ગુજરાતી નારીસંપદા : કવિતા/નદી અને સ્ત્રી

Revision as of 01:51, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નદી અને સ્ત્રી (મોનોઇમેજ).

રાજુલ ભાનુશાળી

1)
પછી એ હસી.
પૂછો, કેવું હસી?
ખડક સાથે અથડાઈને ફીણ ફીણ થઈ જતી નદી જેવું..
પછી એ ફળી.
પૂછો, કેવું ફળી?
પ્રવાહ બંધ થયા પછીથી પટમાં વધી ગયેલી ફળદ્રુપતા જેવું..
2)
નદીએ કિનારે ઉભેલી સુંદર સ્ત્રીને જોઈ.
સુંદર સ્ત્રીએ ધસમસતી નદીને જોઈ.
નદીને થયું - કાશ હું સ્ત્રી હોત!
સ્ત્રીને થયું - કાશ હું નદી હોત!
3)
નદી.
ધસમસતી આવીને એનામાં પેસતાં તો પેસી ગઈ
પણ,
પછી મુંજાઈ
ઈવ વગરના આદમ જેવા ઉજજડ કિનારે વહેવું પણ શી રીતે!
અંતે,
એણે આંખોના ખૂણેથી ચાલતી પકડી!
4)
જો નદી મરી જાય તો?
હજુ એ પ્રશ્નના પડઘાં શમે
એ પહેલાં,
કિનારે ઉભેલ હોડકાએ દેહનું દાન દઈ દીધું!
5)
એ દરરોજ રાત્રે કાગળની હોડી બનાવતી
અને
ઓશિકાની બાજુમાં રાખી મુકતી
એને ડર લાગતો
કે પથારી એક નદી છે, જેમાં પોતે ડૂબી જશે!
હવે એ સતત નદીના સુકાઈ જવાની પ્રતીક્ષા કરે છે..
6)
ઉપરવાસમાં આકાશ ઘેરાયું હતું.
‘હવે એક કિનારાથી બીજા કિનારા સુધી તરવાની કેવી મજા આવશે!’
નદીમાં રહેતી માછલી રાજીની રેડ થઈ ગઈ.

***