ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નરસિંહભાઈ મૂળજીભાઈ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નરસિંહભાઈ મૂળજીભાઈ શાહ

શ્રી. નરસિંહભાઈ શાહનો જન્મ જૈન પોરવાડ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૯૯ની ૧૮મી ડિસેમ્બરે તેમના વતન લીંબડીમાં થયેલો. તેમને પિતાનું નામ મૂળજીભાઈ કાળીદાસ શાહ અને માતાનું નામ વીજીબાઈ. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૧માં શ્રી. ચંપાબહેન સાથે થયું છે. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે લીંબડીમાં લીધેલી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસક્રમમાં રસાયનશાસ્ત્રનો મુખ્ય વિષય લઈ તેમણે ઈ.સ. ૧૯૨૪માં બી. એસસી. અને ઈ.સ. ૧૯૩૦માં એમ. એસસી. અને ઈ.સ. ૧૯૩૮માં પીએચ.ડી.ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં અભ્યાસ કરીને મેળવી. શરૂઆતમાં કેટલાંક વર્ષ ધારવાડની કર્ણાટક કૉલેજમાં ગાળ્યા બાદ હાલ અમદાવાદની ગુજરાત કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ કામ કરે છે. નોકરીને અંગે લાંબા સમય સુધી કણૉટકમાં રહેવાનું થતાં ત્યાં વાંચવાની તક તેમને ખૂબ મળી. ત્યારબાદ અમદાવાદ બદલી થતાં ગુજરાત વિદ્યાસભાના મંત્રી સ્વ. હીરાલાલ પારેખના સમાગમમાં આવતાં તેમના તરફથી વિજ્ઞાન વિશે લખવાને તેમને પ્રોત્સાહન મળ્યું. ત્યારથી તેઓ ગુજરાતી સામયિકો અને પુસ્તકો દ્વારા વિજ્ઞાનવિષયક લેખો પ્રગટ કરીને તે પ્રકારના સાહિત્યમાં પ્રશસ્ય ફાળો આપી રહ્યા છે. તેમનું પ્રથમ પુસ્તક ‘દૂધ’ ગુજરાત વિદ્યાસભાએ ઈ.સ. ૧૯૪૦માં પ્રગટ કર્યું હતું. તેઓ ઇન્ડિયન કેમીકલ સોસાયટી (કલકત્તા)ના સભ્ય છે અને ગુજરાત વિદ્યાસભાના આજીવન સભ્ય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક સંશોધનોમાં આગળ વધી વિજ્ઞાનનું જ્ઞાન જનતામાં વિસ્તારવાનો છે. તે સારુ જીવનના ઉપયોગી વિષયો વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિથી લોકભોગ્ય ભાષામાં લેખો ને પુસ્તકો લખવાની પ્રવૃત્તિ તેઓ સતત કરતા રહ્યા છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. દૂધ-સર્વસંપૂર્ણ ખોરાક *વૈજ્ઞાનિક *૧૯૪૦ *૧૯૪૦ *ગુજરાત વિદ્યાસભા અમદાવાદ મૌલિક-સંપાદન; (મિશ્ર)
બીજી આવૃત્તિ ૧૯૪૬
૨. મેડમ ક્યૂરી *જીવનચરિત્ર *૧૯૪૬ *૧૯૪૭ *ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ *મૌલિક
૩. મહાન વૈજ્ઞાનિકો ખંડ ૧-ખંડ ૨ (ડૉ. સુરેશ શેઠના સાથે) *જીવનચરિત્ર *૧૯૪૩ *૧૯૪૭/૧૯૪૮ ભારતી—સાહિત્ય સંઘ લિ. *મૌલિક
૪. લૂઈ પાશ્ચર *જીવનચરિત્ર *૧૯૪૮ *૧૯૪૮ *ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય *મૌલિક
૫. બાલવિજ્ઞાન- વાચનમાળા, પુ. ૧ થી ૬. પાઠ્યપુસ્તક (વર્ધા શિક્ષણ યોજના અનુસાર) *૧૯૪૪થી ૧૯૪૮ બાલગોવિંદ કુબેરદાસની કું. *મૌલિક
આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં રસાયણશાસ્ત્રના વિષયમાં તેમણે ૪૫ સંશોધનલેખો પ્રગટ કર્યા છે, અને ત્રણ પાઠ્યપુસ્તકો લખ્યાં છે.

***