદગી વૈજ્ઞાનિક, રાજકીય કે સામાજિક પસંદગી નથી. આ પસંદગી નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પસંદગી છે. આ પસંદગી સારા-નરસા વચ્ચે, સાચા અને ખોટા વચ્ચે, અંતે ‘ઇરોસ’ સ્વપ્રેમ, સ્વ-અર્થી પ્રેમ, માનુષી પ્રેમ અને ‘ઍગેપી’ નિ:સ્વ-અર્થી પ્રેમ, દિવ્ય પ્રેમ, પ્રભુપ્રેમ વચ્ચે છે. મનુષ્ય સારી અને સાચી અથવા નરસી અને ખોટી પસંદગી કરી શકે છે એ એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ છે. મનુષ્યમાં ‘ઇરોસ’ છે, અહમ્ છે, મોહ છે. એથી એ નરસી અને ખોટી પસંદગી પણ કરી શકે છે. માત્ર ‘અંતરાત્મા’ને કે ‘સદ્-ભાવ’ને આધારે સારી અને સાચી પસંદગી કરવી શક્ય નથી. એ ઑડનને બાર્સીલોનાના દેવળમાં અને ન્યૂયૉર્કના છબીઘરમાં અંગત અનુભવથી સમજાયું હતું. ધર્મ અને ધર્મશાસ્ત્ર, પરમેશ્વર અને ઈશ્વરશાસ્ત્રને આધારે જ સારી અને સાચી પસંદગી કરવી શક્ય છે. ‘ઇરોસ’ એ નરસી અને ખોટી પસંદગી છે, એ ઑડનને આખા દાયકાના અંગત અનુભવથી સમજાયું હતું. ‘ઍગેપી’ એ સારી અને સાચી પસંદગી છે. ‘ઇરોસ’માં મોહ છે, પામવાની ઇચ્છા છે. ‘ઍગેપી’માં ત્યાગ છે, આપવાની ઇચ્છા છે. મનુષ્ય જો ‘ઇરોસ’ની પસંદગી કરે તો એમાંથી બળને આધારે અનાગરિકતા, અવ્યવસ્થાનું સર્જન થાય અને અંતે ‘માનુષી નગરી’ (સિવિટાસ ટેરેના, અર્થલી સિટી)નું સર્જન થાય. મનુષ્ય જો ‘ઍગેપી’ની પસંદગી કરે તો એમાંથી મુક્તિને આધારે નાગરિકતા, વ્યવસ્થાનું સર્જન થાય અને અંતે ‘દિવ્ય નગરી’, ‘ન્યાયી નગરી’ (સિવિટાસ ડીઈ, હૅવન્લી સિટી, જસ્ટ સિટી)નું સર્જન થાય. મનુષ્ય ‘ઍગેપી’ની પસંદગી કરે તો એને માટે પ્રભુપ્રેમ શક્ય છે. પ્રભુ પ્રત્યે પ્રેમ એટલે ‘ભક્તિ, સંપૂર્ણ શરણાગતિ, પ્રભુની આજ્ઞાનું પાલન, અને પ્રભુની આજ્ઞા એટલે ‘પડોશીને પ્રેમ કર!’ (લવ ધાય નેબર). કારણ કે પડોશી પ્રત્યે પ્રેમ એટલે જ પ્રભુ પ્રત્યે પ્રેમ. જે સાકાર પડોશીને પ્રેમ કરી શકે નહિ તે નિરાકાર પરમેશ્વરને પ્રેમ કરે છે એવી પ્રતીતિ થાય? એટલે જ બાઇબલમાં જિસસ વારંવાર કહે છે, ‘પરિવર્તન કર!’ (ચેઇન્જ) એટલે કે સારી અને સાચી પસંદગી કર, એટલે કે ‘પડોશીને પ્રેમ કર!’ (લવ ધાય નેબર). એથી જ ઑડને કહ્યું હતું ઃ ‘We must love one another or die.’ આ પ્રેમ, આ અહિંસા એ જ સત્ય છે અને આ સત્ય એ જ પરમેશ્વર છે. ઑડનની કવિતામાં આ સત્ય ધર્મબોધ રૂપે નહિ, ધર્મસૂચન રૂપે આવે છે. ઑડન શિક્ષક છે, ઉપદેશક નથી. ઑડન નીતિજ્ઞ છે, નીતિપ્રચારક નથી. એમની કવિતામાં નૈતિકતા, નૈતિક મૂલ્યો, નૈતિક સૂઝ છે. પણ નૈતિક આદેશો કે નિષેધો (ડુઝ ઍન્ડ ડોન્ટ્સ) નથી. એમાં નૈતિક ચિકિત્સા, નૈતિક નિદાન છે; પણ એમાં નૈતિક ઔષધો કે ઇલાજો નથી. પોતે ધર્મનું, નીતિનું જીવન જીવે છે અને પોતાની કવિતામાં ધર્મનું, નીતિનું જીવન કેવું હોય અને ધર્મ વિનાનું, નીતિ વિનાનું જીવન કેવું હોય એનું વર્ણન, વિવરણ પણ કરે છે. પણ એમની કવિતામાં બીજાઓએ કેમ જીવવું અને કેમ ન જીવવું એની આજ્ઞા કે સલાહ નથી; એમાં આધાર કે સહાય છે. ઑડન સત્યના ન્યાયાધીશ નથી, ઑડન સત્યના સાક્ષી છે. એમની કવિતામાં જીવનનું વિશ્લેષણ છે. જીવન વિશે કોઈ નિર્ણય નથી. એમની કવિતા જાદુઈ લાકડી નથી, એમની કવિતા જ્ઞાનની ક્રીડા છે. ‘કવિની જબાન’ (ધ પોએટ્સ ટંગ, ૧૯૩૫) કાવ્યસંચયના સંપાદનની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘કવિતાનું કામ મનુષ્યોને એમણે શું કરવું જોઈએ એ કહેવાનું નથી, પણ મનુષ્યોનું સદ્ અને અસદ્ વિશેનું જ્ઞાન વિકસાવવાનું છે; કદાચને કર્મ કેવું હોવું જોઈએ એ સ્પષ્ટ કરવાનું અને કેવું તો તત્કાલ કરવું જોઈએ એનું સૂચન કરવાનું છે અને — તે પણ જે બિન્દુ પછી એની બુદ્ધિપૂર્વકની નૈતિક પસંદગી તો મનુષ્યો સ્વેચ્છાએ જ કરે એ બિન્દુ લગી જ.’ ‘ચોરસ અને લંબગોળ’ (સ્કવૅર્સ ઍન્ડ ઑબ્લૉંગ્ઝ, ૧૯૪૮) લેખમાં એમણે લખ્યું છે, ‘કવિતાના બે પ્રકારના સિદ્ધાંતો છે. કવિતા એ પોતાનામાં અને બીજામાં ઇપ્સિત લાગણીઓ જન્માવવાનું અને અનિપ્સિત લાગણીઓ ઉચ્છેદવાનું જાદુઈ સાધન, અને કવિતા એ લાગણીઓ અને એમનો વ્યાપક સંબંધ, એમના નામકરણ દ્વારા, સભાનતાના સ્તર પર લાવવાની બુદ્ધિની ક્રીડા. ગ્રીક લોકો અને અત્યારે એમ જી એમ, ઍજિટ-પ્રોપ અને જગતભરના માનવસમૂહો પહેલા પ્રકારનો સ્વીકાર કરે છે. તેઓ ખોટા છે.’ કૅવેફીના કાવ્યંસગ્રહની પ્રસ્તાવના (૧૯૬૧)માં કૅવેફીની કવિતામાં સજાતીય સંબંધના વિષયના સંદર્ભમાં ઑડને લખ્યું છે, ‘કવિતાના અનેક ધર્મોમાંનો એક ધર્મ સત્યના સાક્ષી થવાનો છે. નીતિમાન સાક્ષી તે છે કે જે પોતાની ઉત્તમ શક્તિને આધારે સાચી જુબાની આપે જેથી અદાલત (અથવા વાચક)ને કેસમાં ન્યાયી ચુકાદો આપવામાં વધુ સારી સ્થિતિ સાંપડે; અનીતિમાન સાક્ષી તે છે કે જે અર્ધ સત્યો અથવા નકરાં જૂઠાણાં બોલે; પણ ફેંસલો આપવાનું કામ સાક્ષીનું નથી.’ ૧૯૪૦માં ઑડનનો ‘અન્ય સમય’ (અનધર ટાઇમ) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ઑડને આ સંગ્રહ ચૅસ્ટર કાલમનને અર્પણ કર્યો છે. એમાં ૪૫ કાવ્યો છે. વ્યક્તિઓ અને સ્થળો, હળવાં કાવ્યો તથા પ્રાસંગિક કાવ્યો એવા ત્રણ વિભાગ છે. ઑડનનાં કેટલાંક મહાન કાવ્યો આ સંગ્રહમાં છે. એના કેન્દ્રમાં કાળ અને ઇતિહાસ સાથે મનુષ્યનો સંબંધ છે. ભૂત અને ભવિષ્યમાંથી મુક્તિ નથી, એથી વર્તમાનમાં જીવવાની જરૂર છે, વર્તમાનનો સામનો કરવાની જરૂર છે એવું ધર્મપરિવર્તન પછી ઑડને પ્રભુમય જીવન, પ્રાર્થનામય જીવન જીવવાનો આરંભ કર્યો એ સમયનું દર્શન છે. ૧૯૪૧માં ઑડનનું લાંબું કાવ્ય ‘નૂતન વર્ષનો પત્ર’ (ન્યૂ ઇયર લેટર) પ્રગટ થયું. એની અમેરિકન આવૃત્તિનું શીર્ષક છે ‘દ્વૈતયુક્ત મનુષ્ય’ (ડબલ મૅન). આ કાવ્ય ઍલિઝાબેથ મેયરને ૧૯૪૦ના નૂતન વર્ષના પત્ર રૂપે લખાયું છે અને એમને અર્પણ થયું છે. એમાં પાંચ વિભાગ છે ઃ નાન્દી, પત્ર, નોંધો, ખોજ અને ભરતવાક્ય. આ કાવ્યના કેન્દ્રમાં ઑડને ઇંગ્લંડનો ત્યાગ કર્યો અને અમેરિકામાં નિવાસ કર્યો; ઉદારમતવાદ, માનવતાવાદનો અસ્વીકાર કર્યો અને ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો એ અનુભવ છે. શીર્ષક અને મૉન્તેઇનનો પૂર્વલેખ સૂચવે છે કે બે ઑડન છે. પણ વાસ્તવમાં તો એક જ ઑડન છે. ઑડન જીવનભર અમેરિકન અંગ્રેજ રહ્યા છે. ૧૯૩૯થી અંત લગી ઑડનની કવિતામાં વસ્તુ એનું એ જ રહ્યું છે, માત્ર પરિપ્રેક્ષ્ય જ નવો છે. વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, રાજકીય, ઐતિહાસિક વસ્તુ અહીં ધર્મના પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થાય છે. એમાં કિર્કેગાર્ડ અને નાઈબૂરની અસર છે. ‘લૉર્ડ બાયરનને પત્રો’ની જેમ આ કાવ્યમાં પણ મધ્યમ શૈલીની મહાન સિદ્ધિ છે. એમાં વિધાનો અને વિશ્લેષણો માટેના બોલચાલના લયલહેકાની પૂર્ણતા છે. ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ અને યેટ્સની પરંપરામાં એનું સ્થાન છે. આપણા યુગનો મિજાજ અને અવાજ એમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે. ઑડને ૧૯૪૧થી ૧૯૪૫ લગીમાં ત્રણ લાંબાં સંવાદકાવ્યો રચ્યાં. આ કાવ્યત્રયીમાં ઑડનની સર્વશ્રેષ્ઠ કવિતા છે. ૧૯૪૧માં ઑડનની માતાનું અવસાન થયું. એમણે માતાને અંજલિ રૂપે ‘તત્કાલ’ (ફૉર ધ ટાઇમ બીઇન્ગ) રચ્યું અને માતાને અર્પણ કર્યું. ૧૯૪૪માં આ કાવ્ય પ્રગટ થયું. બાઇબલના વસ્તુ પર આ લાંબું અર્ધનાટ્યાત્મક સંગીતમય ધાર્મિક કાવ્ય છે. એનું શીર્ષક ૧૯૪૦થી અંત લગીની ઑડનની કવિતાનું મુખ્ય વસ્તુ સૂચવે છે. ક્ષણ માટે જીવવું, ક્ષણમાં જીવવું; ભૂત અને ભાવિમાંથી, મહાન દુઃખમાંથી મુક્તિ માટે પ્રયત્ન ન કરવો; દિનપ્રતિદિન જીવનમાં ‘ઍગેપી’, નિઃસ્વાર્થ પ્રેમ, પ્રભુપ્રેમ માટે પ્રયત્ન કરવો. આ અલ્પકાળ (ટાઇમ બીઇન્ગ), ક્ષણ એ જ સૌથી વધુ કપરી કસોટીરૂપ કાળ છે. આ કાવ્યમાં ઑડનનું ધાર્મિક વલણ અને માનસ સંપૂર્ણપણે અને અત્યંત સમતોલપણે પ્રગટ થાય છે. શેક્સ્પિયરના નાટક ‘ઝંઝા’ (ધ ટૅમ્પેસ્ટ) પર વિવરણ જેવું ઑડનનું લાંબું નાટ્યાત્મક કાવ્ય ‘સમુદ્ર અને દર્પણ’ (ધ સી ઍન્ડ ધ મિરર) ૧૯૪૪માં પ્રગટ થયું. આ શ્રાવ્યનાટક (કલોઝેટ ડ્રામા) પ્રકારનું નાટ્યકાવ્ય છે. એમાં ઑડને નવું કાવ્યશાસ્ત્ર રચ્યું છે. એમાં જાદુઈ ટાપુ પરથી નેપલ્સ પ્રતિ પ્રયાણયાત્રામાં સૌ પાત્રોની ભૂત અને ભાવિ વિશે ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં ઉક્તિઓ છે. એમાં બાલાદ, વિલાનેલ, સેસ્ટિના, સાફિક્સ, ઍલૅજિએક્સ, તર્ઝા રિમા, શ્રુતિમય પદ્ય, ગદ્ય — સ્વરૂપો છે. અત્યંત સૂચકપણે એમાં બ્લૅન્ક વર્સ નથી. સમુદ્ર એ જીવનનું પ્રતીક છે અને દર્પણ એ કળાનું પ્રતીક છે. કાવ્યના કેન્દ્રમાં જીવન અને કળાની વ્યાખ્યા અને એ બન્નેના સંબંધ વિશેની શોધ છે. એમાં એરિયલ એ અમાનુષી સંપૂર્ણતા સાથેની કળાનું પ્રતીક છે અને કૅલિબાન એ માનુષી અપૂર્ણતા સાથેના જીવનનું પ્રતીક છે. કળા એ ધર્મનો વિકલ્પ નથી. એથી ધર્મજીવનના સાધકે ધર્મ ખાતર કળાનો ત્યાગ કરવો ઘટે એવું આ કાવ્યમાં દર્શન છે. આ કાવ્યમાં ઑડને જીવન અને કળા વચ્ચેની સીમારેખા આંકી છે, મનુષ્યના અને કવિના કર્તવ્ય વચ્ચેનો સ્પષ્ટ ભેદ કર્યો છે અને જાદુ તરીકે કળાનો ત્યાગ કર્યો છે. બોલચાલના લયલહેકા સાથેની સ્વરૂપની સંકુલતા અને બહુલતાને કારણે ચિત્રવિચિત્ર શૈલીમાં ક્યારેક દુર્બોધ પણ સાદ્યંત ધ્વનિમય, નર્માળું-મર્માળું આ કાવ્ય છે. ઑડને એમનું છેલ્લું લાંબું સંવાદકાવ્ય ‘ચિંતાયુગ’ (ધ એઇજ ઑફ ઍંગ્ઝાયટી) ૧૯૪૪-૪૫માં રચ્યું અને ૧૯૪૭માં પ્રગટ કર્યું. આ કાવ્યના શીર્ષક અને વસ્તુ દ્વારા ઑડને આપણા યુગનું ‘ચિંતાયુગ’ એવું નામાભિધાન કર્યું છે. કાવ્યનું સ્થળ છે ન્યૂયૉર્કમાં થર્ડ ઍવન્યૂ બાર, સમય છે ૧૯૩૦ની ઑલ હૅલોઝ ઈવ, પાત્રો છે ત્રણ પુરુષો અને એક સ્ત્રી. ડૅન્ટિ અને શેક્સ્પિયરની અસરમાં કાવ્યમાં નાન્દી, સાત યુગો, સાત સ્તબકો, ડર્જ, માસ્ક, ભરતવાક્ય એમ છ વિભાગો છે. આપણો યુગ પરંપરા અને શ્રદ્ધાના અભાવે ચિંતાયુગ છે. આ ચિંતા એક ધાર્મિક અનુભવ છે. આ પાત્રો આ ચિંતામાંથી પલાયન થવાનો પ્રયત્ન કરે છે. કાવ્ય આ પ્રયત્ન પર સહાનુભૂતિભર્યો કટાક્ષ છે. કાવ્યમાં ધર્મદર્શનો અને શાશ્વતી ક્ષણોની પ્રતિકૃતિ છે. કારણ કે આ પાત્રોનાં દર્શનો મદ્યોત્તેજિત છે અને એમની ક્ષણો અવાસ્તવિક છે. પાત્રો જાણે કે ડૅન્ટિના પ્રાયશ્ચિત્તલોકમાં વસે છે; પણ એમનો મોક્ષ શક્ય નથી. કાવ્યમાં કાલચક્રનું દર્શન છે. યુદ્ધ થાય છે, સંધિ થાય છે શાંતિની આશા સાથે; પણ આશાનો નાશ થાય છે, નિરાશા થાય છે… વળી યુદ્ધ થાય છે. આમ ઇતિહાસનું ચક્ર ચાલ્યા જ કરે છે. મનુષ્ય ભૂતકાળમાંથી કશું ભણતો નથી, મનુષ્યનું ભાવિ એથી કદી ઊજળું નથી. એલિયટ અને ઑડનની વચ્ચે આપણા યુગના કોઈ પણ બે કવિઓની વચ્ચે હોય એથી વિશેષ સામ્યો અને અસામ્યો છે. ‘વક્તાઓ’ એ ઑડનનું ‘મરુભૂમિ’ (ધ વેસ્ટ લૅન્ડ) છે અને ‘નૂતન વર્ષનો પત્ર’, ‘તત્કાલ’, ‘સમુદ્ર અને દર્પણ’ તથા ‘ચિંતાયુગ’ એ ઑડનના ‘ચાર ચતુષ્કો’ (ફોર ક્વાર્ટેટ્સ) છે. એલિયટે ‘ચાર ચતુષ્કો’ પછી અને ઑડને ‘ચિંતાયુગ’ પછી એક પણ લાંબું કાવ્ય ન રચ્યું; એલિયટે ત્રણ નાટકો રચ્યાં, તો ઑડને છ ઑપેરા (ઑપેરા લિબ્રેત્તિ) રચ્યાં; એલિયટે માત્ર બે જ લઘુ કદનાં કાવ્યો રચ્યાં, તો ઑડને લઘુમધ્યમ કદનાં કાવ્યોના છ સંગ્રહો રચ્યાં; એલિયટે અવારનવાર વિવેચન આદિ ગદ્યલખાણ કર્યું, તો ઑડને વારંવાર વિપુલ એવું વિવેચન આદિ ગદ્યલખાણ કર્યુ અને પોતાનું ઉત્તરજીવનનું શાણપણ કવિતા અને ઑપેરા જેટલું જ એમાં પ્રગટ કર્યું. ‘ચિંતાયુગ’ પછી ઑડનની સર્જક-પ્રતિભાની સિદ્ધિ માત્ર કવિતામાં નથી પણ ઑપેરા અને વિવેચન આદિ ગદ્યલખાણમાં પણ છે. ઑડન ગ્રેશમ્સ સ્કૂલમાં હતા ત્યારે શાળાના સંગીતશિક્ષક હતા વૉલ્ટર ગ્રેટોરેક્સ. એ ઑડનના પિયાનોશિક્ષક પણ હતા. એ પ્રથમ પંક્તિના સંગીતકાર હતા અને ઑડનને સમાન મનુષ્ય તરીકે સ્વીકારનાર પ્રથમ શિક્ષક હતા. ઑડને એક પત્રમાં પોતાના સંગીતશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના શિક્ષણ માટે આ શિક્ષક પ્રત્યે પોતાનું મહાન ઋણ છે એમ કહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષક તરીકે, ઑક્સફર્ડમાં વિદ્યાર્થી તરીકે, ગ્રુપ થિયેટરમાં નાટકકાર તરીકે, બૅન્ઝામિન બ્રિટનના સહકારમાં સંગીતપ્રધાન કવિ તરીકે ઑડનનો સંગીત સાથે આત્મીય સંબંધ હતો. ૪થા દાયકાના મધ્યભાગ લગીમાં તો પોતે એક સિદ્ધ સંગીતપ્રધાન કવિ હતા. ત્યાં ૧૯૩૭માં, પોતાના સંસ્કારવારસાને ચૅલેન્જ સમી એક અદ્ભુત સૃષ્ટિનું મૂલ્ય સમજી શકે તે વયે, એમને ઇટાલિયન ઑપેરાનો પ્રથમ વાર અનુભવ થયો. પછી ૧૯૩૯માં કિર્કેગાર્ડ આદિનાં લખાણોના સતત વાચન-મનનથી સંગીતની કળાની નૈતિક-ધાર્મિક ભૂમિકાનો પરિચય થયો. ‘નૂતન વર્ષનો પત્ર’માં એમણે મોત્સાર્ટ અને વાગ્નરના સંગીતનું અને એમાં જે અસામ્ય છે તેનું વિશ્લેષણ કર્યું. ૧૯૪૧માં બૅન્ઝામિન બ્રિટનના સહકારમાં ‘જૉન બનિયન’માં ઑપેરા-સર્જનનો પ્રથમ પ્રયોગ કર્યો. ત્યાર પછી જેમ જેમ ઑડનના કવિતા, સંગીત તથા કવિતા અને સંગીતના સંબંધ વિશેના વિચારનો વિકાસ થતો ગયો તેમ તેમ એમના ઑપેરા-સર્જનનો પણ વિકાસ થતો ગયો. પોતે ઑપેરા-બંધાણી (ઑપેરા-ઑડિક્ટ) બની ગયા. ‘વક્તાઓ’ પછી ઑડનનું ઇંગ્લંડના નાટકજગતમાં ‘અંકલ વિઝ’ તરીકેનું જે મહત્ત્વનું માનભર્યું સ્થાન હતું તેવું જ ‘ચિંતાયુગ’ પછી અમેરિકા અને યુરોપના ઑપેરા-જગતમાં એમનું મહત્ત્વનું માનભર્યું સ્થાન હતું. ‘રંગારાનો હાથ’માં અંતિમ ૮મા વિભાગ ‘ઇગ્નોર સ્ટ્રાવિન્સ્કીને અંજલિ’-માં ચાર લેખોમાં, ‘અન્ય દુનિયાઓ’ (સૅકન્ડરી વલ્ડ્ઝ, ૧૯૬૮)માં ‘ઑપેરાની દુનિયા’ (વર્લ્ડ ઑફ ઑપેરા) વ્યાખ્યાનમાં અને અન્ય અનેક અગ્રંથસ્થ લેખોમાં ઑડને ઑપેરા અને સંગીત વિશે તાત્ત્વિક અને માર્મિક વિવેચન કર્યું છે. ઑડનની ઑપેરા-સર્જક અને સંગીતવિવેચક તરીકેની સિદ્ધિઓ એ ઑપેરા અને સંગીતના નિષ્ણાત એવા કોઈ વિવેચકના અભ્યાસનો એક મોટો સ્વતંત્ર વિષય છે. અહીં તો માત્ર ઑડનના ઑપેરા-સર્જનનો ઉલ્લેખ જ ઉચિત છે. ૧૯૪૭માં હકસ્લીની ભલામણથી સ્ટ્રાવિન્સ્કીએ ઑડનને ઑપેરામાં લિબ્રેત્તો રચવાનું આમંત્રણ આપ્યું અને ઑડને ‘વંઠેલાનો વિકાસ’ (રેઇક્સ પ્રોગ્રેસ) રચ્યું. આ ઑપેરા ૧૯૫૧માં યુરોપમાં ભજવાયું. ૧૯૫૩માં ઑડને ‘ડેલિયા’ રચ્યું. ૧૯૬૧માં હૅન્ઝે ઑડનને ઑપેરામાં લિબ્રેત્તો રચવાનું આમંત્રણ આપ્યું અને ઑડને ‘યુવાન પ્રેમીઓ માટેની કરુણપ્રશસ્તિ’ (ઍલેજી ફૉર યંગ લવર્સ) રચ્યું. આ ઑપેરા યુરોપમાં ભજવાયું. હૅન્ઝના આમંત્રણથી ઑડને ૧૯૬૬માં ‘ધ બેસેરિડ્સ’ રચ્યું. અને ૧૯૬૭માં ‘ધ બાર્મેસાઇડિઝ’ રચ્યું. બન્ને યુરોપમાં ભજવાયાં. ૧૯૬૯માં નિકોલાસ નેબોકોવ માટે ‘પ્રણય-પરાજય’ (લવ્ઝ લેબર લૉસ્ટ) રચ્યું. ઑડને આ સૌ ઑપેરા ચૅસ્ટર કાલમનના સહકારમાં રચ્યાં હતાં. ઑડને ચૅસ્ટર કાલમનના સહકારમાં ૧૯૫૬માં મોત્સાર્ટની દ્વિ-શતાબ્દી પ્રસંગે મોત્સાર્ટના ‘જાદુઈ વાંસળી’ (મૅજિક ફ્લ્યુટ) ઑપેરાનો અનુવાદ કર્યો અને ૧૯૬૧માં ‘ડૉન ગિયોવાન્ની’ ઑપેરાનો અનુવાદ કર્યો. બન્ને અમેરિકામાં ભજવાયાં. આ ઉપરાંત ઑડને સંગીત અને રેડિયોનાટક માટે પ્રકીર્ણ મૌલિક અને અનુવાદની લઘુકૃતિઓ પણ રચી હતી. ૧૯૪૪માં એક જાહેરપત્રમાં ઑડને એક સાહિત્યપત્રકાર તરીકે વિવેચન પ્રત્યે પોતે શંકાશીલ છે કારણ કે એમાં અપાત્ર અને અધમ પ્રકારના સાહિત્યવારસો, દૃષ્ટિ વિનાના પંડિતો અને પ્રેમ વિનાના બૌદ્ધિકોની ભરતી થાય છે એમ કહ્યું હતું. ૧૯૫૫માં ‘કવિ અને નગર’ (ધ પોએટ ઍન્ડ ધ સિટી) લેખમાં પોતાની કલ્પનાની કવિઓ માટેની કૉલેજમાં એની લાઇબ્રેરીમાં વિવેચનના ગ્રંથો નહિ હોય એમ કહ્યું હતું. ૧૯૫૬માં પ્રસિદ્ધ ઑક્સફર્ડ મંગલ-પ્રવચનમાં ચાર પ્રકારના કુવિવેચકોનું પણ એમણે વિગતે વર્ણન કર્યું હતું. ૧૯૪૦ પૂર્વે એમણે ક્વચિત્ અવલોકનો, પ્રસ્તાવનાઓ અને લેખો રૂપે વિવેચન કર્યું હતું. પણ ૧૯૩૯માં ધર્મપરિવર્તન પછી અને સવિશેષ ‘ચિંતાયુગ’ પછી જેમ જેમ એમના કવિતા વિશેના વિચારનો વિકાસ થતો ગયો તેમ તેમ એમના વિવેચનકાર્યનો પણ વિકાસ થતો ગયો. ઑડનનો હવે ‘ગૌણ પ્રકારના ઍટલૅન્ટિક પારના ગ્યુઇથે’ (માઇનર ઍટલૅન્ટિક ગ્યુઇથે) તરીકે વિકાસ થતો ગયો. એમને હવે જગત સાથે ‘સાંસ્કૃતિક ગોષ્ઠી’ (કલ્ચરલ ચૅટ) કરવી હતી. એનું વધુ અનુકૂળ સાધન કવિતા નહિ પણ નિબંધ છે, વિવેચનનિબંધ છે. એથી એમણે હવે વિપુલ વિવેચન કર્યું. સ્વયં-ખ્યાત વિવેચક તરીકે પ્રખ્યાત થવું એવી સહેજ પણ ઇચ્છા નહિ. એથી આજ લગીમાં ઑડનના અલ્પસંખ્ય વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. અસંખ્ય અવલોકનો, પ્રસ્તાવનાઓ, વ્યાખ્યાનો, લેખો હજુ અગ્રંથસ્થ છે. ૧૯૫૧માં ‘રોષિત પૂર’ (ધ ઍનચેઇફડ ફ્લડ) વિવેચનગ્રંથ પ્રગટ થયો. અહીં આડવાતમાં નોંધવું જોઈએ કે ઇશરવૂડે કહ્યું છે તેમ ઑડનને આકાર અને ઘનતામાં રસ હતો અથવા ઑડને પોતે સૂચવ્યું છે તેમ ‘ચોરસ અને લંબગોળ’ (સ્કવૅર્સ ઍન્ડ ઑબ્લૉંગ્સ)માં રસ હતો. સમુદ્ર અનાકાર અને પ્રવાહી છે. એમાં એમણે ૧૯૪૯માં યુનિવર્સિટી ઑફ વર્જિનિયામાં ત્રણ પેઇજ-બાર્બર વ્યાખ્યાનો આપ્યાં હતાં તે ગ્રંથસ્થ થયાં છે. એમાં એમણે સમાજ, પ્રકૃતિ, નાયક, પરમેશ્વર પ્રત્યેનાં રોમેન્ટિક કવિઓનાં વલણોનું વિશ્લેષણ કર્યું છે. ૧૯૬૨માં ‘રંગારાનો હાથ’ વિવેચનગ્રંથ પ્રગટ થયો. એમાં એમણે અનેક પ્રકારે અનેક સ્વરૂપે જે અઢળક વિવેચન-લખાણ કર્યું એમાંથી કેટલુંક જ ગ્રંથસ્થ કર્યું છે. એની પ્રસ્તાવનામાં એમણે ‘વિવેચક’ તરીકે પોતાનું બચાવનામું રજૂ કર્યું છે. પ્રસ્તાવનામાં આરંભમાં એમણે કહ્યું છે, ‘બીજાઓની માગણી સિવાય મેં કદી વિવેચનનું એક વાક્ય પણ લખ્યું નથી.’ અને પછી જેમાં કવિ કવિતા દ્વારા નહિ પણ કવિતા વિશેના લેખો-વ્યાખ્યાનો દ્વારા વધુ કમાણી કરી શકે એવી સંસ્કૃતિની કરુણતાના સંદર્ભમાં ઉમેર્યું છે, ‘મેં વિવેચનલેખો લખ્યા કારણ કે મને પૈસાની જરૂર હતી.’ અને અંતમાં કહ્યું છે, ‘વ્યવસ્થિત વિવેચન, મારે મતે કંઈક નિર્જીવ હોય છે, મિથ્યા પણ હોય છે.’ અને પછી જે સ્વરૂપે પોતાનું વિવેચન આ ગ્રંથમાં પ્રગટ કર્યું છે એ વિશે કહ્યું છે, ‘મારાં વિવેચન-લખાણો ફરીથી વાંચતાં, મેં એમાં શક્ય હોય ત્યાં, કાપકૂપ કરીને નોંધોના ગુટકાઓના રૂપમાં ફેરવી નાખ્યાં છે; કારણ કે, વાચક તરીકે, હું વિવેચકોના આકરગ્રંથો કરતાં એમની નોંધપોથીઓ વધુ પસંદ કરું છું.’ આ વિવેચનગ્રંથમાં આઠ વિભાગો છે. એમાં કવિતાની પ્રક્રિયાનું માર્મિક વિશ્લેષણ છે, કવિતાનું સ્વરૂપ તથા કવિતાનો કવિ, સમાજ, ધર્મ અને વાચક સાથેનો સંબંધ આદિ વિશેનું તાત્ત્વિક અન્વીક્ષણ છે. ઉપરાંત નાટક, નવલકથા, સંગીત આદિ સ્વરૂપોનું પણ વિવેચન છે. નાગરિક સંસ્કારિતા, ઉદાર રસિકતા, નર્મ, મર્મ, વ્યંગ, વિનોદ આદિને કારણે કોઈ પણ યુગમાં વિરલ એવી ઑડનની સર્વતોમુખી સમુજ્જ્વલ બુદ્ધિ, બલકે ધીનો અહીં પાને પાને, બલકે વાક્યે વાક્યે આહ્લાદક અને આત્મીય પરિચય થાય છે. કોઈ કોઈ વાક્ય તો વાક્ય નથી, પ્રાચીન ઋષિવરોના મંત્ર જેવો મંત્ર છે. (અહીં આડવાતમાં નોંધવું જોઈએ કે ઑડને અન્ય સર્જકોનાં પોતાને પ્રિય એવાં ગદ્યપદ્યસર્જનો અને પદ્યસ્વરૂપો આદિના અનેક સંચયોનું સંપાદન કર્યું છે. એમાં જગતનાં ઉત્તમ ‘સુવાક્યો’ (ઍફોરિઝમ્સ)નો પણ એક સંચય છે.) આ વિવેચનગ્રંથના વાચનથી એક સજ્જન સાથે સાંસ્કૃતિક ગોષ્ઠી કર્યાનો અનુભવ થાય છે. ઑડને દૂર-અદૂરના કેટલાક પુરોગામીઓ વિશે વિવેચન કર્યું છે. પણ સમકાલીનો અને અનુગામીઓ વિશે એમણે ભાગ્યે જ કંઈક કહ્યું-લખ્યું છે. એનું કારણ એમણે આપ્યું છે, ‘કળાઓને એ ઘોડાની શરત બનાવી મૂકે છે — કોણ પહેલો આવ્યો, કોણ જીત્યો. વળી, લોકો તમે બીજા લેખકો વિશે ઘસાતું બોલો એમ ઇચ્છે છે.’ ૧૯૬૮માં ‘અન્ય દુનિયાઓ’ વિવેચનગ્રંન્થ પ્રગટ થયો. એમાં એમણે ૧૯૬૭માં યુનિવર્સિટી ઑફ કૅન્ટમાં ચાર એલિયટ સ્મારક વ્યાખ્યાનો આપ્યાં હતાં તે ગ્રંથસ્થ થયાં છે. એમાં એમણે ‘નાટ્યનાયક તરીકે શહીદ’, ‘સાગાનું જગત’, ‘ઑપેરાનું જગત’ અને ‘શબ્દ અને શબ્દબ્રહ્મ’ પર વિવેચન કર્યું છે. એમાં એમણે અંતિમ વર્ષોમાં જીવનભરનાં વાચન-મનન-ચિંતનનું જાણે કે સારસર્વસ્વ જગતને અર્પણ કર્યું છે. ૧૯૭૦માં આરંભે જેનો ઉલ્લેખ કર્યો છે તે, ‘કોઈએક દુનિયા’ — અર્ધઆત્મકથનાત્મક, અર્ધવિવેચનાત્મક એવો અન્ય લેખકોનાં પોતાને પ્રિય એવાં ગદ્યપદ્ય-લખાણોની નોંધપોથી જેવો સંચય પ્રગટ થયો. એની પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે, ‘આ રહ્યો, તો, મારા ગ્રહનો નકશો’. આ ગ્રંથને અંતે ‘લખાણ’ (રાઇટિંગ) વિશેનાં લખાણો છે. એમાં ગ્રંથના અંતિમ પાને લખાણ વિશેનું પોતાનું માર્મિક લખાણ પણ છે. એ નાનકડું કાવ્યશાસ્ત્ર જ છે. એમાં એક કારિકા છે. ‘કવિએ કાવ્ય તરીકે મોહક છે માટે જ કદી કોઈ વિધાન ન કરવું જોઈએ; એ સાચું છે એમ એ માનતો પણ હોવો જોઈએ.’ એ કારિકામાં ‘અરજી’ (પિટિશન), ‘સ્પેન’ અને ‘સપ્ટેમ્બર ૧, ૧૯૩૯’ જેવાં સિદ્ધ અને પ્રસિદ્ધ કાવ્યો પછીથી એ કાવ્યો અપ્રામાણિક છે એમ કહીને એમણે રદ કર્યા એનું રહસ્ય છે. ૧૯૪૭માં ઑડનનું ત્રીજું અને છેલ્લું દીર્ઘ કાવ્ય ‘ચિંતાયુગ’ પ્રગટ થયું. પછી ઑડને એક પણ દીર્ઘ કાવ્ય રચ્યું નથી. પણ ૧૯૪૭ અને ૧૯૭૨ની વચ્ચે પચીસ વર્ષના સમયમાં એમણે લઘુમધ્યમ કદનાં લગભગ બસો જેટલાં કાવ્યોના છ સંગ્રહો પ્રગટ કર્યા છે. એમાંના પહેલા ત્રણ સંગ્રહોનાં કાવ્યો રચ્યાં ત્યારે એ ૧૯૪૮થી ૧૯૫૭ લગી વર્ષમાં છ મહિના ન્યૂયૉર્કમાં અને વસંત-ગ્રીષ્મના છ મહિના ઇટલી પાસે ઇસ્ચિયા ટાપુ પર ભાડાના ઘરમાં વસ્યા હતા. ઑડનને આ ઘર ખરીદવું હતું પણ મકાનમાલિક (એ સર્ટન મૉન્ટી)ને આ ઘર વેચવું ન હતું એથી ૧૯૫૭માં એમણે લૉઅર ઑસ્ટ્રિયામાં કિર્ચસ્ટૅટનમાં એક ખેતરખૂણાનું ઘર ખરીદ્યું. છેલ્લા ત્રણ સંગ્રહોનાં કાવ્યો રચ્યાં ત્યારે એ ૧૯૫૭થી ૧૯૭૨ લગી વર્ષમાં છ મહિના ન્યૂયૉર્કમાં અને વસંત-ગ્રીષ્મના છ મહિના કિર્ચસ્ટૅટનમાં વસ્યા હતા. અપવાદરૂપે ૧૯૫૬થી ૧૯૬૧ લગી પાંચ વર્ષ માટે એ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘કવિતાના અધ્યાપક’ તરીકે ચૂંટાયા હતા એથી ન્યૂયૉર્કને બદલે ઑક્સફર્ડમાં વસ્યા હતા. આમ, ન્યૂયૉર્ક (ચિંતા) અને ઇસ્ચિયા, ઑક્સફર્ડ, કિર્ચસ્ટૅટન (આનંદ) એ આ કાવ્યોની મહત્ત્વની ભૌગોલિક અને માનસિક-આધ્યાત્મિક ભૂમિકા છે. ૧૯૫૧માં ‘બપોરના ત્રણનો સમય’ (નૉન્સ) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ઑડને આ સંગ્રહ રાઇનૉલ્ડ અને ઉર્સુલા નાઈબૂરને અર્પણ કર્યો છે. એમાં ૩૧ કાવ્યો છે. એનું શીર્ષક ‘નૉન્સ’ એટલે સૂર્યોદય પછી નવ કલાક પછીનો સમય, બપોરના ત્રણનો સમય; ખ્રિસ્તી દેવળમાં નિત્યક્રમમાં બપોરના ત્રણનો સમય, બપોરના ત્રણની પ્રાર્થના, ગુડ ફાઈડેના દિવસે જિસસનો જે સમયે વધ થયો તે સમય પછીના સમયની પ્રાર્થના. શ્લેષથી ‘નૉન્સ’ એટલે અલ્પ સમય અથવા વર્તમાન પ્રસંગ સૂચવે છે તેમ આ સંક્રાન્તિ સમયનો કાવ્યસંગ્રહ છે. એમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે એનો પછીના પાંચ કાવ્યસંગ્રહોમાં વિકાસ થયો છે. એમાં પ્રકૃતિ અને ઇતિહાસ-સંસ્કૃતિનો સંબંધ, વનસ્પતિ-પશુ-પંખી-જંતુ આદિ અન્ય જીવસૃષ્ટિ અને મનુષ્યનો સંબંધ તથા પરોક્ષપણે, પરિપ્રેક્ષ્ય રૂપે ધર્મ અને ધર્મજીવન આદિ વસ્તુવિષય છે; એમાં મુક્ત મધ્યમ શૈલી છે અને પ્રવાહી, સ્વરયુક્ત (સીલેબિક) છંદો તથા વૈચિત્ર્યપૂર્ણ શ્લોકોનું સ્વરૂપ છે. એના અર્પણકાવ્યમાં આ વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ વિશે અને યુદ્ધોત્તર જગત, એની સંસ્કૃતિ, એની ભાષા અને એ સૌની વચ્ચે વ્યક્તિની, કવિ-વ્યક્તિની સ્થિતિ વિશે ઉલ્લેખ છે, એમાં ઑડને કહો કે એમનું મિતાક્ષરી કાવ્યશાસ્ત્ર રચ્યું છે, એમની મિતાક્ષરી આત્મકથા, ધર્મજીવનની કથા રચી છે ઃ ‘We, too, had known golden hours 
… … … 
And would in the old grand manner 
Have sung from a resonant heart. 
But, pawed-at and gos-siped-over 
By the promiscuous crowd, 
Concocted by editors 
Into spells to befuddle the crowd, 
All words like Peace and Love, 
All sane affirmative speech, 
Had been soiled, profaned, de-based 
To a horrid mechanical screech. 
