ગુજરાતનો જય/૨૭. પરાજિતનું માન
વસ્તુપાલને લવણપ્રસાદના સંસારી જીવનના વિષપાનના પાછલા દિવસો યાદ આવ્યા અને એણે સામે પડેલા સાગરનાં અગાધ ઊંડાણોમાં ભરેલી મૌનદશાનો વિચાર કર્યો. નૌકા તે વખતે તાપીના મુખમાં માર્ગ મેળવવા મથતી હતી. તાપીને સામે કિનારે ગુર્જર યોદ્ધાઓનાં ડંકાનિશાન દેખાતાં હતાં. મહામંડલેશ્વર અને મંત્રી વસ્તુપાલ જ્યારે ગુર્જર સૈન્યની છાવણીમાં પહોંચ્યા ત્યારે લવણપ્રસાદે જે આશા રાખી હતી તેથી ઊલટી જ પરિસ્થિતિ જોઈ. એમના આગમનના માનમાં વિજયનાં દુંદુભિઓ વાગ્યાં નહીં, ડંકાનિશાન પર ડાંડી પડી નહીં, સ્વાગત પણ સેનાપતિ તેજપાલે સાવ સાદી રીતે કર્યું. લવણપ્રસાદ પોતાને દીઠા ભેળો જ ભેટી પડશે એવી આશા તેજપાલે રાખી હતી તેને બદલે લવણપ્રસાદના મોંમાંથી સાવ સામાન્ય શબ્દો નીકળ્યા. ત્રણેય જણા થોડી વાર ઊભા રહ્યા અને તેજપાલે હાથની આંગળી ચીંધીને દૂર પડેલી સિંઘણદેવની યાદવછાવણી દેખાડી. લવણપ્રસાદે એ છાવણી પર યાદવી ધ્વજ ઊડતો જોયો અને એણે બીજી વાર મોં બગાડ્યું, કેમ કે એણે શત્રુના પરાજયનું એકેય ચિહ્ન દીઠું નહીં. એણે કહ્યું હતું કે સિંઘણદેવને તો તેજપાલે પાંજરામાં પૂરી રાખીને વિજયનું પ્રદર્શન તૈયાર રાખ્યું હશે. વસ્તુપાલે તેજપાલને પૂછ્યું: “કહો હવે, કેવી રીતે મુલાકાત કરવાની છે?” "આપણે બાપુને લઈને ત્યાં જ જવાનું છે.” એમ કહીને તેજપાલે સામી છાવણી દેખાડી, “અને આપણે ત્રણે જ જવાનું છે.” એટલું કહીને ફરી એણે લવણપ્રસાદ સામે નજર કરી. બન્નેની દ્રષ્ટિઓ યોદ્ધાઓની સમશેરો સમી સામસામી અફળાઈ અને ફરી પાછું તેજપાલે બળતામાં ઘી હોમતું વાક્ય કહ્યું: “આપણે હથિયાર પણ શા માટે લઈ જવાં જોઈએ? સીધાસાદા જઈએ તો વધુ સારુ” લવણપ્રસાદ બોલ્યા વિના ન રહી શક્યા: “તેં તો કહેવરાવ્યું હતું ને કે આપણી જીત થઈ છે?” જીત થઈ છે અને એટલા માટે જ આપણે સાદાઈ રાખવાની છે.” તેજપાલે ટાઢીબોળ વાણીમાં જ કહ્યું. “તો પછી તમે બે જણા જઈ આવો.” “એમ કાંઈ ચાલશે, બાપુ?” વસ્તુપાલે સ્મિત કરીને કહ્યું, “નહીં આવો તો ઉપાડીને લઈ જશું.” "ત્યારે આપણે જીત્યા શું?” કહીને લવણપ્રસાદે ફરી મોં વીલું કર્યું, “તમારી વાણિયાગત...” વાણિયાગત શબ્દ સાંભળી તેજપાલે અવાજ જરાક કરડો કર્યો: “જુઓ બાપુ, વાણિયાગતની વાત ખરી છે. દસ-બાર વરસમાં ગુજરાતનું શૂરાતન ઊભરાઈ નથી ગયું. વાણિયાગતે જ આટલા વિજયો અપાવ્યા છે અને એ વાણિયાગતને નહીં માનો તો આંહીંનું આ વિજયનાટક પણ ઘડી-બે ઘડીમાં ખલાસ થશે. યાદવ સૈન્યનો માળવા તરફ તગડેલો એક ભાગ પાછો આવે અથવા તો દેવગિરિથી નવી દક્ષિણી ફોજ આંહીં દેખાય પછી આ ગુર્જરો અને સોરઠિયાઓ આંહીં પોતાની ખાંભીઓ ખોડાવવા એક ઘડી, પણ ઊભા નહીં રહે. સામો માણસ અસંસ્કારી લૂંટારો છે. એને થોડી વાર મોટાઈ આપવી છે. આપણો હાથ સદાને માટે ઉપર રાખવો છે. એને આપણે કાંઈ દંડવો કરવો નથી. ફરી વાર ગુજરાતને સીમાડે છબે નહીં એટલું જ પાકું કરાવી લેવું છે, અને એ કરાવવામાં ક્ષત્રિયવટની નહીં પણ વાણિયાગતની જરૂર છે.” લવણપ્રસાદ થોડી વાર વિમાસણમાં પડ્યા એટલે વસ્તુપાલે પોતાના ભાઈનો વિચાર-તાંતણો આગળ ચલાવ્યો: “હજુ તો બાપુ, આપણે મલોખાંની ગુજરાત ઊભી કરી છે. હજુ તો કારમો યવન-કાળ ગુજરાતનાં બારણાં ઠોકે છે. અમારી વાણિયાગત પાંચ-પચાસ વરસ આઘેરી નજર નાખે છે ખરીને, એટલે જ અમને એમ થાય છે કે આપના જ કોઈક ફરજંદને કદીક આબરૂ અને નેકટેક માટે, બેટી ને રાણીનાં શિયળ માટે, કદીક ક્યાંક શરણસ્થાનની જરૂર પડશે તે દિવસ માલવા કે મેવાડ કોઈ નહીં આશરો આપે. સોલંકીઓના આખા સમય પર આંખ ફેરવો, રાણા, ઉત્તરાપથમાં ગુર્જરીને ઊભવા આપે એવો છે કોઈ? ભોળોભટ થઈને આશરો આપશે આ દક્ષિણનો યાદવ. માટે એને મોટપ દેવી છે, રાણાજી! એને ઘેર કોઈક દિવસ પગ મૂકવાનો હક મેળવવો છે.” “છેક એને ઘેર...!” લવણપ્રસાદે ટીખળ કર્યું. “હા બાપ, હા કહું છું.” વસ્તુપાલે એમ કહેતે કહેતે દક્ષિણ દિશાની ક્ષિતિજ પર એક તીરછી નજર નાખી અને પછી ઉત્તરની ગિરિમાળ પર રેલાતા લાલ ધગધગતા અગ્નિ સરખા રવિપ્રકાશને ન્યાળી એનું કલેજું છૂપું કંપાયમાન બની ઊઠયું. એણે લવણપ્રસાદનો વૃદ્ધ હાથ પોતાના પંજામાં લઈને કહ્યું, “ચાલો બાપુ, ઊઠો. વાઘેલાના કોઈક નબળા ઘેલા સંતાનને સારુ ને આ દગલબાજોના કૂંડાળા વચ્ચે પડેલી ગુર્જરીને કોઈક દહાડો આબરૂ સાથે ક્યાંક જઈ ઊભવા સારુ, એક છેલ્લું પહેલું સ્થાન નક્કી કરી લેવા માટે ચાલો. ઉત્તરાદી ક્ષિતિજનો ભરોસો કર્યા વગર જલદી ઊઠો, બાપુ.” ફરીવાર એણે ઉત્તર તરફ મીટ માંડી. ફરી એની આંખે તમ્મર અનુભવ્યાં. ક્ષિતિજ જાણે કોઈ વિરાટની લાગણી જેવી લપાઈને રાફડા ઉપર બેઠી હતી ને વસ્તુપાલની કલ્પના નિહાળતી હતી... કોઈક વાઘેલાનો ગંડુ બાળ....