ગુજરાતી બાળવાર્તા સંપદા/પૈસાનું ઝાડ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પૈસાનું ઝાડ

નિધિ મહેતા

હેલી તો મમ્મી પપ્પાની વ્હાલી ઢીંગલી અને દાદાની લાડકી. એ તો માંડ માંડ નિશાળે જાય. દાદા પાસેથી એને જવું જ ના ગમે. દાદાને પણ હેલી વગર ક્યાંય ચેન ના પડે. દાદા તો હેલી નિશાળેથી ન આવે ત્યાં સુધી બસ, એની રાહ જોયા કરે અને સૂનમૂન બેઠા રહે. જેવી નિશાળેથી આવે એટલે દાદા ને દીકરી ખૂબ મસ્તી કરે. દાદા નવી નવી વાર્તાઓ સંભળાવે, તેની સાથે બાળગીતો ગાય, અને એ બેય જણા મસ્તીએ ચડે. દાદા ગીત ગાતાં કહેતાં,

હેલી રે મારી હેલી,
તું ક્યાં ગઈ તી ઘેલી,
ચૂપચાપ કેમ બેઠી આજે
ક્યાં આવી સ્મિત તું મેલી ?’

આજે હેલી નિશાળેથી આવી ત્યારે થોડી ઉદાસ દેખાયી એટલે દાદાએ પૂછ્યું. હેલી બોલી, ‘દાદા આજે મારી સ્કૂલમાં અમારે ઝાડ ઉગાડવાનું હતું.’ અમે સવારે કુંડામાં બી નાખ્યાં.’ અને અમે કેટલી વાર ભણ્યા અને અત્યારે અમારો આવવાનો ટાઈમ થયો તો, પણ હજી ઝાડ ઊગ્યું નહીં.’ ‘તો કેમ ઝાડ નહીં ઊગ્યું હોય?’ અમે કુંડામાં બી નાખ્યાં તો પણ?’ દાદા કહે, ‘બેટા એમ કંઈ સવારે બી નાખો અને બપોર સુધી ઝાડ ઊગી જાય એવું કંઈ હોય?’ ‘સમય લાગે બેટા.’ કેમ દાદા?’ જો તું જન્મી ત્યારે, કેટલી નાની હતી અને હવે જો.’ એમ જ બાળકની જેમ જ આ ઝાડ પણ ખાતર, પાણી, સૂર્યપ્રકાશ અને હવા બધું મળે પછી રોજ થોડું થોડું મોટું થાય, સમજી!’ ‘એવું દાદા ? ફરી સમજાવો ને!’ એમ ઝાડ ના મોટું થાય, ખાતર, પાણી ને હવા ખાય, ધીમે ધીમે એ પોષાય, પછી નાનેથી મોટું થાય. તો તો એને વાર લાગે એમ દાદા?’ ‘હા બેટા.’ પણ દાદા એ મોટું થાય પછી કોઈ એને તોડી નાખશે તો?’ એ તો તારે ધ્યાન રાખવાનું બેટા, એની રક્ષા તારે કરવાની.’ ‘કેમ દાદા?’ જો અમારા બગીચાનું ફૂલ કે ઝાડ તું છે.’ અમે તને લાવ્યા છીએ તો, અમે તારું ધ્યાન રાખીએ છીએ ને?’ એમ તે ઉગાડ્યું છે ઝાડને તો એનું ધ્યાન પણ તારે જ રાખવાનું. એને રોજ પાણી પાજે એટલે તારી જેમ એ પણ ધીમે ધીમે મોટું થતું જશે. ‘સાચે દાદા?’ ‘હા બેટા.’ પછી હેલી તો રોજ સવારે સ્કૂલ જાય. પોતાના ઝાડને જોઈને ગીત ગણગણે,

હેલી તો હૈયે હરખાય,
રોજ ઝાડને પાણી પાય,
જતાં આવતાં જોતી જાય,
ઝાડ હવે ઊંચું દેખાય.
સૌને એ તો કહેતી જાય,
ઝાડ મારું મોટું થાય,
તડકે એની ટાઢી છાંય,
ફળ થાય તો હેલી ખાય.

હેલીને તો આ ઝાડની સાથે વાતો કરવામાં એને રોજ પાણી પાઈને મોટું થતું જોવામાં બહુ મજા આવવા લાગી. થોડા દિવસ પછી તેણે દાદા ને કીધું, ‘દાદા આપણે આપણા ઘરે પણ બીજાં બહુ બધાં ઝાડ ઉગાડીએ. અને એમાં એક ઝાડ છે ને આપણે પૈસાનું ઉગાડવું છે.’ આ મમ્મી મને રોજ કહે છે, ‘આપણી પાસે કંઈ પૈસાનું ઝાડ નથી કે તોડી લઈએ.’ તો ચાલો હવે આપણે આ ઘરના બગીચાના એક ક્યારામાં પૈસાનું ઝાડ ઉગાડીએ. ‘હું મારા ગલ્લામાંથી છે તે સિક્કા લઈને આવું છું.’ ‘ચલો આપણે પૈસાનું ઝાડ ઉગાડીએ.’ પછી મોટું થશે અને પૈસા ઊગવા મંડશે એટલે મમ્મીને જેટલા જોઈએ એટલા તોડીને આપીશ.’ દાદા તો હસવા લાગ્યા, ‘અરે હેલી પૈસાના તે કંઈ ઝાડ ઊગે?’ ‘કેમ ના ઊગે દાદા?’ ‘મગ વાવીએ તો મગ ઊગે, ચીકુ હોય તો ચીકુ ઊગે, જે નાખો તે ઊગે તો પછી પૈસા ના ઊગે?’ ‘તારે પૈસા ઉગાડવા છે હેલી?’ ‘હા દાદા.’ ‘કેવી રીતે ઊગે?’ ‘તો આમ ઊગે.’ જો હેલી આ તારા મમ્મી પપ્પા તારા ભણતર અને ઘડતરમાં જે પૈસા વાપરે છે એ બધાં બીજ છે.’ અને તું જ્યારે સારું ભણી ગણીને સારાં કાર્યો કરીશ, સારું માન, સન્માન ને પ્રતિષ્ઠા મેળવીશ અને એમના નામને રોશન કરીશ એટલે એમના એ પૈસા ઊગી ગયા, સમજી!’ ‘હા દાદા બરાબર સમજી હવે તો.’ એટલે હવે તો બરાબર ભણવું પડશે હો.’ એટલે મારી જેમ મારા મમ્મી-પપ્પાનું પૈસાનું ઝાડ પણ મોટું થાય.’ અને એમને આનંદ થાય એમનું ઝાડ ઊગ્યાનો નહીં દાદા?’ હા...આ... હવે બરાબર સમજી લીધું, એટલે બરાબર ભણજે હો..! દાદા અને દીકરી તાળી પાડી હસવા લાગ્યા. દાદાએ કહ્યું,

હેલી મારી કેવી ડાય,
કેવું જલદી સમજી જાય,
દાદા સાથે ગીતો ગાય,
મીઠું મીઠું એ મલકાય.’

પછી તો હેલી રોજ સરસ મહેનત કરીને ભણવા લાગી. મમ્મી- પપ્પાનું પૈસાનું ઝાડ’ ઉગાડવા.