રણજિતરામ ગદ્યસંચય – ૨/વર્તમાનપત્રના ખાસ અંકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વર્તમાનપત્રના ખાસ અંકો

આપણી ગરવી અને ગુણવંતી ગુજરાતનાં વર્તમાનપત્રો કેટલાંક વરસોથી ખાસ અંકો કાઢે છે. એમનાં ‘સાહસ’ અને સેવા પ્રશંસા અને ઉત્તેજનને પાત્ર છે. એ સેવા વિશેષ ઉજ્જવળ અને સ્થાયી પ્રભાવ પાડે એવી થાય, તો કેવું સારું? શુભ અભિલાષા સિદ્ધ થાય, માટે સેવાના સ્વરૂપ વિશે વિચાર કરવો ઘટે છે. ભિન્ન ભિન્ન શક્તિ, વિદ્વત્તા અને પ્રતિષ્ઠાવાળા ગુજરાતીઓ દ્વારા આ વિચાર થાય એવા હેતુથી સહેજ શરૂઆત આ લેખ દ્વારા કરીશું. ખાસ અંક કાઢવાનો શો ઉદ્દેશ હશે? વાંચનારાઓને પર્વના નવરાશ અને મોજભરેલા દિવસોમાં ગમ્મત આપવાનો કે પવિત્ર મંગલ પ્રસંગે મનુષ્યજીવનના ધર્મનું સ્મરણ આપવાનો? આજદિન લગી નીકળેલા અંકો ગમ્મત અને બોધ બન્ને આપવાનો ઉદ્દેશ બતાવે છે. નિરનિરાળા વિષયો વિશે કવિતા, નિબંધ, વાર્તા આદિ દ્વારા વાંચનસામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ સામગ્રી એકઠી કરવામાં ને પ્રગટ કરવામાં વર્તમાનપત્રો નાનીસૂની જહેમત ઉઠાવતાં નથી. છતાં એમનાં કાર્યની દિશામાં ફેરફાર થવો ઈષ્ટ છે. કેવી રીતે થવો જોઈએ? તેનો યથાશક્તિ વિચાર કરીએ. વર્ષ આખરે આયવ્યયનું સરવૈયું કાઢવામાં આવે છે; વર્ષ આનંદઉત્સવમાં ગયું હોય તો પર્વના દિવસો ઉત્સાહ અને લહેરથી ઊજવવામાં આવે છે. એટલે આ આનંદ-ઉત્સાહના દિવસોમાં ગમ્મત તો જોઈએ જ. ઠાકોરજીનાં સેવા–ઓચ્છવ કરીએ, પણ આતશબાજી ફોડ્યા વિના નહિ ચાલે. ગમ્મત પણ નીરસ ન કરે, ઉમંગ ઊડી ન જાય પણ ઓર શક્તિ વધારે, બધું મંગળ મંગળ કરી મૂકે એવી જોઈએ. રસના ચટકા નહિ પણ કૂંડાં. ગમ્મત રાજાને જ નહિ પણ રંકને પણ ખરી; મહેલમાં જ નહિ પણ ખંડના ઓરડામાં પણ ખરી, પુરુષને જ નહિ પણ સ્ત્રીને પણ ખરી; પ્રૌઢને જ નહિ પણ બાળકને પણ ખરી; સાધુને જ નહિ પણ પાપીને પણ ખરી – પશ્ચાત્તાપથી શુદ્ધ થઈ નવજીવન પામી લહાવો લેવાથી –સુખીને જ નહિ પણ દુઃખીને પણ ખરી પણ નરી ગમ્મત આપણને પાલવે એમ છે? આપણા ભાગ્યમાં છે? આપણા જીવનના કેટકેટલા પ્રશ્નો અનુત્તર જીવનમાં વણાયા વિનાના ઊભા છે? આવકજાવકનું સરવૈયું કાઢતી વખત આ પ્રશ્નોનું સરવૈયું કાઢવાનું કર્તવ્ય નથી? ધનની પૂજા કરી સંતોષ મનાય એમ છે? આપણા દરિદ્ર દેશમાં એને ઉત્પન્ન કરવાનું છે? આપણી સર્વની જનેતા પૃથ્વીના પુત્ર નરકાસુરનું શ્રીકૃષ્ણ પરમાત્માને હાથે મૃત્યુ થયું તેથી સ્નાન કરવા કરતાં એવાં પાતકોમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ થવું નથી ઘટતું? આપણે મનુષ્ય છીએ. આપણા ધર્મોનો હરેક પળે વિચાર કરવો ઘટે છે તો સાલ આખરે તેનું સર્વાંગ પરિશીલન કરીએ તો જ નવી સાલ મુબારક નીવડે. વર્તમાનપત્રો આ દિશામાં કેવી પ્રવૃત્તિ કરી શકે? મનુષ્યજીવનમાં ધર્મ, સંસાર, કુદરત, રાજ્ય, નીતિ, કેળવણી, સાહિત્ય, કળા, ઉદ્યોગ, વેપાર, પરોપકાર, વગેરે વગેરેના પ્રશ્નોને ઓછું-વત્તું પ્રાધાન્ય છે. છતાં આપણાં વર્તમાનપત્રોને સાહિત્યની એટલી બધી મોહિની લાગી છે કે બીજા પ્રશ્નો પ્રત્યે જોઈએ તેવો એમનો આદરભાવ નથી. સાહિત્ય માટે માસિકો છે, સભાઓ છે, સંમેલનો છે, સેવકો છે, પ્રકાશકો છે તોપણ વર્તમાનપત્રો એને નિરર્થક સૌથી વિશેષ મહત્ત્વ કેમ આપે છે? સમર્થ, ધીર્યવાન, પ્રતિભાપૂર્ણ સાહિત્ય ઉત્પન્ન કરવાની અભિલાષા તો કોઈને નહિ હોય? અથવા ટીકા કરવાનો વર્તમાનપત્રોનો પેશો હોવાથી સાહિત્યના પ્રદેશમાં ટીકાકાર તરીકે પ્રવેશ મેળવ્યા પછી વિશેષ પ્રવૃત્તિનો મોહ લાગ્યો હશે? કાવ્યો, વાર્તાઓ અને નિબંધોથી અંક ભર્યો એટલે ગંગા નાહ્યા સમજવાનું નથી. આપણા જીવનના વિવિધ પ્રશ્નોની ચર્ચા માટે સાહિત્યનાં આ સ્વરૂપોની મદદ લેવામાં આવે તો વાંધો નથી. તેમ મારું એમે નથી કહેવું કે ખાસ અંકમાં સાહિત્યને સ્થાન જ ન આપવું. બેલાશક આપવું અને આપણું ચૈતન્યનો એ અંશ પ્રદીપ્ત રાખવો. પણ જીવનના ખાસ વર્તમાનો પ્રત્યે દુર્લક્ષ આપવું મુનાસબ નથી. ‘ભદ્રંભદ્ર’ કે ‘સાઠીના સાહિત્ય’ વિશે અઠવાડિયાનાં અઠવાડિયાં વર્તમાનપત્રો ટીકાઓ લખ્યાં જાય પણ રાજ્યનીતિ, અર્થશાસ્ત્ર, કેળવણી કે વેપાર-ઉદ્યોગના પ્રશ્નો સમર્થ અને વ્યાપક લેખમાંથી ઉદ્દેશપુરઃસર પ્રભાવ પાડે એવી રીતે ન લખે એ શું યોગ્ય લેખાય? જીવનના બીજા પ્રશ્નો જેવો સાહિત્યનો પ્રશ્ન પણ અગત્યનો છે. વર્ષ દરમિયાન ઊઠેલા પ્રશ્નો અથવા સાહિત્યે લીધેલા વલણ વિશે વિહંગ દૃષ્ટિથી કે તત્ત્વદૃષ્ટિથી અવલોકન થાય તો લાભ જ છે. હાલ આ પ્રદેશમાં જે જાતની પ્રવૃત્તિ થાય છે તેથી વિશેષ સારી થઈ શકે માટે યથાશક્તિ સૂચના કરું છું. વર્તમાનપત્રોના વાંચનારાની સંખ્યા વધારે હોવાથી આ દિશામાં અસર પણ ધારી તેઓ પાડી શકે. સાહિત્યની ભાવના નિકૃષ્ટ થતી જતી હોય તો નૈસર્ગિક લખાણોથી, રૂપાન્તરો કે ભાષાંતરોથી એ ભાવના ઉત્કૃષ્ટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આપણી ભાષામાં નાટકનું સાહિત્ય સારું નથી. નાટકશાળામાં ભજવવાનાં નાટકોમાં નાના પ્રકારના ગંભીર દોષો હોય છે. આ દોષો દૂર કરવા, રુચિ ઉન્નત