નારીસંપદા : ટૂંકી વાર્તા/સળવળાટ
નેહા અનિષ ગાંધી
આજે મુલાકાતીઓની ધસારો ખૂબ હતો. ચારેય દરવાજે ચેકિંગ ચાલી રહ્યું હતું. દરવાજાની ફ્રેમો જેવા સ્કૅનર અને સામાન માટેના સ્કૅનરમાંથી સામાનનું ચેકિંગ અને ત્યારપછી પરદા પાછળની કેબીનમાં વ્યક્તિગત ચેકિંગ. દરેકે દરેક વ્યક્તિ આ બધા ચેકિંગમાંથી પસાર થઈને જ અંદર જઈ શકતી. સ્ત્રી- પુરુષોની અલગ લાઈન, અલગ દરવાજા અને ચેકિંગની અલગ કૅબીન. કપિલાની ફરજ આ કૅબીનમાં જ રહેતી અને આ ફરજ પરત્વે કપિલા ખૂબ જ સતર્ક રહેતી. આવનાર દરેક સ્ત્રી, યુવતી કે બાળકીને એ પોતાના હાથ વડે બરાબર તપાસતી. હાથ પર હંમેશા સ્વચ્છ સફેદ હાથમોજાં પહેરતી, જે ગણવેશનો જ એક ભાગ હતાં. કપિલા દરેકને ખભા પર હાથ ફેરવતી. સ્તન, પીઠ, કમર અને નિતંબ પર હળવું દબાણ આપી તપાસતી. સાથળ અને પગ પર હાથના પંજાની પકડ વડે ચૅક કરતી અને બધું ઠીક લાગે ત્યારે જ આગળ જવા દેતી. બાજુની કૅબીનમાંથી શોભાનો આવાજ આવ્યો... ‘અલી, કેમ આટલી ધીમી ચાલે તારી લાઈન?’ ‘જેમ ભીડ વધારે એમ ચૅકિંગ વધારે સઘન. કેમ, ભૂલી ગઈ?’ કહેતાં સામે ઊભેલી સાડી પહેરેલી સ્ત્રીને તપાસતાં કપિલા બોલી. જરા શામળી પણ નમણી, એ સ્ત્રીને તપાસતાં કપિલા પૂછી રહી, "ક્યાંથી આવવું? “રાજકોટ થી.." અને નિતંબ પરના કપિલાના હળવા દબાણથી એ શરમાઈને સંકોચાઈ ગઈ. કપિલા હસી પડી, “નવી પરણી છો?” એ શરમથી ડોકી હલાવી હા કહેતી ઝટપટ બહાર નીકળી ગઈ, અને બીજી યુવતી પ્રવેશી ચુસ્ત જીન્સ અને રૂંવાટીવાળા ટોપમાં ઘાટીલી લાગતી એ ગોરી છોકરીને તપાસતા કપિલાને થયું કે દેખાય છે એના કરતા વધુ સુડોળ અને વધુ ભરાવદાર છે. એના સ્તનને હળવું દબાણ આપી સ્પર્શતા જ એ વિફરી અને તાડૂકી... – “એ બેન, આવી રીતે ચેક કરવાનું?” કપિલા સપાટ આવજે બોલી, “કરવું પડે, રીત છે. અહીં બ્લાઉઝમાં ફુગ્ગા છુપાવીને લઈ જાય છે લોકો... અને અંદર ચાલુ સભામાં ફોડે. અમારી તો નોકરી જાય ને..” કહી એના પગનું ચેકિંગ પતાવી એને બહાર જવા કહ્યું. પેલી યુવતી પોતાનો અણગમો અને આશ્ચર્ય સમેટી બહાર નીકળી. એક પછી એક... લાઇન આગળ વધતી રહી. ધસારો જોઈને કપિલાએ લંચ બ્રેકમાં પણ રજા ન લેતાં કામ ચાલુ જ રાખ્યું. એટલે શોભાએ એને ફળોના ટુકડાથી ભરેલો ડબ્બો ધર્યો. કપિલાએ ડબ્બામાંથી સફરજનનો ટુકડો લઈ કાંટા ચમચીથી મોમાં મુક્યો, એ જોઈ શોભા બબડી. “ખરી છે તું તો... ગુરુવારે લંચ અવરમાં પણ કામ કરે અને પાછી ઉપવાસ રાખે. કેમ અલી. થોડું થોડું ખાઈ લે તો તારો ગુરુવાર નઈ તૂટી જાય...” “તે આ ખાઉં જ છું ને...” કાંટા ચમચીથી ડબામાંથી બીજો ટુકડો લેતા કપિલા જાણે શોભાને મનાવી રહી અને પોતાના હાથે પહેરેલા સફેદ મોજાં જરાય ન બગડે એની કાળજી રાખી ડબો પાછો આપ્યો. એ જોઈ શોભા પાછી બોલી, “નવાઈના તારા મોજા... જાણે અમે તો યુનિફોર્મ પહેરતા જ નથી..!” માત્ર સ્મિતથી ઉત્તર આપી કપિલા કામે લાગી. મુલાકાતીઓનો લંચ પછીનો સમય હવે શરૂ થયો. ફરી એ જ લાઇન, એ જ ચેકિંગ-પણ કપિલાના મોજાં પહેરેલા હાથ સઘળું માપીને જ આગળ વધવા દેતા. કેટલીયે સ્ત્રીઓ... યુવાન, ઘરડી, સુંદર, ગોરી, ઘાટીલી, ઠીંગણી, સપ્રમાણ, ઊંચી, પાતળી, ભરાવદાર, નમણી, નખરાળી… કોઈ પણ હોય, સહુને આ ચેકિંગમાંથી ઓ.કે. થયા બાદ જ આગળ જવા મળતું.
*
'એઈ... ચાલો આમ... બધીઓ લાઈનમાં ઊભી રહો અને એક પછી એક અંદર મારા રૂમમાં આવો.' 'પણ બેન... અમે તો રમીને હમણાં જ આઇવા, અમને તો એ વીંટીની કઈ ખબર નથી.' “ચુપ રે, એ તો કોને કેટલી ખબર છે, એ હું હમણાં જોઈ લઈશ.' 'પન બેન, ટાઈમે જમવા ની જસુ તો મા'રાજ દાદા ખીજાશે...' 'એમને તો હું જોઈ લેવા, પણ તમે વારા ફરતી એકે'ક કરીને અંદર આવો. મારે ચેકિંગ કરવાનું છે.' બે કલાકની રમતો રમીને થાકેલી દસ બાર વર્ષની છોકરીઓને જમવાની ઉતાવળ હતી એટલે કંઈ પણ આનાકાની કર્યા વગર સીધી વોર્ડનના રૂમમાં એક પછી એક જવા લાગી. અને બહાર આવીને કોઈની પણ સાથે વાત કર્યા વગર એ જાય સીધી રસોડે ! અંદર શું થયું એ વિષે વાત કરવાની ફુરસદ કે જરૂરિયાત ત્યારે કોને હતી? પણ આવી જ, કશું ખોવાયાની ઘટનાઓ વારંવાર બનવા લાગી એટલે આ નાનકડા અનાથાશ્રમમાં ચર્ચાયા વગર રહે કંઈ? 'અલી શીતલ, તને હું લાગે છે? કોણે બેનની વીંટી લીધી હોય?’ 'કોણ લેવાનું વળી, કોઈએ જોઈ હોય તો ને... કે બેન કેવી વીંટી પહેરે છે...?' કરતી ખી ખી કરતી નાનકડી ટોળકી ખીખીયાટામાં વાત ઉડાવી દેતી. 'અને પેલે દા'ડે પેલી એમના લોકરની ચાવી ખોવાયેલી તે...?' 'કેમ, એ તો એ પોતે જ કમરમાં લટકાવીને ફરે ને આપણને વારેવારે ચેક કરવા બોલાઈવા કરે. અમસ્તા જ એ તો...’ 