દલપત પઢિયારની કવિતા/છેલ રમતૂડી
Jump to navigation
Jump to search
છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ને પાદર થરથરે રે લોલ.
આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાંં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખીને વાયક પાછાં ફરે રે લોલ.
લીલી એકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઉતારો નેવાં જરે છલે રે લોલ.
પેલા મારીડાને બાગ
મરવો નંઈ બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.