ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ખંડકાવ્ય
ગુજરાતી ખંડકાવ્ય : સંસ્કૃત કથનકાવ્યપરંપરા અને ગ્રીક કરુણાન્તિકાના સંસ્કારોને આત્મસાત્ કરીને મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્તે’ ગુજરાતી સાહિત્યને આપેલું નવું સ્વરૂપ તે ખંડકાવ્ય. ખ્યાત વસ્તુ, નાટ્યત્મકતા, ભાવાનુસારી છંદસંયોજના ને પરિવર્તન, પરલક્ષિતા અને આત્મલક્ષિતાનું સમ્મિશ્રણ’ અને સઘન લાઘવને અપેક્ષતું આ સ્વરૂપ છે. ‘કાન્ત’ પહેલાં તો નહિ જ, પરંતુ ‘કાન્ત’ પછી પણ કોઈએ એને ઉચિત રીતે ખેડ્યું નથી. આથી ખંડકાવ્યને ‘કાન્તકાવ્ય’ કહીએ તોયે ખોટું નથી. ઉમાશંકર જોશીએ આ પ્રકારને ‘કથનોમિર્કાવ્ય’ તરીકે ઓળખાવ્યો છે, પણ એ પર્યાય રૂઢ થયો નથી. ખંડકાવ્ય માટે પાત્રના જીવનની કોઈ એક રહસ્યગર્ભ નિર્ણાયક ક્ષણ વસ્તુસામગ્રી તરીકે પસંદ કરવામાં આવે છે. પ્રસંગ નહીં પણ સંવેદનાનિરૂપણનું રચનામાં મૂલ્ય હોય છે. પ્રત્યેક ઘટકની સમતોલ-સઘન ગૂંથણી એમાં અનિવાર્ય હોય છે. સંવેદનની તાણ અને એની નાટ્યોપમ વિકાસગતિ પણ આવાં કાવ્યોને સબળ બનાવે છે. કાન્તે ‘રમા’, ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘મૃગતૃષ્ણા’, ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ જેવાં ખંડકાવ્યો આપ્યાં. આમાંથી છેવટનાં ચાર વિશેષ સફળ થયાં. ‘(દેવયાની’ અધૂરું હોઈ સાડા ત્રણ કાવ્યો પણ કહી શકાય), નરસિંહરાવ દિવેટિયાએ ‘ચિત્રવિલોપન’ અને ‘ઉત્તરા અને અભિમન્યુ’ જેવાં ખંડકાવ્યો આપીને નોંધપાત્ર પ્રયોગકર્મ દાખવ્યું. ‘કાન્ત’ના પ્રભાવથી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’એ પણ પ્રમાણમાં સ્મરણીય ખંડકાવ્યો સર્જ્યાં, ‘બિલ્વમંગળ’, ‘હૃદયત્રિપુટી’, ‘ગ્રામમાતા’, ‘વીણાનો મૃગ’, ‘સારસી’, અને ‘ભરત’ રચનાઓમાં આ સ્વરૂપની ઝાંખી કરાવતી લાક્ષણિકતાઓ મળે છે. આ રચનાઓમાં પણ પરલક્ષિતા અને આત્મલક્ષિતાનું સમ્મિશ્રણ મળે છે. સઘનતા ઓછી હોવાને કારણે આ રચનાઓ પથરાટવાળી લાગે છે. અરદેશર ખબરદારનાં ‘દશરથ અને શ્રવણવધ’ અને ‘પુરોહિતની રાજ્યભક્તિ’, દામોદર બોટાદકરનાં ‘બુદ્ધનું ગૃહાગમન’, ‘ઊર્મિલા’ અને ‘એભલવાળો’, નર્મદાશંકર ભટ્ટનું ‘શાપસંભ્રમ’, દીપકલા દેસાઈનું ‘પૂર્વસ્મરણ’, રામનારાયણ વિ. પાઠક ‘શેષ’નાં ‘તુકારામનું સ્વર્ગારોહણ’ અને ‘એક સંધ્યા’, ‘કૃષ્ણલાલ શ્રીધરાણીનું ‘સ્વરાજરક્ષક’ આદિ રચનાઓ આ દિશામાં થયેલી મથામણોને વ્યક્ત કરે છે. હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘પરાજય’ પણ આ દૃષ્ટિએ નોંધપાત્ર છે. ‘સુંદરમ્’ અને ઉમાશંકર જોશીએ પણ આ પ્રકારની રચનાઓ આપી છે. ‘સુંદરમ્’ની ‘મહાત્ર્યંબક’ અને ઉમાશંકરની ‘ભટ્ટ બાણ’ ઉલ્લેખપાત્ર રચનાઓ છે. ગણપત ભાવસારનું માત્રિક છંદોના વિનિયોગવાળું ‘દશરથનો અંતકાળ’ એના છંદવિનિયોગને કારણે વિલક્ષણ બને છે. સુંદરજી બેટાઈનાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘ સુલોચનાનું લોચનદાન’, ‘દામ્પત્ય’ અને ‘સુવર્ણદ્વારિકાનું સાગરનિમજ્જન’ જેવાં કાવ્યો પણ આ સ્વરૂપની શિસ્તને નિભાવતાં હોવાની છાપ પાડે છે. મનસુખલાલ ઝવેરીનાં ‘કુરુક્ષેત્ર’ અને ‘અશ્વત્થામા’, ‘પ્રહ્લાદ પારેખનું ‘પરાજયની જીત’, ‘નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’નું ‘દેવયાનીની પ્રસ્થાનરાત્રિ’ પણ પ્રયોગદૃષ્ટિએ નગણ્ય નથી. ઝવેરચંદ મેઘાણી, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’, રસિકલાલ પરીખ, પૂજાલાલ, મુકુન્દરાય પારાશર્ય જેવા સર્જકો પાસેથી પણ આવી એકાધિક રચનાઓ મળે છે. આ સ્વરૂપ ખેડાવાનું લગભગ અટકી ગયું હતું પણ સાંપ્રત સમયમાં પુન : એ લક્ષણોને આંશિક રીતે આવિષ્કૃત કરતી રચનાઓ થવા માંડી. નલિન રાવળનું ‘અશ્વત્થામા’, હસમુખ પાઠકનું ‘અંતકાળે અજામિલ’, સિતાંશુ યશશ્ચંદ્રનું ‘જટાયુ’, ચિનુ મોદીનું ‘બાહુક’ અને વિનોદ જોશીનું ‘શિખંડી’ આ દિશાના નોંધપાત્ર પ્રયોગો છે. એ સંપૂર્ણત : ખંડકાવ્યો નથી પરંતુ કથનકેન્દ્રી નાટ્યત્મક દીર્ઘ કાવ્યરચનાઓ તરીકે એ આ સ્વરૂપનાં કેટલાંક લક્ષણો પ્રગટ કરે છે. ખંડકાવ્ય નિતાન્ત અને નર્યું ગુજરાતી કાવ્યસ્વરૂપ છે. સ.વ્યા.