ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪

Revision as of 08:41, 10 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|}} <poem> {{Color|Blue|[ચાર મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૪

[ચાર મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી માર્યાની કઈ નિશાની લાવવાનું કહે છે. મારાઓ બાળકને ફોસલાવી દૂર ઘનઘોર જંગલમાં લઈ જઈ તેને મારી નાખવાની તૈયારી કરે છે.]

રાગ : વેરાડી

ધૃષ્ટબુદ્ધે તેડાવ્યા ચાંડાળ, હણવા સુધાર્મિકનો બાળ;
કહે : ‘પેલો દાસીનો તન, ચાંડાળ, તમે તેને કરો નિધન.          ૧

એણી પેરે મારવો, ન થાયે જાણ, માર્યાનું કાંઈ લાવજો એંધાણ
આપીશ ધન ઉંચકાશે જેટલું, જો કારજ કરશો એટલું.          ૨

આનંદ પામી અંત્યજ પળ્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા.
વાહીને તેડ્યો બાળક વન, દીધી આશા : જમે છે મુનિજન.’          ૩

બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન,
અઘોરવનતણી જંખજાળ, આરડે વણિયર, ફુંફવે વ્યાળ.          ૪

ખડુ ખાબડાં પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ;
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.          ૫

ઉઝરડાયે અંગ! અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યો પ્રસ્વેદ.
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.          ૬

માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી ઘસે;
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’          ૭

પામ્યો દુઃખ જળનયણે ભરે, મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે.          ૮

વલણ
મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે, સમર્યા શ્રીગોપાળ રે.
ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ ઊગરિયો બાળ રે.          ૯