કોઈક હૈયાફૂટો પાટણપતિ... ગુજરાતના મુત્સદ્દીપણાનો ભયાનક કોઈ ભાવિ આપઘાત, પરચક્રનાં ધસ્યાં આવતાં અગ્નિરસનાં પૂર, નાસતી ગુર્જરી, એને સંઘરવાની ના કહેતી રાજસ્થાનની ધરતી... ને એની આબરૂના બચાવનો એકમાત્ર માર્ગ આ દક્ષિણાપથ. “ગરવા રહેજો.” એણે લવણપ્રસાદને શિખામણ દીધી, "અને ચારેય હાથે એના માથે પુષ્પો ચડાવજો, સમજ્યાને, બાપુ?” વિંધ્યાચળના ગજરાજ-શો જાતિવંત લવણપ્રસાદ પોતાના નાનકડા બે મહાવતોને આટલે જ અંકુશપ્રહારે મૂંગે મોઢે તેઓની સાથે ચાલી નીકળ્યો. સિંઘણદેવને જ્યારે સમાચાર પહોંચ્યા કે ત્રણેય જણા સામે ચાલીને અને વિના શસ્ત્રે ચાલ્યા આવે છે ત્યારે તે વિસ્મય પામીને પોતાના તંબૂ બહાર નીકળ્યો. ચાલી આવતી ત્રિપુટીના માથા ઉપર ફક્ત ગુજરાતનો કુક્કુટધ્વજ ભાલાની અણી સાથે ખેલતો આવતો હતો. ત્રણેયનાં પગલાંમાં ઉતાવળ નહોતી, અધીરાઈ નહોતી, તેમ શેખી નહોતી. તેઓ જાણે મહેમાનને જ મળવા આવતા હતા. પોતાની આંખો ભૂલ તો નથી કરતીને, એમ વિચારી યાદવરાજે ચોફેર નજર કરી તો પોતાને ખાતરી થઈ કે ત્રણ દિવસથી પોતાની છાવણીને ઘેરી રહેલું ગુર્જર સૈન્ય એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. ચોફેર પા પા ગાઉને કૂંડાળે ગુર્જરીના અશ્વો હણહણતા હતા અને કોઈ કોઈ ગજરાજો સૂઢો ઊંચી કરી કેમ જાણે લવણપ્રસાદને અર્ધ્ય આપી રહ્યા હોય, તેમ દર્ભના પૂળા આકાશે ઉછાળી રહ્યા હતા. ચોફરતી સેના ઘેરો ટકાવવા માટે સજ્જ ઊભી છે એવી ખાતરી સૂર્યના તાપમાં ચકચકતાં બખતરો ટોપો અને આયુધો સિંઘણદેવને આપી રહ્યાં હતાં. પોતે પરાજિત છે અને પોતાના પ્રાણ તેમ જ ઈજ્જત ગુર્જરીને જ આધીન છે એવું એને ફરી વાર ચોક્કસ ભાન થયું. પોતાના કેદીઓ કે દુશમનો પ્રત્યે જેણે કદી આવી રાજરીત બતાવી નહોતી તે યાદવપતિ આ ત્રણેનું સહેજ હાસ્યભર્યું હસ્તવંદન જોઈને લજવાયો. તેણે ગુર્જર રાજપુરુષોના અને સેનાપતિના ચહેરામાં ડાંખરાઈ, મૂછોના મરડ ને આંખોની લાલાશ, હોઠની કરડાઈ ને જીભની તુમાખી જોવાની ધારણા રાખેલી; તેને સ્થાને અહીં તો તેણે ત્રણ એવા પુરુષોને નિહાળ્યા, કે જેમાંના બેની મુખક્રાંતિમાં કોઈ ગરવા શ્રેષ્ઠીની ભદ્રતા તરવરતી હતી અને ત્રીજાનું વૃદ્ધત્વ વડલા જેવી શીતળ પ્રતિભા પાથરતું હતું. સિંઘણદેવના સ્વભાવમાં બેઠેલું હિંસ્ત્ર પશુત્વ આ દુશ્મનોના વધુ વ્યવહારે સાવ કૂણું પડી ગયું. વિજેતાઓનો પહેલો જ પ્રશ્ન એ હતો કે 'હવે આપને કઈ બાજુ સિધાવવું છે?' તેણે પૂછ્યું: “કેમ?” વસ્તુપાલે કહ્યું: “ધોળકે પધારો તો બહુમાન કરીએ. દેવગિરિ સિધાવવાના હો તો સાથે ગુજરાતના શિલ્પનું થોડું ભાતું બંધાવીએ. નહીં જવા દઈએ માત્ર એક જ જગાએ.” સિંઘણદેવ અજાયબ થયોઃ “ક્યાં?” “ભૃગુકચ્છમાં.” વસ્તુપાલે હાસ્ય કર્યું, “આપના અંતરમાં