શબ્દલોકના યાત્રીઓ – ૨/જશવંત મહેતા
ભાઈશ્રી જશવંત મહેતા જાણીતી કંપની લારસન અને ટૂબ્રોના ‘સેલ્સ એક્ઝિક્યુટિવ’ છે, એ તમો એમને પહેલી વાર મળો ત્યારે તેમના કહ્યા વગર પણ જાણી શકો! વચ્ચે થોડાં વર્ષો પહેલાં કંપનીના કામે એકાદ વર્ષ અમદાવાદ રહેલા. એક વાર મળવા આવ્યા, અને તેમના હોદ્દા પ્રમાણે મને કામે લગાડી દીધો! કહેઃ ‘વાતમેળો’ નામે વાર્તાસંચય કરું છું; એમાં લીધેલી એક વાર્તા ‘ચર્ચબેલ’ વિશે વિવેચનલેખ જોઈએ. તાબડતોબ કરી આપો. અને મારી પાસેથી એ મેળવ્યો ત્યારે જંપ્યા. પણ પાંચેક વર્ષ થવા છતાં આ સંગ્રહ હજુ પ્રગટ થયો નથી. મારું કામ તો થઈ ગયું. એમના જેવા ઉત્સાહી અને યોજનાવાળા ઘણા માણસો સાહિત્યજગતમાં હોય તો વાતાવરણ ધમધમતું રહે. તેમણે લેખનપ્રવૃત્તિનો વ્યવસ્થિત આરંભ ૧૯૫૯થી કર્યો. તેમની પ્રથમ નવલકથા ‘સેવાશ્રમ’ અને પછી એ સેવા કરતા જ રહ્યા. વરસની બેના હિસાબે તેમની નવલકથાઓ પ્રગટ થઈ છે. એમાં કેટલીક સારી પણ ગણાઈ છે. ખાસ ‘કોઈ મોતી કોઈ છીપ’, ‘માણસ’, ‘સમન ધારે’, ‘મુક્ત પંખી’ અને ‘પાંખ વિનાનાં પંખેરું’. અડધો ડઝન જેટલા વાર્તાસંગ્રહો લખ્યા છે. વાર્તાઓ કરતાં નવલકથા તેમને વધુ ફાવતી લાગે છે, તેમનો એકાંકીસંગ્રહ ‘ઈડિયટ’ ખાસ નોંધપાત્ર છે. આધુનિક નટીશૂન્ય એકાંકીઓનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. પ્રયોગશીલતા તેમને ગમે છે. આધુનિક હોવાનો અને થવાનો તેમને શોખ છે. તેમનો લેખન ઉદ્યમ દાદ માગી લે છે. જુવાન લેખકોમાં જશવંત મહેતાની ગણના જરૂર થઈ શકે. શ્રી જશવંત મહેતાનો જન્મ ૧૧મી એપ્રિલ ૧૯૩૧ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી. એસસી.ની ડિગ્રી મેળવી છે. પછી નોકરીના વિવિધ અનુભવો લેતા હાલ મુંબઈની લારસન કંપનીની હેડ ઑફિસમાં છે. પણ જશવંત મહેતા સાહિત્યનો જીવ છે. તેમણે મીઠીબાઈ કૉલેજમાં વિલેપાર્લેમાં અભ્યાસ કરેલો. એના આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક પ્રત્યે તેઓ ગુરુભક્તિભાવ અનુભવે છે. મુંબઈમાં વાર્તા વર્તુળ સ્થાપવામાં તેમનો હિસ્સો મહત્ત્વનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય છે. વિલેપાર્લે સાહિત્ય સભાની કારોબારીના સભ્ય છે. મુંબઈમાં સાહિત્ય સહકારી પ્રકાશન સંસ્થા સ્થપાઈ ત્યારે તેના અધ્યક્ષ બન્યા હતા. ઈન્ડિયન કમિટી ઑફ કલ્ચરલ ફ્રીડમ તરફથી ૧૯૬૮માં પૂના ખાતે યોજાયેલા પરિસંવાદમાં તેમણે ભાગ લીધેલો. ૧૯૭૬માં અમેરિકામાં ‘થર્ડ વર્લ્ડ કૉંગ્રેસ ઑફ પોએટ્સ’ ભરાયેલી એમાં તેમણે ભાગ લીધેલો અને સમકાલીન ગુજરાતી કવિતા વિશે અંગ્રેજીમાં નિબંધ વાંચેલો. ન્યૂયૉર્કની ‘પોએટ્રી’ સોસાયટી તરફથી યોજાયેલા કાવ્યપઠનના કાર્યક્રમમાં સુંદર પઠન માટેનો એવૉર્ડ તેમને મળેલો. વિજ્ઞાનના સ્નાતક અને એક એન્જિયરિંગ કંપનીમાં સર્વિસ કરતાં જશવંત મહેતા કોઈ આકસ્મિક રીતે લેખન તરફ વળેલા. સૌ પ્રથમ તેમણે ‘પ્રણય પુષ્પ’ નામે ટૂંકી વાર્તા લખેલી તે ડૉ. જનક દવેએ ‘વસુંધરા’ માસિકમાં