પરમ સમીપે/૩૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૦

તારી કને આ મારું છેલ્લે નિવેદન છે —
મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા
દૃઢ બળે છેદી નાખ, મારા પ્રભુ!
સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં
બધાં દુઃખ ભૂલીને હું રહીશ.
કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું
નિશદિન ખુલ્લું રાખજે.
મારાં બધાં કાર્યોમાં અને બધી ફુરસદમાં
એ દ્વાર તારા પ્રવેશ માટે રહેશે.
તેમાંથી, તારા ચરણની રજ લઈને વાયુ મારા હૃદય પર વાશે
એ દ્વાર ખોલીને તું આ ઘરમાં આવશે
હું એ બારણું ખોલીને બહાર નીકળીશ.
બીજાં કોઈ સુખ હું પામું કે ન પામું, પણ આ એક સુખ
તું માત્ર મારે માટે રાખજે.
એ સુખ કેવળ મારું અને તારું હશે, પ્રભુ!
એ સુખ પર તું જાગ્રત રહેજે.
બીજું કોઈ સુખ તેને ઢાંકી ન દે
સંસાર તેમાં ધૂળ ન નાખે
બધા કોલાહલમાંથી એને ઊંચકી લઈને
તું એને જતન કરી તારા ખોળામાં ઢાંકી રાખજે.
બીજાં બધાં સુખો વડે ભલે ભિક્ષાઝોળી ભરાય
એ એક સુખ તું મારે માટે રાખજે.
બીજા બધા વિશ્વાસ ભલે ભાંગી પડે, સ્વામી!
એક વિશ્વાસ સદા ચિત્તમાં જોડાયેલો રહેજો.
જ્યારે પણ જે અગ્નિદાહ હું સહન કરું
તે મારા હૃદયમાં તારું નામ અંકિત કરી દેજો.
દુઃખ જ્યારે મર્મની અંદર પ્રવેશે
ત્યારે તે તારા હસ્તાક્ષર લઈને આવે
કઠોર વચન ગમે તેટલા આઘાત કરે
સર્વ આઘાતોમાં તારો સૂર જાગી ઊઠે.
પ્રાણના સેંકડો વિશ્વાસ જ્યારે તૂટી જાય
ત્યારે એક વિશ્વાસમાં મન વળગેલું રહે.

રવીન્દ્રનાથ ટાગોર