જે માણસને આપની સાથે દગલબાજી રમ્યા બાબતનો રોષ છે તે જ માણસ માટેનું અભયદાન અમે આપની પાસેથી માગી લઈએ છીએ.” એવી સિફતથી વસ્તુપાલે લાટના સંગ્રામસિંહને અને સિંઘણદેવને ભેગા થતા અટકાવ્યા. અને સિંઘણદેવ સાથે ત્યાં ને ત્યાં સંધિપત્ર પર મુદ્રાઓ મુકાઈ કે ગુર્જર દેશ ને દેવગિરિ બંનેએ પરસ્પર કદી ચડાઈ કરવાની નથી. એ સંધિપત્ર આપીને વિદાય લેતા સિંઘણદેવને મંત્રી વસ્તુપાલે શિલ્પી શોભનદેવનું રચેલું આરસનું તોરણ ભેટ કર્યું. તેમાં આ બે રાજ્યોની સંધિનાં સાંકેતિક સ્મારકો કોતરાયાં હતાં. સિંઘણ વિસ્મય પામ્યો. આ બધું ક્યારે કરવાની નવરાશ મળી? વસ્તુપાલ નમ્ર પ્રત્યુત્તરમાં સમજ પાડી: “અમારે ઘેર તો ગરજનના મહમૂદની તલવાર ફરી ગઈ ત્યારે અમારા ટાંકણાં નહોતાં અટક્યાં, મહારાજ!” "અને હવે અમારે આપને આપની જ એક થાપણ સોંપવાનું બાકી રહે છે.” એમ કહીને વસ્તુપાલે બીજી એક નૌકામાંથી એક માણસને તેડાવ્યો અને તેને સિંઘણદેવ સામે રજૂ કર્યો. સિંઘણદેવ ડઘાઈ ગયો. એ સુચરિત હતો. એનું મોં ભોંઠામણથી નીચે નમેલું હતું, પરંતુ તેના શરીરની સ્થિતિ બતાવી આપતી હતી કે ગુર્જરપતિની અટકાયત નીચે તેના પ્રત્યેનો વર્તાવ સલૂણો ને સન્માનભર્યો રહ્યો હોવો જોઈએ. એને જોઈને સિંઘણદેવની આંખો એક બીજા ચહેરાને શોધવા લાગી. એ પૂછે તે પૂર્વે જ વસ્તુપાલે કહી નાખ્યું: “આપે જેને આપની પોતાની માનેલ તે અમારી તપાસમાં આપની સ્વજન નહીં પણ દારુણ દુશ્મન નીકળવાથી જ અમે પાછી સોંપતા નથી. એનું સ્થાન હજુ અમે નક્કી કર્યું નથી, પણ ખાતરી રાખજો મહારાજ, કે એ નારી નથી, નાગણી છે.” એમ કહી ચંદ્રપ્રભા વિશે ફોડ પાડ્યો. "પણ પેલો ક્યાં?” એમ પૂછતાં યાદવનાથ સચિંત દૃષ્ટિએ ચારેકોર કોઈકને શોધી રહ્યા હતા. "કોનું પૂછો છો, પ્રભુ?” સમજી ન શકેલા અનુચરો પૂછવા લાગ્યા. “તેં મોકલ્યો હતો તે.” સિંઘણદેવે સુચરિતને પૂછ્યું. “મેં! ના મહારાજ, મેં કોઈને...!” એને કંઈક ગોટાળો થયો હોવાની ગંધ આવી. “મહારાજ પોતાના નહીં પણ અમારા માણસને યાદ કરતા લાગે છે.” એમ કહીને વસ્તુપાલે વિનય કર્યો: “મહારાજ હવે એ બધી ગઈ ગુજરી કરે, શું બન્યું તે કોઈને ન પૂછે, અને આ એક બુદ્ધિવંતને સાચવી લે. હું તો એવા દિવસને ઝંખું છું કે જ્યારે ફરી વાર શસ્ત્રો અને સૈન્યોને બદલે, હિંસા અને હત્યાકાંડને બદલે માત્ર સામસામાં મોકલેલા નિપુણોની ચાતુરીના જ દાવ પર હારજીતનો નિર્ણય લેવાય, સામ્રાજ્યો જિતાય અને ગુમાવાય.” લૂંટારો સિંઘણ ખૂબ ખૂબ પ્રસન્ન બનીને આ રીતે પાછો વળ્યો.
