સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/આવતીકાલની ટૂંકીવાર્તા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

આવતી કાલની ટૂંકી વાર્તા

વિજ્ઞાન સિવાયની કોઈ પણ પ્રક્રિયાની આવતી કાલની વાત કરવી એ જરા જોખમભર્યું કામ લાગે છે. એમાંય જેના સર્જન વિષે કશીય આગાહી કે અટકળ કરી શકાતી નથી એવા સાહિત્યની બાબતમાં તો આવતી કાલ વિશે કશું કહેવાનું સાહસ નજુમી પણ ન કરે. અને સાહિત્યમાં પણ નવલિકા જેવા અત્યંત તરલ ને ચંચલ કલાસ્વરૂપ વિશે વાત કરવાની હોય ત્યારે તો બહુ સાવચેતીથી આગળ વધવું રહ્યું. સાહિત્યની કે કલામાત્રની ખૂબી એ છે કે એની આવતી કાલ વિશે કશું ભાખી શકાતું નથી. એના સર્જનમાં રોજેરોજ જોવા મળતાં નિતનવાં આશ્ચર્યો જ આ કલાપ્રકાર માટે એક જાતનું કામણ પૂરું પાડતાં હોય. કોઈ રાજકીય નીતિરીતિ, કોઈ ઝનૂની વિચારસરણી કે પછી કોઈ શાસન યા હકૂમતની ફરમાયશ કે વરદી મુજબ તૈયાર થતા કે થનારા ‘સાહિત્ય’ વિષે કદાચ એનું આવતી કાલનું સ્વરૂપ અત્યારથી કહી શકાય. પણ એ પ્રકારના ફરમાસુ કે ‘કમાન્ડ પર્ફોર્મન્સ’ જેવાં લખાણોનું તો ભવિષ્ય ભાખવામાંયે શી મઝા? શુદ્ધ સાહિત્યનું વર્ષફલ કે જીવનફલ કાઢવું હોય તો પ્રથમ તો એના જન્માક્ષર કે જન્મોત્રી જોવી જોઈએ અને એની સામ્પ્રત ગ્રહદશાઓનો પણ અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતી નવલિકા—એટલે કે ટૂંકી વાર્તા—ના ચોક્કસ જન્મ સમયની માહિતી હજી એકાદ ડૉક્ટરેટવાંચ્છુ પ્રાધ્યાપકને સંશોધનનો વિષય પૂરો પાડી શકે એમ છે. પહેલવહેલી વાર્તા મુનશીએ લખી કે ધનસુખલાલ મહેતાએ, એ અંગે એ બન્ને લેખકો વિદ્યમાન હોવા છતાંયે હજી સમાધાન પર આવી શક્યા લાગતા નથી. પણ એથી કઈ આપણું કામ અટકી પડે એમ નથી. ‘શ્રીયુત પ્રથમમ્‌’ અંગેનો આ રસિક ઝઘડો ભૂલી જઈને ‘ગોવાલણી’ને જ પહેલવહેલી નમૂનેદાર ટૂંકી વાર્તા ગણીને આગળ વધીએ તે યે આપણું કામ સરે એમ છે. ‘ગોવાલણી’ને ઘણા વિવેચકો અને વિશેષ તો ટૂંકી વાર્તાના સંચયગ્રંથોના સંપાદકો ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કલાકૃતિ તરીકે જે બેફામ રીતે બિરદાવે છે એ બિરદાવલિઓમાંનો અતિરેક બાદ કરતાં પણ એ કૃતિ પરથી એક સૂચક હકીકત તો ફલિત થાય જ છે કે અર્વાચીન પ્રકારની ટૂંકી વાર્તા સાચે જ અર્વાચીન છે, વીસમી