પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૩
સાહિત્યઃ સર્જનમીમાંસા इदं कविभ्यः पूर्वेभ्यो नमोवाकं प्रशास्महे । विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।। સ્વાગત સમિતિના પ્રમુખસાહેબ, સાહિત્યરસિક બહેનો અને ભાઈઓ, આ સંમેલનના કરવા બદલ હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે સંકોચ, ક્ષોભ અને કંપ અનુભવું છું. એમાં હું કશું નવું કરતો નથી, માત્ર મારા પૂર્વાધિકારીઓને પગલે ચાલું છું; એ પુરોગામીઓનો અણઅનુભવ્યો એક નવીન ભાવ પણ અનુભવું છું – આશ્ચર્યનો. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે હું લગભગ ચાર દાયકાથી સંકળાયેલો રહ્યો છું. જે વાદ, વિવાદ, પ્રવાદ, વિષાદ અને અંતે પ્રસાદ એ પરિષદને અને ખાસ કરીને પરિષદના બંધારણને અંગે આપણા સાહિત્યકારો, સાહિત્યરસિકો અને સાહિત્ય સાથે નહિ, પણ સાહિત્યકારો સાથે સંબંધ ધરાવનારાઓ વચ્ચે પ્રસરેલા છે, તેનો હું સાક્ષી રહ્યો છું. એમાં કેવળ સાક્ષી જ નહોતો રહ્યો, પણ મેં તેમાં યથાકાળે ને યથાયોગ્ય ભાગ પણ લીધો હતો. પરિષદના સામાન્ય સભાસદથી માંડી ઉપપ્રમુખપદ સુધી સીધી લીટીમાં ગતિ કર્યા પછી મારે હવે આથી આગળ વધવાનું નથી, એવી પ્રતીતિ થઈ ગઈ છે. પરિષદનું પ્રમુખપદ એ તો પ્રાંશુલભ્ય ફળ અને એ માટે આ વામને ઉદ્બાહુ થવાનો પ્રયત્ન તો શું, કલ્પના પણ નહોતી કરી; છતાં આજે આપણા દેશમાં એવું વાતાવરણ પ્રવર્તે છે કે પ્રાંશુલભ્ય ફળો વામનોના હાથમાં આવીને પડે. સાહિત્ય પરિષદ અને સૂરત પરિષદ સાથે મારો સંબંધ લાંબા કાળનો છે. સૂરત સાથેનો સંબંધ તો એથીયે પુરાણો છે. હું ચાલતાં કે બોલતાં જ નહિ, પણ હાલતાં શીખ્યો તે પહેલાંથી સૂરત સાથે મારો સંબંધ છે. સૂરતની ધૂળ મારા માથા પર, સૂરતની વિશિષ્ટ ‘સરસ્વતી’ (અવળવાણી) મારા કાનમાં, સૂરતનું સુવિખ્યાત જમણ મારા ઉદરમાં અને ‘સૂરતીલાલા સહેલાણી’ના સંસ્કાર મારા હૃદયમાં પડેલા છે. સાહિત્યની અભિરુચિ ને સાહિત્યના સંસ્કાર પણ મને અહીંથી જ સાંપડ્યાં છે. આમ મારા અન્નમય કોશથી માંડી વિજ્ઞાનમય કોશ સુધીનું મારું ઘડતર અહીં સૂરતમાં જ થયું છે. પરંતુ આ તો સૂરતના ને મારા સંબંધની વાત થઈ. પ્રસ્તુત વાત તો સૂરતની સાહિત્યસેવાની છે. અર્થના ઉપાસકો જ્યારે કલમને ઓળે આવવામાં પણ જોખમ માનતા ત્યારે કલમને ખોળે માથું મૂકી, ઊંચે મસ્તકે ફરનાર ઉદ્દંડ ને સ્વતંત્ર પ્રકૃતિનો, બહુ ગવાયેલો ને બહુ વગોવાયેલો નર્મદ સૂરતના જ નહિ, પણ આખા ગુજરાતના, સમસ્ત ભારતના ગૌરવ સમો છે. એણે એકલે હાથે જેટલું કર્યું છે તેટલું આપણાથી અનેક હાથે પણ થઈ શક્યું નથી. ધીરગંભીર, ઠરેલ પ્રકૃતિના, નર્મમર્મના પારખુ, સ્વસ્થ ને સમતોલ બુદ્ધિના વિવેચક નવલરામ અને સરળ શૈલીની ઐતિહાસિક નવલકથાના આદ્ય લેખક, વિચક્ષણ ને વ્યવહારકુશળ એવા નંદશંકરઃ સૂરતના ત્રણ નન્નાઓએ ગુજરાતને પાશ્ચાત્ય સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો પ્રથમ આસ્વાદ કરાવ્યો. અંગ્રેજી રાજ્યસત્તાનું બીજ સૂરતને આંગણે રોપાયું એ આ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત છે કે નહિ તે ચર્ચાસ્પદ છે, પરંતુ આંગ્લ સાહિત્યનાં સંસ્કારબીજ આ ભૂમિમાં રોપાયાં એ તો એને માટે અવશ્ય ગૌરવની વાત છે. સૂરતને આંગણે આ પરિષદ બીજી વાર ભરાય છે. વચ્ચે પચાસ વર્ષોનો ગાળો વીતી ગયો છે. પહેલી પરિષદ બોલાવ્યા પછી પચાસ વર્ષ સુધી વાટ જોઈને પરિષદને બીજી વાર પોતાને ત્યાં નિમંત્રવામાં સૂરતે એના સ્વભાવધર્મથી વિરુદ્ધ શાણપણ દર્શાવ્યું છે, કે દશ વર્ષની મુગ્ધ બાલિકાને નીરખ્યા પછી સાઠ વર્ષની વયે પહોંચેલી એ વૃદ્ધા કેવીક લાગે છે એવી કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને એમ કર્યું છે, એ કહેવું મુશ્કેલ છે. “જેને શત્રુ નહિ, તે સાક્ષર નહિ!” લાઠીમાં ભરાયેલા અગિયારમા સંમેલન પ્રસંગે શ્રી મુનશીજીએ કહ્યું હતું, “સાક્ષરોને સરખા રાખવા એ ઘણું જ અઘરું કામ છે, ડોલતાં ઇંદ્રાસનો સરખાં રાખી શકાય, પરંતુ કલમના ઘોડા પર સવાર થયેલા સાક્ષરોને સરખા રાખવા એ વિશેષ વિકટ કામ છે. સાક્ષરો કલમરૂપી ઘોડી પર ચડી, ઘોડીના પગ તળે શું કચડાય છે, કચડાનારાની શી સ્થિતિ થાય છે, તેનો પણ વિચાર કરતા નથી. પરસ્પર કલમથી શાહી છાંટવામાં તેઓ બડા બહાદુર હોય છે. તેમને કોઈની પરવા હોતી નથી. સાક્ષરો વિશે એવી વ્યાખ્યા આપી શકાય કે જેને શત્રુ નહિ તે સાક્ષર નહિ!” સાક્ષરોને સરખા રાખવા એ બહુ મુશ્કેલ છે એવો અનુભવ, હું માનું છું, કે સૂરતને હજી સુધી થયો નથી. આ સંમેલન પ્રસંગે એવો અનુભવ નહિ થાય એવી ખાતરી તો નથી આપતો, પણ આશા જરૂર રાખું છું. સાક્ષરોને નહિ, પણ રાજકારણીય પુરુષોને સરખા રાખવા એ બહુ દુષ્કર છે, એવો અનુભવ સૂરતને થયો છે ખરો. રાજકારણના દૂધથી દાઝેલા કદાચ સાહિત્યની છાશ પણ ફૂંકીને પીવા માગતા હોય તો કોણ જાણે! સૂરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું સંમેલન ૧૯૧૫માં ભરાયું તે પછી બીજાં સત્તર સંમેલનો ભરાઈ ગયાં. તે દરમ્યાન સાક્ષરો વચ્ચે અક્ષરોની આપલે સારા પ્રમાણમાં થઈ, પરંતુ તેમાં કોઈ પણ સમયે ઉગ્રતા, કટુતા કે વિખવાદનાં દર્શન થયાં નહોતાં એ જોઈને સૂરતે “હવે આ સૌ સાક્ષરોને ભેગા કરવામાં જોખમ નથી.” એવો નિર્ણય કર્યો હોય તો એમાં આશ્ચર્ય નથી. એ જે હોય તે, પરંતુ એક બીજી દૃષ્ટિએ અત્યારના સમયમાં આ પ્રકારનાં સંમેલનો ભરવાં તે ઇષ્ટ છે કે નહિ એવો પ્રશ્ન ઊઠી શકે ખરો. પરિષદના સોળમા અધિવેશન પ્રસંગે પૂર્વપક્ષ રજૂ કરતા સદ્ગત રામનારાયણ પાઠકે કહ્યું હતુઃ “આખી માનવજાત અત્યારે મહાન સંકટમાંથી પસાર થતી જણાય છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું છે; પણ સાચી તો શું, રાજ્યપ્રકરણી સુલેહ પણ હજી થઈ નથી. અનેક દેશો, અનેક હિતો, અનેક વાદો, જાણે કોઈ ભયંકર રીતે એકબીજા સાથે અટવાઈ ગયાં છે અન હજી સુધી ક્યાંય તેની ગાંઠ છૂટતી દેખાતી નથી. આપણો દેશ પણ આમાંથી બાદ નથી. આપણે જગતનાં તોફાનોથી અસ્પૃષ્ટ તો નથી જ. તે ઉપરાંત આપણને આપણી પોતાની ભયંકર વિટંબણાઓ છે... એવે સમયે, કોઈને થાય કે આ સાહિત્યની વાતો શી? આ સાહિત્યના સમારંભ શા?” જે સમયનો ઉલ્લેખ સદ્ગત પાઠકે ઉપર કર્યો છે તે કરતાં તો અત્યારનો સમય ઘણો ઘણો વિષમ છે. ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. એ ભલે વિશ્વયુદ્ધ તરીકે ગણાયું હશે, પરંતુ યુદ્ધના વિષથી આપણો દેશ દૂર હતો. એ યુદ્ધ પૂરું થયું હતું, પરંતુ અત્યારે તો આપણે જ આંગણે પાકિસ્તાનની ‘મહેરબાની’થી ત્રીજું યુદ્ધ આવી ઊતર્યું છે. એ યુદ્ધ અટક્યું છે ખરું પણ પૂરું નથી થયું. એ યુદ્ધ અટકી જરા શ્વાસ ખાઈ, વધારે બળપૂર્વક ફરી પ્રવૃત્ત થાય એવાં ચિહ્નો ચોમેર નજરે પડે છે. સાહિત્ય પરિષદના ઇતિહાસમાં આવો કપરો કાળ આ પૂર્વે કદી આવ્યો નહોતો. અત્યારની દેશની પરિસ્થિતિ, સુદામાની પત્ની પેઠે કહેતી હોય એમ લાગે છેઃ
“એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે,
રુએ બાળક, લાવો અન્ન, લાગું પાયજી રે.”