સિંઘણદેવને વળાવીને તેજપાલ સૈન્ય લઈ ભૃગુકચ્છને કબજે કરવા ગયો. બીજી બાજુ ખંભાત પાછા વળતા લવણપ્રસાદ અને વસ્તુપાલ વચ્ચે સમુદ્રમાં ઝઘડો જામી પડ્યો હતો. રાણા વીનવતા હતા: “ભલો થઈને તું પાટણનું મહામંત્રીપદ સ્વીકાર.” વસ્તુપાલનો જવાબ નકારમાં હતોઃ “ના બાપુ, મારે ખંભાત ઘણુંબધું છે, મારા સાધુઓ, મારી સરસ્વતી અને મારો સાગર છોડું એવો કોઈ સ્વાદ મને પાટણમાં નથી.” “કડવું કરીને ચાલ.” "શીદને આગ્રહ કરો છો?” “પાટણને પાદર કરીને આપણે ધોળકા-ખંભાતને જમાવ્યાં છે એ મેણું મારે માથેથી ઉતાર. તારા સાધુઓને અને તારી સરસ્વતીને ત્યાં લઈ આવ.” “મારો રત્નાકર ત્યાં નહીં આવેને?” “તો તું રત્નાકરને મળવા ખંભાત જતો આવતો રહેજે.” “રહેવા દો, બાપુ!” વસ્તુપાલ કૂણો પડતો પડતો પણ પોતાની સ્થિતિને તપાસતો હોય તેમ બોલતો હતોઃ “ઝાડવાને જે ધરતી ભાવી ત્યાંથી એને ઉખેડો નહીં.” "ભાવી! તારી ઝીણી ઝીણી વાતો તો મારી ખોપરીમાં ઊતરતી નથી. ટૂંકમાં કહું છું કે મારા જેવો આપનારો નહીં મળે.” "ના પાડનારાય ક્યાં મળે છે, બાપુ” વસ્તુપાલે વ્યંગ કર્યો, “તમારે મને ખરેખર તેડાવવો હશે ત્યારે આવીશ.” "ખરો શું ને ખોટો શું?” “એક મ્યાનમાં બે તલવાર હોય ત્યાં સુધી ખોટો.” “મ્યાન કોણ ને બે તલવાર કોણ?” “મ્યાન આપ, ને બે તલવાર એટલે એક હું ને બીજા કુંવર વીરમદેવ.” સાંભળીને લવણપ્રસાદ ખસિયાણા પડ્યા. કેટલોય પંથ કંઈ બોલ્યા વગર કાપી નાખ્યો. વસ્તુપાલે લાગ જોઈ ઘા કર્યો: “બાપુ, આપને લાગે છે કે હું કઠોર છું?” "ના, મને લાગે છે કે તું કૃપણ છે. વીરમદેવ તારો વડિયો નથી. વીરમ તો તારી પાસે સંઘમાં આવવાનું મન કરતો'તો.” “એ તો આવીયે ગયા, પોતાનો પરચો બતાવી પણ ગયા.” “શું, કંઈ થયું છે?” "હા બાપુ, સંઘમાંથી પાછી વળતી એક સ્ત્રીને પોતે અધવચ્ચેથી ઉપાડી ગયા છે.” “ક્યાંથી?” “ભાલને એક ગામડેથી.” "કોણ હતી?” "એ અત્યારે કહેવા જેવું નથી. વખત આવ્યે કહીશ” “વીરમ ઉપાડી ગયો? તને પાકી ખાતરી છે?” “આપણા રખેવાળોને કેફ કરાવી, બાંધી, મોંમાં ધૂળ નાખીને લઈ ગયા.” સૈન્યનાયકની છાતી પર અક્ષરો પણ લખેલા મળ્યા કે “હું વીરમદેવ. કહેજો વસ્તુપાલને.” ડાહ્યો વસ્તુપાલ પેલા નાલાયક સૈન્યનાયકે પોતાના બચાવ અર્થે કરેલી કૂડી કરામતથી છેતરાયો હતો. વીરમદેવનું નામ જ મંત્રીના મનમાં શંકાનું ઝેર ભરવા માટે બસ બન્યું હતું. "કહો, બાપુ!” લવણપ્રસાદની કોમળ લાગણીઓ પર મંત્રી અણછાજતી ઈમારત ચણવા