સ્વાધ્યાયલોક—૩/ગઅટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગઅટે

‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી’ એ પ્રાર્થના જાણે એ પૂર્વજન્મે કરીને જ આવ્યો હોય તેમ, હિમાલયની અચલતા અને ઍટલાન્ટિકની ચંચલતા, ધ્રુવતારાનો પ્રેમ ને ધૂમકેતુનો પ્રકોપ, સૂર્યનું ઉગ્ર મન ને ચંદ્રનું શાંત હૃદય, આભ ને ધરાનાં આ તત્ત્વોનું એકીસાથે એનામાં મિલન થયું હતું. અને એક જ માનવીમાં આવા મિલનનું ફરી ક્યારે ય પુનઃદર્શન થશે કે કેમ એવી શંકા થઈ હશે માટે જ કાળ આ વિશ્વમાનવીને મુગ્ધ નયનથી નીરખતો પૂરાં બ્યાશી વર્ષ લગી થંભી રહ્યો હશે ને ?

‘જે થકી પૃથ્વી યે રહી જીવી,
એ જ આ પ્રકૃતિ !
એહની પ્રાણધારા કહો, ક્યાં પીવી, ક્યાં પીવી ?
અસીમ હે પ્રાણ, અવ પ્રગટ હો !
ત્વરિત પગલે અહીં નયન સન્મુખ આવી રહો !’

સાઠ વર્ષ પછી પ્રગટ થયેલી એની અમર કૃતિ ‘ફાઉસ્ટ’ના પ્રથમ દૃશ્યના આ શ્લોકમાંનું જ કદાચ આહ્વાન કરીને એનો અદમ્ય પિપાસુ આત્મા, ૧૭૪૯ના ઑગસ્ટની ૨૮મીએ (આજથી બરાબર બસો વર્ષ પહેલાં) જર્મનીના ફ્રાન્કફુર્ટ-આમ-માઈન (ફ્રાંકફૉર્ટ-ઑન-માઇન) નામના નગરમાં જન્મ્યો. જે લોકકથા પરથી ગઅટેએ પોતાની એ અમર કૃતિ ‘ફાઉસ્ટ’ રચી એ કથાનો નાયક ‘ફાઉસ્ટ બુશ’ પણ આ પ્રાચીન નગરીમાં જ જન્મ્યો ને જીવ્યો હતો. એના પિતાનું નામ યોહાન કાસ્પર ગઅટે અને માતાનું નામ એલિઝાબેથ ટેકસ્ટર. પિતા ફ્રાન્કફુર્ટનો નગરપતિ અને એક ધર્મશાળાનો અધિપતિ હતો. કાયદાનો ને કવિતાનો રસિયો હતો. તેના જન્મ સમયે માતા અઢાર વર્ષની હતી, એટલે કે પુત્રથી અઢાર વર્ષ મોટી; પણ પતિથી તો ત્રેવીસ વર્ષ નાની હતી ! વયમાં એ પોતાના પતિ કરતાં પુત્રથી વધુ નજીક હતી. મુગ્ધાવસ્થામાં માતા થવા છતાં અને ચતુર પણ હોવા છતાં એ ચંચલ હતી. પિતા જેટલો ગર્વીલો એટલી જ માતા હસમુખી હતી. પિતા એના પ્રત્યે સદા ચિંતાતુર તો માતા સદા યે પ્રેમાતુર. આમ, પિતાની ભૃકુટિનું ગર્વિષ્ઠ ગાંભીર્ય ને માતાના અધરનું હલેતું હાસ્ય પામીને, એક કોઠામાં બે જીવ લઈને ફરવાનું — કવિતા કરવાનું અનિવાર્ય શિક્ષણ તો ગઅટે શૈશવકાળમાં જ પામ્યો. ફ્રાન્સને હાથે પરાજય પામેલા જર્મનીમાં એનું બાળપણ વીત્યું. બે યુદ્ધની અંતરિયાળનો એ શાંતિકાળ હતો એટલે ફ્રાન્કફુર્ટમાં ફ્રેંચ લશ્કરની હીલચાલ તો ચાલુ જ હતી. ગઅટે પાંચસાત વર્ષનો હતો ત્યારે તેના મહોલ્લામાં પડાવ નાખી રહેલી લશ્કરી ટુકડીનો સેનાનાયક કાઉન્ટ થૉરાંક, તેના પિતા સાથેની દોસ્તીને કારણે અવારનવાર તેને ત્યાં આવતો. કાઉન્ટ ફ્રેંચ સાહિત્યનો રસિયો હોવાથી ગઅટેના પિતા આગળ સાહિત્યની રસલ્હાણ ઊડતી. આમ, જે ફ્રેંચ પ્રજા ને ફ્રેંચ સાહિત્ય પર ગઅટે પાછળથી જીવનભર આફરીન રહેલો, એની ભાષાનો કક્કો પણ પોતે જાણતો નહોતો એ ઉમરે, એ જ પ્રજાના એક પ્રતિનિધિ કાઉન્ટ થૉરાંકને મુખેથી એ સાહિત્યના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર રાસીનનું કાવ્ય બાલ ગઅટે સુણવા પામ્યો. જોકે આડો અર્થનો અંચળો હતો; પણ એની પછવાડે જે કંઈ છે એ જ કાવ્ય, એવી ઉરઉઘાડની એની એ ઉંમરે પ્રતીતિ થઈ, એનામાં કાવ્યની સૂઝ પ્રથમ પ્રગટ થઈ. આમ, કિશોર વયના એના મનોપટ પર ફ્રેચ કવિતાની રેખાઓ ધીમે ધીમે અંકાતી ગઈ અને એમાં નિજ કલ્પનાના રંગો પૂરાયા. અને પછી ફાન્કફુર્ટમાં રજૂ થતાં ફ્રેંચ નાટકો તથા ઑપેરાએ એ રંગોને ઘેરા બનાવ્યા. બીજી બાજુ ભણતર તો ચાલુ જ હતું. એમાં સોળ વર્ષની વય સુધીમાં તો એણે પોતાની માતૃભાષા ઉપરાંત પ્રાચીન ઇટાલિયન, હિબ્રૂ અને અંગ્રેજી સાહિત્યનો સંપર્ક પણ સાધેલો. સાથે સાથે વળી સંગીત અને ચિત્રકળા. પોતાનો પુત્ર એક પ્રખર વકીલ થઈ પૅરિસમાં જઈ નામ કાઢે એવી પિતાની મહત્ત્વાકાંક્ષાને સિદ્ધ કરવા સોળ વર્ષની વયે એ લાઇપત્સિશની વિદ્યાપીઠમાં કાયદાનો અભ્યાસ કરવા જોડાયો તો ખરો, પણ ફ્રાન્કફુર્ટથી કવિતા પણ એની સાથે જોડાઈ જવાનું ભૂલી નહોતી ! એટલે ત્યાં પણ એણે ફ્રેંચ શૈલીની બે નાટ્યકૃતિઓ રચી. વળી અહીં એને કાવ્યની જેમ પ્રેમનું પણ રહસ્યમય દર્શન થયું. આના ગ્રેટ્શેન નામની કોઈ કલાલની કન્યા સાથે પોતે પ્રેમમાં પડી ગયો છે એમ એને લાગ્યું. પણ જે ક્ષણે એ તેર વર્ષની કન્યાના ‘No kissing ! That’s so commonplace ! But love me if you can !’ એ શબ્દો એના હૃદયે સાંભળ્યા એ ક્ષણથી જીવનભર પ્રેમનો અર્થ એ શોધતો થયો. એ પ્રેમની પ્રેરણાથી એણે પોતાના એ પ્રિય પાત્રના નામ પરથી ‘એનેટ’નાં પ્રથમ ઊર્મિગીતો રચ્યાં, અને જીવનભર પ્રેમનું સાન્નિધ્ય પામ્યો. ‘હું સૌંદર્યની આગળ સહેલાઈથી ઢળી પડું છું’ એ સોક્રેટીસનાં વચનમાંનો ‘સહેલાઈથી’ શબ્દ ગઅટે વધુ સહેલાઈથી ઉચ્ચારી શકે ! એના નાટક ‘ફાઉસ્ટ’માં મેફિસ્ટોફિલિસ (સેતાન) ફાઉસ્ટને કહે છે:

‘જાદુગરીનું આ પીણું તવ પ્રાણમાં જ્યારે જશે,
ત્યારે તને પ્રત્યેક સ્ત્રીમાં સુંદરી હેલેનનાં દર્શન થશે !’

ગ્રેટ્શેન સાથે પ્રેમમાં પ્રવેશતાં જ ગઅટેના શરીરમાં ‘જાદુગરીના આ પીણા’ જેવું જ કંઈ પ્રવેશી ગયું. એકાએક માંદગીનો માર્યો એ ફ્રાન્કફુર્ટ પાછો ફર્યો ત્યારે એ એકલો ન હતો; સાથે હૃદયમાં જીવનભર જીવતી રહેનારી એક વેદના પણ હતી ને મનમાં ફાઉસ્ટનું એક અમર થનાર પાત્ર પણ હતું. વ્યથિત મને પાછો ફરેલો એ પોતાની માતાની એક પ્રૌઢ સખી ફ્રૉ લીના સહવાસમાં સાન્ત્વન પામ્યો. આ ધર્મપરાયણ સ્ત્રી પાસેથી દેવત્વ સાથે આ સૃષ્ટિમાં દાનવતા પણ છે એવું પ્રથમ વાર જ્ઞાન પણ પામ્યો. એ જ સમયમાં જર્મનીનું ફ્રેંચો સાથેનું ‘સાત વર્ષનું યુદ્ધ’ શરૂ થયું. એ યુદ્ધમાં એના પિતાએ ફ્રેડરીકનો પક્ષ લીધો. જ્યારે પિતામહે ફ્રેંચોનો પક્ષ લીધો. એથી આજ લગી પોતાના ઘરને જે શોભારૂપ હતી એ શાંતિનો ભંગ થયો. એ જોઈ એકલું પડેલું એનું મન જગતની ને જીવનની વધુ સૂઝ પામતું ગયું. ફ્રાન્કફુર્ટમાં અનેક ધર્મપરાયણ મિત્રોની વિવિધ જીવન-ફિલસૂફીઓનો પણ એને પરિચય થયો; ને તેમાં યે એક મોચીને મુખેથી ‘તું સાચો ખ્રિસ્તી છે, પણ પેલા પૈસાદારને ઘેર ભોજન-સમારંભમાં ઈશુએ જે ધૂપ-ચંદનની સુગંધ માણી હતી એ અહીં તને નહિ મળે !’ એ વચન જ્યારે એણે સાંભળ્યું ત્યારે સામાન્ય માનવીઓની સૃષ્ટિ એની સમક્ષ એકાએક ખૂલી ગઈ. માંદગી પછીના આ આરામના કાળમાં એને ચિત્રવિચિત્ર અનુભવો થયા. જીવનમાં રહેલી દાનવતાનું જ્ઞાન થતાં ધર્મથી માંડીને ભૂતપ્રેતાદિમાં પણ એનો રસ વધતો ગયો. આમ, વીસ વર્ષની વયમાં જ ફાઉસ્ટનું મહાનાટક રચવાની પૂર્વભૂમિકા ચિત્તમાં ગોઠવાઈ ગઈ. એકવીસ વર્ષની વયે અધૂરો અભ્યાસ પૂરો કરવા એ સ્ટ્રાસબર્ગ ગયો ને ત્યાંનો વસવાટ એના જીવનમાં સૌથી વધુ ફલદાયી પુરવાર થયો. એના જીવનની પરિવર્તનકારી મૈત્રીઓમાંની એક એ ત્યાં પામ્યો. પોતાની આંખનો અંધાપો ટાળવાને ત્યાં આવેલા હર્ડર નામના એક જર્મન વિવેચકે આ ફ્રેંચઘેલા ઉદયોન્મુખ કવિના હૃદયનો અંધાપો ટાળી દીધો. સ્ટ્રાસબર્ગની એક હોટેલના પગથિયા પર આ બન્નેનું મિલન ન થયું હોત તો જર્મન સાહિત્યનો ઇતિહાસ કંઈ જુદો જ લખાયો હોત ! જગતકવિતામાં ઉન્નત શિરે ઊભું રહી શકે એવું ‘જર્મન’ત્વ જર્મનીમાં ક્યાં પડ્યું છે એની હર્ડરને સાચી પરખ હતી. આ પરખનો પારસમણિ સ્પર્શતાં ગઅટેનું આજ લગી સંઘરેલું કાવ્યકથીર પલટાઈ ગયું. ગઅટેને જર્મન લોકસાહિત્યનો-કથાકાવ્યો ને ગીતોના સંગ્રહનો — તેણે રસ લગાડ્યો અને તેને ગામડે ગામડે તે વીણતો કરી મૂક્યો. કાવ્યકળાની બાબતમાં ગઅટેની જાણે ભ્રાંતિ ઊડી ગઈ. ફ્રેંચ કવિતાની બધી રંગરેખા ભૂંસાઈ ગઈ. રાસીનની રાજસભાની કૃત્રિમતા મેલીને કવિ હવે ગ્રામજનોમાં કવિતાનો અસલ રસ પીવાને રખડતો થયો અને અંતે હોમર, શેક્સ્પિયર, ગોલ્ડસ્મિથ ને ‘ઓસીઅન’ની કાવ્યસૃષ્ટિમાં ખોવાઈ ગયો. સ્ટ્રાસબર્ગના ગોથિક દેવળની ગાઢ છાયામાં ને હર્ડરના પ્રજ્ઞાચક્ષુના પ્રકાશમાં આ ઉદયોન્મુખ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો. સાથે સાથે સ્ટ્રાસબર્ગમાં એના ચિરંજીવ પ્રેમને પણ એક અનન્ય પાત્ર મળી ગયું, ફ્રેડેરાઇક બ્રાઅન. સ્ટ્રાસબર્ગથી અઢાર માઈલ દૂર આવેલા સેસેન- હેઈનના એક પાદરીની આ કન્યા સાથે ગઅટેએ અનેક રાતો ઘોડેસવારીમાં ગાળી. અને એમાં હૃદયને ગાળીગાળીને જે પ્રણયરસ છલકાવ્યો એ એના ને જગતના એક સુંદર ઊર્મિકાવ્યમાં ઝિલાયો. એ કાવ્યમાં જ એણે ગાયું છે: ‘My heart beat high ! To horse, to horse !’ અને એ રીતે જ, એકાએક, આ કૈં કૈં કોડભરી કન્યાના મુગ્ધ પ્રેમનો પરાજ્ય કરીને પોતે દુનિયાનો દિગ્વિજ્ય કરવાને ચાલ્યો ગયો ! એની પાછળ ફ્રેડેરાઇક આજીવન અપરિણીત રહીને ૧૮૧૪માં બાડનમાં મૃત્યુ પામી. ‘જે હૃદય ગઅટેને વરી ચૂક્યું છે એ હૃદય હું અન્ય કોઈને ચરણે ધરી શકીશ નહિ.’ આ શબ્દોમાં એનો અપૂર્વ ભક્તિભાવ એણે વ્યક્ત કર્યો છે. ‘ફાઉસ્ટ’ના પ્રારંભમાં જેમ ગ્રેટ્શેનનાં, તેમ અંતભાગમાં આ ફ્રેડેરાઇકનાં દર્શન થાય છે. ગઅટેના હવે પછીના જીવનના અનેક પ્રેમ-પ્રસંગો જાણે કે આ બન્નેના પ્રેમને અને એની વેદનાને વિસરવાના પ્રયત્નરૂપ જ જોવા મળે છે. સ્ટ્રાસ્બર્ગથી ઓચિંતા જ ફ્રાન્કફુર્ટ આવીને અનેક નાટ્યકૃતિઓની કલ્પનાથી પ્રેરાઈને એણે લખવા માંડ્યું; પણ સર્વને એક પછી એક પડતી મેલી અંતે ‘ગોત્ઝ’ની રચના હાથ ધરીને સંપૂર્ણ કરી. એ કૃતિએ ગઅટેને જર્મની આખામાં રાષ્ટ્રખ્યાતિ અપાવી. આ નાટ્યકૃતિથી જર્મન રંગભૂમિ પર શેક્સ્પિયર શૈલીનાં નાટકોને પ્રથમ વાર પ્રવેશ મળ્યો ને જર્મન સાહિત્યના ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’ યુગનો પ્રારંભ થયો. પછી વેટ્ઝલારમાં એ વકીલાત ચલાવવા ગયો; પણ પિતાનું સ્વપ્ન સિદ્ધ નહિ થવાનું હોય તે નિષ્ફળ વકીલ પુરવાર થઈ પાછો આવ્યો. પરંતુ સાથે જગતની એક અદ્ભુત નવલકથા લઈ આવ્યો. ત્યાં શારલોટ બુફ નામની એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો, પણ પાછળથી એના લગ્નની જાણ થતાં એની સાથેના સંબંધનો એણે અંત આણ્યો. આ પ્રસંગની સંવેદનાથી પ્રેરાઈને એણે ફ્રાન્કફુર્ટ આવીને ‘વેર્ટર’ની નવલકથા લખવાનો પ્રારંભ કર્યો; ને એની સાથેસાથે એલિઝાબેથ (લીલી) શોનમાન સાથેના પ્રેમનો પણ પ્રારંભ કર્યો ! દરમ્યાન ર્હાઇન-પ્રદેશમાં ખૂબ રખડ્યો ને ચિત્રકળાના નિષ્ફળ માર્ગે પણ ચડ્યો. એવામાં ૧૭૩૩ના નવેમ્બરમાં એક ધારાશાસ્ત્રીએ બેકારી અને નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળીને આત્મહત્યા કર્યાના સમાચાર એણે સાંભળ્યા. આ બધા પ્રસંગોની અસર એની રચાતી નવલકથા પર પડી ને ‘વેર્ટરની વેદનાઓ’ નામે ૧૭૪૪માં તે પ્રગટ થઈ. અને — એકલા જર્મનીનાં જ નહિ પણ આખા યુરોપનાં હૃદયો પર જાણે એક ઉલ્કાપાત થયો ! એ નવલકથાએ યુરોપભરમાં એક અદ્ભુત જાદુ પાથરી દીધું. રોમિયો પછી પ્રણયની રંગભૂમિ પર એવો જ નટ આ વેર્ટર જન્મ્યો. હર્ડરે પ્રેરેલા શેક્સ્પિયરના વાચનની અસર એમાં સ્પષ્ટ છે. કથાના પૂર્વભાગનો વેર્ટર રોમિયોનો, અને ઉત્તર ભાગનો વેર્ટર હૅમ્લેટનો જ જાણે કે બીજો અવતાર છે. જર્મનીમાં તો એ વેર્ટરની જેમ વસ્ત્રપરિધાન કરવાનો, પ્રેમ કરવાનો ને અંતે નિષ્ફળ થઈને આપઘાત કરવાનો વા વાયો ! વેર્ટર એક ‘ફૅશન’ બની ગયો ! દેશદેશની ભાષાઓમાં એનો અનુવાદ થયો અને સૌ ગઅટેને વેર્ટરના સર્જક રૂપે પિછાનતું થયું. સારા યે યુરોપ પર એણે એવી તો ભૂરકી નાખી કે નેપોલિયન જેવો કઠોર પુરુષ પણ આ પાણીપોચા ‘વેર્ટરની વેદનાઓ’ સાતસાત વાર વાંચ્યા વિના ન રહી શક્યો ! વેર્ટરમાં એવો તે શો જાદુ હતો ? એનો ઉત્તર ગઅટેના ‘હું જ્યારે અઢાર વર્ષનો હતો ત્યારે મારો સારો યે દેશ અઢારની ઉંમરનો હતો’ — આ એક વાક્યમાંથી મળી રહે છે. જર્મનીની પ્રકૃતિનું વર્ણન અને વેર્ટરની માણસાઈનું દર્શન એ આ નવલકથાનું પ્રધાન આકર્ષણ છે. એના અગાઉના નાટકનો નાયક ગોત્ઝ જેમ ‘મુક્તિ ! મુક્તિ ! રટતો મૃત્યુ પામે છે, તેમ આ નવલકથાનો નાયક વેર્ટર ‘માનવતા ! માનવતા’નું રટણ કરતો મૃત્યુ પામે છે. આ બન્ને રચનામાં ગઅટેની રંગદર્શી કલાશૈલીએ અપૂર્વ લીલા ખેલી છે ને રૂસોની ફિલસૂફીની અસર પણ એવી જ અપૂર્વ ઝીલી છે. કાર્લાઇલ જેને ‘અનિર્વચનીય ચંચલતા’ કહે છે તે વેર્ટરમાં છે. એની આત્મહત્યા આલેખીને ગઅટેએ આશાવાદ પર પ્રબલ આઘાત કર્યો છે. આથી જ નિકોલાઈ લેસ્સિન્ગે વેર્ટરને કરડી નજરે જોયો છે. (આપણે ત્યાં મેઘાણીભાઈની પણ કંઈક એવી જ નજર છે, જોકે સહેજ જુદા કારણે.) પણ વેર્ટરનું આમ મૃત્યુ લાવવું એ જ ગઅટેના જીવન માટે જરૂરી હતું, અનિવાર્ય હતું. વેર્ટરને મારીને તો ગઅટે જીવી ગયો ! ગઅટેના અને એના સાહિત્યના જીવનનો પૂર્વકાળ આ બે રચનામાં પરિણત થઈ પૂર્ણવિરામ પામે છે. ગઅટેના જીવન પૂરતો ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’નો યુગ અહીં પૂરો થયો. એના જ શબ્દો — ‘હું તો સાપ જેવો છું, કાંચળી ઉતારી નાખીને નવો દેહ ધારણ કરું છું.’ — પ્રમાણે ગઅટેએ વેર્ટરમાં એક કાંચળી ઉતારી નાખીને નવું પ્રસ્થાન કર્યું. ફ્રાન્કફુર્ટથી એ ડ્યુસ્સેલફોર્ડ ગયો. ત્યાં ફ્રિટ્ઝ યાકૉબીની સાથે સ્પિનોઝા વિશે ચર્ચાઓ ચાલી. કવિજન ને પ્રેમીજન હોવા ઉપરાંત ગઅટે જ્ઞાનવિજ્ઞાનમાં પણ અભ્યાસી પ્રજ્ઞાપુરુષ હતો. એટલે સ્પિનોઝાની ફિલસૂફીથી એ અત્યંત મુગ્ધ થયો. એકાએક એની આંખ આગળથી પડળનો પડદો જાણે ખસી ગયો. પ્રકૃતિ સાથે એણે હૃદયનું રસાયન કરી દીધું. સ્ત્રી ને સમષ્ટિ બધું એકાકાર થતું ગયું. જીવન ને ભાવનાઓનાં સર્વ મૂલ્યોમાં સમૂળી ક્રાંતિ આવતી ગઈ. સ્પિનોઝાની આંખે એ વિશ્વને જોતો થયો. એનો પ્રથમ ઉદ્ગાર ‘ફાઉસ્ટ — એક ખંડકાવ્ય’ રૂપે પ્રગટ થયો. એ જ સમયે, ૧૭૭૪ના ડિસેમ્બરમાં વાઇમારના ગ્રાંડ ડ્યૂક કાર્લ ઑગસ્ટે એને આમંત્રણ આપ્યું. ફરી ૧૭૭૫ના ઑક્ટોબરમાં આગ્રહપૂર્વકનું આમંત્રણ આપ્યું. આમ, બબ્બે વારના નિમંત્રણને માન આપી, લીલી શૉનમાનની સ્મૃતિથી સભર એવા ફ્રાન્કફુર્ટનો ત્યાગ કરીને ૧૭૭૫ના નવેમ્બરની ૭મીએ સદાને માટે વાઇમારમાં જઈ વસ્યો. સૂક્ષ્મ જગતમાં જેમ સ્પિનોઝાને કારણે એ ઊગરી ગયો એમ સ્થૂલ જગતમાં આ ડ્યૂકને કારણે એ ઊગરી ગયો. ડ્યૂકના નિમંત્રણના તેના આ સ્વીકારથી સારા યે જર્મનીને આશ્ચર્ય થયું. એક નાના ઠાકોર સાથેના આ રજવાડી સ્નેહસંબંધ સામે ઘણાએ સટીક રોષ પ્રગટ કર્યો. પણ જે બહુમાનથી અઢાર વર્ષના ડ્યૂકે ગઅટેને આવકાર્યો એ પરથી ગઅટેએ પોતાનું સ્વમાન સાચવ્યાની પ્રતીતિ થાય છે. વાઇમાર આવીને ગઅટેએ દસ વર્ષ કવિતાને વિસારી દીધી અને રાજકારભારને વધાવી લીધો. યુદ્ધમંત્રી, નાણામંત્રી, ઉદ્યોગમંત્રી, ન્યાયમંત્રી અને મુખ્ય મંત્રી, એમ અનેકવિધ સ્વરૂપે એણે સહેજમાં ત્યાં રાજગુરુનું પદ પ્રાપ્ત કરી લીધું. વળી અનેકવિધ સંસ્કારપ્રવૃત્તિઓ પણ ત્યાં જન્માવી ને જમાવી. જ્યાંથી નજીકના ભવિષ્યમાં જગતને બીજા એક પ્રતિભાશાળી નાટ્યકારની કૃતિઓ ભેટ થવાની હતી એ વાઇમારનું નાટકઘર સ્થાપીને એનું સંચાલન પણ તેણે હાથમાં લીધું. ‘ગઅટે ગેસેલશાફટ’ નામની ગઅટે-સાહિત્યનો સ્વાધ્યાય કરતી સંસ્થાની પણ ત્યાં સ્થાપના કરી. આમ, વાઇમાર યુરોપની સંસ્કારયાત્રાનું તીર્થસ્થાન બની ગયું. પણ સૌથી વધુ લાભ તો (એને અને ‘ફાઉસ્ટ’ના અંતને) ગ્રામજનોની સાથે ત્યાં એણે જે તદ્રૂપતા સાધી એથી થયો. અન્ય કોઈ કવિએ કદી સામાન્ય માનવીના જીવનમાં આટલો રસ કદાચ નહિ લીધો હોય ! ઉઘાડા આકાશ હેઠળ અને મુક્ત ધરતી પર ગ્રામજનો સાથે અહીં એણે અનેકવાર જે નૃત્ય કર્યું એનો તાલ એના જીવનમાં અને કાવ્યના ઉત્તરભાગમાં પુરાતો ગયો. આ સ્વચ્છંદી ભ્રમણમાં એને સંયમ અને નિયમનનો બોધપાઠ સમજાયો, જેને એ ‘કઠોર આનન્દ’ કહીને ઓળખાવતો.

‘સંયમ નિયમથી જ માત્ર પ્રાપ્ત થાય છે.’
‘સ્વયં સર્જનહાર પણ સંયમમાં પ્રગટ થાય છે.’

‘સંયમમાંથી જ સાચા કવિ, કળાકાર ને માનવીનો જન્મ થાય છે.’ એ એનું રટણ થઈ પડ્યું. આ સામાન્ય માનવીઓ પાસેથી એ મરીને જીવવાનો મંત્ર પામ્યો ઃ ‘મરી અને તરી જવું !’ સાહિત્યસૃષ્ટિમાં જેવો હર્ડરના મિલનનો પ્રસંગ, એવો જ પ્રણયસૃષ્ટિમાં અહીં શાર્લોટના મિલનનો પ્રસંગ ઉપસ્થિત થયો. શાર્લોટ ફૉન સ્ટાઇન નામની તેત્રીસ વર્ષની રમણીના પ્રેમમાં એ પડ્યો, અને જીવનમાં કદી જડ્યો ન હતો એવો પ્રેમનો અર્થ એને જડી આવ્યો.‘Reinheit’ (પવિત્રતા) અને Friende (શાંતિ) — આ કાળમાં વારંવાર એણે ઉચ્ચારેલા આ બે શબ્દો એના મનની પરિસ્થિતિનાં તથા એની અનુભૂતિનાં અત્યંત સૂચક પ્રતીકો છે. પવિત્રતાની આ પ્રેરણાને અંતે શાંતિની જે ઝંખના જાગી એ ૧૭૮૩માં જીકેલહેનની ટેકરી પર એક બારી પાસે પેન્સિલથી લખેલા એના આ નાના કાવ્યમાં અંકિત થઈ છે. એનાં સર્વશ્રેષ્ઠ બાર ગીતોમાં એની ગણના થાય છે.

         WANDERER’S NIGHT-SONG
On the hill
All is still.
In the trees
Scarce a breeze.

The birds in the woods have ceased their song
And sought their nest.
Patience a little; — ere long
Thou too shalt rest.

                  રખડુનું રાત્રિગાન
આ શૃંગનો પ્રાન્ત
કશો પ્રશાન્ત !
ને વૃક્ષને પલ્લવ પુંજપુંજે
ન હવા ય ગુંજે !
વિહંગનાં ગાન શમી ગયાં રે
ને નીડમાં સૌ વિરમી ગયાં રે !
હે ચિત્ત, તું ક્ષણ રહે ધૃતિને અધીન,
તું યે થશે પરમ શાંતિ મહીં જ લીન !

