દરિયાપારથી.../કશુંક જૂનું, કશુંક નવું

Revision as of 06:11, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કશુંક જૂનું, કશુંક નવું

વાત તદ્દન સામાન્ય સ્તરથી શરૂ થાય છે. એમાં ફક્ત સ્થૂળ ઈંદ્રીય-ભાન સંકળાયેલું લાગે છે. કામ મુખ્યત્વે કર્ણેન્દ્રીયનું પડે છે. થયું એવું કે એક મિત્ર તરફથી આમંત્રણ મળ્યું. એણે સંગીતની એક મિજલસ યોજી હતી. “જૂનાં ગીતો સાંભળીશું”, એમ એણે કહેલું. ને બસ, વધારે કશું કહેવાની જરૂર નહતી. જૂનાં ગીતો એટલે શું, કે કયાં, તે સમજાવવાનું હોય જ નહીં ને. એ બે શબ્દોનો અર્થ એક જ થાય છે, ને તે બધાં જાણતાં હોય છે. જૂની હિન્દી સિનેમાનાં ગીતો એટલે “જૂનાં ગીતો.” બીજી કોઈ જાતનાં ગીતો આ પ્રકારમાં પડતાં નથી. બંગાળમાં પણ એક આવો શબ્દ છે – “આધુનિક ગાન”. એ શબ્દ કહેતાં પણ આવો જ એકાંતિક સ્પષ્ટ અર્થ વર્ણવાઈ જતો હોય છે. બંગાળી ફિલ્મનાં ગીત, રવીન્દ્રસંગીત, શ્યામા-સંગીત, અતુલપ્રસાદનાં ગાન, નજરુલ-ગીતિ વગેરે નામો પ્રચલિત છે. પણ “આધુનિક” એટલે આ બધાં નામોથી ભિન્ન, મોટે ભાગે એક જ શબ્દથી ઓળખાતો , એક આગવો જ પ્રકાર. એવાં ઘણાં બંગાળીઓ હોય છે કે જેમને “આધુનિક” ના ગમતાં હોય, પણ એવું કોઈ હશે ખરું જેમને “જૂનાં ગીતો”નું ખેંચાણ ના હોય? વળી, “આધુનિક” અને “જૂનાં ગીતો” વચ્ચે એક મોટો ભેદ છે. પહેલા પ્રકારમાં કોઈ ફિલ્મી ગીતનો સમાવેશ નથી થતો, અને એમાં એવું હોય છે કે ૧૯૪૫માં લખાયેલું-ગવાયેલું ગીત હોય કે ૧૯૯૫માં, પણ એ ઓળખાય છે “આધુનિક” તરીકે જ. “જૂનાં ગીતો” એટલે ફિલ્મનાં જ ગીત, અને એમાં એવું છે કે કયાં ગીતોની ગણત્રી, કે પસંદગી કરવી તે સાંભળનારની ઉંમર પર આધાર રાખે છે. ખેર, એ મિજલસની આમંત્રક મિત્ર નજીકમાં રહેતી હતી, અને જવા-આવવામાં બહુ સમય લગવાનો નહતો, તેથી ‘મઝા આવશે કે નહીં?’, ની બહુ ચિંતા કરી નહીં. બધાં આમંત્રિતો ગુજરાતી જ હતાં. ભારતની બહાર વસતાં ઈન્ડિયનો મોટે ભાગે આ જ રીતે, પ્રાંતીય જૂથોમાં જ મળતાં રહેતાં હોય છે. ભિન્ન-પ્રાંતીય કે અજાણ્યું એકાદ જણ હાજર હોય તો એકલું જ પડે. એ રાતે બધાં એકબીજાંને ઓળખતાં હતાં. બૃહદ્ ગુજરાત અને મુંબઈમાંથી આવેલાં, અને અમેરિકામાં નજીકમાં રહેતાં હોઈ એક લઘુ-સમાજનાં સદસ્ય બન્યાં હતાં. બધાં સમવયસ્ક હતાં, તેથી “જૂનાં ગીતો”ની પસંદગી એકસરખી હતી. યજમાન-ગૃહિણીએ એક યાદી તૈયાર કરી રાખેલી, પણ એમનાંનાં અમુક બાકી રહ્યાં, એ સિવાયનાં અમુક ગવાયાં. સાંભળનારાંના ભાવ જોવા જેવા હતા! કોઈ ડોલે, કોઈ તાલ આપે, કોઈ ગીતની સાથે હોઠ ફફડાવે. કોઈ વળી ગાઈને દખલ પણ કરે. તન્મય બધાં જ હતાં. ભલે આંખ ભીની ના થઈ હોય, પણ દરેક જણના હૃદયની ત્વચા પર તો શેવાળ વળી જ હતી. “જૂનાં ગીતો” એટલે જૂની યાદો. ઘરની યાદ, યુવાનીની યાદ, કૉલૅજ-કાળની અને પ્રથમ પ્રેમના અંકુરની ઝાંખી યાદ. “જૂનાં ગીતો” વીતી ગયેલા સમય માટેની કોઈ ઝંખના પેદા કરે છે. કહેવાય નહીં એવા વિયોગનો મુંઝારો ઉત્પન્ન કરે છે. તેથી જ, ક્યારેક