No civil style survived 
That pandaemonium 
But the wry, the sotto-voce, 
Ironic and monochrome: 
And where should we find shelter 
For joy or mere con-tent 
When little was left standing 
But the suburb of dissent?’ ‘આપણે પણ સોનેરી ક્ષણો અનુભવી છે… અને હજુ પણ આપણે વળતા હૃદયે જૂની ભવ્ય રીતે ગાઈએ એમ ઇચ્છ્યું હોત. પણ શાંતિ અને પ્રેમ જેવા શબ્દોની શાણી હકારાત્મક વાણીને ધાડસી લોકોએ પંજાઓથી પીંખીને, ગપ્પાઓમાં ચૂંથીને તથા છાપાંવાળાઓએ લોકટોળાંઓને ભાંગ પિવડાવવા ભરમાળમાં ગૂંથીને એવી તો દૂષિત, કલુષિત, ભ્રષ્ટ કરી છે કે હવે એ કર્કશ યાંત્રિક ચીસ જેવી બની ગઈ છે. એ ઘોંઘાટ — કકળાટ પછી હવે કોઈ નાગરિક શૈલી બચી નથી, સિવાય કે વક્ર, શાંત-સંયમી-મધ્યમ, વ્યંગાત્મક, એકસ્વરી શૈલી ઃ એને જ્યાં ભાગ્યે જ કોઈ સ્થાન બચ્યું હોય ત્યાં આનંદ અને સંતોષ માટે આશરો લેવા ક્યાં જવું? અસંમતિના પરા સિવાય બીજે ક્યાં જવું?’ આ સંગ્રહમાં મુખ્ય કાવ્યો છે ઃ શીર્ષકકાવ્ય ‘બપોરના ત્રણનો સમય’, ‘સવારના છ’ (પ્રાઇમ), ‘પ્રેમની મિજબાની’ (ધ લવ ફીસ્ટ), ‘ચૂનાની પ્રશસ્તિ’, ‘મૂલ્યવાન પંચેન્દ્રિયો’ (પ્રેશિયસ ફાઇવ) અને ‘નગર માટેનું સ્મારક’ (મેમોરિયલ ફૉર ધ સિટી) ‘બપોરના ત્રણનો સમય’ અને ‘સવારના છ’ કાવ્યો ઑડને પછીના સંગ્રહમાં ‘પ્રાર્થનાકલાકો’ (હૉરે કનૉનિકે) કાવ્યગુચ્છમાં એમના યોગ્ય સ્થાને સમાવ્યાં હતાં. એમાં સૌ મનુષ્યો એકસમાન પાપી છે અને જિસસના વધ માટે દોષિત છે એવું સૂચન છે. ‘પ્રેમની મિજબાની’માં ઇરોસ, માનુષી પ્રેમના વિવિધ આધુનિક સ્વરૂપો છે પણ માનુષી પ્રેમ અને ઍગેપી — દિવ્ય પ્રેમ વચ્ચે વિરોધ નથી, દ્વૈત નથી. ‘પરમેશ્વર જેનો નિષેધ કરે છે તેની સૂર્ય અને તારાઓ પર શાસન કરનાર પ્રેમ પરવાનગી આપે છે.’ અંતે મનુષ્યને સંત ઑગસ્ટાઇનની જેમ ‘પવિત્ર થવું છે પણ હમણાં નહિ, ક્યારેક.’ આજે માનુષી પ્રેમ છે તો કાલે, કાલાન્તરે દિવ્ય પ્રેમ હશે, થશે એવું સૂચન છે. ‘ચૂનાની પ્રશસ્તિ’માં પાણીમાં ઓગળી-પીગળી જતો ચૂનો, ચૂનાનો પ્રદેશ મનુષ્યોનું, ‘આપણે ચંચલ મનુષ્યો’નું પ્રતીક છે. એમાં મનુષ્યો પાપી છે, નિર્બલ વ્યક્તિઓ છે; પણ એમનું પાપ, એમની નિર્બલતા એ સ્તો અંતે નિર્દોષતા અને નમ્રતાની, આશા અને શ્રદ્ધાની ભૂમિકા છે; આ મનુષ્યો દ્વારા જ અંતે ‘પૂર્ણ પ્રેમ અને ભવિષ્યનું જીવન’ સિદ્ધ થશે એવું સૂચન છે. આ કાવ્ય શૈલીસ્વરૂપની દૃષ્ટિએ ઑડનની એક મહાન સિદ્ધિ છે. આ કાવ્ય પછીના સંગ્રહમાં ‘ગોપકાવ્યો’ — કાવ્યગુચ્છની પૂર્વભૂમિકારૂપ છે. ‘મૂલ્યવાન પંચેન્દ્રિયો’માં અમૂલ્ય પાંચ ઇન્દ્રિયો — નાક, કાન, હાથ, આંખ અને જીભ — ની, દેહની મહત્તા છે; સ્થૂલ, પાર્થિવ, ઇહનો મહિમા છે. આ જગતમાં, આ જીવનમાં શું દૂષિત નથી? શું દોષિત નથી? શું કલુષિત નથી? શું પતિત નથી? પણ જે છે તે આ જગત છે, આ જીવન છે. એનો સ્વીકાર કરો કે ન કરો, અંતે તો એનું જ જયગાન ગાવાનું છે, એનું જયગાન ગાવાનો જ ઈશ્વરનો આદેશ છે; એને સમજો કે ન સમજો, એ આદેશનું જ પાલન કરવાનું છે ઃ ‘That singular command 
I do not understand, 
‘Bless what there is for being’, 
Which has to be obeyed, for 
What else am I made for, 
Agreeing or disagreeing?’ આમ, આ કાવ્ય અસ્તિત્વસ્તવન છે, દેહસ્તુતિ છે, વિશ્વસ્તોત્ર છે, ‘નગર માટેનું સ્મારક’ કાવ્ય ચાર્લ્સ વિલિયમ્સને અંજલિરૂપ છે. ઑડનના ધર્મપરિવર્તનમાં, આગળ જોયું તેમ, ચાર્લ્સ વિલિયમ્સનું સૌથી વિશેષ અર્પણ હતું. ઑડને એમને ગદ્યમાં અંજલિ અર્પી હતી અને ત્યારે કહ્યું હતું, ‘એ સંત માણસ હતા. એમણે ખાસ કશું કર્યું કે કહ્યું ન હતું અને અમે ધર્મની તો કદી ચર્ચા જ કરી ન હતી. એમની હાજરીમાં કોઈ પણ માણસ, પોતાને હોય એથી દસ ગણો સારો લાગતો હતો.’ ઑડને એમની નવલકથા ‘કપોતનું અવતરણ (ડીસેન્ટ ઑફ ધ ડવ)ની પ્રસ્તાવના લખી હતી. ઑડને આ નવલકથાનું વર્ષો લગી વાચન કર્યું હતું અને એને વિશે કહ્યું હતું, ‘કદી ખૂટે નહિ એવો બૌદ્ધિક આનંદ અને આધ્યાત્મિક પોષણનો ભંડાર.’ ઑડનના ઇરોસ-ઍગેપી, માનુષી અને દિવ્ય પ્રેમ અંગેના વિચાર પર તથા ધ સિટી — નગર, માનુષી અને દિવ્ય નગરના પ્રતીક પર ચાર્લ્સ વિલિયમ્સની ભારે પ્રબળ અસર છે. આ કાવ્યમાં નગરનો ઇતિહાસ છે. જિસસના આગમન પછી મનુષ્યે અનેક વાર નગરનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નગર જિસસ પૂર્વેના નગરથી ભિન્ન, હોમરના નગરથી ભિન્ન એવું નગર છે. આ નગર ખ્રિસ્તી ધર્મના અર્થમાં પાપના પરિણામરૂપ નગર છે, માનુષી પ્રેમના પરિણામરૂપ નગર છે, માનુષી નગર છે. એમાં કાવ્યને આરંભે પૂર્વલેખ રૂપે જુલિયાના ઑફ નૉર્વિચનું વાક્ય સૂચવે છે તેમ આ માનુષી નગર અને દિવ્ય નગર વચ્ચે વિરોધ નથી, દ્વૈત નથી. આજે માનુષી નગર છે તો કાલે, કાલાન્તરે દિવ્ય નગર હશે, થશે. મનુષ્યની નિર્બલતાઓમાંથી જ એની નિર્દોષતા અને નમ્રતાનું સર્જન થશે, એ દ્વારા દિવ્ય પ્રેમનું સર્જન થશે અને એ દ્વારા દિવ્ય નગરનું સર્જન થશે એવું સૂચન છે. ૧૯૫૫માં ‘ઍકિલીસની ઢાલ’ (ધ શીલ્ડ ઑફ ઍકિલીસ) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ઑડને આ સંગ્રહ લિંકન અને ફિડેલ્મા કિર્સ્ટાઈનને અર્પણ કર્યો છે. એમાં ૨૮ કાવ્યો છે. એના અર્પણકાવ્યમાં સમકાલીન જગત તથા જીવન અને આ કાવ્યોના સંબંધનો ઉલ્લેખ છે, ‘ભૂમિ ખરાબ છે, જ્યાં ઈંડાં નાનાં અને મોંઘાં છે; વધુ પથરાળ કેડી પર વધુ ખરાબ ભૂમિમાં ચડાણ છે, બધાં થાકી ગયાં છે, વર્ષનો ખોટો સમય છે, ત્યારે સાચું ગીત સંભળાય છે.’ આ સંગ્રહનાં કાવ્યોમાં, ઑડનના ઇસ્ચિયા-નિવાસને કારણે, ભૂમધ્ય સમુદ્ર પાસેના પ્રદેશોની અને એના ધાર્મિક જીવનની સૌથી વિશેષ અસર છે. આ સંગ્રહનાં મુખ્ય કાવ્યો છે ઃ શીર્ષકકાવ્ય ‘ઍકિલીસની ઢાલ’, સાત-સાત કાવ્યોનાં બે કાવ્યગુચ્છો — ‘ગોપકાવ્યો’ અને ‘પ્રાર્થનાકલાકો’. ‘ઍકિલીસની ઢાલ’માં પ્રાચીન શિષ્ટ ગ્રીક વસ્તુવિષયને પડછે આધુનિક યુદ્ધોત્તર જગત અને જીવનનું વિશ્લેષણ છે. શાંત સરલ શિષ્ટ શૈલીસ્વરૂપને પડછે વ્યંગ અને વક્રતા છે. ઍકિલીસની માતા થેટિસ દેવ હિફીસ્ટસ જ્યારે ઍકિલીસની ઢાલનું સર્જન કરી રહ્યા હોય છે ત્યારે એ ઢાલ પર જે દૃશ્યો અંકિત થતાં જાય છે તેનું દર્શન કરી રહી છે. એને સુરાજ્ય, ધર્મ અને કળાનાં દૃશ્યોની અપેક્ષા છે અને સરમુખત્યારશાહી, લશ્કરશાહીનાં, વૈર અને હિંસાનાં દૃશ્યો અંકાય છે અને એને આઘાત થાય છે. પણ કાવ્યના અંતમાં ‘બળવાન, વજ્રહૃદયી, માનવભક્ષી ઍકિલીસ લાંબું જીવશે નહિ’ — પંક્તિઓમાં આ અન્યાયી નગર, અવ્યવસ્થા અને અનાગરિકતા અલ્પજીવી છે એવું સૂચન તો છે જ પણ એમાં સાથે સાથે એ છે તો કાલે, કાલાન્તરે ન્યાયી નગર, વ્યવસ્થા અને નાગરિકતા હશે, થશે એવું પણ સૂચન છે. દેવ હિફીસ્ટસે જેમ આ દૃશ્યોથી અંક્તિ એવી ઢાલ અલ્પજીવી ઍકિલીસને અર્પણ કરી છે, તેમ ઈશ્વરે, ખ્રિસ્તી ધર્મના ઈશ્વરે માનુષી પ્રેમ અને માનુષીનગરનું સર્જન કરી શકે એવી ઇચ્છાશક્તિ, સંકલ્પશક્તિ મનુષ્યને અર્પણ કરી છે. પણ જેમ ઍક્લિીસ અલ્પજીવી છે તેમ આ માનુષી પ્રેમ અને માનુષી નગર અલ્પજીવી છે, માત્ર દિવ્ય પ્રેમ અને દિવ્ય નગરની ભૂમિકારૂપ છે. આમ, આ કાવ્યમાં આજે માનુષી પ્રેમ અને માનુષી નગર છે તો કાલે, કાલાન્તરે દિવ્ય પ્રેમ અને દિવ્ય નગર હશે, થશે એવું સૂચન છે. ‘ગોપકાવ્યો’ સાત ગોપકાવ્યોનો ગુચ્છ છે. પણ એમાં ગોપજીવન કે ગોપસંસ્કૃતિ વસ્તુવિષય રૂપે નથી. આ કાવ્યો ઑડનના વિશિષ્ટ કાવ્યપ્રકાર ‘નૈતિક પ્રદેશ’ — નીતિમૂલક પ્રદેશની પરાકાષ્ઠારૂપ છે. ઑડનનું ધર્મજીવન ‘સારું સ્થળ’ (ગુડ પ્લેઇસ) અને ‘સારું જીવન’ (ગુડ લાઇફ) — આ બેની શોધરૂપ હતું. આ સાત કાવ્યો ‘પવનો’ (વિન્ડ્ઝ), ‘વનો’ (વૂડ્ઝ), ‘પર્વતો’ (માઉન્ટન્સ), ‘સરોવરો’ (લેઈક્સ), ‘ટાપુઓ’ (આયલૅન્ડ્ઝ), ‘મેદાનો’ (પ્લેઇન્સ) અને ‘ઝરણાંઓ’ (સ્ટ્રીમ્સ) માનસિક ભૂગોળનાં પ્રતીકરૂપ છે. પ્રત્યેક કાવ્યમાં એક પ્રદેશ કે પરિબળ છે એ દ્વારા સારું જીવન જીવવામાં મનુષ્યને સહાયરૂપ કે સંકટરૂપ એક માનસિક પરિબળનું સૂચન છે. ઑડને પ્રત્યેક કાવ્યમાં ભિન્ન ભિન્ન શ્લોક યોજ્યો છે અને એ દ્વારા વસ્તુવિષય અને શૈલીસ્વરૂપનું સંપૂર્ણ સાયુજ્ય સિદ્ધ કર્યું છે. ‘ગોપકાવ્યો’ એ કસબી-કારીગર-કલાકાર ઑડનની મહાન સિદ્ધિ છે. ‘પ્રાર્થનાકલાકો’ સાત પ્રાર્થનાકાવ્યોનો ગુચ્છ છે. ખ્રિસ્તી દેવળમાં પ્રાર્થનાનો નિશ્ચિત સમય હોય છે. પ્રાઇમ, સવારના છ; ટર્સ, સવારના નવ; સૅક્સ્ટ, બપોરના બાર; નૉન્સ, બપોરના ત્રણ; વૅસ્પર્સ, સાંજના છ; કૉમ્પ્લાઇન, રાતના નવ; અને અંતે લૉડ્ઝ, નવું સવાર. કાવ્યોનાં શીર્ષકો આ સમય સૂચવે છે અને કાવ્યોમાં તે તે સમયની પ્રાર્થના છે. ગુડ ફ્રાઈડેના દિવસે જિસસનો વધ થયો. પ્રત્યેક દિવસ એ ગુડ ફ્રાઇડેનું પુનરાવર્તન છે. મનુષ્યે પ્રત્યેક દિવસે ગુડ ફ્રાઇડેના દિવસનો અનુભવ પુનશ્ચ કરવાનો હોય છે. જિસસનો વધ એ પ્રત્યેક મનુષ્યનું પાપ છે. પણ જિસસનું બલિદાન એ ઈશ્વરની પ્રત્યેક મનુષ્ય પ્રત્યેની કરુણા છે, પ્રત્યેક મનુષ્યને ક્ષમા છે, એ પ્રત્યેક મનુષ્યનો મોક્ષ છે. આમ, પાપ એ કરુણા, ક્ષમા અને મોક્ષની ભૂમિકા છે. પાપ છે તો કરુણા, ક્ષમા અને મોક્ષ છે. આમ, આ કાવ્યમાં પૃથ્વીનો, મનુષ્યનો, માનુષી પ્રેમનો અને એ માનુષી પ્રેમપ્રેરિત અહોરાત અસંખ્ય કર્મો અને સર્જનોનો મહિમા છે અને એ સૌની પર ઈશ્વરનો આશીર્વાદ છે. આ કાવ્ય એ ઑડનનું ‘તત્કાલ’ પછીનું એકમાત્ર સંપૂર્ણપણે ધાર્મિક કાવ્ય છે. ઑડને ‘ગોપકાવ્યો’ની જેમ અહીં પણ પ્રત્યેક કાવ્યમાં ભિન્ન ભિન્ન છંદ અને ભિન્ન ભિન્ન શ્લોક યોજ્યો છે. (‘વૅસ્પર્સ’ એમાં અપવાદરૂપ છે, એમાં ઑડને ગદ્ય યોજ્યું છે.) અને એ દ્વારા વસ્તુવિષય અને શૈલીસ્વરૂપનું સંપૂર્ણ સાયુજ્ય સિદ્ધ કર્યું છે. આ કાવ્ય પણ કસબી-કારીગર-કલાકાર ઑડનની મહાન સિદ્ધિ છે. ૧૯૬૦માં ‘ક્લાયોને અંજલિ’ (હૉમેઇજ ટુ ક્લાયો) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ઑડને આ સંગ્રહ ઈ. આર. અને એ. ઈ. ડૉડ્સને અર્પણ કર્યો છે. એમાં ૩૨ કાવ્યો છે. એના અર્પણકાવ્યમાં આયુષ્યની અરધી સદી પછી પોતાની સ્થિતિનો ઉલ્લેખ છે, ‘વરસનો વરસાદ ઓછો થયો છે. ઘોંઘાટ કરવાથી એ વધવાનો નથી, એક વારનાં હર્યાંભર્યાં ખુલ્લાં ખેતરોમાં હવે પાણી ઓસર્યું છે, વધુ ઓસરતું જશે. પણ ફરિયાદ શા માટે? સંકટોની સામે સૂકી ખેતીની પદ્ધતિથી હજુ પાક લણી શકાશે.’ આ સમયે ઑડનના કાવ્યશાસ્ત્રનો, કવિતા વિશેના વિચારનો વિકાસ થયો હતો. કવિ તરીકે અને ખ્રિસ્તી તરીકે એમની સમક્ષ બે સંકટો હતાં. કવિ તરીકે કવિતા અને જીવનનું, સૌંદર્ય અને સત્યનું સંપૂર્ણ ઐક્ય શક્ય છે? શક્ય ન હોય તો મૌન ધારણ ન કરવું જોઈએ? ખ્રિસ્તી તરીકે પાપમાં જેની ઉત્પત્તિ અને જાદુ રૂપે જેની સ્થિતિ એવી કવિતાનું સર્જન શક્ય છે? શક્ય ન હોય તો ગદ્યનું સર્જન ન કરવું જોઈએ? અને છતાં પોતાનામાં અને અન્યમાં, મિત્રોમાં, વાચકોમાં બિન-ખ્રિસ્તી રૂપી પ્રેતનું મંત્રો દ્વારા પાપમોચન, શાપમોચન કરવા આયુષ્યના અંત લગી કવિતાનું સર્જન કર્યું. આ સંગ્રહમાં સંયોજક કાવ્ય ‘કવિતા અને સત્ય (એક અણલખ્યું કાવ્ય)’ [ડિશટુન્ગ ઉન્ડ વાહરહાઇટ (ઍન અનરિટન પોએમ)] — જે ગદ્યમાં છે તે અને સંગ્રહના બીજા વિભાગનું આ અર્પણકાવ્ય — જે પછીથી ૧૯૬૬માં ‘સમગ્ર લઘુકાવ્યો’ (કલૅક્ટેડ શૉર્ટર પોએમ્સ, ૧૯૨૭-૧૯૫૭) સર્વસંગ્રહ પ્રગટ કર્યો અને ઇશરવૂડ અને કાલમનને અર્પણ કર્યો ત્યારે એનું પણ અર્પણકાવ્ય — આ સંદર્ભમાં સૂચક છે ઃ ‘Although you be, as I am, one of those 
Who feel a Christian ought to write in prose, 
For poetry is magic: born in sin, you 