એ પ્રાચીન કાળના સુદામાની પેઠે અર્વાચીન કાળના સુદામા પણ અન્નની યાચના કરવા પોતાના પુરાણા મિત્ર કૃષ્ણને દ્વારે જવા ઇચ્છે છે. એ પુરાણપ્રસિદ્ધ સુદામાને અન્નના વિષયમાં જ નહિ, પરંતુ સર્વ પ્રકારના આર્થિક તેમજ પારમાર્થિક વિષયમાં પણ જે સંપન્નતા સાંપડી હતી, તે અર્વાચીન કાળના સુદામાને માટે સુલભ નથી! પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે આપણું પાણી ન બતાવીએ તો પછી ક્યારે બતાવીશું? અન્નની અછત ભલે પ્રવર્તતી હોય, પણ આપણે પાણીથી તો પાતળા ન જ થઈએ. આ સંદર્ભમાં ઇ. એન. ફૉર્સ્ટરનાં વચનો સંભારવા જેવાં છેઃ “And yet we need not despair, indeed we cannot despair; the evidence of history shows us that men have always insisted on behaving creatively under the shadow of the sword; that they have done their artistic and scientific and domestic stuff for the sake of under it, and that we had better follow their example under the shadow of the aeroplanes.” “કશું નવું ભાગ્યે જ કહી શકીશ.” ફોસ્ટરનાં આ આશ્વાસનવચનો આપણી મૂંઝવણ દૂર કરે એવાં છે. એથી આપણી મૂંઝવણ મટે એમ છે, પણ મારી અંગત મૂંઝવણ ત્યાં જ શરૂ થાય છે. “મારા આજના ભાષણ માટે તમે જો મોટી મોટી આશાઓ બાંધી હશે, તો લાચાર છું, તમારે નિરાશ થયું પડશે. આજ પહેલાં ચાર પરિષદો થઈ ગઈ તેથી કરીને હું તો એક રીત્યે પ્રતિકૂળ દશામાં પડ્યો છું. એ પરિષદોના પ્રમુખસ્થાને આવેલા વિદ્વાન પૂર્વાધિકારીઓ જે જે કહી ગયા, તે તે બાબતોમાં મારે માટે તો દ્વાર બંધ જ થયાં છે; એ વિષયોની પુનરુક્તિ ના થાય એમ મારે સાચવવાનું વિષમ કામ આવ્યું છે. તે ઉપરાંત જગતમાં જ્ઞાનનો ભંડાર એવો વધી પડ્યો છે કે સામાન્ય રીતે પણ પૂર્વગામીઓનાં ભાષણોની સરખામણી કર્યા વિના સ્વતંત્ર રીતે પણ હું કશું નવીન ભાગ્યે જ કહી શકીશ. પારકું ચોરેલું ઘણે ભાગે દેખો અથવા તો ચોરેલો માલ નથી એમ ખપાવી દેવાનો પ્રયત્ન કરીને જૂનાને નવું રૂપ આપેલું જણાય, તો મને સર્વાંશે દોષ ના દેશો.” આ વચનો મારાં નથી, નરસિંહરાવનાં છે; આજથી પચાસ વર્ષ પૂર્વેનાં. અહીં સૂરતમાં મળેલી સાહિત્ય પરિષદને પ્રસંગે જ એમણે આ ઉદ્ગારો કાઢ્યા હતા. એમણે આ ઉદ્ગાર કાઢ્યા ત્યારે માત્ર ચાર જ પરિષદો થઈ ગઈ હતી; અત્યારે બાવીસ પરિષદો ભરાઈ ગઈ છે; એ વેળા જગતમાં જ્ઞાનનો ભંડાર, એમના મત મુજબ વધી પડ્યો હતો. આજે એ ભંડાર કેટલો બધો વધી પડ્યો છે તેની ગણતરી પણ થઈ શકે એમ નથી અને ‘હું કશું નવીન ભાગ્યે જ કહી શકીશ’ એમ કહેનાર, સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં નવીન પ્રસ્થાન કરનાર નરસિંહરાવ હતા, એ બધું યાદ કરું છું, ત્યારે મારી મૂંઝવણ અનેકગણી વધી જાય છે. બોલવાનું કે કાર્યનિયમન કરવાનું? હવે પછી સાહિત્ય પરિષદનાં સંમેલનો ભરાશે નહિ; ભરાશે તો પ્રમુખને કશું બોલવાનું રહેશે નહિ. ધારાસભાના પ્રમુખની પેઠે એણે ભાષણ કર્યા વિના, માત્ર સર્વ કાર્યનું નિયમન કરવાનું રહેશે! આવી કંઈક ગણતરીથી મારા પૂર્વાધિકારીઓએ આવે પ્રસંગે ચર્ચી શકાય તે બધા વિષયોની મોકળે મને, વિસ્તારપૂર્વક છણાવટ કરી નાખી છે. સાહિત્યઃ એનું સ્વરૂપ અને એની વ્યાખ્યા; ભાષાઃ સામાન્ય સ્વરૂપની; એના પ્રભવ ને પ્રભાવ; ભાષાઃ વિશિષ્ટ રૂપની, અર્થાત્ ગુજરાતી; ‘અપત્ય’ને દાદીને ખોળે મૂકી, ‘બચ્ચું’ ઉપાડી એ અહીં સુધી આવી પહોંચી; ‘મુકુટ’ ખસેડી, માથે ‘મોડ’ ધારણ કર્યા ત્યાં સુધીની એની પ્રવાસયાત્રાનો સળંગ ઇતિહાસ. પરિષદઃ એનો ભૂતકાલીન ઇતિહાસ, એનું વર્તમાન સ્વરૂપ અને એનું ભવિષ્યનું કર્તવ્ય. આપણા સાહિત્યસર્જકોઃ સર્જન વ્યાપારમાં એમણે દર્શાવેલા નવા નવા ઉન્મેષો; એમની સમૃદ્ધિ અને એમનું દારિદ્ય. સમગ્ર ભારત માટે એક ભાષાઃ પણ એ ગુજરાતી નહિ; ગુજરાતી નહિ તો બીજી કઈ? એ બીજી આવે તો ગુજરાતીએ એનાથી ડરવા જેવું ખરું? સાહિત્ય પરિષદે અત્યાર સુધીમાં શું કર્યું? કશું નહિ? તો હવે તો એણે કંઈક કરવું જોઈએ ને? કરશે ખરી? ક્યારે? આ અને આવા બીજા અનેક પ્રશ્નો પરિષત્પ્રમુખોના વિશાળ દૃષ્ટિ ફલકમાં અત્યાર અગાઉ આવી ગયા છે. એ સૌ વિશે એમના પ્રામાણિક ને પ્રમાણભૂત અભિપ્રાયોનો લાભ પણ આપણને મળી ચૂક્યો છે. એમાં કંઈ પણ સુધારોવધારો કરવાની નથી મારી વૃત્તિ, કે નથી મારી શક્તિ. છતાં, મૌનનો મહિમા સમજનારને પણ મુખર બનાવે એવા આ સંમેલનના પ્રમુખસ્થાને આવીને હું મૂગો રહું એ કેમ ચાલે?
સાહિત્યની અભિવૃદ્ધિ કરવા માટે તેમ જ સાહિત્ય તરફની અભિરુચિથી પ્રેરાઈને આપણે અહીં આ સાહિત્ય પરિષદના મંડપમાં ભેગાં થયાં છીએ; તો, ‘જેને માંડવે જઈએ તેનાં ગીત ગાવાં’ એ ન્યાયે, સાહિત્ય વિશે અહીં કંઈક વિચારણા કરવી એ પ્રસ્તુત બને છે. સાહિત્ય સંબંધી અનેકાનેક અભિપ્રાયો સાહિત્ય સર્જવાનો અને સમજવાનો, વિવેચવાનો અને વેચવાનો, ખરીદવાનો અને ખરાબ કરવાનો, સૌ કોઈને અધિકાર છે. સાહિત્ય વિશે સાહિત્યના સર્જક-વિવેચકોએ જ નહિ, પણ દાર્શનિકોએ, માનસશાસ્ત્રીઓએ, સમાજશાસ્ત્રીઓએ, અર્થશાસ્ત્રીઓએ, શિક્ષણશાસ્ત્રીઓએ, સંગીતકારો, શિલ્પકારો અને સ્થપતિઓએ, રાજકારણના નેતાઓ અને તેમના અનુયાયીઓએ મન પર કોઈ પણ જાતનો ભાર રાખ્યા વિના અને ‘પરીક્ષામાં આવી શકે એવો આ પ્રશ્ન છે’ એવી ભીતિથી પ્રેરાઈને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓએ પણ પોતપોતાના અભિપ્રાયો અથવા સાચું કહીએ તો, પોતપોતાની રીતે બીજાના અભિપ્રાયો દર્શાવ્યા છે. હવે એમાં, હું મારા તરફથી થોડોક ઉમેરો કરું. સાહિત્ય અને સાહિત્યકાર વિશે આપણે ત્યાં તેમજ અન્યત્ર જાતજાતની માન્યતાઓ પ્રવર્તતી જોવામાં આવે છે. સાહિત્યનું સર્જન કેવળ નિજાનંદ માટે છે. સાહિત્યનું સર્જન સર્જકને ભાવક ઉભયના આનંદ માટે છે. સાહિત્યની સૃષ્ટિ માયાવી છે, અસત્ય છે, ભ્રમજાળ સમી છે. સાહિત્યની સૃષ્ટિના પાયાનાં મંડાણ વ્યવહારની ભૂમિકા પર જ થઈ શકે. સાહિત્યનું સત્ય એ વ્યવહારના સત્ય કરતાં પણ મોટું છે; શિખંડીની પાછળ જેમ અર્જુન છુપાઈને ઊભો હતો, તેમ વ્યાવહારિક સત્યની પાર જે સનાતન સત્ય ઢંકાઈને રહેલું છે, તેનું દર્શન સાહિત્ય કરાવે છે. સાહિત્ય સૃષ્ટિનું સૌંદર્ય છે. સાહિત્ય સૌંદર્યની સૃષ્ટિ છે. સાહિત્ય જગતના કલ્યાણ ખાતર છે. સાહિત્ય કેવળ સાહિત્ય ખાતર છે. સાહિત્ય જગતને સમજવાની ચાવી આપે છે. સાહિત્ય જગતને ભૂલવાની તક આપે છે. સાહિત્યસેવનથી માણસ આળસુ બને છે! સાહિત્યની પ્રેરણાથી માણસ અણકલ્પ્યાં પરાક્રમો કરે છે. સાહિત્યને પ્રતાપે કેટલાંય નરનારીઓનાં જીવન સુધરી ગયાં છે ને દેશમાંથી દુરિતો દૂર થયાં છે. સાહિત્ય વિશે આટલું બસ. યાદી જો હજી લંબાવવી હોય તો લંબાવી શકાય એમ છે. હવે થોડું સાહિત્યકાર વિશે. સાહિત્યકાર પ્રભુનો પયગંબર છે. એ દ્રષ્ટા ને સ્રષ્ટા બંને છે. સાહિત્યકાર માણસ છે. સાહિત્યકાર માણસ છે, પણ બીજા માણસોથી એ જુદો જ માણસ છે. સાહિત્યકારને ભગવાને પ્રજ્ઞા નામની કોઈક વિશિષ્ટ શક્તિ દાનમાં આપી છે. સાહિત્યકાર સર્વતંત્રસ્વતંત્ર છે; એને રાજનાં કે સમાજનાં કોઈ બંધન નડતાં નથી. સાહિત્યકારનું દર્શન ઉગ્ર અને મન વ્યગ્ર રહે છે; એ એની ધૂનમાં મસ્ત રહે છે, “મનમાં પરણ્યાં ને મનમાં રાંડ્યાં!” સાહિત્યકાર મનનો રોગી છે. એના અસંપ્રજ્ઞાત માનસમાં મચી રહેલી વૃત્તિના સંઘર્ષને કારણે, ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં સાંપડેલી નિષ્ફળતાને કારણે, જો તે સુષુપ્ત માનસમાં ધૂંધવાતા વંધ્ય રોષાગ્નિને સાહિત્યસર્જન દ્વારા બહાર ન કાઢી નાખે, તો એ હતાશ થઈ જાય. જીવનમાં જે મહત્તા એ પામી શકતો નથી, તે સાહિત્યનું સર્જન કરી એ મેળવવા મથે છે. સાહિત્યકાર દિવાસ્વપ્નમાં રાચનાર કર્મવિમુખ મનુષ્ય છે. “મનમાં પરણ્યાં ને મનમાં રાંડ્યાં!” એટલામાં સાહિત્યકારના આખા જીવનકાર્યનો નિચોડ આવી જાય છે. સાહિત્યકારને પ્રેરણા આવે ત્યારે જ એ લખી શકે છે. પોતાની નસોમાં લોહી નહિ, પણ સંયમની શાહી વહે છે એમ લાગે, ત્યારે જ એણે કલમ હાથમાં લેવી. સાહિત્યકારને