રવીન્દ્રપર્વ/૧૮૦. અમૃતના પુત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૦. અમૃતના પુત્રો

અમૃતના નિર્ઝરને કાંઠે આખરે મનુષ્યને આવવું જ પડશે અને પોતાને નૂતનરૂપે પામવો પડશે. મરણ દ્વારા નૂતનનો આવિષ્કાર કરવો એ જ જીવનનું તત્ત્વ છે. સંસારમાં જરા બધી વસ્તુને જીર્ણ કરે છે. જે કાંઈ નૂતન છે તેની ઉપર એ એના તપ્ત હસ્તની કાલિમાનો લેપ કરે છે, તેથી જ જોતજોતાંમાં નિર્મળ લલાટે કરચલીની રેખાઓ અંકાઈ જાય છે. બધાં કર્મને અન્તે ક્લાન્તિ અને અવસાદ પૂંજીભૂત થઈ ઊઠે છે. આ જરાના આક્રમણમાંથી આપણે પ્રતિદિન પુરાતન થતા જઈએ છીએ. તેથી જ મનુષ્ય અનેક ઉપલક્ષ્યો દ્વારા એક જ વસ્તુને પ્રગટ કરવા ઇચ્છે છે અને તે છે એનું ચિર યૌવન. જરાદૈત્ય એનું કેટલું બધું રક્ત શોષી જાય છે એ વાતને એ સ્વીકારી લેવા ઇચ્છતો નથી. એ જાણે છે જે એના અન્તરમાં ચિરનવીન ચિરયૌવનનો ભંડાર અમૃતથી પરિપૂર્ણ છે : આ વાતની ઘોષણા કરવા માટે જ મનુષ્યો ઉત્સવો રચે છે. મનુષ્ય જોઈ શક્યો છે કે સંસારના સંચયનો પ્રતિદિન ક્ષય થતો જાય છે. એને વિશે ગમે તેટલી ચિન્તા કે કાળજી કરીએ, ગમે એટલા સખત આગળા ભીડી રાખીએ, કાળ બધાનો નાશ કરવાનો જ છે, ક્યાંય નવીન સૌન્દર્યને રહેવા દેવાનો નથી. સંસાર જાણે વૃદ્ધને જ તૈયાર કરે છે. નવીન શિશુથી એ આરમ્ભ કરે, આખરે એને એક દિવસ વૃદ્ધ બનાવીને છોડી દે. પ્રભાતની શુભ્ર નિર્મળતાથી એ આરમ્ભ કરે, ત્યાર પછી એની ઉપર કાળનો પ્રલેપ કરી કરીને એને મધરાતની કાલિમામાં પલટી નાખે. પણ આ જરાના હાથમાંથી માણસે છૂટીને રક્ષણ પામવું પડશે. કેવી રીતે પામવું? ક્યાં પામવું? જ્યાં ચિરપ્રાણ છે ત્યાં. એ પ્રાણની લીલાની ધારા એકસૂત્રે વહેતી નથી. રાત પછી દિવસ નૂતન પુષ્પે પુષ્પિત થઈને પ્રગટ થાય છે એ શું આપણે નથી જોતા? દિનાન્તે નિશીથના તારા નવેસરથી પોતાના દીપ પ્રગટાવે છે. મૃત્યુનું સૂત્ર લઈ પ્રાણની માળા ગૂંથનાર એવી જ રીતે જીવનનાં ફૂલને નૂતન બનાવીને ગૂંથ્યે જાય છે. પણ સંસાર અવિરામ મૃત્યુનેય પકડી રાખે છે. બધી વસ્તુઓનો માત્ર ક્ષય કરી કરીને એના અતલ ગહ્વરમાં લઈ જઈને ફેંકી દે છે. પણ એ અવિરામ મૃત્યુની ધારા જ જો ચરમ સત્ય હોત તો કશુંય નૂતન ઉદ્ભવી શક્યું ન હોત. તો આજ સુધીમાં પૃથ્વી ક્યારનીય સડી ગઈ હોત. તો જરાની મૂર્તિ જ બધે સ્થળે પ્રગટી ચૂકી હોત. તેથી જ મનુષ્ય ઉત્સવને દિવસે કહે છે કે હું આ મૃત્યુની ધારાને સ્વીકારવાનો નથી. હું અમૃતને ઝંખું છું. મનુષ્ય એમ પણ કહે છે કે અમૃતને મેં જોયું છે, અમૃતને હું પામ્યો છું, બધું જ અમૃતમાં સમાવિષ્ટ થઈને રહ્યું છે. ચારે બાજુની બધી વસ્તુઓ મૃત્યુની સાક્ષી પૂરે છે છતાંય મનુષ્ય બોલી ઊઠે છે: અરે સાંભળો, તમે સૌ અમૃતના પુત્રો, તમે મૃત્યુના પુત્રો નથી.

શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: આ યે ધામાનિ દિવ્યાનિ તસ્થુ:| વેદાહમેતં પુરુષં મહાન્તમ્ |

મેં એને જાણ્યો છે એ વાત જેમણે કહી છે તેઓ એ વાત કહેતાં પહેલાં આરમ્ભના સમ્બોધનમાં જ આપણને શો આશ્વાસ દઈને કહે છે, તમે દિવ્યધામવાસી અમૃતના પુત્રો; તમે સંસારવાસી મૃત્યુના પુત્રો નહીં. જગતના મૃત્યુની બંસીના છિદ્રમાંથી આ જ અમૃતનું સંગીત ધ્વનિત થઈ ઊઠે છે. એ સંગીત કાંઈ પશુઓ સંભળાવી શકતા નથી, એઓ ખાઈપીને, ધૂળકાદવમાં આળોટીને જીવન પૂરું કરે છે. અમૃતનું સંગીત સાંભળવાના તો તમે જ અધિકારી. શાથી? તમે મૃત્યુને અધીન નથી, તમે મૃત્યુના અવિરામ માર્ગે ડગ માંડ્યાં નથી. શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:| આ યે ધામાનિ દિવ્યાનિ તસ્થુ:| તમે જે ધામમાં રહો છો, જે લોકમાં વાસ કરો છો તે લોક કયો? તમે શું આ પૃથ્વીની ધૂળમાટીમાં રહ્યા છો? જ્યાં બધું જ જીર્ણ થઈને ખરતું જાય છે? ના, તમે દિવ્યલોકમાં વાસ કરો છો, અમૃતલોકમાં વાસ કરો છો. મૃત્યુની વચ્ચે ઊભા રહીને મનુષ્યે આ વાત કહી છે. મૃત્યુની સાક્ષી પૂરતી બધી વસ્તુને અસ્વીકારીને મનુષ્ય આ વાત બોલી ઊઠ્યો છે. મરતાં મરતાંય એ આ વાત બોલે છે. માટીની ઉપર માટીના જીવ સાથે વાત કરતાં કરતાંય આ જ વાત બોલે છે: તમે આ માટીમાં વાસ કરતા નથી. તમે દિવ્ય ધામમાં વાસ કરો છો. આ દિવ્ય ધામમાં જે પ્રકાશ છે તે ક્યાંથી આવે છે? તમસ: પરસ્તાત્| તમસાને સામે કાંઠેથી આવે છે. આ મૃત્યુનો અન્ધકાર તે સાચી વસ્તુ નથી. સાચી વસ્તુ તો પેલો જ્યોતિ. જે યુગે યુગે મોહન અન્ધકારને વિદીર્ણ કરતો આવે છે. યુગે યુગે મનુષ્ય અજ્ઞાનમાંથી જ્ઞાનને પામે છે. યુગે યુગે મનુષ્ય પાપની મલિનતાને વિદીર્ણ કરીને પુણ્યનું આહરણ કરે છે. વિરોધમાં થઈને એ સત્યને પામે છે. એ સિવાય સત્યને પામવાનો બીજો કોઈ ઉપાય મનુષ્યને માટે નથી. જેઓ એમ માને છે કે આ જ્યોતિ જ અસત્ય, આ દિવ્ય ધામની વાત એ કલ્પના જ માત્ર, એમની વાત જો સાચી હોત તો માટીમાંથી જન્મ્યો ત્યારે મનુષ્ય જેવો હતો તેવો જ આજ સુધી રહ્યો હોત તો કશાનો વિકાસ થયો જ ન હોત. મનુષ્યમાં અમૃત