May read it to exorcise the Gentile in you.’ આ સંગ્રહનાં મુખ્ય કાવ્યો છે ઃ શીર્ષકકાવ્ય ‘ક્લાયોને અંજલિ’, ‘લોઅર ઑસ્ટ્રિયામાં અમેરિકન રસોડાના ઉદ્ઘાટન પ્રસંગે’ (ઑન ઇન્સ્ટૉલિંગ ઍન અમેરિકન કિચન ઇન લોઅર ઑસ્ટ્રિયા), ‘કવિતા અને સત્ય’, ‘શ્રીમતી પ્રકૃતિ’ (ડેઇમ કાઇન્ડ), અને ‘પહેલી વસ્તુઓ પહેલી’ (ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ). ‘ક્લાયોને અંજલિ’માં ક્લાયો એ પરંપરાગત અર્થમાં સમય અને ઇતિહાસની દેવી નથી પણ ‘મૌનની મૅડોના’ (મૅડોના ઑફ સાયલન્સિસ) છે. કાવ્યમાં પ્રકૃતિ અને સમય, ઇતિહાસ, સંસ્કૃતિ, મનુષ્ય વચ્ચે અસામ્ય અને સામ્ય દ્વારા મનુષ્ય પણ જ્યારે પ્રકૃતિની જેમ, વનસ્પતિ અને પશુ-પંખી-જંતુની જેમ વર્તન કરે છે ત્યારે ઘોંઘાટ કરે છે, વૈર અને હિંસા દ્વારા પાપ કરે છે એનું વક્રતાપૂર્વકનું વર્ણન છે. કાવ્યમાં આ ઘોંઘાટ પ્રત્યે, આ પાપ પ્રત્યે ક્ષમા કરવાની અને સમય અને ઇતિહાસમાં મનુષ્યના ઘોંઘાટોના માનસિક રોગ (ઍનામ્નેસિસ)ની કેઇસ-હિસ્ટરી દ્વારા મનુષ્યને ઘોંઘાટ પૂર્વેના અને પછીના મૌનનું સ્મરણ કરાવવાની ક્લાયોને, મૌનની દેવી મૅડોનાને પ્રાર્થના છે. આ મૌનનું સ્મરણ એ જિસસના જન્મ અને વધ સમયે મૅડોનાએ જે મૌન ધારણ કર્યું હતું તે મૌનના સંદર્ભમાં જિસસનું, જિસસના જન્મનું, બલિદાનનું સ્મરણ છે. સંગ્રહના પહેલા વિભાગના પૂર્વલેખમાં ઑડને એને ‘ઘટના’ (ધ ઇવૅન્ટ) નામ આપ્યું છે. આ સમયમાં માનસિક રોગ (ઍનામ્નેસિસ)ની કેસ-હિસ્ટરી, એનો ઇતિહાસ એ ઑડનનો પ્રિય શબ્દ હતો. આ કાવ્યમાં ઍનામ્નેસિસ એટલે ઘોંઘાટનો, ઘોંઘાટના પાપનો ઇતિહાસ, સંગ્રહના અર્પણકાવ્યમાં ‘ઘોંઘાટ’, ‘સંકટો’ અને ‘સૂકી ખેતીની પદ્ધતિ’ તથા બન્ને વિભાગનાં અર્પણકાવ્યો અને આ સમયમાં ઑડનના કવિજીવનમાં અને ધર્મજીવનમાં સંગીત અને મૌનનો જે અનુભવ હતો એના સંદર્ભમાં આ કાવ્યમાં મૌનનો મહિમા છે. અને અંતે મૌનની મૅડોના ઘોંઘાટને ક્ષમા કરશે એવું સૂચન છે. ‘અમેરિકન રસોડું’ કાવ્ય ઑડને પછીના સંગ્રહમાં ‘ઘર માટે આભારદર્શન’ (થૅન્કસગિવિંગ ફૉર એ હેબિટાટ) — કાવ્યગુચ્છમાં એના યોગ્ય સ્થાને સમાવ્યું હતું. એમાં આધુનિક રસોડું એ સંસ્કૃતિનું એક મહાન સર્જન છે, ભોજન એ એક મહાન આનંદ છે, એટલું જ નહિ એ એક અનિવાર્યતા છે અને માનુષી નગરમાં યુદ્ધ પૂર્વે પણ ભોજન સુલભ હશે, ભજન પૂર્વે ભોજન હશે એમ માનુષી નગરનો મહિમા છે. ઑડને પછીથી આ કાવ્યને નવું શીર્ષક આપ્યું હતું, ‘ભોજન પહેલાં, પછી ભજન’ (ગ્રબ ફર્સ્ટ, ધૅન ઍથિક્સ). ‘કવિતા અને સત્ય’માં કવિતા અને જીવન, સૌંદર્ય અને સત્યના સંબંધનું તાત્ત્વિક, માર્મિક વિશ્લેષણ છે. ‘આઈ લવ યુ’ શબ્દોનો જે અર્થ થાય છે તે પૂર્ણપણે સત્ય રૂપે કાવ્યમાં પ્રગટ કરવો અશક્ય છે એ વિશેનું પચાસ નાના ગદ્યખંડોનું આ કાવ્ય છે. એનું ઉપશીર્ષક ‘એક અણલખ્યું કાવ્ય’ અત્યંત સૂચક છે. વળી આ કાવ્યસંગ્રહના બે ખંડોની વચ્ચે સંયોજક કાવ્ય રૂપે યોજાયું છે એ પણ સૂચક છે. પછી બીજા વિભાગમાં પ્રથમ જ કાવ્ય છે ‘ડેઇમ કાઇન્ડ’. એમાં ડેઇમ કાઇન્ડ એટલે શ્રીમતી પ્રકૃતિ. ‘હું ચાહું છું’ એ વિશેનું કાવ્ય અશક્ય હોય પણ ચાહવું તો શક્ય છે. તો શ્રીમતી પ્રકૃતિના આશ્રયે, પ્રમુખપદે એ કાર્યક્રમ કરવો એટલે કે ચાહવું. આ કાવ્યમાં પ્રકૃતિનો મહિમા છે. ‘પહેલી વસ્તુઓ પહેલી’માં પ્રેમી એની પ્રિયતમા વિશે કાવ્ય કરે તે પૂર્વે રાતભર ઝંઝા, પ્રકૃતિ એને વિશે કાવ્ય કરવાનો પ્રયત્ન કરે છે પણ પ્રભાત થાય છે ત્યાં ‘પહેલી વસ્તુ પહેલી’નું દર્શન થાય છે — ગ્રીષ્મની રુદ્રતા પ્રગટે તે પૂર્વે રાતભર ઝંઝાએ, પ્રકૃતિએ પ્રેમીના કૂવામાં કેટકેટલું પાણી ભરી દીધું છે! કારણ કે ‘પ્રેમ વિના હજારો મનુષ્યો જીવ્યા છે, પાણી વિના એક પણ મનુષ્ય જીવ્યો નથી.’ આમ, આ કાવ્યમાં પ્રકૃતિનો મહિમા છે. ૧૯૬૬માં ‘ઘર વિશે’ (અબાઉટ ધ હાઉસ) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એમાં ૩૩ કાવ્યો છે. સંગ્રહનું શીર્ષક સૂચવે છે તેમ ઘર વિશેનાં કાવ્યો એ આ સંગ્રહનાં મુખ્ય કાવ્યો છે. ઘર વિશેનાં આ ૧૨ કાવ્યોના ગુચ્છનું શીર્ષક છે, ‘ઘર માટે આભારદર્શન.’ આ ઘર તે ઑડનનું લોઅર ઑસ્ટ્રિયામાં કિર્ચસ્ટેટનમાં ખેતરખૂણાનું ઘર. આ ઘર ઑડને ૧૯૫૭માં ખરીદ્યું હતું. ત્યારથી તે આયુષ્યના અંત લગી ઑડન આ ઘરમાં વરસમાં વસંત-ગ્રીષ્મના એપ્રિલથી મધ્ય-ઑક્ટોબરના છ મહિના મિત્ર ચૅસ્ટર કાલમન સાથે વસ્યા હતા. કિર્ચસ્ટેટન વિયેનાથી પશ્ચિમે ૨૫ માઇલ દૂર, ‘વનાંચલ’ (વાઇનવૉલ્ડ-વિયેના વુડ્ઝ) પર. ગામની વસ્તી માંડ ૭૦૦, ગામમાંથી જે માર્ગ ઑડનના ખેતરખૂણાના ઘર ભણી જાય તેનું નામ ‘ઑડનમાર્ગ’ (ઑડનસ્ટ્રાસ). ઑડનના બહુમાનમાં ગ્રામસમિતિએ આ માર્ગનું ઑડનમાર્ગ નામાભિધાન કર્યું હતું અને માર્ગ પર એ નામનું વાદળી-ધોળા રંગનું રીતસરનું પાટિયું મૂક્યું હતું. ઘરનું સરનામું ૬, હિન્ટૅરહૉલ્ત્સ. ગામલોકમાં ઑડનનું (અને કાલમનનું પણ) ‘પ્રોફેસરસાહેબ’ (હૅર પ્રોફેસર) એવું હુલામણું નામ. એથી ઑડન અવારનવાર ગામના પાદરી, શિક્ષક, કૅમિસ્ટ, ડૉક્ટર આદિને રાતે ભોજન માટે બોલાવી શકે, પણ બર્ગોમાસ્ટર વિદ્વાન નહિ એથી એમને ન બોલાવી શકે. ઑડન એક મોટા વિદ્વાન માણસ છે અને વળી ક્યાંક મોટા કવિ માણસ ગણાય છે એવી ગામલોકમાં ઑડનની આબરૂ. ઑડન રવિવારે ગામના નાના ધોળા દેવળ (હૅબ્સબર્ગિયન ચર્ચ)માં કાળો સૂટ પહેરીને ગામના ખેડૂતો, ખાટકીઓ, ભાડભૂંજાઓ વગેરે લોકોની સાથે ‘પ્રાર્થના’ (માસ) માટે જાય, સવાર-સાંજ જરૂર પ્રમાણે ગામમાં ખરીદી માટે જાય. ઘરમાં ઑડન ‘નિયમિત માણસ’ (પંક્ચ્યુઅલ મૅન). બધું ઘડિયાળને પૂછીપૂછીને કરે — ખાવું, પીવું, લખવું, સંગીત સાંભળવું, વાંચવું, રાંધવું (ઑડન અને કાલમન બન્ને સ્વયંપાકી), લંડનનાં ‘ધ ટાઇમ્સ’ આદિ દૈનિકમાં શબ્દરચના (ક્રૉસવર્ડ પઝલ) ભરવી — બધું નિયમિત, વ્યવસ્થિત. સવારે ૮ નાસ્તો, ૧૧ લગી શબ્દરચના, ૧૧ ચા (ઇલેવન્સિસ), બપોરે ૧ મદ્યપાન, ભોજન, ૪ ચા, સાંજે ૬ વૉડકા માર્ટિનિ, ૭-૩૦ મદ્યપાન, ભોજન; ૮ સંગીત, મદ્યપાન, રાતે ૯ નિદ્રા. આમ, ઘરમાં ઘડિયાળનું રાજ (ઑડનની કવિતામાં ઘડિયાળ એક મુખ્ય પ્રતીક છે અને એનો નૈતિક-આધ્યાત્મિક-ધાર્મિક અર્થ છે). ‘હું એનો ગુલામ છું. એ કહે નહિ ત્યાં સુધી મારે શું કરવું એની મને ખબર ન પડે. માણસને ભૂખ લાગી છે કે નહિ એ જ્યાં સુધી એ ઘડિયાળમાં ન જુએ ત્યાં સુધી એને ખબર ન પડે.’ આમ, ધાર્મિક વિધિ જેવું એમનું જીવન. ઠેકાણા વિનાનાં કપડાં, આંગળાંથી ઓળેલા વાળ, પગમાં સતત કાર્પેટ-સ્લિપર્સ, હાથમાં સતત પ્લેયર્સ નેવી કટ સિગરેટ, એથી એક હાથનાં પીળાશ પડતાં આંગળાં, નેત્રમાંથી ક્યારેક નીર નીતરે, નમેલી ચાલ, સંપૂર્ણ ઔપચારિક રીતભાત. આસપાસ ભીંત પર સ્ટ્રાવિન્સ્કી, યેટ્સ, સ્ટ્રાઉસ વગેરેની છબીઓ, ઑપેરા-સંગીતની રેકર્ડ્ઝ, સુન્દર ઑસ્ટ્રિયન કબાટ, વપરાશજોગ સાદી ખુરશીઓ, પાકશાસ્ત્ર, વ્યાકરણ આદિ પુસ્તકો અને, અલબત્ત, શબ્દરચનાઓ અને ૧૨ ગ્રંથની ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી. આ છે ઑડનના ઘરનું અને એ ઘરમાં ઑડનનું ચિત્ર. સ્પેન્ડરે એમની અંજલિમાં કહ્યું છે, ઑડનને, એકલવાયા ઑડનને પોતાનું એક ઘર હોય એવી જીવનભર ઝંખના હતી. એ આવા ઘરને ‘નેસ્ટ’ — માળો, નીડ કહેવાને તૈયાર હતા. ઑડન તો ઊડતું પંખી, ઊડવા આખું આકાશ જોઈએ. આજે અહીં કાલે ત્યાં. પણ સાંજ પડે પાછા વળવા માળો જોઈએ. ઑડને સ્પેન્ડરને કહ્યું હતું — એમ સ્પેન્ડરે અંજલિમાં નોંધ્યું છે — ઑસ્ટ્રિયાના ઘરના બગીચામાં ક્યારેક એ ઊભા હોય ત્યારે પોતાને પોતાનું કહેવાય એવું એક ઘર છે એ માટે એમણે કૃતજ્ઞતાનો ગદ્ગદ ભાવ અનુભવ્યો હતો. એથી જ આ કાવ્યગુચ્છનું શીર્ષક છે ‘ઘર માટે આભારદર્શન’. એમાં ૧૨ કાવ્યોમાં પ્રથમ બે કાવ્યોમાં વાસ્તુકલાના જન્મ અંગેની નાન્દી અને ગૃહપ્રાપ્તિ અંગે આભારદર્શન છે અને પછીનાં ૧૦ કાવ્યોમાં અનુક્રમે અભ્યાસખંડ, ભોંયરું, માળિયું, જાજરૂ, બાથરૂમ, રસોડું, અતિથિખંડ, ભોજનખંડ, શયનખંડ અને દીવાનખાનું એમ ઘરનાં વિવિધ સ્થાનોમાં દિનપ્રતિદિન વિવિધ સમયે વિવિધ પ્રકારનો જે નિત્યક્રમ, વિવિધ પ્રકારની જે દિનચર્યા — એનું આ કાવ્યમાં વિગતે, ક્યાંક હળવું, ક્યાંક ગંભીર વર્ણન અને વિશ્લેષણ છે. એમાં જેવો છે તેવો મનુષ્ય અને જેવું છે તેવું એનું નિત્યનું જીવન — બન્નેનો મહિમા થયો છે. ૧૯૬૯માં ‘દીવાલ વગરનું નગર’ (સિટી વિધાઉટ વૉલ્સ) કાવ્યસંગ્રહ પ્રગટ થયા. ઑડને આ સંગ્રહ પીટર હૅવર્થને અર્પણ કર્યો છે. એમાં ૩૭ કાવ્યો છે. એના અર્પણકાવ્યમાં ‘વીસની વયે માણસ જાતે મિત્રો શોધે છે પણ સત્તાવનની વયે તો ભગવાનની મહેરબાની હોય તો જ મિત્ર જડે’ એવી મૈત્રી અને મિત્ર પ્રત્યેની કૃતજ્ઞતા છે. આ સંગ્રહનાં મુખ્ય કાવ્યો છે ઃ પ્રથમ શીર્ષકકાવ્ય ‘દીવાલ વગરનું નગર’ અને અંતિમ આત્મકથનાત્મક કાવ્ય ‘સાઠે નાન્દી’ (પ્રોલૉગ ઍટ સિક્સ્ટી). બન્નેમાં વર્ણસગાઈયુક્ત ઍન્ગ્લો-સૅકસન છંદ અને શ્લોકનું, અવાજ અને મિજાજનું સામ્ય છે. ‘દીવાલ વગરનું નગર’ યુદ્ધોત્તર સમયમાં આધુનિક માનુષી નગર — ન્યૂયૉર્કનું, આધુનિક સંસ્કૃતિનું, આધુનિક મનુષ્યજીવનનું વર્ણન અને વિશ્લેષણ છે. આ કોટ વિનાનું નગર છે. અરક્ષિત નગર છે. અણુબૉમ્બ પછીના આજના યુગના મનુષ્યના જીવનમાં શૂન્યતા, દુ:સ્વપ્ન, નિ:સારતા, નિષ્ક્રિયતા, કામવાસના, હિંસા, બેચેની, નિર્વેદ, એકલતા આદિ અનુભવોની ચિકિત્સા છે. ઑડને આ કાવ્યમાં આધુનિક યુગનું ‘યાંત્રિક યુગ’ (ગૅજૅટેડ ઍઇજ) એવું નવું નામાભિધાન કર્યું છે. પયગંબર તેમજ કટાક્ષકાર (જૅરેમિહા-કમ-જુવેનલ) રૂપે સવારના ત્રણ વાગ્યે ન્યૂયૉર્ક વિશેનું આ ચિંતનકાવ્ય છે. ‘સાઠે નાન્દી’માં ભૂતકાળનું સ્મરણ, વર્તમાનનું વિવરણ અને ભાવિનું ચિંતા-ચિંતન છે. એમાં ઑડનનો મિતાક્ષરી આત્મપરિચય છે અને સાઠનો અને સોળનો કેમ મેળ મળશે એવો પોતાને અને યુવાનોને પ્રશ્ન છે. આ કાવ્ય વાચ્યાર્થમાં ‘સાઠે નાન્દી’ છે. હવે પછીના સમગ્ર કાવ્યસંગ્રહની નાન્દીરૂપ આ કાવ્ય છે. ૧૯૭૨માં ‘ધર્મપુત્રને કાવ્યપત્ર’ (ઍપિસલ ટુ એ ગૉડસન) કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એમાં ૩૩ કાવ્યો છે. ઑડને આ સંગ્રહ ઑર્લાન ફૉક્સને અર્પણ કર્યો છે. એના અર્પણકાવ્યમાં કવિ તરીકે અને મનુષ્ય તરીકે ઑડનના સમગ્ર ભૂતકાળ, વર્તમાન અને ભાવિના પ્રશ્નનો ઉલ્લેખ છે ઃ ‘Each year brings new problems of Form and Content, 
new foes to tug with at Twenty I tried to 
vex my el-ders, past Sixty it’s the young whom 
I hope to bother.’ ‘પ્રત્યેક વર્ષ સ્વરૂપ અને વસ્તુના નવા પ્રશ્નો, લડવા માટે નવા શત્રુઓ લાવે છે ઃ વીસનો હતો ત્યારે મેં મારા મોટેરાઓને પજવવાનો પ્રત્ન કર્યો હતો. સાઠ પછી, હવે હું નાનેરાઓને ચીડવવાની આશા રાખું છું.’ ૧૯૨૨-૨૭માં ઑડને કવિતાનો આરંભ કર્યો ત્યારે ઇંગ્લંડ-અમેરિકા-યુરોપમાં મુક્ત છંદ (ફ્રી વર્સ) અને અતિવાસ્તવવાદ (સર્રિયાલિઝમ), આવાં ગાર્દનું વર્ચસ્‌ હતું. ઑડને એના આક્રમણની સામે પ્રતિકાર કર્યો, એનો અસ્વીકાર કર્યો અને જીવનભર સ્વરૂપ અને વસ્તુના પ્રશ્નનો પોતાની મૌલિક પ્રતિભા પ્રમાણે ઉત્તર આપ્યો. આ સંગ્રહમાં બે મુક્તકો આ સંદર્ભમાં સૂચક છે, ‘ભલું થજો બધા જ પિંગળના નિયમોનું, જે બધા જ સ્વયંચાલિત પ્રતિભાવોને મના ફરમાવે છે, સ્વના બંધનમાંથી મુક્ત એવા પુનર્વિચારો કરવાની આપણને ફરજ પાડે છે.’ ‘ના! અતિવાસ્તવવાદીઓ, ના! ના, બેફામમાં બેફામ કાવ્યો પણ ગદ્યની જેમ નક્કર સામાન્ય બુદ્ધિમાં દૃઢપણે રોપાયેલાં હોવાં જોઈએ.’ ઑડને એક સંવાદમાં કહ્યું હતું, ‘મારા મનમાં હંમેશાં બે વસ્તુઓ હોય છે — મારી પાસે હંમેશાં સ્વરૂપ અને વસ્તુ હોય છે. સ્વરૂપ વસ્તુને શોધતું હોય છે અને વસ્તુ સ્વરૂપને શોધતું હોય છે અને જ્યારે બન્ને એકમેકને મળે ત્યારે કાવ્ય કરી શકાય’. આ અર્પણકાવ્યમાં ઑડને ‘ઇચ ઇયર’ (પ્રત્યેક વર્ષ) શબ્દપ્રયોગ કર્યો છે તે વાચ્યાર્થમાં સોએ સો ટકા સાચો છે. વરસે વરસે ઑડને આ પ્રશ્નનો, આ શત્રુનો સામનો કર્યો છે અને વરસે વરસે એમણે એનો ઉત્તર આપ્યો છે, વિજય પ્રાપ્ત કર્યો છે. ઑડનની કવિતામાં સ્વરૂપ અને વસ્તુનું કેટકેટલું વૈપુલ્ય છે, કેટકેટલું વૈવિધ્ય છે અને કેટકેટલું વૈચિત્ર્ય પણ છે; અને સ્વરૂપ અને વસ્તુનું કેવું સંપૂર્ણ અદ્વૈત છે! ઑડનની પ્રયોગશીલ, ના, પ્રયોગખોર સર્જનશક્તિ અખૂટ હતી. સંગ્રહે સંગ્રહે અને કાવ્યે કાવ્યે એની પ્રતીતિ થાય છે. ઑડનની આ શક્તિ વિશે ઇશરવૂડે કહ્યું છે, ‘તમે એને કહી શકો ઃ અમુક પ્રકારની ટૂથપેસ્ટના ગુણો પર મને એક ડબલ બાલાદ લખી આપો, જેમાં પ્રસિદ્ધ રાજપુરુષોનાં નામ પર ઓછામાં ઓછાં દસ ઍનેગ્રામ્સ પણ હોય અને જેનું ધ્રુવપદ આમ હોય… ચોવીસ કલાકમાં તમારું બાલાદ તૈયાર — અને સરસ.’ કોઈ પણ મોટા ગજાના કવિને એનું પોતાનું લખ્યું-વણલખ્યું કાવ્યશાસ્ત્ર હોય છે. એથી એમ પણ કહી શકાય કે જેને પોતાનું કાવ્યશાસ્ત્ર ન હોય તે મોટા ગજાનો કવિ નથી. ઑડનને પોતાનું કાવ્યશાસ્ત્ર હતું. આ કાવ્યશાસ્ત્ર એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. આ સંગ્રહમાં બે મુક્તકો આ ‘વીસ’ અને ‘સાઠ’ના સંદર્ભમાં સૂચક છે, ‘મારે ચોસઠની વયે શું લખવું?’ એ સાચો પ્રશ્ન છે. પણ ‘મારે ઓગણીસસો-ઇકોતેરમાં શું લખવું?’ એ નરી મૂર્ખતા છે.’ ‘આજે બે કાવ્યો લખાવા માટે વિનંતી કરતાં આવ્યાં ઃ મારે બન્નેને પાછાં કાઢવાં પડ્યાં. ‘માફ કર, હવે નહિ, દોસ્ત!’ ‘માફ કર, મોંઘેરા, હમણાં નહિ!’ ઑડને એક સંવાદમાં કહ્યું હતું, ‘મારી કવિતા સ્થળ પ્રમાણે બદલાતી નથી — વય પ્રમાણે બદલાય છે. વય પ્રમાણે વર્તવું બહુ જરૂરી છે. પ્રત્યેક વયે તમને વધુ ખાતરી હોય છે કે તમે કોણ છો અને એથી વધુ સ્વ-અર્થી આનંદ થાય છે, તમને ક્યા પ્રકારની વસ્તુઓમાં રસ છે, તમારે શું કરવું છે, શું નથી કરવું એ તમે જાણતા હો છો. મારે હવે પછી શું કરવાનું છે તે હું પ્રત્યેક વયે જાણતો હતો.’ કવિ ‘મારે ચોસઠે શું લખવું છે?’ એવો અંગત પ્રશ્ન ન પૂછે અને ‘૧૯૭૧માં શું પ્રસ્તુત છે? ૧૯૭૧માં મારે શું લખવું જોઈએ?’ એવો પ્રશ્ન પૂછે એને ઑડને સમયની ગુલામી ગણી હતી, કારણ કે કવિ ચોસઠે શું લખે છે એ અગત્યનું હોય, પણ કવિ ૧૯૭૧માં શું લખે છે એ બિલકુલ બિન-અગત્યનું છે. જીવનની પ્રત્યેક વયે ઑડને તે તે સમયના પ્રતિનિધિ તરીકે નહિ પણ વ્યક્તિ તરીકે પોતાની અંગત આંતરિક સર્જકતાની અનિવાર્ય જરૂર પ્રમાણે અને સમૂહ માટે નહિ પણ વ્યક્તિ માટે, એની પોતાની અંગત સભાનતાને સંબોધીને કવિતાનું સર્જન કર્યું છે. ઑડન ડામ વિનાના, લેબલ વિનાના, કંઠી વિનાના (મેવરિક) કવિ હતા. એમનું પ્રત્યેક કાવ્ય કલ્પનાતરંગ (ફૅન્ટસી) છે. એમને કોઈ પક્ષ, પંથ, વાદ ન હતો. એમની કવિતામાં કોઈ પ્રચાર, પ્લૅન, પ્રોગ્રામ ન હતો. એમના સૌ સંબંધો વ્યક્તિગત હતા. સંસ્થાગત ન હતા. ‘ઑડન ગ્રુપ’ એમણે સ્થાપ્યું ન હતું. એ સ્વયંખ્યાત ‘નેતા’ ન હતા. એમણે કદી નેતાપદું કર્યું ન હતું. ચોથા દાયકામાં કંઈક ટોળામાં ભળવા જેવું, ડાબેરી બાજુ ઢળવા જેવું, એમને ‘પિન્ક’ કહી શકાય એવું થયું હતું. તો એની એમણે જીવનભર કિંમત ચૂકવી હતી. એ સમયનું બધું જ કોઈ દુ:સ્વપ્નની જેમ ભૂલી જવાનો એમણે જીવનભર પ્રયત્ન કર્યો હતો. કેટલાંક કાવ્યો પણ રદ કર્યાં હતાં. નાના હતા ત્યારે નાનપણને શોભે એવી ભાષામાં, શૈલીમાં, એવા સ્વરૂપમાં એમણે મોટેરાઓને પ્રશ્નો પૂછ્યા હતા — બલકે પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પજવ્યા હતા. આ અર્પણકાવ્યમાં ‘ટ્રાઇડ’ (પ્રયત્ન કર્યો) અને ‘વૅક્સ’ (પજવવાનો) બન્ને શબ્દો અત્યંત સૂચક છે, કારણ કે એ પ્રશ્નો અનુત્તર રહ્યા હતા, બધિર કાને પડ્યા હતા. પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાવ્યો (૧૯૩૦)’ના પ્રથમ કાવ્યસંગ્રહના જ એક કાવ્યમાં એમણે પ્રશ્ન પૂછ્યો હતો ઃ ‘Will you turn a deaf ear…?’ ઑડન પ્રથમથી જ આ કાનને પામી ગયા હતા. આ અર્પણકાવ્યમાં ‘વૅકસ’ (પજવવાનો) શબ્દ અત્યંત સૂચક છે. ઑડને જીવનનો અને કવિતાનો આરંભ કર્યો ત્યારે જ પ્રેમ વિનાના મનુષ્યનો, પ્રેમ વિનાના સમાજનો અનુભવ કર્યો. વૈર, હિંસા અને યુદ્ધ એ મનુષ્યજાતિના રોગો છે અને એનું એકમાત્ર ઔષધ છે પ્રેમ — એ દર્શન કર્યું. નાના ઑડને મોટામસ માણસોને, મોટેરાઓને પ્રશ્ન પૂછ્યો, એમના ઑડનસૂરીલા અવાજમાં પ્રશ્ન પૂછ્યો ઃ ‘What do you think about England, this country of ours where nobody is well?’ ‘શું માનો છો તમે આ આપણા દેશ ઇંગ્લંડ વિશે, જ્યાં કોઈ સાજુંસમું નથી?’ એમાં ‘થિન્ક’ (માનો છો) અને ‘વૅલ’ (સાજુંસમું) બન્ને શબ્દો અત્યંત સૂચક છે. હજુ આ પ્રશ્નનો મોટેરાઓ ઉત્તર આપે ન આપે ત્યાં તો યુરોપમાં હિટલર સત્તારૂઢ થયો, સ્પેનમાં આંતરવિગ્રહ થયો, પ્રગતિશીલોનો પરાજય થયો, બીજું વિશ્વયુદ્ધ થયું. એક પછી એક ત્વરિત ગતિએ વૈર, હિંસા અને યુદ્ધનો વધુ ને વધુ વિષમ, વિકટ, વેદનામય એવો વિશ્વવ્યાપી અનુભવ થયો. ઑડનની કવિતા ઇંગ્લંડમાંથી યુરોપમાં અને યુરોપમાંથી વિશ્વમાં ખસી. ઑડન ઇંગ્લંડમાંથી અમેરિકામાં અને અમેરિકામાંથી યુરોપમાં ખસ્યા, ઑડનનું દર્શન ઉદારમતવાદ-માનવતાવાદમાંથી ધર્મમાં ખસ્યું અને ધર્મમાં ઠર્યું. નાના હતા ત્યારે નૂતન મનુષ્યનું, નૂતન સમાજનું સર્જન થાય એ અર્થે મોટેરાઓને પ્રશ્ન પૂછ્યા હતા. પણ નૂતન મનુષ્યનું, નૂતન સમાજનું સર્જન ન થયું. ઊલટાનું અણુશસ્ત્રો, વિયેટનામ, ડ્રગ્સ, પરમિસિવનેસ આદિના યુદ્ધોત્તર જગતનું, નાના હતા ત્યારે જે જગત એમને અસ્વીકાર્ય હતું એને સારું કહેવડાવે એવા જગતનું સર્જન થયું. મોટા થયા ત્યારે આયુષ્યની એક પૂરી પચ્ચીશી એમણે એમના એ જ ઑડનસૂરીલા અવાજથી નાનેરાઓને પ્રશ્નો પૂછ્યા હતા — બલકે પૂછવાની આશા રાખી હતી, ચીડવ્યા હતા. આ અર્પણકાવ્યમાં ‘હોપ’ (આશા રાખું છું) અને ‘બૉધર’ (ચીડવવાની) બન્ને શબ્દો સૂચક છે. નાનેરાઓ અને મોટેરાઓ બન્ને એક જ પરિસ્થિતિમાં એકસમાન પ્રશ્નોની વચ્ચે જીવે છે એવી નાનેરાઓ પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિથી એમણે નાનેરાઓને કેટલાક પાયાના પ્રશ્નો પૂછ્યા છે. વિયેનામાં અનેક મિત્રો, અને વિશેષ તો યુવાન મિત્રો સાથે અનેક વિષયો પર સંવાદ એ એમનો પ્રિય વ્યવસાય હતો. એમણે નાનેરાઓ વિશે કેટલાક સંવાદોમાં કહ્યું હતું, ‘આ બધી બે પેઢીઓ વચ્ચેની ખાઈ વિશેની વાત મને મંજૂર નથી. આપણે બધા સમકાલીનો છીએ. સ્મરણ જુદાં જુદાં છે એટલું જ… હું સિગરેટ-દારૂની સંસ્કૃતિની સરજત છું. હું ડ્રગ્સનો પ્રતિકાર કરું છું… યુવાનોને ભૂતકાળમાં રસ નથી, કારણ કે એમને કોઈ ભવિષ્ય હોય એવું તેઓ માનતા નથી…હું માનું છું કે મને યુવાનોની સૌથી વધુ ચિન્તા છે, અને પેલાં ડ્રગ્સની. હે ભગવાન, ચોથા દાયકામાં અમને દુઃખ અને મૂંઝવણ હતાં; પણ અમને કંટાળો કદી ન હતો. જીવવા જેવું જીવન હતું…’ ૧૯૭૩ના ફેબ્રુઆરીમાં ઑક્સફર્ડ સમયના મિત્ર રિચર્ડ ક્રૉસમૅન સાથેની બીબીસી પરની ટેલિવિઝન મુલાકાતમાં આજના જીવનનું પોત બહુ નબળું છે અને એથી પોતે વધુ ને વધુ નિરાશ થતા જાય છે એવો ભાવ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહનાં મુખ્ય કાવ્યો છે ઃ પ્રથમ શીર્ષકકાવ્ય ‘ધર્મપુત્રને કાવ્યપત્ર’, ‘વડીલ નાગરિકનું જોડકણું’ (ડૉગૅરૅલ બાય એ સિનિયર સિટિઝન) અને ‘મુક્તકો-૨’ (શૉર્ટ્સ-૨)માંનાં કેટલાંક મુક્તકો. ‘ધર્મપુત્રને કાવ્યપત્ર’ એ સ્પેન્ડરના પુત્ર ફિલિપ સ્પેન્ડરને, ‘નશાખોર દીક્ષાદાતા પિતા’ (બૂઝી ગૉડફાધર)નો દીક્ષિત પુત્રને પત્ર છે. એમાં પોતે નાના હતા ત્યારે ભૂતકાળમાં જે જગતમાં જીવ્યા હતા એનું સ્મરણ છે અને જેમાં ભવિષ્યમાં ફિલિપને જીવવાનું છે તે જગતનું વર્ણન અને વિશ્લેષણ છે. ‘વડીલ નાગરિકનું જોડકણું’માં એક વડીલ નાગરિકનું જોડકણું છે, ‘૧૯૬૯ની પૃથ્વી એ જેને હું મારો ગ્રહ કહી શકું તેવી નથી… મારા સ્વર્ગનાં દૃશ્યો અને એનું વાતાવરણ એ ઍડવર્ડિયન સમયની સરજત છે.’ આ કાવ્યમાં પણ ‘ધર્મપુત્રને કાવ્યપત્ર’ જેવું જ સ્મરણ તથા વર્તમાન સમયનાં ઘર, નગર, કુટુંબ, સમાજ, સાહિત્ય, ધર્મ આદિનું વર્ણન અને વિશ્લેષણ છે. મુક્તકો સ્વયંસ્પષ્ટ છે. ‘હા, જે સમાજ હડકાયો, અકરાંતિયો, ખાઉધરો હોય તે ગંધાય છે, હું બિલકુલ સંમત છું; પણ, વિદ્રોહી વિદ્યાર્થીઓ, શા માટે, શા માટે વિરોધ કરો છો, એની જ અમાનવીય જાહેરખબરોની ભાષામાં? તમારે જો આપણા દેશને નાગરિક કરવો હશે તો પ્રથમ તો તમારે તમારી ભાષા નાગરિક કરવી જોઈશે.’ ઑડને વારંવાર અનેક સંવાદોમાં કહ્યું હતું, ‘કવિની કવિ તરીકે — અને નહિ કે નાગરિક તરીકે એકમાત્ર રાજકીય ફરજ છે અને તે છે પોતાની ભાષાને ભ્રષ્ટ થવા ન દેવી. અને હવે એ ફરજ ખાસ ગંભીર બની છે. ભાષા બહુ ઝડપથી ભ્રષ્ટ થતી જાય છે. ભાષા જ્યારે ભ્રષ્ટ થાય છે ત્યારે લોકો જે કંઈ સાંભળે છે એમાંથી વિશ્વાસ ગુમાવે છે અને એમાંથી હિંસા થાય છે.’ ન્યૂયૉર્ક, ઇસ્ચિયા, કિર્ચસ્ટેટન, ઑક્સફર્ડ — પ્રત્યેક ઘરમાં ઑડને ૧૨ ગ્રંથની ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી વસાવી હતી — ‘મને ઓ. ઇ. ડિ.માં શ્રદ્ધા છે.’ એ એમની સદાની સહચરી હતી. ઑડનની કવિતાની વિશેષ તો ઉત્તરજીવનની કવિતાની પૂરી સમજ માટે વાચકે પણ ઓ. ઇ. ડિ. વસાવવી રહી અને એમાં શ્રદ્ધા ધરાવવી રહી. ઑડનની ઉત્તરજીવનની કવિતા = બાઇબલ + ઓ.ઇ.ડિ. ‘જાહેરમાં કપડાં કાઢીને ભૂડાં શબ્દોનો શોર શીદને મચાવો છો? નાનડિયાઓ, એમ હોય કે તમારામાંથી કોઈને મિત્રો નથી?’ ‘તરુણવયમાં, અલબત્ત, ક્યારેક હું રોષમાં અને દુઃખમાં હતો. પણ એક પણ વાર મેં કંટાળો અનુભવ્યો હોય એવું મને યાદ નથી.’ ‘મને વહેમ છે કે હાસ્યના પ્રચ્છન્ન સૂર વિના આજે સાચી ગંભીર કવિતા લખી શકાય નહિ.’ ઑડને જીવનભર, વિશેષ તો ઉત્તરજીવનમાં અનેક પ્રકારના, અનેક શૈલીના હાસ્યના પ્રચ્છન્ન જ નહિ, ક્યારેક તો પ્રસ્ફુટ સૂર સાથે સારી ગંભીર, અતિગંભીર કવિતાનું સર્જન કર્યું હતું. અનેક વાચક-વિવેચકો ઑડનની કવિતામાં હળવું-ગંભીર, સાંપ્રદાયિક-બિનસાંપ્રદાયિક, મનોવૈજ્ઞાનિક-રાજકીય-ધાર્મિક એવા જાણે કે ભેદ હોય એવા ભ્રમમાં છે. જાણે કે બે ઑડન ન હોય! ૧૯૩૯ પૂર્વેના ઑડન અને ૧૯૩૯ પછીના ઑડન! આ-કે-તે-વાદીઓ અને ઉદારમતવાદી-માનવતાવાદીઓ ૧૯૩૯ પૂર્વેના ઑડનને મોટા કવિ માને છે. ખ્રિસ્તીઓ ૧૯૩૯ પછીના ઑડનને મોટા કવિ માને છે. પણ એક જ ઑડન છે. ૧૯૩૯માં ધર્મપરિવર્તન કર્યું, દેવળમાં ગયા, ઍન્ગ્લો-કૅથલિક થયા. પછી પણ એમની કવિતાનું કેન્દ્ર તો પૂર્વવત્ જ રહ્યું છે, માનુષી પ્રેમ અને માનુષી નગર. પણ હવે એને મનોવિજ્ઞાન-રાજકારણ-ઇતિહાસ ઉપરાંત ધર્મનો પણ પરિપ્રેક્ષ્ય છે. ૧૯૩૯ પૂર્વે ધર્મનો પરિપ્રેક્ષ્ય ન હતો ત્યારે પણ એમાં ધર્મનો પ્રચ્છન્ન સૂર તો હતો જ. જેમ ઑડનના જીવનમાં તેમ જ એમની કવિતામાં આરંભથી જ ધર્મ ગોપન રૂપે રહ્યો હતો. નાટકોના સહસર્જન સમયે ઇશરવૂડે કહ્યું હતું, ‘અમે સહસર્જન કરીએ છીએ ત્યારે મારે એની પર નજર રાખવી પડે છે, નહિતર પાત્રો ઘૂંટણિયે પડી જાય છે અથવા તો દેવદૂતોના અવાજો વૃન્દગાન રૂપે પ્રવેશી જાય છે.’ ૧૯૩૯ પછી પણ ઑડને રહસ્યવાદી કવિતા (રહસ્યવાદ અને રોમેન્ટિક પ્રેમ પ્રત્યે ઑડનની શંકાદૃષ્ટિ હતી), ભક્તિકવિતા કે પરંપરાગત ધાર્મિક કવિતાનું સર્જન કર્યું નથી. ‘સપ્ટેમ્બર ૧, ૧૯૩૯’માં શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું ઃ આપણે એકમેકને ચાહવું ઘટે, નહિતર છે મૃત્યુ. ‘We must love one another or die.’ ત્યારે પણ કાવ્યને અંતે એમણે માત્ર પ્રશ્નાર્થ રૂપે આશાવચન જ ઉચ્ચાર્યું હતું, ‘May I, composed like them 
of Eros and of dust, 
Beleaguered by the same 
Negation and despair, 
Show an affirming flame.’ ‘હું સૌની જેમ માનુષી પ્રેમ અને માટીનું સર્જન છું, નાસ્તિ અને નિરાશાની વચમાં વસું છું, પણ હું અસ્તિ-જ્યોત પ્રગટ કરું?’ ૧૯૩૯ પૂર્વેની મિશ્ર લાગણીની વક્રતાપૂર્ણ કવિતામાં પણ કદાચ નૂતન મનુષ્ય, નૂતન સમાજનું સર્જન કદી નહિ થાય; મનુષ્યને, વિશ્વને પૂર્ણતા કદી પ્રાપ્ત નહિ થાય એવો ધ્વનિ પણ હતો. એથી તો પછીથી એમણે આપણે એકમેકને ન ચાહીએ તો જ મરણ છે એમ નહિ પણ આપણે એકમેકને ચાહીએ તો પણ પછી તો મૃત્યુ જ છે એવો ધ્વનિ, ‘We must love one another and die.’ ‘આપણે એકમેકને ચાહવું ઘટે અને પછી છે મૃત્યુ’ — એવા પાઠાન્તર દ્વારા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ૧૯૩૯ પછીની સમગ્ર કવિતામાં પણ સમકાલીન યુદ્ધોત્તર સમયનું વાસ્તવ (ધ રિયલ) છે; જેવો છે તેવો મનુષ્ય, એનું જેવું છે તેવું જીવન અને જગત, એની જેવી છે તેવી સંસ્કૃતિ છે. એ સૌનો એમણે અસ્વીકાર કર્યો છે, એને એમણે આશીર્વાદ આપ્યો નથી. ૧૯૩૯ પૂર્વે એક પ્રસિદ્ધ બૅલડ ‘હું ફરતો હતો ત્યારે…’ (ઍઝ આઈ વૉક્ડ આઉટ) એમણે જે માત્ર વિધાન રૂપે કહ્યું હતું ઃ ‘Life remains a blessing 
