સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગિરિતળાટી ને કુંડ દામોદર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫. ગિરિતળાટી ને કુંડ દામોદર

નરસિંહ

ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય;

ઢેડ વરણમાં દૃઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય.
ગિરિ૦


કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિ તણાં બહુ વદ્યા રે વચન;

મહંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીરતન.
ગિરિ૦


પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ;

કર જોડતામાં કરુણા ઊપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ.
ગિરિ૦


પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન;

ગૌમૂત્ર તુલસી વૃક્ષ કરી લીંપજો, એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.
ગિરિ૦


મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;

ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ.
ગિરિ૦

ઘેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ મૃદંગ;

હસી હસી નાગર તાળીઓ લે છે, આ શા રે બ્રાહ્મણના ઢંગ!
ગિરિ૦


મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શો ઉત્તર દેઉં?

જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?
ગિરિ૦


નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કંઈ વિવેક વિચાર;

કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવ તણો મને છે આધાર.
ગિરિ૦