નારીસંપદા : ટૂંકી વાર્તા/તીરાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તીરાડ

રૂપા લખલાણી

મંચસજ્જાની કોઈ નિર્જીવ પ્રોપર્ટીનો રોલ નિભાવતી હોય એમ પ્રેરણા બાલ્કનીમાં અપલક ઊભી હતી. તેની શૂન્યમનસ્ક નજર દિગંત પર ઢળી રહેલા સૂર્યને તાકી રહી હતી. અદભૂત પ્રકાશસજ્જા હતી. આકાશને કેસરિયો ગુલાબી સાઈક્લોરામા બનાવીને સૂર્ય જાણે પ્રકાશને ડિફયુસ કરી સંપૂર્ણ બ્લેકઆઉટની તૈયારીમાં હતો ત્યાં અપસ્ટેજ રાઇટમાં શુક્ર પર ધીમે ધીમે વધતી ઇન્ટેન્સિટી સાથે પ્રકાશ પડ્યો. એક કુશળ દિગ્દર્શકની જેમ પ્રકૃતિ પણ દરેકનો રંગ ધીમે ધીમે પ્રસ્તુત કરતી હતી – પછી એ મંચ હોય કે પાત્ર. શહેરના નવા વિસ્તારમાં આવેલા આ ફ્લેટમાં તે થોડા સમય પહેલાં ભાડે રહેવા આવી હતી. શહેરી કોલાહલથી દૂર અહી શાંતિ અને આધુનિકતાનો સુમેળ સધાયો હતો. વાસંતી વાયરો વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યો હતો પરંતુ પ્રેરણા તેનાથી બેઅસર હતી. ચારે તરફ ઊંચા મકાનો અને તેની એક સરખી બાલ્કનીમાં સુકાતાં રંગીન વસ્ત્રો કોઈ નાટ્યજીવને હાઉસફુલ ઓડીયન્સની પ્રતીતિ કરાવે તેવાં હોવા છતાં પ્રેરણાને તો સમગ્ર વિશ્વ, પડદો પડી ગયા પછી રિક્ત થયેલાં નાટ્યગૃહ જેવું લાગી રહ્યું હતું. અંદરના સન્નટાને ખાળી દેવા પ્રેરણાએ બહારના દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રસ્તા પર પુરપાટ દોડી જતી સફેદ રંગની કાર તેના મનને ફરી શેખર ભણી લઈ ગઈ. – તેની પાસે આવી જ કાર છે, શેખર – છેલ્લા થોડાં દિવસોમાં તેની જીવનકથાનું કેન્દ્ર બની ગયેલો – ‘શું કરતો હશે એ? મને યાદ તો કરતો જ હશે!’

***

‘ડેમ ઈટ. સમજે છે શું પોતાને?’ તેણે મોબાઈલમાં જોયું. અધૂરી રહેલી રચનાની અકળામણથી તે ઊભો થયો. મોબાઈલને સોફા પર ફેંકીને બારી પાસે ગયો. વાહનોથી ભરચક રહેલા રોડ પર એક લઘરવઘર છોકરી લાલ ગુલાબ વેંચી રહી હતી. વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું હતું. શહેરના પોશ ગણાતા આ વિસ્તારની રોનક આ દિવસોમાં વધુ નીખરી જતી. સામાન્ય સંજોગોમાં તે આવા ફેરિયાઓ સામે જોઈ પણ ન શકતો. દિવસના ૫૦ -૧૦૦ રૂપિયા કમાવા માટે જાત ઘસી નાખતા જીવોને એ માણસ ગણવા તૈયાર નહોતો. આજે એ છોકરીના હાથમાં રહેલું લાલ ગુલાબ તેને ભૂતકાળમાં ખેંચી ગયું. ‘શેખર..’, ઉમળકાથી છલકાતો પ્રેરણાનો અવાજ તે ઓળખી ગયો. તેણે પાછળ ફરીને જોયું, સજાવેલા માંડવાનું એક લાલ ગુલાબ ખેંચી લઈ પ્રેરણા ખાલી થયેલાં ઓડીટોરીયમના સ્ટેજ પર હાથ લંબાવીને ઘુંટણીએ બેઠી હતી. લગ્નના સીન સાથે નાટકનો વાજતેગાજતે અંત આવ્યો હતો. દર્શકોએ બે હાથ ફેલાવી આખી ટીમને વધાવી લીધી હતી. પ્રેરણાનો હરખ આ રીતે શેખર સામે ઘુંટણીએ થઈ બહાર આવ્યો હતો. તેની આ અણધારી ચેષ્ટાથી શેખરને આંચકો લાગશે એ તે જાણતી હતી. ‘વોટ આર યૂ ડુઇંગ?’, થોડું અટકીને તે વધુ ઊંચા અવાજે બોલ્યો, ‘આર યૂ આઉટ ઓફ યોર સેન્સેઝ પ્રેરણા?’ અસલી નાટકની ચર્ચા પર પડદો પડી માર્કેટમાં આ નાટકની હવા ઊભી થાય તેમાં તેને કોઈ પ્રોફેશનલ ફાયદો દેખાયો નહીં. મહિનાઓની મહેનત ઉપર પ્રેરણાની આ બાલિશ હરકત પાણી ફેરવી દે એવું તે નહોતો ઈચ્છતો. પ્રેરણા ભોંઠી પડી. ઊભી થઈને ગ્રીનરૂમ તરફ ભાગી. શેખર પણ થોડો મૂંઝાયો, તે તેની પાછળ જવા ગયો. ‘પ્રેરણા..’, પરંતુ તેણે અંદર દોડી જઈ અફળાવીને દરવાજો બંધ કરી દીધો.

