સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/નવમા દાયકાની વિવેચના

From Ekatra Foundation
Jump to navigation Jump to search


(૫) નવમા દાયકાની વિવેચના

‘સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દૃષ્ટિથી સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટ કરે તે વિવેચક. આવો વિવેચક આપણે ત્યાં ક્યાં છે? આપણી સાહિત્યવિચારણા બહુધા પરોપજીવી છે અને આપણે સૌ વિવેચકો અવલોકનકારો કે સમીક્ષકો છીએ એવું જાણે લાગે છે.’ – જયંત કોઠારી (સાહિત્યિક તથ્યોની માવજત, ૧ ) ગુજરાતી વિવેચન વિશે આવો નિરાશાજનક સૂર અને ૧૯૮૧થી ૧૯૯૦ના દાયકા દરમિયાન આશરે અઢીસો જેટલા વિવેચનસંગ્રહોનું પ્રકાશન – આ બેનો મેળ પાડવો સામાન્ય વાચકને મુશ્કેલ લાગે પણ જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી જોઈએ. દાયકાની વિવેચનપ્રવૃત્તિનો આલેખ આપવાનું કામ અશક્ય નહીં તોય અઘરું તો છે. વિવેચનપ્રવૃત્તિ સાથે સંશોધન, સમ્પાદન વગેરેને પણ સાંકળી લઈએ તો કાર્ય વધુ વિકટ પુરવાર થાય. આગલા દાયકાની વિવેચનપ્રવૃત્તિ સાથે આ દાયકાની પ્રવૃત્તિને સરખાવીશું તો એની સમૃદ્ધિ કે દરિદ્રતાનો ખ્યાલ વધારે આવશે. સામ્પ્રત સાહિત્ય સાથે આ દાયકાના વિવેચનનો તાલ બેસે છે કે નહીં એ પ્રશ્નનો ચોક્કસ ઉત્તર આપી ન શકાય. કારણ કે આ વિવેચનસંગ્રહોમાં ગ્રંથસ્થ થયેલા લેખો તો ક્યારેક ૧૯૬૧થી ૧૯૭૦ સુધીના દાયકામાં પણ પ્રગટ થયા છે. એટલે આ દાયકાની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવા માટે તો નવમા દાયકાનાં સામયિકોમાં પ્રગટ થયેલા વિવેચનલેખોને ધ્યાનમાં રાખવા પડે, સામયિકોમાંથી જાય કૃતિઓ-લેખોનું ચયન કરવાની કોઈ સગવડ ન હોવાને કારણે કેટલીક તપાસ અધૂરી જ રહી જાય. સાહિત્યનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રે જૂનીનવી કલમો પ્રવૃત્ત છે અને મોટા ભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરાવવામાં આવતું હોવાને કારણે એનું ક્ષેત્ર સીમિત છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. બીજી ભાષાઓની જેમ આપણી ભાષામાં પણ વિવેચનપ્રવૃત્તિ વિદ્યાપીઠો પૂરતી સીમિત થઈ ગઈ છે અને એને કારણે પ્રજાના બહોળા વર્ગ સાથે એનું કશું અનુસન્ધાન રહ્યું નથી. જોકે સર્જનાત્મક સાહિત્ય અને વિશાળ વર્ગ વચ્ચે પણ જો વિચ્છેદ હોય તો વિવેચનની એવી માઠી દશા માટે ખરખરો કરવાની કશી અનિવાર્યતા નથી. કેટલાક ગણ્યાગાઠયા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના વિવેચનાત્મક ગ્રંન્થોની દરિદ્રતા આપણા સરેરાશ અધ્યાપકની દરિદ્રતાનું પ્રતિબિંબ પાડે છે. વળી ભારતીય વૈચારિક સન્દર્ભોના અભાવે અથવા તો એવા વૈચારિક સન્દર્ભો છે. એવા જ્ઞાનના અભાવે આપણી વિવેચના મોટા ભાગે પરોપજીવી રહી છે. આ દાયકામાં મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સમાજવિજ્ઞાન, ઇતિહાસ જેવાં ક્ષેત્રે તથા લલિત કળાઓના ક્ષેત્રે ભારતીય સર્જક-ચિંતક શું વિચારે છે તેનાથી આપણે મોટે ભાગે અસ્પૃશ્ય રહ્યા છીએ. આને કારણે એક વ્યાપક ફલક પર આપણી વિવેચના મુકાતી નથી. આ હકીકતથી સભાન થવાની જરૂર છે કારણ કે આવી સભાનતા જ ભવિષ્યમાં આપણને યોગ્ય દિશાઓમાં લઈ જશે. આઠમા દાયકાની વિવેચનપ્રવૃત્તિની વાત કરતી વખતે આ લખનારે વિવેચનક્ષેત્રે પ્રવર્તતા વિવિધ અભિગમોની તથા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ લેખમાં જુદી રીતે વાત માંડી છે. આરંભે જૂની પેઢીના, નવી પેઢીના કેટલાક મહત્ત્વના વિવેચકોએ ઊભા કરેલા પ્રશ્નો વિશે વિચારી જોઈએ. ગુજરાતી વિવેચકે ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને ત્યાર પછી અન્ય ભારતીય સાહિત્ય વિશે લખવું જોઈએ એવો આગ્રહ રાખીએ તો તે ખોટો નથી. જે ભાષામાં વિવેચન કરતા હોઈએ એ ભાષાના સાહિત્યને જો ધ્યાનમાં ન રાખીએ તો તળનું કાવ્યશાસ્ત્ર સર્જી ન શકાય. ઉમાશંકર જોશી હંમેશાં આવું તળનું કાવ્યશાસ્ત્ર રચતા આવ્યા હતા. ‘શબ્દની શક્તિ’માં સૈદ્ધાન્તિક લેખો ઓછા છે અને સર્જકો વિશેના લેખો વિશેષ છે. ભારતીય સાહિત્યનો પ્રસાર થાય તો જ ચિત્ર વધુ સમૃદ્ધ બની શકે. યુરોપીઅને સાહિત્ય અને વિવેચન સમૃદ્ધ છે કારણ કે ત્યાંની ભાષાઓમાં આદાનપ્રદાન સરળતાથી અને શીઘ્રતાથી થાય છે. આવા આદાનપ્રદાન માટેનો માર્ગ બતાવવામાં આવ્યો છે, ‘શરૂઆતમાં હિંદીમાં અને શક્ય હોય તો અંગ્રેજીમાં અનુવાદો અપાય, સ્થગિતતા તોડવાના કાર્યક્રમરૂપે ભારતની ભાષાઓનાં મહત્ત્વનાં પુસ્તકોના અનુવાદોનો એક કેન્દ્રીય નિધિ હિંદીમાં, બને તો અંગ્રેજીમાં, કરવો જોઈએ – જેનો લાભ બીજી ભાષાઓમાં અનુવાદ કરતી વખતે લઈ શકાય. કવિતાની બાબતમાં નાગરીમાં મૂળ પાઠ પણ આપવામાં આવે તો તે બહુ મદદરૂપ નીવડે.’ (૫૪) સાથે સાથે અનુવાદ ‘ભીતરના સર્જક કલાકારને અભિવ્યક્તિનાં ઓજારો અને ચરિત્રચિત્રણનું કૌશલ વિકસાવવામાં મદદરૂપ’ થતા હોઈ એનું મહત્ત્વ ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાન શાકુન્તલ’ના અનુવાદક ન પિછાને તો જ આશ્ચર્ય થાય. એટલે વળ્તોળનો મહિમા કરતી વખતે તેઓ કહે છે : ‘આ એક એવા કવિ છે કે જેના હાથનાં આંગળાંમાંથી બીજા કવિઓની હજારો પંક્તિઓ પસાર થઈ ગઈ છે અને એની-સ્વભાષાનો સ્વાંગ પામી છે. ’ (૬૧) આ ઉપરાન્ત બીજા બે પ્રશ્નો અહીં છેડવામાં આવ્યા છે. ઉમાશંકર જોશી સ્પષ્ટ રીતે માને છે કે ‘કવિની આંતરિક સમૃદ્ધિ સાથે યુગચેતનાનો તાર મળવો જોઈએ. તો જ સમયમાં મૂળ નાખી શકાય અને સમયને અતિક્રમી શકાય.’ બીજો પ્રશ્ન લયને લગતો છે. દુર્ભાગ્યે આ દિશામાં શોધનિબંધ લખનારાઓ અને લખાવનારાઓનું ધ્યાન જતું નથી. કવિ તરીકે લય દ્વારા તેઓ હંમેશાં આકર્ષાયા છે, પણ આ લય પારખવો બહુ મુશ્કેલ છે, કારણ કે ‘કવિતામાં શબ્દનો નાદ-એશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહઅવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સન્દર્ભના- આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે, પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છન્દ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમ કે ગીત અને છન્દની પહોંચમાં ન આવી શકતા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ને માટે સાચી છે. કવિતા અને તત્ત્વજ્ઞાન વિશે તેઓ ચર્ચા ઉપાડે છે પણ એ ચર્ચા આવા મોટા કવિવિવેચકને શોભે નહીં એવી સામાન કક્ષાની રહી જવા પામી છે, એટલે આ પ્રશ્ન ઊભડક રહી જવા પામ્યો છે. ઉમાશંકર જોશી જો ભારતીય સાહિત્યની જિકર વધુ રાખે છે તો સુરેશ જોષી પશ્ચિમ સાહિત્ય અને ભિન્ન ભિન્ન વિવેચનાત્મક અભિગમોનો પરિચય ગુજરાતને કરાવવાન આગ્રહી છે. એમ તો હરિવલ્લભ ભાયાણી પણ અવારનવાર પશ્ચિમનાં વિચારવલણોથી વાચકોને પરિચિત કરે છે. તેઓ ભારતીય સંસ્કૃતિ-કળાવિચારમાં દૃઢ આસ્થા રાખીને બેઠા છે. વળી, આધુનિકતાએ સર્જેલા વ્યામોહથી તેઓ વધુ ચિંતિત રહે છે, એટલ પશ્ચિમી વિચારવલણોમાં રહેલાં જોખમોની વાત તારસ્વરે અવારનવાર કરતા રહે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો એવો ઝુકાવ સુરેશ જોષીની વિવેચનામાં નહીં દેખાય; છે. તેમના સર્જનમાં દેખાશે. સુરેશ જોષીની વિવેચનામાંથી એકી સાથે પસાર થનારને એક બીજું અચરજ થશે. તેમની વિવેચનામાં એક સાથે બે પ્રકારના અભિગમ ભળેલા છે. એક બાજુ સૈદ્ધાન્તિક રીતે તેઓ રૂપરચનાવાદનો પુરસ્કાર કરે છે પરન્તુ જ્યારે કોઈ ‘શરૂઆતમાં હિંદીમાં અને શક્ય હોય તો અંગ્રેજીમાં અનુવાદો અપાય, સ્થગિતતા તોડવાના કાર્યક્રમ રૂપે ભારતની ભાષાઓનાં મહત્ત્વનાં પુસ્તકોના અનુવાદોનો એક કેન્દ્રીય નિધિ હિંદીમાં, બને તો અંગ્રેજીમાં, કરવો જોઈએ – જેનો લાભ બીજી ભાષાઓમાં અનુવાદ કરતી વખતે લઈ શકાય. કવિતાની બાબતમાં નાગરીમાં મૂળ પાઠ પણ આપવામાં આવે તો તે બહુ મદદરૂપ નીવડે.’ (૫૪) સાથે સાથે અનુવાદ ‘ભીતરના સર્જક કલાકારને અભિવ્યક્તિનાં ઓજારો અને ચરિત્રચિત્રણનું કૌશલ વિકસાવવામાં મદદરૂપ’ થતા હોઈ એનું મહત્ત્વ ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાન શાકુન્તલ’ના અનુવાદક ન પિછાને તો જ આશ્ચર્ય થાય. એટલે વળ્તોળનો મહિમા કરતી વખતે તેઓ કહે છે : ‘આ એક એવા કવિ છે કે જેના હાથનાં આંગળાંમાંથી બીજા કવિઓની હજારો પંક્તિઓ પસાર થઈ ગઈ છે અને એની-સ્વભાષાનો સ્વાંગ પામી છે.’ (૬૧) આ ઉપરાન્ત બીજા બે પ્રશ્નો અહીં છેડવામાં આવ્યા છે. ઉમાશંકર જોશી સ્પષ્ટ રીતે માને છે કે ‘કવિની આંતરિક સમૃદ્ધિ સાથે યુગચેતનાનો તાર મળવો જોઈએ. તો જ સમયમાં મૂળ નાખી શકાય અને સમયને અતિક્રમી શકાય.’ બીજો પ્રશ્ન લયને લગતો છે. દુર્ભાગ્યે આ દિશામાં શોધનિબન્ધ લખનારાઓ અને લખાવનારાઓનું ધ્યાન જતું નથી. કવિ તરીકે લય દ્વારા તેઓ હંમેશાં આકર્ષાયા છે, પણ આ લય પારખવો બહુ મુશ્કેલ છે, કારણ કે ‘કવિતામાં શબ્દનો નાદ-અંશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહઅવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સન્દર્ભના – આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે, પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છન્દ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમ કે ગીત અને છન્દની પહોંચમાં ન આવી શકતા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ને માટે સાચી છે. કવિતા અને તત્ત્વજ્ઞાન વિશે તેઓ ચર્ચા ઉપાડે છે પણ એ ચર્ચા આવા મોટા કવિવિવેચકને શોભે નહીં એવી સામાન્ય કક્ષાની રહી જવા પામી છે. એટલે આ પ્રશ્ન ઊભડક રહી જવા પામ્યો છે. ઉમાશંકર જોશી જો ભારતીય સાહિત્યની જિકર વધુ રાખે છે તો સુરેશ જોષી પશ્ચિમી સાહિત્ય અને ભિન્ન ભિન્ન વિવેચનાત્મક અભિગમોનો પરિચય ગુજરાતને કરાવવાના આગ્રહી છે. એમ તો હરિવલ્લભ ભાયાણી પણ અવારનવાર પશ્ચિમનાં વિચારવલણોથી વાચકોને પરિચિત કરે છે. તેઓ ભારતીય સંસ્કૃતિ-કળાવિચારમાં દૃઢ આસ્થા રાખીને બેઠા છે. વળી, આધુનિકતાએ સર્જેલા વ્યામોહથી તેઓ વધુ ચિંતિત રહે છે, એટલે પશ્ચિમી વિચારવલણોમાં રહેલાં જોખમોની વાત તારસ્વરે અવારનવાર કરતા રહે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો એવો ઝુકાવ સુરેશ જોષીની વિવેચનામાં નહીં દેખાય; હી. તેમના સર્જનમાં દેખાશે. સુરેશ જોષીની વિવેચનામાંથી એકી સાથે પસાર થનારને એક બીજું અચરજ થશે. તેમની વિવેચનામાં એક સાથે બે પ્રકારના અભિગમ ભળેલા છે. — એક બાજુ સૈદ્ધાન્તિક રીતે તેઓ રૂપરચનાવાદનો પુરસ્કાર કરે છે પરન્તુ જ્યારે કોઈ કૃતિ વિશે તેઓ લખે છે ત્યારે ફિનોમિનોલોજીના પ્રભાવે તેમનામાં રહેલો પ્રભાવવાદી જીવ સક્રિય થઈ બેસે છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ની અસરકારકતા પાછળ આ પ્રકારના વલણે ખાસ્સો ભાગ ભજવ્યો હતો. આ દાયકામાં પ્રગટ થયેલા ‘ચિંતયામિ મનસા’(૮૨) અને ‘અષ્ટમોડધ્યાય’ની વિવેચના અગાઉના સંગ્રહો જેવી નથી. તેઓ આપણને અહીં સારાનુવાદ, દોહન, વિવરણ દ્વારા અધુનાતન વિચારણાઓનો પરિચય કરાવવા માગે છે પણ ઘણી વાર તેઓ પોતાના વ્યક્તિત્વથી વિરુદ્ધની દિશાઓ અપનાવે છે. દા.ત. ભાષાકીય સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન વગેરે વગેરે. એમનું ક્ષેત્ર છે તત્ત્વજ્ઞાન અને સાહિત્યના સમ્બન્ધો તપાસવાનું. નરહરિની જ્ઞાનગીતાને નિમિત્તે ભારતીય તત્ત્વજ્ઞાનમાં ઊંડે ઊતર્યા હતા તેનાથી ખ્યાલ આવે કે આ દિશામાં તેઓ ઘણું કરી શક્યા હોત. આ બંને ગ્રંન્થોમાં દોહન આપવાનું વલણ વિશેષ હોવાને કારણે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને વ્યવસ્થિત રજૂ કરી શકાયા નથી. તેમને અર્થઘટન નામની પ્રવૃત્તિ સામે પહેલેથી વાંધો અને છતાં તેઓ કૃતિઆસ્વાદમાં અર્થઘટન તો કરતા જ રહ્યા હતા. કૈક અનુદાર કહી શકાય એવી રીતે તેઓ જણાવે છે : ‘જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. ... અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કલાદ્વેષ જ પ્રકટ થતો હોય છે.’ (ચિંતયામિ મનસા, ૧૧) પણ અર્થઘટન માત્રનો સૈદ્ધાન્તિક વિરોધ ન કરી શકાય. કારણ કે પ્રચ્છન્નપણે આવો - વિરોધ કરનાર વ્યક્તિ સામી વ્યક્તિ કલાને પામી શકતી જ નથી એમ માની બેસે છે. પણ સુરેશ જોષીના એક બીજા વિધાનને કેવી રીતે જોશો? ‘કોઈ એક સાહિત્યકૃતિનાં ઘટકોનાં સંશ્લેષ અને સંરચના વિશેની પ્રાથમિક સ્થાપના તે અર્થઘટન. જે પ્રસ્તુત અંશોને આવરી લઈ શકે તે અર્થઘટન વધુ કાર્યકર.’ (એજન, ૧૨૯) ધારો કે અર્થઘટનની પ્રવૃત્તિ નામે વાહિયાત છે પણ જગતમાં એક મોટો વર્ગ છે - અને તે અર્થઘટનની પ્રવૃત્તિને આવકારે છે. હર્મેન્યૂટિકલ થિયરી વાસ્તવમાં શું છે? હરિવલ્લભ ભાયાણીએ એન. એ. સ્કોટની મદદ લઈને હાન્સ ગાડામેરના ગ્રન્થ ‘ટ્રુથ ઍન્ડ - મેથડ’નો પરિચય કરાવ્યો છે તે આ સન્દર્ભમાં મહત્ત્વપૂર્ણ છે : ‘ગાડામેરની વિચારણાનો - વિષય છે : ‘સમજણ અને અર્થઘટનના સ્વરૂપની તપાસ – એટલે આકલનનો સિદ્ધાન્ત. તેમને મતે ઐક્યસૂચક ઉપમાનો, પ્રતિરૂપો કે સિદ્ધાન્તો ઘડી કાઢવાં એ મનુષ્યપ્રાણીની વિશિષ્ટ પ્રકૃતિ છે. આ ઉપમાનો દ્વારા, સમગ્ર ‘ખદબદતું’ અસ્તિત્વ એ વાસ્તવનું એક ખરેખર અખંડ ક્ષેત્ર હોવાનું પ્રતીત થાય. પોતાની પ્રકૃતિથી જ મનુષ્ય ‘હોવું એટલે શું?’ એની ખોજ કરવા બંધાયેલો છે, કહો ને કે સમજવું, અર્થ ઘટાવવો એ તેને માટે સ્વભાવગત છે, જગતમાં રહેવાની તેની એ રીત છે.’ (કાવ્યકૌતુક ૧૧૭) ઘણી વાર આવી દોહનપ્રવૃત્તિ વિવેચકની પોતાની વિચારણા સ્પષ્ટ થવા દેતી નથી, એટલે સુરેશ જોષીના એક લેખને ધ્યાનમાં રાખીને પ્રમોદકુમાર પટેલ કહે છે : ‘પણ પ્રસ્તુત લેખમાં ‘અર્થઘટનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ભૂમિકા સાંપડતી નથી એ આપણી મૂંઝવણ બની રહે છે.’ (ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ ૧૫૩) આમ છતાં હેરલ્ડ બ્લૂમ, ઇહાબ હસન જેવા વિવેચકોનો અવારનવાર પરિચય તેઓ કરાવતા રહ્યા છે. કોઈએ આ બધી વિચારણાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્યનો વિચાર કરવો જોઈતો હતો, જેથી એની પ્રસ્તુતતા વધુ યોગ્ય સન્દર્ભમાં પ્રસ્થાપિત કરી શકાય. ગુજરાતી વિવેચન વિશેનો અસન્તોષ ‘અષ્ટમોઽધ્યાય’માં એક કરતાં વધારે વખત દાખવવામાં આવ્યો છે, એ અસન્તોષને દૂર કરવાનું કાર્ય અનુગામી વિવેચનાનું. ગુજરાતી, ભારતીય અને સામ્પ્રત વિદેશી કથાસાહિત્યના પ્રવાહો નવલકથાને જે દિશામાં લઈ જવા મથી રહ્યા છે તે દિશાને સુરેશ જોષી જે ફલોબેરને ટાંકે છે તે સ્વીકારી શકે એમ નથી, ‘આ અવકાશમાં અધ્ધર રહેલી પૃથ્વી કશા આધાર વિના ટકી રહી છે. એને જો આધાર હોય તો અન્ય ગ્રહોની અને પોતાની ગતિના સંવાદી લયનો જ આધાર છે તેમ નવલકથાને પણ કશા બાહ્ય આધારની અપેક્ષા નથી. એ રચનાબંધથી જ સમાહિત સમ્ભૂત થઈને રહી શકે.’ (અષ્ટમોડધ્યાય ૬૩) જૂની પેઢીના વિવેચકોમાં નગીનદાસ પારેખનું નામ મોખરાનું છે. વિવેચનના પરમ્પરાગત અર્થમાં નહીં પણ વ્યાપક અર્થમાં તેમને આપણે વિવેચક કહી શકીએ. તેમના વિવેચનગ્રંથ ‘વિક્ષા અને નિરીક્ષા’ (૧૯૮૧)માં પરમ્પરાગત વિવેચનના કેટલાક પ્રશ્નો અનુવાદ-દોહન રૂપે મૂકી આપવામાં આવ્યા છે. ક્રોચે વિષયક લેખ અહીં ટાંકી શકાય. ગુજરાતી વિવેચનમાં ક્રોચે વિશે કશી સામગ્રી ઉપલબ્ધ નથી, ત્યારે આ પ્રકારના લેખનું મહત્ત્વ સવિશેષ આંકી શકાય. નગીનદાસ પારેખ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી હોવાના કારણે પૂર્વપશ્ચિમનાં કેટલાંક સામ્ય ચીંધી શકે છે, એ રીતે ‘ઓબ્જેક્ટીવ કૉરિલેટિવ’ને પ્રતીતિઉપાયવૈકલ્ય સાથે સાંકળે છે અને વર્ણન-આલેખન જેવા શબ્દોને બદલે ‘નિરૂપણ’ શબ્દને સંજ્ઞા તરીકે યોજવાની ભલામણ કરે છે. પરન્તુ ક્રોચેની ચર્ચા કરતી વખતે પ્રકારનિષ્ઠ વિવેચનનો છેદ કયા પ્રકારના પ્રશ્નો જન્માવી આપે એ ચર્ચા અહીં ટાળવામાં આવી છે. વાસ્તવમાં આવી ચર્ચા વિશદતાથી થવી જોઈએ. આ વિવેચના રૂપરચનાનો સ્વીકાર કરે છે, ‘ભાવ ગમે તેટલો ઉદાત્ત કે મહાન હોય તો પણ તે અનુરૂપ ઘાટ ન પામ્યો હોય તો રચના સાહિત્ય બનવા પામતી જ નથી.’ (વિક્ષા અને નિરીક્ષા, ૮૩) પણ રૂપરચનાવાદી વિવેચન જો કૃતિ પૂર્વેના આયોજનનો અસ્વીકાર કરવા માગતું હોય અર્થાત્ કૃતિનિર્માણ પૂર્વે સર્જકના ચિત્તમાં રહેલા આશયનો અસ્વીકાર કરવા માગતું હોય તો એ ભૂમિકા નગીનદાસ પારેખ સ્વીકારી શકે એમ નથી. તેમની વિવેચના એક બાજુ હડસન જેવા આજે કાળગ્રસ્ત લાગે એવા વિવેચકની આસપાસ ઘુમરાય છે અને બીજી બાજુ ‘ભાવક વગરની કલાની કલ્પના કરવી મુશ્કેલ છે. (૮૫) જેવી આધુનિકોએ સ્વીકારેલી વિચારણા છે. તેમણે જેવી રીતે ક્રોચે ઉપર આપણું ધ્યાન દોર્યું તેવી રીતે રમણલાલ જોશીએ મેથ્યુ આર્નલ્ડ ઉપર ધ્યાન દોર્યું છે. નગીનદાસ પારેખનું મહત્ત્વનું અર્પણ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ અને કુન્તકકૃત ‘વક્રોક્તિજીવિત’ના અનુવાદો છે. હવે આપણને મમ્મટ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુન્તક જેવા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓના અનુવાદો મળે છે. ભોજના ‘શૃંગારપ્રકાશ’નો અનુવાદ હજી બાકી છે. આ અનુવાદગ્રન્થોને આધારે આ મહાન પરંપરાને હવે આપણે આપણા સન્દર્ભમાં તપાસી શકીશું. આપણા જમાનામાં કોઈ વિવેચક પાસેથી આશરે સાતસો પૃષ્ઠનો વિવેચનગ્રન્થ મળે તો તેમાં અચરજ પામવા જેવું નથી. અનંતરાય રાવળ કૃત ‘અનુદર્શનો’ આવો દળદાર વિવેચનસંગ્રહ છે. સૈદ્ધાન્તિક વિવેચનમાં ભાગ્યે જ કશું પ્રદાન કરવા માગતી તેમની વિવેચના સર્જક અને કૃતિને કેન્દ્રમાં રાખીને ચાલે છે. વૈચારિક ઊહાપોહ, નવાં વિચારવલણોથી દૂર રહેવા માગતી આ વિવેચનાનો અભિગમ ઐતિહાસિક છે. વળી આત્યન્તિક અભિપ્રાયોથી દૂર રહેતા હોવાને કારણે વિવાદાસ્પદ કૃતિઓ, સર્જકોથી તેમની વિવેચના દૂર રહે છે. પરમ્પરાગત સાહિત્ય સામે જેવી રીતે આધુનિકો આક્રોશ ઠાલવે છે તેવો કોઈ આક્રોશ તેમની વિવેચના પ્રગટ કરતી નથી. પણ આપણી નવી પેઢીના વિવેચકો જેટલું વાંચીને બેઠા છે તેમની સરખામણીમાં આ વિવેચકે ખાસ્સું વાંચ્યું છે એમ કહી શકાય. જ્યોર્જ સાન્તાયના, માઇગ્વેલ ઉનેમુનો, કૉલરિજ, આર્નલ્ડ, સેઇન્ટ્સબરી જેવાઓનાં પુસ્તકો તેમણે વાંચ્યાં છે. ‘અનુદર્શનો’માં અનંતરાય રાવળનો ઐતિહાસિક અભિગમ અવારનવાર દેખા દેતો હોવા છતાં વિશિષ્ટ અર્થમાં તેમને આ અભિગમના પુરસ્કર્તા તરીકે ઓળખાવી શકાતા નથી. ગુજરાતી વિવેચનમાં નવી દૃષ્ટિથી આ અભિગમ અપનાવાયો ન હોવાને કારણે ઘણુંબધું ચર્વિતચર્વણ જેવું લાગે છે. દા.ત. આ ગ્રન્થના પહેલા જ લેખમાં પોણોસો વર્ષનું સરવૈયું આપણને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ પ્રશ્નોને હાર્દમાં ઊતરીને તપાસવામાં આવ્યા નથી, એવી જ રીતે ‘ગુજરાતની સાહિત્યચર્યા’ નામના લેખમાં નર્મદ-નવલરામથી આરંભાયેલી ગુજરાતી વિવેચનાનો અહેવાલ છે. વિવેચનનું સરવૈયું શોધનારને આવા લેખ મદદરૂપ થાય પણ કશી નવી દૃષ્ટિ એમાંથી સાંપડતી નથી.

આગલી પેઢીના વિવેચકોમાં સૌથી વધુ સક્રિય રહીને જો કોઈ કામ કરતું હોય તો તે હરિવલ્લભ ભાયાણી. મોટા ભાગના આધુનિકો કરતાંય તે વધુ સક્રિય હોવાને કારણે સાહિત્યવિવેચનમાં નવદીક્ષા લેનારાઓને માટે તેઓ ઉદીપક વિભાવ સમા પુરવાર થયા છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યના આસ્વાદે, અનુવાદે તેમની રુચિને પરમ્પરાગ્રસ્ત બનાવી દીધી નથી. ભાષાવિજ્ઞાનના પ્રત્યક્ષ પરિચયને કારણે ભાષાકીય સંરચનાવાદને બીજાઓની તુલનાએ તેઓ વધુ ન્યાય આપી શકે. પશ્ચિમના વિવેચનપ્રવાહોના સતત સમ્પર્કમાં રહેતા હોવાને કારણે તેમની વિવેચના સુરેશ જોષીન જેમ આ દાયકામાં આધુનિક-અનુઆધુનિક પ્રવાહોનો પરિચય કરાવતી રહી છે. આમ કરતી વખતે પૂર્વપશ્ચિમની વૈચારિક સમાન્તરતાઓ બતાવવી, આધુનિક સાહિત્યના વિવેચન માટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તોનો ઉપયોગ કરવો, પશ્ચિમમાંથી આણવામાં આવેલા વિવેચનપ્રવાહો પાછળ રહેલી અરાજકતાઓ સ્પષ્ટ કરવી, વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા છતાં સાહિત્યકૃતિ દ્વારા પ્રાપ્ત થતા આનન્દની સ્વીકૃતિ કરવી – આ દિશામાં તેમની વિવેચના ગતિ કરે છે. સાહિત્યવિવેચનના અનેક અભિગમોમાંથી એક અભિગમ સાચો અને બીજા ખોટા એ ગૃહીતનો વિરોધ તેમણે કર્યો હતો. પણ આપણે જોયું છે કે ગુજરાતી આધુનિક વિવેચનમાં ભાષાકર્મ સાથે સંકળાયેલો અભિગમ વિશેષ આગળ આવ્યો અને બીજા પાર્શ્વભૂમાં રહી ગયા. આમેય નવ્યવિવેચને ટેકનિક ઉપર વધુ પડતો ભાર આપીને કથયિતવ્યની ઉપેક્ષા કરી છે એવો એના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો પણ છેક આવું નહોતું. ક્લીન્થ બૂક્સનાં પુસ્તકો ઝીણવટથી જોવાથી આ વાતની ખાત્રી થશે. નવ્યવિવેચને ઐતિહાસિક અભિગમને સ્વીકાર્યો ન હતો એટલે જ્યારે રશિયન સ્વરૂપવાદ આવ્યો ત્યારે એ ભૂલ નિવારવાનો થોડો પ્રયત્ન થયો. પણ પછી ભાષાકીય સંરચનાવાદના સમયમાં ભાષા સર્વેસર્વા બની ગઈ. ભાષાવિજ્ઞાન સાથે સૌથી વધારે નિસબત ધરાવનાર હરિવલ્લભ ભાયાણી પ્રશ્ન ઉઠાવે છે, ‘સંસ્કૃત વિવેચન પણ આધુનિક વિવેચનની જેમ ચુસ્તપણે સ્વરૂપલક્ષી અને ભાષાલક્ષી જ હતું. આમાંથી ઉપસ્થિત થતો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે સંસ્કૃત કવિતાનો ઈતિહાસ દર્શાવે છે કે કવિતામાં જ્યારે સ્વરૂપ અને ભાષાકર્મ ઉપર વધુ ને વધુ ભાર મુકાતો જાય છે. અને કવિતાના આલંબન રૂપ અનુભવ સામગ્રી પરથી લક્ષ વધુ ને વધુ ખસતું જાય છે, ત્યારે અવનતિ ને હ્રાસની પ્રક્રિયા શરૂ થાય છે. ઉત્તરકાલીન કવિતા આનું નિદર્શન છે.’ (કાવ્યવ્યાપાર, ૨) આ વિવેચકને ભાષાવિજ્ઞાન અને સાહિત્યશાસ્ત્ર વચ્ચેના સમ્બન્ધોમાં તથા તેને અનુલક્ષીને એ બેમાં જે મૂળગામી ભેદ છે તે ચર્ચવામાં રસ વધુ છે. ભાષાવિજ્ઞાન સાહિત્યવિવેચનને જો ઉપકારક થતું હોય તો કઈ રીતે એ પ્રશ્નનો વિચાર ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’ તથા ‘સાહિત્ય-ભાષાવિજ્ઞાન’ નામના બે લેખમાં વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. આ લેખો વિવેચક સ્પષ્ટ કરે છે તેમ અનુવાદ રૂપે છે અને જ્યાં ટિપ્પણ આવશ્યક છે ત્યાં એ ઉમેરવામાં આવ્યાં છે. આવા એક લેખમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કે સાહિત્યિકતાનું પરિમાણ સાહિત્યિક તપાસપદ્ધતિથી ભાષિક પદ્ધતિને અલગ પાડે છે : ‘આ સાહિત્યિક પરિમાણનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? સેયસ કહે છે કે કથાવસ્તુ પાત્ર, વ્યક્તિત્વ, સ્વરૂપ (વ્યાપક અર્થમાં) એ સાહિત્યિક અનુભૂતિના એવાં તત્ત્વો છે જે ભાષાને અતિક્રમી જતાં દેખાય છે. ઓલ્સન પણ કહે છે કે કાવ્યગત ઊંડાણ અને સંકુલતા મુખ્યત્વે તો કાવ્યના કાર્ય અને પાત્રને કારણે હોય છે, અને એ તત્ત્વો વ્યાકરણની પકડમાં આવી શકતાં નથી. કાવ્યની પદાવલિ વ્યાકરણનો વિષય છે, પણ તેના પર ઊંડાણ અને સંકુલતા નિર્ભર નથી રહેતી.’ (કાવ્યવ્યાપાર, ૨૭) એવી જ રીતે સાહિત્યના ઇતિહાસ, કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓના પ્રશ્નોને ચર્ચવામાં આવ્યા છે. આની તુલનાએ ‘કાવ્યપ્રપંચ’માં સૈદ્ધાન્તિક વિચારણા ઓછી છે, પ્રાચીન મધ્યકાલીન કાવ્યના પ્રશ્નો વધુ ચર્ચાયા છે. પરન્તુ ‘કાવ્યકૌતુક’માં ફરી સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. અહીં પૂર્વપશ્ચિમના વિચારકોને કેન્દ્રમાં રાખીને શૈલીવિચાર કરવામાં આવ્યો છે. વળી જે આલંકારિકોની ચર્ચા આપણે ત્યાં પ્રમાણમાં ઓછી થઈ છે તે કુન્તક, ભોજને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કુન્તકના ‘વક્રોક્તિવિચાર’ ઉપર રાજેન્દ્ર નાણાવટીએ મહત્ત્વપૂર્ણ પુસ્તિકા લખી છે. આની સાથે હવે નગીનદાસ પારેખના અનુવાદ, તથા આધુનિક શૈલીરીતિવિચલનના ખ્યાલોને મહત્ત્વની કૃતિઓના સન્દર્ભે તપાસવા જોઈએ. આ ગ્રન્થમાં એક વિવાદ હ. ભાયાણીએ છેડ્યો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ઉપયોગિતા વિશે તો બે મત નથી. ભારતીય સાહિત્યવિચાર આત્મસાત્ થવો જ જોઈએ. પણ જેવી રીતે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરતી વખતે આપણી આધુનિક સાહિત્યવિભાવનાને બાજુ પર રાખવી પડે તેવી રીતે આધુનિક સાહિત્યની ચર્ચા કરતી વખતે આપણા પરમ્પરાગત કાવ્યશાસ્ત્રને બાજુ પર રાખીએ તો ચાલે કે નહીં? જે તે સાહિત્યવિચાર જે તે સમયના, સ્થળના સાહિત્યસર્જનના સન્દર્ભે પાંગર્યો હોય છે. એ બંનેથી અલગ કરીને સાહિત્યનું મૂલ્યાંકન કરી જ ન શકાય. એનો અર્થ એવો નથી કે સાહિત્યતત્ત્વમાં કશું ચિરંજીવ-શાશ્વત હોતું જ નથી. કૃતિનિષ્ઠ વિવેચનની મર્યાદા એ હતી કે તે કૃતિની બહાર જવા તૈયાર નહોતું. એનો અર્થ એ થયો કે મધ્યકાલીન સાહિત્યને એની શરતોને અધીન રહીને તપાસવું જોઈએ. આધુનિક સાહિત્યમાં ઘણુંબધું કૃતક હશે પણ જે સત્ત્વશીલ છે તેને એમના સન્દર્ભમાં રહીને પ્રમાણવું જોઈએ. હરિવલ્લભ ભાયાણીની ઉત્તરકાલીન વિચારણાનું એક કેન્દ્રવર્તી ગૃહિત ‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણે’માં જોવા મળશે. ‘સંસ્કૃત સાહિત્ય અને આપણે’ લેખમાં પશ્ચિમના પ્રભાવે કરીને જે આધુનિકતા પ્રસરી તેનો ભારતીય સંસ્કૃતિ ઉપર જે અનિષ્ટ પ્રભાવ પડ્યો છે તે વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિવેચક સંસ્કૃત સાહિત્યને મૂલ્યોના પ્રવર્તક તરીકે ઓળખાવે છે પરન્તુ મિસર, ગ્રીક સાહિત્ય-કળા, ચીનજાપાન વગેરેને પણ મૂલ્યપ્રવર્તક તરીકે ઓળખાવી શકાય એટલું જ નહીં ઔદ્યોગિક ક્રાન્તિ પૂર્વેના કળાજગતને પણ મૂલ્યપ્રવર્તક તરીકે ઓળખાવી શકાય. પ્રશ્ન માત્ર આટલો કે જેનો આપણને પરિચય નથી એવા બીજા ઘણા બધા પ્રવાહો આવીને ભળ્યા હોઈ શકે, એ બધાનો સમાસ કરવાનો કે નહીં? હવે જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે માત્ર સાહિત્ય કે કળા પૂરતો સીમિત રહેવાને બદલે એ આપણી સમગ્ર જીવનરીતિને આવરી લે છે. જો ટકી રહેવું હોય તો - સારી રીતે ટકવું હોય તો - ઘણોબધો પુનર્વિચાર કરવો પડે અને એમ કરવા જતાં સામ્પ્રત સાહિત્યકળાની વિભાવનાઓને પણ સંસ્કારવી પડે તો એ કરવાની તૈયારી રાખવી પડે. જૂની પેઢીની વિવેચના સામે ફરિયાદ એ કરવાની કે તેણે સિદ્ધાન્તચર્ચા, કૃતિનિષ્ઠ ચર્ચા ગંભીરતાથી હાથ ધરી નથી. જે સર્જકો પ્રસ્તાવનાઓ લખાવવા વિવેચકો પાસે આવે છે તેમને ખૂબ જ ઉદારતાથી પ્રમાણપત્રોની લહાણ કરવામાં આવે છે, આવી લ્હાણીને આધારે જો કોઈ સાહિત્યવિભાવના ઘડવા જાય તો સાવ માંદલી-પાણીપાતળી વિભાવના આપણી સામે આવે. આ વિવેચકો સામે ચાલીને ભાગ્યે જ કોઈ કૃતિ પાસે જતા હોય છે. એવી જ રીતે આ દાયકામાં વિવેચકોની કોઈ નવી પેઢી આવી નથી, સર્જનાત્મક ક્ષેત્રે પરિસ્થિતિ આવી નિરાશાજનક નથી. આનો અર્થ એ થયો કે નવી પેઢીની અભ્યાસવૃત્તિ ઘટવા માંડી છે. જૂની પેઢીના જે વિવેચકો સાહિત્યના અધુનાતન પ્રવાહોથી પરિચિત રહી એક અથવા બીજા નિમિત્તે સર્જકકેન્દ્રી, સ્વરૂપકેન્દ્રી લેખો લખતા રહે છે તેમાં રમણલાલ જોશી, ધીરુભાઈ ઠાકરનો સમાવેશ કરી શકાય. હવે આપણી વિવેચના વિવેચનપ્રક્રિયા વિશે વિચારતી થઈ છે, એમાં આવતાં સ્થિત્યન્તરોની તપાસ કરતાં કરતાં ગુજરાતી વિવેચનની લાક્ષણિકતાઓને તપાસવાના પ્રયત્નો રમણલાલ જોશી કરે છે. એમ કરવા જતાં ગુજરાતી વિવેચનની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરવાનું જરૂરી લાગે છે. પરન્તુ હવે કદાચ આ મર્યાદાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન મર્યાદા ચીંધનારે જ કરવો પડે. સામ્પ્રત ગુજરાતી વિવેચનની આટલી લાક્ષણિકતાઓ નોંધવામાં આવી છે. ૧. સવિશેષભાવે કૃતિલક્ષી હોય છે. ૨. સાહિત્યનાં ઊંચાં ધોરણો માટેની જિકર ૩. સાર કે સંદોહન આપવા કરતાં સંવેદનશીલતાનો પ્રતિભાવ આપવાનું વલણ ૪. સાહિત્યિક વિદ્વત્તાની દૃષ્ટિએ કંઈક ઊતરતી લાગે ૫. પરમ્પરાનો તિરસ્કાર, નવીનતા માટેની જિકર ૬. અન્ય કળાઓના સન્દર્ભમાં સાહિત્યકૃતિને મૂલવવાનું વલણ ૭. વિવેચનની ભાષામાં તાજગી ૮. સાહિત્યવિવેચનમાં ભાષાવૈજ્ઞાનિકતાનો પુરસ્કાર ૯. અંગત કેફિયતો આપવાનું વલણ ૧૦. વિશાળ ફલક પર ઝડપી અને ઉતાવળી સમીક્ષાઓ આપવાને બદલે ચોક્કસ ક્ષેત્રમાં બારીક પૃથક્કરણ આપવાનું વલણ. રમણલાલ જોશીએ સાહિત્યસ્વરૂપ વિશેના સળંગ ગ્રંન્થોના અભાવની ફરિયાદ કરી હતી. પરંતુ સુમન શાહ સમ્પાદિત ગ્રન્થશ્રેણીમાં ટૂંકી વાર્તા, નિબંધ, ખંડકાવ્ય, આત્મકથા, જીવનચરિત્ર, નવલકથા જેવાં સ્વરૂપો વિશે મર્યાદિત ઉદ્દેશો સાથે નાની નાની પુસ્તિકાઓ પ્રગટ થઈ હતી. વળી આ જ દિશામાં ટૂંકી વાર્તા, નિબન્ધ, એકાંકી જેવાં સ્વરૂપોના લેખો વધુ વ્યવસ્થિત ભૂમિકાએ જયંત કોઠારી પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. તેઓ સુધીર દલાલ જેવા કેટલાક ઉપેક્ષિત વાર્તાકારો વિશે યોગ્ય રીતે ધ્યાન પણ દોરી આપે છે. ‘સાહિત્યિક તથ્યોની માવજત’ (૧૯૮૯)માં વિવેચનક્ષેત્રે પ્રવર્તતી કટોકટીની વાત કરવામાં આવી છે. આપણી વિવેચનામાં સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટાવી શકે એવી મૌલિક દૃષ્ટિનો અભાવ જયંત કોઠારીને વરતાય છે. પશ્ચિમી વિવેચકો સાથે જ્યારે આપણા વિવેચકોને સરખાવીશું ત્યારે તેમની વાત સાચી લાગશે. સાહિત્યિક તથ્યો વિશેનું અજ્ઞાન ઘણા ગૂંચવાડા સર્જે છે એ અનેક દાખલાદલીલો સાથે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આમ બનવા પાછળનું એક કારણ કૃતિનિષ્ઠ વિવેચન પ્રત્યેનો આપણો ઉત્સાહ હોઈ શકે. આ અભિગમની અપૂર્ણતા ચીંધતા જયંત કોઠારી કહે છે : ‘કૃતિલક્ષી આસ્વાદ કે અભ્યાસનો અર્થ એ નથી કે કૃતિને ઇતર જગતથી સંપૂર્ણ રીતે વિચ્છિન્ન કરીને જોવી. એવો વિચ્છેદ શક્ય પણ નથી કેમ કે ઇતર જગત આપણા ચિત્તમાં પડેલું જ હોય છે. કૃતિને નિમિત્તે કૃતિબાહ્ય જગતમાં વિહરવું, કૃતિમાં કૃતિબાહ્ય બાબતોનું આરોપણ કરવું એ જુદી વાત છે પણ કૃતિમાં જે કંઈ પડેલું છે તેને સમજવા માટે કૃતિની બહાર જવું પડે તો એનો સંકોચ આપણે અનુભવવો ન જોઈએ.’(૭) સામાન્ય રીતે ગુજરાતી વિવેચન સંશોધનની સમસ્યાઓની ચર્ચાવિચારણા પણ કરતું નથી. આટલા બધા અધ્યાપકો પીએચ.ડી.ની પદવીથી વિભૂષિત અને નવા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરતા હોવા છતાં એ સંયોગોમાં જયંત કોઠારીએ સંશોધનની સમસ્યાઓ વિશે સર્વાંગી ચર્ચા કરતો લેખ લખ્યો છે. આપણી સાહિત્યિક સૂઝ ક્યારેક એટલી બધી કાચી પુરવાર થાય છે કે ગુજરાતી વિવેચન દયાજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય. નરસિંહ મહેતાની રચનાઓનો આસ્વાદ કરાવતું એક સમ્પાદન રઘુવીર ચૌધરીએ તૈયાર કરાવ્યું અને અમારા જેવા ઘણા આસ્વાદકો શહીદ થઈ ગયા. મધ્યકાલીન સાહિત્યનો આસ્વાદ એક આગવી શિસ્ત માગી લે છે. કૃતિની પરીક્ષા કૃતિગત ઘટકોને આધારે કરવાને બદલે નરસિંહના નામે કરવામાં આવી. કૃતિનિષ્ઠ અભિગમનો આ મોટામાં મોટો પરાજય. આવી ઘટના આપણી જ ભાષામાં બને છે એવું પણ નથી. આઈ.એ.રિચર્ઝને પણ આ અનુભવ થઈ ચૂક્યો છે. જયંત કોઠારીની સાથે પ્રમોદકુમાર પટેલની વિવેચનાને પણ સાંકળી લેવી જોઈએ. તેમણે પુરોગામી વિવેચનાની પરમ્પરાને જાળવી રાખીને હંમેશાં સળંગ અભ્યાસગ્રન્યો આપણને આપ્યા છે. ‘અનુભાવન’માં ગુજરાતી કવિતાને લગતા પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે. પણ આ દાયકામાં તેમણે બે મહત્ત્વના ગ્રન્થો આપ્યા તે વિવેચનના તત્ત્વજ્ઞાન વિશેના હતા. ગુજરાતી વિવેચને કેટલીક દિશાઓ તાગવાની બાકી રાખી હતી તેમાં આ પણ હતી. જેઓ પશ્ચિમના વિવેચનથી માહિતગાર છે તેમને તો ખ્યાલ છે જ કે વિલિયમ રાઇટર, સ્ટીફન પીપર, હેરલ્ડ ઓસ્બોર્ન, મોનરો બિઅર્ડઝલી જેવા ઘણા ચિંતકોએ આ દિશામાં અર્પણ કર્યાં છે. ગુજરાતી વિવેચન જ્યાં સુધી સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યનું તત્ત્વજ્ઞાન, સૌન્દર્યશાસ્ત્ર, કૃતિવિવેચન સાથે સમ્બન્ધ ન રાખે ત્યાં સુધી તે ગતાનુગતિકતામાંથી ઊગરી ન શકે. આ માટે સૌથી મહત્ત્વની આવશ્યકતા છે સાહિત્યની વિભાવના વિશેની સ્પષ્ટતાઓની. રને વેલેક-ઑસ્ટીન વોરેનના ‘થિયરી ઑવ્ લિટરેચર’ જેવું પુસ્તક ગુજરાતીમાં તૈયાર થવું જોઈએ. પરંતુ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી અને ભારતીય કળાસાહિત્યમાંથી દૃષ્ટાન્તો લઈને આખું પુસ્તક તૈયાર કરવું જોઈએ. પ્રમોદકુમાર પટેલને પણ આની અનિવાર્યતા વરતાઈ છે : ‘સાહિત્યના સ્વરૂપ વિશે જો કોઈ સમજ જ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય? (ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર, ૧૯૮૫) તેમણે પોતાના આ ગ્રન્થમાં નર્મદ-નવલરામથી માંડીને અત્યાર સુધીના વિવેચકોએ વિવેચન વિશે શું શું વિચાર્યું તેની ઐતિહાસિક સમાલોચના તૈયાર કરી છે. એ રીતે વિવેચનનાં સ્વરૂપ, પદ્ધતિ, અભિગમ વગેરેનું પૃથક્કરણ વ્યવસ્થિત રીતે અહીં કરવામાં આવ્યું છે. આ ગ્રન્થનું અનુસન્ધાન ‘વિવેચનની ભૂમિકા’ (૧૯૯૦)માં જોવા મળે છે. અત્યાર સુધી ગુજરાતી વિવેચન દોષારોપણ કરતું રહ્યું હતું. દરેક પેઢીએ ભૂતકાળની પેઢીને તો ઘણી વાર સામ્પ્રતને દોષિત ઠરાવી હતી. આ દોષારોપણમાંથી પ્રમોદકુમાર પટેલ ઊગરી જાય છે અને તેઓ પોતે ગુજરાતી વિવેચનની ઊણપ દૂર કરવાનો પડકાર ઝીલે છે. એ રીતે આકારવાદી અભિગમ, સાહિત્ય અને મનોવિજ્ઞાન, પાશ્ચાત્ય વિવેચનની નવી વિભાવનાઓ, રોમેન્ટિસીઝમ, વાસ્તવવાદ જેવા વિષયો ઉપર વિચારણા કરે છે – કાવ્યવિચારના તાત્ત્વિક સંદર્ભો શોધવાનો તેમનો આગ્રહ છે. એટલે કાવ્યનું સ્વરૂપ, કાવ્યનું કાર્ય, કાવ્યનું સ્થાન, કાવ્યાનુભવ, કાવ્યની સર્જનપ્રક્રિયા, કવિતાનું મૂલ્ય, કાવ્યમાં અર્થ, કવિનું અંગત વિશ્વ વગેરે પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે. પણ આવી ચર્ચા કરનારા પ્રમોદકુમાર પટેલે પોતાને ઊભા રહેવા માટે એક નિજી પીઠિકા ઊભી કરી છે. ‘કાવ્યમાં કશુંક એવું ગહન ગંભીર રહસ્ય પ્રગટ થાય છે જેને કારણે કોઈ પણ જિજ્ઞાસુ એની ઉપેક્ષા કરી શકતો નથી.’ આ વિવેચક ચૈતન્યલક્ષી અભિગમ પ્રત્યેનો પોતાનો ઝોક સ્પષ્ટ કરી આપે છે. વળી તેઓ માને છે કે વિવેચનની વિભાવનાઓ સાહિત્યમાં એકાએક આવી ચઢતી નથી, તેમને પણ પોતાનો ઇતિહાસ હોય છે, એક ચોક્કસ સન્દર્ભ હોય છે. હા, આવો સન્દર્ભ ઉપસાવી આપવા જતાં તેઓ ઉપરછલ્લા, ઊભડક પરિચયમાં સરી પડે છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન જેવા વિષયને ચર્ચવા માગતા હોઈએ તો કોઈ એક જ કૃતિનાં જુદાં જુદાં વિવેચનોને આધારે આ પ્રશ્ન ચર્ચી શકાય. ‘કોઈ એક અતિ સંકુલ અને સમૃદ્ધ કૃતિ વિશે જુદી જુદી પદ્ધતિએ વિવેચન-અધ્યયન કરવામાં આવ્યું હોય અને જુદા જુદા અભિગમથી વિચારતાં કૃતિનાં જુદાં જુદાં અર્થઘટનો અને સ્પષ્ટીકરણોના મતભેદોનું તાર્કિક નિરાકરણ શક્ય છે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. આવું દરેક અર્થઘટન બીજા અર્થઘટનનો ખરેખર છેદ ઉડાડે છે કે તેની પરિપૂર્તિ કરે છે કે તેમાં એક યા બીજું અર્થઘટન જ પ્રમાણભૂત છે?’ વાસ્તવમાં તો ભાવિ સૈદ્ધાન્તિક વિવેચને કેવો માર્ગ અપનાવવો જોઈએ તેનો એક આલેખ આ નિમિત્તે પ્રમોદકુમાર પાસેથી આપણને મળે છે. : ૧. કૃતિવિવેચનમાં પ્રયોજાતી પાયાની સંજ્ઞાઓનું તાર્કિક સ્પષ્ટીકરણ ૨. વિવેચન અને સાહિત્યશાસ્ત્ર કે સૌન્દર્યમીમાંસા વચ્ચેના સમ્બન્ધના પ્રશ્નો ૩. કૃતિ વિશેના એસ્થેટિક જજમેન્ટના તાર્કિક સમર્થનને લગતા પ્રશ્નો અને વિવેચનના ભિન્ન ભિન્ન વાદને કારણે સર્જાતી પદ્ધતિઓ અને તેના પ્રશ્નો ૪. અર્થઘટન, મૂલ્યાંકનના પ્રશ્નો અને વિવેચન સાથે તેમનો સમ્બન્ધ ૫. વિવેચનના ભિન્ન ભિન્ન વાદને કારણે સર્જાતી પદ્ધતિઓ અને તેના પ્રશ્નો ૬. કૃતિ વિશેના મતમતાન્તરોનું સ્વરૂપ ૭. કૃતિના મૂલ્યાંકન માટેનાં ભિન્ન ભિન્ન ધોરણો ૮. કૃતિના ઊહાપોહનું તાર્કિક સ્વરૂપ સાહિત્યવિષયક વાદ, વિવેચનના અભિગમ વિશે વ્યવસ્થિત વિચારણા કરવામાં પ્રમોદકુમાર પટેલ મોખરે રહે છે. વળી માત્ર પશ્ચિમી વિવેચનને આધારે નહીં પણ ગુજરાતી વિવેચનને સાથે રાખીને આપણા સન્દર્ભમાં પોતાની વિવેચનના પ્રસ્તુત બનાવી આપે છે. આ દાયકાની વિવેચનાને સમૃદ્ધ કરનાર બીજા બે વિવેચકો : ચન્દ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહ ભાષાકીય સંરચનાવાદની મદદથી વિવેચનમાં નવો અભિગમ સ્થાપવા મથે છે. ‘પ્રતિભાષાનું કવચ’(૧૯૮૪) ગુજરાતી કવિતા વિશેના જુદા જ દૃષ્ટિકોણથી લખાયેલાં વિવેચનોનો સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં કૃતિલક્ષી ચર્ચાઓ મોટે ભાગે