બાળ કાવ્ય સંપદા/વાદળીઓનું ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાદળીઓનું ગીત

લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)

અમે સરખી ને સાહેલી બે’ન,
ઝરમર ઝરમ૨ ઝરમરિયાં,
અમે જળ ઝીલવાને ચાલી બે’ન,
ઝરમર ઝરમર ઝરમરિયાં.

અનંતની ઈંઢોણી કીધી,
તે પર આશા ગાગર લીધી,
વિરાટની કેડીને પીધી
પાંપણને પલકારે બે’ન,
તેજ-તિમિ૨ની ધારે બે’ન,
ઝરમર ઝરમર ઝરમરિયાં.

ટીલડીએ તારલિયા ટમકે,
વેણીએ વીજલડી દમકે,
ઝરણાંનાં ઝાંઝરિયાં ઝમકે,
સાતે રંગ ઝબોળી બે’ન,
પહેર્યાં ચણિયો-ચોળી બે’ન,
ઝરમર ઝરમર ઝરમરિયાં.

વનવગડાને વીંધી ચાલ્યાં,
ગુલાબની પાંદડીએ મા’લ્યાં,
ઝરમરિયા ઝોળીમાં ઘાલ્યાં
શે’૨ ગામ ને પાદર બે’ન,
અર્પી ઉરના આદર બે’ન,
ઝરમર ઝરમર ઝરમરિયાં.