ધ્વનિ/આનંદ શો અમિત
નાની, પ્રિયે! કુટિર આપણી તો ય એમાં
આનંદ શો અમિત ગુંજરતો સદાય!
પ્રાપ્તવ્ય કર્મમહીં આપણ લીન જેનાં
આસ્વાદતાં ફલ કંઈ, રુચિ જેટલાં જ.
ઝાઝેરું તે જગતમાં દઈએ બિછાવી :
ને આપણું વહનભારથી મુક્ત ભાવિ.
તું બ્રાહ્મવેળ તણી શાન્તિ વિષે સુમંદ
ગાતાં દળે નિતનું ધાન્ય; હું જાગું ત્યારે.
ને તાહરાં દીધ જમી દધિ, ક્ષેત્ર પંથ
લેતો, હવાની લહરે હસતી સવારે.
ચારો ત્યજી ધણ ઢળે તરુ-છાંયડીમાં :
મધ્યાહ્ન ભાત મધુરો તવ ગોઠડીમાં.
સાંજે યદા શ્રમિણ સૂર્ય નમે દિગંતે,
સોહાય સ્વર્ણિમ પ્રભા થકી શી ધરિત્રી!
ત્યાં આપણે ઘરભણી વળિયે ઉમંગે,
વાજી રહે ઘુઘરમાં ચશુ કેરી મૈત્રી.
જો એમણે ધરી ધુરા, પ્રિય! આપણી તો,
તેં એમનો શિર પરે તૃણભાર લીધો.
અંજાય નેત્રમહીં શીતલ અંધકાર,
થાતાં તદા ઉભય નિંદરને અધીન.
જ્યાં એક સેજ, જીવ બે, પણ એક પ્રાણ,
સારલ્ય ત્યાં મન અચંચલ સ્વપ્નહીન.
તે જાગીએ ઉભય કાલ તણે ઉછંગ,
આનંદ અંગ નવ જન્મની સ્ફૂર્તિમંત.
૨૪-૭-૫૧