ગુજરાતી નારીસંપદા : કવિતા/ધબકે છે!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધબકે છે!

શૈલા મુન્શા

કોઈ રાહ બની, તો કોઈ ખાસ બની ધબકે છે,
સાચું પૂછો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.

કોઈ નિરાધાર, તો બને કોઈ આધાર સ્તંભ,
કોણ જાણે કોણ બસ વિશ્વાસ બની ધબકે છે!

ભભૂકતો જવાળામુખી ભીતર ને સપાટી સમતલ,
ઠારવા અગન ન જાણે કોણ અમીરસ બની ધબકે છે!

વહેરાય કરવતે વૃક્ષ, ને વહેરાય શબ્દે માનવી,
ચીરીને છાતી ધરાની, કોણ કુમાશ બની ધબકે છે!

માનો તો સંગીત, નહીંતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ ગોપી સંગ રાસ બની ધબકે છે!

પામરથી પરમ તત્ત્વને પામવા ઝૂઝે નિત માનવી,
ના કોઈ સૂધ, ભીતર કોઈ ઈશ બની ધબકે છે!!

***