શબ્દલોકના યાત્રીઓ – ૨/મહેશ દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મહેશ દવે

શ્રી મહેશ દવે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારથી હું એમને ઓળખું છું. ઉત્સાહથી તરવરતા આ વિદ્યાર્થીને અભ્યાસકાળથી સાહિત્યમાં વિશિષ્ટ રસ હતો. એમની પહેલી વાર્તા નામે ‘ધબકાર’ રાધેશ્યામ શર્માના સંપાદન હેઠળ પ્રગટ થતા ‘યુવક’માં પ્રગટ થયેલી. એ પછી તો ધબકાર સતત ચાલુ રહ્યો, અને કવિતા, ટૂંકી વાર્તા અને એકાંકીના ક્ષેત્રમાં તેમણે ગણનાપાત્ર કામ કર્યું. આજે નવા લેખકોમાં મહેશ દવેનું નામ અને કામ બંને રસપૂર્વક ઉલ્લેખાય છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બીજો સૂર્ય’ ૧૯૬૯માં પ્રગટ થતાં પ્રથમ વાર ગુજરાતી કવિતામાં ક્યૂબિસ્ટ શૈલીનો પદ્યાભિનિવેશ જોવા મળ્યો. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ એને વિશે લખેલું “...કવિ શ્રી મહેશ દવેનો ઉદ્દેશ અને ઉદ્યમ એકના એક સૂરજને બીજા સૂરજમાં પલટી નાખવાના ક્યૂબિસ્ટ સાહસ સાથે નવાં પરિપ્રેક્ષ્યો, નવી દૃષ્ટિભંગિ, સંવેદનાનાં નવાં પરિમાણોને જન્મ આપવા મથે છે અને કંઈક અંશે નિષ્ફળ જાય છે તો પોતાની રીતે નિષ્ફળ જાય છે. આવાં નિષ્ફળ જતાં સાહસ-પુરુષાર્થોનું પણ કવિતાને મન એક વિશેષ મૂલ્ય છે.” ‘એક કયૂબિસ્ટ કાવ્ય’ અને ‘રુરુદિષા’માં “સિન્થેટિક ક્યૂબિઝમનો કોલાજ પ્રયોગ” કેવો થયો છે તે તેમણે ઉદાહરણ સહિત દર્શાવ્યું છે. બિપિન મેશિયાએ પણ આ કાવ્યોને વખાણેલાં. એમનાં કેટલાંક કાવ્યો બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદિત કર્યાં છે. સંપાદનોમાં એમની રચનાઓ સ્થાન પામી છે. એમનો બીજો પ્રેમ ટૂંકી વાર્તા છે. ‘વહેતું આકાશ’ એ વાર્તાસંગ્રહ ૧૯૭૦માં શ્રી ગુલાબદાસ બ્રોકરની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. ગુજરાતી વાર્તાક્ષેત્રે મહેશના આગમનને આવકારતાં તેમણે લખ્યું: “આ સંગ્રહની વાર્તાઓ જેને આપણે નવી વાર્તા કહીએ છીએ તે પ્રકારની છે. ભાષા, શૈલી, રીતિ, અભિવ્યક્તિ વગેરે સર્વ અંગોપાંગોમાં પણ નવી વાર્તાના જે મુખ્ય મુખ્ય પુરસ્કર્તાઓ છે તેમાંના કોઈએકની દેખાઈ આવે તેવી, કે શોધવા મથીએ પછી દેખાઈ રહે તેવી કશીયે ખાસ છાપ વરતાઈ આવતી નથી. વરતાઈ આવે તેવી ખાસ છાપ જે આ વાર્તાઓ ઉપર કોઈનીયે હોય તો તે એક જ માણસની છે : મહેશ દવેની.” એમની વાર્તાઓની મૌલિકતાને આ વિવેચકે યોગ્ય જ રીતે જ બિરદાવી છે. મહેશની અનેક વાર્તાઓ ઘટ્ટ, સુગ્રથિત અને સુંદર છે એટલું જ નહિ પણ વાર્તાકથનની નિરાળી એટલી જ આકર્ષક રીતિને કારણે મહેશ દવે “આપણા નવી વાર્તાના સંમાન્ય લેખકોમાં પોતાનું આદરભર્યું સ્થાન આપોઆપ મેળવી લે છે” એમ પણ ગુલાબદાસે કહ્યું છે. “ઘૂંટાયેલી વેદનાનું વ્યોમ” દર્શાવનાર વાર્તાકારની વાર્તાઓમાં “હર્ષ, નિર્ભેળ આનંદ, પ્રેમની ઉપલબ્ધિનો આહ્લાદ કેમ ઝાઝો દેખાતો નથી,” એવો સાહિત્યેતર પ્રશ્ન પણ તેમણે પૂછ્યો છે. ‘વહેતું આકાશ’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું. રાધેશ્યામે ‘નવી વાર્તા’ના સંપાદનમાં એમની ‘આ બાજુ’ વાર્તા પસંદ કરેલી અને સુમન શાહે ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માં ‘મુકાબલો’ વાર્તા લીધેલી. બંને નવા વિવેચકોએ આ વાર્તાઓનું વિવેચન વિશ્લેષણ કરેલું. મહેશની ‘મોહન જો દડો’ વાર્તાનું હિંદીમાં ભાષાંતર થયેલું. હિંદી દ્વારા તે બીજી ભાષાઓમાં પણ ઊતરી છે. શ્રી મહેશ બાલાશંકર દવેનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામે પહેલી ઑગસ્ટ ૧૯૩પના રોજ થયેલો. માધ્યમિક શિક્ષણ પછી તે ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં દાખલ થયા. સુરેશ જોષીના પ્રભાવ હેઠળ આવ્યા. એ પછી તે એમ.એ. કરવા અમદાવાદ આવ્યા. ભાષા સાહિત્ય ભવનમાંથી એમ.એ થયા. હાલ તે અમદાવાદ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરે છે. ૧૯૭૭માં શ્રી મહેશ દવેનો બીજો વાર્તાસંગ્રહ ‘મુકાબલો’ પ્રગટ થયો. એકવીસ વાર્તાઓ એમાં મૂકી છે. આરંભમાં અવાજનું જાણે કે સ્તોત્ર એમણે આપ્યું છે. પોલાણમાં ઘૂસી જતો અવાજ, પોલાણમાં શૂન્યવત્ પડેલા પદાર્થ સમા પોતાને કેવો ભયભીત કરે છે એનું ચિત્ર હૃદ્ય છે! આગળ તે કહે છે :

