રવીન્દ્રપર્વ/૧૮૬. બંધ ઓરડી

Revision as of 05:16, 6 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮૬. બંધ ઓરડી|}} {{Poem2Open}} વિશાળ ઘર. અંદર માત્ર એક ઓરડી બંધ છે. એન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૮૬. બંધ ઓરડી

વિશાળ ઘર. અંદર માત્ર એક ઓરડી બંધ છે. એના તાળાને કાટ ચઢ્યો છે, એની ચાવી ક્યાંય શોધી જડતી નથી. સાંજ વેળા એ ઘરમાં દીવો પ્રકટાવાતો નથી, દિવસ વેળા એ ઘરમાં કોઈ રહેતું નથી. આવું કેટલા દિવસથી છે કોણ જાણે! એ ઓરડી ઉઘાડતાં ભય લાગે છે. અન્ધકારમાં એ ઓરડી આગળ થઈને જતાં શરીરે રૂવાંટાં ખડાં થઈ જાય. જ્યાં જ્યાં માણસ માણસ સાથે હસીને વાતો નહીં કરતો હોય ત્યાં જ આપણને ભય લાગે. જ્યાં માણસો એકબીજાની સાથે હળતાં-ભળતાં હોય ત્યાં, એ પવિત્ર સ્થાનમાં, ભય પ્રવેશી શકે જ નહીં. બન્ને બારણાં વાસી દઈને ઓરડી વચ્ચોવચ્ચ ઊભી રહી ગઈ છે. બારણાં આગળ કાન દઈને સાંભળતાં ઓરડીની અંદરથી જાણે હુ હુ એવો અવાજ સંભળાય છે. આ ઓરડી વિધવા. કોઈ એક જણ હતું તે ચાલી ગયું છે, ત્યારથી આ ઓરડીનાં બારણાં બંધ છે. ત્યારથી અહીં કોઈ આવતું નથી, અહીંથી કોઈ જતુંય નથી. ત્યારથી અહીં જાણે મૃત્યુનુંય મૃત્યુ થઈ ગયું છે. આ જગતમાં અવિશ્રામ જીવનનો પ્રવાહ મૃત્યુને હુ હુ કરતો વહાવી લઈ જાય છે. મૃત ક્યાંય ટકી રહી શકતું નથી. એની બીકે સમાધિભવન કૃપણની જેમ મૃતને ચોરના હાથમાંથી બચાવી લેવાને માટે પથ્થરની દીવાલ વચ્ચે સંતાડી રાખે છે, ભય એની ઉપર રાતદિવસ પહેરો ભર્યા કરે છે, લોકો મૃત્યુની જ ચોર કહીને નિન્દા કરે છે પણ જીવન પણ જોતજોેતાંમાં મૃત્યુને ચોરીને પોતાના બહુ વિસ્તૃૃત પરિવારમાં વહેંચી નાંખે છે, એ વાતનો તો કોઈ ઉલ્લેખ સરખોય કરતું નથી. પૃથ્વી મૃત્યુનેય ખોળામાં લે છે, જીવનનેય ખોળામાં લે છે; પૃથ્વીની ગોદમાં એ બન્ને ભાઈબહેનની જેમ રમે છે. એ જીવનમૃત્યુનો પ્રવાહ જોતાં, એના તરંગોની ઉપર છાયા અને પ્રકાશની રમત જોતાં, આપણા મનમાં કશો ભય રહેતો નથી; પણ બદ્ધ મૃત્યુ અને રુદ્ધ છાયાને જોતાં જ આપણને ભય લાગે છે. જ્યાં મૃત્યુ ગતિશીલ છે, જ્યાં મૃત્યુ જીવનનો હાથ ધરીને એક તાલે નૃત્ય કરે છે ત્યાં મૃત્યુય જીવતું હોય છે; ત્યાં મૃત્યુ ભયાનક લાગતું નથી. પણ અમુક એક ચિહ્નમાં આબદ્ધ ગતિહીન મૃત્યુ જ ખરું મૃત્યુ છે, એ જ ભયાનક લાગે છે. આથી સમાધિભૂમિ જ ભયનું નિવાસસ્થાન છે. પૃથ્વીમાં જે કાંઈ આવે છે તે ચાલ્યું જાય છે. આ પ્રવાહને કારણે જ જગતનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એક