ગુજરાતી સૉનેટકાવ્યો/જૂનું પિયેર ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. જૂનું પિયેર ઘર

બ. ક. ઠાકોર

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં,
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂનાં :
ભાંડૂ ન્હાનાં, શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાં ત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી :
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, ત્હમારી. ૧૪