માડી મને સાંભરે રે/મારા મનની વાત

Revision as of 01:45, 22 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯.
મારા મનની વાત

રાઘવજી માધડ

હિલ્લોળાતા... ધીરગંભીર સાગરને, ખોબે–ખોબે ઉલેચવા બેસું અને મા વિશે વાત કહેવા બેસું... મને આ બન્ને કામ સરખાં લાગે છે ! — મા એ તો સ્નેહનો સાગર...એનું આ બિંદુ જેવા શબ્દોથી કેમ આલેખન કરવું ! છતાંય ભાંગ્યા–તૂટ્યા શબ્દોમાં કંડારું તો કદાચ એળે નહીં જાય... માનું દામ્પત્ય–જીવન ગરીબીમાં પણ સંતોષકારક રહ્યું. યુવાનીથી તે આજ પર્યન્ત. એટલે એ વિશે કંઈક કહું તે લેખે નહિ લાગે. પણ મારે જે વાત કરવી છે તે હવે શરૂ થાય છે...મા કે બાપ, નિશાળનું પગથિયું જ ચડ્યાં નથી એ તો હું નહિ કહું તો પણ સમજાઈ જશે. આ અભણપણાની ખોટ પૂરવા, અમારી ચાર બહેનો અને ત્રણ ભાઈઓમાંથી બે બહેનોને બાદ કરતાં પાંચેય ભાઈ–બહેનોને પૂરી લગનથી ભણાવ્યાં અને ભણાવે છે. ભણવાની વાત કરું તો સૌથી વધારે હું ફાવ્યો છું. મોટો ખરો ને ? ! નાનપણમાં તોફાનીવેડાનું વળગણ ઘણું. બાપુજી તો બસ મજૂરી કરી જાણે, કંઈ હા કે ના કહે નહિ. પણ મા માર થોડો આપે અને સમજ વધારે આપે. એ સમજ મને ક્યારેય કડવી લાગી નથી. થોડી વાર ઝેર જેવી લાગે પણ તરત જ સાકરની જેમ ગળે ઊતરી જાય. સાત ધોરણ સુધી દેવળિયામાં અભ્યાસ કર્યો, પરંતુ આઠમા ધોરણમાં ભણવા અમરેલી જવાનું અને ત્યાં વળી છાત્રાલયમાં રહેવું ! આમ તો મા અને કુટુંબથી વિખૂટા પડવાનો બનાવ ઓછો બનેલો...ક્યારેક મા ગામતરું કરે, એકાદ દિવસ માંડ રોકાઈ હોય છતાંય ઘર આખાને અતડું-અતડું લાગે. એમાં મારે તો કાયમી છાત્રાલયમાં રહેવું ! વાસનાં લોકોનું મંતવ્ય હતું હું હીરા ઘસવા બેસી જાઉં. હું એમ કરું એમાં બાપુજીની પણ મૂંગી સહમતી ખરી. પણ મા એક ટળીને બ ન થઈ. ‘હીરા તો... આજ છે ને કાલ્ય નથી પછી...’ હું પ્રથમ વખત અમરેલી છાત્રાલયમાંથી ઘેર આવ્યો. માએ મારો પૂછી-પૂછીને ઠડ્ય કાઢી નાખ્યો. મેં કંઈ પણ જવાબ જ આપ્યો નહિ. હું હસતો જ રહેલો. ‘મા...તું મજૂરીએ જા, અથવા તો ઈંધણાનો ભારો લેવા જા, તંઈ તું મોડા બપોરે ઘેર આવે ને બાજરાનો ટાઢો ટુકડો ને પાણી જેવી છાશ આગળ ધરી દે એના...’ પણ હું એવું બોલી શક્યો નહોતો. હું પેટ ભરીને સમજતો હતો, એ મા નહિ માનુ મમત્વ બોલતું હતું. ઘણી વખત તેની અતિ લાગણી મને મૂંઝવી નાખતી. હું બેચેનીમાં ગૂંચવાઈ જતો. તેનો લાગણીનો અતિરેક, ધોધ નાના ભાંડરડાને વધુ તોફાની ને અલ્લડ બનવા પ્રેરતો. એ મને ગમતું નહિ. મને સમજ આવી ગઈ હતી કે અતિ લાગણીવેડા એ અમારા માટે હિતાવહ નથી. પણ તેનો સામનો કઈ રીતે કરી શકું ? એ તો શક્ય નહોતું છતાંય, બાપુજી ક્યારેક ટકોર કરી લેતા : ‘છોકરાંવને વધારે મોંએ સડાવ એટલે વધારે હેરાન કરે !’ ‘હા, હા. છોકરાંવ તો એવાં જ હોય...અને આપણી પાંહે લાડ નો કરે તો કોની પાંહે કરે ?’ માનો મીઠો રણકો તેના કિલ્લોલતા જીવનની ચાડી ખાઈ જતો. રજા કે વેકેશનમાં ઘેર આવું. બાપુજીએ રાખેલી ખેતીના મજૂરી કામમાં જોતરાઈ જાઉં. પણ થોડો તડકો થાય એટલે મા મને તરત જ ઝાડવાના છાંયે વળાવી દે. વળી, ક્યારેક તેની મમતામય જિભાનમાં સુણાવી દે : ‘તું છો મઈનાનો હતો તંઈ તને બાવળના ઠૂંઠે બાંધીને લટકાવ્યો’તો...અને ચોકડિયું ગાળતા...!’ એ શબ્દોની ચબરખી મેં આજપર્યન્ત મારા દિલમાં સાચવીને રાખી છે. કારણકે, અમને મોટા કરવામાં કેટલી તકલીફ ને દુઃખ સહ્યાં હશે તે વિચારમાત્રથી દિલ હલબલી ઊઠે છે. અધ્યાપન પૂરું થયું અને મારા નામ પાછળ, લાંબી કતાર જમા થઈ ગયેલી. એમાં ખાસ મારા માના માસીઆઈ ભાઈની દીકરી ! રૂપાળી અને આઠ સુધી ભણેલી. કુટુંબ આખાનું લક્ષ ત્યાં ખેંચાયું. પણ માની ચકોર દૃષ્ટિ કંઈક પામી ગઈ અને તડ દઈને એ સંબંધ માથે ચોકડી મારી દીધી. કુટુંબ આખાને આંચકો લાગ્યો. નહિતર તો માતૃપક્ષ બાજુ માનું ખેંચાણ વધારે હોય અને એમાં પણ સૌરાષ્ટ્રમાં તો દરેક મા સગી ભત્રીજીને લાવવા જ ખુશી હોય. તેને વહુ બનાવવામાં તેનું ઘડપણ સાચવે તેવો સ્વાર્થ ખરો અને તેનાથી કેટલાંય કજોડાં થયાના બનાવો મોજૂદ છે. છતાંય માએ ના પાડી દીધી. પણ આડકતરી રીતે મારું મન જાણી લે પછી જ આગળ વધે. તેમાં ભાઈ તેની સાળીની વાત લઈને આવ્યા. (ભાઈ–મોટા બાપાના દીકરા) કુટુંબ ગરીબ, મહદ્‌અંશે અભણ અને શુદ્ધ ગ્રામીણતા છતાંય અજડતા નહિ. હળવાશથી મને પૂછી જોયું. હું શરમાઈને કંઈ બોલેલો નહિ. એક અમદાવાદી છોકરી માથે મહોર લાગી. મને ખૂબ જ નવાઈ લાગેલી. જેને ગામડાની કંઈ જ ગતાગમ નથી તેવી છોકરીને વહુ બનાવવા માએ કેમ આટલી ઉત્સુકતા બતાવી ? મા બીજાને કહેતી હતી : ‘હું બાળોતિયાંની બળેલ નાનપણથી માના ઝાડવાં જોયાં નંઈ...એનેય મા નથી...(પત્ની પુષ્પાને) એટલે...’ માની એ વાત સાંભળ્યા પછી થયું કે મા તેની માના મમત્વ વિના કેટલી ટળવળી હશે ! માતૃત્વની વંચિતતાએ તેના દિલમાં કેવા આઘાત-પ્રત્યાઘાતનાં બીજ-અંકુર રોપ્યા હશે ! પોતે જે માતૃત્વનો અભાવ ભોગવ્યો તેનું સંપૂર્ણ માતૃત્વ પત્ની પુષ્પા માથે ઢોળી નાખ્યું. તે વહુ કરતાં દીકરી વિશેષ રહી. આ તો ઘરમાં બે વહુ હોવા છતાં માને ક્યારે પણ સાસુ થવાના મનસૂબા નથી જાગ્યા એ અતિ નવાઈની બાબત છે. અમદાવાદી પુષ્પા, કાઠિયાવાડી બની ગઈ. પંદર જણનું કુટુંબ આનંદથી કિલ્લોલતું. એમાં માની અમીકૃપા અને બાપુજીની અથાગ મહેનત એ મુખ્ય બાબત હતી. —પણ એ આનંદ લાંબો સમય ચલ્યો નહિ. આમ્રકુંજમાં એકાએક કાગડીનો કકળાટ સંભળાયો. નાની બેન અકાળે વિધવા થઈ. પંચાવન જણના વડકુટુંબમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મૃત્યુનો પડછાયો સુધ્ધાં નહોતો પડ્યો. એમાં સાવ અણધાર્યો બનાવ બન્યો. બેન તેના છ માસના પુત્રને લઈને સદાને માટે ઘેર આવતી રહી. હજુ તો યુવાનીનો ઉંબરોક વળોટે એ પહેલાં તો વિધવા પણાનું વેરાન આવીને ઊભું રહ્યું. માને દીકરીઓ પર હંમેશાં વધારે વળગણ રહ્યું છે. દીકરીનું દુઃખ જોઈ મા દિન-પ્રતિદિન પીંખાતી રહી...