Although you cannot bless.’ ‘તમે આશીર્વાદ નહિ આપી શકો, પણ જીવન તો આશીર્વાદ છે જ’. અને ૧૯૫૧માં પ્રસિદ્ધ સ્તોત્ર ‘મૂલ્યવાન પંચેન્દ્રિયો’માં પણ એમણે જે માત્ર વિધાન રૂપે કહ્યું હતું, ‘Bless what there is for being’ ‘જે કંઈ છે તેને, એ છે માટે જ, આશીર્વાદ આપો’ — તે એમણે ત્યાર પછી આયુષ્યના અંત લગી છ કાવ્યસંગ્રહોમાં બસો જેટલાં કાવ્યોમાં વિજયગાન રૂપે, અસ્તિત્વને અંજલિ રૂપે, મનુષ્યના મહિમા રૂપે કહ્યું હતું. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, પૃથ્વી, વનસ્પતિ, પશુ, પંખી, જંતુ અને મનુષ્ય, જે કંઈ છે તે, સર્વસ્વ, આ સમગ્ર વિશ્વ ઈશ્વરનું સર્જન છે, ઈશ્વરની લીલા છે. ઈશ્વરની ઇચ્છાથી જ મનુષ્યને ઇચ્છાશક્તિ છે. વનસ્પતિ, પશુ-પંખી, જંતુને ઇચ્છાશક્તિ નથી, મનુષ્યને ઇચ્છાશક્તિ છે. એથી માનુષી પ્રેમ છે; પસંદગી, સાચી-ખોટી અને સારી-નરસી પસંદગીની જરૂરિયાત અને સ્વતંત્રતા છે; અને એથી પાપ છે, પતન છે. ઇતિહાસ અને માનુષી નગર એ મનુષ્યની ખોટી-નરસી પસંદગીઓની પરંપરાનું, માનુષી પ્રેમનું, મનુષ્યના પાપ અને પતનનું પરિણામ છે. પણ આજ લગી આ ખોટી-નરસી પસંદગી, આ માનુષી પ્રેમ, આ પાપ, આ પતન છે તો આવતી કાલે એ સૌની દ્વારા સાચી-સારી પસંદગી, દિવ્ય પ્રેમ, કરુણા, ક્ષમા, મોક્ષ હશે. આ ખોટી-નરસી પસંદગી, આ માનુષી પ્રેમ, આ પાપ, આ પતન એ સાચી-સારી પસંદગી, દિવ્ય પ્રેમ, કરુણા, ક્ષમા, મોક્ષની ભૂમિકા છે. અને કદાચ સાચી-સારી પસંદગી, દિવ્ય પ્રેમ, કરુણા, ક્ષમા, મોક્ષ આજે ને આજે કે ક્યારેય શક્ય ન હોય તો પણ એને માટેનો પ્રયત્ન તો શક્ય છે જ. અને એથી જ એમણે એમની ઉત્તરજીવનની કવિતામાં પાપ-પુણ્ય, સત્-અસત્, શ્યામ-શ્વેતના આત્યંતિક મૅનિકિયન દ્વૈતથી પર, એ બેની વચમાં અનેક મિશ્ર રંગોની કવિતામાં, અંતે વનસ્પતિ, પશુ, પંખી, જંતુ, જેવો છે તેવો મનુષ્ય, એની ખોટી-નરસી પસંદગી, એનો માનુષી પ્રેમ, એનું પાપ અને પતન, એની અનાગરિકતા અને અવ્યવસ્થા, એનું ન્યૂયૉર્ક સમું માનુષી નગર — સર્વનો, સમગ્ર અસ્તિત્વનો, સમસ્ત વિશ્વનો, ઈશ્વરની આ ઇચ્છાનો, ઈશ્વરની આ લીલાનો, ઈશ્વરના આ સર્જનનો એક બાળકની જેમ સહજ, સરલ, સાનંદાશ્ચર્ય, સાભાર સ્વીકાર કર્યો હતો, મહાન મહિમા કર્યો હતો, એનું સ્તવન કર્યું હતું, જયગાન કર્યું હતું. એમાં એમની નિર્દોષતા અને નમ્રતા, સહાનુભૂતિ અને સૂઝસમજ પ્રગટ થાય છે. ઑડને એમના અંગત જીવનમાં પસંદગી કરી હતી. અને એમના આ દર્શનના સાર રૂપે ‘પડોશીને પ્રેમ કરો!’નું, પડોશીધર્મનું પાલન કરવાનો, ધર્મનું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો હતો, અને નાગરિકતા અને વ્યવસ્થા સિદ્ધ કરી હતી. અને કાલાન્તરે પણ આ પૃથ્વી પર ન્યાયી નગરનું સર્જન થાય એ માટે ઉત્તરજીવનની કવિતામાં એક બ્લૂ-પ્રિન્ટ રચી હતી. ઑડનને પ્રતીતિ હતી કે ધર્મ એ ધર્મ છે અને કવિતા એ કવિતા છે, એ એકમેકના વિકલ્પ નથી. એમણે કવિતાને કદી ધર્મને કે ધર્મની દાસીને સ્થાને સ્થાપી નથી. આચરવું એ એમનું જીવનસૂત્ર, ઉપદેશવું નહિ એ એમનો કવિતામંત્ર. કવિતાને એમણે ‘મંદ પીણું’ (એ સ્મૉલ બિયર), ‘અટકચાળો’ (ફ્રિવોલિટી), ‘જ્ઞાનની ક્રીડા’ (એ ગેઇમ ઑફ નૉલેજ) કહી છે. જીવનના એટલે કે ખોટી-નરસી પસંદગી, અનાગરિકતા, અવ્યવસ્થા, માનુષી નગરના વાસ્તવ (ધ રિયલ)માંથી એમણે એમની કવિતામાં કલ્પનાલીલા (ફૅન્ટસી) રચી હતી, જેમાંથી ‘તમે સાચી-સારી પસંદગી કરી છે? કરશો? તમે નાગરિકતા અને વ્યવસ્થા સિદ્ધ કરી છે? કરશો? તમે ન્યાયી નગર સિદ્ધ કર્યું છે? કરશો?’ એવો ધ્વનિ સતત પ્રગટ થાય છે. પડોશીધર્મના પાલન રૂપે આ કવિતા એમણે પડોશીઓના, અન્ય મનુષ્યોના હાથમાં સ્વાગતના સ્મિત સાથે આતિથ્યમાં પીણા રૂપે ધરી હતી, રમત રૂપે, જ્ઞાનની ક્રીડા રૂપે, પોતાના અંગત જીવનની નાગરિકતા અને વ્યવસ્થાના, ન્યાયી નગરના પ્રતીક રૂપે રજૂ કરી હતી. આયુષ્યના અંત લગી એમની આ અસ્તિવાચક જ્યોતિ, શબ્દ-જ્યોતિ ઉજ્જ્વલ હતી. ઑડને અંત લગી આ કવિતાનું મનોમન રટણ કર્યાં કર્યું છે ઃ ‘To go on humming quietly to himself.’ ૧૯૭૩માં ઑડનનો બીજો વિવેચનગ્રંથ ‘પુરોવચનો અને પશ્ચાદ્વચનો’ (ફોરવર્ડ્ઝ ઍન્ડ આફ્ટરવર્ડ્ઝ) પ્રસિદ્ધ થયો. એમાં પ્રાચીન ગ્રીકથી અર્વાચીન અંગ્રેજ-અમેરિકન-યુરોપીય સર્જકો વિશેના ૪૬ વિવેચનલેખો છે. ઑડને જીવનભર અનેક પુસ્તકો માટે પ્રસ્તાવનાઓ રૂપે તથા અનેક પુસ્તકોનાં અવલોકનો રૂપે અઢળક વિવેચક-લખાણ કર્યું હતું. એમાંથી લખાણોની પસંદગીમાં ઑડનની સહાયથી અને લખાણોમાં ક્યાંક ક્યાંક ઑડનના ગૌણ સુધારા તથા ફેરફારો સાથે ઑડને પોતાના મૃત્યુ પછી પોતાની મિલકતની વ્યવસ્થા માટે જેમની નિયુક્તિ કરી હતી તે મિત્ર ઍડવર્ડ મૅન્ડલ્સને, શીર્ષક સૂચવે છે તેમ, કેટલીક પ્રસ્તાવનાઓ અને કેટલાંક અવલોકનોનું આ ગ્રંથમાં સંપાદન કર્યું છે. ૧૯૭૪માં ઑડનનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘આભાર, ધુમ્મસ’ (થૅન્ક યુ, ફૉગ) પ્રસિદ્ધ થયો. મૃત્યુ પૂર્વે ઑડને પોતે આ સંગ્રહ માટે એના શીર્ષક અને કાવ્યોની પસંદગી કરી હતી, પ્રકાશન અર્થે આ સંગ્રહ તૈયાર કર્યો હતો, અને માઇકલ તથા માર્ની યેટ્સને આ સંગ્રહ અર્પણ કર્યો હતો. ઑડને અર્પણ કાવ્યમાં લખ્યું હતું, ‘એક વાર આપણે કેટલા જુવાન હતા, આપણામાંથી કોઈ હવે એટલા જુવાન નથી. એથી શું? મૈત્રીને કદી વાર્ધક્ય હોતું નથી.’ ૧૯૭૨માં ઑડને ઇંગ્લંડમાં પુનરાગમન અર્થે અમેરિકાનો ત્યાગ કર્યો પછી એમણે જે ૧૭ કાવ્યો રચ્યાં હતાં તેનો અને ઉપરાંત ૧૯૬૩-૬૪માં એમણે સંગીત નાટક ‘દૉન કિહોતે’ માટે જે બે કાવ્યો રચ્યાં હતાં તેનો એમણે આ સંગ્રહમાં સમાસ કર્યો હતો. ઑડનના મૃત્યુ પછી ઍડવર્ડ મૅન્ડલ્સનની ‘નોંધ’ સાથે આ સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. ઑડને ચૅસ્ટર કાલમનના સહકારમાં રંગભૂમિ માટે ૧૯૭૩માં જે અંતિમ સહસર્જન ‘ઇન્દ્રિયોનું લાલનપાલન’ (ધ ઍન્ટર્ટેઇનમૅન્ટ ઑફ ધ સૅન્સિસ) રચ્યું તેનો ઍડવર્ડ મૅન્ડલ્સને આ સંગ્રહમાં સમાસ કર્યો છે. આ સંગ્રહની ‘નોંધ’માં અંતે તેઓ નોંધે છે કે ઑડનનું અંતિમ કાવ્ય આ પ્રમાણે છે ઃ ‘He still loves life 
But O O O O how he wishes 
The good Lord would take him.’ ‘જિંદગીને એ હજુ ચાહે છે. પણ અહો, એ કેવું તો ઇચ્છે છે કે ભલો ભગવાન એને ઉપાડી લે.’ ઑડનનું આ અંતિમ કાવ્ય કેવું તો સંપૂર્ણપણે ઑડનીય (ઑડનેસ્ક) કાવ્ય છે! ઑડનના સમગ્ર કાવ્યસર્જનનું આ ભરતવાક્ય છે. ઑડનનું જીવન એકાકી જીવન હતું, અને તોયે એ સૌના પડોશી જેવા હતા. એમની શોધ (કવૅસ્ટ)ની કવિતાના રખડુ (વૉન્ડરર)ની જેમ એ ચિરપ્રવાસી, ચિરનિર્વાસિત હતા. એમના જીવનમાં એકલતા અનિવાર્ય હતી. એમનું એકાકી શૈશવ યૉર્ક — બર્મિગહમમાં ખાણના ઇજનેર થવાની મહત્ત્વાકાંક્ષા અને યંત્રોની સ્વપ્નસૃષ્ટિની સાન્ત્વના દ્વારા સહ્ય થયું. એમનું એકાકી યૌવન ઑક્સફર્ડમાં આત્મકટાક્ષ અને હાસ્ય દ્વારા સહ્ય થયું. લગ્ન ન કર્યું, એથી એમને સંતાન કે કુટુંબ ન હતું. એમનું એકાકી મધ્યવય અને વાર્ધક્ય કવિતા અને ધર્મ દ્વારા સહ્ય થયું. ૧૯૩૭માં કિન્ગ્સ ગોલ્ડ મૅડલ, ૧૯૪૮માં પુલિટ્ઝર પ્રાઇઝ, ૧૯૫૩માં બૉલિન્ગન પ્રાઇઝ અને અમેરિકન એકૅડેમી ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સનું સભ્યપદ, ૧૯૫૬માં નૅશનલ બુક ઍવોર્ડ, ૧૯૫૬થી ૧૯૬૧ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ચૂંટણી દ્વારા પ્રોફેસર ઑફ પોએટ્રીનું પદ, ૧૯૫૭માં રોમમાં ફેલત્રિનેલિ પ્રાઇઝ, ૧૯૬૨માં ઑક્સફર્ડમાં ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં ફૅલોશિપ, ૧૯૬૬માં ઑસ્ટ્રિયન સ્ટેટ પ્રાઇઝ ફૉર યુરોપિયન લિટરેચર, ૧૯૬૭માં નૅશનલ બુક કમિટીનો નૅશનલ મૅડલ ફૉર લિટરેચર, ૧૯૭૧માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની માનદ ડી. લિટ. ઉપાધિ, ૧૯૭૨માં લંડન યુનિવર્સિટીની માનદ ડી. લિટ. ઉપાધિ — આદિ સ્વીકૃતિ અને અંતિમ વર્ષોમાં કોઈ પણ નવા કાવ્યસંગ્રહની ત્રીસથી ચાલીસ હજાર નકલની આવૃત્તિ, કાવ્યવાચન અને અધ્યાપનની સતત પ્રવૃત્તિ દ્વારા પણ એ કંઈક સહ્ય થયું. જોકે ૧૯૭૧માં એમણે ન્યૂયૉર્કનો હંમેશ માટે ત્યાગ કર્યો હતો અને ઑક્સફર્ડમાં ક્રાઇસ્ટ ચર્ચ નિકટની એક ૧૬મી સદીની કુટિરમાં નિવાસ કર્યો હતો. ન્યૂયૉર્ક પ્રત્યે અભાવ કે અમેરિકા પ્રત્યે અણગમો હતો માટે નહિ (ઑક્સફર્ડમાં પ્રોફેસર થયા ત્યારે, સી. ડે. લુઈસના અવસાન પછી રાજકવિ તરીકે નામ સૂચવવામાં આવ્યું ત્યારે અને ઑક્સફર્ડમાં વસ્યા ત્યારે પોતે અમેરિકાના નાગરિકત્વનો ત્યાગ કરવાના છે એવી અફવા સામે એને ‘કહતે બી દીવાના’ કહીને એમણે રોષ (વૅરી ક્રૉસ ઇન્ડીડ) પ્રગટ કર્યો હતો.) પણ પોતે વૃદ્ધ અને ન્યૂયૉર્કના એકલ આવાસમાં હૃદયરોગનો હુમલો થાય અને અંત આવે તો દિવસો લગી કોઈને જાણ પણ ન થાય એથી હવે વસ્તીની વચમાં વસવું હતું માટે. આમ, આયુષ્યના અંત લગી અકલ્પ્ય એકલતાનો એમનો અનુભવ! એમનાં કાવ્યોને એમણે એકાન્તનાં, ‘અ-ધર એકાન્તનાં સર્જનો’ (હૅલ્સીઓન સ્ટ્રક્ચર્સ) કહ્યાં છે. અને છતાં જ્યારે જુઓ ત્યારે હસતા જ હોય! આનંદમાં રહેવું એ મનુષ્યનો અધિકાર નહિ, મનુષ્યનું કર્તવ્ય છે; આનંદમાં ન રહેવું એ પરમેશ્વરનો દ્રોહ છે એવી એમની ખ્રિસ્તી તરીકેની પ્રતીતિ! એમની કવિતા એ સત્, ચિત્, આનંદની કવિતા છે. અને કર્મ? અહોરાત, અવિશ્રાંત કર્મ, કવિતાનું કર્મ; કવિતા એ જ એમનું જીવન! અરધી સદી લગી સતત કવિતા એ જ ભગવાનની ભેટ બદલ ભગવાનનો આભાર! એ જ જીવનની ધન્યતા! ઑડન શિક્ષક હતા, ઇંગ્લંડ અને અમેરિકામાં વાચ્યાર્થમાં શિક્ષક હતા. ઑડન નીતિજ્ઞ હતા. એમણે મનુષ્યજાતિના શિક્ષક તરીકે, માનવતાવાદી તરીકે મનોવિજ્ઞાન-રાજકારણ-ઇતિહાસને આધારે મનુષ્યના મનને અને મનુષ્યજાતિના નીતિરક્ષક તરીકે, ખ્રિસ્તી તરીકે નીતિશાસ્ત્ર-ધર્મશાસ્ત્ર-ઈશ્વરશાસ્ત્રને આધારે મનુષ્યના આત્માને ચિકિત્સાત્મક, પ્રતીકાત્મક, દલીલપ્રધાન, બુદ્ધિપ્રધાન કવિતા દ્વારા પ્રશ્નો પૂછ્યા છે ઃ મનુષ્ય શું છે? મનુષ્યજીવન શું છે? એ બન્નેનો અર્થ શો છે? આ સાચું છે? પેલું સારું છે? ઑડનની કવિતા એટલે પ્રશ્નોની પરંપરા. ઑડનની કવિતાની શૈલી આધુનિક છે. એનું વસ્તુ શિષ્ટ, પરંપરાગત છે. ઑડનને શેક્સ્પિયરના જેટલી માત્રાની તો નહિ પણ શેક્સ્પિયરના જેવા પ્રકારની વ્યાકરણ, વાક્યરચના, શબ્દરચના આદિના વૈચિત્ર્યસમેતની ભાષાની મહાન ભેટ હતી. આરંભમાં એમને બાયરન સાથે કંઈક સામ્ય છે, પછીથી એથી વિશેષ ડ્રાયડન સાથે સામ્ય છે. પણ સતત સૌથી વિશેષ તો એમને મધ્યયુગના અંગ્રેજ કવિઓ સાથે સામ્ય છે. અંતિમ કાવ્યસંગ્રહમાં ‘મધ્યકાલીન કવિઓને ઉદ્બોધન’ (ઓડ ટુ ધ મિડીવલ પોએટ્સ) કાવ્યમાં એમણે આ પૂર્વજોને અંજલિ અર્પી છે. એલિયટ અને ઑડન બન્ને પુનરુત્થાન યુગ પછીની માનવતાવાદી પરંપરાના કવિ નથી. બન્નેએ માનવતાવાદની સંસ્કૃતિનો અસ્વીકાર કર્યો છે. બન્ને તે પૂર્વેની ઈશ્વરવાદની પરંપરાના કવિ છે. એલિયટ ડેન્ટિના અનુજ છે, ઑડન મધ્યયુગના અંગ્રેજ કવિઓના અનુજ છે. ઑડનના આ એક જ ઉદ્ગારથી એકીસાથે કવિતા પ્રત્યેની એમની પોતાની નિષ્ઠા અને ભક્તિની તથા કવિતા અને કવિતારસિક પાસેથી એમની આશા અને અપેક્ષાની પ્રતીતિ થાય છે ઃ ‘…Even a limerick 
ought to be something a man of 
honour, awaiting death from cancer or a 
 firing squad, 
could read without contempt.’ ‘લિમરિક પણ કૅન્સરથી અથવા બંદૂકની ગોળીથી મૃત્યુની પ્રતીક્ષા કરતો સ્વમાની મનુષ્ય તિરસ્કાર વિના વાંચી શકે એવું હોવું જોઈએ.’ ઑડને અંતિમ કાવ્યસંગ્રહમાં દેહને સંબોધનરૂપ અંતિમ કાવ્ય ‘જાત સાથે વાત’ (ટૉકિંગ ટુ માયસૅલ્ફ)માં અંતિમ પંક્તિમાં દેહને વિનંતિ કરી હતી ઃ ‘please, please for His sake and mine, 
 pay no attention 
to my piteous ‘Don’ts’, but bugger off quickly.’ ‘ભગવાનને ખાતર અને મારે ખાતર મારી કરુણ ‘ના’ પર ધ્યાન આપીશ નહિ, પણ એકદમ ચાલ્યો જજે.’ ઑડનનો દેહ એમની વિનંતિ પ્રમાણે એકદમ ચૂપચાપ ચાલ્યો ગયો છે. પણ આપણી પાસે એમની કવિતામાં એમનો અવાજ, ઑડનસૂરીલો અવાજ છે. આ અવાજ એકલવાયો અવાજ છે અને તોયે એ સૌને આત્મીય જેવો અવાજ છે. એ અવાજમાં એમના સમગ્ર જીવનદર્શનના, ધર્મદર્શનના સાર જેવું ‘આપણે એકમેકને ચાહવું ઘટે…’નું સત્ય છે. ઑડન આ સત્યના સાક્ષી હતા. ૧૯૭૩

?


