ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વર્ગા અપ્સરાની કથા
વર્ગા અપ્સરાએ અર્જુનને કહ્યું, ‘હું દેવવનમાં વિહાર કરનારી અપ્સરા છું, મારું નામ વર્ગા છે. હું કુબેરની પ્રિય પહેલેથી છું. ઇચ્છાનુસાર વિહાર કરનારી મારી ચાર સખીઓ છે, એક વખત હું ચારે સખીઓની સાથે લોકપાલને ત્યાં જઈ રહી હતી. ત્યારે અમે બધાએ વ્રતધારી, એકાંતવાસી, પરમ રૂપવાન બ્રાહ્મણને જોયા. તેમના તપના તેજથી વન ઢંકાઈ ગયું હતું, તેમણે સૂર્યની જેમ સર્વત્ર અજવાળું કરી મૂક્યું હતું. તેમની આવી તપસ્યા અને આશ્ચર્યકારક રૂપ જોઈને તેમના તપમાં વિઘ્ન નાખવાની ઇચ્છાથી અમે તેમની પાસે જઈ પહોંચી. સૌરમેયી, સમીયિ, બુદ્બુદા, લતા અને હું — આ પાંચ એકત્ર થઈને તે બ્રાહ્મણ પાસે એક સાથે ગઈ. તેમનો લોભાવવા અમે હસવા લાગી. ગીત ગાવા લાગી, પરંતુ તે વિપ્રે કોઈ રીતે અમારી સામે જોયું નહીં. નિર્મલ તપસ્યામાં તલ્લીન તે મહા તેજસ્વી બ્રાહ્મણ જરા પણ વિચલિત થયા નહીં; પછી તે બ્રાહ્મણે ક્રોધે ભરાઈને અમને શાપ આપ્યો, ‘તમે ગ્રાહ બનીને પાણીમાં શત વર્ષ ભમતી રહેશો.’
અમે બહુ દુઃખી થઈ ગઈ, તે તપોધન બ્રાહ્મણની શરણ લઈને કહ્યું, ‘હે બ્રાહ્મણ, અમે રૂપ, યૌવન અને કંદર્પ(કામ)ના અહંકારથી આ અયોગ્ય કાર્ય કર્યું છે. તમે અમને ક્ષમા કરી દો. તમારા જેવા જિતેન્દ્રિય મુનિને લોભાવવા અમે અહીં આવ્યાં એ જ અમારે માટે તો વધ જેવું કહેવાય. ધર્મચિંતકો કહે છે કે નારી વધને યોગ્ય નથી. હે ધર્મજ્ઞ, ધર્માનુસાર તમે અમારી હિંસા ન કરી શકો. હે ધર્મજ્ઞ, કહેવાય છે કે બ્રાહ્મણ બધા પ્રાણીઓનો મિત્ર છે, હે કલ્યાણકારી, પંડિતોનું આ વચન સાચું પાડો. સજ્જનો શરણે આવેલાની રક્ષા કરે છે. અમે તમારે શરણે છીએ, અમને ક્ષમા કરો.’
ત્યારે સૂર્યચંદ્ર જેવા તેજસ્વી, શુભ કર્મો કરનારા ધર્માત્મા બ્રાહ્મણ આ સાંભળીને બોલ્યા, ‘શત, સહ અને વિશ્વનો અર્થ અનંત કાળ થાય છે, પણ હું જે ‘શત’ બોલ્યો તેનો અર્થ અનંત કાળ નહીં પણ સો થાય છે. તમે જળચર ગ્રાહ બનીને પુરુષોને પકડતી રહેશો. સો વર્ષ પછી એક પુરુષશ્રેષ્ઠ તમને પકડીને જમીન પર લઈ આવશે. ત્યારે તમે તમારું રૂપ પાછું મેળવશો. હું મજાકમાં પણ અસત્ય બોલ્યો નથી. તમારી મુક્તિ પછી બધાં તીર્થ નારીતીર્થ નામે સંસારમાં વિખ્યાત થશે અને સાધુઓને માટે પવિત્ર અને પુણ્યકારક બનશે.’ પછી અમે તે બ્રાહ્મણને પ્રણામ કરીને, તેમની પરિક્રમા કરીને દુઃખી ચિત્તે ત્યાંથી દૂર જઈને વિચારવા લાગી. જે અમને અમારું મૂળ રૂપ સંપડાવી આપે એવા પુરુષનો ભેટો બહુ જલદી ક્યારે થશે. અમે આવી ચિંતાઓ કરતી હતી ત્યાં દેવર્ષિ નારદને અમે જોયા, તે અમિત તેજસ્વી નારદને જોઈને અમે ખૂબ પ્રસન્ન થઈ અને તેમનું અભિવાદન કરી, દુઃખી થઈને ત્યાં ઊભી રહી. તેમણે અમારા દુઃખનું કારણ પૂછ્યું એટલે આખી વાત તેમને કરી. તે સાંભળીને નારદ બોલ્યા, ‘દક્ષિણ સમુદ્રમાં પાણી ભરેલા પાંચ તીર્થ છે, તે ખૂબ જ રમણીય, પુણ્યદાયક છે, તમે વેળાસર ત્યાં જાઓ. તે સ્થળે શુદ્ધાત્મા, પાંડુપુત્ર ધનંજય (અર્જુન) તમને નિ:સંદેહ આ દુઃખમાંથી બચાવશે. અમે એ મહર્ષિનું વચન સાંભળીને અહીં આવી. હવે અમે સાચેસાચ તમારા દ્વારા મુક્તિ પામી.’
(આદિ પર્વ ૨૦૮-૨૦૯)