'પણ પેલી સોનેરી બોલપેન તો કપિલાના ખીસામાંથી એમણે જ કાઢેલી ને...?' 'તે એમણે જ મૂકી હોય તે એ જ કાઢવાના ને...' કપિલાએ વિફરીને સહુને કહ્યું હતું. 'મારે એવી એ સોનેરી બોલપેનથી વળી હું લખવાનું હોય કે હું લેઉં?' 'તો પણ બેન એવું કેમ કરે...?' અને એ સવાલ પુછાયાની સાથે જ જાણે કિશોરાવસ્થામાં પ્રવેશેલી દરેક બાળાને એનો ઉત્તર મળી ગયો. છાશવારે ઊભા કરતાં ‘કૈક ખોવાયુ છે'ના નાટક, અને એ બહાને 'બેન' વડે થતું 'ચેકિંગ'. રૂમમાં લઈ ગયા પછી કપડાંની અંદર હાથ નાખી શરીરે બધે હાથ ફેરવી, ક્યાંક દબાવીને જે રીતે બેન ચેક કરતા, દરેક છોકરીઓ અકળાતી. પણ કરે શું? અને 'બેન'ને ક્યારેક કોઈના ખીસામાંથી કે કપડાની અંદર હાથ નાખે ત્યારે અંદરથી કોઈ વસ્તુ મળી પણ આવતી, જે કોઈએ એ પહેલા ક્યારેય જોઈ જ ન હોય. નાનકડો આશ્રમ અને જે કહો તે, સમગ્ર વહીવટકર્તા એક આ 'બેન' જ હતાં. હવે એમના વિષે કોને અને ક્યાં ફરિયાદ કરવી, એ આ નાનકડી કિશોરીઓને શું સમજ? અને કરે તો પણ શું ફરિયાદ કરવી? ક્યારેક આવતા પેલા ટ્રસ્ટીસાહેબને બેન ભલે 'સાહેબ- સાહેબ' કહે, પણ એ ખુદ પણ તો 'બેન' સામે લળી લળીને વાતો કરતા. હવે એમને ફરિયાદ કઈ રીતે કરાય? પાછું 'બેન' જ્યારે પણ ચેક કરતા, કંઈ ને કંઈ ખોવાયું હોય જ, અને ક્યારેક મળી પણ આવતું. જેથી કોઈ કશું બોલી ન શકે. પણ રાત્રે રૂમમાં સુતી વખતે થતી વાતોમાં બધાની અકળામણો ઠલવાતી. ‘જોજે ને. એક દિવસ એ જાડીને થાંભલા સાથે બાંધીને એના પર વંદો જ છોડી મુકવો જોઈએ..!’ ‘ના ના. એની બ્લાઉઝમાં જ નાખી દેવાનો, પછી જો. એને ખબર પડે કે કેવી ગલી ગલી થાય અને એની કેવી ચીતરી ચડે.' 'ના, એના કરતા તો એ ઊંઘી જાયને ત્યારે એના ગાઉનમાં ઉંદર છોડી મુકવાનો...' આવી કલ્પનાના કૈંક આનંદ લઈ અને મનમાં જ એના અણગમતા સ્પર્શનો બદલો લઈ એ ગણગણાટ શમી જતો. પણ કપિલાના મનમાં બહારથી શમેલો એ અવાજ, ભીતરથી વધુ બુલંદ થતો. એણે ન કરેલી ચોરીની વસ્તુ એની પાસેથી મળી આવી અને એની સજાના ભાગ રૂપે દરેક ચેકિંગ વખતે કપિલાનું વધુ સઘન ચેકિંગ થતું. એના મનમાં 'બેન'ના સ્પર્શનો અણગમો એટલો તીવ્ર બની જતો, કે બીજા કોઈ સાહજિક સ્પર્શ પણ એને અકળાવતા. આ આશ્રમમાં રહેવા માટે અનિવાર્ય બની ગયેલા એવા સ્પર્શથી બચવાનો કોઈ ઉપાય દેખાતો ન