*

‘ગંગોત્રી ટ્રસ્ટ’ના પ્રકાશન ‘ઑડનનાં કાવ્યો’માટે એમાંના પ્રત્યેક અનુવાદ-કાવ્યનું શીર્ષક, મૂળ અંગ્રેજી કાવ્યનું શીર્ષક, મૂળ અંગ્રેજી કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હોય તેનું નામ તથા પ્રકાશનવર્ષ એ સૌના ઉલ્લેખ સાથે પ્રત્યેક કાવ્ય વિશે નોંધ લખી હતી તે અહીં આ લેખના પરિશિષ્ટ રૂપે આપવામાં આવી છે. અરજી 
Petition, Poems 1930 પ્રથમ કાવ્યસંગ્રહનું અંતિમ — ત્રીસમું — કાવ્ય, સંગ્રહની પરાકાષ્ઠારૂપ કાવ્ય. સૉનેટ કાવ્યના વસ્તુવિષય પર જ્યૉર્જ ગ્રૉડેક, ફ્રૉઈડ, લૉરેન્સ, સવિશેષ હોમર લૅઇન તથા જે લેઈનના દરદી અને અનુયાયી હતા અને જેમનું ઑડનને બર્લિનમાં મિલન થયું હતું તે જ્હોન લેયાર્ડના મનોવૈજ્ઞાનિક વિચારોની અસર છે. ઑક્સફર્ડમાં ઑડન પોતે મિત્રોના અને પોતાના ચિકિત્સક હતા, ઉપરાંત પિતા વૈજ્ઞાનિક દૃષ્ટિના તબીબ અને માતા ધાર્મિક વૃત્તિના નર્સ હતા તથા અનેક અન્ય કુટુંબીજનો પાદરીઓ હતા એથી કુટુંબના ધાર્મિક-વૈજ્ઞાનિક વાતાવરણની અને પોતાના વાચન-મનન-અનુભવની પણ અસર હોય. કાવ્યના શૈલીસ્વરૂપ પર હૉપકિન્સની (ઉદાહરણ રૂપે કાવ્યનો પ્રથમ શબ્દ ‘સાહેબ’ — ‘સર’) તથા રિલ્કેની અસર છે. કાવ્યમાં પરમેશ્વરને પ્રાર્થના છે, તો સલાહસૂચન પણ છે; પરમેશ્વર મનોવિજ્ઞાનીરૂપ છે, તો મનોવિજ્ઞાની પરમેશ્વરરૂપ પણ છે. પૂવર્કાલીન ખ્રિસ્તી નીતિશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની પરિભાષાનું અર્વાચીન તબીબીશાસ્ત્ર અને માનસશાસ્ત્રની પરિભાષામાં પરિવર્તન છે. આધુનિક યુગમાં જે દુર્ગુણોનું અસ્તિત્ત્વ છે અને જે સદ્ગુણોની અપેક્ષા છે તેનું નિદાન છે અને આધુનિક પ્રકારે અને પદ્ધતિએ એની ચિકિત્સા છે. શારીરિક રોગો એ માનસિક, નૈતિક અને આધ્યાત્મિક રોગોનું પરિણામ છે. આ દેહ-મનના સંબંધનું કાવ્ય છે. તો કાવ્યની અંતિમ બે પંક્તિઓમાં રાજકીય અને સાંસ્કૃતિક પરિમાણ પણ છે. એમાં ઑડનના ઉત્તરજીવનના ધર્મપરિવર્તનનું પણ સૂચન છે. મધ્યકાલીન પાદરી અર્વાચીન તબીબ અને મનોવિજ્ઞાનીના સ્વરૂપમાં પ્રગટ થાય છે. આ કાવ્ય અસાધારણ પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા પામ્યું છે. ૧૯૬૬માં ઑડને ‘કલેક્ટેડ શોર્ટર પોએમ્સ’ — સમગ્ર લઘુકાવ્ય સંચય — પ્રસિદ્ધ કર્યો એમાં આ કાવ્યને સ્થાન આપ્યું નહિ અને ત્યારથી એમણે કાવ્ય રદ કર્યું છે. પ્રસ્તાવનામાં કારણ આપ્યું છે, ‘મેં એકવાર ‘સ્થાપત્યની નૂતન શૈલીઓ’ માટેની અપેક્ષા પ્રગટ કરી હતી; પણ મને આધુનિક સ્થાપત્ય કદી ગમ્યું નથી. મને જૂની શૈલીઓ વધુ પસંદ છે, અને માણસે પોતાના પૂર્વગ્રહો વિશે પણ પ્રમાણિક રહેવું જોઈએ.’ ટૂંકમાં, કારણ એટલું કે ઑડનને ત્યારથી આ કાવ્ય અપ્રમાણિક લાગ્યું હતું. જીવનચરિત્ર 
Who’s Who, Look, Stranger! 1936 આ સૉનેટમાં ‘હુઝ હુ’ — નામાંકિત વ્યક્તિઓના મિતાક્ષરી જીવનચરિત્રના સંગ્રહમાં એ વ્યક્તિઓના જાહેર જીવન વિશેની જે બાહ્ય અને સ્થૂલ વિગતો હોય છે એના સભાન અનુકરણ અથવા એની પ્રતિકૃતિ દ્વારા એ વ્યક્તિઓના ખાનગી જીવનની વિગતો સાથેના વિરોધનું માત્ર ચૌદ જ પંક્તિમાં એટલું જ મિતાક્ષરી નિરૂપણ છે. જાહેર જીવનમાં અસામાન્ય એવાં મનુષ્યો ખાનગી જીવનમાં કેવાં તો સામાન્ય હોય છે! આ જ્ઞાની અને કર્મવીર વચ્ચેના, પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના વિરોધનું કાવ્ય છે, તો જાહેર અને ખાનગી બન્ને પ્રકારના જીવનમાં શૂન્યતા અને રિક્તતાનું પણ કાવ્ય છે. ઑડને ૧૯૩૪માં ‘નાઉ ઍન્ડ ધૅન’ સામયિકમાં ટી. ઈ. લૉરેન્સના જીવનચરિત્રનું અવલોકન લખ્યું હતું. એમાં કદાચ આ કાવ્યના વસ્તુવિષયની પ્રેરણા હોય. આ ટાપુ ઉપર 
On This Island, Look, Stranger! 1936 ઇંગ્લંડથી જે અજાણ છે એવા અતિથિને સંબોધનરૂપ કાવ્ય. આ કાવ્યમાં ટાપુ એટલે આ સદીના ૪થા દાયકાના સમયનું સ્વાર્થી, અલગતાવાદી અને પલાયનતાવાદી ઇંગ્લંડ. એથી અતિથિને આ ટાપુ ઉપર જે મનુષ્યેતર જગત છે તે સર્વ ઇન્દ્રિયો દ્વારા જાણવા-માણવા માટેનું આમંત્રણ છે. કાવ્યનાયકમાં આ મનુષ્યેતર જગતની અદ્ભુતતા અંગે અનિર્વચનીય આશ્ચર્યનો અનુભવ છે. અને અતિથિ ઇંગ્લંડથી અજાણ છે એથી તટસ્થ, નિઃસ્વાર્થી અને જવાબદાર હશે એની કાવ્યનાયકને શ્રદ્ધા છે. અહીં ઑડનની પ્રસિદ્ધ એવી બોધાત્મકતાનો બિલકુલ અભાવ છે. પ્રથમ શ્લોકમાં શેક્સ્પિયરના ‘ધ ટૅમ્પેસ્ટ’ની અસર છે. અંતિમ શ્લોકમાં નિકટના ભવિષ્યમાં યુદ્ધ અંગેનું સૂચન, ભાવિદર્શન છે. સમગ્ર કાવ્યમાં અત્યંત મધુર અને અસાધારણ સુંદર સ્વરવ્યંજનસંકલના છે. ૧૯૩૭માં ઑડનના પરમ મિત્ર સંગીતકાર બૅન્જામિન બ્રિટને આ કાવ્યને સંગીતમાં ઢાળ્યું હતું. હું એક સાંજે ફરવા ગયો ત્યારે 
As I Walked Out One Evening, Another Time 1940 બૅલડ કાવ્યસ્વરૂપમાં નાટ્યાત્મક કાવ્ય. સાંજનો સમય, રેલવેની કમાન નીચેનું સ્થળ; પ્રેમીઓ, કાળ (ઘડિયાળોના પ્રતીક રૂપે) અને કાવ્યનાયક — એટલાં પાત્રો. ત્રણ શ્લોકમાં પ્રેમીની પ્રિયતમા પ્રત્યેની પ્રણયોક્તિ છે, નવ શ્લોકમાં કાળનો પ્રતિકાર — પ્રતિભાવરૂપ પ્રત્યુત્તર છે, ત્રણ શ્લોકમાં કાવ્યનાયક માત્ર શ્રોતા છે. પ્રેમીની ઉક્તિમાં પ્રેમ અંગેનાં પ્રચલિત પરંપરાગત મુગ્ધ વચનો છે, પ્રેમની અમરતા અંગેની ભ્રમણાઓ અને અતિશયોક્તિઓ છે. કાળના પ્રત્યુત્તરમાં સામાન્ય અને અસામાન્ય, વ્યક્તિ અને સમૂહ, અંગત અને સામાજિક — સર્વની ક્ષુલ્લકતા અને ક્ષણિકતા તથા હ્રાસ અને સર્વનાશનો ઉલ્લેખ છે. સરિતા જીવનની અનંત ગતિનું, પ્રગતિનું પ્રતીક છે. પ્રેમીઓની ભાવનામયતા અને કાળની વાસ્તવિકતા અંગેનું આ કાવ્ય હળવું છે પણ એનો અર્થ ગંભીર છે. ઑડને એક કાવ્યવાચનમાં આ કાવ્ય ‘લોકગીતનું અનુકરણ’ છે એવો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૫૪-૫૬માં ઍલિઝાબેથ લ્યુટીઅન્સે આ કાવ્યને સંગીતમાં ઢાળ્યું હતું. સ્વપ્ન 
A Dream, Look, Stranger! 1936 ફ્રૉઈડની અસર. નાટ્યાત્મક. સ્થળ રેલવે ટર્મિનસ, એક કાલાતીત ખંડ. પ્રેમીની ઉક્તિ. એક પ્રેમીજન એની પ્રિયતમા સમક્ષ ત્રીજી જ વ્યક્તિ સાથેના પોતાના પ્રેમસંબંધનો એકરાર કરે છે. એનો અર્થ એ કે એને આ પ્રિયતમા સાથેના પોતાના પ્રેમસંબંધનો અંત આણવો છે. ખંડમાં જે અન્ય યુગલો છે તે નિષ્ક્રિય અને પ્રતિકૂળ છે. રેલવે ટર્મિનસ પર જેમ ટ્રેઇનો તેમ જીવનમાં પ્રેમપાત્રો પણ બદલાય છે એનું રેલવે ટર્મિનસ દ્વારા સૂચન છે. હાલરડું 
Lullaby, Another Time 1940 ઑડનનું સૌથી વધુ પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય. પ્રેમમાં અપૂર્ણતા અને ક્ષણિકતા છે, પણ સાથે સાથે પ્રેમમાં સૌંદર્ય છે, આનંદ છે. એથી આ કાવ્યમાં પ્રેમની અપૂર્ણતા અને ક્ષણિકતાની સ્પષ્ટ સભાનતા અને સ્વીકૃતિ છે. પ્રેમની, સૌંદર્યની, આનંદની, એક ક્ષણ અને એને આહ્વાનરૂપ અન્ય સૌ પરિબળો સાથે એની તુલના છે. ઇરોસમાંથી ઍગેપી પ્રતિ, માનુષી પ્રેમમાંથી દિવ્ય પ્રેમ પ્રતિ ગતિ શક્ય છે. પ્રેમી અને સંત આપણે માનીએ છીએ એથી વધુ નિકટ છે. મનુષ્યમાં સ્વતંત્રતા છે. એથી એ ક્યારેક ખોટી પસંદગી પણ કરે છે. છતાં એ પસંદગી કરે છે, એનામાં સ્વતંત્રતા છે એમાં જ એની ધન્યતા છે, ચરિતાર્થતા છે. અને આ સ્વતંત્રતા છે, પસંદગી છે તો પ્રેમ છે. આ સ્વતંત્રતા, આ પસંદગી એ જ પ્રેમ, માનુષી પ્રેમમાં ભલે દ્રોહ હોય, દોષ હોય તો પણ એ એક મહાન આશીર્વાદ જ છે. પાટનગર 
The Capital, Another Time 1940 નગરની કવિતા એ ઑડનની કવિ તરીકેની એક વિશેષતા છે. મહાન નગરની એકલતા — આ વિષય ઑડનની કવિતામાં વારંવાર વ્યક્ત થાય છે. અહીં એ પરીકથા રૂપે પ્રગટ થાય છે. પ્રેમનો અભાવ એ આધુનિક યુગનું એક મહાન અનિષ્ટ છે. શિયાળામાં બ્રસેલ્સ 
Brussels In Winter, Another Time 1940 સોનેટ. ૧૯૩૮માં ઑડને બ્રસેલ્સનો પ્રવાસ કર્યો હતો. વિરાટ ભ્રમ, લુપ્ત નિશ્ચિતતા અને શીત અલિપ્તતાપ્રેરક અસ્તિત્વનું નીતિકથા રૂપે કાવ્ય. રંક અને સમૃદ્ધ વચ્ચેના સંઘર્ષનું કાવ્ય. ધન દ્વારા જ આ નગરનું સ્વાતંત્ર્ય સિદ્ધ થાય છે. બોઝાર્ત સંગ્રહાલય 
Musee des Beaux Arts, An-other Time 1940 બ્રસેલ્સનું સંગ્રહાલય. કાવ્યમાં ‘આઈકેરસ’ ઉપરાંત બ્રુધેલનાં અન્ય બે ચિત્રોની વિગતોનો ઉલ્લેખ છે. નાટ્યાત્મક પ્રસંગ અને પરિસ્થિતિ. કાવ્યનો વિષય છે એક સાથે વેદના અને ચિત્રકળાનું વિવેચન. વેદના, મૃત્યુ, શહીદી આદિ અંગે રોમેન્ટિક ન થવાનું જીવન આપણને શીખવે છે. વેદનાનું સ્થાન એકાન્તમાં છે. બાહ્ય જગતમાં તો સામાન્ય વ્યાપક જીવન વેદના પ્રત્યે ઉદાસીન અને અન્યમનસ્ક હોય છે. કાવ્યમાં વક્રતા, સભાનતા, નૈતિક દૃષ્ટિબિન્દુ, સામાજિક વિવેચના અને વેદનાનો સંવેદનાપૂર્વક, ધાર્મિકતાપૂર્વક સ્વીકાર છે. અનિયમિત દીર્ઘ પંક્તિઓમાં સીધી, સાદી, ‘અકાવ્યમય’ બોલચાલની ભાષામાં સહજ, સરલ તર્કયુક્તતા છે. ગાર દ્યુ મિદિ 
Gare du Midi, Another Time 1940 ગાર દ્યુ મિદિ એ ફ્રેન્ચ રેલવે સ્ટેશનનું નામ છે. મનોવિજ્ઞાન અને રાજકારણ વચ્ચે સંબંધ સ્થાપતું નાટ્યાત્મક લઘુકાવ્ય. પશ્ચિમ યુરોપમાં મ્યુનિકોત્તર સમયની નાઝી મુત્સદ્દીગીરીનો સંદર્ભ. પાત્ર અનામી છે, એથી માનપાત્ર લાગે છે; જાસૂસ નથી, અમલદાર છે. કાવ્યમાં જંતુયુદ્ધનું પણ સૂચન છે. સંગીતરચયિતા 
The Composer, Another Time 1940 શુદ્ધતમ કળા તરીકે સંગીતની પ્રશસ્તિ. એ. ઇ. હાઉસમન 
A. E. Housman, Another Time 1940 સૉનેટ, કૅરિકેચર. હાઉસમને લૅટિન વિદ્વત્તાને ખાતર અંગત ઊર્મિઓનું બલિદાન આપ્યું હતું. કાવ્યનો વિષય છે વિદ્વતા અને કવિતા, વિદ્વાન અને કવિ વચ્ચેનો સંઘર્ષ. સેટનરૂપ હાઉસમન અને જેહોવાહરૂપ હાઉસમન — બન્નેનું મૃત્યુમાં મિલન. મૃત્યુ દ્વારા દ્વૈતમાંથી અદ્વૈત. કાવ્યમાં વર્ણન નથી, વ્યક્તિત્વનું લાઘવયુક્ત મનોવિશ્લેષણ છે. જુલમગાર માટેનો મૃત્યુલેખ 
Epitaph On A Tyrant, Another Time 1940 નગરને બચાવશે અને મનુષ્યજાતિને પૂર્ણતાએ પહોંચાડશે એવું માનનાર-મનાવનાર બિનસાંપ્રદાયિક નેતાનું, પોતાની મનોદશાના પરિણામ માટે પોતે જવાબદાર નથી અને એથી અંતે પોતે નિર્દોષ છે એમ માનનાર-મનાવનાર સરમુખત્યારનું રેખાચિત્ર. જાણે કે હિટલર કઠપૂતળા રૂપે રજૂ થયો ન હોય! સર્જિકલ વોર્ડ 
Surgical Ward, Journey To A War 1939 ૧૯૩૮માં ચીન-જપાન યુદ્ધ સમયે ઑડન અને ઇશરવૂડ ચીનના પ્રવાસે ગયા હતા. એના પરિણામે ‘જર્ની ટુ એ વૉર’ (યુદ્ધપ્રવાસ) પ્રવાસગ્રંથમાં યુદ્ધ વિષયક ૨૮ સૉનેટનું એક ગુચ્છ ‘ઈન ટાઇમ ઑફ વૉર’ (યુદ્ધ સમયે) રચ્યું હતું. એમાંનું એક સૉનેટ. વેદનાની એકલતાનું કાવ્ય. ઘાયલકી ગતનું કાવ્ય. એ ગત અન્યને માટે અકલ્પ્ય. એલચી-કચેરી 
The Embassy, Journey To A War 1939 રાજ્ય રાજ્ય વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં કામગીરી બજવનાર અને ચર્ચામાં ભાગ ભજવનાર નેતાઓ અને મુત્સદ્દીઓ યુદ્ધ માટેના આદેશની પ્રતીક્ષા કરનાર સૈન્યોથી કેવા તો બેખબર હોય છે! ઇ. એમ. ફૉર્સ્ટરને 
To E. M. Forster, Journey To A War 1939 પૂર્વોક્ત સૉનેટગુચ્છનું અર્પણકાવ્ય. ફૉર્સ્ટરની નવલકથાઓમાં અંગ્રેજ મધ્યમવર્ગનું આલેખન છે. એમાં પાત્રોના પૂર્વગ્રહોમાં જે આંતરરાષ્ટ્રીય દુરિતનું દર્શન થાય છે એનો સંદર્ભ. ડબ્લ્યુ. બી. યેટ્સની સ્મૃતિમાં 
