ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પ્રવાસસાહિત્ય

Revision as of 10:07, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી પ્રવાસસાહિત્ય: પ્રવાસકથા મૂળે તો નિબંધ અને આત્મકથાની લગોલગનું સર્જનાત્મક સાહિત્યસ્વરૂપ છે. લેખકે પ્રવાસ દરમિયાન જોયેલા – અનુભવેલા અવનવા પ્રદેશનું, ત્યાંના માનવીઓનું, જડ-ચેતન આકર્ષક વસ્તુઓનું તેમજ તજ્જન્ય પ્રતિભાવ, કલ્પનાચિત્રો, પ્રકૃતિ – સંસ્કૃતિ વિષયક ચિંતનમનન, મૂલ્યબોધ વગેરેનું પ્રવાસકથામાં આગવું મહત્ત્વ હોય છે. પ્રવાસની સમાંતરે લેખકની રસકીય ચેતના સતત સક્રિય રહેતી હોય છે. અંતરની અડાબીડ સૃષ્ટિમાં ગોપાયેલ અનુભવોનું કલાત્મક સંક્રમણ કરીને તેણે પ્રવાસજગતનો જીવંત સંસ્પર્શ વાચકને કરાવવાનો હોય છે. પ્રવાસીના સંવેદનજગતનું આવું સુરેખ આલેખન પ્રવાસવર્ણનને સર્જનાત્મક પ્રવાસકથાનો ઘાટ અર્પે છે. ગુજરાતી પ્રવાસસાહિત્ય એક અર્વાચીન સાહિત્યસ્વરૂપ છે. અર્વાચીન દૃષ્ટિકોણવાળી અંગ્રેજી કેળવણી અને સાહિત્યના સંપર્ક બાદ તે અસ્તિત્વમાં આવ્યું છે. અર્વાચીનકાળમાં પ્રવાસકથાનું સ્વરૂપ સૌપ્રથમ પારસી લેખકો દ્વારા ખેડાયું છે. ડોસાભાઈ કરાકારચિત ‘ગરેટ બરીટનની મુસાફરી’ (૧૮૬૧) કાળગણનાની દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રવાસકથા છે. ઇંગ્લૅન્ડના પ્રવાસવર્ણનના આ દળદાર ગ્રન્થમાં, ગ્રેટબ્રિટન વિશે જેવી અને જેટલી જાણકારી મેળવી તેનો વધુમાં વધુ લાભ દેશવાસીઓને આપવાની લેખકની પત્રકારવૃત્તિનું સ્પષ્ટ દર્શન થાય છે. આ સમયગાળામાં દીનશાહ તાલેયારખાં, અરદેશર મુસ, ફરામજી પીટીટ, જહાંગીર, મર્ઝબાન, આદરજી પેટીવાળા વગેરે પારસી પ્રવાસીઓએ દેશવિદેશના પોતાના પ્રવાસ-અનુભવોને પુસ્તકરૂપમાં રજૂ કર્યા છે. એમાં જહાંગીર મર્ઝબાન મુખ્ય છે. ‘મોદીખાનાથી મારસેલ્સ’, ‘વીલાયતી વેહેજાં,’- ‘ગોરૂં વીલાયત’ જેવા પ્રવાસગ્રંથોમાં તેમણે યુરોપ પ્રવાસના વિલક્ષણ અનુભવોનું રોમાંચક, નાટયાત્મક નિરૂપણ કર્યું છે. આરંભકાળમાં બિનપારસી લેખકો કરતાં પારસી લેખકો દ્વારા પ્રવાસસાહિત્ય વધુ પુષ્ટ બન્યું છે. પરદેશગમન-નિષેધની જડ ધર્માંધ રૂઢિમાં જકડાયેલ હિંદુ સમાજનો વિરોધ-રોષ વહૉરી લઈને, મહીપતરાય નીલકંઠ તથા કરસનદાસ મૂળજી જેવા સુધારક વીરોએ પરદેશપ્રવાસનું સાહસ ખેડ્યું હતું તેના પરિણામ સ્વરૂપે અનુક્રમે ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને ‘ઇંગ્લંડમાં પ્રવાસ’ નામનાં સચિત્ર પ્રવાસપુસ્તકો પ્રાપ્ત થાય છે. ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ હિંદુ લેખકો દ્વારા લખાયેલી પ્રવાસકથાઓમાં સમયાનુક્રમે પ્રથમ આવે છે. ટૂંકા ગાળામાં તેની પાંચ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. સીધાં સંબોધન, ઉદ્બોધન, વાતચીત, પ્રશ્નાવલિઓયુક્ત લાક્ષણિક અભિવ્યક્તિ દ્વારા પ્રવાસના વિસ્મય-આનંદનો અનુભવ કરાવતી સુધારાયુગની આ બંને પ્રવાસકથાઓ એકંદરે સુવાચ્ય છે. પંડિતયુગમાં પ્રવાસના સ્વરૂપવિષયક ખ્યાલથી તદ્દન અનભિજ્ઞ એવા મુગ્ધ પ્રવાસી ‘કલાપી’ પાસેથી પ્રવાસના સાહિત્યિક કલાવિધાનને (ભલે આંશિક રીતે) ચરિતાર્થ કરતી કૃતિ ‘કાશ્મીરનો પ્રવાસ’ મળે છે. આ સમયની અન્ય પ્રવાસકથાઓમાં ‘ગોમંડળ પરિક્રમણ’, ‘મહીસુરની મુસાફરી’, ‘પ્રવાસ પુષ્પાંજલિ’, ‘પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘ઉત્તર ધ્રુવથી ખારટૂમ’ વગેરે નોંધનીય છે. ગાંધીયુગ પ્રવાસસાહિત્યની દૃષ્ટિએ માતબર રહ્યો છે. આ યુગના અગ્રણી પ્રવાસી કાકાસાહેબ કાલેલકરે ‘હિમાલયનો પ્રવાસ’, ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, ‘ઉગમણો દેશ’, ‘પૂર્વ આફ્રિકામાં’ જેવાં પ્રવાસપુસ્તકો તથા ‘લોકમાતા’, ‘જીવનલીલા’, ‘રખડવાનો આનંદ’ વગેરે પ્રવાસનિબંધો આપીને ગુજરાતી પ્રવાસસાહિત્યને ઇયત્તા, ગુણવત્તા અને વૈવિધ્યની દૃષ્ટિએ સમૃદ્ધ કર્યું છે. તેમાં પણ તેમની પ્રથમ પ્રવાસકૃતિ ‘હિમાલયનો પ્રવાસ’ તો પ્રવાસ-સાહિત્યની જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે. હિમાલય માટે કાકાસાહેબના હૃદયમાં અપ્રતિમ ભક્તિભાવ અને સર્વાધિક આકર્ષણ હતું. આથી જ તેમની આંતર-ગંગોત્રીમાંથી હિમાલયનાં અનોખાં પ્રેમચિત્રો સર્જાયાં છે. હિમાલયને ખોળે ખેલતાં ખેલતાં પ્રકૃતિપ્રેમી પ્રવાસીનું ભાવવિશ્વ સતત સક્રિય રહ્યું છે. ગાંધીયુગના ખ્યાત કવિ સુંદરમે ‘દક્ષિણાયન’ નામની પ્રવાસકથામાં દક્ષિણભારતની સંવેદનયાત્રાનું રોચક આલેખન કર્યું છે. કલાનુરાગી પ્રવાસીની શ્રદ્ધાભક્તિનું એક જુદું જ પરિમાણ અહીં અનુભવાય છે. આ ગાળામાં ઝવેરચંદ મેઘાણી, રવિશંકર રાવળ, રતિલાલ ત્રિવેદી, પદ્માવતી દેસાઈ, ડુંગરશી સંપટ, હિંમતલાલ તુનારા, ભોગીલાલ સાંડેસરા, ક.મા. મુનશી, વિજયરાય વૈદ્ય, મણિલાલ દ્વિવેદી, નાનજીભાઈ મહેતા વગેરે સર્જકોએ પ્રવાસનાં માહિતીપૂર્ણ વિગતલક્ષી વર્ણનો લખ્યાં છે. તેમાં સ્થળ-સમયની માહિતી સર્જકની ચેતના સાથે એકરૂપ થઈને ન અવતરતાં, એ માત્ર સ્થૂળ ભ્રમણવૃત્તો જેવાં લાગે છે. ચંદ્રવદન મહેતાકૃત ‘ગઠરિયાં’ ગ્રન્થમાળામાં યોજાયેલી અભિનવ કથનરીતિ, લેખકની મૌલિક સર્ગશક્તિની દ્યોતક છે. નાટક-સંગીત-કળાની નિરાળી સૃષ્ટિનાં તથા તેમાંની, વિલક્ષણ મિજાજની સંખ્યાબંધ વ્યક્તિઓ સાથેની મુલાકાતો સંબદ્ધ અનેકવિધ પ્રસંગ-ઘટનાઓનાં શબ્દચિત્રો લેખકની અરૂઢ લાગે તેવી શૈલીને લઈ આગવી હૃદ્યતા ધરાવે છે. વ્યક્તિત્વની નિજી