કરવા અને આપણા વર્તમાન જીવનના વિકાસ અર્થે રંગભૂમિની સહાય મેળવવા ‘ખાસ અંક’માં નાટક પ્રગટ કરવાં. સ્વતંત્ર મળે તો તેમ નહીંતર રૂપાંતરો ભાષાંતરોથી. મરાઠી અને બંગાળી ભાષામાં નાટકનું સાહિત્ય વિશાળ છે. ગુજરાતમાં એ ભાષાઓના અભ્યાસીઓની સંખ્યા વધતી જાય છે. હવે દર વર્ષે એક નાટક ખાસ અંકમાં આવે તો સાહિત્યમાં વૃદ્ધિ થાય, ‘કંપની‘ના ‘કવિ’ને નમૂના મળે અને લોકરૂચિ સુધરે. મરાઠી ભાષામાં સમાજસુધારણા વિશે કેટલાંક સારાં નાટકો છે. શારદા, હુંડા, કચદેવયાની, વગેરે. જરઠવિવાહ, નરવિયુધ, મદ્યપાન આદિમાં સમાયેલા અનર્થો વિશે સચોટ છાપ આ રીતે પાડી શકાશે. ઈબ્સન, સ્ટ્રીન્ડબર્ગ, ગેલ્સવર્ધી, બ્રીઓ, સુદરમેન, હૉપ્ટમેન, જોનસન, શૉ, ફિલિપ્સ, મેટર્લિંડ્ડ, ડીએનન્ઝીઓ, આદિ યુરોપના સુવિખ્યાત નાટકકારોની પ્રશ્નો ચર્ચવાની પદ્ધતિનો અંગીકાર કરવામાં આવે અથવા એમની કૃતિનાં ભાષાંતર અથવા રૂપાંતર કરવામાં આવે તો કેવું સારું? આ જમાનામાં લોકમત કેળવવાનું – મનુષ્યજીવન ઉન્નત કરવાનું રંગભૂમિ એવું તલેસ્માતી સાધન છે કે એ પ્રદેશમાં સેવા કરનારે એની ઉન્નતિ કરવા પર લક્ષ આપવું જોઈએ. ક્રમશઃ વાર્તાનાં પ્રકરણો છાપનાર વર્તમાનપત્રો એ રીતે નાટકનાં પ્રવેશો ન છાપી શકે તો ખાસ અંકમાં એને સ્થાન આપી શકે ખરાં. સારાં નાટકોથી વર્તમાનપત્રોની નવલકથા દ્વારા લોકરુચિ અધમ થતી જાય છે તે સુધરે તો જ આ અંશ ઉમેરાયાનું સાર્થક. આપણાં વર્તમાનપત્રે સાહિત્યના એક બીજાં અંગની અવનનિ કરી છે. ‘ભર કટોરારંગ’ અને એના નિર્માલ્ય ચાળાઓથી હાસ્યરસની ભાવના દિવસે દિવસે હલકી થતી જાય છે. ભદ્રંભદ્રે કે માનપત્ર લેનાર રસોઈયાએ કે અવેજી કારભારી બનનાર ફરસે કે ભંકોડાના ભનુઆં વેચનારે એ રુચિ ઉન્નત નથી કરી. ઊંચા હાસ્યરસ જમાવવાની શક્તિ ન હોય તો પરભાષામાંથી રૂપાંતર કે ભાષાંતર દ્વારા એ અંગેનો ઉત્કર્ષ કરવો જોઈએ. ‘ખાસ અંકો’માં ‘ટોચકા’ આપવા કરતાં હાસ્યરસની જમાવટવાળી કવિતા કે વાર્તા અપાય તો સારું. ત્રીજી સેવા સાહિત્યની ખાસ અંકો ચિત્રો દ્વારા કરી શકે. દેશના હૃદયમાં સ્થાન પામેલા સાક્ષરોની, તેમનાં મકાન, લેખનખંડ, વગેરેની છબીઓ તેમ જ તેમની કૃતિમાં આવતાં પ્રસંગો કે પાત્રોનાં ચિત્રોથી સાહિત્ય અને કલાની સુગંધ વધારે ફેલાવાય છે. આપણું મૂર્તિપૂજક દેશમાં આ સેવાનું મહત્ત્વ વિશેષ બતાવવું પડે એમ છે? સાહિત્યને સવિશેષ સ્થાન આપવા માટે અણગમો બતાવતાં એનાં કયા અંગોને પોષણ માટે, લોકરુચિના ઉત્કર્ષ માટે કેળવવાની જરૂર છે તે સંક્ષેપમાં