In Memory Of W. B. Yeats, Another Time 1940 ઑડનનું એક મહાન કાવ્ય, કદાચને સર્વશ્રેષ્ઠ કાવ્ય. અંગ્રેજી ભાષાના ‘લિસિડાસ’ આદિ મહાન કરુણપ્રશસ્તિઓની પરંપરામાં એક મહાન કરુણપ્રશસ્તિ. ગોપપરંપરા અને રોમેન્ટિક પરંપરાની કરુણપ્રશસ્તિઓના પ્રતિકારરૂપ કરુણપ્રશસ્તિ. કાવ્યમાં ત્રણ વિભાગ છે ઃ ૧. કવિના મૃત્યુની પ્રકૃતિ પર અને મનુષ્યસમાજ પર અસર. આયંબિક છંદમાં અનિયમિત માપની પંક્તિઓ. ૨. કવિતાનો જીવનચરિત્ર અને ઇતિહાસ સાથે સંબંધ. બ્લૅંક વર્સ. ૩. કવિનો વૈશ્વિક મહિમા અને કવિતાનું વૈશ્વિક મૂલ્ય. સ્મશાનયાત્રાના ગતિલયમાં સાત સાત શ્રુતિની પંક્તિઓ અને ચાર ચાર પંક્તિના શ્લોકો. કવિની મૂર્તિ અને કવિતાનું મૂલ્ય એ મુખ્ય વિષય છે. કવિના મૃત્યુ અંગે અહીં કોઈ આશ્વાસન નથી. કવિના મૃત્યુથી જેમાં ઑડન પોતે એક છે એવા અલ્પસંખ્ય મનુષ્યોને અંગત ખોટનો અનુભવ થાય છે. એટલા અપવાદ સિવાય કવિના મૃત્યુની પ્રકૃતિ પર કે મનુષ્યસમાજ પર કોઈ જ અસર નથી. કવિતા પણ કવિનું સ્મારક નથી. કારણ કે કવિતાના અર્થનું પણ કવિના અનુગામીઓ પરિવર્તન કરે છે. કવિતાની પણ જગત પર કે જીવન પર કોઈ અસર નથી. ડૅન્ટિ અને શેક્સ્પિયરની કવિતા અસ્તિત્વમાં છે છતાં યુગેયુગે અનિષ્ટો અને દુરિતો જન્મે છે. કવિ અન્ય મનુષ્યો જેવો જ મનુષ્ય છે, મૂર્ખ છે. પણ કવિતાની સિદ્ધિ અર્થે એ મનુષ્યજીવનના પ્રશ્નોનો જે સાહસપૂર્વક સામનો કરે છે એ સમભાવ અને સમાદરને પાત્ર છે. કવિને મૃત્યુ છે પણ એવી કવિતાને મૃત્યુ નથી. ‘કવિતાથી કશી ઘટના ઘટતી નથી’ તે ભલે, ઇતિહાસની કવિતા પર અસર હોય પણ કવિતાની ઇતિહાસ પર અસર ન હોય તો ભલે; કવિતા પ્રચાર હોય કે ન હોય એ પ્રશ્ન નથી, કવિતાનું સ્વત:સિદ્ધ મૂલ્ય શું છે એ પ્રશ્ન છે. કવિતા અવ્યવસ્થાની વચ્ચે સ્વયં વ્યવસ્થા છે, વિસંવાદની વચ્ચે સ્વયં સંવાદ છે. મનુષ્ય ભલે કાળમાં બદ્ધ હોય પણ મનુષ્ય પસંદગી કરી શકે છે, મનુષ્ય એટલો મુક્ત છે. કવિતા એને કરુણતાની વચ્ચે, વેદનાની વચ્ચે જીવનનો જય ગાવાનું, જીવનની પ્રશસ્તિ ગાવાનું શીખવે છે. કવિતાનું સર્જન થાય એટલે વેદના કંઈ અદૃશ્ય ન થાય. પણ વેદનામાંથી એકવાર સંવેદનાનું, કવિતાનું સર્જન થાય એટલે પછી અંતે કવિતા અને એ કવિતા દ્વારા મનુષ્ય એ વેદનાને અતિક્રમી જાય છે. હૃદયની મરુભૂમિમાંથી શાતાનો સ્ત્રોત પ્રગટે છે. આ કવિતા, આ વ્યક્તિ-વિભાષા કવિ દ્વારા જન્મે છે અને જીવે છે. આ કાવ્યદેવીનું કવિને અને મનુષ્યમાત્રને વરદાન છે. એથી કવિનો વૈશ્વિક મહિમા છે અને એની કવિતાનું વૈશ્વિક મૂલ્ય છે. આ કાવ્યની અંતિમ બે પંક્તિઓ વેસ્ટમિન્સ્ટર એબીના પોએટ્સ કોર્નરમાં ઑડનની સ્મૃતિમાં સ્મરણશિલા પર અંકિત કરવામાં આવી છે. અણજાણ નાગરિક 
The Unknown Citizen, An-other Time 1940 શીર્ષકમાં અણજાણ સૈનિકના સ્મારકની પ્રતિકૃતિ છે. આંકડાશાસ્ત્રની આંટીઘૂંટી દ્વારા તથા સામાન્ય મનુષ્યના જીવનની વિગતો દ્વારા રાક્ષસી વહીવટીતંત્રોની સર્વજ્ઞતા પર કટાક્ષ. અમલદારશાહીને, નોકરશાહીને અને અન્ય સામાજિક સંસ્થાઓને તથા અર્થતંત્રોને અને રાજ્યતંત્રોને વ્યક્તિના સુખ અને સ્વાતંત્ર્યમાં રસ નથી. ભાષા અને છંદનું ઑગ્ડન નૅશ સાથે સામ્ય છે. નિર્વાસિતોનું ગીત 
Refugee Blues, Another Time 1940 હિટલરના ઉદય પછી ૧૯૩૬માં ઑડને ટૉમસ માનને જર્મનીનો ત્યાગ કરવાને પાસપોર્ટ પ્રાપ્ત થાય એ હેતુથી જ એમના પુત્રી ઍરિકા માન સાથે ‘લગ્ન’ કર્યું હતું. આમ, ઑડનને નિર્વાસિતોની યાતનાઓનો અંગત પરિચય હતો. કાવ્યમાં આવી કેટલીક યાતનાઓની યાદી છે. પોતાના આવાસોમાં સલામત અને સદ્ધર નાગરિકોની સ્વાર્થવૃત્તિ તથા સરકારી અને કાનૂની વ્યવસ્થાની અમાનુષિતા પર કટાક્ષ. પ્રત્યેક શ્લોકની અંતિમ પંક્તિમાં પુનરાવર્તન દ્વારા નિરાશા, વ્યથા તથા ભય સચોટ અને સફળ પ્રગટ થાય છે. પશુઓ, પંખીઓ, માછલીઓ મુક્ત છે પણ મનુષ્યના ભાગ્યમાં મુક્તિ નથી. એનો યશ સ્વતંત્રતાના શત્રુઓ જેવા રાજકારણી પુરુષોને જ આપવો રહ્યો. પ્રચલિત અને લોકપ્રિય કાવ્યસ્વરૂપનો ગંભીર ઉપયોગ. કાવ્યસ્વરૂપ કરુણતાને તીવ્ર કરે છે. ‘બ્લુઝ’ના સ્વરૂપને કારણે ભિન્ન પ્રકારના સમાજમાં નીગ્રો લોકોની યાતનાઓનું સ્મરણ થાય છે. ૧૯૩૪-૩૬માં ઍલિઝાબેથ લ્યુટીઅન્સે આ કાવ્યને સંગીતમાં ઢાળ્યું હતું. સિગમંડ ફ્રૉઇડની સ્મૃતિમાં 
In Memory Of Sig-mund Freud, Another Time 1940 ઑડનની અન્ય કરુણપ્રશસ્તિઓથી વધુ વિશ્લેષણાત્મક, વિવેચનાત્મક કરુણપ્રશસ્તિ. ઓછી પ્રાસંગિક એથી જ ને કદાચને વધુ ભાવમય અંજલિ. ફ્રૉઇડની ચિકિત્સા મૂળમાં સરલ છે. જેમાંથી વર્તમાનની વેદના જન્મે છે તે ભૂતકાળનું સ્મરણ અને નાના નાના પ્રસંગોનો સ્વીકાર. અસ્તિત્વવાદી નૈતિક પસંદગી અંગેની ઑડનની વિચારણાના વિકાસક્રમમાં માનસશાસ્ત્રનું સ્થાન અને મૂલ્ય, સંજોગોથી સ્વતંત્રપણે સાચી, નૈતિક અને જવાબદાર પસંદગીની સમજ અંગે માનસશાસ્ત્રની સહાય એ આ કાવ્યનો મુખ્ય વિષય છે. ઈરોસની પ્રશસ્તિરૂપ કાવ્ય. આપણા યુગની સંસ્કૃતિનાં, સામાજિક અને રાજકીય સંદર્ભમાં, મહાન દોષો અને દૂષણોના વિરોધી રૂપે ફ્રૉઇડની સર્વવ્યાપી અસર અને સાર્વત્રિક સહાયનું મૂલ્યાંકન. નિરીશ્વરવાદી ફ્રૉઇડવાદ અહીં ધાર્મિક અને નૈતિક પરિભાષામાં વ્યક્ત થાય છે. ડૉક્ટર ફ્રૉઇડ સેન્ટ ફ્રૉઇડ રૂપે પ્રગટ થાય છે. મૅરિયન મૂરની અસરમાં ઑડનનું સીલેબિક છંદમાં પ્રથમ કાવ્ય. સેળભેળ કુટાતા 
Jumbled In One Common Box, Collected Poetry 1945 ઑર્કિડ પ્રેમનું, રાજહંસ કળાનું અને સીઝર રાજકારણનું પ્રતીક છે. એ દ્વારા મનુષ્યજીવન કાળથી મુક્ત કે પર નથી, કાળના પંજામાંથી છટકી શકે નહિ એનું સૂચન છે. મનુષ્યજીવનમાં વ્યવસ્થા નથી, ફિલસૂફી અને કળાની અધોગતિ છે એનું પણ સૂચન છે. આપણું નોખું વલણ 
Our Bias, Another Time 1940 અન્ય પ્રકારના જીવનથી ભિન્ન એવા મનુષ્યજીવનમાં કાળના સંદર્ભમાં મનુષ્યની વિચિત્રતા, વર્તમાનનો સામનો કરવાને બદલે ભૂત અને ભાવિમાં પલાયન થવાની મનુષ્યની અભિમુખતા એ આ કાવ્યનો વિષય છે. પશુ, પંખી. જંતુ, વનસ્પતિ આદિમાં સ્વતંત્રતા કે પસંદગી નથી. એથી એમનામાં દોષ કે સ્ખલન કરવાની અશક્તિ હોય છે. મનુષ્યમાં સ્વતંત્રતા છે. એથી એને માટે પસંદગી અનિવાર્ય છે. પણ મનુષ્ય અપૂર્ણ છે. એથી એની પસંદગી સાચી છે કે નહિ એ વિશે એ હંમેશા શંકાશીલ હોય છે. મનુષ્યમાં દોષ અને સ્ખલન કરવાની હંમેશાં શક્યતા હોય છે. નરક 
Hell, Another Time 1940 તદ્દન અનલંકૃત કાવ્ય. મોન્તેઇન 
Montaigne, New Year Letter 1941 લ્યુથરની શ્રદ્ધા, મોન્તેઈનની શંકા અને પુનરુત્થાન યુગથી જે આર્થિક મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો છે એનો વિકાસ એ ઑડનના રસના વિષયો રહ્યા છે. ધર્મમાંથી બુદ્ધિવાદમાં પીછેહઠ એ આ કાવ્યનો વિષય છે. કાવ્યના વિષયવસ્તુ પર ચાર્લ્સ વિલિયમ્સની અસર છે. જોતાં પહેલાં કૂદો 
Leap Before You Look, Col-lected Poetry 1945 કાવ્યનો વિષય છે ભય. જીવનમાં અસ્તિત્વવાદી નૈતિક પસંદગી કરવામાં જે જોખમ છે એનું વિશ્લેષણ એ ઑડનના રસનો વિષય રહ્યો છે. કાવ્યના વસ્તુવિષય પર કિર્કેગાર્ડની અસર છે. મૉડેલ 
The Model, Collected Poetry 1945 મનુષ્યની માનવતા મનુષ્યના દેહમાં જે વ્યક્ત થાય છે તેનાથી એટલે કે દેહના અનુભવોથી અભિન્ન છે. છતાં તત્ત્વત: જે માનવીય છે તે તો એ અનુભવો અને મનોવિજ્ઞાનીઓના નિરીક્ષણ-પરીક્ષણથી તો મુક્ત અને પર છે. અહીં ગ્રાફિક કળાના સંદર્ભમાં ઑડને આ દૃષ્ટિબિંદુ પ્રગટ કર્યું છે. આ કાવ્ય મૅરિયન મૂરનું સ્મરણ કરાવે છે. ત્રણ સ્વપ્નો 
Three Dreams, The Age Of Anxiety 1947 ‘ધ એઈજ ઑફ ઍંગ્ઝાયટી’ (ચિંતાયુગ) — નાટ્યકાવ્યના એક મુખ્ય પાત્ર મૅલિનની ઉક્તિ. વધારે ચાહનાર 
The More Loving One, Homage To Clio 1960 પ્રેમનો પ્રત્યુત્તર ન આપી શકે એવા મનુષ્યના પ્રેમભાજન થવાની વિષમતા અથવા અનુત્તર પ્રેમનો સ્વીકાર કરવાની ઉદારતા એ આ કાવ્યનો વિષય છે. આ કાવ્ય રૉબર્ટ ફ્રૉસ્ટનું સ્મરણ કરાવે છે. મૅનેજરો 
The Managers, Nones 1951 મેનેજરો — બિનસાંપ્રદાયિક નેતાઓ, રાજકર્તાઓ, વહીવટકર્તાઓ, અમલદારો નગરને બચાવશે અને મનુષ્યજાતિને પૂર્ણતાએ પહોંચાડશે એ વિચાર ઑડનને હંમેશાં વિચિત્ર લાગ્યો છે. રાજકીય કાર્યક્રમ અને કાર્ય દ્વારા, સવિશેષ તો રાજકારણી પુરુષોના અનુસરણ દ્વારા હંમેશની શાંતિ અને વ્યવસ્થા, સલામતી અને સ્વતંત્રતા સિદ્ધ કરવી શક્ય છે આદિ પ્રશિષ્ટ સંસ્કૃતિમાં જે તાત્ત્વિક દોષો અને દૂષણો છે એનું અહીં વિશ્લેષણ છે. બળ દ્વારા શિસ્ત લાદવામાં અને હિંસા દ્વારા શાસન સ્થાપવામાં એનો અંજામ આવે છે. આ કાવ્યમાં ભૂતકાળના રાજકર્તાઓ અને વર્તમાનના મૅનેજરો વચ્ચેનો વિરોધ છે. આ મૅનેજરો ઍપોલોના સંતાનો છે. બિનસાંપ્રદાયિક છે. સત્તા ભોગવવી એ એમને માટે રમત રમવા જેવું અને જેટલું ફરજિયાત બની ગયું છે. તેઓ, અલબત્ત, વૈતરું કરે છે, એમના જીવનમાં કોઈ ભપકો નથી, જાહોજલાલી નથી, શૌર્ય નથી, શૃંગાર નથી, આનંદ નથી. પણ તેઓ વ્યક્તિત્વવિહોણા, ચહેરા વિનાના છે. તેઓ પોતાને પરમાર્થીઓ સમજે છે, સેવાને અર્થે જીવન સમર્પણ કર્યું છે એમ માને છે, પણ તેઓ ‘ઈરોસ’ આત્મપ્રેમ-પ્રેરિત છે. વિશેષાધિકારો સાથેના વિશિષ્ટ વર્ગના સભ્યો છે. તકસાધુ નહિ તો સલામતીસાધુ, સ્વાર્થી લોકો છે. ટૂંકમાં, તેઓ દયાપાત્ર નથી. મૅનેજરો આધુનિક યુગનું એક મહાન અનિષ્ટ છે એ ઑડનની ઉત્તરજીવનની એક પ્રતીતિ હતી. આ કાવ્યમાં ’૩૦ના દાયકાના ઑડનનું, સામાજિક કવિનું પુનશ્ચ દર્શન થાય છે. કાવ્યમાં રોષ નથી, વિષાદ છે. મૅનેજરો પ્રત્યે વિષાદમય અણગમો છે. મૅનેજરો વિશે ગ્લાનિમય નિર્ભ્રાંતિ છે. આ કાવ્ય પર કોકરનના ‘ક્રિસ્ટિયાનિટી ઍન્ડ કલાસિકલ કલ્ચર’ (ખ્રિસ્તીધર્મ અને પ્રશિષ્ટ સંસ્કૃતિ) — પ્રસિદ્ધ ગ્રંથની અસર છે. આ કાવ્યમાં જેમાં વળાંકો દ્વારા વાક્યરચના વિકસે છે એવી પંક્તિઓ તથા જેમાં ગદ્યાળુતાસભર છંદો વિશેષ પ્રમાણમાં છે એવા ઑડનના ઉત્તરજીવનના શૈલીસ્વરૂપનું પ્રતિનિધિત્વ છે. કૅનેડી માટે કરુણપ્રશસ્તિ 
Elegy For J. F. K., About The House 1966 ક્યારે? ક્યાં? કેમ? — આવા આવા પ્રશ્નોના કોઈ ઉત્તર નથી. મનુષ્યની સાચી નૈતિક જવાબદાર પસંદગી પર કેટકેટલો આધાર છે! કૅનેડી જેવા સાચા માણસના જીવનના અર્થનો આધાર પણ પસંદગી પર છે. દીવાલ વગરનું નગર 
City Without Walls, City Without Walls 1969 આ કાવ્યમાં દીવાલ વગરનું નગર એટલે ન્યૂયૉર્ક. આધુનિક યુગની યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિની આગવી સરજત જેવાં મહાનગરોમાં કેવુંક અંગત અને સામૂહિક જીવન છે એનું તીક્ષ્ણ, તીવ્ર અને સૂક્ષ્મ આલેખન. એમાં મનોવૈજ્ઞાનિક, નૈતિક, આધ્યાત્મિક શૂન્યતા અને રિક્તતા છે. એને પરિણામે એકલતા, નિરસતા અને પાશવતા છે, હિંસા અને ક્રૂરતા છે. એનું ભાવિ શું? એનું પણ સૂચન છે. લૅંગલૅંડના અનુપ્રાસયુક્ત છંદની પાંચ પંક્તિના શ્લોકનું શૈલીસ્વરૂપ કાવ્યના વસ્તુવિષયને અનુરૂપ અને અનુકૂળ છે. પંખીભાષા 
Bird Language, City Without Walls 1969 પંખીઓના સ્વરોમાં વિવિધ ભાવો હોય છે. ક્યારેક હલકી કોટિના ભાવો હોય છે. પણ મુખ્યત્વે તો આનંદનો જ ભાવ હોય છે, અને ક્યારેક તો એ અતિપવિત્ર હોય છે એનું કાવ્ય ઑડને ‘કોકિલાને’માં કર્યું છે. ડૉ. વૉલ્ટેર બર્કને 
Lines To Dr. Walter Birk On His Retiring From General Practice, Epistle To A Godson 1972 વિદાયનું અને વિદાયવેળાની શુભેચ્છાનું કાવ્ય. ઑડનના વૈજ્ઞાનિક દૃષ્ટિના પિતા તબીબ હતા. એથી નાનપણમાં તબીબીશાસ્ત્રનાં પુસ્તકોનું પણ વાચન કર્યું હતું. મિત્ર ઇશરવૂડ પણ તબીબીશાસ્ત્રના વિદ્યાર્થી હતા. પોતે જીવનભર — સવિશેષ ઑક્સફર્ડ સમયમાં — અનૌપચારિક માનસિક ચિકિત્સક હતા. નાનપણનો અને યુવાનીનો આ રસનો વિષય અંતિમ વર્ષો લગી ટક્યો હતો. મનુષ્યજીવન અને પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિ આદિ સમગ્ર પ્રકૃતિજીવન વચ્ચેના ભેદનું કાવ્ય. કોકિલાને — એક લઘુ ઉદ્બોધન 
Short Ode To The Cuckoo, Epistle To A Godson 1972 આધુનિક યુગમાં વૈજ્ઞાનિક-યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ અને સમાજમાં આજે પણ કોકિલાનો એનો એ જ સૃજનજૂનો સ્વર એટલો ને એટલો જ પવિત્ર છે. એનો એવો ને એવો જ જાદુ છે, એનું અનિરુદ્ધ આકર્ષણ છે એ અંગેનું અત્યંત ઋજુમધુર અને ભવ્યસુન્દર કાવ્ય. આભારદર્શન 
A Thanksgiving, Thank You, Fog 1974 એક સાથે ઑડનના જીવનચરિત્ર અને કવિજીવનના ભરતવાક્ય સમું કાવ્ય. ઑડનના આંતર જીવનના પ્રસંગો અને અનુભવો તથા બાહ્ય જગતના પ્રસંગો અને અનુભવો અહીં સમાંતર છે, પરસ્પર ઓતપ્રોત છે. જીવન અને જગતના તે તે સમયને અનુરૂપ અને અનુકૂળ ઑડનનું કવન છે. અને એ કવન સિદ્ધ કરવામાં જે જે પૂર્વકાલીન અને સમકાલીન કવિઓની સહાય છે એ સૌની પ્રત્યે અહીં ભક્તિપૂર્ણ હૃદયનું નમ્ર આભારદર્શન છે. ઑડનનાં અંતિમ વર્ષોનાં જીવનમાં અને કાવ્યોમાં આભારનો ભાવ વારંવાર પ્રગટ થાય છે. જે સંગ્રહમાં આ કાવ્ય છે એનું શીર્ષક છે, ‘આભાર, ધુમ્મસ’. વળી આ કાવ્યની પછી તરત જ ઑડનનું અંતિમ કાવ્ય ‘ધ લલબાઈ’ (હાલરડું) છે. વર્ષો પૂર્વે એમણે અન્ય મનુષ્યની નિદ્રા અર્થે ‘હાલરડું’ રચ્યું હતું તેમ એમાં એમણે પોતાની ચિરનિદ્રા પૂર્વે પોતાને માટેનું હાલરડું રચ્યું છે. એમાં એક પંક્તિમાં એમનાં અંતિમ વર્ષોનાં જીવનનો અને કાવ્યોનો સાર પ્રગટ થાય છે ઃ ‘Let your last thinks all be thanks.’ — ‘તારા સૌ અંતિમ વિચારો આભાર અંગેના હજો.’

૧૯૭૬


*