હતો, ત્યારે કપિલાએ એમ માનીને મન મનાવ્યું કે એનો જો કોઈ રીતે બદલો લેવાય, તો એ સ્પર્શના અંગારે લગાવેલા ભડકા થોડા શાંત પડે. આશ્રમથી છુટકારો મળ્યા બાદ નસીબજોગે કપિલાને નોકરી પણ એવી મળી કે જેમાં એ જેનાથી દૂર ભાગતી, એ સ્પર્શ વડે જ એણે કામ લેવાનું આવ્યું. રાજ્યના રાજકીય ભવનના પ્રવેશદ્વારે મુલાકાતીઓના ચેકિંગમાં કામે લાગેલી કપિલાને શરૂઆતના દિવસોમાં આ કામ પ્રત્યે ખુબ અણગમો રહેતો, પણ એ ચેકિંગ દરમ્યાન જ એને લાગવા માંડયું કે વર્ષોથી પેલા અણગમતા સ્પર્શનું રીટર્ન ભરવાનો વખત આવી ગયો છે. અને દરેક ચેકિંગ વખતે એ જાણે- અજાણે ' બેન'એ કરેલા પેલા સ્પર્શનો બદલો લઈ રહી. ધીમે ધીમે એને આ અણગમતા સ્પર્શ ગમવા લાગ્યા હતા. એ પોતાના કામની મઝા લઈ રહી હતી. હા, પોતાની ચોક્કસ સીમામાં રહીને કામ કરતી, પણ હવે આ સ્પર્શ એને અકળાવતા નહિ, પણ આનંદ આપતા. અને એક દિવસ અચાનક... “આ શું કરો છો?” શોભાની કેબીનમાંથી મોટેથી આવેલા અવાજે વાતાવરણની એકવિધતાને ખોરવી નાખી. કપિલા બેગ સ્કેનરવાળી દિવ્યાને કેબીન સોંપી ઝડપથી શોભાની કેબીનમાં દોડી. મોટી આંખોવાળી એક સુંદર યુવતી ગુસ્સાથી શોભા સામે જોઈ રહી હતી. શોભા નીચી નજરે એક તરફ ઊભી હતી. “શું થયું?” કપિલાના પ્રશ્નના જવાબમાં એ યુવતીએ એના ભરાવદાર હોઠોમાંથી ધાણી ફૂટે એમ ફરિયાદો કાઢવા માંડી... 'આ બેન ચેક કરવાના બહાને કંઈ વધારે જ છૂટ લે છે.’ છાતી અને કમર પર હાથ ફેરવી એ આગળ કહેવા લાગી, ‘અહીં બધે અડતા જાય, ને દબાવીને ગલગલીયા કરે...’ શોભા કંઈક બોલવા જતી હતી. “રે... એવું નથી... કઈ... એ જાતે જ...” પણ કપિલાએ એને આંખોથી અટકાવી. એ યુવતી હજુ પણ બોલી જ રહી હતી. ‘બહુ ચેકિંગો જોયા… આવું તે કઈ હોય...?’ હાથ પકડીને એ યુવતીને કપિલા પોતાની કેબીનમાં લઈ ગઈ. દિવ્યાને શોભાની કેબીન સંભાળવાનું કહ્યું. આમેય હવે લગભગ છેલ્લાછેલ્લા મુલાકાતીઓ જ બાકી હતા. કપિલાએ એને પાણીની બોટલ ધરી અને એ પાણી પીતી હતી એ જોઈ રહી. યુવતી પાણી પીતાં પીતાં થોડું ઢોળીને પોતાની ગર્તામાં જવા દઈ રહી હતી. કપિલાએ એને સમજાવવા કહ્યું, “જો બેન, અહીં તો ચેકિંગની રીત જ છે, આવી..” અને એકદમ જ એ યુવતી લગોલગ આવીને ઊભી અને કપિલાના હોઠ પર આંગળી મૂકી એને બોલતી અટકાવી પૂછ્યું, “આવી...? એટલે