સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ધૂમ્રને

Revision as of 02:16, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ધૂમ્રને

(વસંતતિલકા)

આ શ્યામ મેઘ નભમાં ચડતો નિહાળી,
તેમાં દીસે મળી જવા થઈ વૃત્તિ તારી;
રે! ધૂમ્ર! અંબરપથે ચડવા ચહે શું?
ને એથી આશ્રય સમીર તણો કરે શું?
એવો તને ન અધિકાર, ન શક્તિ તારી,
તારો ન એ ઘન સજાતીય વ્યોમવાસી;
સ્વર્માર્ગ એ વિમળને વસવા તણો છે,
પ્રાણર્પણે પ્રણયીના હૃદયે ગ્રહ્યો છે.
તું સર્વથા મલિન, નિંદિત ને નઠારો,
ક્યાંથી પવિત્ર પદ એ કદી પામવાનો?
એ વારિએ જગ વિષે વસી શું કર્યું છે,
એના વિચાર વિણ કાં અથડાય ઊંચે?
માલિન્ય એ સકળ વિશ્વતણું મટાડે,
સંસર્ગથી પરમ શત્ય વળી પમાડે;
સંતાપ સૌ હૃદયમાં વસીને નિવારે,
ને અન્ય કાર્ય નિજ દેહ ત્યજી સુધારે.
તે સૃષ્ટિને શિર વિહાર કરી શકે છે,
સ્વચ્છંદ સ્વર્ગવનમાં વિચરી શકે છે :
દૃષ્ટિ વડે પણ જગદ્ભય એ હરે છે,
ને શબ્દમાત્ર થકી સાન્ત્વન એ કરે છે.
આ કૈંક કાળ પરશ્રેય કર્યા વિનાનો,
વિતાડવો અહીં પડે ઉર શોક એનો;
એથી ખરે! વદન ખિન્ન થયું દીસે છે.
ના શ્યામતા તુજ સમી વપુ એ વિષે છે.
તું તો ઘડી અહીં તહીં ફરી આસપાસે,
આ વૃક્ષ, શૈલ. રજમાં પડી શાંત થાશે;
એ સર્વ માંહી તુજ કલ્મષ લિપ્ત થાશે.
તે મેઘના જળ વિના ન કદાપિ જશે.
તું સર્વને મલિન સંગતિથી કરે છે.
ને દોષ એ જલદ જીવન દૈ હરે છે;
એવો પરસ્પર વિરોધ જહાં વસે છે,
ત્યાં ઐક્યથી વિલસવા ઉર કાં ચહે છે?

સ્વાધ્યાય

૧. અંબરપથે મેઘ સાથે ચડવાનો ધૂમ્રને કેમ અધિકાર નથી?
૨. વારિએ જગ વિષે શું શું કર્યું છે?
૩. મેઘમાં જે શ્યામતા દેખાય છે તે શાને લીધે આવ્યાનું કવિ માને છે?
૪. ધૂમ્રની પ્રવૃત્તિ કઈ કઈ છે અને તેનું શું પરિણામ આવશે?
૫. ધૂમ્રે કરેલા દોષને અંગે મેઘ શા માટે પ્રાણર્પણ કરે છે? એ દોષ કયા? એ પ્રાણાર્પણ એટલે શું
૬. જેમ આ ધૂમ્ર અને મેઘનું કાવ્ય છે તેમ કાચ અને હીરો, આળિયો અને તારો, દીવો અને સૂરજ, એવાં જુદાં જુદાં જોડકાં વિચારી કાઢી તે ઉપર ટૂંકી ગદ્ય-નિબંધિકા લખો.