રહ્યું છે. તેથી જ શું મૃત્યુને ભેદીને અમૃત પ્રગટ નથી થતું? ફુવારો જેમ એના નાના શા એક છિદ્રને ભેદીને પોતાની ધારાને ઉત્ક્ષિપ્ત કરે છે તેવી જ રીતે આ મૃત્યુના સંકીર્ણ છિદ્રમાં થઈને અમૃતનો ફુવારો ઊડે છે. જેઓ આટલું જોઈ શક્યા છે તેઓએ સાદ દઈને કહ્યું છે: ભય પામશો નહીં. અન્ધકાર સત્ય નથી. મૃત્યુ સત્ય નથી. તમે અમૃતના અધિકારી છો. મૃત્યુને દાસખત લખી દેશો નહીં. તમે જો નિરર્થક પ્રવૃત્તિને આત્મસમર્પણ કરી બેસશો તો આ અમૃતત્વના અધિકારને અપમાનિત કરવા જેવું થશે. કીટ જેવી રીતે ફૂલને ખાય તેવી રીતે એ પ્રવૃત્તિ એને ખાઈ જશે. એમણે પોતે કહ્યું છે: તમે અમૃતના પુત્રો. તમે અમારા જેવા જ. ને આપણે એ વાતને દરરોજ મિથ્યા ઠેરવીશું! વિચારી જુઓ, મનુષ્યને અમૃતનો પુત્ર બનાવવો તે શું સહજ વસ્તુ છે? મનુષ્યના વિકાસમાં જેટલા અન્તરાય તેટલા અન્તરાય ફૂલના વિકાસમાં નથી. એ ખુલ્લા આકાશની નીચે રહે. સમસ્ત પ્રકાશની ધારા, પવનની લહર એના આકાશને ધોઈ દે છે. એ પવનમાં દૂષિત બાષ્પ એકઠી થઈને એને ઝેરી બનાવી દેતી નથી. પળે પળે આકાશવ્યાપી પ્રાણ એ વિષને ધોઈ નાખે છે. એને ક્યાંય એકઠું થવા દેતા નથી. મનુષ્યને માટે મુશ્કેલી ઊભી થઈ છે. એ પોતાના સંસ્કારથી પોતાની ચારે બાજુ એક આવરણ ઊભું કરી દે છે. કેટલાય યુગની આવર્જનાનો એ ખડકલો કરતો આવ્યો છે. એ કહે છે કે આકાશના પ્રકાશનો હું વિશ્વાસ નહિ કરું. મારા ઘરના માટીના દીવાનો હું વિશ્વાસ કરીશ. પ્રકાશ નૂતન, પણ મારો આ દીપ સનાતન, એના શયનગૃહમાં ઝેરી વાયુ એકઠો થતો જાય છે. પણ ત્યાં જ એ પડી રહેવા ઇચ્છે છે કારણ કે તે તો એણે ગોંધી રાખેલો પવન, પળે પળે નૂતન થતો જતો પવન નહીં. ઈશ્વરનો પવન નૂતનને જ પ્રગટ કરે, પણ એ નૂતનનોય વિશ્વાસ કરતો નથી. ઘરના ખૂણાનો અન્ધકાર પુરાતન, તેની જ એ પૂજા કરે. તેથી જ ઈશ્વરને ઇતિહાસની વાડ યુગે યુગે ભાંગવી પડે છે. એના પ્રકાશનો અને આકાશનો જે નિષેધ કરીને ઊભા રહે છે તેમના ઉપર એક દિવસ એનું વજ્ર આવી પડે છે. ત્યાં એક દિવસ ઝંઝાવાત સૂસવી ઊઠે છે. ત્યારે જ મુક્તિ મળે છે. સ્તૂપાકાર સંસ્કાર ચાલવાના માર્ગને રોકીને પડ્યા રહે છે. ત્યાંથી