લખતી વેળા અને લખવાનું પૂરું કર્યા પછી પણ લાંબા વખત સુધી નશો ચડેલો રહે છે. જો આ જાતનો નશો એને કુદરતી રીતે ન ચડે, તો એણે બહારની જ્ઞાનપ્રેરણા લેવી પડે છે. સર્જનકાર્ય સમયે, સાહિત્યકાર યોગીની પેઠે સમાધિની સ્થિતિમાં હોય છે. સાહિત્ય એને સાહિત્યકાર વિશેની આ બધી માન્યતાઓ તપાસવાની જરૂર નથી. એમાંની ઘણીક ઢાંકણું ઉઘાડતાં જ વરાળ જેમ ઊડી જાય તેમ બોલી બતાવતાં જ આ ‘હવાઈ વાત છે’ એમ પરખાઈ જાય એવી કેવળ ક્ષુલ્લક ને ઉપેક્ષાયોગ્ય છે. થોડીક આપણે ગળે ઊતરી જાય એવી છે. થોડાક અપવાદો બાદ કરતાં અદાલતમાં સાક્ષી તરીકે આવેલો મનુષ્ય સત્ય બોલવા માટે જેમ શપથ લે છે, તેમ કોઈ માન્યતા માટે શપથ લઈ શકાય એમ નથી. ‘હંસ મોતીનો ચારો ચરે છે’, ‘મોર ઢેલને જોઈને ફક્ત આંસુ પાડે છે’, ‘કલ્પતરુ નીચે બેસી, જે માગો તે તરત મળે છે’ એવા જેમ કેટલાક ‘કવિસમયો’ છે, તેમ ઉપર જણાવેલી ઘણી માન્યતાઓ કેવળ ‘લોકસમયો’ છે. એમાં તથ્ય નથી. સાહિત્યકાર અને ધર્મપ્રચાર સાહિત્યકાર વિશેની બીજી કેટલીક વિવિધભાવી માન્યતાઓ જોઈએઃ સાહિત્યકાર પયગંબર નથી. કોઈ પયગંબર સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામ્યા નથી. સાહિત્યકાર પ્રભુ પાસેથી કોઈ પયગામ લઈને નહિ, પણ વિશિષ્ટ પ્રકારની દર્શનશક્તિ અને સર્જનશક્તિ લઈને આવે છે. એણે ધર્મ પ્રસારવાનો કે અનુયાયીઓ વધારવાના નથી હોતા. સાહિત્યકાર સામાન્ય માણસથી જુદો માણસ છે એ વાત સાચી; પણ એમ તો દરેક માણસ બીજા માણસથી જુદો હોય છે! દરેક પાસે કોઈ ને કોઈ પ્રકારની શક્તિવિશેષતા હોય છે અને તેને જો યોગ્ય માર્ગ ને પુષ્ટિ મળે તો તે ક્ષેત્રમાં એ અભિવ્યક્ત થાય જ છે. સાહિત્યકાર સમાજનો રોગચિકિત્સક છે. આ માન્યતાને પોતાની લાક્ષણિક રીતે રજૂ કરતાં માનસશાસ્ત્રી ફ્રોઇડ કહે છેઃ “The artist is originally a man who turns from reality because he cannot come to terms with the demand for the renunciation of instinctual satisfaction as it is first made, and who then in phantastic life allows full play to his erotic and ambitious wishes. But he finds a way of return from the world of phantasy back to reality; with his special gifts, he moulds his phantasties into a new kind of reality and men concede them a justification as valuable reflections of actual life. Thus by a certain path, he actually becomes the hero, king, creator, favourite that he desired to be, without the circuitous path of creating real alterations in the outer world.” અર્થાત્ સાહિત્યકાર પોતાની માનસિક દુનિયામાં રહે છે; અને બાહ્ય જગત સાથે સુસંગત થાય એ રીતે પોતાના વૈયક્તિક વર્તનમાં ફેરફાર કરવાને અથવા બાહ્ય જગત પોતાને અનુકૂળ થાય તેવો પ્રયત્ન કરવાને બદલે, એ દિવાસ્વપ્નમાં રચ્યોપચ્યો પડી રહે છે. પરંતુ ભાવકોનાં ચિત્ત પર સાહિત્યકારે સર્જેલી સૃષ્ટિની અસર થાય છે અને જગત પ્રત્યેની એમની દૃષ્ટિમાં પણ કવચિત્ પરિવર્તન થાય છે. સાહિત્યસર્જન માત્ર દિવાસ્વપ્નોમાં રાચનાર ને એમાં જ પડી રહેનાર પ્રવૃત્તિવિમુખ મનુષ્ય નથી. ચિંતનસર્જનની ક્રિયા એ પોતે જ એક પ્રકારની પ્રવૃત્તિ છે. વ્યવહારનાં કાર્યો પેઠે કવિકર્મ પણ એક પ્રકારનું કાર્ય જ છે, એ ભૂલવા જેવું નથી. વૃત્તિઓનું દમન કરી, જે મનોરોગ એ નિમંત્રે છે, તેનું શમન જો સાહિત્યકાર સર્જનવ્યાપાર દ્વારા કરે નહિ, તો એ પાગલ થઈ જાય એ માન્યતામાં કેટલું તથ્ય છે તે કહેવું મુશ્કેલ છે. रोगश्चितवृत्तिनिरोधः એ ફ્રોઇડના સૂત્રની સામે योगश्चितवृत्तिनिरोधः એ પાતંજલ યોગશાસ્ત્રનું સૂત્ર મૂકવા જેવું છે. હા, કેટલાક સાહિત્યકારો અને કવિઓ પ્રયોગદશામાં દિશા શોધતા થઈ ગયા હતા એ વાત ખરી છે. પણ કાવ્ય કે સાહિત્યનું સર્જન કરવા જતાં એમણે વિષઘૂંટ ગળવા પડ્યા હતા, એ ભૂલવા જેવું નથી. બીજાઓની પેઠે કવિઓ પણ ગાંડા થઈ શકે છે; પણ તેથી ઉન્મત્તતા અને સર્જકતા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડવો, એ પણ શું એક પ્રકારના ગાંડપણની જ નિશાની નથી? “કવિઓ ધૂની હોય તે તો બહુ સારું; કવિએ પોતાની ધૂનને પોષવી જોઈએ; તેને બને તેટલા વધારે ને વધારે ધૂની થવું જોઈએ!” પણ સદ્ભાગ્યે, કવિઓએ કંઈ નહિ તો એમનાં કુટુંબીજનોના સદ્ભાગ્યે, આ વ્યંગ ગણકાર્યો હોય એમ લાગતું નથી! આદિકાળમાં સર્જનની પ્રેરણા કવિને ક્યાંથી ને કેવી રીતે મળી હશે તે કહેવું મુશ્કેલ છે. પણ અત્યારે તો સાહિત્ય પોતે જ સાહિત્યનું પ્રેરક બળ બન્યું છે. જેનામાં પ્રતિભા હોય અને જેનામાં પ્રતિભા ન હોય, તેને પણ સાહિત્યની કૃતિઓ જોઈને પોતાને પણ એવી રચના કરવાનું મન થઈ આવે છે. આમ દીવામાંથી દીવો પ્રકટે, એમ એક અમર સાહિત્યકૃતિ બીજી અનેક કૃતિઓ પ્રગટાવવાને સમર્થ થાય છે. સાહિત્યકારનું સમયપત્રક સાહિત્યસર્જનની પ્રક્રિયા બહુ ગૂઢ છે. સર્જકને પોતાને પણ એની બરાબર ખબર પડતી નથી. ચિત્તમાં પડેલું સંસ્કારનું, અનુભૂતિનું કોઈ બીજ અંકુરિત થઈ ઊઠશે, કે એમ ને એમ પડેલું જ રહેશે, તે એનાથી જાણી શકાતું નથી. એમ સર્જનની પ્રેરણા એને ક્યારે થઈ આવશે એની એને પહેલેથી ખબર પડતી નથી. ક્યારે શું લખવું તેને માટે એ સમયપત્રક તૈયાર કરી શકતો નથી. આપણે સૌ આમ માનીએ છીએ. ઘણે અંશે એ સાચું પણ છે. સર્જન-વિસર્જનની પ્રક્રિયા સાહિત્યના પ્રદેશમાં જ નહિ, પણ સર્વત્ર ગૂઢ છે. એનાં બધાં રહસ્યો હજી ઉકેલી શકાયાં નથી. પરંતુ સર્જનની પ્રેરણા માટે વાટ જોઈ બેસી રહેવું એ આજના યુગમાં સાહિત્યક્રારને પાલવે એમ નથી. આજે લેખનકાર્ય વ્યવસાયરૂપ બન્યું છે. નિયત સમયે પ્રગટ થતાં સામયિકો માટે નિયત સમયે લખી આપવું જ પડે એવી સ્થિતિમાં, વારંવાર આણું મોકલવા છતાં, પિયેરથી પાછી ન આવતી પત્નીને બહાદુર પતિ જાતે જઈને પકડી લાવે છે તેમ, પ્રેરણા પોતાની મેળે ન આવે તો લેખકને પરાણે એને પકડી લાવવી પડે છે! ઈશ્વરપ્રેરિત કોઈ પ્રેરણાને બળે જ જો લેખક લખી શકતો હોય, તો તો ઈશ્વરને દિવાળી પ્રત્યે ઘણો પક્ષપાત હશે, એમ કહેવું જોઈએ! કેટલા બધા લેખકો, કેટલા બધા દિવાળી અંકો માટે કેટલા બધા લેખો તૈયાર કરી મોકલી આપે છે! અન્યથા, બહુ ફળદ્રુપ નહિ એવી ભૂમિમાં દિવાળીના બે મહિના પૂર્વે એકાએક જાતજાતનો ફાલ ઊભરાઈ જાય એટલા પ્રમાણમાં કેમ તૈયાર થઈ જાય છે? પણ દીપોત્સવી અને પ્રેરણા વચ્ચે કોઈ નિયતકાલીન અંતર જરૂર છે. સર્જકનું ચિત્ત, બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. એ रम्याणि वीक्ष्य मघुरांश्च निशम्य शब्दान् पर्युत्सुकीभवति રમ્ય દૃશ્યો જોઈને અને મધુર કલરવ સાંભળીને પર્યુત્સુક થઈ જાય છે, એને કંઈનું કંઈ થઈ જાય છે. બીજાઓને પણ થાય છે, પણ તે સમજતા નથી કે એમને શું થાય છે. કવિ સમજે છે; સમજે છે એટલું જ નહિ, પણ એના માનસમાં જે સંવેદનો જાગે છે તેને સંઘરે છે, બરાબર ગોઠવે છે અને એ સંઘરેલી સંવેદનશક્તિનો યથાકાલે પરિપાક થતાં, હેય-ઉપાદેયનો વિવેક કરી, એને લાગેલાં બીજાં વળગણો ખસેડી, જૂના સંદર્ભમાંથી એને ઉપાડી લઈ, એને કોઈક નવા સંદર્ભમાં મૂકે છે અને વેરવિખેર પડેલી એ કાચી સામગ્રીમાંથી એક સુશ્લિષ્ટ ને અખંડાવયવ આકૃતિની રચના કરે છે. જગતનું સર્વ રમ્ય અને મધુર એના ચિત્તના સંસ્કારોને જગાડે છે એમ નથી. જે જે હૃદયમાં સંક્ષોભ પ્રેરે છે, તે તે સર્વ, નિકૃષ્ટ, વિરૂપ, અભદ્ર પણ, એના સર્જનવ્યાપાર માટેનું સંચાલક બળ બની શકે છે. આપણા પ્રાચીન આલંકારિકોએ રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશે ખૂબ ઊંડાણથી વિચાર કર્યો છે, પરંતુ સર્જનની પ્રક્રિયા વિશે એમણે ખાસ કંઈ કહ્યું નથી. એમની દૃષ્ટિ સર્જન પ્રત્યે નહિ, પણ ભાવક તરફ રહી છે. લેખકને ભલે લખવું હોય તો લખે, પણ તેમાં આપણને, ભાવકને શું? આપણે શા માટે એમની સૃષ્ટિ જોઈને આટઆટલા આનંદમાં આવી જઈએ છીએ? એ પ્રશ્ને એમના મનનો કબજો લીધો હોય એમ લાગે છે. સાહિત્યસર્જન : સૃષ્ટિનો પાયો એ જ રીતે સાહિત્ય