***

અત્યારે પણ તે એક ડગલું પાછળ ખસી ગયો. ઓફિસનો દરવાજો ખૂલ્યો. સામે ડ્રામેટીક્સની ઇન્ટર્ન સુરભિ ઊભી હતી. ‘યસ સુરભિ’ ‘સર, ત્રણ દિવસથી પ્રેરણા મેમ નથી આવ્યા.’ ‘આઈ નો ધેટ. તું મને એ જણાવા આવી છે?’ ‘ નો સર.’ કહી તે ઊભી રહી. શેખર વધુ ચિડાયો. ‘શું કામ હતું?’ ‘સર, આવતા મહિને મુંબઈમાં જે રંગમંચ મહોત્સવ યોજાવાનો છે એના માટે ત્યાંથી ફોન આવ્યાં કરે છે. એ લોકો સાથે પ્રેરણા મેમ વાત કરતાં હતાં. શું કહું એમને?’ ‘કહી દે કે અમે પ્રોડક્શન હાઉસ બંધ કરીએ છીએ.’ ‘વોટ સર?’, તે આશ્ચર્ય પામી. ‘તો બીજું શું કહેવાય? પ્રેરણા નહીં આવે તો શું કામ આગળ નહીં વધે? ફાઇન્ડ ધ સોલ્યુશન. ડોન્ટ કમ વિથ અ પ્રોબ્લેમ.’ , સુરભિએ અત્યાર સુધી પ્રેરણા સાથે જ કામ કરેલું. શેખર સાથે સીધો પનારો નહોતો પડ્યો. ‘પણ સર.’ તે હજી ગડમથલમાં ઊભી હતી. ‘પ્રેરણા ઇઝ બેકસ્ટેજ. એંડ નોવન નોટિસેસ બેકસ્ટેજ. ડ્રામેટિક્સના સ્ટુડન્ટને મારે આ કહેવું પડે?’ બિચારી ગડમથલ ઉકેલે એ પહેલાં જ શેખર તોછડાઈથી બોલ્યો, ‘ગો નાવ.’ ‘સર, તો મેમ હવે નહીં આવે?’ , તેનાથી પૂછ્યા વગર ન રહેવાયું. ‘તને પી. એ. લાગુ છું હું એનો?’ ‘સોરી સર.’, તે ગભરાઈને બહાર નીકળી ગઈ. કોઈ નવો-સવો એક્ટર પોતાની રી-એન્ટ્રીની રાહ જોતો હોય એમ શેખરે ફરી મોબાઈલ જોયો. ‘જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી. મેસેજ નહીં, ફોન નહીં.’, ગિન્નાઈને તે બબડ્યો. આજ સુધી શેખરની દરેક વાતને પ્રેરણાએ ઉમળકાથી ઝીલી લીધી હતી. તેના હાઇ, ગુડમોર્નિંગ ને ગુડનાઇટ જેવા તદ્દન સામાન્ય મેસેજનો પણ તે તરત જવાબ આપતી. અવજ્ઞાની આ પરિસ્થિતિનો સ્વીકાર શેખર કરી શકે એમ નહોતો. ‘કામને પહોંચી વળવા માટે તાત્કાલિક પ્રેરણાને મનાવી લેવી જોઈએ.’, તેણે વિચાર્યું. અને સ્ક્રિપ્ટની ડિમાન્ડ પૂરી કરવા તેણે પ્રેરણાને રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો. કારની ચાવી લઈ તે ઝડપથી ઓફિસની બહાર નીકળ્યો. પૂર ઝડપે કારને પાર્કિંગની બહાર કાઢી તે મુખ્ય રસ્તા પર આવ્યો. ટ્રાફિકમાં રસ્તો કરવા તેણે સતત હોર્ન વગાડ્યા કર્યું. તેને બાજુની સીટમાં બેઠેલી પ્રેરણા યાદ આવી. ‘આ એકધારું હોર્ન વગાડવાવાળાને કોઈ કહો આમ કરવાથી તે ઉડીને આગળ નહીં પહોંચી જાય.’ માઈગ્રેનથી દુખતાં માથા પર હાથ મૂકી પ્રેરણા બોલી હતી. ‘તારા દુખાવાનું હું ધ્યાન રાખું, આખી દુનિયા નહીં.’, તે દિવસે જેટલા પ્રેમથી તેણે પ્રેરણાનું માથું દબાવ્યું હતું તેના કરતાં અનેક ગણા ક્રોધ સાથે અત્યારે તેણે ગાડીનું હોર્ન દબાવ્યું. શેખર ફ્લૅશબેકમાં સરી પડ્યો હતો. જાણે ગઇકાલની જ વાત હતી. ત્રણ દિવસથી પ્રેરણાને માઈગ્રેનનો દુખાવો હતો, જરાક અમથો અવાજ કે પ્રકાશ પણ તેના માટે અસહ્ય હતા ત્યારે શેખરનું ઉતાવળે પતાવવાનું એક કામ તેણે આપેલી તારીખના આગલા દિવસે પૂરું કરી આપ્યું હતું. અને તે પણ પૂરી બારીકાઈથી. આપેલી રૂપરેખાના આધારે માત્ર બે જ દિવસમાં પ્રેરણાએ ચીવટપૂર્વક ફૂલલેન્થ નાટક લખી નાખ્યું. શેખર સામે પોતાની કાબેલિયત સાબિત કરવાનો આ મોકો તે વેડફવા નહોતી માંગતી.. તે નવોદિત હતી પરંતુ જીવનની અનુભૂતિઓથી નિકટ તેનું લખાણ પ્રભાવશાળી અને સત્ય લાગતું. નાટક સરસ લખાયું હતું. કુદરતી ઊગેલા ફૂલમાં ઉપરથી પાણી છાંટી ઝાંકળનો ભ્રમ ઉત્પન્ન કરવો એ શેખર માટે ડાબા હાથનો ખેલ હતો. વાર્તા, પાત્રાલેખન, સંવાદ – દરેકમાં તે આગવી છટા ઉમેરી દેતો. તેના નાટકોના અંત ચમત્કૃતિ ભર્યા રહેતાં. એ અંગે દર્શકોને કાયમ ઉત્સુકતા રહેતી.શેખરના નાટકો ‘ફક્ત શેખરના નાટકો જ બની જતાં.’ પરંતુ કોઈ અનુભવી લેખકના ઘડાયેલા હાથે મઠારાયેલી હોય તેવું અંતિમ સ્વરૂપ આપીને પ્રેરણાએ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. ક્યાય છેડતી કરી તેની નૈસર્ગિકતા ઘટાડવાની હરકત કરવી તેને વ્યાજબી ન લાગી. તેની ચર્ચા માટે તે ઓફિસે આવી હતી. શેખર તેનું દિગ્દર્શન કરશે તેવું નક્કી થયા બાદ તે તેને ઘરે મૂકવા જઈ રહ્યો હતો. ધીમે ધીમે પ્રેરણા શેખર સાથે ખભેખભો મેળવીને કામ કરતી થઈ ગઈ. અમુક જવાબદારીઓ તેણે બખૂબી ઉપાડી લીધી. લેખનની સાથે સેટ, પ્રકાશ અને ધ્વનિનું સંયોજન, શોનું માર્કેટિંગ, ટિકિટની ડિઝાઇન ઘણું એ જોઈ લેતી. શેખરનું લેખન આજનાં સમયનું હતું. તેથી તે પ્રેક્ષકોના હૃદયમાં તરત ઉતરી જતું. પ્રેક્ષકોની રગ પકડી લઈ પ્રહાર કરવાની તેની આવડત ગજબની હતી. તેમાં હવે પ્રેરણાની નારીચેતના ભળી હતી. તેમનું સહિયારું કામ દર વખતે એક નવી ઊંચાઈ હાંસલ કરતું. તેમનાં લખેલા નાટકો સ્ત્રીઓનાં હ્રદય-ધબકારને વાચા આપતાં હતાં.

