લઘુ સિદ્ધાન્તવહી/સજાતીય નારીવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૮

સજાતીય નારીવાદ

વીસમી સદીના છેલ્લા બે દાયકાઓમાં આજ સુધી મૂંગાં રહેલાં અને મૂંગાં મૂંગાં સહન કરી રહેલાં હાંસિયા પરનાં અનેક જૂથોમાંનું એક જૂથ નારીવાદનું છે. નારીવાદે પુરુષસત્તાક આધિપત્યની સામે પડી પોતાની ઓળખ ઊભી કરવા પ્રયાસ કર્યો. પણ પછી નારીવાદના એકાભિમુખ કે એકાત્મ સ્વરૂપ સામે પ્રશ્નો ઊભા થવા માડ્યા. વંશ, જાતીયતા કે વર્ગભેદ વગરની નારીવાદની વૈધિકતા પર તો પ્રહાર થયા પણ નારીવાદે પોતાની અંતર્ગત સ્વીકારી લીધેલી વિજાતીયવાદ (Heterosexism)ની સામે પણ નારીવાદની અંદરથી જ પ્રતિકારો શરૂ થયા અને સજાતીય નારીવાદ (Lesbianism)નો ઉદય થયો. આઠમા સૈકામાં કાર્યરત થયેલા નારીવાદે નવમા દાયકામાં સજાતીય નારીવાદનાં નવાં આંદોલનો દર્શાવ્યાં, એમાં સજાતીય નારીવાદના અવાજોમાં બોની ઝિયરમન (Bonnie Ziwwerman)નો અવાજ પ્રમુખ રહ્યો. ઈન્ડિયાના યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન અને પછી અંગ્રેજીના અભ્યાસ સાથે આગળ વધેલી અને મહાનિબંધને માર્ગે ગયેલી બોની ઝિયરમને વૈકલ્પિક લૈંગિકતા અને સજાતીય નારીસિદ્ધાન્તની ભૂમિકા ઊભી કરી આપી. ‘જે ક્યારે થયું નહોતું’માં ઝિયરમનનું મહત્ત્વનું પ્રસ્થાન છે. આ લેખ પહેલાં ‘ફેમિનિસ્ટ સ્ટડીઝ’માં ૧૯૮૧માં પ્રગટ થઈ ઘણાં સંપાદનોમાં પહોંચ્યો છે. આ લેખમાં ઝિયરમને સજાતીય નારીવાદી સાહિત્યવિવેચનની રૂપરેખા રજૂ કરી છે, સજાતીય નારીવાદની અનેક વ્યાખ્યાઓ તપાસી છે, એનાં ધોરણોની ચર્ચા કરી છે અને વિજાતીયવાદના મોટા પડકાર સામે સજાતીય નારીસંદર્ભિત સૌન્દર્યશાસ્ત્રની અપેક્ષા ઊભી કરી છે. એક રીતે જોઈએ તો નારીવાદ જો નારીકલ્પનાની સીમાઓને અને એના અવરોધોને તોડવા ચાહે છે તો સજાતીય નારીવાદ નારી માટે શું શક્ય છે એના વિચારને વિસ્તારવા ચાહે છે. સજાતીય નારીવાદનો પ્રયાસ વિજાતીય લૈંગિકતાની રૂઢ થઈ ગયેલી સ્ત્રીપુરુષની ભૂમિકાની અને એ સાથે ભાષા તેમજ સંસ્કૃતિની બરડ રીતિઓને ઉલ્લંઘવાનો છે. સજાતીય નારીવાદને સજાતીયતા સાથે સંકળાયેલા સામાજિક કલંકને કે નિષેધાત્મક વલણોને દૂર કરવા છે અને એમ કરીને નારીવાદ અંતર્ગત ઘર કરી ગયેલી વિજાતીય અભિધારણાને તો ખુલ્લી પાડવી જ છે પણ સજાતીય નારીવાદની અનન્યતાને પણ પ્રસ્થાપિત કરવી છે. નારીવાદી સાહિત્યસંચયો પત્નીઓ, માતાઓ, યુવાકન્યાઓ, પ્રૌઢો, મુક્તનારીઓ - વગેરે વિભાગ સમાવે છે પણ સજાતીય નારીવિભાગને ટાળે છે. આ ચાલી આવેલો નિષેધ છે. એમિલી ડિકિન્સને કહેલું કે ‘સત્ય કહો, પણ તિર્યક સત્ય કહો’ (Tell the truth but