કણ સરખાંની જો આવજાવ બંધ થઈ જાય તો જગતનું સામંજસ્ય ભાંગી પડે. જીવન જેમ આવે તેમ ચાલ્યું જાય છે; મૃત્યુ પણ જેમ આવે છે તેમ ચાલ્યું જાય છે. એને પકડી રાખવાનો પ્રયત્ન શા માટે કરો છો? હૃદયને પથ્થર જેવું બનાવીને એ પથ્થરની અંદર એને શા માટે પૂરી રાખો છો? એ જ અસ્વાસ્થ્યનું કારણ થઈ પડે છે. એને છોડી દો, એને ચાલ્યું જવા દો; જીવનમૃત્યુના પ્રવાહને રૂંધો નહીં. હૃદયનાં બન્ને દ્વાર એક સરખાં ખુલ્લાં રાખો. પ્રવેશના દ્વારમાંથી બધાં પ્રવેશ કરે, પ્રસ્થાનના દ્વારમાંથી બધાં પ્રસ્થાન કરે. આ ઓરડીએ એનાં બન્ને બારણાં વાસી રાખ્યાં છે. જે દિવસે બારણાં પ્રથમ બંધ થયાં તે દિવસનો પુરાણો અન્ધકાર આજેય એ ઓરડીની અંદર એકલો જાગતો બેઠો છે. એ ઓરડીની બહાર દિવસ પછી દિવસ, રાત પછી રાત આવે છે; ઓરડીની અંદર માત્ર પેલો દિવસ જ એકલો બેસી રહ્યો છે. પુરાતન બીજે ક્યાંય છે નહીં, આ ઓરડીની અંદર જ છે. આ ઓરડીનાં અંદરબહારનો સંપૂર્ણ વિચ્છેદ થઈ ગયો છે. બહારના ખબર અંદર પહોંચતા નથી, અંદરનો નિ:શ્વાસ બહાર આવી શકતો નથી. જગતનો પ્રવાહ આ ઓરડીની બન્ને બાજુએ થઈને વહી જાય છે. આ ઓરડીનું જાણે વિશ્વ સાથેનું નાડીનું બન્ધન છેદાઈ ગયું છે. દ્વાર બંધ કરીને ઓરડી રસ્તા ભણી જોઈ રહી છે. જ્યારે પૂણિર્માના ચન્દ્રનો પ્રકાશ એનાં દ્વાર ઠોકીને ત્યાં પડી રહે છે ત્યારે એનાં દ્વાર ખૂલું ખૂલું થાય છે કે નહીં તે કોણ કહી શકે! પાસેની ઓરડીમાં જ્યારે ઉત્સવનો આનન્દધ્વનિ જાગી ઊઠે છે ત્યારે શું એનો અન્ધકાર દોડી જવા ઇચ્છતો નહીં હોય! આ ઓરડી કેવી રીતે ચાહે છે, કેવી રીતે સાંભળે છે તે કશું જ આપણે સમજી શકતાં નથી. બાળકો એક દિવસ આ ઓરડીની અંદર રમતાં, એમના કોલાહલથી ભર્યો એ દિવસ આ ઓરડીની મધરાતની અંદર પડ્યો પડ્યો આજેય રડ્યા કરે છે. આ ઓરડીની અંદર જે બધી સ્નેહપ્રેમની લીલા થઈ ગઈ છે તે સ્નેહપ્રેમને એકાએક દ્વાર વાસીને પૂરી દીધાં છે; આ નિસ્તબ્ધ ઓરડીની બહાર ઊભો રહીને હું એનું ક્રન્દન સાંભળું છું. સ્નેહપ્રેમ પૂરી રાખવાને માટે હોતા નથી. મનુષ્યથી વિચ્છિન્ન કરીને એની ઘોર રચવાની હોય નહીં. એને પરાણે બાંધી રાખીએ તો એ સંસારક્ષેત્રને માટે રડ્યા કરે. તો આ ઓરડીને બંધ રાખશો નહીં, દ્વાર ખોલી નાંખો, સૂર્યનો પ્રકાશ જોઈને, એનાં મનુષ્યનો પ્રત્યુત્તર પામીને ચોંકી ઊઠીને ભય પલાયન કરી જશે. સુખ અને દુ:ખ, શોક અને ઉત્સવ, જન્મ અને મૃત્યુ પવિત્ર સમીરણની જેમ એની બારીમાંથી સદા આવજાવ કર્યા કરશે. સમસ્ત જગતની સાથે એનો ફરીથી યોગ સ્થપાશે. (સંચય)