કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ઈશ્વર સુધી ગયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. ઈશ્વર સુધી ગયા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો,
એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા.

તું આવશે નહીં જ હતી ખાતરી છતાં,
નિશદિન હરી ફરી અમે ઉંબર સુધી ગયા.

એવા હતા મનસ્વી કે આ પ્રેમમાં તો શું,
વેવારમાં ય ના અમે વળતર સુધી ગયા.

જુલ્ફો ય કમ નહોતી લગારે મહેકમાં,
મૂર્ખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઈને લોકો ભજે નહીં,
ખપતું'તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા.

‘ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

૨૬-૭-૧૯૭૭ (આઠોં જામ ખુમારી, પૃ. ૪૬૮)