આસ્વાદલક્ષી કે વિવરણાત્મક રહી છે; ઘણી વાર એમાં પ્રભાવવાદી સૂર પણ ભળી ગયેલો હોય છે પરન્તુ નવાં વિચારવલણોની જાણકારી સાથે વિવેચન થવું જોઈએ. ચન્દ્રકાન્ત ટોપીવાળાની વિવેચનાને બે લાભ છે, એક બાજુ તેઓ નવાં વિચારવલણોથી પ્રભાવિત છે અને બીજી બાજુ ગુજરાતી કવિતાથી ખાસ્સા પરિચિત છે. આધુનિકતા તરફ ઢળેલા હોવા છતાં પરમ્પરાગત સાહિત્યને પોતાની ચેતનામાં સમાવી બેઠા છે. આનું પરિણામ એ આવે છે કે ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાન્તો કૃતિઓની કસોટીએ ચઢે છે અને એમને સ્વીકારવા ન સ્વીકારવાનો નિર્ણય કરવાની તક વાચકને પ્રાપ્ત થાય છે. કાવ્યની ભાષામાં વ્યવહાર ભાષાથી વિરુદ્ધની ભૂમિકા જોવા મળે છે, કાવ્યની ભાષા અંગત ઘટના છે જ્યારે ભાષા સામાજિક ઘટના છે, આ બધી વાત સ્વીકારવા છતાં કાવ્યની ભાષામાં સામાજિક અંશો ભળેલા હોય જ. ચન્દ્રકાન્ત ટોપીવાળાને આધુનિકતા પ્રત્યે પક્ષપાત છે અને ક્યારેક તેનો અતિરેક થતો લાગશે. મીરાં, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ અને અનિલ જોશીનાં ગીતોની સરખામણી કરીને અનિલ જોશીની કવિતાને ચઢિયાતી મનાવવાનો પ્રયત્ન કરે છે. સંસ્કૃત કાવ્યજ્ઞ આનંદવર્ધનની ભૂમિકાને આધારે ‘ભોળી રે ભરવાડણ’ પદનો આસ્વાદ કરાવવામાં આવ્યો છે. પણ આ વિવેચનનું બીજું ભયસ્થાન છે : સિદ્ધાન્તચર્ચા અને કૃતિવિવેચન વચ્ચે અન્તર પડી જાય તો? ‘શ્રાવણી મધ્યાહ્ને’ની ચર્ચા ખૂબ જ વ્યવસ્થિત હોવા છતાં એમાં પરિભાષા નવતર છે, બાકી એ વિવેચનાનું પરમ્પરાગત સ્વરૂપ જ છે. તેઓ મધ્યલીન કવિતાની ચર્ચાવિચારણા કરી શક્યા તેની પાછળ આ વિવેચકનું એક ગૃહીત કામ કરી રહ્યું છે : ‘કવિતા માન્ય ધોરણેથી વિચલ નયે હોય, કદાચ એવું બને કે એ માન્ય ધોરણની સિદ્ધિ પણ હોય. આમ જોઈએ તો કવિની સર્જકતાને બે રીતે જોવી જોઈએ. કવિ ભાષાની વર્તમાન શક્યતાઓને અતિક્રમી ભાષામાં અત્યાર સુધી ન જ હોય એવી નવી પ્રત્યાયન શક્યતાઓને ઊભી કરે ત્યા તો ભાષાની સ્થાપિત શક્યતાઓનો મૌલિક વિનિયોગ કરી બતાવે.’ (પ્રતિ. ૧૩૧) આ વિવેચક કાવ્યવિવેચનને સતત નવું પરિમાણ આપતા રહ્યા છે, એને કારણે ફૂટકળ લેખોને તેઓ સ્થાન આપતા જ નથી. પરિણામે સળંગ વિવેચનગ્રંથ તેમની પાસેથી હંમેશાં મળતા રહ્યા છે. વિવેચનનાં ઉપાદાનો અંગે હંમેશાં પુનર્વિચાર આ કારણે શક્ય બને છે. તેમની દૃઢ આસ્થા છે કે ‘પ્રશિષ્ટ વિવેચનની પરંપરાના કવચમાં સુરક્ષિત રહેવા મથનાર વિવેચન હવે સંવેદનહાસનો ભોગ બનશે.’(સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન, ૧૯૮૫) આ વિવેચનગ્રંથમાં ચોમ્સ્કીના ભાષાવિષયક સિદ્ધાન્તો પ્રયોજીને કાવ્યવિવેચનમાં નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તોદોરોવ જેવા પ્રશિષ્ટ વિવેચક, પરમ્પરા તરફ પાછા જઈ રહ્યાના સંકેતો છેલ્લે પ્રાપ્ત થયા છે (જુઓ: ‘કાવ્યનું સત્ય નામનો લેખ, એતદ્, જાન્યુ. ૮૯) આનો અર્થ એવો નથી કે ભાષાવિજ્ઞાનનાં પરિમાણોથી કાવ્યવિવેચનને અસ્પૃષ્ટ રાખવું. પ્રશ્ન એ છે કે ભાષાકીય પરિમાણ લાવ્યેથી કાવ્યના આનન્દલોકને પામવાનું કોઈ નિશ્ચિત માળખું આપોઆપ પ્રાપ્ત થાય ખરું? આધુનિક કવિતાના કેન્દ્રમાંથી પ્રત્યાયનક્ષમતાનો છેદ ઊડ્યો છે ખરો? વૈજ્ઞાનિક ઉપાદાનો આજે એવાં શ્રદ્ધેય છે ખરાં? આ ગ્રન્થમાં કાવ્યવિવેચનનાં જુદાં જુદાં દૃષ્ટાન્તો જુઓ : મનહર મોદીની કૃતિમાંથી અર્થ જ તારવી બતાવવામાં આવ્યો નથી? સિતાંશુ યશશ્ચન્દ્રની ‘જટાયુ’ની ચર્ચા બીજી રચનાઓથી વધુ આસ્વાદ્ય બને છે તેનું શું? એમાં આ ભાષાવૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચન્દ્રકાન્ત ટોપીવાળાની વિવેચના ‘વિવેચનનો વિભાજિત પટ’ (૧૯૯૦)માં હજુ એક ડગલું આગળ વધે છે. અહીં માત્ર ભાષાવૈજ્ઞાનિક વિવેચનની વાત નથી પણ આધુનિકતાની ઐતિહાસિક આલોચના, એલિયટની પ્રશિષ્ટ આધુનિકતા, રશિયન સ્વરૂપવાદ વિશે ચર્ચા કરવામાં આવી છે. આ પરિપક્વ બનતી વિવેચના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ, પ્રાચીન અને અનુઆધુનિક – એવા કોઈ અન્તિમને સ્વીકારી શકતી નથી. ‘ભારતીય (કાવ્ય)મીમાંસાના વિવિધ સંપ્રદાયોનાં પ્રદાનો અને આંતરરાષ્ટ્રીય વિવેચનની વિવિધ શૈલીઓના નિષ્કર્ષની જાણ વગર ઘેર બેઠા જે પ્રતિભાવમૂલક ‘અભણ વિવેચન’ થાય છે એનાથી વધુ ગેરજવાબદાર બીજી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહીં.’ (વિ. વિ. ૧૨૩) પશ્ચિમના સામ્પ્રત પ્રવાહોના પરિચયમાં ચન્દ્રકાન્ત ટોપીવાળા આપણને રાખે છે. એ રીતે છેલ્લે આપણને લોત્મન જેવાનો પરિચય થયો. આ ચિંતકને મતે સાહિત્યની વિભાવના આ પ્રકારની છે : ‘સાહિત્ય એટલે કોઈ એક સંસ્કૃતિ અંતર્ગત સૌંદર્યમૂલક કાર્યને અવગત કરાવવામાં સમર્થ ભાષાકૃતિ’ (૧૯) અહીં સંસ્કૃતિ, સૌન્દર્ય જેવી વિભાવનાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે એ પણ જોઈ શકાય છે. ભારતીય અભ્યાસીને તો બેવડો લાભ છે, એ સંસ્કૃત કાવ્યમીમાંસાના અને તાત્ત્વિક પરમ્પરાના સન્દર્ભે ઘણી બધી વિભાવનાઓને સમકાલીન સન્દર્ભમાં થોડાં સ્પષ્ટીકરણો ઉમેરીને પ્રયોજી શકે છે. આ વિવેચક તેઓ અવારનવાર ભારતીય વિચારથી આકર્ષાતા રહ્યા છે એ એક સારું ચિહ્ન છે. એ રીતે અહીં સ્ફોટવાદ વિશે ચર્ચા જોવા મળશે. ગુજરાતી વિવેચને ગદ્યની તપાસ ખાસ કરી નથી. અહીં કેટલાક મહત્ત્વના મુદ્દાઓને છેડવામાં આવ્યા છે. આ બધી તપાસને અન્તે છેવટે ચન્દ્રકાન્ત ટોપીવાળા વિનિર્મિતિવાદ તરફ જઈ ચઢે છે. આજે ખૂબ ગાજી રહેલા આ વાદમાં જો વિવેચન પુરાઈ રહે તો એનું પરિણામ શું આવે તે પણ તેઓ જાણે છે : ‘શુદ્ધ વિવેચનનો અર્થ આજે અનુસંરચનાવાદી અને ખાસ તો વિનિર્મિતિવાદને અનુલક્ષીને સર્જક કૃતિ અને વિવેચનકૃતિની ભેદરેખાને એની પ્રાથમિકતા (Primary text) દ્વૈતીયિકતા (Secondary text)ને ભૂંસવાના પુરુષાર્થની રીતે ઘટાવવામાં આવે તો એ ‘શુદ્ધ વિવેચન’ આત્યંતિક છેડા પર ગયેલું આધુનિક સાહિત્યવિવેચનનું આકરું પગલું છે. (૧૨૫) પશ્ચિમના સાહિત્યવિચારમાં આજે વધુ ચર્ચાતા અર્થઘટનવાદ, ભાવકકેન્દ્રી વિવેચન વિશે ભારતીય વાચક વધુ અનુકૂળ પ્રતિભાવ આપી શકશે. એક બાજુ પરિભાષાનો અતિરેક અનુઆધુનિક વિવેચનને પહેલી નજરે દુર્બોધ બનાવે છે. ચન્દ્રકાન્ત ટોપીવાળા પ્રેમાનંદની કથનકળા વિશે બહુ જુદી રીતે, અસરકારક રીતે વાતને મૂકી આપે છે. પણ પરમ્પરાગત વિવેચનની ભાષા વાપરીને આ જ વાત જરાય હાનિ પહોંચાડ્યા વિના રજૂ કરી શકાય છે, તે પણ એટલી હદે કે આવા પૃથક્કરણમાં આકૃતિઓની અનિવાર્યતા રહેતી નથી. ચન્દ્રકાન્ત ટોપીવાળા નિબંધલેખો-વિવેચનલેખોની ધનિષ્ઠ વાચના તૈયાર કરીને વિવેચનમાં તાજગી આણવાનો પ્રયત્ન કરે છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાની તુલનામાં સુમન શાહ પોતાના વિવેચનસંગ્રહોમાં સળંગસૂત્રતાનો આગ્રહ ઓછો રાખે છે. પરિણામે ‘ખેવના’ (૧૯૮૫), ‘કથાપદ’ (૧૯૮૯) જેવા વિવેચનસંગ્રહો ૧૯૬૫થી અત્યાર સુધીના લખાયેલા લેખો, સમીક્ષાઓ, નોંધોનો સંચય બની ગયા છે. આ બંને સંગ્રહોમાં સાહિત્ય પ્રત્યેની નિસબત અને વિવેચકની નિર્ભીકતા જોઈ શકાય છે, પાછળથી સંરચનાવાદ, અનુસંરચનાવાદના માર્ગે આગળ વધી ગયેલી તેમની વિવેચનામાં કેટલુંક ટાળી શકાયું હોત. ઘણા લેખો એક જમાનામાં ગ્રંન્થસ્થ થવા જોઈતા હતા. વિવેચન પાછળ કશીક દૃષ્ટિ, પદ્ધતિને સુમન શાહ અનિવાર્ય માને છે : ‘ચોક્કસ અભિગમ, પદ્ધતિ અને પોતાની કશી વિલક્ષણ સાહિત્યકલાસૂઝના અભાવમાં, લખવા માત્રથી વિવેચક થવાતું નથી. વિવેચકોમાં આપણે તરતમ ભાવ અનુભવીએ છે તે શાને આધારે? એ નિર્ણાયક તત્ત્વોનો આપણે ત્યાં જોઈએ એવો વિમર્શ તો નથી; વિવેચનાને એવી કશી કલાપ્રસ્તુતતા નક્કી કરનારાં પરિબળોનું આપણે ત્યાં કશું ખાસ અધ્યયન થતું નથી.’ આમાંના ઘણા લેખો પ્રભાવવાદી શૈલીમાં લખાયેલા છે. પરંતુ સુમન શાહનાં બે પુસ્તકો ‘સાહિત્યમાં આધુનિકતા’ અને ‘સંરચના અને સંરચન’ મહત્ત્વનાં છે. એકમાં આધુનિક કળાસાહિત્યને ઘડનારી તાત્ત્વિક સાંસ્કૃતિક પરિસ્થિતિઓની વિગતે તપાસ કરવામાં આવી છે અને તેના સન્દર્ભે ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તેલી આધુનિકતાને ચકાસી જોઈ છે. આમ કરતી વખતે પરમ્પરા વિશેના આપણા પલટાતા જતા ખ્યાલોની સમીક્ષા પણ થઈ છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા વિશેનો કોઈ સળંગ ગ્રન્થ ન હતો, આ સંજોગોમાં આ ગ્રંન્થનું મહત્ત્વ છે. બીજી બાજુ સંરચનાવાદના છેલ્લા વિચારકોને સમાવી લેતું ‘સંરચના અને સંરચન’ પુસ્તક ઘણી બધી સામગ્રીને પહેલી વાર ગુજરાતીમાં લાવે છે. સુમન શાહમાં પ્રચ્છન્ન રહેલું પ્રભાવવાદી વલણ આવા ગ્રંન્થોની શૈલીને શુષ્ક બનતી અટકાવે છે. અહીં સોસ્યુર, બાર્થ, સ્ટ્રોસ, ફુકો, દેરિદા વગેરેની વિચારણાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. નાના વ્યાપ પર ઘણા બધા પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હોવાને કારણે લખાણ દુર્બોધ બનવા પામ્યું છે. વાસ્તવમાં આપણી અગ્નિમતા આવા આધુનિક ચિંતકો પરની પુસ્તિકાઓ હોવી જોઈએ. (તાજેતરમાં ફાર્બસ સભા તરફથી પ્રગટ થયેલી મધુસૂદન બક્ષીની ‘દેરિદા’ પુસ્તિકા આ દિશામાં એક પ્રસ્થાન છે.) સુમન શાહે ‘સંરચના અને સંરચન’માં મુખ્યત્વે કથાસાહિત્યની સંરચનાઓ તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે. આ ગાળામાં કેટલીક વિવેચના સળંગ એક જ વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ક્યારેક એવું બને કે વિવેચકના ચિત્તમાં એવા સળંગ વિષયવસ્તુ ન હોય પણ પાછળથી વિષયવસ્તુની સમાનતાને આધારે લેખો ગ્રન્થસ્થ કરવામાં આવે. ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા’ આવો એક સળંગ વિવેચનગ્રન્થ છે. કિશોર જાદવે એક ગમ્ભીર અને જવાબદાર વાર્તાકારની હેસિયતથી માત્ર વાર્તાઓ જ નથી લખી પણ વાર્તાઓ વિશે પણ લખ્યું છે. પોતાની સર્જનપ્રક્રિયા વિશેના ગમ્ભીર ચિન્તન અને ઉત્તમ પ્રયોગશીલ વાર્તાઓના મર્મઘટનમાંથી આવા ગ્રંથની પ્રાપ્તિ થઈ શકી છે. તેમની આ વિચારણા ઉપર આધુનિક દાર્શનિક વિચારધારાનો (અસ્તિત્વવાદ), ઓર્નેગા ગેસેટ જેવા સ્પેનિશ ચિન્તકની કળાવિભાવનાનો અને નવી વાર્તાવિભાવનાનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ ઝીલાયો છે, તેમના આ ગ્રન્થ પાછળ ઉદ્દીપન વિભાવ તરીકે આધુનિક ગુજરાતી વાર્તા પ્રત્યેના અસહિષ્ણુતાભર્યા પ્રત્યાઘાતોએ અને પરમ્પરાગત વાર્તા વિશેના અસંતોષે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની ટૂંકી વાર્તાની (અથવા સાહિત્યકૃતિની) વિભાવના નવ્યવિવેચનને અનુરૂપ છે: ‘કોઈ પણ કળાકૃતિને તેનું અન્તર્ગત સૌંદર્ય ધરાવતો એ એવો કળાપદાર્થ આપણે લેખીએ છીએ કે જેની પ્રકૃતિનું પૃથક્કીય પરીક્ષણ કરી શકાય - તેનો અર્થ એવો નથી થતો કે કૃતિની તેના સર્જકવ્યક્તિત્વના યા તો તેના સમયના કોઈ સનાતન સત્યના પ્રક્ષેપણ તરીકે જ ગણના કરવી, બલકે કૃતિનું તે ‘કૃતિ’ લેખે જ, તેના સર્વ ઘટક અંશોના અસરકારક સંયોજન તરીકે, તેની પોતીકી સંશ્લિષ્ટતા સહિતની ‘પૃથક્’ની અખિલાઈના બળે તે સ્વયંપર્યાપ્તતા સિદ્ધ કરે છે તે લેખે ચકાસણી કરવી પડે.’ પણ સાથે સાથે અહીં કલાકૃતિની પૂર્ણતામાં ભાવકને સંડોવવામાં આવ્યો છે, ‘કૃતિનું પૂર્ણ રૂપ તો ભાવક ભાવન કરે ત્યારે પ્રગટે’ એવું ગૃહીત સ્વીકારવામાં આવ્યું છે. આ સિદ્ધાન્તચર્ચાની સમાન્તરે જો પ્રયોગલક્ષી વાર્તાઓની કૃતિલક્ષી ચર્ચા હોત તો એનું પરિણામ સારું આવત. સૈદ્ધાન્તિક ચર્ચાની સાથે સાથે ઐતિહાસિક દૃષ્ટિ રાખીને ગુજરાતી વાર્તાના અને વિવેચનના પ્રશ્નોની ચર્ચા અહીં જોવા મળશે. આવા સળંગ ગ્રન્થો માત્ર સૈદ્ધાન્તિક ભૂમિકા રૂપે જ નહીં પણ ઐતિહાસિક અભિગમ કે તુલનાત્મક અભિગમ રાખીને પણ લખી શકાય છે. ભોળાભાઈ પટેલ ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’માં આ બંને અભિગમને સાથે રાખીને ચાલે છે. આરમ્ભે આધુનિકતાની વિભાવના વર્ણનાત્મક અને મૂલ્યવાચક ભૂમિકાએ ચર્ચીને ગુજરાતી ભાષામાં આધુનિક કવિતાનો ઉદય ક્યાંથી થયો તે તપાસીને બંગાળી, અસમિયા જેવી ભારતીય ભાષાઓની આધુનિક ગુજરાતી કવિતાની આલોચના કરે છે. આને કારણે ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તુલના માટેની એક તક મળે છે. કદાચ પરભાષીઓ આવો તુલનાત્મક અભિગમ આપણી સરખામણીમાં બહુ ઓછો અપનાવે છે. જોકે ભોળાભાઈ પટેલની વિવેચના દાર્શનિક સ્તરે રહીને પ્રશ્નોની માંડણી કરવાને બદલે પરિચયાત્મક, આસ્વાદાત્મક માંડણી કરવાનું વધારે પસંદ કરે છે. પ્રમોદકુમાર પટેલ ‘અનુભાવન’માં સિદ્ધાન્તચર્ચા અને ઐતિહાસિક ચર્ચાને સમાવે છે. એ રીતે કલ્પન, પ્રતીક, ભાષા જેવી યુક્તિપ્રયુક્તિઓ સદૃષ્ટાન્ત ચર્ચે છે. પ્રતીકની સિદ્ધાન્તચર્ચાની સરખામણીમાં દૃષ્ટાન્તોને આધારે કરવામાં આવેલી ચર્ચા ફિક્કી લાગે છે. પણ આ કાવ્યવિવેચનોમાં જે વૈચારિક ઊહાપોહ છે તે ચન્દ્રકાન્ત શેઠના ‘કવિતાની ત્રિજ્યા’માં જોવા મળતો નથી. ભિન્ન ભિન્ન પ્રયોજનોથી લખાયેલા આ નિબન્ધોમાં અભિગમોની ભિન્નતા છે તથા તેમના સર્જનમાં જે પ્રકારની આધુનિકતાનો પુરસ્કાર કરવામાં આવે છે તેવી આધુનિકતા વિવેચનવિષયક લખાણોમાં ઓછી જોવા મળે છે તેને પરિણામે કેટલાક વિષયોની ચર્ચામાં ચર્વિતચર્વણ જેવું લાગશે. દા.ત. કાવ્ય અને ગેયતા, કવિવ્યક્તિત્વ અને કવિતા વચ્ચે કાર્યકારણની શૃંખલા. ક્યારેક કોઈ મુદ્દાની ચર્ચા કવિ તરીકેના પોતાના અનુભવને આધારે માંડવામાં આવી છે. દા.ત. કવિતાની સમાજાભિમુખતાની ચર્ચા. પરમ્પરાનિષ્ઠ કૃતિઓના અને આધુનિક કૃતિઓના આસ્વાદોની તુલના કરતાં જણાશે કે કવિ સમકાલીન કવિઓની ચર્ચા વધુ સારી રીતે કરી શકે છે. ગુજરાતી જ નહીં પણ અન્ય ભાષાઓની વિવેચનામાંય કથાસાહિત્યની વિવેચના-કાવ્યવિવેચનની તુલનામાં ઊણી ઊતરે છે. ઘણી વાર વિવેચનાના આધાર રૂપ સર્જનની કક્ષા ઊતરતી હોય તો પણ આમ બનવાનો સમ્ભવ છે. કેટલાક પ્રશ્નો વિશે ગુજરાતી વિવેચને બહુ ઓછો વિચાર કર્યો છે અને એમાંનો એક પ્રશ્ન છે કથાસાહિત્યના વાસ્તવને લગતો. વાસ્તવવાદી સાહિત્ય જ્યારે સર્જાતું હતું ત્યારે ગુજરાતી વિવેચન આ પ્રશ્નની ચર્ચા કરવા સજ્જ ન હતું. પછી આધુનિકતાના મંડાણે પ્રતીકવાદી ધારાની તુલનાએ વાસ્તવવાદી ધારાને નીચલી કક્ષાની માની, પરિણામે આ પ્રશ્નની ખાસ્સી ઉપેક્ષા થઈ. જયંત ગાડીત ‘નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ’માં વાસ્તવ વિશેની પશ્ચિમી વિચારણાને દોહન રૂપે ગુજરાતીમાં પહેલી વાર રજૂ કરે છે. પાછળથી સતીશ વ્યાસ આ વિષય અંગેની ચર્ચા વાસ્તવવાદને કેન્દ્રમાં રાખીને કરે છે. જયંત ગાડીત ‘અસ્તી’ કે ‘મહાભિનિષ્કમણ’ જેવી કૃતિઓના સન્દર્ભે એક વાજબી ફરિયાદ કરે છે કે ‘સર્જકના અનુભવને રસાનુભૂતિના વિશ્વમાં ફેરવી નાખનાર પર્યાપ્ત સામગ્રી નથી... કૃતિના ઘટક અંશોનું આ વિશિષ્ટ સંયોજન લેખકની સિસૃક્ષા કે લેખકની આન્તરિક અનિવાર્યતાની નીપજ કરતાં વિશેષ બુદ્ધિની નીપજ છે.’ વિવેચકનો અભિગમ રૂપરચનાવાદની નિકટનો છે કારણ કે તેઓ કૃતિના સજીવ પુદ્ગલની, ઘટકોની સાભિપ્રાયતાની, ઘટકોનાં રસકીય પ્રયોજનોની વાત કરે છે, પણ આવો વિષય તેમણે સળંગસૂત્ર રીતે ચર્ચો હોત તો વધુ ઉપકારક થાત. પરદેશી વાસ્તવવાદ અને ભારતીય વાસ્તવવાદ કઈ રીતે જુદા પડે છે. તેની ચર્ચા પણ આવા સળંગસૂત્ર ગ્રંથમાં શક્ય બનતી હોય છે, જેમણે આ દિશામાં વધુ અભ્યાસ કરવો હોય તેમણે જ્યોર્જ લુકાચનું ‘સ્ટડીઝ ઇન મોડર્ન યુરોપીઅને રિઅલિઝમ’ વાંચવું. ક્યારેક એમ લાગે કે કથાસાહિત્યની પરમ્પરાગત વિચારણાઓ પણ આપણે ઝાઝી ચર્ચી શક્યા નથી. આવા સંજોગોમાં રમેશ દવેનો વિવેચનસંગ્રહ ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ’ આવકાર્ય ગણાય, ગુજરાતી વિવેચનના સન્દર્ભે વિષયપસંદગીમાં તાજગી છે પણ અવતરણોના ભારણ હેઠળ લેખકનું વક્તવ્ય ઢંકાઈ છે. નવલકથાના ચરિત્રચિત્રણ વિશે થોડી સંદિગ્ધતા પ્રવર્તે છે. ‘જીવતાં ભેટી જાય’ એવાં પાત્રોની ભલામણ કરીને ગાંધીયુગીન નવલકથાઓનાં ‘બીબાંઢાળ પાત્રો’ની અનિચ્છનીય પરમ્પરાઓ જન્મ્યાની ફરિયાદ પણ આ વિવેચક કરે છે. વ્યક્તિગત પાત્ર અને પ્રતિનિધિ પાત્રની વિભાવનાઓ ગુજરાતી વિવેચનમાં હજુ જાણે સ્પષ્ટ નથી એવું ચિત્ર ઊપસ્યું છે. પણ નવલકથામાં ‘ટાઈપ’ પ્રતિનિધિ પાત્રોને કારણે અનિચ્છનીય પરિસ્થિતિ જન્મતી નથી. વ્યક્તિલક્ષી અભ્યાસોમાં હર્ષદ ત્રિવેદીએ બ. ક. ઠાકોર વિશે મહત્ત્વપૂર્ણ કાર્ય બજાવ્યું છે. એવી જ રીતે રમણ સોનીએ ખબરદાર, ઉશનસ્ વિશે સારી કામગીરી બજાવી છે. આ દાયકામાં થયેલી સમ્પાદનપ્રવૃત્તિને પણ વિવેચનના ભાગ રૂપે જોવી જોઈએ. આદર્શ તરીકે દરેક સમ્પાદન પાછળ એક દૃષ્ટિ, એક ચોક્કસ અભિગમ રહેલાં હોવાં જોઈએ. દા.ત. નરેશ વેદ અને બાબુ દાવલપુરા સંપાદિત ‘ગુજરાતી કથાવિશ્વ’ કથાસાહિત્યની વિવેચનાનો એક નમૂનેદાર ગ્રંથ છે. આ સમ્પાદકોએ એવો આગ્રહ રાખેલો કે જે તે વિવેચકે રૂપરચનાવાદી દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને નવલકથાની ચર્ચા કરવી. પણ આ પુસ્તકમાંથી પસાર થયા પછી એમ લાગશે કે મોટા ભાગના વિવેચકોને કથાસાહિત્યમાં રૂપરચનાવાદી અભિગમ કેવી રીતે પ્રયોજવો તેની જાણ નથી. આમાંથી સાદો બોધપાઠ એ લેવાનો કે આ પ્રકારના અભિગમોની સૈદ્ધાન્તિક વિચારણાઓનો પરિચય વધુ ને વધુ થવો જોઈએ. આવા આશયથી સુરેશ જોષીએ ‘જાનન્તિ યે કિમપિ’નું સમ્પાદન કર્યું અને એને પરિણામે ગુજરાતી વાચકોને ભીખુ પારેખના લેખ ‘માર્ક્સવાદી સાહિત્યકળામીમાંસા’નો પરિચય થયો. સાહિત્યના ઇતિહાસને મદદરૂપ થાય એ પ્રકારની સમ્પાદનપ્રવૃત્તિ પણ ચાલતી રહેવી જોઈએ. સુમન શાહે (‘આઠમા દાયકાની કવિતા’), ભોળાભાઈ પટેલે (‘આઠમો દાયકો’), નીતિન મહેતાએ (‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’), ચન્દ્રકાન્ત ટોપીવાળાએ (‘નવલરામ પરિસંવાદ’), પુરુરાજ જોશી, રમણલાલ જોશી વગેરે મિત્રોએ (‘ગોવર્ધનપ્રતિભા’), રઘુવીર ચૌધરી અને મિત્રોએ (‘જયંતિ દલાલ અધ્યયન ગ્રંથ’) કરેલાં સમ્પાદનોએ વિવેચન અને ઇતિહાસને સહાય પૂરી પાડી છે. અહીં સુમન શાહ સંપાદિત ‘સંધાન’(૧૯૮૪, ૯૫, ૮૬) વાર્ષિકની ખાસ નોંધ લેવી જોઈએ. આપણી ભાષામાં વર્ષ દરમિયાન ચાલેલી સાહિત્યિક પ્રવૃત્તિઓ મુખ્ય મુખ્ય સાહિત્યપ્રકારોના પ્રવાહોની સમીક્ષા અધિકારી વ્યક્તિઓ પાસે કરાવીને ગુજરાતી સાહિત્યના સામ્પ્રત પ્રવાહોથી પરિચિત રાખવાનો આ પ્રયત્ન હતો. આવા પ્રયત્નોની જે ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ એવી નોંધ પણ ઘણી વખત લેવાતી નથી. ગુજરાતી વિવેચનમાં પ્રકારનિષ્ઠ અભિગમની સૈદ્ધાન્તિક ચર્ચા ખાસ થવા પામી નથી, પરંન્તુ સાહિત્યપ્રકારોને ધ્યાનમાં રાખીને ટૂંકી વાર્તા, નવલકથા, ખંડકાવ્ય, આત્મકથા, જીવનચરિત્ર, લલિત નિબંધની ચર્ચા કરવામાં આવી છે. સીમિત પ્રયોજન અને વ્યાપને કારણે આ બધા પ્રકારોની ચર્ચા ઊંડે ઊતરીને થઈ શકી નથી. એવી જ રીતે ઘણા બધા વિવેચકોએ વ્યક્તિલક્ષી અભ્યાસો આ દાયકામાં કર્યા. જ્યારે તુલનાત્મક સાહિત્યના અભ્યાસને આવરી લેતા કેટલાક વિવેચનગ્રંથો પ્રગટ થયા જેમાં અનિલા દલાલના ‘દેશાન્તર’, ‘દર્પણનું નગર’ નોંધપાત્ર છે. આવું જ એક ઉપેક્ષિત ક્ષેત્ર છે રંગભૂમિ, નાટક. ધીરુભાઈ ઠાકર, ઉત્પલ ભાયાણી, કૃષ્ણકાન્ત કડકિયા, વિનોદ અધ્વર્યુ વગેરે પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે પણ પ્રત્યક્ષ રંગભૂમિને ધ્યાનમાં રાખીને ઉત્પલ ભાયાણી (પ્રેક્ષા, દૃશ્યફલક), સતીશ વ્યાસ (નૂતન નાટ્યાલેખો) ભવિષ્યમાં વધુ ઉજ્જવળ કામગીરી કરતા રહેશે એવી આશા બંધાય છે. આ દાયકામાં કેટલીક વિશિષ્ટ કામગીરી જયંત કોઠારીને હાથે થઈ છે. મોહનલાલ દેસાઈના મહત્ત્વપૂર્ણ સમ્પાદન-સંશોધનનું પુનઃસમ્પાદન ‘જૈન ગુર્જર કવિઓ’ સાત ભાગમાં થયું. તેમાંય સાતમા ભાગમાં સૂચિ તૈયાર કરીને ભવિષ્યના સંશોધન માટે એક આદર્શ નમૂનો સંપાદકે પૂરો પાડયો છે. એવી જ રીતે રમણિકલાલ મારુ (છંદોવિમર્શ, છંદોની દુનિયામાં), જોસેફ પરમાર (અર્વાચીન ગુજરાતી ગદ્યનો વિકાસ), પ્રીતિ શાહ (સમૂહ માધ્યમો) વગેરેની નોંધ લેવી જોઈએ. આપણી સાહિત્યિક સંસ્થાઓનાં સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવતાં નથી એને કારણે એમના જમાપક્ષ અને ઉધારપક્ષ વિશે સાચી જાણકારી મળતી નથી. ગુજરાતી સાહિત્ય પરિષદની અન્ય પ્રવૃત્તિઓની વાત બાજુ પર રાખીને માત્ર કોશપ્રવૃત્તિને માટે સંસ્થાને ધન્યવાદ આપી શકાય- એમાં શુદ્ધિવૃદ્ધિની ઘણી બધી જરૂર છે, તેની આકરી ટીકાઓ થઈ હોવા છતાં ગુજરાતી સાહિત્યનો પ્રમાણભૂત ઇતિહાસ હવે લખી શકાશે. સાહિત્યના ઇતિહાસની વિભાવના નવેસરથી સ્પષ્ટ કરવાની જરૂર છે કારણ કે હજુ ગુજરાતી ભાષામાં માહિતીલક્ષી અને વિવેચનલક્ષી ઇતિહાસનું જ વર્ચસ્ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ નવી દૃષ્ટિથી કેટલાંક પ્રકાશનો કરવા માંડ્યાં છે, લેખકોને જે ઉદારતાથી આર્થિક સહાય આપે છે તેને કારણે પ્રકાશનપ્રવૃત્તિમાં અતિશય વેગ આવ્યો છે, પણ હસ્તપ્રતોની પસંદગી વધુ કડકાઈથી થવી જોઈએ. કારણ કે સર્જનાત્મક આબોહવાનું નિર્માણ કરવા આવાં નિયત્રણ અનિવાર્ય છે. મુંબઈની એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી પ્રકાશનની બાબતે સૌથી વધુ સક્રિય છે એનો સ્વીકાર કરવો જોઈએ. અન્ય યુનિવર્સિટીઓ જે તુમારશાહીમાં અટવાયા કરે છે તેવી તુમારશાહી અહીં પ્રવર્તતી નથી, પણ પુસ્તકોની કક્ષા ઘણી વાર સાવ સામાન્ય હોય છે. વિવેચન નામની પ્રવૃત્તિ ખૂબ જ ફૂલીફાલી હોવા છતાં આ દિશામાં ઘણાં કામ કરવાનાં બાકી છે. ગુજરાતી વિવેચનપ્રવૃત્તિને ટકાવી રાખવા, એનું સંવર્ધન કરવા માટે નવી પેઢી વધુ બળવાન આવવી જોઈએ. આ પેઢીએ જ્ઞાનસંવેદનાના ક્ષેત્રે ઉદાર બનીને બધા પ્રવાહોને આવકારવા જોઈએ. જો આ બાબતે સંકુચિત વલણ અપનાવવામાં આવશે તો સરવાળે નુકસાન આપણને જ જવાનું છે.

(માર્ચ, ૧૯૯૨)
‘વાત આપણા વિવેચનની (ઉત્તરાર્ધ) પૃ. ૪૨ થી ૬૦