સદીની જ નીપજ છે, અને બહુધા એ અખબારી પેદાશ છે. એ વેળાના વિખ્યાત સાહિત્યિક સામયિક ‘વીસમી સદી’ના તંત્રી હાજીમહમ્મદ અલારખિયાના પ્રોત્સાહનથી મલયાનિલે એ યાદગાર વાર્તા લખી હશે એમ માનવાને કારણો છે. એ જમાનામાં સામયિકો અને અખબારોની સંખ્યા જૂજ હતી, તેથી ટૂંકી વાર્તાઓના સંગ્રહો પણ જૂજ સંખ્યામાં પ્રગટ થતા, અને ત્રીસીના દાયકા પછી સામયિકો તથા અખબારો વધવાથી વાર્તાઓનું ખેડાણ પણ અનેકગણું વધી ગયું છે એ ઉપરથી પણ તારવી શકાય કે નવલિકા અખબારી નીપજ છે. કોઈ સાહિત્યપ્રકારને અખબારી પેદાશ કહેવાથી એની પ્રતિષ્ઠા ઘટતી નથી, જે રીતે કોઈ સાહિત્યપ્રકારને બિનઅખબારી નીપજ કહેવાથી એની પ્રતિષ્ઠા આપોઆપ વધી પણ જતી નથી. દુનિયાના ઘણા પ્રથમ પંક્તિના વાર્તાકારો સીધી યા આડકતરી રીતે અખબારી લેખન કરતા હતા એ હકીકત બહુ સૂચક છે. કેટલાંક સજાગ સામયિકો નવલિકાના નવનવા આવિષ્કારોમાં નિમિત્તે પણ બન્યાં છે. ગુજરાતમાં જયન્તી દલાલ સંપાદિત ‘રેખા’ માસિકે આવી કામગીરી બજાવેલી એ ઘણાં વાચકોને યાદ હશે. ચાલીસીના એક દાયકા દરમિયાન આ માસિકે નવલિકાક્ષેત્રે આવકારેલી ઘણી નવી ને પ્રયોગશીલ કલમો ભવિષ્યમાં સુસ્થિર બની શકેલી, વાર્તાલેખનમાં કેટલાંક નવતર ને સાહસિક પ્રયોગોને પણ આ સામયિક એવા તો ઉત્સાહથી પુરસ્કારતું કે એ જમાનામાં એક વાયકા પ્રચલિત થયેલી કે બધાં જ રૂઢ ને ‘શિષ્ટ’ સામયિકોમાંથી પાછી ફરેલી વાર્તાને ‘રેખા’માં સ્થાન મળી શકે. આ વાયકામાં થોડી અત્યુક્તિ હશે. પણ આજે આપણે જેને નવી વાર્તા કહીએ છીએ એના આરંભિક અંકુરો ચાલીસીના દાયકાની ‘રેખા’ની ફાઈલોમાં પડેલા છે એ હકીકત સ્વીકારવી જ રહી. આજની નવી વાર્તામાંથી પ્રતીક અને અમૂર્તતા શોધવાનો પ્રયત્ન થાય છે, બલકે આ બે લક્ષણો વડે જ નવી વાર્તાને ઓળખવામાં આવતી હોય એમ લાગે છે. પણ અહીં એ યાદ આપવી જરૂરી છે કે આ પ્રતીકોના પ્રયોગો પણ કાંઈ સાવ નવા નથી. ચાલીસીમાં તથા ત્રીસી દરમિયાન પણ ટૂંકી વાર્તામાં પ્રતીકો યોજાયાં જ છે. માત્ર, એ સમયના વાર્તાકારોએ વધારે પડતા સભાનપણે કે પ્રતીકો ખાતર જ પ્રતીકો નહોતાં યોજ્યાં કે પ્રતીકો માટેનું આજના જેવું બુમરાણ નહોતું મચાવ્યું એટલું જ. ધૂમકેતુના ‘અવશેષ’ સંગ્રહમાં પ્રગટ થયેલ ‘ભરતી અને ઓટ’. વાર્તામાં એના હતાશ કથાનાયકના નીરસ જીવનનાં