થાય છે કે જા, હવે ક્યારેય “જૂનાં ગીતો” સાંભળવાં જ નથી. ને એ ગીતો હોય છે પણ કેવાં – જાણે આપણે માટે જ ના લખ્યાં હોય. દરેક ગીતની સાથે અનેક સ્મૃતિઓ દરેક શ્રોતાનાં મન સામે આવતી હતી, કનડતી હતી, રુંવાડાં ઊભાં કરતી હતી. મઝધારનું તોફાન જાણે બધાં કિનારાની સલામતીમાં રહ્યે રહ્યે અનુભવતાં હતાં. બે વિરોધી ભાવો – સ્મૃતિઓની આગ, સાંપ્રતની સભાનતા. કૉલૅજના સમયના ટુકડા બધાં આ ગીતોમાંથી શોધી રહ્યાં હતાં ખરાં, પણ કૉલૅજ-કાળનાં પ્રેમપાત્રો સિવાયનાંની સાથે જિંદગી વિતાવી રહ્યાં હતાં આપણને તો પ્લૅટૉનિક તેમજ આધ્યાત્મિક કહી શકાય તેવા પ્રેમ-ભાવનો અનુભવ હોઈ શકે છે. એક જમાનાનું પ્રેમ-પાત્ર અનુપસ્થિત હોય, પણ પ્રેમ-ભાવ મનને ખૂણે સ્થાયી હોય, તેમ અનેકાનેક સાથે બન્યું જ હશે, એમાં આપણને શંકા નથી થતી. જો કેવળ સ્થૂળ ઈન્દ્રીય-ભાનની દૃષ્ટિથી આવી મિજલસની ચર્ચા કરું તો ભારતની બહાર વસતાં ઈન્ડિયનોનાં જીવનની સીમિતતા પણ એમાં સ્પષ્ટ થતી જણાય છે. જેમકે, જ્યાં વસવું નથી તેવા સ્થાનની યાદોમાં મગ્ન રહે છે, અને જ્યાં ઈચ્છાપૂર્વક વસે છે તેના કળા-જગતમાં રસ લેતાં નથી. પોતાનું કશું પણ ગુમાવ્યા વગર નવું અને સુંદર બીજું ઘણું પામી શકાય છે, એ વાત આવાં અસંખ્ય ઈન્ડિયન જાણતાં નથી. બે સાવ જુદા દેશો અને એમની સાવ જુદી કળા-શૈલીઓનો ઉલ્લેખ ના કરીએ, ને કેવળ એક પ્રાંતના જ કળા-વિષયનો દાખલો લઈએ, તો પણ જોઈ શકાય છે કે બહુધા લોકોના રસ સીમિત હોય છે, અને સહેલા મનોરંજન-પ્રકારો માટે જ હોય છે. અતીત અને વર્તમાન, છોડી દીધેલો દેશ અને વસવાટનો દેશ – અવા સંજોગો વચ્ચે સમતુલન જાળવવું પડે છે, ને એ માટે પ્રયત્ન કરતાં રહેવાનું હોય છે. સદ્ભાગ્યે, ન્યૂયોર્ક શહેરમાં વૈકલ્પિક પ્રવૃત્તિની શક્યતાઓની ખોટ હોતી નથી. જેમકે, શહેરમાં રહેતા એક મિત્ર-દંપતીએ ઉસ્તાદ સુલતાનખાનનું સારંગીવાદન ગોઠવેલું. ‘એકલ વાદક’ તરીકે એ ઘણા લોકપ્રિય બન્યા છે. મોટા સભાખંડમાં જાહેર કાર્યક્રમ હોય ત્યારે એમની જુગલબંધી લોક-લાડીલા તબલા-વાદક ઉસ્તાદ ઝાકીરહુસેન સાથે હોય, પણ કોઈના ઘરમાં મિજલસ થતી હોય ત્યારે તબલાં વગાડનાર કરતાં વધારે પ્રાધાન્ય સુલતાનખાનને મળે. સારંગી વગાડતાં હવે એ ગાવા પણ લાગે છે. જૂની જૂની બંદિશ એમની પાસે સાંભળવા મળેઃ “નદિયા કિનારે બૈઠી ઝૂલા ખાય–”, કે “ન મારો પિચકારી, જાઉં તોપે વારી–”, અને “ફગવા બ્રિજ દેખનકો ચલો રી–” વગેરે. કળાના ઉપભોગનો રસ પ્રાંતથી દેશ સુધી, અને છેલ્લે વિશ્વ સુધી વિસ્તાર પામી શકે છે. ક્યારેક અન્ય મિજલસોમાં વિશ્વ-સંગીત સાંભળવા મળે. નાઈજિરિયન પરંપરાગત ઢોલ, બ્રાઝિલિયન ગિતાર, બે જુદી જુદી સ્પૅનિશ ખાસિયતનાં ગાન, દક્શિણ અમેરિકાના પેરુ દેશ અને ઍક્વાદૉર દેશનાં અવનવાં વાજિંત્રો અને ત્યાંની લાક્શણિક પહાડી વાંસળી વગેરે બધું જ મુગ્ધકર લાગે. વધારે શ્રોતા બિન-ભારતીય હોય. બધાં જ તન્મય થઈને સાંભળે. મારું હૃદય તો હંમેશાં અનેક દિશાઓ અને દેશો તરફ ખેંચાતું જ રહેતું હોય.