‘ઈશ્વર પર સાચો પ્રેમ રાખનારે બદલામાં ઈશ્વરના પ્રેમની અપેક્ષા હરગીઝ રાખવી ન ઘટે’ — એ સ્પિનોઝાના સૂત્રની સાચી પ્રતીતિ એને શાર્લોટના પ્રીતિયોગે કરાવી. આમ, શાંત પ્રેમના પવિત્ર સૌંદર્યથી એનું વિશ્વ રંગાઈ ગયું. આ ભક્તિયોગની સાથેસાથે જ એણે જ્ઞાનયોગ પણ પ્રગટાવ્યો હતો. કાવ્યના બ્રહ્માનંદ જેવો જ વિજ્ઞાનનો એનો આનંદ પણ અનહદ હતો. અને કષ્ટસાધ્ય સંશોધનને અંતે એણે જ્યારે વનસ્પતિ અને મનુષ્યની ઉત્ક્રાંતિનાં મૌલિક પ્રતિપાદન સિદ્ધ કર્યાં ત્યારે એક કવિ પાસેથી મળતી આવી વિજ્ઞાનસિદ્ધિ જોઈને તો ઘડીભર જર્મની આશ્ચર્યમુગ્ધ થઈ ગયું. પ્રથમ લાઇપત્સિશમાં ને પછી ફ્રાન્કફુર્ટમાં અંકુરિત થયેલો ને વિજ્ઞાનની મૌલિક શોધમાં પરિણમતો એવો એનો આ વિકાસ પણ એને પ્રકૃતિનાં અંતરતમ રહસ્યોનો રસ પ્રેરનાર સ્પિનોઝાની ફિલસૂફીને જ આભારી છે. વાઇમારમાં વસ્યા પછી આસપાસના પર્વતોમાં એણે બે પ્રવાસો કર્યો. ૧૭૭૭માં ‘હાર્ઝ’ પર્વતોમાં અને ૧૭૭૯માં સ્વિટ્ઝરલૅન્ડના આલ્પ્સ પર્વતોમાં. પણ ગઅટેના હૃદયપલટાની પ્રક્રિયાને સ્થાયી ને અંતિમ રૂપ આપનાર ઇટલીના પ્રવાસનો તો છેક ૧૭૮૬માં આરંભ થયો. શાર્લોટની આત્મીયતાથી અંકિત ‘ઇફીજીની ઑફ ટૉરિસ’ અને ‘તોર્કાતો તાસ્સો’ની અપૂર્ણ નાટ્યકૃતિઓ તથા ફાઉસ્ટનું અપૂર્ણ ખંડકાવ્ય — એ ત્રણે કૃતિ પ્રવાસમાં સાથે હતી. અચાનક જ અલોપ થવાનો ગઅટેનો સ્વભાવ હતો. એ પ્રમાણે એ ક્યારે આલ્પ્સની પેલી પાર પહોંચી ગયો એ વિશે વાઇમાર અજાણ જ રહ્યું. એક દાયકાના અવિરત કર્મજીવનમાંથી અને કીર્તિના વળગાડમાંથી જાણે એ ભાગી છૂટ્યો, ત્યાં લગી કે ભૂતકાળથી બચવા ‘મોલેર’નું બનાવટી નામ ધારણ કર્યું. આ ક્લાન્ત કવિને ઇટલીની કાંતિએ મુગ્ધ કર્યો. અંતે એણે અકર્મને પ્રસન્ન મને અંજલિ અર્પી — જાણે કે કર્મની કાંચળી ઉતારી નાખી ! ઇટલીના એ તેજોજ્જવલ આકાશ હેઠળ, પ્રાચીન અવશેષોના સાન્નિધ્યમાં, આલ્પ્સની નીરવતાનું પાન કરતો ગઅટેનો આત્મા શું શું અનુભવી રહ્યો હશે એની તો વાઈમારની ધૂંધળી શેરીઓમાં વસતી શાર્લોટને કલ્પનાયે ક્યાંથી હોય ? ફલૉરેન્સ, વેનીસ, નેપલ્સ, રોમ, એમ ઠેરઠેર પ્રાચીન સંસ્કૃતિના પુરસ્કર્તા વિન્કલમાનની ભાવનાઓથી સભર એવું હૃદય લઈને ભમતા ગઅટેના પ્રફુલ્લ મનની પરિતૃપ્તિના જ આ ઉદ્ગાર છે: ‘અહીં સૂર્ય ઉષ્માભર્યો છે, અને ફરી એક વાર ઈશ્વરના અસ્તિત્વની શ્રદ્ધા અહીં દૃઢ થાય છે.’ ઇટલીના આ પ્રસન્નોજ્જ્વલ પ્રકાશમાં એવું તો કોઈ અદ્ભુત રસાયન રહેલું હતું કે જેથી ધરતી ને આભ બધુંય એક — સમરસ — થઈ ગયું. અહીં જ એણે હેલનને પૃથ્વી પરથી વિદાય થતી અને અંતે ઓગળી જતી જોઈ હશે. અહીં રંગદર્શી કવિની કળા હવે પછી દર્શનરંગી થવાની આગાહી આપી રહે છે. ઇટલીના આકાશનું અજવાળું અને મિલાનની કાળી કીકીઓવાળી ફૉસ્ટીનાના પ્રણયની સ્મૃતિ હૃદયમાં સંઘરીને એ બે વર્ષને અંતે વાઇમાર પાછો આવ્યો. હવે વાઇમાર એને નિષ્પ્રાણ, ઉષ્માહીન ને ધૂંધળું લાગ્યું અને પોતે ખોવાયેલા જેવો લાગ્યો. શાર્લોટ તો એનો આ નવો અવતાર જોઈને આભી જ બની ગઈ. લાવા ફુત્કારતો એની લાગણીનો જ્વાળામુખી ઠરીને હિમાલયમાં પલટાઈ ગયેલો એને લાગ્યો. ને ત્યાં તો આખા યે વાઇમાર પર જાણે કે વીજળી પડી ! એ વીજળી ગઅટે અને ક્રિસ્ટીઆની વુલ્પીઅસના મિલનમાંથી પ્રગટી. ઈટલીથી આવ્યે એકાદ મહિનો થયો હતો, અને એના જીવનમાં કે કાવ્યમાં કોઈને રસ રહ્યો ન હતો ત્યારે, ઉદાસ મને એ એક જાહેર બગીચામાં બેઠો હતો ત્યાં, વાઇમારના એક સમયના આ પ્રજાપાલક પાસે એક ગભરુ બાળા રક્ષણાર્થે આવી. લોક જેને ડાઓનીસના લાડીલા નામે સંબોધતું તે જ આ ક્રિસ્ટીઆની. એના પરના પ્રથમ દૃષ્ટિપાતે જ ગઅટેને મિલાનની ફૉસ્ટીનાની યાદ આવી ગઈ. એની આંખોમાં એણે ઇટલીનું પ્રકાશ પાથરતું આકાશ જોયું. શેલીના શબ્દોમાં ગઅટે એની આંખોને ‘Twin mirrors of Italian heaven’ કહી શક્યો હોત ! એકાએક, વીસ વર્ષની આ માલણ કન્યા સાથે પોતાના ઘરમાં જ એણે સહજીવન શરૂ કર્યું. એની સાથે જ શાર્લોટની ચૌદ વર્ષની મૈત્રી વિરામ પામી ને વાઇમારની પ્રજાનો રોષ ઉદય પામ્યો. ગમે તે ભોગે પણ એ ઇટલીને ભૂલવા માગતો નહોતો, — ત્યાં લગી કે ઈટલીના રંગસૌંદર્યની સ્મૃતિ જીવંત રાખવા એ રસાયણશાસ્ત્રની મીમાંસા કરતો થયો. જેમ પૂર્વકાળની રંગદર્શી કળા ગત્ઝ ને વેર્ટરમાં પરિણત થઈ તેમ આ મધ્યાહ્નકાળની દર્શનરંગી કળા ‘ઇફીજીની ઑફ ટૉરીસ’, ‘એગમોન્ટ’ અને ‘તોર્કાતો તાસ્સો’માં પરિણત થઈ. ૧૭૯૦માં ‘ફાઉસ્ટ — આયન ફ્રાગમેન્ટ’ (ફાઉસ્ટ — એક ખંડક) પ્રગટ થયું. ૧૭૯૨માં ડ્યૂકના આદેશથી યુદ્ધમાં સૈનિકપદ સ્વીકાર્યું અને તત્કાલ કાવ્યને વિસાર્યું. આમ, હર્ડર, શાર્લોટ અને ડ્યૂક સૌની હૂંફ ખોઈ બેઠેલા અને ક્રિસ્ટીઆની સાથેના સહજીવનથી સમાજનો રોષ વહોરી બેઠેલા ગઅટેના જીવનમાં ફરી એક પરિવર્તનકારી બનાવ બન્યો. ૧૭૯૪માં Die Horen (દી હૉરેન) પત્ર માટે લખવાનું એના તંત્રી શિલરનું એને આમંત્રણ મળ્યું. એના નીરસ પ્રાણમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. જર્મનીના એ ખ્યાતનામ કવિ શિલર સાથેની ગઅટેની આ મૈત્રી સાહિત્યસૃષ્ટિની અતિવિરલ મૈત્રી બની ગઈ. શરૂમાં શંકાશીલ મનની સ્પર્ધાઓથી જન્મેલી આ મૈત્રી અંતે તો એટલી ઉત્કટ બની ગઈ કે બેમાંથી એક મિત્ર માંદો હોય તો સામાને દુઃખકર ન થાય એ હેતુથી તેના ખબર જ ન આપવાની નાજુકાઈ સુધી તે પહોંચી. જોકે બન્નેના રુચિતંત્રમાં બહુ ફરક હતો. ગઅટે સ્વાનુભવથી સમાજની નાડ પારખી ગયો હતો. એથી એ પ્રજાકારણમાં નિરુત્સાહી ને ઉદાસ બની ગયો હતો. જ્યારે શિલર તો ‘Ode to Joy’ લખીને બેઠો હતો ! ગઅટેને યુદ્ધશાસ્ત્રથી યે વધુ રસ રસાયણશાસ્ત્રમાં હતો. પોતે ક્રાઇસ્ટ અને લ્યૂથરને માર્ગે છે એમ એ માનતો. પ્રજાના કૃત્રિમ ઉન્માદમાં એને ઉત્સાહ ન હતો. જ્યારે શિલર પ્રજાકારણ પ્રત્યે અતિ ઉત્સાહી, યુવાનોમાં અતિપ્રિય ને આદર્શઘેલો હતો. વાસ્તવ સાથે શિલરની આ સમાધાનવૃત્તિ ને ગઅટેની સંઘર્ષવૃત્તિ, પ્રથમ મિલનમાં જ એ બન્ને મિત્રો પરસ્પર પામી ગયા છતાંયે વિરોધી તટોની વચમાં સ્નેહસરિતા તો વહેતી જ ચાલી. વાઇમારના નાટકઘરમાં શિલરની કરુણ રસ વહાવતી અમર નાટ્યકૃતિઓ ને ગઅટેની વિપુલ મહાસાગરની ઊર્મિઓ જેવી કવિતા દિનપ્રતિદિન ઊભરાતી ચાલી. શિલરની પ્રેરણાથી ગઅટેની કૃતકૃત્યતાએ ઓગણપચાસની વયે કાઢેલો આ ઉદ્ગાર છે: ‘તેં મને બીજી જુવાની આપી અને મારામાં મૃતપ્રાયઃ થયેલા કવિને તેં સજીવન કર્યો.’ પણ વચમાં મનોમન પોતાનું એક નિરાળું જગત સર્જી રહેલા આ બન્ને કવિ-મિત્રોને જગતે જાકારો દીધાની એક દુઃખદ ઘટના બની ગઈ. ‘દી હૉરેન’ની પડતીના દિવસમાં એને જિવાડવાને ગઅટેએ એ પત્રમાં મિલાનની ફૉસ્ટીનાની ઉન્માદક સ્મૃતિમાંથી પ્રાચીન છંદશૈલીમાં રચેલી Roman El-egies (જે પરથી ગઅટે The Pagan ને નામે ઓળખાયો તે) પ્રસિદ્ધ કરી. એમાં એણે પાગલની જેમ પ્રેમના પુરસ્કારતું જયગાન કરી સમાજનું સગર્વ અપમાન કર્યું. પરિણામે પ્રજાએ ગઅટેની ‘સાહિત્યકૃતિઓ’ની નકલો સળગાવી દીધી અને ‘દી હૉરેન’નો અંત વહેલો આવ્યો. આથી શિલર ને ગઅટેનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠ્યો. બન્નેએ મળીને Xenien (ત્સેનિયેન)નું સહલેખન કર્યું અને તેનાં મુક્તકોમાં સમાજની ક્રૂરમાં ક્રૂર હાંસી કરી. ૧૭૯૭માં ગઅટેએ કટાક્ષમય હાસ્ય રેલાવતું બાયરનના ‘ડૉન યુઆન’ જેવું ‘હેરમાન ઉન્ડ ડોરોથીઆ’ નામનું સર્વાંગસુન્દર સળંગ કાવ્ય પ્રગટ કર્યું. શિલરે એને જર્મનીનું મહાકાવ્ય કહ્યું. આ જ પુણ્યકોપથી પ્રેરાઈને આ બન્ને કવિબંધુઓએ અનેક ‘બૅલૅડ’ રચી. એમાં શિલર વધુ સફળ થયો. પણ દસ વર્ષના આ મૈત્રીકાળમાં એમનો પ્રધાન રસ તો રંગભૂમિમાં જ રહ્યો. જોકે અંતકાળની એમની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં પ્રચલિત ન થઈ, કારણ કે એમાં શિલરનો કરુણ રસ ઘેરો થતો ગયો અને નાટકોમાં ગઅટેની કલમ કથળતી ગઈ. ૧૮૦૦ના વર્ષમાં બન્નેને અલ્પ કાળની માંદગી આવી, ને નવી સદીના ઉષઃકાળમાં તો જગતની રંગભૂમિ પરથી રૂસો, લેસિંગ, ક્લૉપ્સ્ટૉક ને હર્ડર ચાલ્યા ગયા. આમ, જીવનમાં ઓળા ઊતરતા જતા હતા ત્યાં, ૧૮૦૫ના મેની ૯મીએ ગઅટેના જીવન પર જાણે એક શીહા અંધકાર ઊતર્યો. એ દિવસે સાંજે અચાનક શિલરનું મૃત્યુ થયું. પણ એના સમાચાર ગઅટેને આપવાની કોઈની છાતી ચાલી નહિ. સૌને સ્તબ્ધ જોઈ ગઅટે બોલી ઊઠ્યા ઃ ‘શિલર વધુ માંદો છે ?’ તો ય કોઈને વાચા ફૂટી નહિ. ગઅટે ફરી બોલી ઊઠ્યો ઃ ‘એમ લાગે છે કે શિલરની છેલ્લી ઘડીઓ છે.’ પણ પોતાના જ શબ્દો પડઘા રૂપે પાછા મળતાં આખી રાત એણે રડી રડીને કાઢી. સવારે એને સમજાઈ ગયું, ‘તો શિલર ગયો ?’ ગઅટેની જાણે એક પાંખ કપાઈ ગઈ. શિલરમાં એણે શું શું ખોયું એનો અંદાજ એક વાક્યમાં એણે આપ્યો ઃ ‘મેં મારો મિત્ર ખોયો, પણ એમાં હું મારો અરધો પ્રાણ ખોઈ બેઠો.’ પણ અંતે તો શિલરના શબ્દો ‘મૃત્યુ અમંગલ હોય જ નહિ, કારણ કે એ સાર્વભૌમ છે’ એમાં જ એણે આશ્વાસન શોધવાનું હતું. ઘડીક તો એ શિલરનું અપૂર્ણ નાટક પૂર્ણ કરવા મથ્યો. પણ આઘાત એટલો તો પ્રબલ હતો કે કંઈ ચેન ન પડ્યું તે ન જ પડ્યું. ગઅટેને પોતાનો ગણનાર એકમાત્ર માનવી શિલર ચાલી જતાં એનું સારું યે બહિર્જગત ચાલી ગયું. જીવનમાં ક્યારે ય નહોતો બન્યો એવો નિરાધાર એ બની ગયો. પણ નિરાધારીમાં નમી પડે તો એ ગઅટે નહિ ! હવે પછી એ જીવનભર અંતર્મુખ બની ગયો. એણે કઠોર કર્મયજ્ઞ પ્રગટાવી તપસ્વીનું જીવન આરંભ્યું ને ૧૮૦૮માં એનું મહાન કાવ્યનાટક ‘ફાઉસ્ટ’ જગતને અર્પણ થયું ને તેના બીજા ભાગ રૂપે પ્રાપ્ત થનારું વિશ્વમાંગલ્યનું ગાન આલાપવા ઋષિવર જેમ ગઅટે ચેતનાપ્રવૃત્ત થયો. ૧૮૦૬માં વાઇમાર પર ફ્રેંચ સૈન્યે ઘેરો ઘાલ્યો અને અંતે એ શહેરનું પતન થયું. એ વેળા ફ્રેંચ સૈનિકોના હાકોટા સામે પોતાના ઘરમાં રહેલા ગઅટેનું ક્રિસ્ટીઆનીએ રાતભર રક્ષણ કર્યું. એની આ ભક્તિ અને નારીશક્તિ આગળ ગઅટેનું હૃદય નમી પડ્યું, ને જેની સાથે કેવળ ગાંધર્વવિવાહ જેમ સોળ વર્ષ લગી જીવન ગાળ્યું હતું તેની સાથે, એ આત્મલગ્નના છેક સોળમે વર્ષે, આ પ્રસંગ પછી પાંચમે જ દિવસે તેણે વિધિસરનું લગ્ન કરી લીધું. આ સમયે યુરોપનો વિજેતા વીર નેપોલિયન વાઇમાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ગઅટેનો એ એક રસિક ભક્તજન હતો. યુરફુર્ટમાં આવીને દર્શન આપવાનું એણે ગઅટેને આમંત્રણ આપ્યું. નેપોલિયનને તે સ્લાવની સામે યુરોપી સંસ્કૃતિનો સંરક્ષક માનતો. તેણે સહર્ષ એના આમંત્રણનો સ્વીકાર કર્યો. ૧૮૦૮ના ઑક્ટોબરની ૨જીએ સવારે અગિયાર વાગ્યે આ બે મહાપુરુષોનું મિલન થયું. ગઅટેને જોતાંવેંત જ નેપોલિયનના આશ્ચર્યમુગ્ધ હૃદયમાંથી ‘આ રહ્યો માનવી !’ એવા શબ્દો નીકળી પડ્યા. ગઅટેના સ્વાસ્થ્ય ને સાહિત્યની એણે મુક્ત કંઠે પ્રશંસા કરી અને પૅરિસને પાવન કરવાનું આંમત્રણ આપ્યું. આ વર્ષમાં જ એની માતાનું મૃત્યુ થયું. આ સમયે, યૂનાના એક પ્રકાશકની પુત્રી મિન્ના હેર્ઝલીની પ્રણયછાયામાં રહીને એણે ‘Die Wahlverwandtschaften’ (દી વાલ્વેરવાંડશાફ્ટેન) નામની નવલકથા રચી. ચાર પાત્રોના મનોવિશ્લેષણ પર રચાયેલી આ નવલકથાથી ‘વિલ્હેમ માઇસ્ટર’ની જેમ જર્મન સાહિત્યમાં એક વધુ સાહિત્યપ્રકારનો પ્રારંભ થયો. વેર્ટર વાંચીને જર્મનીમાં જેમ આત્મહત્યાનો વા વાયો, તેમ આ નવલકથા વાંચીને છૂટાછેડાનો વા વાયો ! ૧૮૧૨ના જુલાઈમાં જગવિખ્યાત સંગીતસ્વામી બેથોવેન સાથે બેથોવેનની સહચરીની પ્રેરણાથી ગઅટેનું મિલન થયું. પરસ્પરની પ્રતિભાથી અંજાવા છતાં બેમાંથી એકેને સંપૂર્ણ સુખદ અનુભવ ન થયો. બેથોવેને ગઅટેમાં કવિને અયોગ્ય એવો ચાટુતાપ્રેમ અનુભવ્યો; જ્યારે ગઅટેએ બેથોવેનમાં કળાકારને અયોગ્ય એવો અહંકાર અનુભવ્યો. આમ છતાં યે બે મહાપુરુષને શોભે એવો જ એમનો પરિચયપ્રસંગ નીવડ્યો. બેથોવેને ગઅટેનાં અનેક ગીતોની અને ‘એગમોન્ટ’ નાટકની સ્વરરચનાઓ આલેખી. ૧૮૧૦માં ‘પૅન્ડોરા’ રચીને એણે પોતાની ક્લાસિકલ અને રૂપકશૈલીનું અંતિમ સીમાચિહ્ન આંકી દીધું. અહીં એના સાહિત્યનો બીજો (સ્વાસ્થ્યપૂર્ણ શૈલીનો) યુગ વિરામ પામ્યો. ૧૮૧૧માં પોતાના મનોગતની અમૂલ્ય વિગતો નોંધતી આત્મકથાનો પ્રથમ ભાગ અને ૧૮૧૨-૧૪માં બીજો અને ત્રીજો ભાગ એણે પ્રગટ કર્યા, અને ત્યાર પછી ત્રણ વર્ષ લગી અંતર્મુખ રહેલી એની દૃષ્ટિ યુરોપની સીમાઓ ઓળંગીને દૂરદૂરના પૂર્વના પ્રદેશો પર જઈને ઠરી ગઈ. બહારનું બધું જ પોતાનું કરી લેવાની એની પિપાસાનું જ આ લક્ષણ હતું. પ્રથમ એણે કાલિદાસ વાંચ્યો. પણ ‘શાકુન્તલ’નો પ્રેમ એને પાનો ચડાવી શકે એમ નહોતો. એની પ્રકૃતિને કાલિદાસ છેક પ્રતિકૂળ તો ન નીવડ્યો; પણ આ બુઝર્ગ કવિના હૃદય પર હાફિઝે તો એવો કંઈ કીમિયો કર્યો કે ૧૮૧૪માં ર્હાઇન-પ્રદેશમાં રખડતાં રખડતાં એ મારીઆન ફૉન વીલમારના પ્રેમમાં પડી ગયો. પોતાને હાતિમ અને મારીઆનને ઝુલેખા કલ્પીને હાફિઝની શૈલીમાં એણે ‘વેસ્ટ ઑસ્ટલિશેર દીવાન’ (પશ્ચિમી દીવાન) રચ્યો. જે ૧૮૧૯માં પ્રગટ થયો. ૧૮૧૬ના જૂનમાં એના સુખદ અને હર્યાભર્યા ગૃહજીવન પર આફત આવી પડી. ક્રિસ્ટીઆનીનું મૃત્યુ થયું અને એનું રહ્યુંસહ્યું આલંબન પણ ગયું. પચ્ચીસ વર્ષના સહજીવનની એ સમાપ્તિને એણે ‘The only profit of my life is to lament her loss’ કહીને અંજલિ આપી. ક્રિસ્ટીઆનીમાં જાણે પોતે ઈટલીનો આત્મા ખોઈ બેઠો હોય એમ, હવે છેક સીત્તેર વર્ષની વયે ૧૮૧૬-૧૭માં, ‘ઈટાલીએનીશ રાઇસ’માં ઈટલીનો પ્રવાસ લખ્યો ને વાઇમારના નાટકઘરના સંચાલનનું એકમાત્ર રહેલું કાર્ય પણ સંકેલીને નિવૃત્તિ લીધી. ૧૮૨૧માં મારીએનબાડમાં માંડ વીસ વર્ષની ઉલ્રીકે ફૉન લેવેત્સોવ સાથે આ વયમાં બુઢ્ઢો બનેલો કવિ પ્રેમમાં પડ્યો ! આમ, ચુમ્મોતેર વર્ષની વયે એનામાં પ્રણયવૃત્તિ જાગે એમાં એનો દોષ ન હતો. જેનાથી નેપોલિયન જેવો પણ અંજાઈ ગયો હતો એ એના દેહસૌંદર્યને સ્પર્શવામાં સ્વયં કાળ પણ કામયાબ નીવડ્યો ન હતો. અંતમાં જુદાઈને જોતો છતાં એ પ્રેમમાં પડતો. એની પ્રણયશૈલી જ કંઈક એવી હતી. વિરાગથી પ્રેરાઈને જ એ અનુરાગ અનુભવતો. એની આ પ્રણયવૃત્તિ પ્રત્યે યુરોપમાં સમજ અને અણસમજ બન્નેથી સભર એવા ભિન્નભિન્ન પ્રત્યાઘાતો પડ્યા છે. પણ મહાદેવભાઈના આ શબ્દોએ ગઅટેની સાચી સેવા કરી છે ઃ ‘એના જીવનમાં ત્યાગ અને ભોગ, વિલાસ અને વૈરાગ્ય બન્ને ઊભરાય છે. પણ ભોગ અને વિલાસમાંથી આખરે એને છૂટકો તો ત્યાગ અને વૈરાગ્યમાંથી જ જડ્યો છે; ને પ્રયત્નશીલ મનુષ્યને માટે સદાય આશા છે એવું અનુભવવાક્ય એ મૂકી ગયો છે.’ ૧૮૨૨માં આ પ્રેમપ્રસંગને પરિણામે રચાએલી ‘ટ્રિઑલૉજી હેર લાઇડેનશાફટ’ એની નાની કૃતિઓમાં છેલ્લી હતી; કારણ કે એ પછી એણે આપેલી બન્ને કૃતિઓ મહાકાવ્ય છે. હવે પછીનો જીવનનો છેલ્લો દાયકો એકરમાનને અપવાદ ગણીએ તો, એ અટૂલો પડી ગયો. ૧૮૦૫માં શિલર, ૧૮૦૬માં માતા, ૧૮૧૬માં પત્ની, એમ સ્વજનો ચાલી ગયાં હતાં. શાર્લોટનું મૃત્યુ જોકે ૧૮૨૭માં થયું, પણ એની મૈત્રી તો લગભગ લુપ્ત જેવી જ હતી. ૧૮૨૮માં વાઇમારના ડ્યૂકનું મૃત્યુ થયું, પરંતુ એની સાથેનો સંબંધ પણ પહેલાં જેટલો પ્રબળ રહ્યો ન હતો. એણે આજ લગીમાં જીવનની નાનાવિધ લીલાઓ ખેલી લીધી હતી. સાહિત્યના એકેએક પ્રકારમાં કલમ ચલાવી દીધી હતી. હવે ઊર્મિનું નવું ઝરણ ઊતરી આવે એવું એકેય શિખર રહ્યું ન હતું.ત્યારે કવિની કલમ ‘ફાઉસ્ટ’ની પૂર્ણાહુતિમાં સ્થિર થઈ અને આયુષ્યની ત્રણ પચ્ચીસીને પેલે પાર પહોંચેલો કવિ પોતાની સકળ ચેતના- પ્રજ્ઞાથી એ મહાકૃતિને મંડિત કરી રહ્યો. આ સમયમાં જ, ક્રમેક્રમે જીવનભર રચાતી રહેલી એની મહાકથા પણ ‘વિલ્હેમ માઇસ્ટર્સ વાંડરયાર’ને નામે પૂર્ણાહુતિ પામી. એમાં એના જીવન અને કળા વિશેના અંતિમ અને સૂક્ષ્મ વિચારો, એની સહાનુભૂતિનો વિસ્તાર, એના દર્શનની વિશાળ દૃષ્ટિ, એ બધું આબેહૂબ આલેખાયું છે. એમાં બેથોવેનની સ્વરરચનાનું સદ્ભાગ્ય પામેલું એનું જગવિખ્યાત ‘ઇટલીનું ગીત’ અને નેપોલિયને એની નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે પૃશિયાની રાણી લુઇઝાએ ઉચ્ચારેલું ગીત, એ બે તો અનન્ય ગીતરચનાઓ છે. એ બીજું ગીત તો મહાદેવભાઈએ ૧૯૩૨માં પોતાની ડાયરીમાં ગઅટેની પ્રથમ મૃત્યુશતાબ્દીને દિવસે ઉતારેલું:

