અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/શબદ

Revision as of 11:44, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શબદ

સુધીર દેસાઈ

રાત્રે જ્યારે મારું મકાન સરકીને
સમુદ્રની વચ્ચોવચ્ચ ઊભું રહી જાય છે
ત્યારે અંધકારથી બચવા મીણબત્તી પેટાવી
બેસી જાઉં છું એની પાસે.
મીણબત્તીની ગરમીથી મકાન ઓગળવા માંડે છે
ને ગરમ થઈ પોચી પડે છે ભોંય.
સાગરની લહેરોને ભોંય ઉપર બેઠો-બેઠો
અનુભવી શકું છું હું.
મીણબત્તીના પ્રકાશ વગર
કાયમી ભૂતાવળ ધસી આવે છે
મને ચૂંથી નાખવા;
ને પ્રકાશમાં પીગળવા માંડે છે મકાન.
રાત્રીને દૂર કરવા માળામાં
પરોવ્યા કરું છું શબ્દો.
ઉખાડ્યા કરું છું ગમે ત્યાં
ચોંટી ગયેલા શબ્દો.
રાત્રિની દીવાલ બની ક્યારના
બેસી રહ્યા છે શબ્દો.



આસ્વાદ: આસ્થાનો આધાર – રાધેશ્યામ શર્મા

ગુજરાતી કવિતામાં ક્યાંક ક્યાંક ભાવકને thermal senseનો અનુભવ થાય એવી એટલી રચનાઓ મળી છે એમાં આ કૃતિની અવગણના કરવી ભાગ્યે જ પાલવે. સમગ્ર રચનાનો કલ્પનાત્મક પરિવેશ ભાવકને વર્જિનિયા વૂલ્ફની નવલ ‘The Waves’ની નિકટ મૂકી આપે છે. ભાષા પદ્યની નહિ પણ વિધાયક રીતે ગદ્યની ગુંજાયશ માપવાની દિશામાં છે.

રાત ઢળતાં જ મકાન સમુદ્રની મધ્યમાં ખડું રહી ગયાનો આભાસ અને ત્યાં મીણબત્તી સળગાવવાનો અભિક્રમ સર્જકના સંવિદ્‌ની અતિ–વાસ્તવિકતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. મીણબત્તીથી મકાન જ નહિ, ભોય (floor) પણ પોચી પડે છે ધારણ કરનારી, આધારરૂપ ધરા જ પોચી પડે ત્યારની નિરાધારની શી વાત, કેવળ ગરમી જ નહિ, પ્રકાશ પણ મકાનને અસ્તિત્વની આસપાસ ઈંટોની સુરક્ષા ખડી રાખનાર મકાનને પિગળાવે છે. બહાર પ્રકૃતિતત્ત્વ પાણી અને મકાનમાં અગ્નિ–ક્યું આદિમ પરિબળ વિજયી થશેની શંકા વચ્ચે સંવેદનશીલ મનુષ્ય!

પ્રકાશ પછી તુરત ‘માળા’નો સંકેત રચનાને એક પ્રકારનો theistic mode પ્રદાન કરે છે. કવિની શ્રદ્ધાનો અર્થાત્ કવિની નિરાધારતાના પ્રસંગે આસ્થાનો સમુચિત આધાર શબ્દ જ હોઈ શકે ને!

શબ્દાધાર, જ્યારે અન્ય ભૌતિક આધારો ગળવા–ઓગળવા–પીગળવા માંડે ત્યારે સર્જકની મૂલ્યવંત મૂડી બની રહે છે. શબ્દોની મદદથી અંધકાર દૂર કરવા કવિતા–નાયક મથે તો છે પરંતુ –

રાત્રીની દીવાલ બની ક્યારના
બેસી રહ્યા છે શબ્દો

— તેથી સફળ થતા નથી. શાથી? કદાચ કાવ્ય–નાયક શબ્દોનો સાધન તરીકે ઉપયોગ કરવા તાકતો હશે! ન જાણે – પણ કવિતા ઉકેલ નથી, શાશ્વત કોયડો છે, અને આ કોયડાને અંતના કરુણથી રસી આપવામાં જ સુધીરની રચનાની સફળતા છે. અસ્તિત્વની અપારદર્શકતા અને અંધકારસભરતાને આધાર આપતા શબ્દોથી સંડોવાયેલા નાયકની મનોદશાને કળાત્મકતાથી મૂર્ત કરી શક્યા બદલ કવિને અભિનંદન. (રચનાને રસ્તે)