કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૩. ભલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩. ભલે

આ હાથ ઉપર માથું મૂક્યું,
ને માથા ઉપર હાથ; ભલે.

આ બાર બથોડાં અંધારું,
મુઠ્ઠી અજવાળું સાથ; ભલે.

આ એકલદોકલ ચાલ્યા તો
પડછાયાનો સંગાથ; ભલે.

આ રંગ-રાગની રમણામાં
ભ્રમણાની ઊપસી ભાત; ભલે.

આ પોઢેલાં પાણીમાં પેઠો
પાછો ઝંઝાવાત; ભલે.

આ અવળ-સવળ તરિયા-ડૂબ્યા,
નહિ રે ઉગાર્યો નાથ; ભલે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૦)