***

નાટ્યલેખનની એક શિબિરમાં બંનેનો પરિચય થયો હતો. ગેસ્ટ લેક્ચરર તરીકે આવેલા શેખરે શિબિરાર્થીઓને તેમણે જોયેલા નાટકમાંથી કોઈપણ એક દ્રશ્યને પોતાની શૈલીમાં ફરી લખવાનું કામ સોંપ્યું હતું. પ્રેરણાએ શેખરના જ નાટક “અપમૃત્યુ”નું એક દ્રશ્ય ફરી લખ્યું હતું. મૂળ નાટકમાં સાથે જીવવા મારવાના કોલ આપીને પતિ અકસ્માતે મૃત્યુ પામે છે, પત્ની એકલતાની અસહ્ય વ્યથા ખમી નથી શકતી. છેલ્લે તે સ્વેચ્છાએ જીવ ત્યાગે છે. શેખરે પ્રેક્ષકોને કરુણતાની ચરમસીમા પર લાવીને છોડી દીધા. પત્નીના મૃતદેહ પર સ્પોટલાઇટ અને ધીમે ધીમે બ્લેકઆઉટ સાથે મૂળ નાટકનો અંત લખાયો હતો. સામે પ્રેરણાએ પતિના સ્વપ્નો પૂરા કરવા પત્ની આખું આયખું જીવી નાખે છે એવો અંત લખ્યો હતો. બિનજરૂરી સ્ત્રીશક્તિનો ઝંડો લહેરાવ્યા વગર તેણે સ્નેહ અને સાથના ગૌરવને ઉજાગર કર્યું. “પાત્ર મરે, પણ પ્રેમ જીવી જાય એ અપમૃત્યુ નથી.” નાયિકાના એ સંવાદ સાથે તેના પર સ્પોટલાઇટ અને ધીમે ધીમે બ્લેકઆઉટ કરી તેણે નાટકનો અંત આણ્યો. શિબિરાર્થીઓની સ્ક્રીપ્ટ પર ચર્ચા – વિચારણા કરી, જરૂરી સુધારા સૂચવ્યા બાદ શેખરે અંતે પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કર્યો જેથી નાટ્યલેખનનો કોઈ ઉત્સુક જીવ ઈચ્છે ત્યારે તેનું માર્ગદર્શન મેળવી શકે.

*

પહેલો ફોન પ્રેરણાએ કર્યો. શરૂઆતમાં નાટક સંબંધી વાતો થતી. ધીમે ધીમે વિષયોની વિવિધતા વધતી ગઈ. શેખરને તેના આગામી પ્રોજેક્ટ માટે એક સહાયકની જરૂર હતી. તેને આમ પણ પ્રેરણામાં રસ પડ્યો હતો અને પ્રેરણાને તો એક નાટ્યકાર તરીકે શેખર પસંદ જ હતો. તેણે તરત જ શેખરની જોબની ઓફર સ્વીકારી લીધી. આમ પણ આ શહેર તેના માટે નવું નહોતું. નજીકના એક ગામડેથી આવી આ શહેરની હોસ્ટેલમાં રહી તે ભણી હતી. શરૂઆતમાં અહીંની જ એક વર્કિંગ વુમેન્સ હોસ્ટેલમાં તેણે પોતાના રહેવાની વ્યવસ્થા કરી લીધી. કામકાજના સંદર્ભમાં તેમનું મળવાનુ વધતું ગયું. દરેક સંબંધને હૃદયથી મૂલવતી પ્રેરણા હજી ગણતરી પૂર્વકના સંબંધોની દુનિયાથી પરિચિત નહોતી. તેની નિર્દોષતા અને કલા પ્રત્યેનો પ્રેમ તેને શેખરની વધુ ને વધુ નજીક લઈ ગયા. શેખર દરેક સંબંધને નફા-નુકશાન અને મનોરંજનના ત્રાજવે તોલનારો કુશળ વ્યાપારી હતો. તે જેટલો ઉમદા નાટ્યકાર હતો તેટલો જ ઉમદા અદાકાર પણ હતો. તેનો મૂળ રંગ પારખવો અઘરો હતો. સામાન્ય જીવનમાં પણ તે આધ્યાત્મિક અને ગહન વ્યક્તિનું પાત્ર સાહજિકતાથી ભજવ્યા કરતો. કામની અગત્યતા અને બારીકાઈ માટે વહેલી તકે મળવું પડશે તેવો સીન તે તાત્કાલિક લખી નાખતો. પ્રેરણાનો સરળ સ્વભાવ અને અનુભવનો અભાવ શેખરની સ્ક્રિપ્ટેડ લાગણીને ઓળખી ન શક્યો. શેખર માટે આખું જગત એક રંગમંચ હતું અને તેના જીવનમાં આવતા દરેક પાત્રએ તેના દિગ્દર્શનમાં થયેલાં બ્લૉકિંગ પ્રમાણે જ ભાગ ભજવવો પડતો. કોઈપાત્રને ઈમ્પ્રોવાઈઝેશનની છૂટ નહોતી. તેવું