અને સત્યના સંબંધ વિશે પણ એમને બહુ વિચારવા જેવું લાગ્યું નથી. મમ્મટે એના ‘કાવ્યપ્રકાશ’ના પહેલા પૃષ્ઠ પર પહેલી પંક્તિમાં પહેલો જ શબ્દ લખ્યો છે : नियतिकृतनियमरहिता । સાહિત્યની સૃષ્ટિ બ્રહ્માએ સર્જેલી સૃષ્ટિના નિયમોથી પર છે. સાહિત્યસૃષ્ટિનું મંડાણ અસત્યના પાયા પર રચાયું છે એમ કોઈ કહે, તો તેનોયે એમને વાંધો નથી. એક આલંકારિકે તો એટલે સુધી કહ્યું છે કે અસત્ય અમારું ભૂષણ છે, દૂષણ નથી! પરંતુ પશ્ચિમના કલાવિવેચકોએ આ પ્રશ્નને બહુ મહત્ત્વ આપ્યું છે. આપણે ત્યાં પણ સદ્ગત રામનારાયણે આ પ્રશ્નને પોતાના એક આખા વ્યાખ્યાનનો વિષય બનાવ્યો છે. સત્યનું શોધન કરવું, એનું નિરૂપણ કરવું, એ કંઈ સાહિત્યનો વિશિષ્ટ ધર્મ નથી! કવિતા સુંદર છે, નવલકથા સરસ છે, નાટક રસિક છે એમ આપણે કાવ્ય, કથા, નાટક આદિ સાહિત્યની કૃતિઓ માટે વિશેષણોનો પ્રયોગ કરીએ છીએ. એમ નથી કહેતા, કે કાવ્ય સત્યપરાયણ છે, નવલકથા સાચી છે કે નાટક સત્યનું નિરૂપણ કરે છે! પ્લેટોએ સાહિત્યની સૃષ્ટિને અસત્યની દુહિતા કહી છે. તે મનુષ્યોને ભ્રાંતિમાં નાખી દે છે, એવો એના પર આક્ષેપ મૂક્યો છે. તેને રદિયો આપવા સારુ તેમ જ માનવજીવનમાં ચરમ ધ્યેય તરીકે સત્યની પ્રતિષ્ઠા ભારે છે અને એ પ્રતિષ્ઠાના લાભથી સાહિત્ય પણ વંચિત ન રહી જાય તેવી કોઈ ઇચ્છાથી પ્રેરાઈને, સાહિત્યમાં સત્યની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. એક સુપ્રસિદ્ધ ચિંતક તો માને છે કે વિજ્ઞાનના આ યુગમાં, સાહિત્યના સર્જન કે સેવનમાં પડેલાંઓએ સત્યની શોધ કરવા નીકળવું, એ બરાબર નથી. વિજ્ઞાનનું આગમન થયું તે પૂર્વના કાળે સત્યશોધન માટે જેને કશી તાલીમ નહિ મળેલી એવા સાહિત્યવિલાસીઓ પોતના ભાષા પરના પ્રભુત્વને કારણે, એવો ભ્રમ પેદા કરી શકેલા કે પોતે જે કંઈ કહે છે, તેમાં ગૂઢ સત્ય સમાયેલું છે. સાહિત્યનું કે સાહિત્યમાંનું સત્ય એ કંઈ સાહિત્યની બહારના સત્ય કરતાં જુદું નથી. બીજાં સર્વ સત્યોની પેઠે એની કસોટી પણ એક જ રીતે થઈ શકે – એના શાસ્ત્રીય પરીક્ષણ અને પ્રયોગો દ્વારા. પરંતુ એમનો મત બહુ ગ્રાહ્ય થયો નથી. સત્ય, સાહિત્ય અને અસત્યઃ સત્યનું સ્વરૂપ સર્વથા અને સર્વત્ર એકસરખું નથી.
- “વિભાગો કર્યાથી પ્રણય કદી ના ન્યૂન બનતો.”
તેમ સત્ય પણ જુદી જુદી રીતે વિભક્ત થવા છતાં, એમાં ન્યૂનતા આવતી નથી. વ્યવહારજગતના ધોરણે જોતાં તો નાનું બાળક પણ સમજી શકે છે કે મને જે વાર્તા કહેવામાં આવે છે, તે સાચી નથી. સાહિત્યકૃતિમાં ભૌતિક સત્યની કોઈ અપેક્ષા પણ ભાગ્યે જ રાખે. એ દૃષ્ટિએ જોતાં પણ સાહિત્ય અસત્યનો આશ્રય લે છે, એમ તો ન જ કહી શકાય. બીજાથી છેતરાઈને કે બીજાને છેતરવાને માટે (મજાકઠઠ્ઠાના પ્રસંગોના અપવાદ બાદ કરતાં), વાણી ને વર્તનમાં મનુષ્ય અસત્યનો આશ્રય લે છે. પરંતુ સાહિત્યકાર કોઈને છેતરવા માગતો નથી; ભાવક છેતરાવા પણ ઇચ્છતો નથી. નાટક ઇન્દ્રજાળ છે, માયાની રચના છે, મોહન છેતરપિંડી છે, એવું વિધાન કોઈકે ક્યાંક કરેલું વાંચ્યું છે. પરંતુ એ વિધાન ખોટું છે. લોકોનો અનુભવ જ એના પ્રમાણરૂપ છે. લોકો નાટક જોવા જાય છે તે શું પૈસા ખરચીને છેતરાવા માટે? અને ધારો કે પહેલી વાર અજ્ઞાનને કારણે એની માયાજાળમાં એ ફસાઈ ગયા! પણ તે પછી? શનિવારે રાત્રે નાટકપ્રયોગ નિહાળવામાં પોતે ફસાયા, છેતરાયા, એવો અનુભવ થયા પછી ફરી, બીજે જ દિવસે રવિવારે બપોરે ‘ચાલો હવે પાછા છેતરાવા જઈએ,’ કહીને એ નો એ નાટયપ્રયોગ ફરીથી જોવા જાય ખરા?
- “ઠગણી, ફરી ઠગ એક વેળા, એક વેળ ફરી ફરી!”
એમ પ્રણયી પ્રિયાને કહે તે માની શકાય એવું છે (એને માટે એને અભિનંદન આપી શકાય એવું નથી), પરંતુ પ્રેક્ષકો નાટકકારને ને નટચમૂને પોતાને ઠગવા માટે ભારે આગ્રહપૂર્વક આવી વિનંતિ કરે, એ કંઈ ગળે ઊતરે એવી વાત નથી. દરેક કલાને અને શાસ્ત્રને પણ પોતાપોતાનાં સત્યો હોય છે; અથવા એમ કહેવું વધારે યુક્ત છે, કે સત્યની અભિવ્યક્તિ કરવાની દરેકની રીતે આગવી હોય છે. વ્યવહારની દૃષ્ટિએ સાચી ન લાગે એવી કેટલીયે વાતો સાહિત્ય ને ઇતર કલાઓના ક્ષેત્રમાં જ નહિ, પરંતુ આ સ્થૂળ વ્યવહાર જગતમાં પણ સાચી હોય એ રીતે ચલાવી લેવી પડે છે. વ્યાકરણનું શાસ્ત્ર, પ્રાકૃતિક ખૂબીઃ વ્યાકરણનું શાસ્ત્ર છે; રોજબરોજના વ્યવહારમાં બોલાતી ભાષામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વહેવારમાં જે સાચું હોઈ જ ન શકે, તે વ્યાકરણ માન્ય રાખે છે. લિંગભેદ ને નરનારીનો ભેદ ચેતન સૃષ્ટિમાં જ સંભવી શકે. જડ સૃષ્ટિમાં એવો ભેદ ન હોય. છતાં વ્યાકરણે નર ને નારી પૂરતી જ નહિ, નાન્યતરની પણ ભેદરેખા આંકી છે. દાળ સ્ત્રીલિંગ અને ભાત પુલ્લિંગ! ટેબલ નાન્યતર ને ખુરસી નારી! ભાષાવ્યવહારના આ ભેદ વ્યાકરણદૃષ્ટિએ સાચા છે. આટલેથી જ પતતું નથી. આપણાં અંગોમાં પણ એ વ્યાકરણભેદ સ્પષ્ટ છે. હાથની જાતિ નર ને આંગળીની જાતિ નારી! એકલા મુખમંડળ પર પણ ત્રણે જાતિઓએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે! હોઠ, ગાલ, દાંત એ પુલ્લિંગ. આંખ, ભ્રમર, પાંપણ એ સ્ત્રીલિંગ. અને નાક, કપાળ, મોઢું એ નાન્યતર! આ ઉપરાંત, જુદાં જુદાં શાસ્ત્રોએ પણ સાચી ન માની શકાય એવી, અમુક વસ્તુઓ પોતપોતાના વિશિષ્ટ હેતુઓને અર્થે, સાચી ગણીને સ્વીકારી લીધી છે. દાખલા તરીકે, બિંદુને સ્થિતિ છે પણ કોઈ પરિમાણ નથી. રેખાને લંબાઈ છે પણ પહોળાઈ નથી. હકીકતની દૃષ્ટિએ આ ખરું નથી, પણ ભૂમિતિએ એ માન્ય કરીને જ આગળ વધવાનું મુનાસિબ માન્યું છે. આપણે સુખી થવાને જન્મ્યાં છીએ એમ માનીને જ આપણે સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પણ વારંવાર આપણને જે અનુભવો થતા રહે છે તે જોતાં એમ કેમ કહી શકાય? ‘સત્ય’ શબ્દનો પ્રયોગ પણ આપણે ભિન્ન ભિન્ન અર્થમાં ને ભિન્ન ભિન્ન બુદ્ધિથી કરીએ છીએ. શાસ્ત્રબુદ્ધિઃ તર્ક દ્વારા, ઇન્દ્રિયગમ્ય પ્રયોગો કરીને અથવા પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી જે પુરવાર કરી શકાય તે. વાસ્તવબુદ્ધિઃ જે જેવું હોય તેનું તેવું જ આલેખન કરવું, ‘યથા’ ને ‘અન્યથા’ ન કરવું તે, હકીકતનું સત્ય. ધર્મબુદ્ધિઃ શાસ્ત્રવાકયમાં આપ્તજન કદી ખોટું બોલે નહિ, એવી સંતાનોની બાલબુદ્ધિ! ‘રામ મારો ન થાય કદી અન્યનો’ એવી સતીની સીતાબુદ્ધિને શાસ્ત્રો કદી ખોટું કહે નહિ; એવી ધર્મનિષ્ઠોની શ્રદ્ધાબુદ્ધિ; એ માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. સાહિત્ય અને વ્યવહારસૃષ્ટિઃ જો આપણે આ પ્રકારના સત્યની અપેક્ષા સાહિત્યસૃષ્ટિ પામે રાખીએ, તો શું સાહિત્યસૃષ્ટિ અસત્યની સૃષ્ટિ છે? ના, એ કાલ્પનિક છે, પણ અસત્ય નથી. જે ભેદ છે, તે સત્ય-અસત્ય વચ્ચેનો નહિ પરંતુ વાસ્તવિક ને કાલ્પનિક વચ્ચેનો. દિક્કાલ વિશે જેની સત્તા (સત્+તા=હયાતી=Existence) હોય તે વાસ્તવિક જગતનાં દિક્કાલથી જુદાં જ છે. વાસ્તવિક જગતમાં થયેલા અનુભવોને આધારે જ સાહિત્યજગતનું સર્જન થઈ શકે એ સાચું છે. વાસ્તવિકતાની ભૂમિ પર જ સાહિત્યની ઇમારત ચણી શકાય છે એ ખરું; પરંતુ સાહિત્યસૃષ્ટિ વાસ્તવિક સૃષ્ટિથી સર્વથા વિચ્છિન્ન નથી. વાસ્તવિક સૃષ્ટિ સાથે અવિચ્છિન્નતા નહિ, પણ વિભિન્નતા જ એનું ધર્મવૈશિષ્ટ્ય છે. જમીન પર રાખીને જ હવાઈ સળગાવવી પડે છે. એક વાર દીવાસળી લાગી ને એ સળગી કે એ તરત જમીન પરથી ઊંચે આકાશમાં ઊડે છે ને ત્યાં જઈ પોતાની રંગલીલા ને ધ્વનિલીલા પ્રગટ કરે છે. તે જ રીતે વ્યવહારસૃષ્ટિના અનુભવોની દીવાસળી લાગતાં, સર્જકપ્રતિભા કલ્પનાની અગમ્ય સૃષ્ટિમાં વિહાર કરવા ઊડી જાય છે; ત્યાં ગયા પછી જ એ પોતાની સર્વ રંગલીલા વ્યક્ત કરે છે. સાહિત્યસૃષ્ટિ આત્મસૃષ્ટિ છે. એ સૃષ્ટિમાં નિરૂપાયેલા પ્રસંગો બનતા નથી, એ બનાવેલા અથવા બનાવી કાઢેલા હોય છે. એ જગતનાં સ્ત્રીપુરુષોની હસ્તી હોય છે, પણ એ વાસ્તવિક જીવન જીવતાં માનવીઓ હોતાં નથી. કોઈ સમર્થ નવલકથાકાર કે નાટકકારનાં દક્ષ અથવા ખલ પાત્રો જીવતાં હોય, હાડમાંસચામનાં બનેલાં હોય એવાં લાગે છે. એ વાસ્તવિક જગતનાં કોઈ પણ જીવતા માણસ જેવાં