ભરતી-ઓટનું આલેખન નથી થયું? દ્વિરેફની ‘જમનાનું પૂર’ વાર્તામાં તો પેલા દીવાઓ, પૂર, અને સમગ્ર લખાવટ જ પ્રતીકાત્મક છે. ઉપરાંત, આજે જેની બહુ બોલબાલા છે એવી અમૂર્તતા પણ એ વાર્તામાં ભારોભાર જોવા મળે છે. ત્રીસીના જ દાયકામાં લખાયેલી એક નમૂનેદાર પ્રતીકકથા તો ઉમાશંકર જોશીકૃત ‘છેલ્લું છાણું’ ગણાવી શકાય. એ કથામાં, ઘરમાં દેવતા પ્રગટાવવા માટે પડોશીને ત્યાંથી માગી લાવવામાં આવેલું સળગતું છાણું સ્મશાને લઈ જવાની દોણી માટેનું છેલ્લું છાણું બની રહે છે એ આલેખન જીવન અને મૃત્યુને આબાદ પ્રતીક શૈલીએ રજૂ કરી શકે છે. હસમુખ પાઠકના પાડાના મૃત્યુસ્થળનું ‘ક્રોસીંગ’નું મૃત્યુપ્રતીક કેવળ બુદ્ધિગમ્ય છે, ત્યારે આ છેલ્લું છાણું અને સ્મશાનની દોણી ભારતીય પ્રણાલિમાં મૃત્યુ માટે વધારે પ્રતીતિકર અને ઘરગથ્થુ પ્રતીક બની રહે છે. સુન્દરમ્‌ની વાર્તા ‘ખોલકી’ પોતે જ એક પ્રતીક નથી શું? મેઘાણીકૃત ‘વહુ અને ઘોડો’માં પણ પ્રતીકની જ યોજના છે, પણ એ વધારે પડતી સ્ફુટ અને સરળ હોવાને કારણે કદાચ વાર્તા બહુ કલાત્મક નથી બનતી. પણ એમની જ એક અર્ધલોકકથા જેવી કૃતિ ‘ઓળીપો’માં ગાર-માટીના ઓળીપા વડે ઘરને ઉજાળતી—અજવાળતી, આત્મવિલોપન કરતી સનાતન નારીની સંજ્ઞા શોધી શકાય એમ છે. બેતાલીસની ‘હિન્દ છોડો’ લડત વેળા દૂધમલિયા યુવાનોનાં લીલુડાં માથાં ગોળીએ વીંધાતાં હતાં ત્યારે જયંતી દલાલે જેલમાંથી ‘લીલાં લીલાં દસ આપ્યાં, દસ આપ્યાં’ વાર્તા લખી મોકલેલી અને એમાં લીલાં દાતણને ઓથે લીલાં માથાંનું પ્રતીક રચી આપેલું. નવનીતા, શું ટૂંકી વાર્તાની કે શું અન્ય સાહિત્યપ્રકારની, માત્ર પ્રતીકમાં જ નથી સમાઈ જતી. સાહિત્યકૃતિના વિષય, માવજત અને ખાસ તો સર્જકની દૃષ્ટિ પણ એનાં મૂલ્યાંકનમાં મહત્ત્વનાં અંગો ગણાય. આ અંગોને નવીનતાની દૃષ્ટિએ અવલોકીએ તો કહેવું પડે કે ટૂંકી વાર્તામાં આ પ્રકારની નવીનતાઓ તો વર્ષો પહેલાં બકુલેશ, જયંત ખત્રી, જિતુભાઈ મહેતા વગેરે અજમાવી ચૂકેલા. ધૂમકેતુ અને દ્વિરેફ કરતાં ઘણી રીતે જુદી પડતી વાર્તાઓ લખનાર આ ત્રિપુટી પ્રત્યે વિવેચકોનું આજેય પૂરતા પ્રમાણમાં ધ્યાન ગયું ન હોવાથી ગુજરાતી વાર્તાસાહિત્યનો ઇતિહાસ એકાંગી જેવો બની રહ્યો છે. આજે નવતર વાર્તાકારો કથાવસ્તુ અને આયોજનમાં જે નવીનતા લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે એનાં બીજ આ જૂની કથાકારત્રિપુટીએ વાવેલાં એમ કહી શકાય. પ્રતીકની જેમ આ નવીનતા ઉપર પણ વધારે પડતું વજન આપવા જેવું નથી લાગતું. આજે આપણે જેને નવી વાર્તા ગણીએ છીએ એ પણ કાળક્રમે જૂની થઈ જશે અને ત્યારે એની જીવાદોરીનો આધાર નવીનતા કરતાં એમાં રહેલા વાર્તાતત્ત્વ પર જ રહેવાનો. પંચતંત્રની વાર્તાઓ રચાઈ હશે ત્યારે ઘણી નવીન લાગી હશે, આજે એ એટલી જ જૂની થઈ ગઈ હોવા છતાં એમાંના અંતર્ગત વાર્તાતત્ત્વને બળે ટકી રહી છે. તે, આવતી કાલે જૂની બની જનાર છતાંય પોતાના વાર્તાતત્ત્વ વડે ટકી રહેનારી ભવિષ્યની વાર્તાઓ કેવી હશે? એનું સ્વરૂપ કેવું હશે? આગાહી કરવાનું તો અઘરું છે, પણ એક અવલોકન કરી શકીએ. આજે કાવ્યમાં અને વાર્તામાં એક સૂક્ષ્મ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે. કાવ્યરચનાઓ છંદોનાં બંધનો શક્ય તેટલાં હળવાં કરીને ધીમે ધીમે ગદ્યની મોકળાશનો લાભ લેવા લાગી છે. આ નિરીક્ષણની બાબતમાં પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ તાજેતરમાં સંમત થયા છે. કવિતા ધીમે ધીમે ગદ્ય તરફ સરકી રહી છે. સામે પડછે ટૂંકી વાર્તા, ગદ્યનાં કેટલાંક ચરમ શિખરો સર કર્યાં બાદ કોઈક નવાં પરિમાણની શોધમાં કાવ્યની દિશામાં સરકતી જાય છે, કાવ્યનાં કેટલાંક લક્ષણોનો લાભ લેતી જાય છે; વસ્તુ, પ્રતીક, સંજ્ઞા, આલેખન, શૈલી અને શબ્દયોજના સુદ્ધાંમાં એ કવિતાની દિશામાં આગળ વધતી જાય છે. આમાં કવિતાના ભાવિ વિશે તો કશી આગાહી કરવાનું અહીં અપ્રસ્તુત ગણાય, પણ વાર્તા વિશે એવું અનુમાન કરી શકાય કે એકાદ દાયકામાં એ ગદ્ય અને પદ્ય બન્નેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે. પેલાં પ્રતીકોની પરિભાષામાં જ કહીએ તો, વરુ અને કૂતરાની મિશ્ર ઓલાદ તરીકે જેમ એલ્શેશિયન શ્વાનની પ્રાપ્તિ થઈ, એમ આ ગદ્ય અને પદ્ય સાહિત્યપ્રકારોના સંમિશ્રણમાંથી કાવ્યમય ગદ્યકથાઓ લખાતી થાય તો નવાઈ નહિ. સંભવ છે કે આરંભમાં એનું સ્વરૂપ પેલા એલ્શેશિયન શ્વાન જેવું જ જરા વરવું કે બિહામણું લાગે; પણ સમય જતાં એ આંખને અને પછી રુચિતંત્રને પણ જચી જશે ત્યારે એ નીપજ અવશ્ય નમણી લાગશે અને રહેતે-રહેતે આસ્વાદ્ય પણ જણાશે. મુંબઈ રેડિયો પરથી પ્રસારિત, એપ્રિલ ૧૯૫૯

(‘વાર્તાવિમર્શ’)