પન્ના નાયકની કવિતા/કોને પૂછું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. કોને પૂછું?

ચાલો,
કાવ્ય લખું.

કોનો સાથ માગું?
મેં નીરવતાને પૂછ્યું
જવાબમાં
એ મૌન રહી.
મેં
પેનને પૂછ્યું
તો કહે કે
શાહી જ ખલાસ થઈ ગઈ છે.
ને પેન્સિલ?
ના, એની તો અણી બટકી ગઈ છે.
રબર તો લખતું જ નથી.
જુઓને,
એને તો
લખાયેલી કેટલીય કવિતાઓ
ભૂંસી નાખવી છે.
મને થયું
વિચાર તો હા જ પાડશે.
પૂછું ત્યાં જ
એને તો પાંખો આવી
ને એ ઊડી ગયો.
મને થયું
કક્કા-બારાખડીમાંથી જન્મેલા
મારા શબ્દાર્થને પૂછું
પણ
આટલો ઘસઘસાટ ઊંઘતો
એને મેં
ક્યારેય નથી જોયો.
કહોને,
કોને પૂછું?
સામે પડેલો
કોરો કાગળ
ચુપચાપ પડી રહ્યો.