પણ અમને સારું લાગે એટલા માટે તેના દિલમાં ઊંડે ઊતરી ગયેલા ઘાવ ઉપર પટો બાંધી, પૂર્વવત જિંદગી જીવવા ઝાવાં મરવા લાગી. પણ કુદરતને એ ક્યાં મંજૂર હતું ! આફતનું દળકટક આંધીની જેમ ચઢયે આવતું હતું. નાનો ભાઈ રાજકીય રીતે સંડોવાયો. એક વરસ કેસ ચાલ્યો ને છેવટે સજા થઈ. માને કેમેય સમજાવી શક્યો નથી કે મા તારો એ દીકરો નિદોર્ષ છે, પણ એ તો ફોગટ બાબત જ રહી છે. દુઃખનું ઓસડ દહાડા...દિવસો વીતવા લાગ્યા પણ કુટુંબ અને માના મોં પર મેં ખુશીની લકીર પણ દીઠી. નથી. બાપુજી પહેલેથી ઓછું બોલવાવાળા, તેણે તો લગભગ મૌન ધારણ કરી લીધું. ઘરની સઘળી જવાબદારી મારા શિરે આવી પડી. હવે માનું લક્ષ મારા તરફ મંડાયું. તેનો જીવ ટૂંકો થઈ ગયો હતો. નાના ભાઈ રવજીને પણ (૧૧ સાયન્સ) દૂર ભણવા જવાને બદલે અમરેલી જ ભણવા બેસાડ્યો. હવે એ મારા પગલે–પગલાની ગણતરી રાખતી હતી. હું થાક્યો-પાક્યો ઘેર આવું. વિશાળ ફળિયામાં ઊગેલા લીમડા નીચે પલંગ નાખીને વિચારમગ્ન બેસું... તુરત જ માની નજરે આવી જાઉં. મા મને વિચારોની ગર્તામાંથી છોડવવા, નાનકડા અભિષેકને પુષ્પા દ્વારા તે મારા ખોળામાં પધરાવી દે ને જાણે હું સઘળું ભૂલીને અભિષેકમય બની જાઉં. વળી વિચારનો તંતુ સંધાય. આ મા...કઈ માટીનું માનવ હશે ! ! ! ? તુરત જ મારું મોસાળ યાદ આવી જાય. મારા દાદા પરગણાના ન્યાતપટેલ કહેવાતા. તેનો પડ્યો બોલ ઝીલવા કેટલાંય જણ આતુર રહેતા. દાદાનું કામ એટલે કોઈનો સંબંધ કરવો, કોઈનું ઘરભંગ સુધારવું. અરે ! લખણું કરવું ! કેટલાય પેચીદા પ્રશ્નો દાદાની મુત્સદ્દીગીરીથી ઊકલી જતા. મા, દાદાની મોટી પુત્રી એટલે વારસારૂપે જ આ સઘળા ગુણો...આવેલી આપત્તિને પચાવ્યા વગર છૂટકોય નથી. માએ મીણ જેવું હૃદય પાષાણનું બનાવી નાખ્યું. મારો ચિંતિત ચહેરો જોઈને તુરત જ બોલી નાખે : ‘દીકરા ! દુઃખ તો મા’ણા માથે હોય...ઢોર માથે થોડાં હોય ?’ મારી નજર બહાર બાંધેલી બકરી પર પડે, કેવી નિરાંતે પૂંછડી પટપટાવે છે ! સાવ નફિકરી થઈ ને ! એને કેવી મઝા છે બિનદુનિયાદારીની ! મન અંદરથી બળવો પોકારી ઊઠે છે – નથી જોઈતી એ બિન દુનિયાદારીની મઝા. ઘણી વખત દુઃખના ઘૂંટડા પીવામાં પણ એક પ્રકારની લિજ્જત આવતી હોય છે. થોડા સમય પહેલાં મા મોટીબહેનને ગામ ખબર પૂછવા ગઈ. તે રાતે મારી તબિયત અચાનક બગડી, મને રાતોરાત અમરેલી હૉસ્પિટલમાં દાખલ કરાયો. બીજા દિવસે સમાચાર સાંભળતાં મા, લથડતી ફફડતી સીધી જ દવાખાને આવી. જિંદગીમાં પહેલી વખત મને પથારીવશ જોયો. તેની આંખોમાંથી દુઃખના બારેમેહ ખાંગા થઈને અનરાધાર વરસવા લાગ્યા. તેણે સાડલાના છેડે ઘણાય દબાવ્યા પણ દબાયા નહિ. હું પણ પથારીમાં મોં છુપાવી ગયો. ‘છાનો રઈ જા...માથે માંડી છે ઈ એમ નંઈ મટે.’ માનું બોલવું સાંભળી, મારા આખાય પંડ્યમાં મરણતોલ સબાકો સડસડાટ કરતો નીકળી ગયો. મા... મા... મરી ગઈ છે. આ તો ખાલી સજીવ લાશ છે ! કેટલાંય દર્દો છુપાવી ને છેવટે મને ધરપત દે છે ! હું તેની ધન્યતા અનુભવું એ પહેલાં તેના દિલના દૂઝતા ઘાવ મારી આંખો સામ નીંગળતા દેખાય છે. હું કંઈ કહું એ પહેલાં એ દર્દો મારા દિલમાં આવીને બેસી જાય...કંઈ પણ કહ્યા વગર...