લાગ્યા: "આપને પાટણ માટે મંત્રી જોઈએ છે, કે ગાદીના વારસા સારુ ગમે તેવાં કામ કરનાર પૌત્ર જોઈએ છે? ગુજરાત વહાલી છે તે કરતાંય શું નાલાયક વંશજ વધુ વહાલો છે?” લવણપ્રસાદ પૂરી સાંપટમાં આવી ચૂક્યા. પોતાના માથા પર આ સંદેહ ઉપરાઉપરી સમશેરના ઝાટકા વરસાવી રહ્યો. જેને ખાતર પોતે જીવતો હતો તે એકની એક ભાવનાને, તે ગુર્જરીની શ્રદ્ધાંધ સેવાને તેણે આખરે ધૂળ મળતી જોઈ. ઉપરાઉપરી વિજય અપાવી દેનાર વણિકમાં આ એક નબળાઈ બીજા હજાર ગુણોની વચ્ચે પડી હતી તેનો વિચાર એને ન આવ્યો. પૂરઝડપે સરી રહેલી નૌકા પણ એને સમુદ્રમાં ખૂંતી ગયેલી લાગી. વસ્તુપાલ રાણાના ઢીલા પડેલા મન પર વધુ પ્રાછટો બોલાવી રહ્યો – "મારે આજે શી ન્યૂનતા છે તે હું પાટણની કાજળ-કોટડીમાં પ્રવેશ કરું? મારા પર આપે અને રાણા વીરધવલે મારી પાત્રતા છે તે કરતાંય વધુ કૃપા વરસાવી છે. મને તો મારા ગજા કરતાં વિશેષ મોટાઈ મળી છે. મારું દિલ કોળતું નથી. છતાં આપ કોચવાતા હો તો કહો તેમ કરું.” "પણ આ આદર્યા અધૂરાં રાખવાં છે? રાંધ્યાં ધાન રઝળાવવાં છે? આટલો ઘમંડી કે દા'ડાનો થયો છે તું?” મોટા રાણા વેદનાની સાક્ષાત્ મૂર્તિ બન્યા: “મારો જીવ કોઈમાં ન ગયો ને વીરમમાં ગરી રહેશે શું?” "બાપુ!” વસ્તુપાલે લવણપ્રસાદના કોમળ હૃદય-ખૂણામાં હાથ ફેરવ્યો, “હું પણ એ જ વિચારે કંપુ છું, કે આપના વિષપાનનો હજુયે અંત ન આવ્યો! અમે કોઈ આપને સુખી ન કરી શક્યા. સંચિતમાં હજુ શી શી માંડી હશે?” “હવે સંચિત ભલેને મને કરવું હોય તે કરી લે. મારે નથી જોઈતી તારી દયા. બોલ, વીરમને કેદમાં પૂરું?” "ના બાપુ, પણ હું એક વિચાર સૂચવું. એમને એમના સાસરામાં ઝાલોર રાખો. ને મારો બોલ છે કે પાટણમાંથી ઉકરડો સાફ કરીએ કે તરત એમને પાછા બોલાવી લેશું. વાંક કુંવરનો નથી, પાટણની સોનેરી ટોળીઓનો છે. પહેલાં એને ખતમ કરીએ.” “તું કહે તેમ, પણ હવે મારું ટટ્ટુ હાલે એમ નથી, હો કે પાટણમાં ખટપટનાં જાળાં વગરની કોઈ જગ્યા ખાલી નથી. તું ના પાડતો હોય તો થયું, મારે પણ હવે સંન્યાસ લેવો છે. મારી કાંઈ ગુનેગારી! ગુજરાતનો વળગાડ હું ક્યાં સુધી એકલો વેઠું! તારે દરિયો જોઈએ, કવિઓ જોઈએ, સાધુઓ જોઈએ; ન જોઈએ એક મારે જ કંઈ.” “કાં, બાપુ વિચાર થાય છે?” વસ્તુપાલનું મોં દૂત્તું બન્યું. "શાનો?' “પરણવાનો.” "છાનો મર છાનો, મોટા વિદ્વાન!.” એ હાંસીમાં લવણપ્રસાદની મનોવ્યથા વિરામ પામી અને વસ્તુપાલે વૃદ્ધ ક્ષત્રિયના ખાનદાન હૃદય પર મેલો વિજય મેળવ્યો.