બતાવવું. વર્તમાનપત્રોએ – ખાસ કરીને આપણાં દેશમાં અત્યારે રાજ્યનીતિ, અર્થશાસ્ત્ર, કેળવણી અને હુન્નરઉદ્યોગ પર ધ્યાન આપવું જોઈએ. બીજી બાબતો ગૌણ ગણવી જોઈએ. કેવી રીતે ધ્યાન આપવું! આખા વરસમાં જુદે જુદે વખતે ઉઠતા સવાલો પર આપણાં વર્તમાનપત્રો ટીકા કરે છે. કયા સિદ્ધાંતોને અનુસરી આ ટીકા કરાય છે તે જાણવાની સુગમતા એ સિદ્ધાંતોના ઉદાહરણ સહિત વિવેચનથી વાચકોને પ્રાપ્ત કરી અપાય છે. દેશમાં ઉક્ત પ્રદેશમાં ચાલતી પ્રવૃત્તિઓનું લક્ષ્ય શું છે? લક્ષ્ય સાધવા કેવાં અને કેટલાં સાધનોની જરૂર છે? આપણા જેવી સ્થિતિમાં ઈતર રાષ્ટ્રોમાં આ સાધના કેવી રીતે સિદ્ધ થઈ છે? અથવા થતી જાય છે? પ્રચલિત રાજ્યબંધારણમાં લોકોન્નતિ માટે ફેરફાર કરવા બધી પ્રવૃત્તિ પ્રવર્તી રહી હોય તો એ ફેરફારોનું સ્વરૂપ આંકવાની સાથે રાજ્યબંધારણ કેવી જાતનું છે તેની માહિતીથી દરેક વાચક વાકેફગાર થવો જોઈએ. રાજ્યવ્યવસ્થામાં પ્રજાની મસલત અને સલાહને સ્થાન હોવું જોઈએ એ દૃષ્ટિબિન્દુથી ઘણા પ્રસંગોની કસોટી લેવાય છે, પણ એ સ્થાન શા માટે હોવું જોઈએ? એ સવાલનો જવાબ વર્તમાનપત્રના વાંચનારાઓમાંથી કેટલા આપી શકશે? કરની ઊપજમાંથી રાજ્યવ્યવહાર ચાલતો હોવાથી કર આપનારા સાથે મસલત કરી તેમની સલાહ લેવાવી જોઈએ એ સૂત્ર, એમાં ઓતપ્રોત રહેતાં હક્ક-ફરજના ખ્યાલ સાથે સર્વગમ્ય થાય તો આપણા રાજકીય જીવનમાં કેવું અદ્ભુત ચેતન આવે અને આપણી પ્રગતિ કેવી વેગવંતી થાય? આ અનુભવનું એક ફળ એવું પણ થાય કે રાજ્યવ્યવહાર આપણે હાથે ચલાવવો હોય તો આપણે સ્વાશ્રયી થવું જોઈએ. આપણી જરૂરિયાતો પૂરી પાડવા આપણે આપણા પર કર નાંખી સ્વરાજ્યની સિદ્ધિ આણવી જોઈએ. આપણા સ્થાનિક સ્વરાજ્યની દરેક સંસ્થામાં જે જે દોષો જણાય છે, એ સંસ્થાઓ પ્રતિ સામાન્ય જનસમૂહની મમતા કે સહાનુભૂતિ કે સહકારિતા નથી હોતાં તેનું કારણ ઉક્ત અનુભવની ન્યૂનતા કે ગેરહાજરી નથી? આપણાં વર્તમાનપત્રોની ફરજ છે કે નિરંતર પ્રતિનિધિશાસક સ્વરાજ્યની ભાવના જનસમૂહ આગળ રજૂ કરવી, તેની સિદ્ધિમાં પડતી મુશ્કેલીઓ દર્શાવવી, ને મુશ્કેલીઓમાંથી કેવી રીતે પાર ઊતરાય તે માટે બીજી પ્રજાઓના અનુભવ આપવા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા કેવા ગુણો અને સાધનોથી સંપન્ન થવાની જરૂર છે તે બતાવવું. આપણા દેશી રાજ્યોના વહીવટમાં ક્યાં ક્યાં આ ભાવનાનો તિરસ્કાર છે, કેવી રીતે એનો ત્યાં પ્રવેશ થઈ શકે વગેરે—પ્રસંગોની ટીકારૂપે નહીં પણ સમગ્ર પ્રશ્નનું નિરૂપણ અવારનવાર થયા કરે તો જ લાભ છે.