રક્તોત વહી જાય ત્યારે જ મુક્તિ મળે. સ્વાર્થનો સંચય જ્યારે અભ્રભેદી થઈ ઊઠે ત્યારે તોપના ગોળાથી એને ઉડાવી દેવો પડે. ત્યારે જ મુક્તિ મળે. ત્યારે ક્રન્દનથી આકાશ છવાઈ જાય. પણ એ ક્રન્દનની ધારાને વહાવ્યા વિના ઉત્તાપને દૂર શી રીતે કરી શકાય? સદાકાળથી આમ મનુષ્ય સત્યની સાથે લડતો આવ્યો છે. મનુષ્યને પોતાને હાથે ઘડેલી વસ્તુના પર ઘણો મોહ હોય છે. તેથી જ મનુષ્ય પોતાને હાથે જ પોતે માર ખાય. મનુષ્ય પોતાને હાથે પોતાને મારવા ગદા તૈયાર કરે તેથી જ આજે પોતાને હાથે ઘડેલી એ ગદાના આઘાતથી રાજ્યસામ્રાજ્યની સમસ્ત સીમા ચૂર્ણ થવા બેઠી છે. મનુષ્યની સ્વાર્થબુદ્ધિ આજે કહે છે: ધર્મબુદ્ધિની કશી વાત મારે સાંભળવી નથી. હું શરીરના જોરથી બધું ઝૂંટવી લઈશ. જેઓ સંસારના પોષ્યપુત્રો તેઓ સંસારનો ધર્મ સ્વીકારે. જે સબળ તે દુર્બળના ઉપર પ્રભુત્વ ધરાવે. એ છે એમનો ધર્મ, પણ મનુષ્ય તો સંસારનો પુત્ર નથી, એ તો અમૃતનો પુત્ર છે. તેથી જ એણે પોતાની ગદાથી એને માટે પરધર્મ એવા સ્વાર્થના ધર્મને ધૂલિસાત્ કરવો પડશે. આ યુદ્ધ મનુષ્યે લડવું જ પડશે. જેનો ખડકલો કર્યો છે તેને સદાકાળ છાતીસરસું ચાંપી રાખવાની મમતા આપણા દેહને વળગી રહેવાની મમતા જેવી જ. આપણે હજારો પ્રયત્નો કરીએ તોય દેહને પકડી રાખી શકવાના હતા? ભલે ને ગમે તેટલું રડીને મરી જઈએ, એની સાથે ઘણા દિવસનો આપણો સમ્બન્ધ એમ ભલે ને આપણે ગમે તેટલું કહીએ તોય એને આપણે રાખી શકવાના નથી. કારણ, એનું રક્ષણ એટલે મૃત્યુનું રક્ષણ. આપણે તો દેહનો ત્યાગ કરીને જ મૃત્યુને મારવાનું છે. એવી જ રીતે પિતાપ્રપિતામહથી જે ચાલ્યું આવે છે, જે એકઠું થતું રહ્યું છે તેને સદાકાળ પકડી રાખવાની ઇચ્છા પણ મૃત્યુને પકડી રાખવાની ઇચ્છા માત્ર. દેહને આપણે પકડી રાખી શક્યા નથી. પુરાતનનેય પકડી રાખી શકવાના નથી. ઇતિહાસવિધાતા તેથી જ કહે છે કે તમારે નૂતન થવું પડશે. તોપની ગર્જનામાં આજેય એ જ વાણી સંભળાય છે : તમારે નૂતન થવું પડશે. રાષ્ટ્રીયતાના આદર્શને નામે યુરોપે આજે પોતાના પ્રતાપને અભ્રભેદી કરી મૂક્યો છે. નાનું જહાજ હતું, ત્યાર પછી એનાથીય મોટું જહાજ આવ્યું. નાની તોપ હતી. એનાથીય મોટી તોપો રચીને યુરોપે એનાં બધાં મારણઅસ્ત્રોને ધાર ચઢાવ્યા કરી છે. જળેસ્થળે આવી પ્રવૃત્તિ કર્યાથી એને તૃપ્તિ થઈ નથી. ઠેઠ આકાશમાંથી મારવાનું યન્ત્ર પણ એમને તૈયાર કરવું પડ્યું. પોતાના પ્રતાપને આવી રીતે અભ્રભેદી કરી મૂકીને, દુર્બળને કચડીને એના રક્તનું પાન કરવું, આ વાત એ શું મોઢે લાવી શકે? મનુષ્ય મનુષ્યને ખાઈને જ જીવે એ વાત શું બની શકે? ઇતિહાસવિધાતા શું એ થવા દેશે? ના. એ તોપના ગર્જનાના ધ્વનિની અંદરથી બોલે છે: તમારે નૂતન થવું પડશે. યુરોપમાં નૂતન થવાનો આ સાદ ઊઠ્યો છે. એ આહ્વાન શું આપણે માટે નથી? આપણે શું જરાજીર્ણ થઈને બેસી રહીશું? ઇતિહાસવિધાતાએ શું આપણી આશા છોડી દીધી છે? દુ:ખ પર દુ:ખ દઈને એણે આપણા દેશને કહ્યું છે : તમે નૂતનને પામી શક્યા નથી. અમૃતને પામી શક્યા નથી. તમે જે આવર્જનાનો સ્તૂપ રચ્યો છે તે તમને આશ્રય દઈ શક્યો નથી. હું અનન્ત પ્રાણ, મારો વિશ્વાસ કરો. તમે સૌ વીર પુત્ર, દુ:સાહસિક પુત્ર, બહાર નીકળી પડો. આ વાણી શું આપણે કાને પહોંચી નથી? આ વાત શું તેણે આપણને સંભળાવી નથી?

શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: આ યે ધામાનિ દિવ્યાનિ તસ્થુ:|

સાંભળો, તમે અમૃતના પુત્રો, તમે દિવ્ય ધામના વાસી. તમારા આ અન્ધકારમાં પરપારથી એ પ્રકાશ આવે છે. ત્યાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશમાં જાગ્રત થાઓ. બેસી બેસીને ચકમક ઘસવાથી દિવસ સર્જી શકાવાનો નથી. પ્રકાશ દ્વારા જ પ્રત્યેક નવો દિવસ અમૃતના સમાચાર લઈ આવે છે. નવી નવી લીલાએ બધું નવું નવું થઈ ઊઠે છે. દુ:ખમાંથી આનન્દ આવે છે. રકતોત ઉપર જીવનનું શ્વેત શતદલ તરી ઊઠે છે. એ અમૃતમાં ડૂબકી માર, તો જ હે વૃદ્ધ, આ વેળાએ કાનનમાં જે ફૂલો ખીલે છે તેનો તું સમવયસ્ક થઈશ. આજે પ્રભાતે પૂર્વ દિશાને ખોળે જે તરુણ સૂર્યનો જન્મ થયો છે તેનો તું સમવયસ્ક થઈશ. ચાલ્યા આવો એ આનન્દલોકમાં. એ મુક્તિના ક્ષેત્રમાં, ભાંગી નાખો બાધાવિપત્તિને, નિત્યનૂતનના અમૃતલોકમાં ચાલ્યા આવો. એ અમૃતસાગરને તીરે આવીને જરા હવાને માણીએ. સત્યને જોઈએ, નિર્મુક્ત પ્રકાશમાં. જે સત્ય