છે, એમ આપણે કહેતા નથી. પહેલા કિસ્સામાં આપણે ઉત્પ્રેક્ષાવચન ઉચ્ચારીએ છીએ. બીજા કિસ્સામાં તો વિશેષ કંઈ ઉચ્ચારવાનું રહેતું જ નથી. જેના વિના વાસ્તવિક જગતમાં માણસ જીવી જ ન શકે, તે બધા વિના સાહિત્યનાં નરનારીઓ પણ જીવી શકતાં નથી. જીવવા માટે જમવું જોઈએ; કેટલાક જમવા માટે જીવે છે. પણ સાહિત્યની સૃષ્ટિમાં કોઈ દિવસમાં બે વાર તો શું, એક વાર પણ જમતાં નથી! અને તેથી જ આપણી સંખ્યાબંધ નવલકથાઓ, નાટકો ને ટૂંકી વાર્તાઓની પાત્રસૃષ્ટિમાં વધારો થતો જ રહે છે! એની વસ્તીસંખ્યાનું કોઈ કરતાં કોઈ પ્રમાણ જળવાતું નથી! છતાં એને કારણે, આપણા દેશમાં વધતી જતી વસતિનો અને અન્નનો પ્રશ્ન ખાસ ઉગ્ર બનતો નથી. કથા, વાર્તા, નાટક દ્વારા આપણા દેશમાં અવતરતાં સાહિત્યમાં એ માયકાંગલાં બાળકોને આપણે કહીએ છીએ; “આવો, ભલે આવો તમારે માટે અમે સંતતિનિયમનનો પ્રશ્ન ઊભો નહિ કરીએ!” સાહિત્યનાં “કંગાલ” નરનારીઃ દેશમાં વ્યાપેલાં દીનતા, હીનતા, કંગાલિયત, ભૂખમરો આદિ દૂર કરવાના, એ સૌ નામશેષ કરવાના પ્રયત્નો આપણે આરંભ્યા છે; પરંતુ આપણી સાહિત્યસૃષ્ટિમાં અવતાર લઈને આવેલાં ભૂખ્યાં દીન, હીન, દરિદ્ર, કંગાળ નરનારીઓને આપણે વધાવી લઈએ છીએ! એમને હૈયાસરસાં ચાંપીએ છીએ! એમની દરિદ્રતા સાહિત્યની સમૃદ્ધિ (!) બને છે. એમની ભૂખ સાહિત્યિક જીવોની દરિદ્રતા બને છે! એમની હીનતા સાહિત્યનું “ગૌરવ” બને છે! ભૌતિક જગતમાં જ નહીં, પણ વિચાર કે અનુભવના પ્રદેશમાં પણ પરસ્પર અસંગત હોય, જેનું સામાન્ય મનુષ્યો એકસાથે આકલન કરી શકતા ન હોય, એવાં અસંખ્ય ને અનેકવિધ પ્રસંગો, પદાર્થો, પ્રાણીઓ, વિચારો, ભાવો અને અનુભવોને માત્ર કોઈ ઉત્તમ કોટિનો કવિ જ પોતાની કલ્પના તથા પ્રતિભાના રસાયણથી એકસાથે સાંકળી લે છે. એ વ્યવહારું જગતના અસંભાવ્યને સંભવિત જ નહિ, પણ સહજસિદ્ધ રીતે રજૂ કરે છે. એ આ જગતમાં જેની યુગપત્ સહસ્થિતિ ન સંભવે, તેને જોડાજોડ બેસાડી દે છે. “માતેલો સાંઢ ચોમાસુ ચર્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.” દીકરાને જન્મ આપનારી વઢકણી વહુની બરાબર સામે જો ચોમાસું ચરીને આવેલો માતેલો સાંઢ ખડો થઈ જાય, તો પેલી વઢકણી વહુ અને નવજાત શિશુની શી સ્થિતિ થાય તે કલ્પવું અઘરું નથી. સંસારમાં કોઈ રીતે અન્નમય કોશ કે પ્રાણમય કોશની ઉપેક્ષા થઈ શકે નહિ; સાહિત્યનાં સર્જન અને ભાવન બંનેમાં એનું ખાસ મહત્ત્વ નથી. સાહિત્યને સંબંધ છે મનોમય કોશ સાથે. એનું સ્વરૂપ મનોગ્રાહ્ય છે. હૃદય સાથે હૃદયનો વ્યવહાર, એ એનું કર્તવ્ય છે. સાહિત્યસૃષ્ટિનું આકલન આપણે સાદ્યંત કરી શકીએ. આપણી સૃષ્ટિના, અરે આપણા પોતાના જીવનના પણ આદિ ને અંત અંધારામાં રહે છે! જીવનક્ષેત્રે અંધારપટનો એક ઓછાયો પથરાયો છે. આપણે આપણાં જીવન, પ્રયોજન ને પરિણામ વિશે જાણતાં નથી! એ બંને વિશે સાહિત્યની સૃષ્ટિમાંથી કંઈક જ્ઞાન મળે છે. સાહિત્યકારે સર્જેલી એ શબ્દબ્રહ્મની સૃષ્ટિ ભાવકને રસાનંદ કરાવી, જગતને જ્ઞાન-વિજ્ઞાનાદિનું રહસ્ય સમજવાની પ્રજ્ઞાદૃષ્ટિ આપે છે. ચશ્માં પહેરનાર જો માત્ર ચશ્માંના કાચને જ જુએ, તો એનું પ્રયોજન વ્યર્થ બને છે. ચશ્માંથી માત્ર જોવાની શક્તિ વધારે તીવ્ર બને છે; આંતરદૃષ્ટિ નહિ. ચશ્માં વિના એ માત્ર જે જોઈ શકતો, તે ચશ્માં પહેર્યાં પછી વાંચી શકે છે. પણ સાહિત્યના પરિશીલનથી નવી દૃષ્ટિ પામેલો ભાવક માત્ર જગતને જોતો જ નથી, એને વાંચી પણ શકે છે. ચિત્તશુદ્ધિ અને સત્યદર્શનઃ પરંતુ સાહિત્યે પ્રેરેલી દૃષ્ટિથી એ જે જગત વાંચી શકે છે તે કાંઈ આ જડ જગત નથી, પણ ભાવનાજગત છે. બજારભાવમાં જ રચ્યુંપચ્યું રહેલું જિજ્ઞાસુનું માનસ હૃદયભાવ પ્રત્યે અભિમુખ બને ત્યારે અન્યથા કદાચ એને અનુભવગોચર ન થઈ શકત એવાં સંવેદનો એ અનુભવી શકે અને તે પણ એના શુદ્ધ સ્વરૂપમાં, બીજાં વળગણોથી અસ્પૃષ્ટ. આમ એ ચિત્તસંશુદ્ધિ કરે છે; કરાવે પણ છે. સાહિત્ય ક્યારેય સત્યની અપ્રતિષ્ઠા કરતું નથી. સાહિત્ય દ્વારા પણ સત્યનાં દર્શન થાય છે. સત્યનું સાહિત્ય, સાહિત્યમાં સત્ય અને સાહિત્યનું સત્ય ભિન્ન છે. ત્રણે હોય ભલે ભિન્ન, પણ એ છે ત્રિવેણી જેવું. શાસ્ત્રમાં સત્યનું સાહિત્ય નિરૂપાયેલું છે. સાહિત્યમાં આવતું સત્ય બહુધા સૌન્દર્યથી રસાન્વિત થઈ, ભાવાત્મક સ્વરૂપ ધારણ કરી આવે છે. પિતાના ઘરમાં કન્યા સાદે વેશે હરેફરે છે. જ્યારે તે બહાર જાય છે, ત્યારે કંઈક ઠીકઠાક થઈને નીકળે છે અને લગ્ન થયા પછી જ્યારે પ્રથમ વાર સાસરે જાય છે, ત્યારે તે વસ્ત્રાભૂષણ ધરી, હર્ષોન્માદ અને વિયોગવિષાદના મિશ્ર ભાવે. વિજ્ઞાન સત્યનું નિરૂપણ કરે છે. સીધી સાદી રીતે, તર્કની પદ્ધતિનો આશ્રય લઈને, કલા સત્યનું દર્શન કરાવે છે અપ્રત્યક્ષ રીતે, સૌન્દર્યથી મંડિત થઈને. વિજ્ઞાનમાં સ્ફુટ થતું સત્ય અભિધાશ્રિત હોય છે, એ પ્રયોગ દ્વારા પણ ગ્રહણ થઈ શકે. કલાકૃતિમાંથી નીખરી આવતું સત્ય ક્યારેક જુગુપ્સાપ્રેરક હોય છે. સાહિત્યની નિષ્ઠા છે પાવિત્ર્ય અને સૌંદર્ય પ્રત્યે. એમાં સત્ય આવે છે ઉપાધિ રૂપે. એક આંગ્લ કલામીમાંસકે એક જ વાક્યમાં આ બહુ સુંદર રીતે સમજાવ્યું છે એ કહે છે : “Art is substantively beautiful and adjectively true.” વેદાંતની પરિભાષામાં કહીએ તો ભૌતિક જગત એ અસત્ય, પારમાર્થિક સાહિત્યસૃષ્ટિ એ પ્રાતિભાસિક સત્ય. બાળકને ભૂખ લાગે, કંઈક દુઃખ થાય એટલે એ રડે છે. એને રડતું સાંભળીને મા ઝડપભેર દોડી આવી એને છાનું રાખે છે. બેત્રણ વારના આવા અનુભવ પરથી બાળકને અગમ્ય રીતે સમજાય છે કે માને બોલાવવી હોય ત્યારે રડવું! એટલે રડવા માટે કોઈ કારણ ન મળે તોપણ માને બોલાવવા માટે એ રુદન શરૂ કરે છે! પતિ-પત્નીના પ્રણયભાવઃ પતિના મુખમાંથી કોઈક અણગમતું વચન નીકળે અથવા એનાથી કંઈક અજુગતું વર્તન થાય, ત્યારે પત્નીની આંખમાં પાણી આવે છે! એ પત્ની માત્ર પત્ની જ નથી હોતી, સ્ત્રી હોય છે. એની આંખમાં પાણી જોઈને પતિદેવ પોતે પણ પાણીપાણી થઈ જાય છે! અને પછી અનુભવે ઘડાયેલી પત્ની સમજી જાય છે કે પતિને પલાળવો હોય તો પહેલાં પોતાની આંખ પલાળવી! પછી કશુંયે કારણ ન મળે તોપણ એ સ્વેચ્છાએ આંસુ આમંત્રી શકે છે! ભાવોદ્દીપન માટે સાચાં કારણો જોઈએ જ એમ નથી. કારણને અભાવે, કલ્પના દ્વારા પણ ઉદ્દીપન થઈ શકે. પિયર ગયેલી પ્રિયાને લખાયેલા પત્રમાં પતિ જેવા પ્રણયોદ્ગાર કાઢે છે તેવા ઉદ્ગાર તે એની પ્રત્યક્ષ હાજરીમાં કાઢી શકતો નથી. પત્નીને પણ પતિના પત્ર દ્વારા મળેલાં પ્રણયવચનો ગમે છે. જો એ આ જાતનાં પ્રણયવચનો પ્રત્યક્ષમાં કહે તો પત્ની બોલી ઊઠેઃ “લાજો, લાજો જરા, આવું બોલો છો તે.” કોઈ પણ સાહિત્યકૃતિનું પરિશીલન કરતાં, તેનાં પ્રસંગો, પાત્રો ઇત્યાદિ ભાવક માટે પ્રેરક બને છે. એવા પ્રસંગો કે વ્યક્તિઓના સંપર્કથી મનમાં જે સંવેદન જાગે, તે જ નહિ તો તેવાં જ સંવેદનો આ મિથ્યા જગતનાં પ્રસંગો ને પાત્રો પણ જગાડી શકે છે. એ કૃત્રિમ સંવેદનો પૂર્વે અનુભવેલા પ્રસંગોની સ્મૃતિ જગાડે છે. સાહિત્ય એને સ્થૂલ અર્થમાં કાર્યપ્રવૃત્ત નથી કરતું, પણ સાવધ કરે છે. એક વાર હું એક કોઈ જાણીતા ગાયકના જલસામાં ગયો હતો. મારી સાથે સંગીતના ખાસ રસિયા નહિ, પણ ‘કંપની આપવા ખાતર’ આવેલા એક ભાઈ બેઠા હતા. ગાયકે ચીજ શરૂ કરીઃ
- ‘જસોદા તોરા કાનાને ગાગરિયા ફોરી’
પંદર, વીસ, પચીસ, મિનિટ સુધી કાનાએ ગાગર ફોડ્યા જ કરી! ‘ગાગરિયા ફોરી...’ ‘ગાગરિયા ફોરી...’ જુદી જુદી રીતે, તાન, આલાપ, મીંડ, ગમક આદિનું દર્શન કરાવતા જઈ, એણે એ એક જ પંક્તિ, અને તેમાં પણ મુખ્યત્વે એનો ઉત્તરાર્ધ “ગાગરિયા ફોરી” પર પોતાનું સમગ્ર ગાન કેન્દ્રિત કર્યું. મારી સાથેના પેલા ભાઈએ મને પૂછ્યુંઃ “ગાગર કેટલી હતી?” “એક જ.” મેં જવાબ આપ્યો. “ગાગર એક, પણ તે ફોડવા માટે ‘ટાઇમ’ કેટલો? આટલા વખતમાં તો ગાગરની કચ્ચરકચ્ચર થઈ જાય. કા’નાને શું ગાગરની રજરજ કરી તેમાં આળોટવું છે?” “આપણે એ જોવાનું નથી. આપણે તો ગાયકના ગળામાંથી બહાર નીકળતા સ્વર કેવા નાચે છે તે જ જોવાનું છે.” એ ચીજ પૂરી થઈ ને ગાયકે બીજી ચીજ ઉપાડી.
