સ્વાધ્યાયલોક—૬/સભ્યતાનું મૂલ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સભ્યતાનું મૂલ્ય

સમય અને સભ્યતાનું મૂલ્ય. આ વિષય પર કેટલું બધું, અઢળક, ગંજાવર લખાણ થયું છે. એ લખાણોના ગ્રંથો અને સંચયોથી તો એક આખું ગ્રંથાલય ઊભું કરી શકાય. એટલે આ વિષય પર અહીં નાનકડું એવું એક વધુ લખાણ થાય એવા કોઈ ખ્યાલથી અત્યારે આ કાગળ અને કલમ હાથમાં લઈને લખવા બેઠો નથી. પણ એક વાર એક પ્રસંગમાં આ વિષય પરનાં લખાણોમાં જે વિચાર હોય છે એને આચારમાં પ્રત્યક્ષ નિહાળવાનું થયું હતું. સ્મૃતિમાંથી એ પ્રસંગને અત્યારે અહીં આ કાગળ પર નોંધવાનો જ ખ્યાલ છે. ૧૯૫૦ની આસપાસના સમયમાં એક સવારે મુંબઈમાં મ્યુઝિયમના બસટર્મિનસ પર બે માળની એક બસ ઉતારુઓથી પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. નીચલા કે ઉપલા કોઈ માળ પર એક પણ બેઠક ખાલી ન હતી. બસ ઊપડવાને હજુ થોડીક વાર હતી. ત્યાં એક સન્નારી બસમાં ચડ્યાં. અને બેઠકોની વચ્ચેના જવા આવવાના માર્ગમાં ઊભાં રહી ગયાં. ત્યારે મુંબઈની બસોમાં ઊભા રહેવાની મનાઈ હતી. એથી બસકંડક્ટરે એ સન્નારીની પાસે આવીને એમને બસમાંથી ઊતરી જવા કહ્યું, પૂરા સન્માન અને સૌજન્યપૂર્વક, સ્વસ્થ અને શાંત અવાજમાં કહ્યું, એ ભદ્ર સન્નારીને માટે હવે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો. એમનો સાજશણગાર, એમનો ઠાઠઠસ્સો, એમનો મોભોમરતબો આ સૌને, અરે, એમની હસ્તીહયાતી સુધ્ધાંને બસકંડક્ટરે એક જ ક્ષણમાં, એક જ વાક્યમાં જાણે પડકાર ફેંક્યો હોય એવું એમને લાગ્યું. બસમાંથી ઊતરી જવું એમને મરવા જેવું લાગ્યું. એમણે જાણે સામો પડકાર ફેંક્યો હોય એમ કહ્યું, ‘નહીં ઊતરું.’ બસકંડક્ટરે કેટકેટલી વાર એમને ઊતરી જવા કહ્યું. તેટતેટલી વાર એમણે વધુ ને વધુ રોફરુઆબથી કહ્યું, ‘નહિ જ ઊતરું.’ છેવટે નછૂટકે બસકંડક્ટરે કહ્યું, ‘તો પછી બસને પોલીસસ્ટેશન પર લઈ જવી પડશે.’ ત્યારે પણ એ સન્નારીએ કહ્યું, ‘તમારે જે કરવું હોય તે કરો, થાય તે કરી લ્યો, પણ હું નહિ ઊતરું તે નહિ જ ઊતરું.’ હવે કોઈ વિકલ્પ ન રહ્યો એથી બસકંડક્ટરે ઘંટડી વગાડીને બસડ્રાઇવરને બસ પોલીસસ્ટેશન પર લઈ જવાનું સૂચવ્યું. ત્યાં તરત જ એ સન્નારી જ્યાં ઊભાં હતાં એની પાસેની એક બેઠક પરથી એક સજ્જન ઊભા થયા. આટલી મોટી સંખ્યામાં બીજા બધા નિર્દોષ ઉતારુઓનો સમય બગડી રહ્યો છે અને હજુ તો બસકંડક્ટર બસને પોલીસસ્ટેશન પર લઈ જશે તો ત્યાં કેટલો વધુ સમય બગડશે એવું વિચારીને અને એથી એ સન્નારીને પોતાની બેઠક પર બેસી જવા કહેવાનું વિચારીને એમણે એ સન્નારીને કહ્યું, બસકંડક્ટરે જે અવાજમાં કહ્યું હતું એ અવાજમાં જ કહ્યું, ‘હું ઊતરી જાઉં છું, તમે મારી બેઠક પર બેસી જાઓ.’ બસકંડક્ટરે ઊતરી જવા કહ્યું એથીયે વિશેષ તો આ સજ્જને એમને બેસી જવા કહ્યું એ એમને વધુ અપમાનજનક અને આઘાતજનક લાગ્યું, વધુ અસહ્ય લાગ્યું. એટલે એમણે એમના એ જ રોફરુઆબથી એ સજ્જનને કહ્યું, ‘શું સમજો છો તમે? તમે મારી પર ઉપકાર કરવા માંગો છો? જાઓ, નહિ બેસું. હું તમારી બેઠક પર નહિ બેસું.’ ત્યારે એ સજ્જને સહેજ ઊંચા અવાજે એમને કહ્યું, ‘બેવકૂફ બાઈ! હું તમારી પર ઉપકાર કરવા માંગતો જ નથી.’ પછી અન્ય ઉતારુઓ ભણી જોઈને એમણે ઉમેર્યું, ‘હું માત્ર આટલાં બધાં બીજાં નિર્દોષ ઉતારુઓને મદદ કરવા માંગું છું, હું એમનો સમય બચાવવા માંગું છું.’ ત્યારે એ સન્નારીએ ચારે બાજુ જોયું. એ ક્ષણ લગી જેમનું અસ્તિત્વ સુધ્ધાં પોતે સ્વીકાર્યું ન હતું એ બીજાં ઉતારુઓ સામે જોયું. એ સૌની નજર પોતાને તાકી રહી છે એ જોયું. અંતે એ નજરથી બચવા એ સન્નારી બસમાંથી ઊતરી ગયાં. એ સજ્જન એમની બેઠક પર પાછા બેસી ગયા. બસકંડક્ટરે ઘંટડી વગાડી અને બસ ઊપડી. અહીં ફૂટનોટ રૂપે ઉમેરવું જોઈએ કે એ સજ્જને સમયનું મૂલ્ય તો સાચવ્યું, પણ સાથે સાથે એમણે સભ્યતાનું મૂલ્ય પણ સાચવ્યું. સભ્ય થવું એટલે સભામાં, સમૂહમાં વસવું. અને સભામાં, સમૂહમાં વસવું એટલે પરસ્પરાવલંબનથી, પરસ્પરાશ્રયથી, સહકારથી વસવું. સભામાં, સમૂહમાં, સમાજમાં, સભ્યતામાં સહકાર આવશ્યક — બલકે અનિવાર્ય. જ્યાં એનો અભાવ અને અનાદર હોય ત્યાં અસામાજિકતા અને અસભ્યતા જ હોય. જેમ સભા મોટી, સમૂહ મોટો તેમ વધુ સહકાર આવશ્યક. એથી જ નગરોમાં સૌથી વધુ સહકાર અનિવાર્ય. નગરમાં થોડાક જ ચોરસ માઇલના વિસ્તારમાં લાખો લોકો હજારો પ્રવૃત્તિઓમાં પરસ્પર ગૂંથાયેલા હોય છે. નગર એટલે મનુષ્યજાતિનો સૌથી વધુ સહકારનો મહાન પ્રયોગ. એથી જ નગરો મનુષ્યજાતિને આહ્વાનરૂપ છે. અને એથી જ મનુષ્યજાતિએ નગરો રચ્યાં છે, અને સદાય રચ્યા કરશે. પ્રત્યેક મનુષ્યનો અન્ય સૌ મનુષ્યો સાથે સર્વદા અને સર્વથા સહકાર એ જ મનુષ્ય માટે સાચું જ્ઞાન, સાચું કર્મ અને સાચી ભક્તિ. ગ્રામપ્રદેશમાં નથી એટલો નગરોમાં આ જ્ઞાન, કર્મ અને ભક્તિ માટે અવકાશ છે. એથી જ નગરો એ મનુષ્યની અગ્નિપરીક્ષારૂપ પણ છે. એથી જ નગરો, વ્હીટમેને જીવનભર એમની કવિતામાં આનંદ અને ઉલ્લાસથી ગાયું છે તેમ, સૌના પ્રેમને પાત્ર છે, સૌના આદરનાં અધિકારી છે. પૂર્વોક્ત પ્રસંગમાં નગરોમાં જે સહકાર હોય અને હોવો જોઈએ, જ્ઞાન, કર્મ અને ભક્તિનો જે સંગમ હોય અને હોવો જોઈએ એનું દર્શન થાય છે. એ સન્નારી અને એ સજ્જનના આચારમાં નગરોમાં શું ન થાય અને શું થાય, શું ન થવું જોઈએ અને શું થવું જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ છે. આવા સજ્જનોથી, સભ્યોથી, નાગરિકોથી સભ્યતાનું, નગરોનું નામ ઊજળું છે.

૧૯૯૩


*