મુદ્રા ધરાવતી વિશિષ્ટ ગદ્યશૈલીને કારણે ‘ગઠરિયાં’ ગ્રન્થમાળા આપણા પ્રવાસસાહિત્યમાં અનન્ય સ્થાનની અધિકારી છે. આ જ અરસામાં રસિક ઝવેરીરચિત ‘અલગારી રખડપટ્ટી’માં પ્રવાસસાહિત્યનું નિરાળું રૂપ અનુભવાય છે. દુનિયાના મહાનગર લંડનના પ્રવાસ દરમિયાન ત્યાંનાં માનવ અને માનવસર્જિત સૃષ્ટિ જોડે ઝવેરીને વિશેષ નિસબત રહી છે. ગુલાબદાસ બ્રોકરચિત ‘નવા ગગનની નીચે’ યુરોપના ‘માનવી’ની વિરલ કથા છે. એ ઉપરાંત શિવકુમાર જોશી, ઉમાશંકર જોશી, સ્વામી આનંદ, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુ પંડ્યા, જિતેન્દ્ર દેસાઈ, રમણલાલ ચી. શાહ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તા વગેરે પ્રવાસી સર્જકોએ પ્રવાસસાહિત્યને સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમાં ભોળાભાઈનું નામ વિશેષ સ્મરણીય છે. તેમની પ્રબળ યાયાવરવૃત્તિ તેમને મહાનગરીય ભીડમાંથી પ્રકૃતિ-સંસ્કૃતિનાં વિવિધ તીર્થોના સાન્નિધ્યમાં મૂકી આપે છે. જેના પરિણામસ્વરૂપે સર્જાય છે. ‘વિદિશા’, ‘રાધે તારા ડુંગરિયા પર’, દેવોની ઘાટી’, ‘દેવતાત્મા હિમાલય’ જેવી પ્રવાસકથાઓ. વાચકને સહયાત્રી બનાવી, તેની સાથે વાત કરતા હોય એ રીતે, પ્રવાસદર્શન સાથે તેમનાં વિચારસંવેદનો, સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્કાર વગેરે આંતર-સંપત્તિ એકરસ થઈને અહીં અવતરે છે. ૨૧મી સદીના પહેલા બે દાયકામાં કેટલાંક નોંધપાત્ર પ્રવાસ-ગ્રંથો પ્રકાશિત થયા છેઃ ‘ચિલિકા’-યજ્ઞેશ દવે (૨૦૦૨), ‘સફર માધુરી’ ધીરુભાઈ ઠાકર (૨૦૦૪), ‘બ્રિટનઃ આદમકદ અરીસામાં’ અદમ ટંકારવી (૨૦૦૫), ‘ઘુમવાં દીગ્દીગંતો’ વિનોદ મેઘાણી (૨૦૦૯), આ સમયનાં વિશેષ ધ્યાનપાત્ર પ્રવાસલેખક ભારતી રાણેનું ‘પગલાંનાં પ્રતિબિંબ’ (૨૦૧૦), ‘મારો એડિનબરાનો પ્રવાસ’ પ્રવીણસિંહ ચાવડા (૨૦૧૩), ‘વલ્તાવાને કિનારે’ રમણ સોની (૨૦૧૪), ‘લક્ષદ્વીપ પ્રવાસ’ સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૬), ‘નિરુદ્દેશે’ હસમુખ શાહ (૨૦૧૮), વગેરે. આમ, પ્રવાસકથાનો સાહિત્યપ્રવાહ સતત વિકાસશીલ રહ્યો છે. અલબત્ત, તેમાં સંખ્યાવૈપુલ્ય છતાં, આપણી રસકીય ચેતનાને તૃપ્ત કરે, આપણા સંસ્કારજીવનને સમૃદ્ધ કરે તેવી કૃતિઓ પ્રમાણમાં ઓછી છે. કોઈપણ પ્રવાસી પોતાના પ્રવાસ-અનુભવોનું સરસ આલેખન કરી શકે એવા ભ્રામક ખ્યાલે કરીને, સરેરાશ કક્ષાનાં ભ્રમણવૃત્તોની સંખ્યા ઝાઝી છે. વળી, આપણી વિવેચનપ્રવૃત્તિ પણ પ્રવાસકથાનો સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકાર કરવામાં પ્રમાણમાં અનુદાર-અનુત્સાહી રહી છે. પરિણામે સરેરાશ કક્ષાનાં થોકબંધ પ્રવાસવૃત્તાંતો પ્રકાશિત થતાં રહ્યાં છે. અ.બ.