- “ચલત રાજકુમારી...”
લગભગ પા કલાક સુધી ‘રાજકુમારી’ અને રાજકુમાર જેવા પેલા ગાયક પણ આ એક લીટીથી આગળ ચાલ્યા નહિ. પેલા ભાઈ મુખ પર થાક અને કંટાળાનો ભાવ લાવી બોલ્યાઃ “રાજકુમારી લંગડી કે લૂલી છે?” “કેમ એમ પૂછવું પડ્યું?” પા કલાકનો એક કલાક બનાવી એમણે કહ્યું, “એક કલાકથી આ ‘ચલત, ચલત’ કર્યા કરે છે, પણ ડગલું તો એકે આગળ ભરતી નથી!” “રાજકુમારી ભલે ન ચાલે, કાફી તો ચાલે છે ને!” મેં કહ્યું. “કાફી? કાફી ક્યાં છે?” અહીં કદાચ કૉફી પાવાની વ્યવસ્થા કરવામાં આવી હશે એમ માની, આજુબાજુ નજર કરી, એ ભાઈએ પૂછ્યું. “પીવાની કાફી નહિ, સાંભળવાની કાફી.” “એ વળી શું?” “જે રાગમાં એ ગાય છે, તે રાગનું નામ ‘કાફી’ છે અને એ પદ્ધતિસર ચાલે છે.”મેં જવાબ દીધો. આમ જુદાં જુદાં ક્ષેત્રોમાં ગતિ તો થતી જ હોય છે. જીવનમાં આપણો સ્થૂળ દેહ, સાહિત્યમાં શબ્દો અને સંગીતમાં સ્વરો, ગતિ કરતા જ રહે છે. કશું નિષ્કિય કે નિર્ગતિક રહી શકતું નથી. એ સર્વની ગતિ સાથે આપણાં ભાવો ને અનુભૂતિઓ પણ ગતિમાન રહે છે. સાહિત્યઃ વાણીની દુનિયાઃ ત્યારે સાહિત્યનું ઉપાદાન શું? ભાષા? કે માનવીનાં ભાવ, વિચાર, અનુભૂતિ, વર્તન આદિ? ભાષા દ્વારા મનુષ્યનાં ભાવ, ભાવના, વર્તન આદિ કલામય સ્વરૂપ પામે છે. ભાષા સાહિત્યનું સત્ત્વ છે. મનુષ્યનાં સ્વભાવ, વર્તન, વૃત્તિ, વલણો, આદિ સાહિત્યના પદાર્થ છે. એ મળીને જે રચનાવિશેષ બને છે, તેનું નામ સર્જન છે. ઘરમાં ચલણ કોનું? ગૃહિણીનું કે ગૃહસ્થનું? કંઈક આવો જ વિવાદ, આકાર અને અન્તસ્તત્ત્વ (Form અને Content) વિશે પશ્ચિમમાં પ્રવર્તે છે. એ બેમાં મહત્ત્વ કોનું? આપણે કલાકૃતિની વસ્તુ વિશે પ્રથમ વિચાર કરવો જોઈએ; અને તે પછી એને કલામય સ્વરૂપ આપનારી રચના વિષે. વસ્તુને આકાર આપનારી ભાષા રૂપનિર્માણની સાધનસામગ્રી છે. ઉત્તમ કલાકૃતિની સર્વ સાધનસામગ્રી તેના આત્મા સાથે એકરૂપ થઈ જાય છે. આ રીતે વિચારતાં બંને વચ્ચે કોઈ જાતનો વિશ્લેષ કરવો તે સમગ્ર કૃતિનો ધ્વંસ કરવા જેવું છે. માટી કેવી છે તે ચકાસવા ખાતર જો માટીનો ઘડો ભાંગી નાખીએ, તો પછી ઘડો નહિ મળે; અને માટી મળશે તો તેયે ભઠ્ઠીમાં પાકેલી માટીની રજકણ જેવી; વાસણ અજવાળવા માટે છાણાની રાખ જેવી છે. વિશિષ્ટતા, સુશ્લિષ્ટતા અને અકિલષ્ટતા એ ત્રણ કોઈ પણ ઉત્તમ સાહિત્યકૃતિના પ્રધાન ધર્મો છે. વાણીના વિનિયોગમાં વિશિષ્ટતા, વસ્તુગૂંથણીમાં સુશ્લિષ્ટતા અને વર્ણ્ય વિષયના નિરૂપણમાં અક્લિષ્ટતા એ સર્વ શિષ્ટ સાહિત્યનાં લક્ષણો છે. સાહિત્યની દુનિયા વાણીની દુનિયા છે. એમાં વાણીથી, શબ્દોથી નિરપેક્ષ કંઈ પણ આવતું નથી. ભાષાન ઉદ્ભવ ક્યારે ને શી રીતે થયો તે કોઈ જાણતું નથી! ભાષા પોતે એ કહે તો ખબર પડે! પોતાના જન્મની વાત કોઈને યાદ રહેતી નથી! ભાષા પણ એ બાબતમાં અપવાદરૂપ નથી! એ માટે જે જુદી જુદી કલ્પનાઓ અને સિદ્ધાંતો છે તે આપણે જાણીએ છીએ. બરફ અને બરફી! : ભાષા ભાવાવિર્ભાવનું એક સાંકેતિક રૂપ છે. શબ્દ અને અર્થ વચ્ચે હંમેશાં કોઈ તાર્કિક કાર્યકારણભાવ રહ્યો નથી. અમુક એક વર્ગના, સમાજના કે પ્રદેશવિશેષના મનુષ્યોએ એ સંકેત કબૂલ રાખ્યો છે. તેને લીધે ભાષાનો સકળ વ્યવહાર ચાલ્યા કરે છે. એક બરફવાળા ને બરફીવાળા વચ્ચે થયેલો એક સંવાદ મને યાદ આવે છે. એક બરફ વેચનારાએ બરફી વેચનારને પૂછ્યું, “તું આને બરફી કેમ કહે છે?” બરફ વેચનારને કંદોઈએ સામો સવાલ કર્યો : “તું આને બરફ કેમ કહે છે?” “આ બરફ છે તે તું નથી સમજતો? બરફને બરફ ન કહું તો બીજું શું કહું?” “તો પછી આ મીઠાઈને હું બરફી ન કહું તો બીજું શું કહું? એ દેખાય છે બરફી જેવી; એની વાસ બરફી જેવી છે; એનો સ્વાદ પણ બરફી જેવો છે.” કંદોઈ કવિ નહોતો, તોયે એણે ત્રણે ઇન્દ્રિયોનો અનુભવ એકસાથે વર્ણવતાં ઉપર પ્રમાણે કહ્યું. આ છે તો માત્ર ટુચકો, પણ એ પરથી આપણે સમજી શકીએ છીએ, કે કોઈ પણ પ્રાણી, પદાર્થ વસ્તુ કે ક્રિયાનું કોઈ પ્રાકૃતિક નામ નથી. અમુક ભાષા બોલનારાઓ અમુક વર્ણ કે વર્ણસમુદાયમાં અમુક અર્થનું આરોપણ કરે અને સૌ તેનો સ્વીકાર કરી લે એટલે બોલનારા અને સમજનારાઓમાં તે ભાષાનો વ્યવહાર શરૂ થઈ જાય. “Thanks to language, Man became Man.” ભાષાના પ્રભાવે જ માણસ માણસ બન્યો છે, એવું એક વિદ્વાનનું વિધાન સર્વથા છે. ભાષા ન હોત તો આપણું શું થાત તે વિચારવા જેવું છે. પેઢી દર પેઢી આપણે જે પ્રગતિ કરી શકયા છીએ તે ભાષાના સાધન વિના ન જ કરી શકયા હોત. એક તરફ પહેલી સદીના ઉંદર અને વીસમી સદીના ઉંદરનો દાખલો લો; અને બીજી તરફ પહેલી સદીના મનુષ્ય અને વીસમી સદીના મનુષ્યનો દાખલો લો. બંને દૃષ્ટાંત સાથે મૂકી જુઓ. ઉંદર વચ્ચે ભાગ્યે જ તફાવત લાગશે, પણ મનુષ્ય વચ્ચેનો ભેદ આસમાન – જમીન જેટલો લાગશે. ભાષા : વ્યવહારનું શ્રેષ્ઠ સાધનઃ પૂર્વજીવનના સંસ્કારવારસા રૂપે આપણે જે મેળવીએ છીએ તે સંતોનોને આપતાં જઈએ છીએ. એ સંતાન પ્રકૃતિદત્ત પ્રેરણા અનુસાર, વાણીએ આપેલી શક્તિથી, પોતાનાં જ્ઞાન, ડહાપણ, અનુભવ, જે કંઈ અલ્પ સ્વરૂપ એણે મેળવ્યું હોય તે પણ, એ પોતાની પછીની પેઢીને આપતાં જાય છે. આદિ માનવે દિવસે સૂર્યનાં દર્શન કર્યાં. એ જોઈને એને કાંઈક થયું. એ વિશે કંઈક કહેવાનું એને મન થયું. પણ એની પાસે ભાવનું સાધન નહોતું. પોતાની વાત પુત્રને જણાવે શી રીતે? માત્ર સૂર્યને પ્રત્યક્ષ બતાવીને જ તો. ભાષા સાહિત્યનું ઉપાદાન છે તેમ જ વ્યવહારનું સાધન પણ છે. અન્ય કલાનાં ઉપાદાનો કરતાં આ એની વિશિષ્ટતા છે. વ્યવહારના સાધન તરીકે ભાષા બહુ ઊણી ઊતરે છે એવી ફરિયાદ પણ કરવામાં આવી છે. લોકશાહી કંઈ ઉત્તમોઉત્તમ, કેવળ નિર્દોષ કહી શહાય એવી, રાજ્યવ્યવસ્થા નથી. પરંતુ જગતમાં અત્યારે પ્રવર્તતી બીજી બધી રાજ્યપદ્ધતિઓ કરતાં એ લોકશાહી વધારે સારી છે. તેવી જ રીતે માનવી માનવી વચ્ચેના વ્યવહાર માટે અત્યારે આપણી પાસે જે કંઈ સાધનો છે, તેમાં સૌથી વધારે કામ આપે એવું સાધન ભાષા છે. વર્ણો એ માત્ર ધ્વનિનો સમુદાય છે, પણ એમાં અર્થ પૂરીને આપણે એને ‘સાર્થક’ બનાવ્યા છે. સંગીતને પણ ધ્વનિ સાથે સંબંધ છે. સંગીતના વિષયમાં નાદ ધ્વનિ કેવળ ઉપાદાનનું જ કાર્ય કરે છે. વ્યવહારમાં એનો કશો વિનિયોગ થઈ શકતો નથી. સંગીતશાસ્ત્રની મદદથી ‘મારે પાણી જોઈએ છીએ’ એવી સીધીસાદી માગણી પણ થઈ ન શકે. સંગીતને વ્યવહાર સાથે નહિ, પણ હૃદયની લાગણી સાથે જ સંબંધ છે. પ્રયાસ કરવાનું સાધન વાહન છે. વાહન દ્વારા શેઠિયા આવે, ‘મિનિસ્ટર’ આવે અને મ્યુનિસિપાલિટીનો કચરો પણ આવે! આમ ઘણો કચરો પણ નીકળે! જ્યારે