બાળ કાવ્ય સંપદા/કાબર બે સંદેશા લાવી
Jump to navigation
Jump to search
કાબર બે સંદેશા લાવી
લેખક : ભારતીબહેન જી. બોરડ
(1969)
કાબર કલબલ કરતી આવી,
બે સંદેશા લાવી,
બા, બાપુની સાથે બેસીને
વાતો સંભળાવી.
બાને કહે કે બા તમારો
ટીનુ છે બહુ ડાહ્યો,
જોડકણે ગવાય છે એવો
પાટલે બેસી નાહ્યો,
કદી ન વઢશો ભલે રોટલી
સાવ ન એને ભાવી...
કાબર કલબલ
બાપુને જઈ કાનમાં કહ્યું:
‘ટીનુ છે હુશિયાર,
ધ્યાન દઈને ભણે નિશાળે
ભણતો સાતેય વાર,’
બંદા રાજી રાજી તે દી’
મજા મને બહુ આવી...
કાબર કલબલ