કેવી...?” કહેતાં એણે કપિલાની કાનની બુટથી ગરદન પર આંગળી ફેરવી અને આંખોથી કપિલાને આમંત્રણ આપી રહી. કપિલાએ પણ પોતાના શરીર સાથે એને સ્પર્શથી રમવા દીધી. ચેકિંગની થોડી ક્ષણોમાં સ્પર્શની રમાય એટલી રમત રમી યુવતી હસતી હસતી બહાર નીકળી ગઈ. કપિલા પણ મનમાં મલકાઈ રહી. દિવસ આથમતા પોતાની ચાલી પર પહોંચી કપિલાએ દરવાજો બંધ કર્યો. શહેરના છેવાડે આવેલી આ કોલોનીમાં છોટુ મગનની ચાલમાં એક રૂમ કપિલાનો પણ હતો. આજના દિવસને વાગોળતા એ વિચારી રહી. ખરેખર..! ખુબ અજીબ રહ્યો આજનો દિવસ. રહી રહીને એને પેલી યુવતીએ કરેલા સ્પર્શ યાદ આવતા હતા. જ્યારે એણે ગરદન પર હોઠ મુક્યા ત્યારે જાણે અંગારા...! કપિલા વિચલિત થઈ ઊઠી. પેલી યુવતીએ પોતાના યુનિફોર્મના કુર્તામાં હાથ નાખી કમર પર કરેલો સ્પર્શ યાદ આવતાં જ એનું સમગ્ર ચેતાતંત્ર કંપવા લાગ્યું. ઝીણી ઝીણી ધ્રુજારીથી એનું શરીર ઉત્તેજિત થવા લાગ્યું. કપિલાએ કપડાં બદલ્યાં અને છેલ્લે હાથમાં પહેરેલાં પેલાં સફેદ મોજાં ઉતાર્યાં. એ પોતાના હાથને નજર ભરી જોઈ રહી. આ એ જ હાથ અને ટેરવાં છે, જે એને સ્પર્શનો આ અનન્ય આનંદ આપે છે. ...અને એ મોજાં પહેરી કરેલો દરેક સ્પર્શ હવે પેલા સાપના સળવળાટની જેમ એની રગોમાં રક્ત બની ફેલાઈ રહ્યો. એ ફેલાતા સળવળાટની ગરમી કપિલા અનુભવે, એ પહેલાં જ બહારથી આવેલા શોરબકોરે એની વિચારધારા ત્યાં જ અટકાવી. ઝડપથી દરવાજો ખોલી એ ઉતાવળે બહાર જોવા લાગી. પહેલે માળે આવેલા પોતાના રૂમની બહારના કઠેરા પરથી એ જોઈ રહી કે એક દસ-બાર વર્ષની છોકરીને ઘેરીને થોડા લોકો મોટે મોટેથી બૂમો પાડી રહ્યા હતા. 'ચોર, આટલી નાની થઈને...’ ‘આપી દો પોલીસમાં...' 'ના... ના... અહીં જ મારીને કઢાવો પર્સ...' અને એ ટોળાની વચ્ચે પેલી છોકરી... એની મૂક અસહાયતા કપિલાને સંભળાય એ પહેલાં જ... ...નીચેથી એની બાજુની રૂમવાળા કેશવની નજર કપિલા પર પડી. એણે તરત જ કહેવા માંડ્યું, 'હવે પોલીસ ને બોલીસ ! રે'વા દો. આપણી આ કપિલા છે ને, ચેકિંગ માસ્તર... એને જ આ છોકરી હોંપી દો. પર્સ લીધું ઓહે તો મલી જ જવાનું છે. એટલી વારમાં કાં લાખી આ'વ્વાની?' એ સાંભળી કપિલા પગથિયાં ઊતરી રહી. એક અકળ સ્મિત એક બે પળ એના હોઠ પર આવ્યું ન આવ્યું ને અદૃશ્ય થઈ ગયું.
❖