‘Who has not cut his bread with sorrow,
Who hasn’t spent the mid-night hours
Weeping and watching for to-morrow,
He knows you not ye heavenly powers.’

(જેણે સંતપ્ત દિલે પોતાનો રોટલો ખાધો નથી. જેણે કાલને માટે રડીને અને જાગીને આજની રાત પસાર કરી નથી. તે, હે ભગવાન, તને ઓળખતો નથી.) કાર્લાઇલે આ કથાનો સુન્દર અનુવાદ કર્યો અને ગઅટે સાથે અંગત પરિચય કેળવ્યો. આ કાળમાં એકરમાન એનો એકમાત્ર નિકટનો સાથી હતો. ૧૮૨૩માં એણે પોતાની કૃતિ ‘બાઇટ્રેગ ત્સુર પોએસી’ની હાથપ્રત ગઅટેને જોવા મોકલી. તે પછી તરત જ એ વાઇમાર જઈને ગઅટેને ચરણે બેસી એનો અંતેવાસી બની ગયો, અને આખર લગી એની અને એના વિચારોની સેવા કરી. ગઅટેના મૃત્યુ પછી ૧૮૩૯-૪૦માં ગઅટેનું સંપૂર્ણ સાહિત્ય ચાલીસ પુસ્તકોમાં પ્રગટ કરીને એણે મિત્રઋણ અદા કર્યું ને અંતે ‘ગઅટે સાથેના વાર્તાલાપો’માં ગઅટેનાં ચિન્તન અને દર્શનના નિષ્કર્ષ નોંધીને તો પોતે પણ જર્મન સાહિત્યના એક મહાગ્રંથના રચયિતાની પ્રતિષ્ઠા પામ્યો. આ પુસ્તકમાં એણે કોઈ આત્મિકની આગળ જ જે પ્રગટ થાય એવી ભાષામાં વ્યક્ત થયેલું ગઅટેનું મનોગત સંપૂર્ણ સચ્ચાઈથી ને નાજુકાઈથી જગત આગળ ધર્યું છે. એકરમાન ઉપરાંત બાયરન, સ્કૉટ અને કાર્લાઇલ જેવા અંગ્રેજ મિત્રોને, મૅન્ઝોની જેવા ઇટાલિયન મિત્રોને, અને અન્ય ફ્રેંચ કવિઓ, વિજ્ઞાનીઓને પણ ગઅટે અક્ષરદેહે મળી લેતો. જર્મન કવિઓમાંથી ઊર્મિગીતોના રચયિતા લેખે એના જેટલો જ સત્ત્વશીલ કવિ હાઈન પણ આ સમયે આ તીર્થસ્વરૂપ તપસ્વીની દર્શનયાત્રા કરી ગયો, જેને અંતે, આ ઉમરે પણ ગઅટેમાં વિલસી રહેલા ચૈતન્યથી ચકિત થયેલો હાઇન નોંધી ગયો છે, ‘ગઅટે જ્યારે હાથ હલાવતો ત્યારે જાણે તારાઓને એમની દિશાઓ ભણી દોરવી રહ્યો છે એમ લાગતું.’ ૧૮૩૧ના ઑગસ્ટની ૨૮મીએ તેણે છેલ્લી વર્ષગાંઠ ઊજવી ને બ્યાશી વર્ષની વૃદ્ધ વયે પોતાના બે પૌત્રોને ખભે ટેકાઈને, પુત્રવધૂને પગલેપગલે દોરાઈને, વાઇમારની નૈઋત્યે આવેલી જીકેલહેનની ટેકરી પર વસવા ચાલી નીકળ્યો. જ્યાંથી એ પાછો ન ઊતર્યો. ૫૧ વર્ષ પૂર્વે અહીં જ એક બારી પાસે પેન્સિલથી લખેલી પોતાની પેલી ગીતપંક્તિઓ પર એની નજર ફરી ગઈ ઃ ‘તું યે થશે પરમ શાંતિ મહીં જ લીન !’ એ પારાવાર નીરવતામાં લીન થવાની શ્રદ્ધા સાથે ૧૮૩૧ની આખરે વિશ્વમાંગલ્યનું મહાકાવ્ય ‘ફાઉસ્ટ’ એણે જગતને અર્પણ કર્યું. ૧૮૩૨ના માર્ચની ૭મીએ એને શરદી થઈ. આ અંતિમ દિવસોમાં એણે હ્યુગો, પ્લૂટાર્ક ને યુરિપિડીસની રચનાઓ વાંચી. ૧૬મીએ રોજનીશીમાં એણે અંતિમ નોંધ લખી ઃ ‘માંદગીએ મને દિવસભર પથારીમાં રાખ્યો.’ ૨૨મીની સવારે એના મુખમાંથી અસ્પષ્ટ મર્મરધ્વનિ નીકળ્યો ‘સુન્દર સ્ત્રીમુખ, એના અંબોડાનો આંક, એનો મોહક વર્ણ, ને એની શ્યામ…’ ખંડમાં આમતેમ અટવાતા એક પત્રને જોઈને ‘શિલરનો પત્ર શીદને આમ રખડતો રહ્યો છે !’ એવું આશ્ચર્ય વ્યક્ત કર્યું. જીવનના છેલ્લા શ્વાસમાં એણે આમ શિલરનું નામ ન ઉચ્ચાર્યું હોત તો એની વિરલમધુર મૈત્રીમાં એટલી અધૂરપ રહી હોત ! જાણે કે ફાઉસ્ટની જ આંગળીને આધારે આકાશપારના આકાશને આંબતો એનો આત્મા જીવનના પરમ રહસ્યના અંતરતમ દ્વારને જ ‘Open the shutter!’ કહીને (જીવનો આટઆટલો તેજ અંબાર પણ શું ઓછો પડ્યો ?) અનંતમાં વિલીન થઈ ગયો ત્યારે ૨૩મીની વાસંતી ઉષાના અધર પર મૃત્યુના માંગલ્યનું કોઈ તેજ વિલસી રહ્યું ! માનવતાનું મંગલ ગાનાર આ મહાગાયકના જીવનકાવ્યમાંથી ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ — એ પ્રેરણા આપણો યુગ ઝીલી રહો !

૧૯૪૯


*