ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યમીમાંસા

Revision as of 15:23, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાવ્યમીમાંસા : દસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજશેખરનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. અત્યારે મળતો આ ગ્રન્થ અધૂરો છે એમ વિદ્વાનોનું માનવું છે. મૂળ ગ્રન્થ ૧૮ અધિકરણમાં લખવા ધારેલો પરંતુ અત્યારે એમાંથી કવિશિક્ષા અંગેનું પહેલું અધિકરણ જ ઉપલબ્ધ છે. રાજશેખરે આખો ગ્રન્થ પૂરો કર્યો ન હોય અથવા એમણે ગ્રન્થ પૂરો લખ્યો હોય પરંતુ અત્યારે લુપ્ત થયો હોય – એવી બંને શક્યતાઓ છે. પહેલા અધિકરણ રૂપે ઉપલબ્ધ થયેલો ગ્રન્થ ૧૮ અધ્યાયોમાં વહેંચાયેલો છે. પહેલા અધ્યાયમાં કાવ્યશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની કથા છે. બીજા અધ્યાયમાં કાવ્યશાસ્ત્રનું સ્થાન અને મહત્ત્વ નક્કી કરવાનો મૌલિક પ્રયાસ છે. ૧૪ વિદ્યાઓની જેમ કાવ્યશાસ્ત્રને તેઓ ૧૫મી વિદ્યા કહે છે. ત્રીજા અધ્યાયમાં કાવ્યપુરુષ અને સાહિત્યવિદ્યાવધૂનું યુગલ કલ્પી કાવ્યપુરુષનાં અંગઉપાંગોની વાત કરી છે. આ અધ્યાયમાં જ પ્રવૃત્તિ, વૃત્તિ અને રીતિ વિશે પણ ચર્ચા છે. ગ્રન્થનો ખરો પ્રારંભ ચોથા અધ્યાયથી થાય છે. આ અધ્યાયમાં મુખ્યત્વે કાવ્યનિર્માણ કરનારી કવિશક્તિ અને કાવ્યનું ભાવન કરનારી ભાવકની પ્રતિભા વિશે ચર્ચા છે. પાંચમા અધ્યાયમાં વ્યુત્પત્તિ અને અભ્યાસની તથા એમને આધારે બનેલા કવિઓના દસ પ્રકારો, કવિની દસ અવસ્થાઓ તથા ૯ કાવ્યપાકની વાત છે. છઠ્ઠા અધ્યાયમાં પદની વ્યાખ્યા અને તેના પ્રકારો, વાક્યની વ્યાખ્યા અને તેના પ્રકારો તથા કાવ્યની વ્યાખ્યા સમજાવ્યાં છે. સાતમા અધ્યાયમાં મનુષ્યવાણીની ઉત્પત્તિ અને વિકાસનો વિચાર કર્યો છે, દિવ્યવાણીના વિકાસની કલ્પનાપ્રચુર રૂપરેખા આપી છે તથા વૈદર્ભી, ગૌડિયા અને પાંચાલી – એ ત્રણ રીતિઓ ને વિવિધ કાકુઓના પ્રકારની ચર્ચા છે. આઠમા અધ્યાયમાં કાવ્યવસ્તુના ઉગમસ્થાન તરીકે ૧૬ પ્રકારની ‘કાવ્યાર્થયોનિ’ની, નવમામાં કવિ દ્વારા નિરૂપિત સાત પ્રકારના અર્થની, દસમામાં કવિચર્યા અને રાજચર્યાની, ૧૧મામાં શબ્દહરણની ને ૧૨ તથા ૧૩ અધ્યાયોમાં અર્થહરણની ચર્ચા છે. ૧૪ અને ૧૫મા અધ્યાયોમાં કવિસમયની સમજૂતી, કવિ પાસે એના જ્ઞાનની અપેક્ષા તથા ભૂમિવિષયક કવિસમયની અને ૧૬મા અધ્યાયમાં સ્વર્ગ-પાતાલવિષયક કવિસમયની ચર્ચા છે. ૧૭મા અધ્યાયમાં ભારતદેશ અને તેમાંના વિવિધ પ્રદેશોની પૌરાણિક ને વર્તમાન સંદર્ભ પરથી ભૌગોલિક માહિતી આપી છે અને ૧૮મા અધ્યાયમાં વિવિધ ઋતુઓ, તે સમયની પ્રકૃતિ અને એ ઋતુઓ વિશે કવિ પાસે જાણકારી હોવાની અપેક્ષાની વાત છે. આમ કવિ અને કાવ્યનિર્માણ સાથે સંબંધિત અનેક મહત્ત્વની બાબતો વિશેની ચર્ચા આ ગ્રન્થમાં જેટલી વ્યવસ્થિત રૂપે મળે છે તેટલી કાવ્યશાસ્ત્રના અન્ય કોઈ ગ્રન્થમાં નથી મળતી. રાજશેખર યાયાવર કુળના મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતા. તેઓ કનોજના રાજા મહેન્દ્રપાલ તથા તેમના પુત્ર મહીપાલના રાજ્યગુરુ હતા. એટલે દસમી સદીમાં તેઓ હયાત હોવાનું નિશ્ચિત છે. તેમનાં પત્ની અવંતીસુંદરી ક્ષત્રિય હતાં અને સારાં કવયિત્રી તરીકે એમની ખ્યાતિ હતી. રાજશેખરે પોતાની ‘બાલરામાયણ’ કૃતિમાં ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે તેમણે છ ગ્રન્થોની રચના કરી છે જોકે અત્યારે પાંચ ગ્રન્થો ઉપલબ્ધ થાય છે. એમાં ‘બાલરામાયણ’ ‘બાલમહાભારત’, ‘વિદ્ધશાલભંજિકા’ અને ‘કર્પૂરમંજરી’ નાટકો છે. ‘કર્પૂરમંજરી’ પ્રાકૃતમાં રચાયું છે. તેમણે ‘હરવિલાસ’ મહાકાવ્યની રચના કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હાલ તે ઉપલબ્ધ નથી. જ.ગા.