નિશીથના સમસ્ત તારાઓની પ્રદીપમાળા સજાવીને આરતી કરે છે, જે સત્ય સૂર્યના ઉદયથી તે અસ્ત સુધી સાક્ષીની જેમ સમસ્તને જુએ છે તે સત્યને આપણે જોઈએ. નવ નવ નવીનતાના એ જ્ઞાનમય સત્યને આપણે જોઈએ. જેમાં પ્રાણનો વિરામ નથી. જડતા લેશમાત્ર નથી. જેમાં સમસ્ત ચૈતન્ય પરિપૂર્ણ થઈને રહ્યું છે તે સત્યને આપણે જોઈએ. હે સંકીર્ણ ઘરના અધિવાસી! ઘરના દરવાજા ભાંગીતોડીને ફેંકી દે. આપણે ઉત્સવના દેવતાનાં દર્શન કરીને મનુષ્યત્વનું જયતિલક આંકી લઈશું. આપણે નવું બખ્તર પહેરીશું. આપણો સંગ્રામ મૃત્યુની સાથે. નિન્દા અવમાનનાને તુચ્છ લેખીને અસત્યની સાથે એ યુદ્ધ કરવાનો અધિકાર તેણે આપણને દીધો છે. આ અભયવાણી આપણે પામ્યા છીએ:

શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: આ યે દિવ્યાનિ ધામાનિ તસ્થુ:|

ભારતવર્ષને માટે આ વાત કહેવાનો દિવસ આજે આવ્યો છે. આજે પ્રતાપથી મદોન્મત્ત બનીને એની વિરુદ્ધમાં મનુષ્યે વિદ્રોહનો ધ્વજ ફરકાવ્યો છે. આપણે ભલે ને ગમે તેટલા નાના હોઈએ; એની સામે ઊભા રહીને કહી શકીએ કે ના, આ ખોટું છે. તમે દિવ્યધામવાસી અમૃતના પુત્રો નથી. આટલું કહેવાના બળનો સંગ્રહ તો આપણે જરૂર કરીશું. જે ધનમાન પામતો નથી તે જોરથી બોલી શકે છે કે હું સત્યને પામ્યો છું. મારે ઐશ્વર્ય નથી, ગૌરવ નથી, મારાં દારિદ્ય્ર અને અવમાનનાને સીમા નથી, પણ મને એક એવો અધિકાર મળ્યો છે જેનાથી મને કોઈ વંચિત કરી શકે તેમ નથી. મારી પાસે બીજું કશું નથી. તેથી જ એ વાત મારે મોઢે જેવી લાગશે તેવી બીજા કોઈને મોઢે નહિ લાગે. પૃથ્વીના લાંચ્છિત અમે એમ કહીશું કે અમે અમૃતના પુત્રો. આજે ઉત્સવના દિવસે આ સૂરને આપણે કાને પહોંચાડવો પડશે. આપણા દેશનું અપમાન દારિદ્ય્ર અત્યન્ત સ્વચ્છ, તેથી જ સત્યને આપણી આગળ પ્રગટ થતાં કશો અન્તરાય આડે આવવાનો નથી. તેથી જ એ બિલકુલ અનાવૃત રૂપે દેખા દેશે. પથ્થરના મહેલ ચણીને આપણે આકાશના પ્રકાશને નિરુદ્ધ કરીશું નહિ. આપણા નિરાશ્રયી દીનના કણ્ઠે અત્યન્ત મધુર સૂરે આ સંગીત બજી ઊઠશે:

શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: આ યે દિવ્યાનિ ધામાનિ તસ્થુ:| (પંચામૃત)