કરવા માગતા પાત્રનો રોલ તેના નાટકમાંથી અને જીવનમાંથી કપાઈ જતો. પોતાના આ તુગલકી સ્વભાવને તે સચોટ તર્ક વડે ઢાંકી શકતો. સમાજની સંકુચિત માનસિકતા, સ્ત્રી-પુરૂષના સંબંધની ઊંચાઈ, બંધનમુક્ત સ્વતંત્ર પ્રેમ, બાળઉછેર, આધ્યાત્મ, શિક્ષણ, રાજનીતિ કોઈ વિષય એવો નહોતો જેના પર એ બંનેએ ચર્ચા ન કરી હોય. પોતે માનવમનની સૂક્ષ્મતમ સંવેદનાને સમજનારો છે તેવું પાત્રાલેખન કરવામાં તે સફળ રહ્યો. ‘તું સુંદર તો છે જ પરંતુ મને તારી સરળતા સ્પર્શે છે. કામ પ્રત્યેની તારી સજ્જતા મને અભિભૂત કરે છે. હું તારા પ્રેમમાં છું, પ્રેરણા!’, રોમાંટિક નાટકના સંવાદની જેમ શેખરે કહ્યુ હતુ. પ્રેરણાએ જાણે ધરતી પર રહી આકાશમાંના સૂર્યને પામી લીધો હોય તેવો ગર્વ અનુભવ્યો. જાણે પોતે દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી બની ગઈ હતી. પૂર્ણ નિષ્ઠા અને શ્રધ્ધાથી એણે પ્રેમનાં ધસમસતા વહેણમાં ઝંપલાવ્યું. આદિ શૃંગારરસથી પ્રચુર હતો. તેમાં ભીંજાઇ ગયેલી પ્રેરણાને મધ્યના સંઘર્ષનો વિચાર પણ ન આવ્યો, અંતની તો વાત જ દૂર રહી. રૂંવે રૂંવે છલકાતા પ્રેમે, ધબકતા હ્રદયે, મિચેલી આંખે, મરકતા હોઠે, સોનેરી સ્વપ્નોના સંગાથે, બધી જ સીમાઓ તૂટી ગઈ. અલગતાનો-અળગાપણાનો આખરી પડદો સરી ગયો. આજ પૂર્વે કદી ન જાણેલા તીવ્રતમ આનંદ અને તીવ્રતમ વેદનાના ધસમસતા પૂરમાં પ્રેરણા તણાઇ ગઈ. ધન્યતાની આ ક્ષણને એ પોતાના હ્રદયમાં ઊંડે ઉતારી દેવા માગતી હતી. હાંફતા શ્વાસે, આંખો બંધ કરીને તે આ અમૂલ્ય ઘડીને માણી રહી હતી. તેનું હૃદય સુખનાં સ્પંદનોથી કંપતું હતું. શેખરે તેના વાળમાં હાથ ફેરવ્યો. ‘પ્રેરણા, આજે આપણી લાગણીઓના જલદ વહેણમાં આપણે વહી ગયા એ વાતને હળવાશથી સ્વીકારજે. દુ:ખી થઇ કે ગ્લાનિ અનુભવી પ્રેમની ઊંચાઈને તું નહીં પામી શકે.’, ગોખાઈ ગયેલા સંવાદમાં પૂર્ણ ભાવ ઉમેરી એ બોલ્યો. શેખરની આ સમજદારી પર પ્રેરણા ઓવારી ગઈ. તે હળવી વાદળી જેવી મુક્ત બની ગઈ. ‘ગ્લાનિની કોઈ અનુભૂતિ મારી અંદર નથી શેખર!’ કહી તે શેખરને ભેટી પડી. ‘પ્રેમ એ કોઈ બંધન નથી પ્રેરણા. જીવન એ વહેતા રહેવાનું નામ છે. જે પળે તમને લાગે કે તમે બંધાઈ રહ્યાં છો તે પળે તમે જીવનથી દૂર થઇ રહ્યા છો.’ પરંતુ પ્રેરણાનું સંપૂર્ણ ધ્યાન મન ભરીને માણેલી ક્ષણોને વગોળવામાં હતું. ‘પ્રેરણા, જીવનના મંચ પર બે પાત્રો દરેક દ્રશ્યમાં સાથે નથી રહી શકતાં. પાત્રો આવતાં-જતાં રહે છે. તેને સાહજિકતાથી લેજે. હું મુક્તિનો માણસ છું. મને કોઈ બંધન ક્યારેય સ્વીકાર્ય નથી.’ કુશળ સ્ક્રિપ્ટ-રાઈટરની જેમ ઓછા શબ્દોમાં તેણે પોતાની વાત કહી. પણ આ કીમિયો પ્રેમમાં પડેલી પ્રેરણા સમજી ન શકી. ‘શેખર, પ્રેમ જ તમને મુક્તિ તરફ લઈ જાય છે.’ પ્રેરણાની ફિલોસોફી તો કાંઇક નોખી હતી. ત્યારપછી બંને ઘણી વખત એકાંતમાં મળ્યાં અમુક વખતે એક દ્રશ્ય ખૂબ બધી વાર ભજવાય ત્યારે ચવાઈ ગયેલું લાગવા માંડે છે તેમ ધીમે ધીમે પ્રેરણાનું સ્ત્રી હૃદય તેમના સંબંધમાંથી પ્રેમની બાદબાકીનો અણસાર અનુભવી રહી. પ્રેમની અનુભૂતિ વગરનું શારીરિક સુખ પ્રેરણાના હૃદયને ભારે કરી દેતું જ્યારે શેખર માટે શારીરિક આવેગને ઠાલવી દેવો એ હળવા થવા પૂરતી વ્યવસ્થા હતી. પ્રેરણા શેખરને કહેવા માગતી હતી કે તેને કેવા પ્રેમની અપેક્ષા છે. હજી તો તેણે અનેક રીતે એનાથી પરિચિત થવાનું બાકી છે. કામની દોડાદોડીમાં થોડો સમય કાઢી સાથે કોફી પીતા વાતો કરવાની બાકી છે. લોકોની ભીડ વચ્ચે છાની રીતે નજર મેળવી દ્રષ્ટિમાં આત્મીયતાનો તાર સાધવાનો બાકી છે. અવરજવર કરતાં અચાનક સામસામે આવી જવાય અને ચહેરો શરમાઈને હસી રહે એ અનુભવવાનું બાકી છે. અન્ય લોકોની હાજરીમાં કોઈક ને કોઈક બહાને એકબીજાને અછડતું સ્પર્શી લઈ પોતાના પ્રેમને ઉષ્મા આપવાનું બાકી છે. ભલે શરીરથી દૂર હોઈએ મનથી તો સાથે જ હોઈશું, પોતાના વિશ્વાસને એ અડગતા આપવાનું હજી બાકી છે. કેટકેટલું બાકી છે. પ્રારંભની આ આનંદક્રીડાને સહસા જ ઠેકી જઇને આપણે સંબંધને માત્ર શારીરિક અથડામણ તો નથી બનાવી દીધોને, શેખર? શેખરના આધ્યાત્મિક વિચારો સામે આવી બાલિશ અવઢવ મૂકવામાં શરૂઆતમાં એ થોડી અચકાઈ. પણ અંતે તેણે ખુલ્લા દિલે ચર્ચા કરવાનું નક્કી કર્યું. ત્યારે શેખરે તેને એમ કહીને મનાવી લીધી હતી કે ‘જયાં સુધી બધાં ઊભરાંઓ ઠલવાઈ ન જાય ત્યાં સુધી સાહચર્ય એક શાંત વહેણ બનીને નથી વહી શકતું. આપણે બંને એક શાંત ધારા બનીને ખળખળતા સાથે વહેતાં રહીએ, એકબીજાની સર્જનાત્મકતાને વધુ ને વધુ ખીલવતાં જઈએ, એ માટે શરૂઆતના આ ધસમસતા પ્રવાહને વહી જવા દેવો જોઈએ પ્રેરણા.’ અને પ્રેરણા માની જતી. પુરુષની પ્રેમની વ્યાખ્યા, પ્રેમની પરાકાષ્ઠા સુધી પહોંચવાની રીત જુદી હોય. આખરે બંનેનું ગંતવ્ય સ્થાન તો એકમેકના હ્રદયની અંતરતમ લાગણીઓ સુધીનું જ હતું ને! અને તે શેખરની રાહે રાહે ચાલવા પોતાના મનને સમજાવી લેતી. સાંજે ક્ષિતિજ પર સરી પડતો સૂર્ય જાણે નેપથ્યમાં જતાં જતાં આખો ભૂતકાળ રજૂ કરી ગયો. નમતી સંધ્યા સાથે પ્રેરણાના હૃદય પર અંધારાનું સામ્રાજ્ય ફેલાતું ગયું. તેનું હ્રદય ચિરાઈ ગયું. વધુ એક વખત પોતાની મનોસ્થિતિ વિશે શેખર સાથે વાત કરવાનું તેણે મનોમન નક્કી કર્યું ત્યાંજ વાવાઝોડાની જેમ શેખરની એન્ટ્રી થઈ. ‘પ્રેરણા, શું કામ મને આમ દૂર રાખે છે?’, ગુસ્સા, ફરિયાદ અને માલિકીના સંમિશ્ર ભાવ સાથે તે બોલ્યો. ‘શેખર, મારું મન આળું થયું છે. આપણી વચ્ચે આવેલું અંતર તને કેમ નથી દેખાતું?’ ભારોભાર વેદનાભર્યા અવાજે પ્રેરણા બોલી. ‘ફરી એ જ, પ્રેરણા તને કેટલીવાર કહેવું કે... જયાં સુધી બધાં ઊભરાઓ ઠલવાઈ ન જાય ત્યાં સુધી સાહચર્ય...’, રશ થ્રુ રિહર્સલની જેમ શેખર બોલવા ગયો. ‘શેખર,’ તેને અધવચ્ચે અટકાવીને પ્રેરણા બોલી, ‘આપણો સંબંધ શરીર પૂરતો મર્યાદિત રહી ગયો છે, નહીં હોય કદાચ એવું. કદાચ મારો ભ્રમ હશે. પણ એ વિચાર મને કાંટાની જેમ ખૂંચ્યા કરે છે.’ ‘ઓહહ પ્લીઝ...’ શેખરે પ્રેરણાને ભેટવા બાહોં ફેલાવી. પ્રેરણા પાછળ ખસી. ‘ભલેને આ માત્ર ભ્રમ હોય, તો મારો ભ્રમ દૂર કરવા તું કંઈ નહીં કરે?’ શેખર ચૂપ રહ્યો. વધુ એક વખત એજ વાત કરવી તેને સમયની બરબાદી લાગી. એકનું એક દ્રશ્ય અને એકના એક સંવાદોનું પુનરાવર્તન તેને કંટાળાજનક લાગ્યું. જો પ્રેરણાને ગળે એ પોતાની વાત ઉતારી શક્યો હોત તો આજે ફરી આ પ્રસંગ ઉદ્દભવ્યો જ ન હોત. એક ક્ષણ વિચારી તેણે તેને ખભેથી પકડી, તેની આંખમાં આંખ પરોવી તે બોલ્યો, ‘પ્રેરણા, દરેક વ્યવહાર બેતરફી હોય તો જ ચાલે.’ ‘વ્યવહાર? મને એમ કે આપણી વચ્ચે પ્રેમ છે.’ ‘પ્રેમ પણ એક વ્યવહાર જ છે ને?.’ ‘...?’ પ્રેરણાએ પ્રશ્નાર્થ ભરી આંખ શેખર પર ટેકવી. ‘મારા પ્રોફેશનલ રૂતબાનો, પરિચયનો, સંબંધોનો અને જ્ઞાનનો તને કેટલો લાભ મળ્યો છે, એની સામે જો થોડું.’ નાટકના નાયકને શોભે તેવો સંવાદ વિચારવા તે અટક્યો. શેખર પોતાના શબ્દો પ્રત્યે, તેમાંથી પ્રગટતા ભાવ પ્રત્યે બિલકુલ સજાગ છે એ પ્રેરણાએ નોંધ્યું. તે આવેગમાં બોલાયેલા શબ્દો નહોતા. ‘થોડું શું શેખર?’ પ્રેરણાએ પૂછ્યું. ‘ઓહ પ્લીઝ પ્રેરણા, તારો હાથ પકડીને બેઠો રહું, તારી આંખોમાં આંખો નાખીને પ્રેમભરી વાતો કર્યા કરું, તું મને જોયને શરમાયા કરે, તારા વિરહમાં ઝૂર્યા કરું... ખરેખર? તને ખરેખર એવું લાગે છે કે આપણી પાસે એ ફાલતુ કામો માટે સમય છે?’ ‘ફાલતું કામ...’ સૌથી કીંમતી સંબંધ માટે જોયેલા ઋજુ સપના ફાલતું...?!’ એ પછી તો શેખર કેટકેટલું બોલ્યો. તેના શબ્દો કાન સુધી તો પહોંચતા હતા પણ સુન્ન થયેલાં હૃદય સુધી નહીં. આવું કશુંક બનવાની આશંકા તો પ્રેરણાને હતી જ, છતાં તે એના માટે તૈયાર નહોતી. અહીં, આ શહેરમાં તે એકલી હતી, કોલેજકાળની સખીઓ નોકરીમાં કે લગ્નજીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. વળી તે નોકરી માટે અહીં આવી ત્યારે હરઘડી શેખરનો સાથ ઝંખતી. બીજા કોઈની મિત્રતાની તેને ત્યારે જરૂર પણ નહોતી લાગી. તેનું સમગ્ર વિશ્વ શેખરની આસપાસ વણાઈ ગયું હતું. તેણે કોઈ એવો સંબંધ નહોતો બાંધ્યો જ્યાં જઈને તે હળવી થઈ શકે અને કહી શકે કે તેના અતિવિશ્વાસે તેને છેતરી છે. સતત શેખરનું જ સાનિધ્ય પ્રેરણાએ ઝંખ્યું અને મેળવ્યું. પહેલી વખત તે કોઈની સાથે આ રીતે સંપર્કમાં આવી હતી. પ્રેમમાં પડવું સ્વાભાવિક હતું. પ્રેમની આડે કોઈ વસ્તુ પ્રેરણાએ લાવી નહોતી. અત્યાર સુધી તેને એવું જ લાગ્યું હતું કે પ્રેમ નામની જાદુઇ ચીજે તેના જીવનને એક પરીકથામાં પરિવર્તિત કરી દીધું છે. વિશ્વમાં સુંદરતા સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. શેખર એ સફેદ ઘોડાને બદલે સફેદ કારમાં આવતો રાજકુમાર છે જે આજીવન તેને આમ જ ચાહ્યા કરશે. માતા-પિતા સાથે શેખર વિષે કેમ વાત કરવી તેની પણ તે અરીસામાં જોઈને રિહર્સલ કરવા લાગી હતી. અને તેને સાંભર્યું કે શેખરે પોતાના કુટુંબ વિષેની વાત પર એક રહસ્યમય નાટક જેવું સસ્પેન્સ જ રાખ્યું હતું, પોતાના લાગણીવેડા અને મૂર્ખામી પર તેને ખૂબ રોષ ચડયો. જેને પ્રેમ કર્યો એના હાથે સર્જાયેલું એક કહ્યાગરું પાત્ર બનીને રહી ગઈ. તેની પીડાનો કોઈ પાર ન રહ્યો. હીનતાની ભાવના તેને ઘેરી વળી. ધ્રુસકે ધ્રુસકે રડે કે પછી આક્રોશથી ચીસો પાડે- એને સમજાયું નહીં કે એ શું કરે? મગજનો પૂરો કબજો લઈ બેઠેલા, આ પીડાના જનક હૃદયને એ શું સજા આપે? લોહીલોહાણ થઈ ગયેલું હૃદય ક્યાં હવે કોઈ સજા ખમી શકે એમ છે? પ્રેરણાને થયું આ ઘડીએ જ તેના ધબકાર બંધ થઈ જશે એ ફસડાઈ પડી. તેની નજર સામે તેનું આખું વિશ્વ જાણે ધીમે ધીમે નામશેષ થવા લાગ્યું. બારીઓ, દિવાલો, દરવાજા, ખુરસી, વાસણો, રાચરચીલું - દરેક વસ્તુના કેન્દ્ર પર જાણે એક તીવ્ર પ્રહાર થયો, દરેકની ભીતર તીક્ષ્ણ પીડા ઉપડી, તેમાં તીરાડો પડી, કાંકરીઓ ખરવા લાગી. બધુ જ ધીમે ધીમે નાની નાની કરચોમા ફેરવાઇ ગયું. એ કરચો કોઈ ચક્રવાતની જેમ હવામાં ઘૂમરવા લાગી. અને કેમ જાણે આખી પૃથ્વીને એમાં સમાવી લેવાની હોય એમ તેનો આકાર વધતો ગયો. તેની ઝડપ વધી કે પ્રેરણાને ચક્કર આવી રહ્યા હતા? તેની ભયાનક શક્તિમાં જાણે બધું જ લપેટાઈ ગયું. પ્રેરણાએ જોર કરી માથું પકડી લીધું. જેમ વાવાઝોડાનું બળ ઘટે ત્યારે બધું અહીંતહીં વેરાય જાય તેમ એ કરચોનો ચક્રવાત વેરવિખેર થઈને જ્યાં-ત્યાં વેરાય ગયો. વેરણછેરણ આ દ્રશ્ય વચ્ચે પ્રેરણાને હજી પણ શેખર અડીખમ ઊભો દેખાયો. ‘શેખર, તું મને પજવવા આવું કહે છે ને?’ મરી રહેલા પ્રેમને બચાવી લેવા પ્રેરણાએ આખરી પ્રયાસ કર્યો. ‘પ્રેરણા મને એવું લાગ્યું હતું કે મારી સાથે રહી તું પણ મારા જેવી પ્રૅક્ટિકલ થઈ જઈશ. તું હોશિયાર છે. તને મારી વાત કેમ નથી સમજાતી?’ ‘શેખર, તું કહેતો હતો ને કે ઉભરાઓ ઠલવાઈ ગયા પછી પ્રેમ શાંત વહેણ જેવો બની જાય છે?’ પ્રેરણા બેબાકળી બની શેખર સામે જોઈ રહી. ‘હા, એવું બને, કદાચ...’ શેખર ધીરેથી બોલ્યો. ‘અને કદાચ ન પણ બને.’ ‘તું મારા જ શબ્દોમાં મને બાંધવાનો પ્રયાસ કરે છે પ્રેરણા. મેં તો તને કાયમ કહ્યું છે કે હું કોઈ બંધનમાં નથી માનતો.’ શેખરે કહ્યું. પ્રેરણા શેખરના મનની અંધારી ગુફાઓની યાત્રા કરી આવી હતી. ત્યાં માત્ર અંધકાર હતો. આધ્યાત્મ અને સમજણનો પ્રકાશ પ્રેરણાને ત્યાં સુધી પહોંચાડવાના માર્ગ પરની વ્યવસ્થા માત્ર હતા. તેણે બેઘડી શેખર પર નજર ટેકવી, કોઈ જ ઝંઝાવાત વગર, નાની અમથી ફૂંકથી જેમ પત્તાનો મહેલ તૂટી જાય એમ શેખર પણ વેરવિખેર થઈ કરચોના ઢગમાં ભળી ગયો. ‘પાત્ર જીવે, પણ પ્રેમ મરી જાય એ છે ખરું અપમૃત્યુ. શેખર, પ્લીઝ લીવ મી અલોન.’ સ્પોટલાઈટ આપવી કે બ્લેકઆઉટ કરવું – અંતની ચમત્કૃતિ આ વખતે શેખરના નિયંત્રણમાં નહોતી.

***