ઉપાદાન તરીકે ભાષાનો ઉપયોગ કરવાનો હોય, ત્યારે એનું સંશોધન કરવું પડે. આયુર્વેદમાં રસશાસ્ત્રમાં સર્વ ધાતુઓનો સંશોધનવિધિ આપ્યો છે. સાહિત્યમાં પ્રયોજાતી ભાષાના સંશોધનાર્થે પણ વાઙ્મયના રસશાસ્ત્રમાં વિવિધ માર્ગો દર્શાવેલા છે. સંસારવ્યવહારમાં આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત શાસ્ત્રાદિના નિરૂપણમાં પણ આપણે ભાષાનું જ માધ્યમ રાખીએ છીએ; પરંતુ વ્યવહારમાં સાહિત્યની અને શાસ્ત્રની ભાષામાં વિવેકબુદ્ધિ રાખીએ છીએ. સામાન્ય રીતે મનાય છે, કે શાસ્ત્રીય જ્ઞાન-વિજ્ઞાનની ભાષા વિચારપ્રધાન અને ચિંતનપ્રચુર હોય છે. એમાં ઊર્મિ કે લાગણીનું મહત્ત્વ નથી. પરંતુ આ સર્વાંશે સાચું નથી. સાહિત્યમાં પણ વિચાર ને ચિંતન હોય છે જ. શાસ્ત્રીય વિષયના નિરૂપણમાં પણ ભાવપ્રધાન શબ્દોનો અભાવ હોતો નથી. સાહિત્યની અને શાસ્ત્રની ભાષા વચ્ચે ખરેખરો મહત્ત્વનો ભેદ, બે શબ્દોનો જે રીતે, જે અર્થ સાધવા માટે પ્રયોગ કરાય છે, તેમાં રહેલો છે. શાસ્ત્રીય વિષયના નિરૂપણ માટે પ્રયોજાતા શબ્દો માત્ર એક જ અર્થનો બોધ કરે છે. એક શબ્દમાંથી, એકથી વધારે અર્થો નિષ્પન્ન થાય તો અનર્થ થઈ જાય, અનવસ્થા ઊભી થાય. જે શબ્દ જે અર્થમાં એક સ્થળે પ્રયોજાયો હોય, તે શબ્દ સર્વત્ર સરખા સંદર્ભમાં, એ જ અર્થમાં વપરાવો જોઈએ. ઉપરાંત એક શાસ્ત્રના પોતાના વિશિષ્ટ શબ્દો (પારિભાષિક શબ્દો) અન્ય શાસ્ત્રના કે સામાન્ય વ્યવહારમાં પ્રયોજાતા હોય, તો તે વચ્ચે વિવેક કરવો પણ આવશ્યક બને છે. દાખલા તરીકે ‘વાદી’ અને ‘વિવાદી’ ! એ શબ્દો સંગીતશાસ્ત્રમાં અને કાયદાના શાસ્ત્રમાં પણ વપરાય છે. ‘ત્રિકટુ’ એ આયુર્વેદનો શબ્દ છે. એનો અર્થ સામાન્ય ભાષામાં ત્રણ કડવી (અથવા ‘કટુ’નો સંસ્કૃતમાન્ય અર્થ લઈએ તો ત્રણ તીખી) વસ્તુ થાય. ‘કટુ’નો અર્થ ‘કડવું’ ગણીને, સામાન્ય વ્યવહારની ભાષા મુજબ જો અર્થ કરીએ, તો ‘ત્રિકટુ’ એટલે ‘કાથો’ ‘કારેલાં’ અને ‘કડવી’ બદામ. ‘કટુ’નો ‘તીખું’ એવો અર્થ કરીએ તો ‘ત્રિકટુ’ એટલે ‘આદુ અથવા સૂંઠ, મરી ને તજ’ પણ થઈ શકે. પણ આયુર્વેદને ‘ત્રિકટુ’નો એક જ અર્થ માન્ય છે. તે છે, સૂંઠ, મરી અને પીપર. ક્રિકેટના આંકડા અને સંજ્ઞાઃ શબ્દની પેઠે જુદા જુદા વિષયોમાં વપરાતી સંજ્ઞાઓનો પણ તે તે વિષયો પૂરતો એક વિશિષ્ટ અર્થ થાય છે. દાખલા તરીક ૦ (શૂન્ય). ક્રિકેટ મૅચમાં, મેદાનમાં તરતના જ ‘આઉટ’ થયેલા ‘બેટ્સમૅને’ કરેલા રનને દર્શાવવા પાટિયા પર થયેલું એનું આલેખન સંખ્યા દર્શાવે છે. આમ ક્રિકેટના પાટિયા પર ચિતરાયેલું મીંડું (૦) સંખ્યાવાચક, અથવા ‘સંખ્યા નથી’ એવા અર્થનું વાચક બને છે. અંકગણિતના જ સહોદર શાસ્ત્ર જેવા બીજગણિતના શિક્ષક પાટિયા પર મીંડું કાઢે છે, ત્યારે એ જ મીંડું આકૃતિવિશેષ (વર્તુળ) બની જાય છે; અને જ્યારે પોતાના સ્વરૂપમાં સંકોચ સાધીને એ કોઈક વર્ણને માથે ચડી બેસે છે, ત્યારે એ ‘અનુસ્વાર’ બની જાય છે! આમ જુદા જુદા વિષયો પરત્વે, એ એક જ સંજ્ઞામાંથી ભિન્ન ભિન્ન અર્થો તારવી શકાય છે. પરંતુ એ બધા અર્થોમાંથી માત્ર એક જ અર્થ જુદા જુદા વિષય પરત્વે લાગુ પાડી શકાય; બીજા નહિ. શાસ્ત્રની ભાષા પતિવ્રતા નારી જેવી છે. જે અર્થ સાથે એ સંલગ્ન થઈ છે તેને છોડીને, એ બીજે નજર ફેરવતી નથી. એ એકને જ વફાદાર રહે છે. વ્યવહારની ભાષા પ્રૌઢ વયની ગૃહિણી જેવી છે. એણે વ્યવહાર સાચવવામાં કુશળતા પ્રાપ્ત કરી છે. ઘરમાં બધું બરાબર છે કે નહિ, કોઈને કંઈ જોઈતું-કરતું હોય, તો તેને તે અપાયું છે કે નહિ, એવી બધી ચિંતા એ કર્યા કરે છે. પરંતુ એ પોતાનું આગવું, વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ અવ્યકત જ રહેવા દે છે! કદાચ એને, પોતે પણ કંઈક છે એવું ભાન પણ નહિ થતું હોય. સાહિત્યની ભાષા કોડભરી મુગ્ધ કન્યા સરખી છે. એ કુલીન છે, સંસ્કારી છે, પણ સ્વતંત્ર સ્વભાવની છે; પોતે નક્કી કરેલા નિયમો અને નિયંત્રણો સિવાય, એ બીજા કોઈનો નિયમ-નિયંત્રણ સ્વીકારતી નથી. સાહિત્યપ્રદેશમાં આવી ભાષા સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીં એણે કોઈ બીજાનાં કામ કરવાનાં નથી. અહીં એ પોતાનો કંઠ ખોલે છે. વ્યવહાર-પ્રદેશમાં તો માત્ર એને બોલવાનું. કે કંઈક કહેવાનું જ હતું. એનો અવાજ સંભળાય ને અર્થ સમજાય એટલે બસ. એના કંઠનું માધુર્ય ત્યાં અપ્રસ્તુત હતું. પરંતુ અહીં સાહિત્યના પ્રદેશમાં આવીને એ ધન્ય ધન્ય થઈ જાય છે. અહીં એ स्वे महिम्नि (પોતાના જ મહિમામાં) વિરાજે છે. અહીં એ પોતાના લીલાવિભ્રમો વિસ્તારે છે, સ્વેચ્છાનુસાર વિલાસવિહાર કરે છે. સામાન્ય જનની પેઠે સાહિત્યકાર પણ ભાષાનો જ આશ્રય લે છે, પરંતુ પ્રાકૃત પુરુષની વ્યવહારવિષયભૂત બનેલી ભાષા કરતાં એ એનો જુદી જ રીતે પ્રયોગ કરે છે. વાકયમાંથી અર્થ નિષ્પન્ન થાય તે માટે આકાંક્ષા, યોગ્યતા, સંનિધિ એ ત્રણ આવશ્યક છે. અમુક વિશેષણો અમુક વિશેષ્યના સંદર્ભમાં જ વાપરી શકાય. માણસ લાંબો ને જાડો હોઈ શકે; વખત લાંબો હોઈ શકે, જાડો નહિ. સાહિત્યકાર એ સર્વની ઉપેક્ષા કરી શકે – અલબત્ત, અમુક હેતુની સિદ્ધિને ખાતર જ. ‘વનની પીળી ત્રાડ’એ ત્રણ શબ્દો કાવ્યમાં સાથે સહેલાઈથી બેસી જાય છે. ‘ત્રાડ’ ‘પીળી’ શી રીતે હોઈ શકે? અચેતન ‘વન’ ત્રાડ શી રીતે પાડી શકે? આપણા મનમાં એ પ્રશ્નો ઊઠતા નથી. શબ્દપ્રયોગ અને ચમત્કૃતિઃ એકથી વધારે ઇન્દ્રિયોનો યુગપત્ અનુભવ અથવા એક ઇન્દ્રિયના અનુભવવિષયક પદાર્થનું અન્ય ઇન્દ્રિયના અનુભવવિષય તરીકેનું નિરૂપણ આવી આવી અનેક પ્રકારની વચનોક્તિઓનું આલંબન લઈ, કવિ પોતાનું સાધ્ય સિદ્ધ કરે છે. સામાન્ય વ્યવહારમાં પણ આવી યુક્તિઓ આપણે અજમાવીએ છીએ. સ્વાદેન્દ્રિયનો વિષય મધુર. તે આપણે માણસનાં લોહી, મુખ કે વાણીને માટે પણ વાપરીએ છીએ. માણસના સ્વભાવને કોઈ સ્વાદ હોતો નથી, પણ કેટલાકનો સ્વભાવ આપણને તીખો લાગે છે. આપણું મન કોઈ ખાદ્ય પદાર્થ નથી, પણ દહીંની માફક એ ખાટું થઈ જાય છે. એક ગૃહસ્થનો અવાજ અત્યંત કર્કશ અને ઘોઘરો હતો. એને માટે એક ભાઈ કહેતા કે, “એમનો ખારોખાટો અવાજ સાંભળી મને કંઈ કંઈ થઈ જાય છે. એ બોલતા હોય ને એમની સામે દૂધનો પ્યાલો ધરો તો દૂધ ફાટીને દહીં થઈ જાય!” એક ઇન્દ્રિયનો અનુભવ બીજી ઇન્દ્રિયો પણ સાથે સાથે લઈ શકે એ પણ આપણા સામાન્ય અનુભવની વાત છે. પાડોશીના રસોડામાં તળાતી માછલીની કડક, તીવ્ર વાસથી હેરાન થયેલા એક બાળકે ફરિયાદ કરતાં કહેલું કે, “મને માછલીનો સ્વાદ આવે છે!” ગંધ નાક વાટે મુખમાં આવી, જીભ પર સ્થાન જમાવી, સ્વાદનું રૂપ ધારણ કરે છે! આમ ગંધ પરિવર્તન પામી, સ્વાદ બની જાય છે! અને એ બંનેનો યુગપત્ અનુભવ માણસ કરી શકે છે. જમવા બેસીએ છીએ ત્યારે નાસિકા ને જિહ્વા બંને સાથે સંતૃપ્ત થાય છે એ તો આપણો રોજનો અનુભવ છે. આંખની અંતર્ગત ગયેલાં ‘અર્જિરોલ’નાં ટીપાંને મુખ દ્વારા બહિષ્કૃત કરી શકાય છે. વ્યવહારના આવા અનુભવોને કુશળ કવિ કામમાં લઈ, ચમત્કૃતિ સાધે છે. શબ્દનું, અર્થથી નિરપેક્ષ પોતાનું સૌન્દર્ય છે; એ તેનો લેવાય તેટલો લાભ લે છે. યમક, પ્રાસાનુપ્રાસ, સ્વરવ્યંજનસંવાદ આદિ વડે એ ભાષાના અંતર્ગત સ્વરૂપની મનોહારિતા પ્રકટ કરે છે. કર્તા, કર્મ અને ક્રિયાપદઃ વ્યાકરણે અથવા મૂળ તો રૂઢિને અનુસરી વ્યાકરણે શબ્દોનો પરસ્પર સંબંધ અને તેમનાં સ્થાન નક્કી કર્યાં છે. “ઓહો! તું કર્તા છે, કામનો કરનારો છે.” “કામ કર્યું, તેણે કામણ કર્યું.” “તું પ્રથમ સ્થાનનો અધિકારી. આવી જા પહેલે, અને તું ‘કર્મ’? કોણે કર્યું એ જ મહત્ત્વનું નથી, શું કર્યું તેનું પણ મહત્ત્વ છે.” “આવ તું, બેસ બીજા સ્થાને.” આમ વ્યાકરણે મહેતાજીની માફક શબ્દોના શિષ્ય સમુદાયને એમનાં સ્થાન નક્કી કરી, ત્યાં ગોઠવી દીધા છે. પરંતુ એ બધા આખરે તો મનુષ્યનાં જ સંતાનો ને! એ કંઈ હંમેશ સખણાં થોડાં જ રહે! કેટલીક વાર ક્રિયાપદ છેવટના સ્થાનેથી કૂદકો મારી, પહેલે સ્થાને પણ બેસી જાય! કોઈક વાર એના મનમાં આવે તો ખુદ કર્તાને જ એ ક્યાંય ગુમ કરી દે! પરંતુ સામાન્ય રીતે તો એમને મહેતાજીની આજ્ઞા માન્ય રાખવી પડે છે. કવિ શબ્દોને મહેતાજીની આજ્ઞાનો અનાદર – સવિનય અનાદર – કરતાં શીખવે છે. એ શબ્દોના વ્યાકરણનીમ્યા સ્થાનેથી ખસેડી, એમને આઘાપાછા ગોઠવી દે છે અને એ કાર્ય માટે વ્યવહારની સપાટ ભૂમિકામાંથી ઉપાડીને એમને પદ્યની મેડીએ લઈ જાય છે. પરંતુ આજે પદ્યના ગ્રહો બદલાયા લાગે છે. આજે એનો મોભ્ભો કંઈક મોળો પડી ગયો છે. શરૂઆતમાં પદ્યે કવિઓને, અથવા કવિયશઃ- પ્રાર્થીઓને, સારી પેઠે હેરાન કર્યા. હવે બદલો લેવાનો વખત આવ્યો છે એમ જાણીને કવિઓએ પદ્યનાં હાડકાંપાંસળાં ખોખરાં કરવા માંડ્યાં છે અને પદ્યે પણ આ નવકવિઓના અભિનય હુમલાથી ગભરાઈને, ગદ્યના ઘરમાં જઈને આશ્રય લેવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે! એક ઇન્દ્રિયના અનુભવનું જુદી જ ઇન્દ્રિયના અનુભવ રૂપે નિરૂપણ અથવા એકસાથે એકથી વધારે ઇન્દ્રિયોના અનુભવોનું આલેખનઃ એ બે ઉપરાંત કવિ પોતાના વક્તવ્યને સચોટ બનાવવા સારું પ્રતીકોનો પણ આશ્રય લે છે. આમ તો શબ્દ માત્ર અર્થનું પ્રતીક છે, પરંતુ એ અર્થના પ્રતીકરૂપ શબ્દોને એ इषोरिव दीर्घदीर्घतरो व्यापारः બાણની પેઠે આગળ, એથીયે વધુ આગળ વધવાના વ્યાપારમાં પ્રયોજે છે. આમ તો પ્રતીકપૂજા આપણે માટે નવી નથી – સાહિત્યમાં તેમ જ સંસારમાં. પરંતુ સાહિત્યમાં યોજવામાં આવેલાં એ પ્રતીકો જૂનાં થઈ ગયાં છે, ઘસાઈ ગયાં છે. દેવમંદિરનાં પ્રતીકોનો જીર્ણોદ્ધાર થઈ શકે છે, પરંતુ સાહિત્યમંદિરનાં આ પ્રતીકોનો હવે જીર્ણોદ્ધાર કરી શકાય એમ નથી, એવું ઘણા નવીનોને લાગે છે. અપવાદ તરીકે સાહિત્યમંદિરનું એક પ્રાચીન (કદાચ પ્રાચીનમાં પ્રાચીન) પ્રતીક હજી કવિઓનું ઉપાસ્ય રહી શકયું છે. એ છે સૂર્યપ્રતીક. એ તો એનું એ રહ્યું છે. પણ એના ગુણધર્મો તદ્દન બદલાઈ ગયા છે. પહેલાં એ પ્રતાપ, તેજ, ગૌરવ આદિના ગુણો વડે પ્રકાશતો હતો. હવે એ નિર્માલ્ય ને નિસ્તેજ બની ગયો છે. એનું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. હવે એમાંથી જ્ઞાનનાં કિરણો નીકળતાં નથી, પણ પરુની સેર છૂટે છે. હવે એને કોઢ પણ નીકળ્યો છે. પૂર્વે ત્વચાના રોગો મટાડના તરીકે એની ખ્યાતિ હતી. આજે પણ વૈદ્યો અને ડૉકટરો ત્વચારોગોની સારવાર માટે સૂર્યનાં કિરણોને ઉપકારક ગણે છે. બાણના સસરા મયૂરનો કોઢ એણે મટાડ્યો હતો, કદાચ બીજાઓના કોઢ મટાડવા જતાં, એને પોતાને જ ચેપ લાગી કોઢ થયો હશે! પણ એ લાગ્યો હોવાનો માત્ર આભાસ છે. કવિનાં પ્રિય પાત્રોમાં પરિવર્તન સાહિત્યની દુનિયામાં ઘણો સમય ગાળીને ઘરડાં થઈ ગયેલાં કોયલ ને બુલબુલને, થોડા સમયથી તાજાંમાજાં થઈને આવેલાં ઘુવડ ને કાબરે મારી હઠાવ્યાં છે! ચંદ્ર, કમળ, જ્યોત્સ્ના, શમા, પતંગ, મોર, ચાતક, હંસઃ એ સૌ ગયાં અથવા જવાની તૈયારીમાં છે અને એને સ્થાને આવ્યાં છે (શ્રી રઘુવીર ચૌધરીએ આપેલી યાદી અનુસાર) “ખવાયેલાં શબ, અસ્થિપિંજર, સિત્કાર, કીડા, તીવ્ર, દુર્ગંધ, કાળા કાંટા, સૂનકાર, વંધ્યત્વ, નપુંસકતા, ઉઝરડા વગેરે.” દિક્કાલની સીમાથી પર એવા સાહિત્યના વિશાળ પ્રદેશમાં એ સૌને સ્થાન છે. અન્યથા સુસંવેદ્ય અને આસ્વાદ્ય બનાવવી મુશ્કેલ એવી વિશિષ્ટ અનુભૂતિઓને સાકાર બનાવવા માટે, ઉદાત્ત કે સુંદર પ્રતીકોને બદલે, હીન ને વિરૂપ લાગે એવાં પ્રતીકોની યોજના કરવી પડે, તો તેમ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ પ્રતીકયોજના, માત્ર પ્રતીકયોજના, એ કાવ્યરચના બની જતી નથી. પ્રતીકોની પાછળ જે અર્થચ્છાયા વિલસે અને એ અર્થની પાછળ વ્યંજનાનો दीर्घदीर्घतरो व्यापारः (આઘે ને આઘે લઈ જાય એવો વ્યાપાર) ચાલે તો જ અને ત્યાં જ કવિતા અવતાર લઈને આવે. સાહિત્ય એ વાણીનો વ્યવહાર નહિ, વાણીનું જ જગત છે. બ્રહ્મને માટે ઉપનિષદમાં तज्जलान् શબ્દપ્રયોગ થયો છે. ‘તેમાં જ જન્મે છે, તેના વડે જ શ્વાસ લે છે અને તેનામાં જ લય પામે છે.’ એવો એનો અર્થ થાય છે. વાણી અને સાહિત્યના સંસાર માટે આપણે પણ એ જ શબ્દનો પ્રયોગ કરીને કહી શકીએ, કે સાહિત્યનો સમસ્ત સંસાર વાણીમાં જ જન્મે છે, વાણી વડે જ વિકસે છે અને વાણીમાં જ વિલય પામે છે. સાહિત્યના ઉત્કર્ષ અર્થે સ્થાપેયલી આ પરિષદ સાઠ વર્ષ પૂરાં કરી ચૂકી છે. હવે એ વૃદ્ધ બની ગણાય. ત્યારે, મુંજે મૃણાલવતીને ઉદ્દેશીને જે વચન કહ્યાં હતાં, તે સંભારવા જેવાં લાગે છે – मुञ्ज भणइ मुणालवइ जोब्वनुं गयउ मझूरी । जइ सक्कर सय खंड थिय तो ईस मीठ्ठी चूरी ।। મુંજ કહે છેઃ “યૌવન ભલે ગયું, તેમાં તું મૃણાલવતી આમ ઝૂરે છે શું? સાકરના સો ટુકડા થઈ જાય તેથી શું? એનો પ્રત્યેક ટુકડો શું મીઠો નથી લાગતો?” પરિષદના વાર્ધક્યનો કાળ નિષ્ક્રિયતા ને નીરસતાનો નહિ, પણ પ્રવૃત્તિપરાયણતા ને સ-રસતાથી ભર્યો ભર્યો બની રહો એવી, વાગ્દેવતાના ઉપાસક આપણે, એ વાગ્દેવીને પ્રાર્થના કરીએ અને ઉપક્રમ ને ઉપસંહારમાં એકવાક્યતા હોવી જોઈએ, એવી શિષ્ટમાન્ય પ્રણાલીને અનુસરીને, ઉપક્રમમાં ઉતારેલાં સ્તુતિવચનમાં જરા ફેર કરીને કહીએઃ इद कविम्या सर्वोभ्यो नमोवाकं प्रशास्महे। वन्देम देवतां वाचममृतात्मनः कलाम्।।