tell it slant) આ વાત સજાતીય નારીવાદને મંજૂર નથી. જે ‘અનુચ્ચાર્ય’ (unspeakable) છે એની પાછળ એ સામાજિક સજાતીયભીતિ (Homophobia) જુએ છે. આ જ કારણે સજાતીય-નારીવલણો આજ સુધી વિજાતીય ધોરણોની વચ્ચે દમિત રહ્યાં છે, અને તેથી દુર્બોધ ભાષા અને પ્રચ્છન્ન સંકેતોનો આધાર લેવાયો છે. આમ સજાતીય નારીવાદમાં નારી વડે ઓળખાયેલી નારી છે, નારી વત્તા નારી છે, નારી-પ્રેમી-નારી છે, પુરુષ-પ્રેમનું અતિક્રમણ કરતી નારી છે. નારીને પુરુષ-મૂલ્યથી અલગ કરતી હોય તો એને માત્ર પુરુષ સંબંધે જોવાવાથી મુક્ત કરવી પડશે. સજાતીય નારીવાદની વ્યાખ્યા એક છેડે નારી નારી વચ્ચેના આસક્તિજગતને સ્પર્શે છે, તો બીજે છેડે એ લૈંગિક નિકટતાને અનિવાર્ય ગણે છે. એમ પણ જોવાય છે કે વિજાતીય ધોરણોથી હટતી પુરુષની સજાતીયતા અને નારી સજાતીયતાને સજાતીય નારીવાદ જુદી રીતે જુએ છે. માને છે કે પિતૃસત્તાક સંસ્કૃતિમાં મૂળભૂત આક્રમકતા અને અત્યાચારનું પ્રતિમાન બનતી પુરુષની સજાતીયતા સામે નારીની સજાતીયતા અનત્યાચારી અને અનાક્રમક છે. નારી નારી વચ્ચેના લૈંગિક અને ભાવપૂર્ણ સંબંધો નારીચેતના પર અને એની સર્જકતા પર ચોક્કસ પ્રભાવ પાડી શકે છે. નારી સંદર્ભે નારીની જગતદૃષ્ટિ, એની સમસ્યાઓ, એનાં બલાબલ-આ સર્વ સજાતીય નારીવાદનાં નિસ્બત ક્ષેત્રો છે. સજાતીય નારીવાદ સાહિત્ય ઇતિહાસમાં જઈ સજાતીયતાના અવ્યક્ત-વ્યક્ત સંકેતોને ઝીલી નવેસરથી કૃતિઓનું વાચન માગે છે. આ માટે જીવનકથાઓમાંથી કે અંગતનોંધોમાંથી પ્રમાણ મેળવવા પર નિર્ભર રહેવાની એને જરૂર પણ લાગતી નથી. ભૂતકાળમાં કોઈ નારીએ સજાતીયનીતિને કારણે અને વિજાતીય પ્રતિમાનથી દબાઈને ભાગ્યે જ સજાતીય કબૂલાતો આપી હશે. આથી ઝિયરમન અમેરિકી નવ્યવિવેચનની કૃતિલક્ષી પદ્ધતિને વધુ અનુમોદન આપે છે. ભારતીય સંનિવેશમાં આ સજાતીય નારીવાદની ગ્રંથિને ચિત્રલેખાગ્રંથિ તરીકે ઓળખીશું? ‘ઓખાહરણ’માં ઓખા અને ચિત્રલેખાની એકાંતસહચારિતા છતાં ઓખાનું તો અનિરુદ્ધમાં રોપાયેલું મન જોઈ શકાય છે. પણ ચિત્રલેખા શા માટે ઓખા કાજે આ બધું કષ્ટ ઉઠાવે છે? આવો જ નારી નારી વચ્ચેનો ભાવાત્મક અનુબંધ ગંગાસતી અને પાનબાઈમાં પણ પડેલો છે. ઘટાટોપ અધ્યાત્મવિભાવ વચ્ચે અવ્યક્ત એવા કેટલાક લાગણીના સંકેતોને નવેસરથી ઉકેલી શકાય ખરા? સ્ત્રીપુરુષના રૂપકસંકેતોને લઈ ચાલતી આપણી ભક્તિપરંપરાની અભિવ્યક્તિઓનું પુનર્વાચન હવે જરૂરી બન્યું છે. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં બિન્દુ ભટ્ટે પ્રગટ સંકેતો મૂક્યા છે. પહેલાં બે ઉદાહરણો જો ભાવાત્મક અનુબંધનાં છે, તો છેલ્લામાં લૈંગિક નિકટતાનું વ્યક્ત સૂચન છે.