પ્રગટ કરી. અને પછી તો એક પછી એક કૃતિઓ રચાતી ગઈ. તેમને ચીલો ચાતરી લખે તે બધા સર્જકો ગમે છે, સાહિત્યના રૂઢ પ્રવાહોને નવો વળાંક આપનાર લેખકો તેમના પ્રિય લેખકો છે. તેમણે જુદા જુદા સાહિત્યપ્રકારો ઉપર હાથ અજમાવ્યો છે પણ નવલકથા અને ટૂંકી વાર્તા તેમને માનીતા પ્રકારો રહ્યા છે. નવલકથા વિશેનો તેમનો ખ્યાલ જોવા જેવો છે : “માનવીની ગહન આંતરિક સૃષ્ટિનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ મનોમંથનોને સ્ફુટ કરીને બાહ્ય માનવીની અંદર વસતા સાચુકલા માનવીને, એના વર્તનને, એના દંભને, એની નિરાશા, વેદના, આનંદ, પાશવતા અને બીભત્સતાને યોગ્ય પ્રસંગો દ્વારા ભાવક હૃદય સુધી પ્રવેશ કરાવીને ભાવાત્મક તેમ જ રસાત્મક તાદાત્મ્ય સાધી શકતી કોઈ પણ કૃતિને હું ‘નવલકથા’નું નામ આપું.” આ ખ્યાલ પ્રમાણેની હોવાને કારણે ‘અતૃપ્ત ધરા’ અને ‘માણસ’ તેમની પ્રિય નવલકથાઓ છે. લેખક તરીકે તેમની મનીષા માનવીના ફક્ત બાહ્ય અને આંતર જ નહિ પરંતુ એનામાં રહેલાં બીજાં અનેક ગેપિત ક્યારેય ન દેખાતાં નડતાં એવાં–રૂપો-કુરૂપોનું પ્રગટીકરણ કરવાની છે. જશવંત મહેતાની ‘હૉબીઝ’-શોખ વિશે તો તેમની પોતાની જ કેફિયત જોઈએ : “લેખન મારો શોખ છે. વ્યવસાયે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોવાથી વ્યવસાય દરમિયાન પરિચયમાં આવતી અનેક વ્યક્તિઓ અને પરિસ્થિતિઓનો અભ્યાસ-નિરીક્ષણ અને જે કથાવસ્તુ પર કશુંક લખવા વિચાર્યું હોય એના અભ્યાસ પૂરતું વાચન અને બાકી તો મિત્રોની મહેફિલમાં હાજરી આપી થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનો શોખ પણ ખરો. બાકી મુંબઈ ગામમાં શોખ કેળવી શકવાનો સમય જિંદગીની શરૂઆતનાં વર્ષોમાં મળતો હોય છે, પરંતુ શોખ ‘પાળવા’નો સમય નથી રહેતો.” તાજેતરમાં જશવંત મહેતાએ હાસ્યપ્રધાન વાર્તાઓનો સંગ્રહ ‘દસમો ગ્રહ’ પ્રગટ કર્યો છે. વિનોદ ભટ્ટે એમની લાક્ષણિક રીતે કહ્યું છે કેઃ “ભાઈ જશવંત મહેતાને આપણે સબ બંદરકા વેપારી કહી શકીએ. કેમ કે તેમણે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, એકાંકી નાટકો, કાવ્યો, વિવેચનલેખો ઈત્યાદિ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા છે. આટલું બધું કર્યું તો સાથે સાથે હાસ્યનુંય પતાવી દઈએ એવું વિચારી તેમણે હાસ્યવાર્તાઓ પર પણ હાથ અજમાવ્યો.” એમાં એક વાર્તા ‘ગુરુદક્ષિણા’ના પ્રોફેસર દ્રોણાચાર્ય અજાતશત્રુ સમક્ષ આવતો પેલો અનાર્ય એકલવ્ય જાણે લેખક પોતે જ ન હોય એવો વહેમ આવે છે! પણ આપણે આ મુંબઈ મધ્યે વસતો એકલવ્ય ભારે પુરુષાર્થી છે. તેને “અનાર્ય” ગણનારા હવે કેમ ફાવી શકશે આ પુરુષાર્થી લેખક તો ફરતો ફરતો બાલ્ટીમોર કવિ પરિષદમાં પણ જઈ આવ્યો. અંગ્રેજીમાં મહેનત કરીને કાવ્યો તૈયાર કર્યા. રામપ્રસાદ બક્ષી જેવાની નજર તળે પણ પસાર કરાવ્યાં અને નાનકડો ‘Poetry of Acute’ સંગ્રહ પણ પ્રગટ કર્યો. સંગ્રહમાં તીક્ષ્ણતા છે, તીવ્રતા છે. આજે તો કદાચ એની વધુ જરૂર છે.
૨૦-૮-૭૮