ચારેકોર અવાજ અવાજ
આકાશ અવાજ
મૌનનો અવાજ જાણે સરકતો દૂર દૂર
નિબિડ અંધાર
એક તણખલું ચડે પડે ઊંડે અહીંતહીં
ભીતર ને બહાર
એક મોસમી પવન જેવો શબ્દ આવી
ટકરાય
મનને છલાંગ
ને દોટ મૂકી સરકતો પોલાણમાં ક્યાંક
ત્યારે પથ્થરિયા શબ્દો એવા ખખડે કે
કર્ણ નહીં ઢોલ
પોલાણના વિસ્તારમાં ગતિ
નહિ દિશા
નહિ ઊભવાને સ્થળ
નહિ વિરામની પળ
ખળખળ જળ નહિ
ધર્યું હવે એટલે સ્તો ખાલીખમ તન
તેનો નહિ અર્થ છતાં સ્પર્શને સ્પંદન
વળી ટેકરીઓ
મેદાનોના પટ પર તાડવૃક્ષ–માણસોના ભ્રમ
હળુહળુ વાય છે પવન
હળવેથી વૃક્ષનાં થાય છે હરણ
ફાળ ભરી કે અલોપ
આંખની કીકીને આટલો આ ડાર
આંખની કીકી જાણે પાતાળકૂવો
જળને ન હોયે કશો આકાર વિકાર
ના રંગ ના સુગંધ
છતાં પાતાળકૂવો આ આંખની કીકી.

હતાશાજનિત શૂન્યતાની અનુભૂતિ અહીં વેધક રીતે વ્યક્ત થઈ છે. મહેશને નાટકમાં પણ રસ છે. અવનવી ટેકનીકવાળાં એમનાં એકાંકીઓનો સંગ્રહ ‘મને દૃશ્યો દેખાય છે’ વિવેચકોનો આવકાર પામ્યો છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું સ્વ. બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક મળેલું. ‘લોહી વરસતો ચન્દ્ર’ એકાંકીએ લેખકને કીર્તિ આપી છે. ઍબ્સર્ડ એકાંકીઓના પ્રયોગો પણ તેમણે કર્યા છે. હમણાં તેમનાં કાવ્યો કેમ જોવા મળતાં નથી એવા મારા પ્રશ્નના ઉત્તરમાં મહેશે કહ્યું : “સર્જન કદી અટકી શકે નહીં; પણ તેમાં વિધવિધ પરિવર્તનો આવે. આમેય તે હું સામયિક લેખક નથી. કવિતા એક એવો વ્યાપાર છે કે કવિની અભિવ્યક્તિની તરાહો સાથે સતત બાંધછોડ કરવી પડે. અને તે માટે કેટલીક વાર બાહ્ય મૌનનો સમયાવધિ અપેક્ષિત રહે છે. અભ્યંતરમાં તો શબ્દવિસ્ફોટોની આતશબાજી ઊડ્યા કરતી હોય.” અત્યારની ગુજરાતી કવિતાથી તેમને સંતોષ નથી. હૉપ્કિન્સના ‘સ્પ્રિંગ રીધમ’ સુધી આપણું પદ્ય પહોંચી શક્યું નથી. અત્યારે એક તરફ પ્રયોગોનું બાહુલ્ય છે તો બીજી તરફ એનો વિરોધ પણ છે. અન્ય ભાષાઓની કવિતાની સરખામણીમાં ગુજરાતી કવિતાની ખાસ સિદ્ધિ બતાવી શકાય એવી સ્થિતિમાં આપણે નથી એવો એમનો પ્રતિભાવ છે. તેમની ઈચ્છા ‘નવલિકા’ના ફૉર્મમાં વધુ કામ કરવાની છે. ટૂંકી વાર્તાના ફૉર્મમાં તેમને અનેક શક્યતાઓ દેખાય છે, એકાંકીમાં પણ. આવા પ્રયોગશીલ વાર્તાકાર, ઍબ્સર્ડ એકાંકીના સર્જક અને ગુજરાતીમાં ક્યૂબિસ્ટ કવિતાના પ્રસ્થાનકાર શ્રી મહેશ દવેની આવતી કાલ ઊજળી છે.

૬-૪-૮૦